• મુક્તોના ભેદ-લક્ષણ : તેમનો મહિમા-સમાગમ - વિભાગ ૩

0:000:00

1. ભારાસરના મંદિરમાં બાપાશ્રી કૃપા કરીને બોલ્યા જે હરિજનો! આ સંતો બધા અનાદિમુક્ત છે ને ભગવાનરૂપ છે. તે પ્રત્યક્ષ ભગવાનનો અનુભવ કરાવે છે અને અનુભવજ્ઞાન આપી સાક્ષાત્કાર કરાવે એવા છે એમ સમજજો. સત્સંગમાં કેટલાક સમજ્યા વિના સામસામા લડે છે. કોઈક તો અક્ષરથી બહાર નીકળતા જ નથી. એ તો અક્ષરમાં જ રહેવાના. આપણે તો ખરા મુક્તનો જોગ રાખવો તો અનાદિમુક્ત થઈને મૂર્તિમાં રહેવાય. 2/7/25

2. શ્રીજીમહારાજની મૂર્તિમાં રહેનારા અનાદિમુક્ત મળે તો એ અનુભવજ્ઞાન આપીને મૂર્તિનો સાક્ષાત્કાર કરાવી મૂર્તિમાં જોડી દે, તે વિના સાધને કરીને એ સ્થિતિ પમાય નહિ. એવા મુક્તનો મહિમા તો અપાર છે. તે અ. મુ. સ. ગુ. ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં કહેલ છે, જે તમારા પરમહંસની મોટા મોટા દેવ તથા અક્ષરાદિક મુક્ત અને સર્વે અવતાર પ્રાર્થના કરે છે ને દર્શનને ઇચ્છે છે. એવી જ રીતે વિધાત્રાનંદ સ્વામીએ કરેલ 'પુરુષોત્તમ નિરૂપણ' તથા ગોપાળાનંદ સ્વામીની વાતોમાં પણ મહિમા કહેલ છે. 2/7/26

3. સભામાં પુરાણી કેશવપ્રિયદાસજીએ પૂછ્યું જે, પામર વિષયી તથા મુમુક્ષુને મૂર્તિમાં કોણ લઈ જાય? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, અનાદિમુક્ત લઈ જાય. અ. મુ. સ. ગુ. ગોપાળાનંદ સ્વામીએ ગઢડાના મંદિર ઉપર ચઢીને સંકલ્પ કર્યો જે પ્રલય કેમ થાતો હશે? ત્યાં તો ઝાડ અને ઘર ધબોધબ પડવા લાગ્યાં તેથી સ્વામીશ્રીએ તુરત સંકલ્પ બંધ કર્યો, એવા મહાસમર્થ હતા. એવાની સાથે જીવ જોડે તો તે મૂર્તિમાં લઈ જાય. 2/8/28

4. સભામાં પુરાણી કેશવપ્રિયદાસજીએ પૂછ્યું જે, વ્યતિરેક મૂર્તિમાં અનાદિમુક્ત રહ્યા છે. તેમને બોલવા-ચાલવાનું હશે કે નહિ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, દિવ્ય મૂર્તિમાં રહ્યા તેમાં બોલવાનું જોવાનું છે તે બધુ મહારાજનું છે. એકાંતિકને વિષે પણ મહારાજ સર્વે ક્રિયા કરે છે તો અનાદિને તો કાંઈ પણ ક્રિયા હોય જ શાની? એ તો મૂર્તિના સુખમાં લુબ્ધ હોય તેથી બીજું કાંઈ કરતા જ નથી. 2/11/33

5. બાપાશ્રી દેવરાજભાઈ પ્રત્યે બોલ્યા જે, તમે આ સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતોને ઓળખ્યા તેથી કામ થઈ ગયું. આવા સંત ક્યાંય ન મળે. સંત તો બધાય છે, પણ આવા સંતથી કામ થાય તે બીજાથી ન થાય. આ સંત, ઉત્સવ, સમૈયા, મંદિરો એ આદિ કામ કરતા ન જણાય પણ જે કામ આ સંત કરે તે બીજાથી ન થઈ શકે. મૂર્તિમાં રસબસ કરવા તે આવા સંતથી થાય; આ સંતના દર્શનથી, સ્પર્શથી કામ સરે. એમને વાયુ ભટકાઈને જેના ઉપર પડે તે બધાનું કલ્યાણ થાય એવા સમર્થ આ સંત છે. માટે આવા સંતનો જોગ રાખજો; તો ધામમાં હડેડાટ ચાલ્યા જવાય. આ સંત બ્રહ્મની મૂર્તિઓ છે. સંત કોને કહીએ તો જે શાંતિને પમાડે તે સંત. આ સંત તો ગૌમુખી ગંગા છે. તે ગૌમુખીમાંથી મહારાજનું સુખ આવે છે. આવા જંગમ તીર્થનો મહિમા સમજીને જોગ કરવો. 2/16/41

6. કેટલાક તો શાસ્ત્ર ભણેલા હોય પણ મોટાનો વિશ્વાસ ને જોગ વિના અટકીને ઊભા થઈ રહે છે. જેને શાસ્ત્રના વચનથી વહેમ બંધાઈ જાય છે, તેને તો મહારાજના મોટા મુક્ત દયા કરીને સમજાવે ને તેના વચનમાં વિશ્વાસ લાવે તો જ સમજાય. 2/21/58

7. જેતલપુરનું 1લું વચનામૃત વંચાતું હતું. તેમાં ભગવાનને મળેલા મુક્તની વાત આવી ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મૂર્તિમાં રહેતા હોય તે મળેલા કહેવાય. મહારાજ અને મુક્ત સદા સત્સંગમાં છે, છે ને છે જ! આજ સાક્ષાત્ શ્રીજીમહારાજ મધ્યસ્થ બિરાજે છે અને મુક્ત ફરતા બેઠા છે, માટે સદાય પ્રત્યક્ષ છે. તે અંર્તદૃષ્ટિએ કરીને જુએ અને મહારાજનો ને મોટાનો વિશ્વાસ લાવે, તો આ ફેરે જ છેલ્લો જન્મ થઈ જાય. મહારાજ અને મોટા મુક્તો મળ્યા છે, તે પૂરું કરાવી દેશે પણ ખટકો રાખીને મંડવું. પંચભૂતના દેહને પડ્યો મૂકીને ભગવાનના સ્વરૂપમાં જોડાઈ જવું. 2/22/59

