૨૨. જીતષડ્‌ગુણ

ભૂખ-તરસ, શોક-મોહ, જરા-મૃત્યુ આ (૬) છ ઊર્મિઓ છે. અ. મુ. સ. ગુ. શતામુનિ રચિત ‘જનમંગલ સ્તોત્ર’માં શ્રીજીમહારાજનું એક નામ છે, ‘ષડોર્મિવિજયક્ષમઃ’ અર્થાત્‌ ઉપર્યુક્ત ૬ પ્રકારની ઊર્મિઓ ઉપર નિયંત્રણ મેળવનારા, જીત મેળવનારા.

ભૂખ-તરસ એ પ્રાણના ભાવ છે. આ કલિયુગમાં દેહમાં રહેલા પ્રાણનું પોષણ અન્ન દ્વારા થાય છે. પ્રાણ અન્ન ને જળના અભાવમાં અકળાય છે, એની શક્તિઓ મંદ પડી જાય છે. પ્રાણની મહત્તાની વાત આપણે મિતભુક્‌ના લક્ષણમાં વિગતે જોઈ ગયા છીએ. ઉચ્ચ સ્થિતિના સંત ભગવાનના સ્વરૂપમાં જોડાવારૂપી યોગ દ્વારા, જપ-તપ દ્વારા પોતાના શરીરમાં રહેલ પ્રાણ ઉપર સંપૂર્ણ સંયમ મેળવી લે તો પછી તેને ભૂખ-તરસનો અનુભવ નથી થતો. શ્રીજીમહારાજ વર્ણિવેશે તપ કરતા હતા ત્યારે મહિનાઓ સુધી કેવળ વાયુ ભક્ષણ કરીને રહેલા તે વાત જાણીતી છે. આત્મા - પરમાત્માના અખંડ સાક્ષાત્કારવાળા સિદ્ધ અનાદિમુક્તને ઉપર જણાવેલ ઊર્મિઓનો અનુભવ નથી થતો, કારણ કે કેવળ જીવોના કલ્યાણના હેતુ માટે તેમણે ધરેલું મનુષ્ય શરીર દિવ્ય હોય છે. એ દેખાવમાત્ર જ મનુષ્ય શરીર હોય છે. એવા સિદ્ધમુક્તમાં રહી બધી ક્રિયા કરનારા સ્વયં પરમાત્મા જ હોય છે.

અનાદિમુક્ત પૂ. શ્રી નારાયણભાઈ પણ કહેતા કે મુક્તને અન્નના સ્થૂળ આહારની આવશ્યકતા નથી હોતી, ફક્ત સંકલ્પથી જ દેહ ચાલે છે, કારણ કે તેમનો દેહ દેખાવમાત્ર હોય છે. તે નરનાય્ય સિવાય બીજું કંઈ જ નથી. આવા પૂર્ણ સિદ્ધ મુક્ત સિવાય બીજા સાધન સ્થિતિવાળા સંતને ભૂખ-તરસનો અનુભવ થાય છે, પણ સમજણપૂર્વકના દેહદમન દ્વારા આહારને સંયમિત કરવાથી ધીમે ધીમે ભૂખ-તરસ ઉપર નિયંત્રણ આવતું જાય છે. સાંખ્યજ્ઞાને કરીને સ્વરૂપનિષ્ઠા અને આત્મનિષ્ઠા પરિપક્‌વ કરે તો તેમને પણ આ બધી ઊર્મિઓ ઉપર વિજય પ્રાપ્ત થઈ શકે છે. જે રીતે અષ્ટાંગ યોગ દ્વારા, પ્રાણાયામ વગેરે દ્વારા પ્રાણને નિરોધે ચિત્તનો નિરોધ થાય છે, એવી રીતે ચિત્તની વૃત્તિ પરમાત્માના સ્વરૂપમાં જોડાઈ જવાથી ચિત્તને નિરોધે પ્રાણનો નિરોધ થાય છે. ત્યારે પ્રાણ ઉપર સંપૂર્ણ નિયંત્રણ થવાથી ભૂખ-તરસ ઉપર વિજય મેળવી શકાય છે.

