૯. દાન્ત

જેણે પોતાની ઇંદ્રિયોનું દમન કર્યું છે, ઇંદ્રિયો ઉપર નિયંત્રણ મેળવ્યું છે તેને દાન્ત કહેવાય. પાંચ જ્ઞાનેન્દ્રિયો ને પાંચ કર્મેન્દ્રિયો એમ દશ ઇંદ્રિયો દ્વારા જીવાત્મા બહારના વિષયો ગ્રહણ કરે છે. અંતઃકરણની વૃત્તિઓ ઇંદ્રિયો દ્વારા બહારના ભૌતિક જગત સાથે અનુસંધાન સાધી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ એ પંચવિષય ગ્રહણ કરી તેમાં જીવાત્મા ઓતપ્રોત થઈ, તેમાં આસક્ત થઈ તેનો ભોગ ભોગવે છે અને તે વિષય સંબંધી સુખ-દુઃખનો અનુભવ કરે છે.

જે વ્યક્તિ રજોગુણી, તમોગુણી શબ્દને વિશે આસક્ત ન થાય અને ભગવાનની ને સંતની જ વાણીમાં પ્રીત અને મહિમા રાખે, પ્રભુનાં જ લીલાચરિત્રો, કથા - વાર્તા - કીર્તનમાં રુચિ રાખે તેણે શ્રવણેન્દ્રિય જીતી કહેવાય. ત્વક્‌ અર્થાત્‌ ત્વચા દ્વારા રજોગુણી - તમોગુણી વ્યક્તિ કે પદાર્થના સ્પર્શનો ત્યાગ રાખી એક ભગવાન અને સંતનો જ સ્પર્શ ગમે અને તેમાં જ ત્વક્‌નો ઉપયોગ કરે તોે ત્વક્‌ ઇંદ્રિય જિતાઈ જાય. ચક્ષુઇંદ્રિય દ્વારા રજોગુણી - તમોગુણી વ્યક્તિ કે અનિષ્ટ પદાર્થના રૂપમાં આસક્ત ન થતાં પ્રભુ અને તેમના સંતનાં દર્શન કરવામાં જ અભિરુચિ રહે તો ચક્ષુઇંદ્રિય જિતાઈ જાય. રસનાઇંદ્રિયને પણ રજોગુણી - તમોગુણી ખાદ્ય પદાર્થના સ્વાદમાંથી નિરાસક્ત કરી પ્રભુને ધરાવેલ પ્રસાદ તથા સંતનો પ્રસાદ ગ્રહણ કરવામાં રુચિ રાખી નિઃસ્વાદી વર્તમાન પાળે તો રસના જિતાય છે. ઘ્રાણેન્દ્રિયને પણ ભૌતિક રજોગુણી - તમોગુણી વ્યક્તિએ ઉપયોગ કરેલ અત્તરાદિક પદાર્થમાં સુગંધની આસક્તિ ન રહે ને એક પ્રભુ અને તેમના સંતે ગ્રહણ કરેલાં પુષ્પહાર કે ચંદનાદિકનો જ સુગંધ લેવામાં અભિરુચિ થાય તો ઘ્રાણેન્દ્રિય જિતાઈ જાય. આવી રીતે કર્મેન્દ્રિયોને (હાથ-પગને) પણ ભગવાન ને સત્પુરુષની સેવામાં તથા સદ્‌કાર્યોમાં જોડવાથી તે ઇંદ્રિયોને વિશે અનિષ્ટ ક્રિયાઓની આસક્તિ દૂર થઈ જાય તો કર્મેન્દ્રિયો જિતાઈ જાય. આ રીતે દશેય ઇંદ્રિયો જિતવાથી સત્ત્વગુણની વૃદ્ધિ થઈ અંતઃકરણ નિર્મળ બને છે ને ભગવાનના સ્વરૂપમાં સહેલાઈથી જોડાઈ શકાય છે.

ઇંદ્રિયોની વિષયાભિમુખ વૃત્તિઓ કેવી રીતે કાર્ય કરે છે ને તેના સંસ્કારો ચિત્તમાં કેવી રીતે બંધાય છે તે બાબતની આપણે કામૈરહિતધીના લક્ષણમાં સ્પષ્ટતા કરી છે એટલે આ લક્ષણમાં તેના પુનરાવર્તનની આવશ્યકતા નથી, કારણ કે આ વિષય ઉપરતો એક અલગ જ ગ્રંથ થઈ શકે એટલો વિશાળ ને ગહન આ વિષય છે.