8. સભામાં બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે નંદરાજાને નાણું કાંઈ કામ આવ્યું નહિ. તેમ આ સંત નિર્ભય નાણું છે. તે મહિમા જાણીને સમાગમ નહિ કરે તેને નંદરાજા જેવું થશે. આ સંત અક્ષરધામથી પરના એટલે મૂર્તિમાં રહેનારા છે, તો પણ કેટલાક બાળક જેવા છે તે સમજી શકતા નથી. કોઈક કોઠારું કરે, કોઈક ભંડારું કરે, કોઈક મહંતાઈ કરે, પણ આવા સંત ક્યાંથી મળે! આ સંત કરે તે કામ કોઈ ન કરે. આવા સંતને મુખે શ્રીજીમહારાજ પોતે બોલે છે. જીવાખાચરને ઘેર ફૂડિયાં ગવાતાં હતા એટલે શ્રીજીમહારાજ ત્યાંથી ચાલી નીકળ્યા તે સુખપુર ગયા, ત્યાં પણ એવો ને એવો જ વિવાહ હતો, ત્યાંથી ચાલ્યા તે કુંડળની ભાગોળે થઈને અરધી રાત્રીએ જતા હતા. ત્યાં મામૈયો પગટર ઘરમાં રહ્યો થકો હે સ્વામિનારાયણ બાપા! એમ બોલ્યો, ત્યારે શ્રીજીમહારાજ તુરત દર્શન આપીને બોલ્યા જે, હાં, બાપા! એમ સંત બોલાવે તો પણ બોલે અને સંતને મુખે પણ બોલે. મૂર્તિમાં રહીએ તો મહારાજ જ બોલે. 2/23/61

9. સભામાં મધ્ય પ્રકરણનું 45મું વચનામૃત વંચાતું હતું. તેમાં ભગવાન ને ભગવાનના ભક્તને રાજી કરવાની વાત આવી. ત્યારે પુરાણી કેશવપ્રિયદાસજીએ પૂછ્યું જે, ભગવાન ને ભગવાનના ભક્તને તો રાજી કરીએ પણ મુક્ત તો મૂર્તિમાં રહ્યા હોય તેમને શી રીતે રાજી કરવા? પછી બાપાશ્રી બોલ્યા જે, મૂર્તિમાં રહેલા મુક્તને જુદા રાજી કરવા ન પડે; એ તો મહારાજ ભેળા રાજી થાય. એટલે મહારાજને રાજી કરવાથી એ રાજી થઈ ગયા એમ જાણવું. પરમ એકાંતિક મુક્ત તથા સાધન દશાવાળા એકાંતિકને રાજી કરીએ તો તે ભેળા મહારાજ રાજી થાય. 2/27/71

10. પુરાણી કેશવપ્રિયદાસજીએ પૂછ્યું જે, પરમ એકાંતિક તો મૂર્તિની સમીપે રહે છે, પણ મૂર્તિની અંદર રહેલા મુક્તને સન્મુખ કેવી રીતે જાણવું? પછી બાપાશ્રી બોલ્યા જે મૂર્તિમાં સળંગ રહ્યા થકા સમગ્ર મૂર્તિને એકકાળાવછિન્ન દેખે છે એમ સન્મુખ જાણવું. 2/27/72

11. મહારાજ અને મુક્ત તો દેહ વિનાના કહેવાય. તેમને તો આ લૌકિક ક્રિયા જે ખાવું-પીવું તે નથી. તે તો જમતા થકા અજમતા છે. એમ જ સર્વે ક્રિયા કર્તા થકા અકર્તા છે. આવી રીત મોટા મુક્તની છે. 2/30/77

12. જેમ શ્રીજીમહારાજ દિવ્ય છે તેમ મોટા મુક્ત પણ દિવ્ય છે, પણ સુખભોક્તામાં સ્વામી-સેવકપણું રહે છે. મહારાજ સુખના દાતા છે અને મુક્ત સુખના ભોક્તા છે. શ્રીજીમહારાજે પોતાના મુક્તોને કહ્યું જે તમે પૃથ્વી ઉપર જાઓ, ત્યાં તમો જેને કથા-વાર્તા કરશો, તમારા હાથની જે પ્રસાદી જમશે તે સર્વેને અમારા ધામની પ્રાપ્તિ થશે. મોટા તો જ્યાં વિચરતા હોય ત્યાં ઝાડ, પહાડ સર્વેના ધન્ય ભાગ્ય કહેવાય. મહારાજની મૂર્તિના સુખે સુખિયા થાવું હોય તો માયિક પદાર્થમાંથી પ્રીતિ ટાળી આવા મોટાનો મન, કર્મ, વચને જોગ-સમાગમ કરીએ તો સંસારરૂપી સમુદ્રમાંથી ઊગરીને ભગવાનની મૂર્તિના સુખમાં ઝટ પહોંચી જવાય ને ભારે કામ થઈ જાય. મોટાની અનુવૃત્તિમાં રહે તો ધક્કો મારીને પૂરું કરી આપે. મોટા અનાદિ દ્વારા જે સત્સંગમાં વપરાણું તે અનંતગણું થાય છે. 2/31/85

13. મોટા સંતનો મહિમા કેવો છે તો મહિમાએ સહિત જે સ્પર્શ કરે છે તેને અક્ષરધામની પ્રાપ્તિ થાય છે અને હેતે સહિત જમાડી પુષ્પ-ચંદને પૂજા કરીને વસ્ત્ર ઓઢાડે છે તે છતે દેહે ભગવાનના અક્ષરધામને પામે છે. જીવ મહારાજને તથા મોટા મુક્તને સંભારે તો તરત સુખિયો થઈ જાય અને કામ-ક્રોધાદિક સર્વે ટળી જાય. 2/31/86

14. પુરુષોત્તમરૂપ જે સંત તેને જોગે કરીને પુરુષોત્તમરૂપ થવાય છે. પ્રથમ તો ખદ્યોત જેટલો જીવમાં પ્રકાશ હોય અને થોડે થોડે મહાતેજ જેવો થાય, પણ પુરુષોત્તમરૂપ થાય છે. જેમ અગ્નિમાં લાકડું નાખે તે અગ્નિરૂપ થઈ જાય તેમ પણ કનિષ્ઠના જોગથી પુરુષોત્તમરૂપ થવાય નહિ. 2/31/87

15. પુરુષોત્તમ ભગવાન સર્વે મુક્તોને સન્મુખ અને સામું જોઈ રહ્યા છે તેમ ભાસે છે. વળી પુરુષોત્તમરૂપ જે મહામુક્તના સમાગમ, સેવા, આશીર્વાદ વડે કરીને જે મુક્ત થયા તે સર્વે જેટલામાં પુરુષોત્તમની દૃષ્ટિ પહોંચે છે, જેટલું પુરુષોત્તમ જાણે છે તેટલું જાણે છે ને દેખે છે. જેમ સૂર્યની દૃષ્ટિને પામ્યા એવા જે પુરુષ તે જેટલામાં સૂર્યની દૃષ્ટિ પહોંચે છે તેટલામાં તેની પણ દૃષ્ટિ પહોંચે છે. તેમ પુરુષોત્તમ જેટલું દેખે છે તથા જ્યાં પુરુષોત્તમ ભગવાન હોય ત્યાં તે પણ હોય. ત્યારે પુરુષોત્તમ તો સર્વત્ર છે, સર્વત્ર દેખે છે, જાણે છે, તેવા તે મહામુક્ત પણ છે. એમ પુરુષોત્તમથી જરાય જુદા રહેતા નથી અને અજાણ્યું પણ કાંઈ નથી. 2/33/94

16. જેને મોટા મુક્તને વિષે આત્મબુદ્ધિ થઈ હોય ને તેમને સાચે ભાવે સંભારે તો મોટા પ્રત્યક્ષ મળ્યા હોય ને કામ કરે તેવું જ કામ કરે છે. જેમ આંબલીને સંભારે તો મુખમાં પાણી આવે છે તેમ મોટાને જ્યાં જ્યાં સંભારે ત્યાં પોતે પ્રગટ આવીને તેનું કામ કરે છે, પણ જો સાચો વિશ્વાસ હોય અને સંપૂર્ણ મહિમા જાણ્યો હોય તો પાત્ર થવામાં કાંઈ દાખડો નથી. પોતાનું મનગમતું મૂકી દઈને જેમ મોટા કહે તેમ સરળપણે વર્તે તો પાત્ર તુરત થાય. મોટાની સેવા અને સમાગમ કરવાથી મહારાજની મૂર્તિરૂપી ફળ પ્રાપ્ત થાય છે ત્યારે મહારાજને સર્વત્ર દેખે છે. જેમ સાધુ કેશવદાસજી તથા અવલબાને વિષે મહારાજે પ્રવેશ કર્યો હતો તે ટાણે મહારાજ પોતે જ છે એમ જણાતું હતું. તેમ સિદ્ધદશાને પામે ત્યારે સર્વેને વિષે મહારાજને દેખે; ત્યારે માયા ટળી એમ જાણવું. જેમ કડિયા મૂર્તિ કરે પછી બ્રહ્મયજ્ઞ કરી તેમાં મહારાજનું આવાહન કરી પધરાવે છે, ત્યારે તેમાં સાક્ષાત્ ભગવાન બિરાજે છે અને જીવ છે તે તો પાત્ર છે, તો તેમાં મૂર્તિ પધરાવવી તેમાં શી વાર! કાંઈ પણ વાર ન લાગે. માટે મોટાને વિનંતી કરીને મૂર્તિમાં વળગી પડવું. 2/34/96

17. મહારાજના મુક્ત છે તે તો અમૃતના ઝાડની પેઠે છે, તે જ્યાંથી ઉપયોગમાં લો ત્યાંથી અમૃત; તેની સેવા સ્પર્શ વગેરે અમૃત છે. એમની સેવાં કાંઈ થોડે ભાગ્યે મળતી નથી અને તેથી બીજી કોઈ મોટી પ્રાપ્તિ નથી; માટે મોટાની ક્રિયામાં સંશય ન કરવો. મોટા ઊંઘે ત્યારે નસકોરાં બોલતાં હોય એમ જણાય પણ તે તો મહારાજની મૂર્તિમાં ગુંજારવ કરતા હોય. એવા મોટા અનાદિનો જોગ જેને થયો છે તેના આત્માને વિષે મોટાએ શ્રીજીમહારાજની મૂર્તિ પધરાવી દીધી છે, પણ તે જોગ કરનારને ખબર નથી, પણ તે જોશે ત્યારે દેખાશે. 2/35/94, 99, 100

18. જીવનું કારણ શરીર વજ્રસાર જેવું છે, પણ શ્રીજીમહારાજનો જરાક ઝબકારો જીવમાં આવે કે તુરત કારણ શરીર બળી જાય છે. જેમ જરાક અગ્નિનો તણખો બાળી મૂકે છે તેમ. માટે કારણ મૂર્તિને પામવા કારણરૂપ એવા અનાદિમુક્તનો જોગ-સમાગમ કરી મહિમા જાણવો. મોટા મુકતનો મહિમા સ્વામી સેવકભાવ રાખીને જેટલો કહેવો હોય તેટલો કહેવાય. તે એવી રીતે કે મહારાજ સુખ દાતા છે ને મુક્ત સુખ ભોક્તા છે. એવા મુક્તની કૃપા ક્યારે થાય? તો પુરુષપ્રયત્ને કરીને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ સિદ્ધ કરે તો. મોટાની કૃપા વિના મહારાજના સુખમાં કે મૂર્તિમાં કોઈ પણ પ્રકારે જીવની દૃષ્ટિ પહોંચતી નથી. વચનામૃતમાં મહારાજ તથા મોટા મુક્તનો મહિમા બહુ લખ્યો છે, પણ મોટાના જોગ વિના એના અર્થ સમજાય નહિ. તે અર્થ કયા? તો એક પરોક્ષ ભાવ, બીજો પ્રત્યક્ષ ભાવ, ત્રીજો પરભાવ. તેમાં કેટલેક ઠેકાણે એકાંતિકની, કેટલેક ઠેકાણે પરમ એકાંતિકની અને કેટલેક ઠેકાણે અનાદિની સ્થિતિની વાત કરી છે. એ શબ્દપ્રયોગ મોટા ઓળખે. માટે તેનો જોગ કર્યા વિના સમજાય નહિ. 2/35/101

19. સિદ્ધ મુક્તને મતે અણુ અણુ પ્રત્યે ભગવાન રહ્યા છે, કેમ જે એમની દૃષ્ટિ મૂર્તિ આકારે છે. એમને તો મૂર્તિ વિના બીજું કાંઈ છે જ નહિ. તે તો ગમે તે ક્રિયા કરે પણ મૂર્તિ ભૂલે નહિ. આવા મુક્તના પ્રસંગ સિવાય મહારાજની મૂર્તિ દેખાતી નથી. શ્રીજીમહારાજે કહ્યું છે, "તે મૂર્તિને અમે પ્રગટ પ્રમાણ હમણાં પણ દેખીએ છીએ અને સત્સંગમાં નહોતા આવ્યા ત્યારે પણ દેખતા અને માતાના ગર્ભમાં હતા તે દિવસ પણ દેખતા અને ગર્ભમાં આવ્યા મોર પણ દેખતા." તે મહારાજે પોતાના મિષે અનાદિમુક્તની સ્થિતિની વાત કરી છે. 2/35/ 100, 101, 102