શોક-મોહ એ અંતઃકરણના ભાવ છે. શોક એટલે કોઈ પણ પ્રકારે આવી પડેલ દુઃખની લાગણી. કોઈ સ્વજનનું મૃત્યુ થાય, કોઈક ભૌતિક પદાર્થની હાણ થાય, વ્યાપાર, વ્યવસાયમાં નુકસાન થાય, આકસ્મિક મુશ્કેલીઓ આવી પડે ત્યારે માનવીને દુઃખની લાગણી થઈ આવે, દિલગીરી થાય તે શોક છે. કોઈક વાતનો અફસોસ થાય તે શોક છે. તે કરુણરસનો ભાવ છે.

મોહ એટલે ભ્રાંતિ જે વસ્તુ સત્ય નથી, મિથ્યા છે એ વસ્તુને અજ્ઞાનને લઈને સત્ય માની લેવી તે મોહ છે. આવી અવસ્થામાં મતિ ભ્રમિત થઈ જાય છે. અંગ્રેજીમાં મોહને Delusion કહે છે. કોઈક પદાર્થમાં કે વ્યક્તિમાં અતિ તીવ્ર અભિનિવેશ, રાગ કે આસક્તિને પણ મોહ કહેવામાં આવે છે. મોહની અતિ તીવ્ર લાગણીમાં વ્યક્તિ પોતાની સુધ-બુધ ભૂલી જઈ, મૂર્છાવસ્થામાં સરી પડે છે. ત્રિગુણાત્મિકા માયાના આવરણને લીધે જીવ અજ્ઞાનને લઈને મોહાન્ધ બને છે. એ વખતે અસત્ય ને મિથ્યા વસ્તુ જ તેને સત્ય ભાસે છે. જેમ ઝાંઝવાના જળને મૃગ સાચું જળ માની તેની તરસ છીપાવવા માટે દોડાદોડ કરે છે, એમ અસત્યને સત્ય માની જીવાત્મા મોહાસક્ત થાય છે.

એક આત્મા અને પરમાત્મા આ બે જ તત્ત્વો સત્ય છે ને બીજું બધું મિથ્યા છે એવું આત્મા તથા ભગવાનના સ્વરૂપનું માહાત્મ્યે સહિત જ્ઞાન સત્પુરુષ દ્વારા થાય ત્યારે જ મોહનું આવરણ દૂર થાય છે. મોહનું આવરણ દૂર થવાથી તેને લઈને ઉત્પન્ન થતો શોક પણ દૂર થાય છે. સાંખ્યજ્ઞાન દ્વારા હું આત્મા દેહાદિકભાવથી સંપૂર્ણ રહિત છું, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ, સત્‌-ચિત્ત-આનંદરૂપ, બ્રહ્મ-પરબ્રહ્મરૂપ છું, કાળ, કર્મ ને માયાથી પર, ભૌતિક પરમાણુ જગતના ગુણધર્મોથી તદ્દન વિલક્ષણ ચૈતન્યપ્રકૃતિના ગુણધર્મોવાળો પરિશુદ્ધ આત્મા છું. આવા ભાવની દૃઢતા થયે શોક-મોહની લાગણીને જીતી શકાય છે.

શ્રીહરિ વચ. ગઢ. મ. પ્રકરણ ૧માં મોહ વિશે કહે છે :- ‘‘મોહનું રૂપ તો મનને વિશે વિભ્રાંતિ જેવું થઈ જાય એ જ જણાય છે અને જ્યારે પુરુષના હૃદયમાં મોહ વૃદ્ધિ પામે છે, ત્યારે મનમાં વિભ્રાંતિ વિશેષ થાય છે. પછી આ કરવા યોગ્ય અને આ ન કરવા યોગ્ય એવો વિવેક રહેતો નથી.’’

‘‘જ્યારે ઉત્તમ વિષયની પ્રાપ્તિ થાય અને તેમાંથી કોઈ અંતરાય કરનારો આવે ત્યારે તે ઉપર ક્રોધ થાય પછી ક્રોધ થકી મોહ થાય છે.’’

‘‘માટે મોહને ઉદય થયાનું કારણ તે વિષયમાં આસક્તિ તે જ છે.’’

