નિવેદન

વર્તમાન વિષમકાળમાં સાચા સદ્‌ગુરુની પ્રાપ્તિ કરવા ઇચ્છનાર માટે એક કઠીન કોયડો છે, કારણ કે જાત-જાતની યુક્તિ-પ્રયુક્તિઓ દ્વારા સમાજની ભોળી પ્રજાને ફસાવી, ફોસલાવીને તેમનું શારીરિક, માનસિક, આર્થિક ને આધ્યાત્મિક એમ સર્વપ્રકારે શોષણ કરવા સદાય તત્પર એવા દંભી ગુરુઓ સમાજમાં કેટલાય મળી રહે છે. એવામાં સાચા સદ્‌ગુરુ મળવા દુર્લભ છે. મુમુક્ષુને એ પ્રશ્ન પણ હંમેશ સતાવતો રહે છે કે સાચા સંતની ઓળખ કઈ રીતે કરવી ? એનો કોઈ માપદંડ છે ખરો ? આ કોયડાના નિરાકરણ માટે જ વચ. ગઢ. પ્ર. ૭૭માં શ્રીહરિએ કહેલાં સંતનાં બત્રીસ લક્ષણોને અનાદિ મહામુક્તરાજ શ્રી અબજીબાપાશ્રીએ એ જ વચનામૃતના રહસ્યાર્થમાં સંક્ષિપ્ત રીતે વર્ણવેલાં છે. એ લક્ષણોને સવિસ્તાર સમજાવવાનો અહીં નમ્ર પ્રયાસ છે. સંતના એ સદ્‌ગુણો સાચા સંતની પરખ માટેની પારાશીશી છે. એ સદ્‌ગુણો જેમણે આત્મસાત્‌ કર્યા છે એ જ સંત છે. એવા સંત ભગવા વસ્ત્રમાં કે સફેદ વસ્ત્રમાં ગમે તેમાં હોઈ શકે છે. સંતની વ્યાખ્યામાં બહારના પહેરવેશની કોઈ મહત્તા નથી.

શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન દ્વારા‘સંતની પરખ’ શીર્ષક હેઠળ આ પુસ્તક પ્રકાશિત થાય છે, જે મુમુક્ષુને સાચા સંતની પરખ કરવા માટે તથા તેવા ગુણો પોતાના જીવનમાં ચરિતાર્થ કરવા માટે અતિ ઉપયોગી સાબિત થશે એવી અમને પૂરી શ્રદ્ધા છે. આ પુસ્તક અનાદિ મુક્તરાજ પૂજ્ય શ્રી નારાયણભાઈની દિવ્ય પ્રેરણા અને ઉપદેશામૃતને આધારે તૈયાર કરવામાં આવ્યું છે.

અંતમાં સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણ, પરમ કૃપાળુ બાપાશ્રી, સમર્થ સદ્‌ગુરુઓ તથા અનાદિમુક્ત પૂ. શ્રી નારાયણભાઈની અસીમ કૃપા આ પુસ્તકનો સદુપયોગ કરનાર વાચકવૃંદ ઉપર સદાય વરસતી રહીને તેમના ચૈતન્યની ઊર્ધ્વગતિ સાધવામાં સહાયરૂપ બને એવી અંતરની અભ્યર્થના.

અસ્તુ !

સં. ૨૦૭૧, મહા વદ બારસ

ઈ. સ. ૨૦૧૫, ૧૬ ફેબ્રુઆરી

પ્રકાશન સમિતિ

શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન