૨૦. ગંભીરાત્મા

ગંભીરાત્માના શબ્દકોષ પ્રમાણે સ્થિર, ધીર, ઠરેલ, પુખ્ત સ્વભાવના એવા અર્થો પણ થાય છે. ગંભીરાત્મા હોય એવા સંત ક્યારેય પણ પોતાની ધીરજનો ત્યાગ કરતા નથી. ઉતાવળા થઈને કોઈ પણ પ્રસંગે પોતાનું મંતવ્ય રજૂ કરતા નથી. કોઈને કોઈ પણ પ્રકારનો નિર્ણય આપવો હોય તો તે બાબત વિશે ખૂબ જ ઊંડાણથી, ગંભીરતાથી ચિંતન કર્યા પછી જ પોતાનું મંતવ્ય કે નિર્ણય આપે છે. સત્પુરુષનો હૃદગત રહસ્ય અભિપ્રાય શો છે તે ગમે તેવો ચતુર અને બુદ્ધિશાળી મનુષ્ય પણ ક્યારેય જાણી શકતો નથી. સત્પુરુષો પણ પોતાનો વાસ્તવિક રહસ્ય અભિપ્રાય ઉતાવળા થઈ ક્યારેય છતો કરી દેતા નથી. એની પાછળનું કારણ એ છે કે સામેવાળી વ્યક્તિની તે અભિપ્રાય સમજવાની પાત્રતા - યોગ્યતા કે ગતિ ન હોય તો અર્થનો અનર્થ સર્જાય છે.

કેટલાંક આધ્યાત્મિક રહસ્યો એવાં હોય છે કે તે પૂર્ણ પાત્ર સિવાય અન્ય વ્યક્તિ પાસે રજૂ કરવામાં મોટું જોખમ રહેલું હોય છે. કુપાત્ર કે અયોગ્ય વ્યક્તિ તે રહસ્ય અભિપ્રાયને સમજી ન શકવાથી તેનું પોતાની બુદ્ધિ પ્રમાણે અર્થઘટન કરી પોતાની જાતને તથા બીજા અનેકને ગેરમાર્ગે દોરી જાય છે ને તેથી ચૈતન્યનું ઊર્ધ્વગમન થવાને બદલે અધોગમન થઈ જાય છે. શાસ્ત્રોમાં વર્ણવેલાં આધ્યાત્મિક રહસ્યોનું ખોટું અર્થઘટન કરી અનેકને ગેરમાર્ગે દોરી પોતાનું ને બીજા અસંખ્ય લોકોનું અધઃપતન નોતર્યું હોય એવાં અનેક દૃષ્ટાંતો ઇતિહાસમાં પણ નોંધાયેલાં છે. અત્યારના યુગમાં પણ શાસ્ત્રોમાંથી પોતાની મેળે અર્થો તારવીને પોતાના સ્વાર્થને સિદ્ધ કરવા અનેક પ્રકારની યુક્તિ - પ્રયુક્તિઓ ને તરકીબો દ્વારા ભોળી પ્રજાને છેતરીને ગેરમાર્ગે દોરતા એવા અનેક દંભી ભગવાનો ને દંભી ગુરુઓની સંખ્યાનો કોઈ પાર નથી અને એવા દંભીઓની પાછળ તન - મન - ધનથી ખુવાર થનાર ઘેંટા જેવા મનુષ્યોનાં ટોળાંનો પણ પાર નથી. સાચી વ્યક્તિની ઓળખ કે પરખ કર્યા સિવાય ભોળી પ્રજા આવા દંભી ભગવાનો ને કપટી ગુરુઓની જાળમાં આબાદ રીતે ફસાઈને પોતાનું દુર્લભ મનુષ્યજીવન બરબાદ કરી નાખે છે. આવાં ગંભીર પરિણામો લક્ષ્યમાં હોવાથી જ સાચા સંત પોતાનો હૃદગત રહસ્ય અભિપ્રાય ખૂબ જ ઢાંકીને રાખે છે અને પૂર્ણ પાત્ર સિવાય અન્ય કોઈ પાસે તેને રજૂ કરતા નથી.