જરા અને મૃત્યુ એ દેહના ભાવ છે. જરા એટલે વૃદ્ધાવસ્થા. શરીરની મુખ્ય ત્રણ અવસ્થાઓ છે. બાળ, યૌવન ને વૃદ્ધાવસ્થા. જરા ને મૃત્યુ તો શરીરને છે અને હું તો આત્મા છું. મારે વિશે જરા-મૃત્યુ સંભવી જ ન શકે. એમ આગળ જણાવેલ સાંખ્યજ્ઞાને આત્મનિષ્ઠા અતિ દૃઢ કરે તો આ છ ઊર્મિઓ ઉપર વિજય પ્રાપ્ત થઈ શકે છે. જેમણે આ છ ગુણો જિતેલા છે એવા સત્પુરુષના જોગ - સમાગમ - સેવાથી તેમની કૃપા થયે સાધકમાં પણ આવું લક્ષણ સિદ્ધ થાય છે.

પૂર્ણ સંતના જીવનમાં પણ તેમણે મનુષ્ય શરીર ધારણ કરેલું હોવાથી વૃદ્ધાવસ્થા જણાય છે, પરંતુ તેમને વૃદ્ધાવસ્થાનાં કષ્ટોનો અનુભવ નથી થતો, કારણ કે તેમને અખંડ આત્મા- પરમાત્મા સંબંધી દિવ્ય સુખની અનુભૂતિ હોય છે. તેમનો મંદવાડ પણ બીજા જીવોને સેવાનો લાભ મળે, તેમનાં પ્રારબ્ધકર્મોનું નિવારણ થાય અને આત્યંતિક મોક્ષને પામે એ હેતુ માટે જ હોય છે. તેમને કોઈ પણ પ્રકારનો રોગ કે મંદવાડ સ્પર્શી જ શકતો નથી. તેમના સંકલ્પથી તો અસંખ્ય જીવના દેહના તથા જીવના મંદવાડ ને રોગો દૂર થઈ જતા હોય છે, પછી તેમને વૃદ્ધાવસ્થા કે મંદવાડ જેવું કેવી રીતે શક્ય હોય ? એ બધું તો નટની માયાની જેમ દેખાવ પૂરતું જ હોય છે. એવા સંતને મૃત્યુ પણ કદીય સ્પર્શી શકતું નથી. તેમના અનુગ્રહથી તો અસંખ્ય જીવો મૃત્યુ ઉપર વિજય મેળવી શકે છે. જેમને આત્માની અમરતા દૃઢ થઈ હોય અને દેહભાવ જેવું લેશ માત્ર ન હોય તેને મૃત્યુ કેવી રીતે સંભવે ? તેમ છતાં મનુષ્ય શરીર ધારણ કર્યું હોવાથી દેહનો અંત જણાવે છે, પરંતુ તેમાં તેમની વિશિષ્ટતા જ્ઞાની ભક્તને જણાઈ આવે છે. સત્પુરુષનો દેહવિલય કેવળ ભ્રાંતિ જ છે. સત્પુરુષને જ્યાં સુધી પોતાનો દેહ રાખવો હોય ત્યાં સુધી રાખી શકે છે. તેઓ પોતાના સંકલ્પના સામર્થ્ય દ્વારા અનેકને આયુષ્ય પણ પ્રદાન કરી શકે છે અને ધારે તો આયુષ્ય હોય તો પણ તેને ટૂંકાવીને જીવનો મોક્ષ કરે છે. આમ જરા ને મૃત્યુ સત્પુરુષને સ્પર્શી પણ શકતા નથી. તેની ઉપર તેમનું સંપૂર્ણપણે નિયંત્રણ હોય છે. તેમને કાળ, કર્મ ને માયાને આધિન દેહધારી જીવોની જેમ આવાગમન નથી. તેમના માટે જન્મ ધરી આ લોકમાં આવવું કે મૃત્યુ પામી પાછું જવું એવું નથી. તેઓ દિવ્યરૂપે સદાય છે જ.

આ રીતે સત્પુરુષને બધી ઊર્મિઓ ઉપર સંપૂર્ણપણે નિયંત્રણ હોવાથી તેઓને જિતષડ્‌ગુણ કહેવામાં આવે છે.