૨૬. મૈત્ર

મૈત્ર એટલે બધાના મિત્ર. સર્વ સાથે મિત્રભાવે વર્તનારા. બધા સાથે મિત્રભાવ રાખીને બધાને અંદરોઅંદર સંપ, સુમેળ અને ભાઈચારો પ્રવર્તાવવો એવા ગુણે યુક્ત હોય તે ખરા મૈત્ર છે. ‘વસુધૈવ કુટુંબકમ્‌’ સારું ય વિશ્વ એ પોતાનું કુટુંબ છે એવી ભાવના, વિશ્વબંધુત્વની ભાવના આવા સંતની પ્રકૃતિમાં વણાયેલી હોય છે.

સાચા સંતને સર્વત્ર પરમાત્માનાં દર્શન થતાં હોવાથી તેમને બધાં જીવપ્રાણીમાત્ર આત્મવત્‌ લાગે છે.

आत्मवत् सर्वे भूतेषु यः पश्यति सः पंडितः .

અર્થાત્‌ બધા જેને આત્મવત્‌ પોતાના જેવા લાગે છે, બધામાં આત્મા - પરમાત્માનો ભાવ રહે છે એ જ ખરો વિદ્વાન છે. સંતને શત્રુ અને મિત્ર એવો કોઈ ભેદ નથી લાગતો. તેઓ બધાની સાથે અભિન્નતા, આત્મીયતા અનુભવે છે. તેઓ બધા પ્રત્યે પ્રેમ ને કરુણાનો પ્રવાહ અખંડ વહેવડાવતા રહે છે. આ ઉચ્ચ જ્ઞાતિનો છે ને આ નીચ જ્ઞાતિનો છે, હલકો છે એવો ભેદભાવ તેમને કદીય ઉત્પન્ન થતો નથી. સંત પોતાને વર્ણ, આશ્રમ, જ્ઞાતિ, જાતિ, લિંગભેદ વગેરેથી પર શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ માનતા હોવાથી એવા બધા ભેદોથી પોતાની જાતને અલિપ્ત રાખી શકે છે. એટલે બધા સાથે મિત્રભાવ રાખવો એ સંતની સાહજિક પ્રકૃતિ હોય છે.

આવા સંતને પોતાનો સ્વાર્થ સાધવા માટે ક્યારેય પણ કોઈને ઠગવાનો, છેતરવાનો કે છળકપટ કરવાનો ભાવ લેશ માત્ર ઉદ્‌ભવતો નથી. જે સર્વપ્રકારે બધાનું હિત જ વિચારે, જેને ક્યારેય કોઈ પ્રલોભન કે સ્વાર્થલોલુપતા આકર્ષી ન શકે, જેમનામાં નિર્દંભપણું, નિઃસ્વાર્થપણું, નિખાલસતા, સાલસપણું, વિશાળતા, વાત્સલ્ય, સહૃદયપણું હોય એવા ગુણોએ યુક્ત સંત સાચા મૈત્ર છે. આવા મૈત્ર સંત પોતાના આત્મીયની પીડાને પોતાની ગણી તેની સર્વપ્રકારે સહાય કરવા તેમ જ રક્ષા કરવા પોતાનાં કષ્ટોને પણ નગણ્ય કરીને સદાય તત્પર રહે છે. આવા મૈત્રગુણે યુક્ત સંત પાસે મુમુક્ષુ પોતાનું હૃદય ખોલીને અંગતમાં અંગત વાત, અંગત મુશ્કેલીઓ, કષ્ટો બધું નિર્ભયતાથી ભરોસાપૂર્વક રજૂ કરી શકે છે. પોતાની અત્યંત ગોપ્ય વાત કરીને તે નિર્ભાર ને હળવોફૂલ થઈ શકે છે ને યથાયોગ્ય માર્ગદર્શન મેળવી પોતાની મુશ્કેલીઓ ને આપત્તિઓ દૂર કરી શકે છે.

મૈત્ર લક્ષણે યુક્ત સંત ક્યારેય કોઈને ગેરમાર્ગે દોરતા નથી. યોગ્ય માર્ગદર્શન દ્વારા વ્યવહાર જગતની વિટમણાઓ તેમ જ આધ્યાત્મિક જગતની અડચણો દૂર કરી સંગ કરનારનું સર્વપ્રકારે શ્રેય સાધે છે.

શ્રીહરિ વચનામૃત ગઢ. છે. ૨૧માં જણાવે છે :-

‘‘તમે સર્વે અમારે આશ્રિત થયા છો માટે અમારે તમને હિતની વાત હોય તે કહી જોઈએ, ને મિત્ર પણ તેને જ જાણવો જે પોતાનાં હિતની વાત હોય તે દુઃખ લગાડીને પણ કહે એ જ મિત્રનું લક્ષણ છે, તે સમજી રાખજો.’’

