૨૪. બાપાશ્રીના અંતિમ દર્શન : કલ્યાણમસ્તુ

0:000:00

મૂંઝાશો મા, હું જાઉ તેવો નથી, સત્સંગમાં અખંડ રહ્યો છું, મૂર્તિથી ક્યારેય જુદો રહેતો નથી, પણ તમે હવે આમ નહિ દેખો

1. નારાયણપુરના ધનજીભાઈને મંદવાડ વધુ જણાવાથી બાપાશ્રી તેમને દર્શન દેવા નારાયણપુર પધાર્યા. બાપાશ્રીએ ધનજીભાઈના શરીર પર હાથ ફેરવીને કહ્યું જે, કાંઈ ફિકર રાખશો નહિ, મહારાજ સારું કરશે. ત્યારે ધનજીભાઈએ અરજ કરી કે બાપા! આથી પહેલાં જ્યારે જ્યારે મંદવાડ થઈ ગયેલો ત્યારે ત્રણ-ચાર વખત સાંધા દઈ દઈને મને રાખ્યો છે. તો આ વખતે મારી માગણી એવી છે કે હવે મને દયા કરી મહારાજની મૂર્તિમાં જોડી દો. મારે હવે મૂર્તિ વિના બીજો કાંઈ સંકલ્પ નથી. ત્યારે બાપાશ્રી કહે જે, અમારે તમારું આ લોકમાં કામ પડે તો રાખવાય જોઈએ. ત્યારે ધનજીભાઈએ બહુ પ્રાર્થના કરી જે બાપા! હવે મને આ લોકમાં રહેવાની મુદ્દલ ઇચ્છા નથી. માટે દયા કરી મહારાજના સુખમાં મૂકી દો. ત્યારે બાપાશ્રી પ્રસન્ન થઈને બોલ્યા જે; ભલે, તમે જાઓ. અમે પણ પાછળથી આવીએ છીએ. એમ કહી તેમના ત્રણે દીકરાઓને ભલામણ કરી જે તમો સર્વે હવે ધનજીભાઈની સેવા બરાબર કરજો. તેમની વૃત્તિ હવે મહારાજની મૂર્તિ સન્મુખ થઈ ગઈ છે. પછી ધનજીભાઈ હાથ જોડીને બોલ્યા જે, બાપા! બહુ દયા કરી. મહારાજને લાવ્યા, સંતોને લાવ્યા, સર્વે દિવ્ય તેજોમય, બાપા! તમે પણ આવા તેજોમય છો? ત્યારે બાપાશ્રી કહે, ધનજીભાઈ! મહારાજમાં વૃત્તિ જોડી મેલો. એ મૂર્તિમાં તેડની સેડ્યો તથા ફુવારા છૂટે છે. માંહી અનંત મુક્ત સાકાર થકા રહ્યા છે, માટે મૂર્તિ વિના બીજું કાંઈ જોવું નહિ અને કાંઈ બોલવુંય નહિ. એમ કહી ધનજીભાઈને શાંત કર્યા. તે વખતે તેમના સંબંધીઓએ કહ્યું જે બાપા! આ ધનજીભાઈ વિના અહીં તો દુકાળ જેવું લાગશે. તે વચન સાંભળી બાપાશ્રી બોલ્યા જે, આ દુકાળ તો બહુ નહિ જણાય. પણ જ્યારે મોટા દુકાળ પડશે ત્યારે સૌને ખબર પડશે. એમ કહી બાપાશ્રી વૃષપુર પધાર્યા.

વળી ધનજીભાઈ પાછલી રાત્રે બેઠા થઈને પગે લાગવા મંડ્યા ને બોલ્યા જે, વાહ મહારાજ! વાહ મારા બાપ! મારા પર ઘણી દયા કરી. સાથે બાપાશ્રીનાં દર્શન થતાં હતાં. તે વખતે નાના દીકરા હરજીભાઈએ કહ્યું જે, બાપા! તમે આ શું બોલો છો? ત્યારે ધનજીભાઈ બોલ્યા જે, હરજી બચ્ચા! ઘરનાં સૌ દર્શન કરો, આવડી સભા અહીં બેઠી છે ને તું મને એમ કેમ પૂછે જે, શું થાય છે? થોડીવાર થઈ ત્યારે પોતે સૂતા સૂતા હાથ જોડતા હતા. તે વખતે તેમના દીકરાઓએ પૂછ્યું જે, શું કરો છો? ત્યારે ધનજીભાઈ કહે, બાપાને પગે લાગું છું. ત્યારે તેમના દીકરાઓએ કહ્યું જે, ક્યાં છે? તો કહે, આ રહ્યા. આ નદીના ધરે નહાય. પછી તેમના દીકરા હરજીએ ખબર કાઢી તો બાપાશ્રી નહાતા હતા. તે તેડી આવી દર્શન કરાવ્યાં. એ રીતે બાપાશ્રીએ ધનજીભાઈને નિરાવરણ કરી દીધા.

