૨૮. કવિ
કવિ એટલે કાવ્યની રચના કરનાર, આર્ષદૃષ્ટા, વિદ્વાન એવા અર્થ પણ થાય છે. અહીં અનાદિ મુક્તરાજ બાપાશ્રીએ જીવ, માયા, ઈશ્વર, બ્રહ્મ, અક્ષર તથા પરબ્રહ્મ તેમના સ્વરૂપને યથાર્થ જાણનારા એવું અર્થઘટન કર્યું છે, જે વાસ્તવિક છે. આ બધાં તત્ત્વોને યથાર્થ સ્વરૂપમાં જાણનાર સર્વવિદ્ બની જાય છે ને તેને આધ્યાત્મિક ક્ષેત્રે વિશેષ જાણવાનું કાંઈ શેષ રહેતું નથી અને તે સાચા અર્થમાં કવિ બને છે. આ બધાં સ્વરૂપોના ભેદ ઉપર તો મોટા ગ્રંથો લખી શકાય એટલું વિશાળ તથા ગહન તત્ત્વજ્ઞાન એમાં રહેલું છે, પરંતુ અહીં તો તેને સંક્ષિપ્તમાં વર્ણવી સંતોષ માનીશું.
શ્રીહરિ શિક્ષાપત્રી શ્લો. ૧૦૫માં કહે છે :-
हत्स्थोडणुसुक्ष्मश्चिद्रुपो ज्ञाता व्याप्याडखिलां तनुम् |
ज्ञानशकत्या स्थितो जीवो ज्ञेयोडच्छेद्यादिलक्षणः || १०५ ||
‘‘અને જે જીવ છે તે હૃદયને વિશે રહ્યો છે, ને અણુસરખો સૂક્ષ્મ છે ને ચૈતન્યરૂપ છે, ને જાણનારો છે. અને પોતાની જ્ઞાનશક્તિએ કરીને નખથી શિખા પર્યંત સમગ્ર પોતાના દેહ પ્રત્યે વ્યાપીને રહ્યો છે અને અછેદ્ય, અભેદ્ય, અજર, અમર ઇત્યાદિક છે લક્ષણ જેનાં એવો જીવ છે એમ જાણવો.’’
જીવ ચૈતન્ય તત્ત્વ છે તેનો કદી પણ નાશ થતો નથી. તેના અખંડ, અવિનાશી, અચ્યુત, અજર, અમર, અક્ષય, અછેદ્ય, અભેદ્ય વગેરે ગુણો છે ને તે નિત્ય છે. જીવ સંખ્યામાં અનંત છે. તે નિરંશ છે. તે પરમાત્માનો અંશ નથી, કારણ કે પરમાત્મા પણ અખંડ, અચ્યુત છે. પરમાત્મા ખંડિત થઈને જીવ, ઈશ્વરરૂપે થતા નથી. જેમ પરમાત્મા અનાદિ છે, તેમ જ જીવ, માયા, ઈશ્વર, બ્રહ્મ પણ અનાદિ જ છે. પરમાત્માએ જીવોનું સર્જન નથી કર્યું, કારણ કે અનાદિ એવી માયાના અજ્ઞાન - અવિદ્યારૂપ આવરણમાં જીવ પણ અનાદિકાળથી છે. જીવો અપૂર્ણ છે ને પરમાત્મા પૂર્ણ છે. પૂર્ણ પરમાત્માને અપૂર્ણ એવા જીવોને પૂર્ણ કરવા માટેની નિષ્કારણ કૃપાના સંકલ્પથી જ સૃષ્ટિની રચના થઈ છે. ભૌતિક ઉત્ક્રાંતિમાં જીવો વિકાસ પામતા પામતા મનુષ્યરૂપે થાય છે ને મનુષ્ય શરીરમાં જ જીવની આધ્યાત્મિક ઉત્ક્રાંતિ શક્ય બને છે. જીવની ઉપર સ્થૂળ - સૂક્ષ્મ - કારણ શરીરનાં આવરણો રહેલાં છે. જીવાત્મા મૂળ માયાનાં અજ્ઞાન - અવિદ્યારૂપ આવરણોને લઈને અણુ સરખો સૂક્ષ્મ ભાસે છે. શરીરમાં હૃદયચક્રમાં રહેલો હોવા છતાં પોતાની જ્ઞાનશક્તિ દ્વારા નખ-શિખાંત પોતાના દેહમાં વ્યાપીને રહ્યો છે. પોતાના ઇંદ્રિયો - અંતઃકરણ દ્વારા બાહ્ય શબ્દાદિક વિષયોને ભોગવે છે ને અહંકારને લઈને પોતાની