૩૨. સાધુભૂષણ

સંતનાં આગળ જણાવેલાં ૩૧ લક્ષણો પણ ભૂષણરૂપ જ છે. તેમ છતાં સંતનું આ ૩૨મું લક્ષણ અતિ અગત્યનું હોવાથી, તે સંતચરિત્રના પાયારૂપ ગુણ હોવાથી તેને વિશેષરૂપે ભૂષણરૂપ કહ્યું છે. આ છેલ્લું લક્ષણ એ સંતની પરખ માટેની ગુરુચાવી છે. ભૂષણ એટલે જે વ્યક્તિના ગુણોમાં અને વ્યક્તિત્વમાં અનેકગણી અભિવૃદ્ધિ કરે તે ભૂષણ. દા.ત. જેમ વ્યક્તિના સૌંદર્યમાં સુંદર વસ્ત્રો અને આભૂષણો દ્વારા વધુ નિખાર આવે છે, તેમ સંતના ચારિત્ર્યમાં આ શીલરૂપ, બ્રહ્મચર્યરૂપ ભૂષણથી અનેક ગણી અભિવૃદ્ધિ થાય છે. સાચા સંત માટે કોઈ પણ ભૌતિક પદાર્થ એવો નથી કે જે તેમની શોભા વધારી શકે, કારણ કે સાચા સંતને ભૌતિક પદાર્થમાં બિલકુલ અભિરુચિ હોતી નથી. તેઓ તો આત્મા - પરમાત્માનાં દિવ્યસુખ વતે જ પરિપૂર્ણ હોય છે. સંતને માટે ભૌતિક પદાર્થો શોભારૂપ નહિ, પણ બંધનરૂપ છે. ભૂષણરૂપ નહિ, પણ દૂષણરૂપ છે. સંતને માટે તો શીલ જે બ્રહ્મચર્ય તે જ ભૂષણરૂપ છે. શીલ એ આધ્યાત્મિક જીવનરૂપી ઇમારતનો પાયો છે. જો એ પાયો જ કાચો હોય તો તે ઉપર ઇમારત ટકી શકે નહિ.

સ્વામી વિવેકાનંદજી પણ કહેતા કે બ્રહ્મચર્યહીન વ્યક્તિ કદાચ સારી ભૌતિકશાસ્ત્રી કે રસાયણશાસ્ત્રી વગેરે હોઈ શકે, પણ તે આધ્યાત્મિક ન હોઈ શકે. કારણ કે ચારિત્ર્યહીન વ્યક્તિ માટે આધ્યાત્મિક પ્રગતિ શક્ય જ નથી. એટલા માટે જ દરેક ધર્મમાં બ્રહ્મચર્યપાલન ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. એક બાજુ વ્યક્તિ આધ્યાત્મિક ક્ષેત્રે પ્રગતિ કરવાની અભિલાષા સેવે ને બીજી તરફ તે ભોગવિલાસમાં રાચીને અપવિત્ર જીવન ગાળે તો તે તેની આધ્યાત્મિક ચેતનાનું અધઃપતન ચોક્કસ નોતરે એમાં શંકાને સ્થાન નથી.