20. મહારાજ અને મુક્ત તથા આપણે સર્વે ભેળા જ છીએ, એક ક્ષણ માત્ર પણ દૂર નથી. એવું જેને રહેતું હોય તેને પણ જ્ઞાનનો વધારો થવા માટે એવા મહામુક્ત પ્રત્યક્ષ બિરાજતા હોય ત્યાં સુધી જોગ કરી લેવો. જેને મહારાજ ને મોટાને વિષે અનન્ય પ્રીતિ થાય તેને પ્રારબ્ધ બળી જાય છે અને કોઈ પણ પ્રકારનું બંધન રહેતું નથી. જેને મોટા મુક્તનો જોગ ન થયો હોય તેને તો માયા ઘણી બળવાન જણાય છે અને મોટા તો સ્વતંત્ર હોય તે માયામાં પણ નિર્લેપ રહે, સ્વતંત્ર પ્રગટ થાય અને અનંત પતિત જીવોનો ઉદ્ધાર કરી નાખે એવું એમાં સાર્મથ્ય છે. એવા મોટાની અનુવૃત્તિમાં રહી તેમને પ્રસન્ન કરે તેનું કલ્યાણ થાય. 2/36/103, 105

21. શ્રીજીમહારાજ નરનારાયણને મિષે પ્રગટ થયા તેથી મહારાજને નરનારાયણ કહ્યા હોય, ત્યારે નર તે મુક્ત અને નારાયણ તે મહારાજ એમ જાણવું. 2/37/106

22. શ્રીજીમહારાજના અનાદિમુક્ત મળે તો શ્રીજીની મૂર્તિમાં લઈ જાય અને તે વિનાના તો બીજા ધામમાં લઈ જાય. મહારાજ અને મોટા અનાદિનો મહિમા સમજાય ત્યારે શ્રદ્ધા વધે, દેહના ઘસારાને પણ ન ગણે, માન-અપમાનને ન ગણે; એને તો એક મૂર્તિનું જ તાન હોય. એવા મુક્તને માથે કાળ, માયા, પુરુષ, બ્રહ્મ, અક્ષર આદિ કોઈનો હુકમ નથી ને એ સર્વે એમને રાજી કરવા ઇચ્છે છે. 2/37/111

23. શ્રીજીમહારાજ કલ્યાણ તથા પોતાનું સુખ તે મુક્ત પાસે અપાવે છે. માટે સાધનદશાવાળા મોક્ષાર્થીને મુકતને શરણે થયા વિના પોતાને બળે તે સુખ પમાતું નથી અને મહારાજના સુખમાં પહોંચ્યા પછી કોઈ મુક્તની અપેક્ષા રહેતી નથી. 2/37/107

24. એક હરિભક્તે સ. ગુ. નિર્ગુણદાસજી સ્વામીને પૂછ્યું જે, શ્વેતદ્વીપ ને બદરિકાશ્રમમાં કોણ રહે છે? ત્યારે એ બોલ્યા જે, અમે એવું જાણતા નથી. ચક્રવર્તી રાજા બીજાનું જોવા ન જાય, તેમ મૂર્તિ વિના અમે બીજું જોતા નથી. પુરુષોત્તમનારાયણની મૂર્તિમાં જોડાઈ રહ્યા એને બીજું કાંઈ છે? એવું જોયાનું શું કામ? માયિક વસ્તુથી શું જોવાય? તેથી તો માયામય જ જોવાય ને દિવ્ય વસ્તુ રહી જાય. સૂરત રાખો. મોટા તો મૂર્તિથી નોખા જ ન પડે. એવી સ્થિતિવાળાને માળા પૂરી ન થાય, માનસીપૂજા પૂરી ન થાય, તેમને તો આકાશ-પાતાળમાં મૂર્તિ વિના બીજું કાંઈ છે જ નહિ, સર્વે થઈ રહ્યું છે. 2/39/118

25. જેમ વૃક્ષ સાથે છાલ વળગી છે તેમ પરમ એકાંતિક મુક્ત મૂર્તિમાં વળગ્યા છે. અનાદિ જેમ વૃક્ષમાં રસ વ્યાપી રહ્યો છે તેમ મૂર્તિમાં જોડાઈ રહ્યા છે. તેવી રીતે આપણે મૂર્તિમાં જોડાવું. 2/41/123

26. પુરાણી હરિપ્રસાદદાસજીએ પૂછ્યું જે, મહારાજની આજ્ઞા પ્રમાણે પાંચ વર્તમાન તથા અગિયાર નિયમમાં રહ્યો હોય અને ઉપાસના પરિપક્વ હોય પણ તેને ત્યાગ, વૈરાગ્ય તથા ધ્યાન કરવા આદિકમાં મંદ શ્રદ્ધા હોય પણ મોટાનો દૃઢ વિશ્વાસ હોય તો તેનું મોટા પૂરું કરે કે ન કરે? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મોટાનો વિશ્વાસ હોય અને ઉપાસના પરિપક્વ હોય ને બીજી વાતમાં કાંઈક કસર હોય તો પણ તેનું આત્યંતિક કલ્યાણ મોટા કૃપાસાધ્ય છે માટે કરે. પ્રથમ પ્રકરણના 27મા વચનામૃતમાં કહ્યું છે જે એવો ભગવાનનો ભક્ત અનંત ઐશ્વર્યને પામે તે ઐશ્વર્ય તે શું? તો મૂર્તિનાં નાનાં પ્રકારનાં સુખ તેને પામે છે. વચનામૃતમાં કહ્યું છે જે એવા ભક્તનાં નેત્રમાં ભગવાન જોનારા છે, પગમાં ચાલનારા ભગવાન છે, એ સાધનદશામાં એકાંતિકની સ્થિતિ કહી છે અને જે અક્ષરધામમાં શ્રીજીમહારાજની સન્મુખ સિદ્ધ મુક્ત રહ્યા છે તેને તો એક મહારાજ જ છે, તે પરમ એકાંતિકની સ્થિતિ છે. 2/41/126

27. વચનામૃતમાં મહારાજે એમ કહ્યું છે જે, "આ ગઢડું શહેર કે ઓસરી એ કાંઈ દેખાતું નથી." તે સ્થિતીની વાત છે. એવી સ્થિતિ થાય તેને મૂર્તિ વિના કાંઈ દેખાતું નથી. અક્ષરધામ વિના અણુમાત્ર ખાલી નથી. મહારાજે કહ્યું જે મૃત્યુ સમે એક ઘડી આડી હોય, ત્યારે પણ નિર્વાસનિક થઈ મૂર્તિમાં જોડાય તો કસર ટળી જાય છે. તે અંત સમે તો મોઢું ફાટ્યું રહે, આંખ્યો ફાટી રહે, ત્યારે મૂર્તિમાં ક્યાંથી જોડાવાય! પણ જો મોટા અનાદિને વિષે દિવ્યભાવ હોય, વિશ્વાસ હોય, હેત હોય અને આજ્ઞામાં રહ્યો હોય તો મોટા કૃપાસાધ્ય છે તે કૃપા કરીને કસર ટાળી નાખે છે અને અનાદિમુક્ત જેવું અનુભવજ્ઞાન આપે છે. અનંત કોટિ મુક્તને મેળાવે છે અને અનંત પ્રદક્ષિણા-દંડવત્ કરાવે છે. પછી મહારાજ કૃપા કરીને પોતાની મૂર્તિમાં જોડીને મૂર્તિને સજાતિ અનાદિમુક્ત જેવા અનાદિ કરે છે. 2/41/127

