૧૬. સ્થિર
શબ્દકોષ પ્રમાણે સ્થિર એટલે સ્થાયી, નિષ્ક્રિય, દૃઢ, મક્કમ એવા અર્થ થાય છે. સ્થિર એટલે હલન-ચલન વગરનું. અહીં અનાદિ મુક્તરાજ બાપાશ્રીએ પોતપોતાના ધર્મમાં દૃઢતાથી વર્તનારને સ્થિર કહ્યા છે. સ્થિર લક્ષણવાળા સંત ત્યાગાશ્રમમાં રહ્યા હોય કે ગૃહસ્થાશ્રમમાં રહ્યા હોય, પરંતુ જેઓ શ્રીહરિની આજ્ઞા મુજબ પોતપોતાના આશ્રમધર્મમાં દૃઢતાપૂર્વક યથાર્થ વર્તતા હોય તેેને સ્થિર લક્ષણવાળા કહ્યા છે.
શ્રીહરિએ શિક્ષાપત્રીમાં ત્યાગાશ્રમમાં રહેલા સાધુઓ માટેના અલગ ધર્મ - નિયમો આપેલા છે ને ગૃહસ્થાશ્રમમાં રહેલા હરિભક્તો માટે પણ અલગ ધર્મ - નિયમો આપેલા છે. ત્યાગાશ્રમમાં રહેલા સાધુ-બ્રહ્મચારીઓએ સ્ત્રીઓનાં દર્શન - ભાષણાદિકના પ્રસંગનો ત્યાગ કરવો, સ્ત્રેણ પુરુષના પ્રસંગાદિકનો ત્યાગ કરવો, કામાદિક અંતરશત્રુઓને જીતવા, સર્વે ઇંદ્રિયોને જીતવી, રસનાને વિશેષપણે જીતવી, દ્રવ્યનો સંગ્રહ કરવો-કરાવવો નહિ, કોઈની થાપણ ન રાખવી, ધીરજતાનો ત્યાગ ન કરવો, પોતાની જાયગામાં સ્ત્રીનો પ્રવેશ ન થવા દેવો. આપત્કાળ સિવાય એકલા ન ચાલવું, રજોગુણી, મૂલ્યવાન, રંગબેરંગી વસ્ત્રો પહેરવાં-ઓઢવાં નહિ, ભિક્ષા કે સભાપ્રસંગ સિવાય ગૃહસ્થના ઘરે જવું નહિ. ભક્તિ વગરનો વ્યર્થ કાળ કાઢવો નહિ, તાંબુલ, અફીણ, તમાકુ વગેરે દુર્વ્યસનોનો ત્યાગ રાખવો, કોઈ અજ્ઞાની જીવ ગાળ દે કે મારે તો તેનો પ્રતિકાર ગાળથી કે મારથી કરવો નહિ, તેનું હિત જ ચિંતવવું, પણ ભૂંડું થાય એવો સંકલ્પ પણ ન કરવો, નિષ્કપટપણે વર્તવું, અહંબુદ્ધિ ન કરવી, સ્વજનાદિકને વિશે મમતા ન કરવી, દૂતપણું કે ચાડિયાપણું ન કરવું વગેરે - વગેરે જે ત્યાગીના નિયમધર્મ છે તેમાં ત્યાગીએ સજાગપણે વર્તવું. એવી રીતે યથાર્થપણે વર્તે તો તે ત્યાગીમાં સ્થિરનું લક્ષણ દૃઢ થાય.
ગૃહસ્થોને આપેલા ધર્મનિયમો જેવા કે - પોતાના સમીપ સંબંધ વિનાની વિધવા સ્ત્રીઓનો સ્પર્શ ન કરવો, યુવાવસ્થામાં યુવાન અવસ્થાએ યુક્ત મા, બહેન, દીકરી સંગાથે આપત્કાળ સિવાય એકાંતમાં ન રહેવું, પોતાની સ્ત્રીનું દાન કોઈને ન કરવું. રાજા અથવા હાલના સંજોગોમાં રહેલા રાજકીય સત્તાધીશો - અધિકારીઓ - નેતાઓ વગેરે સાથે વ્યાવહારિક પ્રસંગવાળી સ્ત્રીનો પ્રસંગ ન રાખવો, અતિથિનું સામર્થ્ય પ્રમાણે સન્માન કરવું. દેવકર્મ ને શ્રાદ્ધાદિક પિત્રુકર્મ પોતાના સામર્થ્ય પ્રમાણે કરવું, માતા-પિતા-ગુરુ તથા રોગીની સામર્થ્ય પ્રમાણે જીવનપર્યંત સેવા કરવી, વર્ણાશ્રમને ઘટિત ઉદ્યમ - ધંધો - વ્યવસાય વગેરે કરવાં, આવશ્યકતા મુજબ અન્ન-દ્રવ્યનો પરિગ્રહ કરવો, સાક્ષીએ સહિત લખત કર્યા વિના પુત્ર - મિત્રાદિક સાથે પણ લેણ-દેણનો વ્યવહાર ન કરવો, ઉપજ આવક પ્રમાણે જ ખર્ચ કરવો, નિયમિત હિસાબ લખવો, ધર્માદો ચોખ્ખો કાઢવો, મંદિરનું કરજ ન કરવું, તીર્થમાં પારકું અન્ન ન ખાવું, ધનાઢ્યોએ શ્રીહરિના અહિંસામય યજ્ઞો કરવા, ઉત્સવ કરાવવા, સુપાત્રોને દાન આપવા વગેરે વગેરે જે ગૃહસ્થાશ્રમમાં રહેલા ભક્તોના ધર્મનિયમ છે તે પ્રમાણે ગૃહસ્થ હરિભક્તોએ જાગૃતપણે વર્તવું.
આ રીતે ત્યાગી - ગૃહી ભક્તો શ્રીહરિની આજ્ઞા મુજબ ધર્મનિયમમાં વર્તે તો ઉત્તમ પ્રકારનું ચારિત્ર્ય નિર્માણ થાય અને જીવન સુખ-શાંતિ ને આનંદમય વિતે. પ્રભુની પ્રસન્નતા થવાથી આધ્યાત્મિક ઉત્કર્ષમાં આવતાં સર્વ દુઃખો, કષ્ટો ને વિઘ્નોથી રક્ષા થાય ને સુખે પ્રભુપરાયણ જીવન વ્યતિત કરી શકાય. આ રીતે જાગૃતિપૂર્વક વર્તવાથી સ્થિર લક્ષણ સિદ્ધ થાય છે.
ભૌતિક જગતમાં રહેલાં દ્વંદ્વો સુખ-દુઃખ, માન-અપમાન, હર્ષ-શોક, રાગ-દ્વેષ, શત્રુ-મિત્ર, શીત-ઉષ્ણ, નિંદા-સ્તુતિ, લાભ-હાનિ અનુકૂળતા-પ્રતિકૂળતા વગેરેમાં સ્થિર - સ્થિતપ્રજ્ઞ રહેવું એ પણ સ્થિરનું લક્ષણ છે. સાધકે ધ્યાન અને મૌનના અભ્યાસ દરમિયાન મનમાં ઊઠતા વિચાર તરંગોને સાક્ષીભાવે, તટસ્થભાવે જોયા કરવા જોઈએ. તે વિચાર તરંગો ગમે તેવા શુભ - અશુભ, યોગ્ય - અયોગ્ય, સારા - નરસા ગમે તેવા હોય, ફક્ત તેને જોયા કરવા. તેના પ્રત્યે કોઈ પણ પ્રકારનો પ્રતિભાવ નહિ આપવાનો, કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા નહિ આપવાની. શુભ તરંગ પ્રત્યેની હર્ષની લાગણી કે રાગની લાગણી નહિ થવા દેવાની કે અશુભ તરંગ પ્રત્યે શોકની કે દ્વેષની લાગણી નહિ થવા દેવાની. ફક્ત દૃષ્ટાભાવે તે તરંગોને નિહાળ્યા કરવાના. માત્ર યાંત્રિક રીતે પ્રભુના સ્વરૂપનું ધ્યાન કરવાથી કોઈ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી, પણ એ ધ્યાનના અભ્યાસ દરમિયાન મનમાં ચાલતી આવી સૂક્ષ્મ ક્રિયાઓનું કેવળ દૃષ્ટાભાવે, સાક્ષીભાવે અવલોકન કરવાનું. આવી રીતના ધ્યાનના લાંબા ને સઘન અભ્યાસથી મનમાં સ્થિરતા આવે છે.