કર્તુવૃત્તિથી પોતાને કર્તા-ભોક્તા માની સુખ-દુઃખનો અનુભવ કરતો થકો શુભ-અશુભ કર્મોના સંસ્કારો બાંધતો થકો દેહાત્મબુદ્ધિ સાથે બંધાયેલો રહે છે. જીવાત્મા પોતાનાં કર્મો અનુસાર જન્મ-મરણના ચક્રમાં ફરતો રહે છે. ગમે તેટલા દેહ ધારણ કર્યા હોવા છતાં તેનો નાશ થતો નથી. જે જીવને જેના દેહ થકી દેહ ધરવાનો કર્મસંબંધ પ્રાપ્ત થયો હોય તેના થકી જ તેનો દેહ ઉદ્ભવે છે. ઉદ્ભિજ્જ, સ્વેદજ, અંડજ ને જરાયુજ એમ ચાર પ્રકારે જીવોના દેહની ઉત્પત્તિ થાય છે. જ્યાં સુધી જીવનો આત્યંતિક મોક્ષ ન થાય, ત્યાં સુધી વિવિધ પ્રકારની ૮૪ લાખ યોનિમાં જન્મ લીધા કરે છે.
ભગવદ્ગીતાના ૧૫મા અધ્યાયમાં કહ્યું છે :-
ममैवांशो जीवलोके जीवभूतः सनातनः |
मनः षष्ठानींद्रियाणी प्रकृतिस्थानि कर्षति || ७ ||
‘‘આ સંસારમાં મારા અંશભૂત એવા જે જીવ છે, તે પાંચ જ્ઞાનેન્દ્રિયો ને છઠ્ઠું મન, તેને પોતપોતાના વિષયમાંથી પાછાં વાળીને નિયમમાં રાખે છે.’’ આમાં શ્રીકૃષ્ણ ભગવાને જીવને પોતાનો અંશ કહ્યો છે, પણ તે સર્વ જીવો પ્રત્યે લાગુ નથી પડતું. એ તો ભગવાનના ગુણ તથા ધર્મ, જ્ઞાન, વૈરાગ્યાદિક જેમાં આવ્યા હોય એવા એકાંતિક ભક્ત પરત્વે છે. એટલે વિષયોમાં પ્રવર્તતા ઇંદ્રિયો - અંતઃકરણ ઉપર જેમણે વિજયરૂપ ભગવાનના ઐશ્વર્યનો અંશ પ્રાપ્ત કર્યો હોય એવા મુક્ત જીવને અંશ કહ્યા છે અને તે પણ અગ્નિમાંથી નીકળેલા તણખા વિસ્ફુલિંગ જેમ નહિ, પરંતુ મુક્તો ભગવાનના ઐશ્વર્યાંશ છે એમ સમજવાનું છે, પણ ભગવાનરૂપ અગ્નિમાંથી છૂટા પડેલા તણખાની જેમ જીવને અંશ સમજવાના નથી. વચનામૃત ગ. મધ્ય ૮માં પણ જેઓ ઇંદ્રિયોના દોર્યા દોરાતા નથી એવા મુક્તોને જ ભગવાનના અંશ કહ્યા છે. જીવાત્મા સ્ત્રી કે પુરુષ પણ નથી. તે કોઈનો સંબંધી પણ નથી. જ્ઞાતિભેદ, જાતિભેદ, વર્ણભેદ, લિંગભેદથી તે પર છે. જીવને દેહાત્મબુદ્ધિ દ્વારા જ આ બધા ભેદ ઉત્પન્ન થાય છે. જીવાત્માને સત્પુરુષ ને સત્શાસ્ત્રો દ્વારા આત્મા - પરમાત્માના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થવાથી, પરમાત્માની કૃપાથી માયાનાં આવરણોથી રહિત થઈ મુક્તદશાને પામે છે ત્યારે નિરાકારમાંથી દિવ્ય સાકારરૂપે થાય છે ને પૂર્ણદશાને પામે છે. આ જીવાત્મા ગમે તેટલાં સાધન કરવાથી પણ પોતાના સ્વરૂપનો સાક્ષાત્કાર અનુભવ કરી શકતો નથી. તેનો અનુભવ તો કેવળ પરમાત્માના સ્વરૂપનું ધ્યાન અને તે સ્વરૂપની માહાત્મ્ય જ્ઞાને સહિત ઉપાસના દ્વારા જ થાય છે તેમ જ પ્રત્યક્ષ જોઈ અનુભવી શકાય છે.