28. મોટા અનાદિમુક્તનો મહિમા સમજાય તો વિશ્વાસ આવે અને વિશ્વાસ આવે ત્યારે હેત થાય. જ્યારે હેત થાય ત્યારે હેતે કરીને મોટામાં જોડાઈ જાય. હેત ને વિશ્વાસથી બહુ કામ થાય છે. જો મહિમા સમજાય તો વિશ્વાસ ને હેત થાય. માટે જોગ સારો હોય, કહેનારા સારા હોય, તેવા સમયમાં પોતાનું પૂરું કરી લેવું. 2/41/128

29. સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, અનાદિમુક્ત થાય છે તે કયા શબ્દથી જાણવું? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, અતિ સ્નેહે કરીને ભગવાનને વિષે લીન થઈ જાય છે. એવા મુક્તને ભગવાન પોતા જેવો કરે છે. એ ભક્ત જેવા ભગવાનને જાણે છે તેવો પોતે થાય છે. આત્મસત્તાને પામ્યા પછી ભગવાનની કૃપાથી ભગવાનના તુલ્યપણાને પામે છે અને મૂર્તિને વિષે લીન થાય છે. એવા એવા શબ્દથી જાણવું. તે બ્રહ્માનંદ સ્વામીએ પણ કહ્યું છે કે "રસબસ હોઈ રહી રસિયા સંગ જયું મિસરી પય માંહી ભળી." તે અનાદિમુક્ત મૂર્તિમાં રસબસ જોડાઈ રહ્યા છે, મૂર્તિરૂપ છે, તો પણ સ્વામી સેવકભાવ દૃઢ રહે છે. માટે મહારાજ અને મોટાને જેવા જાણશું તેવા થાશું." 2/42/130

30. મહારાજ ને મોટા મુક્ત ખરેખરા ક્યારે મળ્યા કહેવાય? તો માન, મોટપ, રસાસ્વાદ એ આદિક સર્વે દોષ મૂકીને મૂર્તિમાં જોડાઈ જાય ત્યારે મળ્યા કહેવાય અને મોટાનો જોગ પણ ત્યારે થયો કહેવાય. મોટાનો જોગ કરીને બાળકિયા સ્વભાવ મૂકવા જોશે ને મહારાજની આજ્ઞા બરાબર પાળવી જોશે. 2/43/134

31. મધ્ય પ્રકરણના 23મા વચનામૃતમાં મહારાજે કહ્યું છે કે "સારાનરસા વિષયના જોગે કરીને જેનું મન ટાઢું-ઊનું ન થાય તેને પરમ ભાગવત સંત જાણવા." તે સંત કોને કહીએ તો જે શાંતિ કરે તે સંત કહેવાય, કલ્યાણ કરે તે સંત કહેવાય, અંત સમે તેડવા આવે તે સંત કહેવાય; એવા સંત થાવું.

સંતને પેટી, આસન, પૂજા, પ્રસાદીનાં પગલાં તે સર્વેની તૃષ્ણા મેલવી; નહિ તો લાજ ખોવરાવે, મન તો હરામજાદુ છે. "ઝટકી ઝટકી જાત હે, લટકી લટકી વિષયફળ ખાત" તે મૂર્તિમાંથી ઝટકી ઝટકીને ક્યાંય જતું રહે છે અને લટકી લટકી વિષયરૂપી ફળ ખાય છે, માટે મનને પાછું વાળી મૂર્તિમાં જોડવું. 2/43/135

32. પુરાણી હરિપ્રસાદદાસજીએ પૂછ્યું જે, રોગ સમાગમમાં વિઘ્ન કરતો હોય તો કેમ કરવું? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મૂર્તિમાં અને સંતમાં હેત રાખવું. મૂર્તિમાં હેત હોય તો હજાર ગાઉ છેટે હોય કે લાખ ગાઉ છેટે હોય તો પણ મહારાજ ને મોટા પાસે જ છે અને ખરું હેત હોય તો જળમાં, અગ્નિમાં ગમે તે ઠેકાણે હોય તો પણ મહારાજ તથા મોટા ભેગા રહે, દર્શન આપે અને રક્ષા કરે. 2/44/138

33. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી જેવા મોટા મોટા સંત સૌની સાથે બેસતા-ઊઠતા, પણ મહારાજે તેમની સ્થિતિની સ્મૃતિ રૂંધેલી હોવાથી, તેમની મોટપ બીજાને ન જણાય, એમ મહારાજ કેટલીક વાર સમાસ અર્થે તેમની અલૌકિક સ્થિતિની સ્મૃતિ રૂંધી રાખે. મોટા અનાદિ તો બધું ય જાણે પણ જણાવે નહિ, કારણ કે એમાં કેટલાયના સમાસ હોય. અધમ જેવા જીવ હોય તેનો પણ ઉદ્ધાર કરે. 2/48/154

34. જીવને તો પ્રસન્નતાનાં સાધન કરવાનાં છે અને પુરુષપ્રયત્ન પણ જોઈએ. તે પુરુષપ્રયત્ન શું? તો મહારાજના અને મોટાના વચનમાં ખરેખરો વિશ્વાસ. એ દિવસ કહે તો દિવસ ને રાત કહે તો રાત એમ સમજવું. અ. મુ. ગોપાળાનંદ સ્વામીએ એમના સંતને અડધી રાત્રીએ પૂછ્યું ત્યારે સંતે કહ્યું જે આપ રાત કહો તો રાત અને દિવસ કહો તો દિવસ, એવો વિશ્વાસ હોય ત્યારે મહિમા જાણ્યો કહેવાય પણ મોટા આગળ પોતાનું મનગમતું કરાવવું નહિ. તે કહે તેમ કરવું તે મન સોંપ્યું કહેવાય. મોટાના વચનમાં તો તન કુરબાન કરી નાખીએ. 2/49/156

