૨૪. માનદ
સંતમાં અમાનીનું લક્ષણ હોવાથી તેમને માટે માન-અપમાન બંને સમ વર્તે છે, પણ અન્યને માન આપવું, સન્માન કરવું એવો માનદનો ગુણ પણ તેમનામાં વિકસેલો હોય છે. વ્યક્તિને વ્યાવહારિક - સાંસારિક યોગ્યતા પ્રમાણે તથા તેની આધ્યાત્મિક યોગ્યતા પ્રમાણે સંત તે વ્યક્તિને માન આપે છે, તેનો યથોચિત સત્કાર - સન્માન કરે છે. આવો વિવેક તેઓ બરોબર જાળવે છે ને સાધનદશાવાળાને પણ એવો વિવેક જાળવવાનું શીખવે છે. આધ્યાત્મિક ક્ષેત્રમાં અપક્વ સ્થિતિમાં સાધકને એમ થાય છે કે આપણે શું કામ કોઈને માન-સન્માન આપવું ? આપણે અન્ય વ્યક્તિ સાથે શી લેવાદેવા ? મહારાજે પણ કહ્યું છે કે સભામાં કોઈ મોટો માણસ આવે તો તેને આગળ બેસાડવો, એનું સન્માન કરવું. ગૃહસ્થને માટે જ આવો નિયમ છે એવું નથી સમજવાનું, ત્યાગીએ પણ પ્રતિષ્ઠિત વ્યક્તિનું સન્માન - સત્કાર કરવા જોઈએ. જો એવો વિવેક ન જળવાય તો ઘણી વખત મોટી આપત્તિ પણ આવી જાય છે, માટે એવો વિવેક જાળવવાની શ્રીજીમહારાજે આજ્ઞા કરી છે. શ્રીજીમહારાજ પણ નાની-મોટી ગમે તે વ્યક્તિને ક્યારેય તુંકારે નહોતા બોલાવતા, એમ સત્પુરુષોમાં પણ તેવો ગુણ હોય છે. પોતાનાથી ઉંમરમાં, હોદ્દામાં, સ્થિતિમાં નાના હોય તેમને પણ માનવાચક શબ્દ ‘તમે’ કે ‘આપ’ કહીને સત્પુરુષો બોલાવતા હોય છે.
શ્રીહરિ શિક્ષાપત્રી શ્લો. ૬૮માં જણાવે છે :-
यादृग्गुणे यः पुरुषस्तादृशा वचनेन सः |
देशकालानुसारेण भाषणियो न चान्यथा || ६८ ||
અને જે પુરુષ જેવા ગુણવાળો હોય તે પુરુષને તેવા વચને કરીને દેશકાળાનુસારે યથાયોગ્ય બોલાવવો પણ એથી બીજી રીતે ન બોલાવવો.
શ્રીહરિ કહે છે કે જે પુરુષમાં જેવા ગુણ હોય, એટલે કે જાતિ, કુળ, વિદ્યા, તપ, યોગ, ઐશ્વર્ય, પ્રતાપ આદિ જે જે વિશિષ્ટ ગુણો જેમાં હોય તેને તે પ્રમાણે દેશ અને કાળને અનુસરીને બોલાવવો.
અને જે પુરુષ જેવા ગુણવાળો હોય તે પુરુષને તેવા વચને કરીને દેશકાળાનુસારે યથાયોગ્ય બોલાવવો પણ એથી બીજી રીતે ન બોલાવવો.
શ્રીહરિ કહે છે કે જે પુરુષમાં જેવા ગુણ હોય, એટલે કે જાતિ, કુળ, વિદ્યા, તપ, યોગ, ઐશ્વર્ય, પ્રતાપ આદિ જે જે વિશિષ્ટ ગુણો જેમાં હોય તેને તે પ્રમાણે દેશ અને કાળને અનુસરીને બોલાવવો.
ઉદાહરણરૂપે કોઈક ગુરુને પોતાનો શિષ્ય ગુણસંપન્ન હોય ને તેને પોતાના નિવાસસ્થાને પ્રેમથી ‘તું’ કહીને બોલાવતા હોય તો પણ સભાસ્થાન વગેરે જાહેર સ્થાને તો તેને ‘તમે’ એવા માનવાચક શબ્દથી જ બોલાવવો. એવી રીતે પોતાનો કોઈક શિષ્ય વૃદ્ધ હોય તો પણ તેને ‘તમે’ એવા માનવાચક શબ્દથી જ સંબોધવો. આવો વિવેક સમજવો.
શ્રીહરિ શિક્ષાપત્રી શ્લો. ૬૯માં પણ કહે છે :-
गुरुभुपालवर्षिष्ठत्यागि विद्वत्तपस्विनाम् |
अभ्युत्थानादिना कार्यः सन्मानो विनयान्वितैः || ६९ ||
અને વિનયે કરીને યુક્ત એવા જે અમારા આશ્રિત સત્સંગી તેમણે ગુરુ, રાજા, અતિવૃદ્ધ, ત્યાગી, વિદ્વાન અને તપસ્વી એ છ જણા આવે ત્યારે સન્મુખ ઊઠવું તથા આસન આપવું તથા મધુર વચને બોલાવવું ઇત્યાદિક ક્રિયાએ કરીને એમનું સન્માન કરવું.