બીજે દિવસે ધનજીભાઈ જાગ્રત થયા ત્યારે તેમના દીકરાઓએ કહ્યું કે, બાપાશ્રીને તેડી આવીએ? ત્યારે ધનજીભાઈ કહે તમે બાપાશ્રીને તેડી આવીએ એમ કેમ કહો છો? બાપાશ્રી તો આ રહ્યા. મહારાજ તથા અનંત મુક્ત પણ આ બેઠા. જુઓને! આ ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, આદિ અનેક સંતો બેઠા છે ને સર્વે તેજોમય છે. એમ એ વખતે ધનજીભાઈને મહારાજ તથા બાપાશ્રી આદિ અનેક મુક્તોનાં દર્શન થયાં. પછી સૌને જય સ્વામિનારાયણ કહી ધનજીભાઈએ દેહ મૂક્યો. તે વાત વૃષપુરમાં બાપાશ્રીએ હરિભક્તોને કહી. પછી પોતે નારાયણપુર જવા નીકળ્યા. ધનજીભાઈને પાલખીમાં બેસારી હરિભક્તો ઉત્સવ કરતા કરતા અગ્નિદાહ દેવા જતા હતા. તે ઝાંપામાં બાપાશ્રી સામા મળ્યા. પછી હરિભક્તોએ પાલખી ઉતારી દંડવત્ કર્યા. ત્યારે બાપાશ્રી ધનજીભાઈ ઉપર હાથ ફેરવીને બોલ્યા જે, ધનજી બચ્ચા! જા, અમે આવીએ છીએ; એમ કહીને પોતે એક કોરું વસ્ત્ર તેમના પર ઓઢાડ્યું. પછી હરિભક્તોને પાલખી લેવા કહ્યું. જ્યારે પાલખી લઈને સૌ ચાલ્યા ત્યારે ગુલાબની ધોખડ થઈ રહી અને બહુ સુગંધી આવવા માંડી. તેથી બધા ઊંચું જોવા લાગ્યા જે, આટલો બધો ગુલાલ અને આટલી બધુ સુગંધ ક્યાંથી આવે છે! પછી તેમને દેન દેવા માટે નદીને ધરે લઈ ગયા ત્યાં અગ્નિસંસ્કાર કર્યો, ત્યારે પણ બાપાશ્રી સૌની સાથે હતા. તે વખતે બોલ્યા જે, નારાયણપુરમાં આજે કાળ પડ્યો અને કચ્છમાં તથા સાજા સત્સંગમાં કાળ પડ્યો, પડ્યો અને પડ્યો એમ સમજી લેજો. એવી રીતે પોતાને અંતર્ધાન થવાની વાત મર્મમાં જણાવી.