35. મોટાની દયા તો અપાર છે. જેમ એકને છ દીકરા હોય તેમાં એક અકર્મી હોય તો પણ તેને માર્યાનો સંકલ્પ થતો નથી તેમ મહારાજ તથા મોટા મુક્તને છે. તે અધમ જેવા જીવને વિષે પણ સારો સંકલ્પ કરે છે. અક્ષરધામનું સુખ અને મોટાની ગતિની બીજાને શું ખબર પડે? એ તો સંકલ્પ કરે એટલામાં અનંત જીવનાં આવરણ ટળી જાય અને અહીં બેઠે થકે અક્ષરધામમાં અનંત મુક્તે સહિત મહાપ્રભુનાં દર્શન કરાવે. તે ઉપર વાત કરી જે કાંકરિયાથી દક્ષિણ દિશા તરફ આંબલીમાં જ્યાં હાલ ઓટો છે ત્યાં મહારાજ આંબલી તળે ઢોલિયા ઉપર આંબલીની ડાળખી ઝાલીને બોલ્યા જે ચાર સદગુરુને બોલાવો. પછી તેમને બોલાવ્યા ને ઢોલિયા ઉપર ચાર પાયે બેસાર્યા અને સર્વે હરિજનોની પૂજા અંગીકાર કરી. તે વખતે મહારાજ તે સદગુરુઓ પ્રત્યે બોલ્યા જે, તમો આગળ જઈને માયાનું આવરણ ભેદો એટલે આ હરિજનોને અક્ષરધામનું સુખ તથા અમારી પૂજાનું ફળ તે નજરે જોવામાં આવે. પછી આવરણ ભેદ્યાં, તેથી કેટલાક હરિજનોને દિવ્ય ચક્ષુ આવ્યાં તે અહીં જેવી રીતે પૂજાઓ થઈ તેવી જ રીતે અક્ષરધામમાં દર્શન થયાં, એમ મહામુક્તની સામર્થી અપાર છે. મહારાજને અને એવા અનાદિને સદાય એકતા છે તો પણ ક્યારેક મનુષ્યભાવ જણાવે તેણે કરીને મૂંઝાવું નહિ, અને એવી સમજણ દૃઢ કરવી જે એવા મોટા અનાદિ તો કર્તા થકા અકર્તા છે, એમને તો શ્રીજીમહારાજની મૂર્તિનું જ સુખ છે; બીજું કાંઈ નથી. એવું ન જાણ્યું હોય તો મૂંઝાઈ જવાય. સુરતમાં જીવરામને મહારાજના અંતર્ધાન થયાની પોતાને ઘેર બેઠા ખબર પડી. પછી તે જીવરાજ ઘણા આકુળ-વ્યાકુળ ને ઉદાસ થઈ ગયા ને ઘણું રૂદન કર્યું, તેથી મૂર્છા આવી ગઈ. પછી તો તે ગઢપુર ગયા ત્યાં ઘણું ગાંડપણ તથા ઉદાસીપણું થઈ ગયેલ જોઈને અનાદિમુક્તરાજ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ કહ્યું જે, "કેમ ગાંડિયો થઈ ગયો?" તે શબ્દ તેને શ્રીજીમહારાજના જેવો જ લાગ્યો; તે સાંભળી બહુ જ રાજી થયા ને ચિત્ત ઠેકાણે આવી ગયું ને એમ જાણ્યું જે શ્રીજીમહારાજ સ્વધામ ગયા નથી, સદાય છે, છે ને છે જ; એ રીતે મહારાજ તથા અનાદિમુક્તને એકતા છે. મોટા અનાદિ શબ્દ બોલે તે ભગવાન જેવો શબ્દ ભગવાનની મરજી પ્રમાણે બોલે છે. 2/50/161

36. શ્રીજીમહારાજના મોટા અનાદિમુક્ત મળે તેમના દર્શને કરીને, સ્પર્શે કરીને તથા તેમની જ્ઞાન-વાર્તા સાંભળવે કરીને મનમાં રાજી રહેવું; પણ એમ ન ધારવું જે કેમ ચમત્કાર જણાવતા નથી. મોટા મુક્ત જે કરે છે તે સમજીને કરતા હશે. જીવ જેમ જેમ પાત્ર થતા જાય તેમ તેમ ચમત્કારની વાતો કરતા જાય, પાત્ર વિના જીરવી શકાય નહિ ને મૂળગું પોતાની ગાંઠનું ખોઈને ચાલ્યા જાય. માટે ધીરે ધીરે જોગ કરતાં ઘણા દિવસે મોટાની દયાએ કચાશ ટળે. 2/50/162, 163

37. લક્ષ્મીચંદભાઈએ પૂછ્યું જે: આસ્તિકભાવ દૃઢ રાખવો એમ કહેવાય છે તે આસ્તિકભાવનું લક્ષણ શું હશે? ત્યારે બાપાશ્રી બોલ્યા જે મહારાજને અને મોટા અનાદિને ક્યારેય પણ છેટા ન જાણવા ને પોતાને પણ છેટે ન રહેવું. આપણને કોઈ દોષ નડતા હોય કે કાંઈક જ્ઞાન વાત સમજાતી ન હોય તો મહારાજને અને મોટાને સંભારીને નિરંતર પ્રાર્થના કરવી એટલે તમામ દોષ ટળી જાય અને જે ન સમજાતું હોય તે પણ સમજાય. મહારાજ ને મોટાના વચનમાં જરાપણ સંશય ન કરવો. થાય તો પ્રાર્થના કરી, સંશય ટાળવા આગ્રહ કરવો તો તરત ટળી જાય. એવી રીતે મહારાજ ને મોટાને વિષે કોઈ કાળે ક્યારેય પણ મનુષ્યભાવ આવવા દેવો નહિ. સદાય દિવ્યભાવે સહિત દર્શન, સેવા, સમાગમ વગેરે કરવું. તો જ આપણે દિવ્ય થઈએ; માટે નિરંતર તેની સરત રાખવી ને તેનું મનન કરવું તો તમામ નાસ્તિકભાવ ટળી જાય અને આસ્તિકભાવ આવે. 2/51/164

38. પોતાના આત્યંતિક મોક્ષને માટે પોતાની કોઈ પ્રકૃતિ નડતી હોય તે મોટાના જોગમાં રહીને ટાળવી, પણ મોટા ને મહારાજની આજ્ઞામાં લેશમાત્ર ફેર આવવા દેવો નહિ અને એમ જાણવું જે, આપણે જે જે ક્રિયાઓ તથા સંકલ્પ કરીએ છીએ તેને મહારાજ તથા મોટા મુક્ત સદાય દેખે છે ને જાણે છે. વળી એમ વિચારવું જે તેમની મરજી તથા આજ્ઞા વિરુદ્ધ કાંઈ કરશું તો તે કુરાજી થશે તો આપણું બગડી જશે અને આપણે નિર્લજ કહેવાશું. એમ નિરંતર તપાસ રાખીને શ્રીજીમહારાજ અને મોટા મુક્ત જેમ પ્રસન્ન થાય તેમ આપણે વર્તવાનો આગ્રહ રાખવો. 2/51/165

39. મોટા મુક્ત બોલે તે મહારાજ પોતે બોલે છે. જ્યાં મહારાજની મરજી હોય ત્યાં બોલે. ત્યારે કોઈ કહે જે તમને કોણ કહી જાય છે? તો અમને તો સ્વામિનારાયણ બોલાવે છે, અમે કાંઈ દેખતા-ભાળતા નથી પણ એ બોલાવે છે; બોલનારા શ્રીજીમહારાજ છે. આવી મહારાજે દિવ્ય સ્મૃતિ આપી હોય તો પણ તેનો ભાર આવવા દેવો નહિ. દેહ તો મરો કે જીવો પણ પોતાપણાનો ભાવ લાવવો નહિ. 2/52/166