દીક્ષાગુરુ જે મંત્રોપદેશ આપનાર, વર્તમાન ધરાવી કંઠી બાંધનાર, બ્રહ્મવિદ્યા આપી શ્રીહરિની મૂર્તિનો સાક્ષાત્કાર કરાવનાર, વિદ્યા ભણાવનાર અને પિતા આટલા ગુરુની વ્યાખ્યામાં આવે છે. રાજા એટલે અત્યારના રાજકીય કક્ષાના પ્રધાનો વગેરે અધિકારી વર્ગ, વયમાં વૃદ્ધ હોય તેવી વ્યક્તિ, ત્યાગ - વૈરાગ્યવાન વ્યક્તિ, સત્શાસ્ત્રોના અભ્યાસી વિદ્વાન વ્યક્તિ તથા વ્રતપરાયણ તપસ્વી એટલી વ્યક્તિ આવે ત્યારે પોતાના આસનેથી ઊઠવું, પ્રણામ કરવા, આસન આપવું વગેરે ક્રિયાઓથી સન્માન કરવું એવી આજ્ઞા છે. જો એમ ન કરે તો ઘણીવાર મહા અનર્થ સર્જાય છે અને ક્યારેક અણકલ્પેલી આપત્તિ આવી જાય છે, કારણ કે વિશિષ્ટ ગુણો ધરાવતી વ્યક્તિ કે પ્રતિષ્ઠિત વ્યક્તિનું યથાયોગ્ય સન્માન ન થાય તો તેને માનભંગ જેવું થવાથી ક્યારેક તે અવિચારી પગલાં પણ ભરી બેસે છે. ઇતિહાસમાં દુર્વાસામુનિ વગેરે મુનિઓના શ્રાપથી અનર્થ સર્જાયા હોય એવા પ્રસંગો વર્ણવેલા છે.
વળી શિક્ષાપત્રી શ્લો. ૭૫માં શ્રીહરિ કહે છે :-
गुह्यवार्ता तु कस्यापि प्रकाश्या नैव कुत्रचित् |
समदष्टया न कार्यश्च यथार्हार्चाव्यतिक्रमः || ७५ ||
આમાં બીજી પંક્તિનો ભાવ છે - જે જીવનું જેવી રીતે સન્માન કરવું ઘટતું હોય તેનું તેવી રીતે જ સન્માન કરવું, પણ સમદૃષ્ટિએ કરીને એ મર્યાદાનું ઉલ્લંઘન કરવું નહિ.
અર્થાત્, ‘સમદૃષ્ટિ રાખીને’ એટલે સર્વને વિશે એક જ બ્રહ્મ - પરમાત્મા છે એ પ્રકારની બુદ્ધિ રાખીને પૂજાસેવાના યથાયોગ્ય વિવેકનું ઉલ્લંઘન કરવું નહિ, કારણ કે સારા-નરસા પુરુષોનો સરખો સત્કાર કરવામાં આવે તો સત્ - અસત્ના વિવેકનો નાશ થઈ જાય છે. માટે એવો વિવેક જાળવવો અતિ આવશ્યક છે. સમાજમાં સૌથી વધુ ભગવાનના પૂર્ણસ્થિતિવાળા મુક્તો પૂજ્ય છે. તેમનો સત્કાર કરવો, સન્માન કરવું, પક્ષ રાખવો, ચંદન-પુષ્પાદિકથી તેમનું પૂજન કરવું અને નમસ્કાર કરવા એ સર્વશ્રેષ્ઠ કાર્ય છે અને વ્યક્તિના પોતાના સર્વપ્રકારે હિતમાં છે.
માટે સાધક સંતે આ રીતે વિવેક કેળવી શ્રીહરિની આજ્ઞા મુજબ અન્યને માન આપવાનો ગુણ કેળવવો અને સત્પુરુષને તો સર્વપ્રકારે પૂજનીય ગણી માન-સન્માન આપવું, જેથી માનદનો ગુણ આત્મસાત્ થાય છે અને પરમશ્રેયરૂપ પરમાત્માની પ્રાપ્તિ થાય છે, આત્યંતિક મોક્ષ થાય છે.
સંત તો હંમેશાં પ્રભુની આજ્ઞાઓનું અણિશુદ્ધ પાલન કરતા હોવાથી તેમને તો માનદ વગેરે ગુણો સહજ સિદ્ધ હોય જ છે, પણ તેઓ સાધકને એવા ગુણો સિદ્ધ કરવાનો ઉપદેશ પોતાનાં વાણી ને વર્તન બંને દ્વારા આપે છે, કારણ કે સમાજની શ્રેષ્ઠ વ્યક્તિ જેવું આચરણ કરે છે, તે પ્રમાણે જ સમાજના અન્ય મનુષ્યો તેનું અનુકરણ કરે છે. પૂર્ણ મુક્ત સ્થિતિવાળા સત્પુરુષને તો કોઈની પાસે કંઈ જ મેળવવાની કોઈ અપેક્ષા જ નથી હોતી, તેમ છતાં સાધકને પોતાના આચરણ દ્વારા સદ્ગુણો શિખવવાની પ્રેરણા પૂરી પાડે છે. સંતો આવી વિશાળ દૃષ્ટિવાળા હોય છે, કારણ કે તેમનો હેતુ હંમેશાં સર્વજીવહિતાવહ જ હોય છે.