આધુનિક શરીરશાસ્ત્રના નિયમ પ્રમાણે કામવૃત્તિ એ ‘ટેસ્ટોસ્ટેરોન’ નામના હોર્મોન (રસાયણ)નું પરિણામ છે. પુરુષોમાં આ આંતરસ્ત્રાવી રસાયણો સ્ત્રી કરતાં ૧૦ થી ૧૫ ગણા વધુ પ્રમાણમાં જોવા મળે છે. સ્ત્રીમાં બીજાં બે આંતસ્ત્રાવી રસાયણો ‘ઇસ્ટ્રોજન’ અને ‘પ્રોજેસ્ટેરોન’ સ્ત્રીના સ્ત્રીત્વમાં ભાગ ભજવે છે. માનસિક તાણ, વધુ પડતો શારીરિક શ્રમ અથવા બહુ જ અલ્પ પ્રમાણમાં શારીરિક શ્રમ, શારીરિક - માનસિક રોગો, દારૂ, તમાકુ, અફીણ જેવા નશીલા પદાર્થોનું સેવન આ બધાં કારણો પ્રજનન શક્તિ માટેનાં આંતરસ્ત્રાવી રસાયણોનું પ્રમાણ શરીરમાં ઓછું કરી નાખે છે, પરંતુ તે રસાયણ ઘટી જવાથી બ્રહ્મચર્યપાલન સરળ બની જાય છે એ માન્યતા પણ ભૂલ ભરેલી છે, કારણ કે પ્રજનન શક્તિ - કામવૃત્તિને ઉત્તેજિત કરનાર રસાયણ જ કાર્યશક્તિ, આત્મવિશ્વાસ, સ્પર્ધાત્મકતા, ગ્રહણશક્તિ, નિર્ભયતા, નિર્ણાયકતા, ઉત્સાહ, સ્ફુર્તિ, વિવિધ લાગણીઓ ઉપરનું નિયમન વગેરે ગુણોના સ્ત્રોત સમાન છે. જો આ રસાયણોનું પ્રમાણ શરીરમાં વધુ પડતું ઘટી જાય અને હતાશા, નિરાશા (ડિપ્રેશન) વખતે ઉત્પન્ન થતાં કોર્ટીસોલ જેવાં રસાયણોનું પ્રમાણ વધી જાય તો વ્યક્તિ દીર્ઘકાળ પર્યંત હતાશામાં સરી પડે અને સમય જતાં જીવન જીવવાની અભિપ્સા પણ ખોઈ બેસે છે. બ્રહ્મચર્યનો અર્થ આ રસાયણોનું પ્રમાણ અતિશય ઘટાડી શરીરથી નિર્બળ બની જવું એવો નથી, તેમ જ વધુ પડતા ભોગવિલાસ ને કામક્રીડામાં રત રહી તેનો દુર્વ્યય કરવો એવો પણ નથી. બ્રહ્મચર્યનો અર્થ છે દરેક ઇંદ્રિયોના આહારને શુદ્ધ કરી કામશક્તિમાંથી મળતી સકારાત્મક ઊર્જાનો સર્જનાત્મક કાર્યોમાં સદુપયોગ કરી તેના દ્વારા આધ્યાત્મિક પ્રગતિ સાધવી તે છે.

ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં કહે છે તે પ્રમાણે આ શક્તિનું ઇંદ્રિયોના યોગ્ય દમન અને અંતઃકરણના યોગ્ય શમનરૂપ વિચાર દ્વારા નિયમન કરવાથી તેનો હ્રાસ થતો અટકે છે અને શક્તિ ઊર્ધ્વગતિ કરે છે. આ પ્રજનન શક્તિનાં રસાયણોમાં જો બિનજરૂરી વૃદ્ધિ થતી જણાય તો શરીરમાં તેનું ઉત્પાદન આપમેળે જ ઓછું થઈ જાય છે અને રસાયણનો જો ઉપયોગ થઈ જાય તો શરીર ફરી તેનું યોગ્ય પ્રમાણમાં ઉત્પાદન કરી લે છે. આમ કામશક્તિનો સર્જનાત્મક પ્રવૃત્તિમાં ઉપયોગ કરવાથી તે ઘટી જતી નથી, પરંતુ તે સપ્રમાણ રહે છે.

આ કામ ઊર્જાનો ઉચ્ચ ધ્યેય સિદ્ધ કરવા માટે ધ્યાન - ભજન - ઉપાસના - જપ - યોગ વગેરે પ્રવૃત્તિમાં સદુપયોગ કરવામાં આવે તો તેનું sublimation ઊર્ધ્વીકરણ થઈ ઓજસ નામની ઉચ્ચ ધાતુમાં રૂપાંતર થાય છે. આ ઓજસ એટલે એક પ્રકારની જૈવિક વીજ-ચુંબકીય શક્તિ કે જે આધ્યાત્મિક શક્તિ તરીકે પ્રગટે છે ને સૂક્ષ્મ શરીરમાં રહેલાં વિવિધ શક્તિકેન્દ્રો - ચક્રો કે પદ્મોને ખોલીને ઊર્ધ્વ કરે છે. તે પ્રક્રિયા દ્વારા ચેતનાની આધ્યાત્મિક ઉન્નતિ થાય છે. આ ઓજસ વગર પ્રભુની કૃપાશક્તિ - અનુગ્રહાશક્તિ ઝીલી શકાતી નથી. માટે આધ્યાત્મિક જીવનમાં ઓજસ શક્તિનું હોવું અનિવાર્ય છે. આ ઓજસ શક્તિ કેવળ સમજણપૂર્વકના યોગ્ય બ્રહ્મચર્યના પાલન દ્વારા જ સંભવે છે. જ્ઞાનયોગ, ધ્યાનયોગ, નિષ્કામ કર્મયોગ, જપ, તપ, પ્રેમ, ભક્તિયોગ વગેરે સાધનો દ્વારા કામ ઊર્જાનું ઓજસમાં રૂપાંતર થઈ શકે છે.