હવે માયાનું સ્વરૂપ વર્ણવતા શ્રીહરિ શિક્ષાપત્રી શ્લોક ૧૦૬માં કહે છે :-
त्रिगुणात्मा तमः कृष्णशक्तिर्देतदीययोः |
जीवस्य चाहंममताहेतुर्मायावगम्यताम् || १०६ ||
‘‘અને જે માયા છે તે ત્રિગુણાત્મિકા છે ને અંધકારરૂપ છે, ને શ્રીકૃષ્ણ ભગવાનની શક્તિ છે અને આ જીવને દેહ તથા દેહના જે સંબંધી, તેમને વિશે અહંમમત્વની કરાવનારી છે એમ માયાને જાણવી.’’
જીવ, માયા, ઈશ્વર, બ્રહ્મ, પરબ્રહ્મ આ પાંચ ભેદમાં માયાને પણ અનાદિ ગણી છે. માયા ત્રિગુણાત્મિકા છે, અર્થાત્ માયાના ત્રણ ગુણ છે - સત્ત્વ, રજ અને તમ.
આનંદ, તપ, શાંતિ, પ્રકાશ, પુણ્યશીલતા, સંતોષ, શ્રદ્ધા, આર્જવ, ત્યાગશીલતા અને ઐશ્વર્ય આ દસ ગુણો સત્ત્વગુણમાં છે.
અસ્થિરપણું, અકૃપણતા, વિષય ભોગવતાં દુઃખ આવે તો પણ તેમાંથી પાછું ન વળી શકાય, સંપ રહેવા ન દેવો, પોતાની મોટાઈ દેખાડવી, કામ એટલે વિષયભોગની ઇચ્છા, દ્રવ્ય-વિદ્યા વગેરેનો મદ, મત્સર અને અતિવાદ આ નવ ગુણ રજોગુણમાં છે.