પછી ધનજીભાઈના ખરખરે કણબીની નાતના માણસો આવેલા, ત્યારે પણ બાપાશ્રી તે સર્વે પ્રત્યે એમ બોલ્યા જે, ધનજી ગયો તે ખાલું પડ્યું; તે આ લોકની દૃષ્ટિએ બહુ ખોટું થયું. અમો પણ મહેમાન છીએ, જાવાની તૈયારીમાં છીએ. આવું સાંભળીને હરિભક્તોને અંતરમાં બહુ દુઃખ થયું. 2/127/389

2. અષાડ સુદ 3ને રોજ બાપાશ્રી સવારથી જ મંદવાડ દેખાડવા લાગ્યા. સૌને એમ જે આજે બાપાશ્રીને શરદી જેવું છે. ઠાકોરજી જમાડતી વખતે પણ રુચિ નથી એમ કહી થોડી ખીચડી અને છાશ જમ્યા. બપોરે મંદિરમાં આવી ઓરડે સૂતા. રાત્રે સભામાં આવ્યા પણ સૌને એમ જણાય જે, આજે બાપાશ્રીને શરીરે ઠીક નથી. પછી સભામાંથી ઊઠતી વખતે ઊભા થઈ સભાને હાથ જોડી જય સ્વામિનારાયણ કર્યા. તે વખત લથડિયું આવી ગયું, તેથી પૌત્ર જાદવજી તથા હીરજીભાઈના દીકરા પ્રેમજીએ હાથ ઝાલ્યા ને ઓરડામાં આસન પર લઈ ગયા. ત્યારે જાદવજી કહે બાપા! આજ આપને ઠીક નથી? ત્યારે બાપાશ્રી કહે, જાદવા! મને કાંઈ નથી. જરા ટાઢ વાય છે તેથી ગોદડું ઓઢાડ, એમ કહેવાથી બાપાશ્રીને ચોફાળ તથા ગોદડું ઓઢાડ્યું. હરિભક્તો જાય, આવે ને પૂછે, તે સૌને એમ કહે જે, હું પછાડનો નાહ્યો ત્યારથી ટાઢ ચડી છે. વળી ખીચડીમાં છાશ લીધી હતી, તેથી શરદી થઈ ગઈ જણાય છે. હવે ગોદડું ઓઢીને સૂતા સૂતા મહારાજને સંભારશું એટલે વાંધો નહિ આવે. એમ સૌને કહેતાં બાપાશ્રી પોઢી ગયા. બાપાશ્રીના દીકરા બંને ઘણી વાર બેઠા ને સેવા કરવા લાગ્યા. બાર વાગ્યા એટલે સર્વે સૂતા. પછી બાપાશ્રી એક વાગ્યાને સુમારે ઓચિંતાના બેઠા થઈ ગયા ને સેવક પ્રેમજી પર ખૂબ હેત જણાવીને કહ્યું જે, પ્રેમજી! તેં મારી નિષ્કામભાવથી સેવા કરી છે તેથી હું તારા ઉપર ખૂબ જ રાજી છું. મને એમ થાય છે જે આ ટાઢ નડશે ખરી, પણ તારે આ વાત કોઈને કહેવી નહિ. તું સંકલ્પ કરે છે કે બાપો જતા રહેશે તો! અને સ્વામી આદિકને ખબર નહિ પડે તો મને ઠપકો મળશે પણ હું જાઉં તેવો નથી. હું તો અખંડ છું. પણ હવે આ દેહ દેખાય કે નહિ તે મહારાજની મરજી. પણ આ વાત હમણાં તારે કોઈને જણાવવી નહિ. જો કોઈને કહીશ તો હું રાજી નહિ થાઉં. સ્વામી ઈશ્વરચરણદાસજીને મેં છેલ્લો મેળાપ કરવા માટે ઠેઠ ભૂજથી પાછા બોલાવી સુખિયા કર્યા છે, તેથી કાંઈ ખબર આપવાની જરૂર નથી. મેં આજ દિવસ સુધી સૌને મૂર્તિના સુખની વાત કરી પણ હવે હું બોલીશ નહિ. શ્રીજીમહારાજની મરજી આવી છે એમ જાણી તારે રાજી રહેવું, હું તને મૂર્તિના સુખમાં રાખીશ એમ કહી તેનો હાથ ઝાલીને પોઢી ગયા.