મનમાં એવી સ્થિરતા આવે ત્યારે જેમ વાયુ વગરના સ્થાનમાં દીપકની જ્યોત સ્થિર અને અડોલ રહે છે, તેમ સાધક સ્થિર અને સ્થિતપ્રજ્ઞ બને છે. એવી સ્થિરતા આવવાથી ચિત્તમાં ઉદ્ભવતા સઘળા તરંગો ધીમે-ધીમે શાંત થતાં આત્માની અનુભૂતિ થાય છે. તેવા શાંત ચિત્તમાં પ્રભુના સ્વરૂપનું દિવ્યભાવે ધ્યાન ધરતાં નિર્વિકલ્પ સમાધિ અર્થાત્ પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે.
આત્મા-પરમાત્માના અખંડ સાક્ષાત્કારની સ્થિતિ થતાં સંતમાં સંપૂર્ણપણે સ્થિર લક્ષણ સિદ્ધ થઈ જાય છે. આવી સ્થિતિ પ્રાપ્ત કરવા માટે સાંખ્યજ્ઞાન દ્વારા દેહાદિકના ભાવથી રહિત થઈ દૃષ્ટાભાવથી આંતર-બાહ્ય સમગ્ર ઘટનાઓને સાક્ષીરૂપે અવલોકન કરી સ્થિરતા કેળવવાનો આગળ કહ્યું તેમ અભ્યાસ કર્યા કરવો અનિવાર્ય છે. વ્યવહાર જગતમાં પણ કોઈની પ્રત્યે મમતા કે આસક્તિમાં પોતાની જાતને નહિ તણાવા દેવાની કે કોઈની પ્રત્યે ઘૃણા - તિરસ્કારની ભાવના કે દ્વેષભાવ પણ વ્યક્ત નહિ કરવાનો. ક્રોધાગ્નિને ઉત્પન્ન થતાં જ દૃષ્ટાભાવે શાંત કરી દેવાનો. વિષય સંબંધી ભોગબુદ્ધિ ઉદય થાય ત્યારે પણ હું આત્મા છું, પ્રભુરૂપ પ્રભુના સ્વરૂપમાં રહેલો મુક્ત છું એવા ઉત્કૃષ્ટ દિવ્યભાવથી એ કામાદિકના ભાવતરંગોને શાંત કરી દેવા. કોઈક આકસ્મિક ઘટના કે અનિષ્ટ પ્રસંગ પ્રત્યે પણ ભયભિત કે વ્યથિત બન્યા સિવાય તેમાં પ્રભુની મરજી હશે તેમ માની શાંત રહેવા, સ્વસ્થ રહેવા પ્રયત્ન કરવો. આધિ - વ્યાધિ - ઉપાધિમાં પણ એક શ્રીહરિ જ સર્વકર્તા-હર્તા છે એવી દૃઢ શ્રદ્ધા દ્વારા સહનશક્તિ કેળવવી. આવા બધા ઉપાયોથી પણ સાધક સંતમાં સ્થિરનોે ગુણ વિકસિત થાય છે. જેણે સ્થિર લક્ષણ આત્મસાત્ કર્યું હોય તેના પ્રસંગમાં રહેવાથી તેમની કૃપા સંપાદન કરવાથી પણ સાધકમાં તે ગુણ આવે છે.