તમ, મોહ, મોહામોહ, તામિસ્ત્ર ને અંધતામિસ્ત્ર - આ પાંચ ગુણ તથા નિદ્રા, પ્રમાદ, આળસ એમ તમોગુણના આઠ ગુણો છે. આમાં તમ એટલે સ્વરૂપ-અપ્રકાશ અર્થાત્ પોતાના સ્વરૂપનું વિવેક રહિતપણું મોહ એટલે વિપરીત જ્ઞાન દેહાદિમાં અહંબુદ્ધિ. મોહામોહ એટલે ભૌતિક વિષયભોગની તૃષ્ણા. તામિસ્ત્ર એટલે ક્રોધ અને અંધતામિસ્ત્ર એટલે વિષય નાશ પામે તો પોતાનું મૃત્યુ થાય એટલું દુઃખ થવું. આ અવિદ્યાના ગુણો છે. માયા અંધકારરૂપ છે એટલે તે જીવાત્માને પરમાત્માના સ્વરૂપ સંબંધી અજ્ઞાન અને પંચવિષયમાં આસક્તિરૂપ અજ્ઞાન તેણે કરીને આવરણ કરનારી છે. માયા શ્રીકૃષ્ણ ભગવાનની શક્તિ છે. એટલે મહાપુરુષરૂપ ઈશ્વર જે શ્રીકૃષ્ણ તેની શક્તિ છે. અર્થાત્ મહાપુરુષે સૃષ્ટિની ઉત્પત્તિ આદિ કાર્ય કરવા માટે કારણપણે અંગીકાર કરેલી શક્તિ છે. મહાપુરુષરૂપ ઈશ્વર એટલે મૂળપુરુષ - પ્રકૃતિપુરુષ. આ મૂળમાયા સાથે જોડાઈને પ્રધાનપુરુષરૂપ સૃષ્ટિની ઉત્પત્તિ કરે છે. તે પ્રધાનપુરુષ દ્વારા વૈરાજપુરુષની ઉત્પત્તિ થાય છે. માયાની ત્રિગુણાત્મક શક્તિ દ્વારા જીવો અને ઈશ્વરમાં અહંમમત્વ ઉત્પન્ન થાય છે. આ પ્રધાનમાયા અને મૂળમાયાનું મિશ્રિત સ્વરૂપ છે.
મૂળમાયા નિત્ય, અનાદિ ને અનંત છે. તે અવ્યય કહેતાં કોઈ દિવસ વિકાર પામતી નથી. તેને અનાદિ અજ્ઞાનરૂપે પણ કહેવાય છે. તે અનંતકોટિ પ્રધાન (પ્રધાનમાયા) અને પુરુષની ઉત્પત્તિનું કારણ છે. મૂળમાયા સુધી ક્ષર ભૂમિકાઓ છે એનાથી પર અક્ષર ભૂમિકાઓ છે. માયા જડચિદાત્મક છે. મહદાદિક સમગ્ર તત્ત્વ ને જીવમાત્ર તેનું ક્ષેત્ર છે. માયા જડચિદાત્મક છે એટલે એના દેહરૂપ જે ક્ષેત્ર તે પંચભૂતાત્મક છે ને જડ છે ને તેનો ચૈતન્ય એ ચૈતન્યરૂપ છે. ભૌતિક પંચ ભૂતાત્મક પરમાણુ જગતના ગુણધર્મો જે ખંડિતપણું, ચ્યૂતપણું, વિનાશીપણું, સતત પરિવર્તનશીલપણું, લયપણું, ક્ષયપણું, ક્ષરપણું, અનિત્યપણું, અશાશ્વતપણું, વિકારીપણું, લિપ્તપણું, મિથ્યાપણું, ભ્રાંતિયુક્તપણું વગેરે છે. તે ચૈતન્યપ્રકૃતિના ગુણધર્મોથી તદ્દન અલગ છે. માયિક વિષય સુખો એ સુખાભાસ માત્ર છે, પણ વાસ્તવિક નથી. માયાથી પર થયેલાને માયા ભ્રાંતિયુક્ત ને અસત્ય ભાસે છે. માયામાં આભાસ ને ભ્રાંતિ ઉત્પન્ન કરવાની શક્તિને લીધે જ માયાના આવરણમાં રહેલા જીવોને અહંમમત્વની ભાવના ઉત્પન્ન થાય છે ને તે જીવાત્મા પોતાને માયાથી બંધાયેલો અનુભવે છે. સત્પુરુષ દ્વારા આત્મા - અનાત્માનું ને પરમાત્માના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થાય છે ત્યારે જીવાત્મા માયાતીત, ગુણાતીત થાય છે.