અષાડ સુદ 4ને રોજ સવારે બાપાશ્રીએ નાહવાની ઇચ્છા જણાવી પણ શરીરમાં આસક્તિ જણાતાં ઊઠી શકાણું નહિ. તેથી ઓરડા પાસે માંચી લાવી તેમાં બેસાડીને દાતણ આપ્યું ત્યારે ઊલટી થઈ તેથી સેવકે કોગળા કરાવ્યા. પછી બાપાશ્રી એમ બોલ્યા જે, આપણે તો બધા અક્ષરધામમાં છીએ. આ મહારાજ ને આ અનંત મુક્તો રહ્યા. એમ કહી હાથ જોડ્યા ને સૌને કહ્યું જે દંડવત્ કરો. તેથી સૌ દંડવત્ કરવા લાગ્યા. પછી નવરાવી, વસ્ત્ર બદલાવી, પૂજાનાં દર્શન કરાવ્યાં ને એમ ને એમ માંચીમાં બેસાડી મંદિરમાં લઈ ગયા. ત્યારે પોતે મૂર્તિ ઉપર હાથ ફેરવી પગે લાગ્યા ને ઝાઝી વાર મૂર્તિ સામું જોઈ રહ્યા. પછી ઓરડામાં લાવી સુવાર્યા, તે વખતે મનજીભાઈએ જમવાનું પૂછતાં તેમના માથા ઉપર હાથ મૂકીને બોલ્યા જે, મનજી! હું તો સદાય મૂર્તિના સુખરૂપ દિવ્ય ભોજન જમું છું. થોડીવારે બાપાશ્રીના પૌત્ર માવજી ઘેરથી સાકર નાખીને કઢેલું દૂધ મહારાજને ધરાવીને લાવ્યા ને બહુ પ્રાર્થના કરી તેથી થોડુંક પીધું ને બોલ્યા જે, હવે મને કોઈ જમવાનું પૂછશો નહિ. પછી એમ બોલ્યા જે, મને સાંજે ટાઢ બહુ હતી ને આ ટાણે ગરમી બહુ થાય છે. તેથી તમે મને વાડીએ લઈ ચાલો તો ઠંડક થાય. તેથી જાદવજી ગાડી લેવા ગયા. ત્યારે વળી બીજી ઊલટી થઈ એટલે સેવકે કોગળા કરાવી પાણી પાયું. તે વખતે કાનજીભાઈએ કહ્યું જે, બાપા! તમારે શરીરે અશક્તિ છે ને ઊલટી થાય છે તેથી વાડીએ ન જાઓ તો? ત્યારે બાપાશ્રી કહે મને ગરમી બહુ થાય છે. માટે વાડીએ જવું છે. પછી ગાડી આવી એટલે હરિભક્તોએ ગાડીમાં બેસાર્યા. તે વખતે પોતાના પુત્ર કાનજીભાઈ તથા મનજીભાઈ એ બંનેને પોતાની પાસે બોલાવીને કહ્યું જે, હવે મારા દેહનો નિરધાર નથી. તેથી તમે સૌ ખબડદાર રહેજો, તમે મારો ચીલો રાખજો, મૂર્તિથી ક્યારેય જુદા રહેશો નહિ; ધ્યાન, ભજન, કથા, વાર્તા નિરંતર કર્યા કરજો; હવે તમને હું વધુ કહીશ નહિ, તમે મૂંઝાશો મા, હું જાઉં તેવો નથી, સત્સંગમાં અખંડ રહ્યો છું, મૂર્તિથી ક્યારેય જુદો રહેતો નથી, પણ તમે હવે આમ નહિ દેખો. આવાં વચન સાંભળી પાસે ઊભેલા સૌ અતિ ઉદાસ થઈ ગયા. તે સર્વેને બાપાશ્રીએ કહ્યું જે, તમે કોઈ દિલગીર ન થાઓ. તમને સૌને મૂર્તિમાં રાખ્યા છે, તેથી આપણે સદાય ભેળા જ છીએ. સ્વામી ઈશ્વરચરણદાસજી આવશે ત્યારે તમને બધું ય ઠીક કરી દેશે. એમ ધીરજ આપી વાડીએ પધાર્યા. ત્યાં પાસે રહેનારા સેવકોને કહ્યું જે, મને કૂવાના થાળામાં બેસારી મારા ઉપર ખૂબ પાણી રેડો તો મને ગરમી મટે. તે વખતે સૌએ પાણી કરતા વાયરો નખાવવા પ્રાર્થના કરી. ત્યારે બાપાશ્રી કહે હું કહું