પાતંજલિ યોગસૂત્રોમાં કહ્યું છે :-

ब्रह्मचर्य प्रतिष्ठायां वीर्यलाभः || ३२ ||

અર્થાત્‌ બ્રહ્મચર્યમાં સ્થિર થવાથી શક્તિ મળે છે. સ્વામી વિવેકાનંદજી તેનો અર્થ એવો કરે છે કે, ‘‘બ્રહ્મચર્ય દ્વારા પ્રબળ મગજશક્તિ ખીલે છે અને અણનમ ઇચ્છાશક્તિ વિકસે છે. બ્રહ્મચર્ય વિના જરા ય આધ્યાત્મિકશક્તિ આવી શકે નહિ. બ્રહ્મચર્ય વડે માનવજાતિ પર અદ્‌ભુત પ્રભાવ મેળવી શકાય છે. મનુષ્યજાતિમાં આધ્યાત્મિક આચાર્યો ઘણા જ બ્રહ્મચર્ય પરાયણ હતા અને તેથી જ તેમને શક્તિ મળી હતી. આટલા માટે યોગીએ બ્રહ્મચર્ય પાળવું જોઈએ.’’

કામ ઊર્જાનું ઓજસરૂપ આધ્યાત્મિક શક્તિમાં રૂપાંતર કરવા માટે સતત તેનું નિયમન કરી ઊર્ધ્વ રાખવાનો નિયમિત અભ્યાસ જરૂરી બને છે. તેનો થોડો હ્રાસ પણ જેમ હોડીમાં કાણું પડે અને હોડી ડૂબી જાય, તેમ ગાફેલ રહે, બેદરકાર રહે તો બધો પ્રયત્ન વ્યર્થ નિવડે છે. સ્વામી વિવેકાનંદજી કહેતા કે, ‘‘આત્મા - પરમાત્મા નિર્બળ એટલે બ્રહ્મચર્યહીનથી પ્રાપ્ત થઈ શકતા નથી.’’ જે વ્યક્તિ સતત બાર વર્ષ સુધી અસ્ખલિતપણે બ્રહ્મચર્યનું પાલન કરી શકે તો તે આત્મા - પરમાત્માની અનુભૂતિ કરવા સક્ષમ બની શકે છે, એમ તેમનું કહેવું હતું. કામઊર્જાને જે અખંડ ઓજસમાં રૂપાંતરિત કરી ઊર્ધ્વ રાખી શકે તેવા સંતને ઊર્ધ્વરેતા કહેવામાં આવે છે. આ આધ્યાત્મિક શક્તિ દ્વારા આધ્યાત્મિક પ્રગતિ સિવાયની બીજી અનેક સિદ્ધિઓ પણ ઉપલબ્ધ થાય છે, પણ તેનો ઉપયોગ ચમત્કારો દેખાડવામાં કે અન્ય કોઈ સ્વાર્થી હેતુ માટે કે કીર્તિ - પ્રસિદ્ધિ માટે કરવામાં આવે તો ચેતનાની આધ્યાત્મિક ઉન્નતિ અવરોધાય છે. માટે સાધકે કોઈ પણ પ્રકારનો શક્તિનો દુર્વ્યય ન થાય તે માટે સતત જાગૃત રહેવું જોઈએ. જેમ કોડિયામાં પૂરતું તેલ ભરેલું હોય તો વાટ દ્વારા તેલ ઉપર તરફ ગતિ કરી દીપકની જ્યોતને પ્રજ્વલ્લિત રાખી પ્રકાશ આપે છે, જો તેલ ખૂટવા માંડે તો જ્યોત જલવા માટે તરફડિયાં મારતી જણાય છે ને અંતે બુઝાઈ જઈ અંધકાર ફેલાવે છે, તેમ પ્રજનન ઊર્જાનો અખંડ બ્રહ્મચર્ય દ્વારા બચાવ કરી તેનું નિયમન કરી કેવળ ચેતનાની ઊર્ધ્વગતિ માટે ઉપયોગ કરવામાં આવે તો તે સાધકની તો ઊર્ધ્વગતિ થાય જ છે, પણ તેણે પ્રગટાવેલ જ્ઞાનદીપકના પ્રકાશ દ્વારા બીજા અનેકના અજ્ઞાનરૂપી અંધકારને વિદારવા માટે તે સહાયરૂપ નિવડે છે.