જીવકોટિ, માયાકોટિ છે તેમ ઈશ્વરકોટિ પણ છે. પરમાત્માના સ્વરૂપના જ્ઞાન, ધ્યાન ને ઉપાસના દ્વારા આત્માને જ્યારે નિર્વિકલ્પ સમાધિ સ્થિતિ થાય છે ને તે નિષ્કામ હોય તો તેને પરમાત્માની પ્રાપ્તિરૂપ આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ થાય છે, પણ જે આત્મા સકામ હોય અને બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય કેવી રીતે થાય છે તે જોવા, જાણવાની ને કરવાની ઇચ્છાવાળા ઐશ્વર્યાર્થીઓ ઉત્પત્તિ આદિક કાર્યમાં જોડાઈ જાય છે ને પરમાત્માની અન્વય શક્તિ દ્વારા તે કાર્ય કરે છે. તેમાં મૂળ માયાની અંદર રહેલા વૈરાજપુરુષરૂપ ઈશ્વર, પ્રધાનપુરુષરૂપ ઈશ્વર તે ઇશ્વરકોટિમાં આવે છે. જીવો કરતાં તેમનામાં ઐશ્વર્ય, સામર્થ્ય અનેકગણું અપાર હોય છે. મૂળપુરુષરૂપ ઈશ્વર મૂળમાયાથી પર છે ને તે તેના ઉપરી વાસુદેવબ્રહ્મ પાસેથી ઐશ્વર્યસુખ ભોગવે છે ને તેમની શક્તિ દ્વારા મૂળમાયા સાથે જોડાઈને પ્રધાનપુરુષરૂપ બ્રહ્માંડોની ઉત્પત્તિ કરે છે. વાસુદેવબ્રહ્મ બ્રહ્મકોટિમાં ગણાય છે. તેઓ ઐશ્વર્ય, સુખ, શક્તિ એ બધું મૂર્તિમાન મૂળ અક્ષર દ્વારા મેળવે છે ને મૂળપુરુષ દ્વારા સૃષ્ટિની ઉત્પત્તિ કરાવે છે. મૂળમાયાથી પર મૂળપુરુષકોટિ, વાસુદેવબ્રહ્મકોટિ તથા મૂળઅક્ષરકોટિ ને મુક્તકોટિ આ સર્વે ચૈતન્ય ભૂમિકાઓ છે.
મૂળઅક્ષરોની પણ કોટિ છે તે મૂળ સૃષ્ટિકર્તા હોવાથી તેને મૂળઅક્ષર કહેવામાં આવે છે. તેમને ઐશ્વર્યનો રાગ હોવાથી પૂર્ણપુરુષોત્તમ પરમાત્માના નિત્ય સિદ્ધ અનાદિમુક્તની કે પરમએકાંતિક મુક્તની સ્થિતિ પ્રાપ્ત નથી થતી. તેમને શ્રીજીમહારાજનું પ્રત્યક્ષ દર્શન નથી, પરંતુ તેજ દ્વારા ઐશ્વર્યસુખ છે. પરમાત્મા શ્રીજીમહારાજનું તેજ જે અક્ષરબ્રહ્મ તે નિરાકાર છે ને પરમાત્માની અન્વય શક્તિ છે ને પરમાત્માની સાથે કાર્યકારણ ભાવ છે. તે તેજરૂપ અક્ષરબ્રહ્મ તે કોઈ વ્યક્તિવિશેષ નથી, પરંતુ પરમાત્માની અક્ષરધામરૂપ, ચિદાકાશરૂપ, બ્રહ્મરૂપ શક્તિ છે. આ બધાં તત્ત્વોનો વિસ્તાર અનાદિ મુક્તરાજ અબજીબાપાશ્રીએ વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકા ટીકામાં ખૂબ જ વિસ્તૃત રીતે સમજાવ્યો છે. તથા સત્સંગિજીવન ગ્રંથ, શિક્ષાપત્રી રહસ્યાર્થ તથા શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન સંસ્થા દ્વારા પ્રગટ થયેલ ‘વચનામૃત માર્ગદર્શિકા ભાગ-૧’માં પણ વિસ્તૃત રીતે સમજાવેલો છે તો ત્યાં થકી જાણવું. અહીં તો થોડો ખ્યાલ આવે તે હેતુથી સંક્ષિપ્તમાં લખ્યું છે.