તેમ કરો, એમ કહી ઘણી વાર શરીર પર પાણી રેડાવ્યું. પછી ખીમજીભાઈએ પ્રાર્થના કરી ત્યારે ધોતિયું બદલાવી ખાટલા પર આવીને સૂતા. તે વખતે નારાયણપુરથી હરિભક્તો દર્શને આવેલ. તેમણે ઘેરથી લાવેલ થાળમાંથી જમવા પ્રાર્થના કરી, પણ પોતે રુચિ જણાવી નહિ તો પણ બહુ તાણ કરી તેથી એક ગ્રાસ જમ્યા ને બોલ્યા જે, હવે મને કંઈ જમવાની રુચિ જ થતી નથી. તે વખતે હરિભક્તો હાર લાવેલ તે પહેરાવ્યા, તેમના માથે હાથ મૂકીને બોલ્યા જે, આમ ને આમ મૂર્તિમાં રહી સુખ ભોગવજો. એમ કહી પોતે લઘુ કરવા ઊઠ્યા. તે થોડેક છેટે લઘુ કરીને નાહવાની ઇચ્છા જણાવી. તે વખતે ઘણી પ્રાર્થના કરી તો પણ નાહવાની રુચિ જણાવી. તેથી થોડી વાર નવરાવી પાછા ખાટલા પર સુવાર્યા. પછી મનજીભાઈએ ઘેર જઈ બધી હકીકત કહી તેથી સૌ ઉદાસ થઈ ગયા ને હરિભક્તોને માંચી લઈને મોકલ્યા, તેમાં બેસારી બાપાશ્રીને ઘેર તેડી લાવ્યા. પછી બહુ નાહ્યાથી ઠંડક થઈ ગઈ છે એમ જાણી પાતળી રાબ કરી બાપાશ્રીને પાવા સારુ લાવ્યા ત્યારે બાપાશ્રી કહે, હવે મને એક મૂર્તિના સુખ વિના બીજું કાંઈ રુચતું નથી, માટે કોઈ જમવાનું પૂછશો નહિ. એમ કહી પોઢી ગયા. બાપાશ્રીના પુત્ર-પૌત્રાદિક કોઈને કાંઈ સૂઝે નહિ; તેથી ભૂજ-રામપુર આદિ ગામોમાં ખબર મોકલાવી હરિભક્તોને તેડાવ્યા. સૌ હરિભક્તો આવી હાથ જોડી પ્રાર્થના કરે, ત્યારે સહેજ નેત્ર ઉઘાડી સામુ જુએ પણ બોલે નહિ. સાંજના સંતો તથા ભોગીલાલભાઈ આદિક કેટલાક હરિભક્તો પાછા ગયા; પણ કોઈને કાંઈ ચેન પડે નહિ. પછી રાત્રીએ ઘણી પ્રાર્થના કરી બાપાશ્રીને દૂધ પાયું. તે થોડું પીધું ને જાગૃત થઈ અમૃત નજરે કૃપા કરી સૌના સામું જોયું. તે સમયે પાસે રહેલા સંત, હરિભક્તોએ શ્રીજીમહારાજની મૂર્તિ આગળ ઘીનો દીવો તથા અગરબત્તીનો ધૂપ કરી મૂર્તિને હાર પહેરાવ્યા. પછી બાપાશ્રીને ચંદન ચર્ચી, કુંકુમના ચાંદલા કરી, પુષ્પના હાર પહેરાવ્યા. પછી આરતી ઉતારી સૌએ દંડવત્ કર્યા. તે સમયે બાપાશ્રીએ સૌના ઉપર પ્રસન્નતા જણાવી હોય તેમ સામું જોઈ રહ્યા. સૌએ પ્રાર્થના કરી તો પણ કાંઈ બોલ્યા નહિ. નેત્ર મીંચી દીધાં તે જાણે સમાધિ થઈ હોય ને શું! તેમ ઘણી વાર દર્શન આપ્યાં. જેથી કોઈ સમજી શક્યા નહિ કે બાપાશ્રીએ શું કરવા ધાર્યું છે. પછી સૌ એક નજરે બાપાશ્રી સામું જોઈ ઊંચે સ્વરે ધૂન કરવા લાગ્યા. તે વખતે બાપાશ્રીએ પણ લીલા-વિગ્રહ બંધ કર્યો. એમ બાપાશ્રી આ લોકમાંથી અષાડ સુદ 4ની રાત્રિએ એક વાગ્યે અંતર્ધાન થયા. તે વખતે બાપાશ્રીએ બધાયનાં નાડી-પ્રાણ આકર્ષણ કરી એવી તો ધીરજ પ્રેરી કે કોઈ વિલાપ કરી શક્યા નહિ.