40. બાપાશ્રી કૃપા કરીને બોલ્યા જે ભગવાનના ખરેખરા ભક્ત તો એક ભગવાનને જ દેખે. તેને ખાવું, પીવું, સૂવું, બેસવું તેની પણ ખબર રહે નહિ. બહારવૃત્તિએ એવા ન ઓળખાય. તે ઉપર વાત કરી જે, ગઢપુરમાં એક સમયને વિષે સભામાં શ્રીજીમહારાજે એમ કહ્યું જે એક સાધુ તો સૂઈ રહે છે એ સાંભળી સર્વે સાધુએ પોતાના અને બીજાના આસને તપાસ કરી જે કોણ સૂઈ રહેતું હશે! પણ કોઈ જોવામાં આવ્યું નહિ તેથી સર્વેને આશ્ચર્ય જણાણું. પછી મહારાજે હરિસ્વરૂપાનંદ સ્વામીને પૂછ્યું કે તમે શું ક્રિયા કરો છો? ત્યારે તેમણે કહ્યું જે પાંચ વખત કથા-વાર્તા કરું છું, ઘેલે તથા નારાયણ ઘાટે નાહવા જાઉં છું, ભંડારે ખાવા જાઉં છું એમ સર્વે ક્રિયા કરું છું પણ મને સાત દિવસ થયા કાંઈ આ લોકની તથા ક્રિયાની સ્મૃતિ રહેતી નથી. જો રહેતી હોય તો પરમહંસના સમ છે. તે સાંભળીને સર્વે સભાને મહારાજે કહ્યું જે, જુઓ! આ સૂઈ રહ્યા કહેવાય. એમ ભગવાનના ભક્ત ત્રણે અવસ્થામાં ભગવાનને દેખે છે, તેની ઊંઘી રહ્યા ન જાણવા; તે તો મહારાજના સ્વરૂપમાં સદાય રહ્યા છે એવી રીતે જે ભક્ત ભગવાનને વિષે જોડાણો છે તેના દેહની તથા વ્યવહારની સર્વે ખબર ભગવાનને રાખવી પડે છે. તે ઉપર ઝીણાભાઈની વાત કરી જે, ઝીણાભાઈ મહારાજની મૂર્તિમાં વૃત્તિ રાખીને ચાલ્યા જતા હતા તે દેહની સ્મૃતિ રહી નહિ. એમ ચાલતાં ચાલતાં જ્યારે કૂવાને કાંઠે આવ્યા ને જાણે હમણાં કૂવામાં પડશે, તે સમે મહારાજ ગઢપુરમાં બિરાજમાન હતા ત્યાં કમકમાટી આવી ને તરત ઝીણાભાઈને કૂવાને કાંઠેથી બાવડું ઝાલીને તાણી લીધા. તે સમે કોઈ હરિજને પૂછ્યું જે , હે મહારાજ! તમે કમકમાટી કેમ ખાધી? ત્યારે મહારાજ બોલ્યા જે ઝીણાભાઈ અમારી મૂર્તિમાં વૃત્તિ રાખીને ચાલ્યા આવતા હતા. તે જો અમે તેમને બાવડે ઝાલીને તાણી લીધા ન હોત તો તે કૂવામાં પડી જાત એવું જોઈ કમકમાટી આવી. તેમ ભગવાનના ભક્ત ભગવાનને વિષે એકાગ્ર વૃત્તિએ કરીને દેહની ક્રિયા તથા વ્યવહારની ક્રિયા ભૂલી જાય ત્યારે ભગવાનને તેની ખબર રાખવી પડે છે. 2/52/167

41. ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખતા હોય તેવા ભક્તને ખવરાવવું, પીવરાવવું વગેરેની જે ભક્ત ખબર રાખે છે તેના ઉપર મહારાજની બહુ પ્રસન્નતા થાય છે. કોઈ સાધન એને કરવું બાકી રહેતું નથી, એવું ફળ મોટાની સેવાનું છે. 2/52/169

42. મોટા અનાદિના શબ્દ જીવમાં ઉતારે તો ભાગવતીતનું થાય છે તેથી આ બધું દિવ્ય દેખાય છે, પણ એવું અનુસંધાન અખંડ રહેતું નથી. કોકડા તૂટે ને સંધાય એમ જેને રહેતું હોય તેને તેલધારા કહેવાય નહિ ને એટલો દિવ્યભાવ પણ નહિ, તે છાનું નાસ્તિકપણું ગણાય. એનો ખટકો રાખે તો મોટા મુક્ત દયા કરીને મહારાજની સન્મુખ કરી દે એટલે પૂરું થઈ જાય. જે દીન-આધીન થઈને હાથ જોડે તેના ઉપર રાજી થઈ જાય છે. 2/53/169

43. લક્ષ્મીબાઈની ઓરમાન મા પૂતળીબાઈ હતી, તે જ્યારે લક્ષ્મીબાઈ પૂજા કરતાં ત્યારે પૂતળીબાઈ મૂર્તિને ઠેબું મારીને કહેતી કે તારા ઠાકોરજી કેવા દોડે છે? તે જોઈને લક્ષ્મીબાઈ બહુ રોતાં. પછી પૂતળીબાઈએ જ્યારે દેહ મૂક્યો ત્યારે એ પાપે જમપુરીમાં જઈ નર્કના કુંડમાં ડૂબકાં ખાતી હતી. પછી મહારાજે કહ્યું જે, તારી મા નર્કમાં પડી છે તે દેખાડું? પછી તેને હા કહી તેથી દેખાડી. પછી લક્ષ્મીબાઈએ મહારાજ પાસે પ્રાર્થના કરીને તેનું કલ્યાણ કરાવ્યું; એમ મોટા મુક્ત જીવને ઉદ્ધારે છે, વાંક-ગુના જોતા નથી. 2/53/170

44. બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, મોટા મુક્ત મહારાજ વિના એક ક્ષણ માત્ર પણ જુદા રહેતા નથી. એક વખત મુક્તાનંદ સ્વામી પાસે સંત-હરિભક્ત ફરતા બેઠા હતા. ત્યારે સ્વામી વાતચીત કરતા નહોતા, કેમ કે અવસ્થાને લીધે બહુ બોલાતું નહિ. એવામાં દેવાનંદ સ્વામી પાસે થઈને નીકળ્યા તેમને એમ સંકલ્પ થયો જે સ્વામી તો પોઢી રહ્યા છે અને કાંઈ વાતચીત તો કરતા નથી, તો પણ હરિભક્તો શા સારુ બેસી રહ્યા હશે! તે સમે દેવાનંદ સ્વામીને એમ જણાણું જે એક કોરે અક્ષરધામના મુક્તની સભા ભરાઈને બેઠી છે અને એક કોરે ભરતખંડમાં રહ્યા જે મુક્ત તેની સભા ભરાઈ બેઠી છે. એવું મહારાજની ઇચ્છાથી જણાણું, તેથી દેવાનંદ સ્વામીને એમ થયું જે અહોહો! આવા મોટા અનાદિ બેઠા હોય ત્યાં મહારાજ તથા અનંતમુક્ત બિરાજે છે. ભગવાન વિના આવા મુક્ત ક્ષણમાત્ર પણ જુદા રહેતા નથી. માટે મોટા વાત કરે અગર ન કરે, તો પણ તેની છાયામાં અપાર સુખ રહ્યું છે. અનાદિ મહામુક્ત તો મહારાજના મહિમારૂપી જે રસ તેનું પાન કરાવે છે ને કારણ સ્વરૂપની દૃઢતા કરાવે છે ને મૂર્તિના સુખનું અપારપણું સમજાવે છે. જીવ જેમ જેમ સમાગમ-સેવા કરતો જાય, મોટા અનાદિને વિષે દિવ્યભાવ લાવતો જાય, તેમ તેમ પાત્ર થતો જાય. 2/53/171

45. બાપાશ્રીએ કૃપા કરીને સભામાં વાત કરી જે, મહારાજ કહે છે કે વૈકુંઠ, ગૌલોક આદિક ધામથી આ સભા અધિક છે. શ્રીજીમહારાજે સર્વધામને એકઠાં કરીને પોતાના સંત-હરિભક્તોનો મહિમા અધિક કહ્યો છે અને સૌથી પર સુખ આપ્યું છે તે સુખ ભોગવવું; પણ દુઃખમાં દોટ ન દેવી. સાધનથી પાર આવે તેમ નથી. વૈરાગ્ય વગેરે સાધન બિચારા શું કરે! વૈરાગ્ય તો આ વૃક્ષને પણ છે. તે સો વર્ષે પણ પાણી માગશે નહિ. કોઈ કાપશે તો બોલશે પણ નહિ તેથી કાંઈ સિદ્ધિ નથી. શ્રીજીમહારાજે પોતાના મોટા મુક્તનો મહિમા ઘણો કહ્યો છે જે, અમારા અનાદિમુક્ત સત્સંગમાં જશે તો મનવારો ભરી ભરીને લાવશે એ શી રીતે? તો જે તેમની નજરે પડશે, તેમની સાથે હેત રાખશે, તેમનો જોગ કરશે, તેમને હાથ જોડશે તે બધાયનું આત્યંતિક કલ્યાણ થશે. માટે કાળકર્મથી છૂટવા એવા મોટાને વળગી પડવું. 2/55/174

46. વચનામૃત અને ભક્તચિંતામણિ આદિ સત્શાસ્ત્ર; શિક્ષાપત્રી, ધર્મામૃત, નિષ્કામશુદ્ધિ આદિ આજ્ઞા, સત્ એવો જે આત્મા તથા સત્ એવા પરમાત્મા જે ભગવાન શ્રીજીમહારાજ એ ચાર વાતો સિદ્ધ કરે તે સત્સંગી કહેવાય. હવે સત્સંગી થયો પણ દેવ પધરાવવા જોઈએ. તે મોટા અનાદિમુક્ત પધરાવે છે. મોટાના આશીર્વાદના શબ્દે કરીને ભગવાન આવે છે. 2/56/177

47. એક વખત ધ. ધુ. આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ જામફળી નીચે પોઢેલા હતા. ત્યાં ઝાડ ઉપરથી જામફળ પડ્યું, તે સુધારી ઠાકોરજીને જમાડી એક ચીર હરિભક્તને આપી, તે પ્રસાદી જમતાં તે ભક્તને અલૌકિક દિવ્યભાવ આવ્યો. ત્યારે તે ભક્ત એમ બોલ્યો જે, આ તો ભગવાન છે. ત્યારે સંતોએ કહ્યું જે આ તો આચાર્યજી મહારાજ છે. એમ મોટાને દર્શને તથા પ્રસાદી જમવે કરી એવો દિવ્યભાવ આવે છે. 2/57/182

48. મોટા મુક્ત તો બહારનો વ્યવહાર બધો કરે પણ મૂર્તિને તો જાળવે અને બીજાને પણ એ મૂર્તિનું સુખ આપે, પણ જીવમાં મંદવાડ છે તેથી એ સમજાતું નથી. મંદવાડમાં લાડું હોય તે ઝેર જેવા લાગે અને ભજિયાં, ફાફડા ને વડાં ભાવે. પણ જો સાજો હોય તો માલપૂઆ, લાડવા ને શીરો જમે ને પાંચ મણનો પથ્થર પણ ઉપાડે. શીરો ખાવા માંડે તો રોગીને ન ફાવે. તેમ પરભાવની વાતો મહારાજ ને મોટાનો મહિમા ન સમજ્યા હોય તેને ન ગમે. 2/57/183

49. બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે જેને દેહ ને જીવ જુદા છે એવી વિક્તિ નથી તેવા જીવનું જ્ઞાન ઇન્દ્રિયો બારોબાર વાપરી નાખે છે. ત્યારે સુખપરવાળા મિસ્ત્રી માવજીભાઈ પૂછ્યું જે, મોટા મુક્ત જીવને બારોબાર જ્ઞાન આપે તો? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મહારાજ તથા મુક્તને વિષે દિવ્યભાવ હોય તો આનંદ થાય અને જીવ બારોબાર ગ્રહણ કરે ને તેમને વિષે મનુષ્યભાવ હોય તો ઇન્દ્રિયો દ્વારા વપરાઈ જાય તેથી જીવ સુધી પહોંચે નહિ. 2/58/184

50. શ્રીજીમહારાજે ગામમાં વન કર્યાં છે તે વન તે શું? તો જ્યાં માયા નથી એવાં દિવ્ય મંદિરો કર્યાં છે તે નાવરૂપ છે. નાવનો એટલો વિશ્વાસ રહે છે કે બેઠા પછી નક્કી મહારાજના સુખમાં પહોંચાડશે. "નિર્ગુણના ગુણ ગાય ધર્મ સુત લાડીલો" બીજું જ્ઞાન ઓછું થશે તો ચાલશે પણ એવો પ્રબળ નિશ્ચય રાખવો કે આ સંત છે તે અનાદિ છે, નિર્ગુણ છે ને સભા બધી સળંગ છે; વચમાં મહારાજની મૂર્તિ છે, મૂર્તિને અને મુક્તને ભેગાપણું છે એમ સમજે તો બહુ કામ કરી દે. શાસ્ત્ર આડાં આવે તેને આ વાત સમજાતી નથી. દોરડું હાથમાં રાખીને સમુદ્રમાં પડવું તેમ શાસ્ત્ર છે તે સમુદ્ર છે માટે મહારાજની મૂર્તિરૂપી દોરડું છોડવું નહિ. 2/57,58/183,186