જે સાધક આ કામ-ઊર્જાનો વિષયભોગ માટે દુર્વ્યય કરે છે તેને આધ્યાત્મિકતા સ્પર્શતી પણ નથી. જે પોતાની નબળાઈઓને વશ થઈ પોતાની જ આધ્યાત્મિક પ્રગતિ અવરોધતા હોય એ અન્ય ઉપર સદુપદેશ દ્વારા ધારી અસર પાડવા માટે વામણા પુરવાર થાય છે. શીલવ્રતમાં કસરવાળા પોતાને કે બીજાને આધ્યાત્મિક રીતે કોઈ જ સહાય કરી શકતા નથી.

શ્રીહરિ વચનામૃત ગ. મ. ૩૩માં નિષ્કામવ્રત ઉપર ભાર મૂકતા કહે છે, ‘‘જે નિષ્કામી વર્તમાન રાખે તે જ અમને વહાલો છે અને તેને ને અમારે આ લોક, પરલોકમાં દૃઢ મેળાપ રહે છે.’’

આ વચનામૃતના રહસ્યાર્થમાં અનાદિ મુક્તરાજ અબજીબાપાશ્રી પણ જણાવે છે :-

‘‘માટે બ્રહ્મચર્યવ્રત દૃઢ કર્યા વિના સામાન્ય વૈરાગ્ય - આત્મનિષ્ઠાદિક સાધને કરીને મોક્ષ થતો નથી. એટલા સારુ જ શ્રીજીમહારાજે પોતે તપ તથા ગોરખ આસનાદિક દૃઢ કરીને બ્રહ્મચર્ય સિદ્ધ કરી બતાવ્યું. તે શ્રીજીમહારાજ તો સાક્ષાત્‌ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે. તેમને તો કાંઈ કરવાનું બાકી હોય જ નહિ, પણ પોતાના ભક્તોને ઉપદેશ કર્યો છે કે અમને બ્રહ્મચર્યવ્રત વહાલું છે. માટે જે બ્રહ્મચર્ય દૃઢ કરે તે જ અમને પ્રિય છે, ને એનું કલ્યાણ કરશું, પણ જે બ્રહ્મચર્ય દૃઢ નહિ કરે તેનું કલ્યાણ નહિ કરીએ એમ કહ્યું છે એ સિદ્ધાંત વાત છે. માટે જેણે બ્રહ્મચર્યવ્રત અતિ દૃઢ કરેલું હોય એવા મુક્તનો યોગ કરીને આ વચનામૃતમાં ત્રણ ઉપાય કહ્યા છે, તે દૃઢ કરીને વિષય સંબંધી સંકલ્પ ટાળે તો જ કલ્યાણ થાય, તે આ દેહે અથવા બીજે દેહે અથવા અનેક દેહે કરીને પણ બ્રહ્મચર્ય દૃઢ કરવું અને જે સ્થૂળ દેહે બ્રહ્મચર્ય લોપે તે તો યમપુરીમાં જ જાય ને તેનું ફળ ભોગવે ને પછી મનુષ્ય દેહ આવે ત્યારે પણ બ્રહ્મચર્ય સિદ્ધ કરે તો જ અક્ષરધામને પામે.’’

અનાદિમુક્ત પૂ. નારાયણભાઈ પણ જણાવે છે :-

‘‘આજ્ઞાલોપ કેમ ચલાવાય ?આજ્ઞાલોપ તો કદીયે ન ચલાવાય. નિષ્કામધર્મ એ આ સત્સંગનો પાયો છે, મજબૂત પાયો. નિષ્કામધર્મ વગર મૂર્તિનું સુખ આવે જ નહિ. કોઈ દિવસ ન આવે. ભૂલેચૂકે ય નિષ્કામધર્મનો લોપ થાય એવી રીતે વર્તવું નહિ. એવાનો સંગ પણ ન કરવો. એવું સિનેમાચિત્ર પણ નિહાળવું નહિ જોઈએ. એ પણ નિષ્કામધર્મનો લોપ છે. નિષ્કામધર્મ એટલે શું ? સ્વામિનારાયણ ભગવાનની જે દિવ્યમૂર્તિ છે એ નિષ્કામધર્મનું સંપૂર્ણ સ્વરૂપ છે. નિષ્કામધર્મનું સંપૂર્ણ સ્વરૂપ ધારણ કર્યા વગર એ સ્વરૂપ સાથે એકતા કેવી રીતે થાય ? માટે મહારાજે એમ કહ્યું છે કે નિષ્કામધર્મની જેનામાં ખામી હોય એના હાથનો થાળ હું જમતો નથી. મહારાજના આ શબ્દો પણ સાથે સાથે ઝીલવાના. એ આશીર્વાદની અંદર આવી જાય છે. એ કહેવાની જરૂર ન હોય કે આશીર્વાદની અંદર આજ્ઞા ને ઉપાસના એ બંનેનો સમાવેશ થઈ જાય છે.’’