બાપાશ્રીના પુત્ર-પૌત્રાદિક તથા પાસે રહેનારા હરિભક્તોને આ દુઃખ અસહ્ય થયું પણ શ્રીજીમહારાજની મરજી આમ હશે એમ જાણી સૌએ ધીરજ રાખી. પછી ચોવીસે ગામના હરિભક્તોને સાઈકલો, ઘોડાઓ તથા માણસો મોકલી બાપાશ્રીના અંતર્ધાન થવાના ખબર મોકલાવ્યા. કેટલેક ઠેકાણે તો તે વખતે પોતે પ્રત્યક્ષ દર્શન આપ્યાં. લાલશંકરભાઈએ ભોગીલાલભાઈને આ સમાચાર આપ્યા ત્યારે તેમણે કહ્યું જે, બાપાશ્રીએ મને હમણાં હાથ ઝાલીને ઉઠાડ્યો ને માથે હાથ મૂકી અતિ પ્રસન્નતા જણાવી મળ્યા ને કહ્યું જે, હવે અમે જઈએ છીએ એમ કહી અદૃશ્ય થઈ ગયા. તે વખતે મેં ઊઠીને જોયું તો એક વાગ્યો હતો.

ત્યારથી હું એ જ વિચાર કરું છું કે આ શું થયું! ત્યાં તો તમે આવીને આ સમાચાર આપ્યા. દિવસ ઊગ્યા પહેલાં તો ચોવીસે ગામની મંડળીઓ તથા હરિભક્તો જ્યાં જેને ખબર પડી ત્યાંથી ગાંડાઘેલાની માફક ઉતાવળા ઉતાવળા આવ્યા. દિવસ ઊગ્યા સમયે તો આઠ-દસ હજાર માણસ ભેગું થઈ ગયું. તે સર્વેના હાથમાં ઘીનો લોટો તથા નાળિયેર એવી રીતના સૌએ આવી બાપાશ્રીનાં દર્શન કર્યાં. પછી બાપાશ્રીને પાલખીમાં પધરાવી ચંદન, કુંકુમ તથા પુષ્પના હાર અને ગુલાલથી પૂજા કરી. હરિભક્તો દર્શન કરવા લાગ્યા ને ગુલાલ ઉડાડતા, વાજતેગાજતે, વિરહનાં કીર્તન બોલતા બાપાશ્રીની પાલખી લીધી. પાલખીમાં બાપાશ્રી સામું સૌ એક નજરે જોતા ને વિરહનાં કીર્તન બોલતા ચાલતા હતા. કેટલાક તો ઊંચે સ્વરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધૂન કરતા, કોઈ દિલગીર થઈ રૂદન કરતા, કોઈ સમજણે કરીને શોક સમાવતા હતા, કોઈકને તો પોતાના દેહનું ભાન પણ ન રહેતું. એ રીતે બાપાશ્રીનાં દર્શન કરતા કરતા સૌ ચાલ્યા આવે એમ પાંચ કલાકે છત્રીના વંડા પાસે પહોંચ્યા. પછી ભોગીલાલભાઈ તથા મોતીભાઈએ કહ્યું જે, બાપાશ્રીએ મર્મમાં એક વખત કહ્યું હતું જે, અમારા દેહનો છેલ્લો વિધિ (અગ્નિસંસ્કાર) છત્રીની દક્ષિણાદિ બાજુએ કરજો. એમ વાત કરી તે સૌને ઠીક લાગ્યું. પછી સંતહરિભક્તોએ બાપાશ્રીની ચંદન, પુષ્પહારથી પૂજા કરી આરતી ઉતારી. પછી સુખડ તથા નાળિયેરથી 'ચે' રચી તે વખતે છેલ્લાં દર્શનની તાણે હરિભક્તો ઉપરા ઉપરી પડવા લાગ્યા. તેમને ભોગીલાલભાઈએ શાંતિ પમાડી ધીરજ આપવા બાપાશ્રીના મહિમા-પ્રતાપ-આજ્ઞા વગેરેની તથા બાપાશ્રીએ તેમના જીવન પર્યંત ગ્રહણ કરેલા મંદવાડ તથા તે વખતે કરેલી મનુષ્યલીલાની વાતો કરી. પછી બાપાશ્રીને ધૃતથી નવરાવી, અગ્નિસંસ્કાર વિધિ કર્યો. ત્યારે પણ હરિભક્તો નાળિયેર તથા ઘી હોમવા સારુ અધીરા થઈ વ્યાકુળ થયા અને વિરહની વેદના સમાય નહિ. તે વખતે બાપાશ્રીએ સર્વેને ધીરજ પ્રેરી એટલે સર્વે શાંત થયા. એમ અગ્નિસંસ્કાર થઈ રહ્યા પછી સર્વે સ્નાનવિધિ કરી વિરહનાં કીર્તન બોલતા બોલતા બાપાશ્રીને ઘેર આવી, મંદિરમાં દર્શન કરી શ્રીજીમહારાજને સંભારતા અને બાપાશ્રીએ આપેલાં સુખ તથા તેમના ગુણોનું વર્ણન કરતા કરતા સૌ પોતપોતાને ગામ ગયા.