પરબ્રહ્મ પરમાત્મા જે શ્રીજીમહારાજ, જે સ્વામિનારાયણ ભગવાન તે સર્વોપરી તત્ત્વ છે. તેનાથી પર બીજી કોઈ ભૂમિકા નથી. તે પરમાત્મા સ્વપ્રકાશમાન, સ્વરાટ્, સર્વતંત્ર-સ્વતંત્ર, સર્વજ્ઞ, સર્વાંતર્યામિ, પરાત્પર, સર્વકારણના કારણ છે. જીવકોટિ, ઈશ્વરકોટિ, માયાકોટિ, બ્રહ્મકોટિ, મૂળઅક્ષરકોટિ તેથી પર શ્રીજીમહારાજના પૂર્ણપાત્ર એવા એકાંતિક મુક્તો તેથી પર સિદ્ધદશાવાળા અક્ષરધામમાં રહેલા મહામુક્તો જે શ્રીજીમહારાજને સન્મુખભાવમાં રહી સુખ માણે છે - એવા પરમએકાંતિક મુક્તો અને લક્ષ્મીવત્ પ્રભુ સાથે પ્રેમાદ્વૈત સાધેલા કૈવલ્ય, નિત્યસિદ્ધ અનાદિમુક્તો જે મૂર્તિમાં રસબસ લીન રહી પરમાત્માના દિવ્ય સ્વરૂપ સંબંધી અખંડ દિવ્યસુખ ભોગવે છે. એ બધાના સ્વામી, આધાર, નિયંતા, કર્તા - હર્તા - ધર્તા - ધારક - પ્રેરક - પોષક - પ્રકાશક - કારણ, આત્મા, દૃષ્ટા, શરીરી, સાક્ષી, ક્ષેત્રજ્ઞ, સુખ - સામર્થ્ય - ઐશ્વર્ય ને અનંત દિવ્ય સુખના દાતા છે. રૂપ, ગુણ, લાવણ્ય, સૌંદર્ય, માધુર્ય, સૌશિલ્ય, ઐશ્વર્ય, પ્રતાપ, પ્રકાશ આદિ અનંત કલ્યાણકારી ગુણોના કારણ છે. સર્વના કર્તા - અકર્તા ને અન્યથા કર્તા છે. સર્વમાં અન્વય થકા વ્યતિરેક ને વ્યતિરેક થકા અન્વયપણે પાત્રતાની તારતમ્ય પ્રમાણે સર્વમાં વ્યાપક છે. સદાય દિવ્ય સાકાર છે. નિર્ગુણ - સગુણપણું જેનાં તેજરૂપ અક્ષરબ્રહ્મના ઐશ્વર્ય છે. એવા અનંત ગુણે યુક્ત શ્રી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. અનાદિ શ્રીકૃષ્ણ, અનાદિ નારાયણ પણ તેમને જ કહેવામાં આવે છે. શ્રીજીમહારાજ પોતાના ઐશ્વર્યાવેશ અવતારો જે રામ-કૃષ્ણાદિક તથા મૂર્તિમાંથી પ્રગટ થતા એવા જે મુક્તાવતારો આ બધા અવતારોના અવતારી ને સર્વોપરી છે.
આવી રીતે જીવ, માયા, ઈશ્વર, બ્રહ્મ, અક્ષર તથા પરબ્રહ્મ જે શ્રીજીમહારાજ તેમના સ્વરૂપને અનુભવ જ્ઞાને કરીને સાક્ષાત્કાર જ્ઞાને કરીને યથાર્થ જાણનારા અને તે સર્વ ભેદોનું તત્ત્વજ્ઞાન પાત્ર મુમુક્ષુઓને આપવામાં સમર્થ એવા પૂર્ણ સિદ્ધ મુક્તદશાવાળા સંતને કવિ કહેવાય છે. સાધક મુમુક્ષુ પણ સત્પુરુષનો જોગ-સમાગમ-સેવા કરી યથાર્થ જ્ઞાન પામીને તેનો સાક્ષાત્કાર કરે તો તેનામાં પણ કવિનું લક્ષણ સિદ્ધ થાય છે.