બ્રહ્મચર્ય પાલનના ઉપાયો વિસ્તૃત રીતે શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન સંસ્થા દ્વારા પ્રકાશિત ‘પંચ વર્તમાન’ પુસ્તકમાં અવેરીના પ્રકરણમાં મૂક્યા છે. વાચકે તેમાંથી જાણવા. અહીં તો બે-ત્રણ સરળ ઉપાયો વિશે જોઈએ.

અંતઃસ્ત્રાવી રસાયણોનું કામક્રીડા પ્રત્યે શોષણ મનુષ્યના મનમાંથી થાય છે. અન્ય પ્રવૃત્તિમાંથી વ્યક્તિ નવરી પડે કે તરત જ કામભોગના, વિષયસંબંધી વિચારો ઉદ્‌ભવવા લાગે છે. દિવસના અંતે ઉત્તેજના વધવાથી તે કાબૂમાં રાખવા અઘરા પડે છે, પછી સંયમ રાખી શકાતો નથી. દિવસની શરૂઆતથી જ પ્રભુને અને સત્પુરુષને પ્રાર્થના કરી એવી જાગૃતિ રાખવી જોઈએ કે જ્યારે પણ કામભોગનો વિચાર જાગે કે તરત જ વૃત્તિ પાછી વાળી એમ વિચારવું કે મેં જે આધ્યાત્મિક ઉન્નતિનો માર્ગ અપનાવ્યો છે તેમાં આવા નિમ્ન કક્ષાના વિચારોને કોઈ સ્થાન જ નથી. પ્રભુ તથા મુક્ત અંતર્યામીપણે મારા ચૈતન્યને વિશે અખંડ બિરાજતા હોવાથી મારા સારા-નરસા, શુભ-અશુભ દરેક સંકલ્પને અને કર્મને જાણે છે. તે મારા નિરંતરના સાક્ષી છે. હલકા વિચારોથી તેમની નારાજગી થશે તો મોક્ષ થવામાં વિલંબ થઈ જશે. આવા વિચારથી કામઊર્જાનું મન-ઇંદ્રિયો દ્વારા થતું વિષયાભિમુખ શોષણ અટકી જશે. સાંખ્યજ્ઞાન દ્વારા દેહાદિકભાવથી રહિત થઈ આત્મનિષ્ઠા ને ઉપાસના દ્વારા પરમાત્માની સ્વરૂપનિષ્ઠા અતિ દૃઢ કરવાથી પણ દુર્જય એવો કામ જીતી શકાય છે. આ ઉપરાંત ઇંદ્રિયોના આહાર શુદ્ધ રાખી તેનું નિયમન કરવું, આહાર-વિહાર યુક્ત કરવા, નકારાત્મક વિચારો, આળસ-પ્રમાદ, હતાશા-નિરાશાજનક વિચારો વગેરેનો ત્યાગ કરી હકારાત્મક વલણ અપનાવવું અને પ્રભુપરાયણતા તથા સદ્‌પ્રવૃત્તિ દ્વારા પણ કામઊર્જાનો હ્રાસ અટકાવી શકાય છે.

અનાદિમુક્ત પૂજ્યશ્રી નારાયણભાઈ પણ કહેતા કે, ‘‘શ્રીજીમહારાજે એમના અનાદિમુક્ત દ્વારા મને આશીર્વાદ આપી મારા ચૈતન્યને મુક્ત કરીને, પુરુષોત્તમરૂપ કરીને પોતાની મૂર્તિમાં રાખ્યો છે અને હું તો પુરુષોત્તમરૂપ મુક્ત જ છું તો પછી પુરુષોત્તમને તો કામાદિક કોઈ વિકાર ક્યાંથી સ્પર્શી શકે ? કંઈ જ સ્પર્શી ન શકે. આવા વિચારનું અખંડ અનુસંધાન પણ બધા જ દોષો ને વિકારો જીતવામાં સર્વોત્કૃષ્ટ સાધન છે.’’

સ્થૂળ રીતે બ્રહ્મચર્ય સિદ્ધ થયા પછી સત્પુરુષની કૃપા દ્વારા સાધકને આત્મા - પરમાત્માના દિવ્યસ્વરૂપનો સાક્ષાત્કાર થઈ સિદ્ધદશા આવે છે, ત્યારે બ્રહ્મ એટલે પરમાત્મા પરબ્રહ્મના સ્વરૂપમાં ચર્યા એટલે દિવ્યસુખની અખંડ અનુભૂતિ થાય તે બ્રહ્મચર્યનો સૂક્ષ્મ અર્થ છે.