સાધકે એટલી જ વાત ધ્યાનમાં રાખવાની છે કે શ્રીજીમહારાજે કહ્યું છે તેમ દરેક ઇંદ્રિયના આહાર શુદ્ધ રાખવા. ઇંદ્રિયો અંતઃકરણને નિયમમાં વર્તાવી પ્રભુની આજ્ઞાપરાયણ રાખવાથી ઇંદ્રિયોની ભૌતિક પદાર્થની વાસના ને આસક્તિ દૂર થઈ અંતઃકરણ શુદ્ધ થવાથી એક પરમાત્માના સ્વરૂપની જ આસક્તિ રહે છે. સાચા સંતની અનુવૃત્તિમાં રહી પ્રભુ સંબંધી જ પંચવિષય ભોગવવા માટે ઇંદ્રિયો - અંતઃકરણની વૃત્તિને વાળવાથી જ પ્રભુમાં આસક્ત થાય છે ને પ્રભુપ્રાપ્તિનો માર્ગ સરળ બને છે.

પૂર્ણસ્થિતિવાળા સંતના ઇંદ્રિયો અંતઃકરણ તો પ્રભુની આજ્ઞા મુજબ જ પ્રવર્તતા હોય છે. ક્યારેય ભૌતિક પંચવિષયાભિમુખ થતા જ નથી, પણ તેમના જોગમાં આવેલા મુમુક્ષુના પણ ઇંદ્રિયો - અંતઃકરણ પ્રભુ સન્મુખ થાય છે ને તેને પણ ધીમે ધીમે દાન્ત લક્ષણ આત્મસાત્‌ થઈ જાય છે.

શ્રીહરિ વચ. ગ. પ્ર. ૧૮માં જણાવે છે :-

‘‘તે સારુ એ પંચેઇંદ્રિયોને યોગ્ય-અયોગ્ય વિચાર્યા વિના જે મોકળી મેલશે તેનું અંતઃકરણ ભ્રષ્ટ થઈ જશે અને પંચ ઇંદ્રિયો દ્વારે જીવ જે આહાર કરે છે તે આહાર જો શુદ્ધ કરશે તો અંતઃકરણ શુદ્ધ થાશે અને અંતઃકરણ શુદ્ધ થાશે તો અખંડ ભગવાનની સ્મૃતિ રહેશે અને જો પંચે ઇંદ્રિયોના આહારમાંથી એકે ઇંદ્રિયનો આહાર મલિન થાય છે તો અંતઃકરણ પણ મલિન થઈ જાય છે.’’

તથા વચ. ગ. પ્ર. ૮માં પણ શ્રીહરિ કહે છે :-

‘‘ઇંદ્રિયોની જે ક્રિયા છે તેને જો શ્રીકૃષ્ણ ભગવાન ને તેના ભક્તની સેવાને વિશે રાખે તો અંતઃકરણ શુદ્ધ થાય છે ને અનંતકાળનાં જે પાપ જીવને વળગ્યાં છે તેનો નાશ થઈ જાય છે અને જો ઇંદ્રિયોની વૃત્તિઓને સ્ત્રીઆદિક વિષયોમાં પ્રવર્તાવે છે, તો એનું અંતઃકરણ ભ્રષ્ટ થાય છે ને કલ્યાણના માર્ગ થકી પડી જાય છે. માટે શાસ્ત્રમાં જે રીતે વિષય ભોગવવાનું કહ્યું છે, તેવી રીતે નિયમમાં રહીને વિષય ભોગવવા, પણ શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન કરીને ભોગવવા નહિ અને સાધુનો સંગ રાખવો ને કુસંગનો ત્યાગ કરવો. અને જ્યારે એ કુસંગનો ત્યાગ કરીને સાધુનો સંગ કરે છે, ત્યારે એને દેહને વિશે જે અહંબુદ્ધિ છે તે નિવૃત્તિ પામે છે, અને દેહના સંબંધીને વિશે જે મમત્વબુદ્ધિ છે તે નિવૃત્તિ પામે છે, ને ભગવાનને વિશે અસાધારણ પ્રીતિ થાય છે, ને ભગવાન વિના અન્યને વિશે વૈરાગ્ય થાય છે.’’

શ્રીજીમહારાજના આ વચન પ્રમાણે ઇંદ્રિયોને નિયમમાં પ્રવર્તાવીને બધી જ ઇંદ્રિયોના આહાર શુદ્ધ રાખે તો દાન્ત લક્ષણ દૃઢ થાય. માટે જેને સંત થવું હોય તેણે આવી બધી સૂક્ષ્મ વાતો જાગ્રતપણે લક્ષ્યમાં રાખી પ્રભુપ્રસન્નતાનાં સાધનો કર્યાં કરવાં.