ગંભીરનો અર્થ છે પોતાના ધ્યેય પ્રત્યે જે ધીર-ગંભીર હોય, Serious હોય, નિષ્ઠાવાન હોય, જેમાં શુદ્ધતા ને પરિપક્‌વતા હોય, જેને સાચી દિશાનું ભાન હોય, જેણે જીવનમાં અનેક પ્રકારના સારા-નરસા અનુભવોમાંથી પસાર થઈ જીવનનું તથા ચારિત્ર્યનું ઉત્તમ પ્રકારે ઘડતર કર્યું હોય, જેનું મન એક જ ધ્યેય વિષય પર સ્થિર થઈ શકતું હોય, જેનાં વિચાર - વાણી - વર્તનમાં ઠરેલપણું ને પરિપક્‌વતા જણાઈ આવતાં હોય તેને ગંભીર કહેવાય.

કામ, ક્રોધ, મોહ, લોભ, મદ વગેરેના આવેગોને તથા આકર્ષણ, પ્રેમ, આસક્તિ, અનુરાગ, ઘૃણા, તિરસ્કાર, અણગમો વગેરે લાગણીઓના પ્રવેગોને જે પોતાની બુદ્ધિના બળથી અને સંકલ્પબળથી નિયંત્રણમાં લાવી શકે, હર્ષ-શોક, સુખ-દુઃખ, માન-અપમાન, રાગ-દ્વેષ, નિંદા-સ્તુતિ વગેરે દ્વંદ્વાત્મક પરિસ્થિતિમાં જે સ્થિર અને સ્થિતપ્રજ્ઞ રહી શકે તે ગંભીરાત્મા છે. જે વ્યક્તિ પોતાના વિચારો અને વિવિધ પ્રકારની લાગણીઓ ને ભાવોર્મિઓનું નિયમન - નિયંત્રણ કરી શકે તે ગંભીર છે. જે વ્યક્તિ જીવનમાં ઉદ્‌ભવતી અનેક પ્રકારની વિટમણાઓ, વિષમતાઓ ને સંઘર્ષાત્મક પરિસ્થિતિમાંથી સફળતાપૂર્વક માર્ગ શોધી કાઢવાની ક્ષમતા ધરાવતી હોય તેને ગંભીર ગણી શકાય.

ગુજરાતીમાં કહેવત છે, ‘ઉતાવળા સો બહાવરા, ધીરા સો ગંભીર.’ વાતવાતમાં પોતાનો ઉતાવળિયો નિર્ણય કે મંતવ્ય આપી દેનાર વ્યક્તિ ક્યારેય ગંભીર બની શકતી નથી ને તેની એવી પ્રકૃતિનું દુષ્પરિણામ તે ભોગવે છે ને પછી તેને પસ્તાવાનો પાર રહેતો નથી. કોઈ વ્યક્તિ સોગિયું મોઢું રાખી ઉદાસ થઈને ફરતી હોય, કોઈ કંઈક પૂછે તો તેનો ઉત્તર જ ન આપે અથવા આપે તો પણ તોછડાઈપૂર્વક ઉત્તર આપે, જે વ્યક્તિમાં અતડાપણું હોય ગંભીરનો એવો અર્થ તારવી ન શકાય. એવી વ્યક્તિને મીંઢી કહેવાય, પણ ગંભીર ન કહેવાય.

સંતપુરુષો પોતાનું અગાધ સામર્થ્ય, ઐશ્વર્ય, પ્રતાપ, શક્તિઓ એ બધું જ ઢાંકીને વર્તે છે. સમર્થ હોવા છતાં પણ અજ્ઞાની - આસુરી જીવો દ્વારા થતાં કષ્ટો સહન કરી લે છે. એને સમર્થ થકા જરણા કરી કહેવાય. એમ સહનશીલપણું પણ ગંભીરાત્માનું એક પાસું છે. વ્યવહારકાર્યમાં પણ સંતપુરુષો દૂરદૃષ્ટિથી ભાવિ પરિણામોનો વિચાર કરી, લોકોનો સર્વપ્રકારે સમન્વય સધાય ને ઉત્કર્ષ થાય એ હેતુને લક્ષ્યમાં રાખીને પોતાનો નિર્ણય આપે છે, તો આધ્યાત્મપથ ઉપર ચાલનાર સાધકને સમગ્ર પરિપ્રેક્ષ્યમાં વિચારીને જ યથાર્થ માર્ગદર્શન આપે એમાં શું આશ્ચર્ય હોઈ શકે ?

પ્રભુપ્રાપ્તિની અભિલાષાવાળા સાધકે પૂર્ણ સ્થિતિવાળા સત્પુરુષનો જોગ - સમાગમ - સેવા કરી તેમના જીવનનું બારિકાઈથી અવલોકન કરતા રહી ગંભીરપણું, ધૈર્ય વગેરે લક્ષણ પોતાના જીવનમાં કેળવવાનો અપ્રમત્તપણે પ્રયત્ન કરવો જોઈએ. સત્પુરુષ કઈ વ્યક્તિને કઈ રીતે માર્ગદર્શન આપે છે, કઈ વ્યક્તિ સાથે તેની યોગ્યતા પ્રમાણે કેવું વર્તન કરે છે, કેવી વાણી ઉચ્ચારે છે, વિકટ અને વિષમ પરિસ્થિતિમાં કેવો માર્ગ અપનાવે છે વગેરે ક્રિયાઓનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરતા રહેવાથી તેનામાં એવા ગુણોનો ઉદય થાય છે.

અનાદિ મહામુક્તરાજ બાપાશ્રી કહે છે :-

‘‘નહાવા-ધોવામાં, ખાવા-પીવામાં, બોલવા-ચાલવામાં એ આદિક સર્વે ક્રિયામાં બાળકિયા સ્વભાવ આવી જાય અને મહારાજની અને મોટાની મર્યાદા ન રહે અને ભગવાનના મંદિરમાં તથા મોટા સંત - હરિજન પાસે તથા બીજે ઠેકાણે હાંસી-મશ્કરી, ઠઠ્ઠાબાજીના શબ્દો કાઢવા તે સર્વે નાસ્તિકભાવ છે. માટે વિનયેયુક્ત બોલવાનો સ્વભાવ રાખવો, પણ રજ - તમ આદિક ગુણના વેગે ચડી જવું નહિ અને વેગે કરીને બોલવું-ચાલવું, ખાવું-પીવું, સૂવું-બેસવું, જોવું-સાંભળવું નહિ અને વેગે કરીને કથા, વાર્તા, માળા, ભજન, ભક્તિ તે પણ ન કરવા. કેમ જે વેગ ઊતરી જાય ત્યારે ઢીલો પડી જાય. માટે સંત કહે તેમ કરવું તો સુખી રહેવાય.’’

અનાદિ મુક્તરાજ બાપાશ્રીના વચન પ્રમાણે બાળકિયા સ્વભાવનો ત્યાગ કરી, રજોગુણ - તમોગુણના વેગે કરીને બધી ક્રિયાઓ નહિ કરતાં, ભગવાનની સ્મૃતિએ સહિત પૂર્વાપરનો સંબંધ રાખી તથા પરિણામનો વિચાર કરીને બધાં કાર્યો કરવાં અને સત્પુરુષનાં વચન પ્રમાણે વર્તવું. આ રીતે વર્તવાથી સાધકમાં ગંભીરપણું આવે છે.

શ્રીજીમહારાજ પણ શિક્ષાપત્રી શ્લોક ૩૬માં જણાવે છે-

कार्यं न सहसा किन्चित्कार्यो धर्मस्तु सत्वरम् |

‘‘વિચાર્યા વગર તત્કાળ કાંઈ કાર્ય ન કરવું અને ધર્મસંબંધી જે કાર્ય તે તો તત્કાળ કરવું.’’

કોઈ પણ વ્યાવહારિક કાર્ય કરવું હોય તે પોતાની બુદ્ધિવડે સર્વપ્રકારે વિચાર કરીને અથવા સત્પુરુષોને પૂછીને કરવું, પણ સહસા અર્થાત્‌ એકાએક ઉતાવળથી ન કરવું, કારણ કે વિચાર્યા વિના કાર્ય કરવાથી ક્યારેક મોટી આપત્તિ આવે છે. વળી પાછું ધર્મસંબંધી કાર્ય તત્કાળ કરવું એમ શ્રીહરિ કહે છે. એનું કારણ એ છે કે મનુષ્યજીવન ક્યારે સમાપ્ત થઈ જાય તેનો કોઈ નિર્ધાર નથી હોતો એટલે મનમાં જ્યારે પણ ધર્મસંબંધી કાર્ય કરવાનો વિચાર ઉદ્‌ભવે તો તત્કાળ તે કાર્ય કરવાથી જીવની ઊર્ધ્વગતિ થાય છે એટલે ધર્મસંબંધી કાર્ય તત્કાળ કરવાની આજ્ઞા છે. સાધકે શ્રીહરિના તથા સત્પુરુષોનાં આવાં વચનો પણ લક્ષ્યમાં રાખવા જોઈએ તો સત્પુરુષના ગુણો આવે ને જીવનમાં ઉત્કર્ષ સાધી શકાય.