સાચો મિત્ર હોય એની વાત કડવી લાગે તો પણ તે હિત કરનારી હોવાથી સ્વીકાર્ય છે. સાચા સંત સાધક મુમુક્ષુને ક્યારેક વજ્રઘાત લાગે એવાં કડવાં વેણ કહીને પણ દેહ તથા દેહના સંબંધી પ્રત્યે અહંમમત્વની જે ભાવના છે, જે આસક્તિનો ને તીવ્ર અભિનિવેશનો ભાવ છે તે દૂર કરવા પ્રયત્ન કરે છે, ત્યારે સમજુ ને વિવેકી મુમુક્ષુ હોય તે સંતની વાત સત્ય માની તે પ્રમાણે પોતાનો જીવનપથ બદલી નાખે તો મહાસુખિયો થઈ જાય છે. અને જે વ્યક્તિ વાતને અવળી સમજી સંતનો અવગુણ અભાવ લે છે તેને મોક્ષ થવો દુષ્કર બની જાય છે. સત્પુરુષ જ્યારે મુમુક્ષુને પોતાના દોષ દૂર કરવા ક્રોધનો ભાવ વ્યક્ત કરે કે અતિ કઠણ વચન કહે તો મુમુક્ષુએ વિચારવું જોઈએ કે આમાં સંતને શો સ્વાર્થ સાધવાનો છે ? એ તો પૂર્ણકામ છે. તેઓ કેવળ મારા શ્રેય માટે જ કઠણ વચન કહે છે. તેઓ મારા દોષો ટાળવા માટે જ આવું કઠોર વર્તન દર્શાવે છે. એમ ગુણ ગ્રહણ કરી સંતને સર્વપ્રકારે નિર્દોષ માને તો પોતે પણ સર્વદોષોથી રહિત થઈ જાય છે. કારણ કે સંતની વાત માનવાથી તે સાધક ઉપર પ્રભુની ને સંતની પ્રસન્નતા ને કૃપા ઊતરે છે.

શ્રીજીમહારાજ પણ કહે છે કે જેના દોષો ટળી ગયા છે એવા સંત પાસે જ પોતાના દોષો કહેવા જોઈએ. મુમુક્ષુ સાધકે એ વાત લક્ષ્યમાં રાખવી જોઈએ કે તે કોઈ દંભી ને કપટી ગુરુની માયાજાળમાં તો ફસાતો નથી ને ? નહિતર બકરું કાઢતા ઊંટ પેસી જાય એવો ઘાટ થાય. માટે સાચા સંતને ઓળખીને તેમનામાં સંપૂર્ણ શ્રદ્ધા રાખીને તેમનો જોગ - સમાગમ- સેવા કરવાથી, તેમની સંપૂર્ણ શરણાગતિ સ્વીકારવાથી તેનું જીવન ધન્ય બની જાય છે.

સાચા સંતમાં પરમાત્માના કલ્યાણકારી ગુણો આત્મસાત્‌ થયેલા હોય છે. થોડી પરખશક્તિ ને વિવેક હોય તો પ્રભુની કૃપાથી સાચા સંતની ઓળખ મુમુક્ષુને ચોક્કસ થઈ જાય છે. સાચા સંતમાં શ્રીહરિએ જણાવેલાં સંતનાં ૩૨ લક્ષણો હોય છે. તેઓ શ્રીહરિની આજ્ઞા - ઉપાસનામાં અણિશુદ્ધ હોય છે. એવા સંતને ઓળખી તેમનો જોગ - સમાગમ - સેવા કરવા જોઈએ, તો પ્રભુપ્રાપ્તિનો માર્ગ સરળ બની જાય છે.

જેને આ લોકમાં યશ, કીર્તિ, પ્રસિદ્ધિ મેળવવાનો રાગ હોય, કે ધન ને સત્તા મેળવી વિષયભોગની વાંછના હોય એવા દંભી - કપટી ગુરુઓ પણ સંત તરીકે ભોળી પ્રજા દ્વારા પૂજાતા હોય છે. તેઓ ઠગવિદ્યામાં ને છેતરપિંડી કરવામાં નિષ્ણાત હોય છે. એવાને ઓળખીને મુમુક્ષુએ તેનાથી હંમેશાં દૂર રહેવું. નહિતર એવા પાસે જવાથી જીવન બરબાદ થઈ જાય છે. એવા દંભી ગુરુઓનો ક્યારેય કુસંગ ન થાય એવી શ્રીહરિને દરરોજ પ્રાર્થના કર્યા કરવાથી પ્રભુ ચોક્કસ રક્ષા કરે છે ને સહાય કરે છે, અને સાચા સંત મેળવી આપે છે. સાચા મૈત્ર લક્ષણેયુક્ત સંત ક્યારેય કોઈને ઠગતા નથી, કારણ કે તેમને આ લોકમાં કોઈ જ સ્વાર્થ સાધવાનો હોતો નથી, તેઓ પૂર્ણકામ હોય છે. એવા સંતના જોગ-સમાગમ-સેવાથી જોગ કરનારમાં પણ ધીમે ધીમે મૈત્રનું લક્ષણ સિદ્ધ થઈ જાય છે.