અષાડ સુદ 8ને રોજ સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતમંડળ બાપાશ્રીના અંતર્ધાન થયાના ખબર મળવાથી કચ્છમાં ગયા. ત્યાં જઈ સૌને ધીરજ આપી બાપાશ્રીનાં કાર્ય નિમિત્તે પારાયણ બેસારી ને મોટો યજ્ઞ કરવાનું નક્કી કર્યું. આ પારાયણમાં કથા-વાર્તા સમયે તથા જમવા જતાં પંક્તિ વખતે સૌ શાંત દેખાતા હતા. બાપાશ્રીના પુત્ર-પૌત્રાદિક કુટુંબીજનો તો જેમ સત્ત્વ વિનાના પદાર્થ હોય તેવા બની રહ્યા હતા. બંને સદગુરુઓ સવાર-સાંજ સભામાં બાપાશ્રીના મહિમા, પ્રતાપ, આજ્ઞા તથા બાપાશ્રીએ કરેલા અતિ અપાર ઉપકારોની વાતો કરી સૌને ધીરજ આપતા. પછી કાર્યની સમાપ્તિ થયે બંને સદગુરુ આદિ સંતોની પ્રસન્નતા માગી સૌ હરિભક્તો પોતપોતાને ગામ ગયા. બાપાશ્રીના કાર્ય પ્રસંગે અમદાવાદ તથા મૂળીથી આવેલા સંતો અને આશાભાઈ જેવા બાપાશ્રીની સેવામાં નિરંતર રહેનારા હરિભક્તો પંદર-વીસ દિવસ રહીને ગુજરાત તરફ જવા માટે ભૂજ ગયા. ત્યાં ભોગીલાલભાઈ આદિ ભૂજના હરિભક્તોએ સદગુરુઓને એકાદ માસ વધુ રોકાઈને, બાપાશ્રીને દેન દીધેલ તે ઠેકાણે સ્મૃતિરૂપ સ્થાન કરાવવા પ્રાર્થના કરી. પછી સદગુરુઓ આદિ સંતોને એ વાત ઠીક લાગી એટલે નકશો કરાવી છત્રી બનાવડાવી. પછી સર્વે હરિભક્તોને બાપાશ્રીની પ્રસન્નતાના તથા મૂર્તિમાં રાખવાના આશીર્વાદ આપી સ્વામીશ્રી આદિ સંતો ગુજરાત તરફ આવ્યા. 2/153/477

3. એક દિવસ બાપાશ્રીને દેન દીધેલ તે ઠેકાણે સ્મૃતિરૂપ સ્થાન કરવા માટે થાંભલા ઘડવાનું કામ ચાલતું હતું ત્યારે રાત્રિના દસ વાગ્યે મિસ્ત્રી વીરજીભાઈને બાપાશ્રીએ પ્રત્યક્ષ દર્શન દઈને કહ્યું જે, તમે તો છત્રીના થાંભલા ઘડો છો ને? ત્યારે તે કહે, હા બાપા! તે વખતે બાપાશ્રીએ તેમને યાદ આપી કહ્યું જે, માધાપુરમાં અમે તમને કહ્યું હતું જે, તમો કારીગર છો, પણ જે જે કામ કરો તે મહારાજની મૂર્તિ સંભારીને કરજો. તે સંભારી રાખજો ને કામ બરાબર કરજો. એમ કહી અદૃશ્ય થઈ ગયા. તે વાત તેમણે સ્વામીશ્રી આદિ સંતોને કહી. શ્રીહરિ ને તેમના મુક્ત સદાય પ્રત્યક્ષ જ છે, તેમને જવું-આવવું નથી તેની આ પ્રતીતિ છે. 2/157/504