નિવેદન
શ્રીજીમહારાજે પોતાનું સર્વોપરીપણું પ્રવર્તાવવા મચ્છ, કૃચ્છથી લઈને રામ, કૃષ્ણ આદિ અવતારોને પૃથ્વી પર પ્રગટ કર્યા, પરંતુ સામાન્ય કોટીના જીવો તે અવતારોમાં પોતાના કરતા વિશેષ ઐશ્વર્યશક્તિનાં દર્શન થવાથી તે અવતારોને ભગવાન સમજી તેમનું ભજન કરવા લાગ્યા. અંતે પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા અનંત મુક્તોને સાથે લઈ સર્વોપરી સનાતન ધર્મનું સ્થાપન કરવા પૃથ્વી પર પ્રગટ થયા.
તે સમયે અગાઉ અવતરી ચૂકેલા અવતારોની ઉપાસનાનું જોર ઘણું હતું. શ્રીજીમહારાજે જીવોને સમાધિ કરાવી પૂર્વેના સર્વે અવતારોને પોતાનામાં લીન કરી દેખાડ્યા ને પોતાનું સર્વોપરીપણું પ્રસ્થાપિત કર્યું. મુક્તોએ પણ તે કાર્યને જીવનમંત્ર બનાવી દીધો. આથી સર્વોપરી ધર્મના સ્થાપનનો કાર્યભાર મુક્તોના શિરે સોંપી શ્રીજીમહારાજ સ્વસ્વરૂપમાં લીન થયા- જો કે મુક્તો થકી પણ કર્તા તો પોતે જ હતા. શ્રીજીમહારાજના સ્વધામગમન બાદ પોતાના અવતારી કાર્યને વેગવંતુ કરવા શ્રીજીમહારાજે સ્વસંકલ્પે કરીને મહાસમર્થ અનાદિ મહામુક્તરાજ શ્રી અબજીબાપાશ્રીનું પ્રાગટ્ય કર્યું. પરમ પૂજ્ય બાપાશ્રીનું તો એક જ લક્ષ્ય હતું- વધુ ને વધુ જીવોને શ્રીજીમહારાજનું સર્વોપરીપણું દૃઢ કરાવી તેઓને શ્રીજીમહારાજની મૂર્તિના સુખભોક્તા કરવા એટલે કે અનાદિમુક્તની સ્થિતિ પમાડવી. તે માટે બાપાશ્રીએ અદભુત અલભ્ય જ્ઞાનવાર્તા રૂપી પોતાની અખંડ સરવાણી વહેતી મૂકી.
શ્રીજીમહારાજના હૃદગત અભિપ્રાયને જેમ છે તેમ જાણનાર અ. મુ. સ. ગુ. શ્રી ગોપાળાનંદ સ્વામીના પટ્ટશિષ્ય સ. ગુ. શ્રી નિર્ગુણદાસજી સ્વામીના પટ્ટશિષ્ય સ. ગુ. શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીએ બાપાશ્રીની અમૃતવાણીને તે જ સ્વરૂપે પુસ્તકરૂપે લોકભોગ્ય બનાવી, જે બાપાશ્રીની વાતો ભાગ-1 અને 2 સ્વરૂપે પ્રકાશિત થયેલ છે. બાપાશ્રીની અમૃતવાણીનો ધોધ અવિરત વહેતો હોવાથી તેમાં સર્વોપરી જ્ઞાનનાં વિવિધ પાસાઓ જેવા કે ભગવાનનું સર્વોપરી સ્વરૂપ, મહિમા, નિશ્ચય, આજ્ઞાપાલન, અનુભવજ્ઞાન, મુક્તોના ભેદ-સ્થિતિ-લક્ષણ, પંચવિષય ત્યાગ, ધ્યાનની લટક વગેરે તાણાવાણાની જેમ ગૂંથાયેલા છે. તેથી શ્રીજીમહારાજ તથા બાપાશ્રીના લાડીલા અનાદિ મુક્તરાજ પ. પૂ. શ્રી નારાયણભાઈ ઠક્કરે બાપાશ્રીની વાતોમાં સમાયેલા જ્ઞાનગાંભિર્યનું સુસ્પષ્ટ વર્ગીકરણ કરી તેને આ પુસ્તકરૂપે એક નવો ઓપ આપ્યો. આમાં દરેક વિષયને લગતી બાપાશ્રીની વાતોને એકત્ર કરી યોગ્ય શીર્ષક હેઠળ મૂકી, તેથી આ પુસ્તકનું- 'બાપાશ્રીની વાતોનું એકીકરણ' એવું નામકરણ કર્યું.
અનાદિ મુક્તરાજ પ. પૂ. શ્રી નારાયણભાઈએ તો સત્સંગ તેમ જ માનવસમાજને અનેક રીતે ઉપકૃત કર્યો છે ને સમગ્ર માનવકુળ મળીને પણ તેનો બદલો વાળવા અસમર્થ છે. આજે જ્યારે પૂજ્યશ્રી નારાયણભાઈ મનુષ્યરૂપે બિરાજતા નથી ત્યારે આ મહાભિયોગ બદલ તેઓશ્રીનો આભાર માની હૃદયાંજલિ અર્પીએ. શ્રીજીમહારાજના સાર્ધમ્યપણાને પામવા ઇચ્છતા જ્ઞાનપિપાસુ મુમુક્ષુઓ માટે આ પુસ્તક એક અદ્વિતીય માર્ગદર્શિકારૂપ સાબિત થાય તેમ છે. અ. મુ. પૂ. શ્રી નારાયણભાઈ દ્વારા તૈયાર થયેલા આ ગ્રંથને વાચકવૃંદે સારાય સત્સંગને લાભાન્વિત થવાની પ્રેરણારૂપ પ્રતિભાવ દર્શાવ્યો હોવાથી હવે તેની દ્વિતીય આવૃત્તિ પ્રકાશિત કરતાં અત્યંત કૃતજ્ઞતા અનુભવાય છે.
આ પુસ્તકના પ્રકાશનકાર્યમાં તન-મન-ધનથી સેવારૂપ થનાર હરકોઈ પર શ્રીજીમહારાજ ને તેમના મુક્તોની પ્રસન્નતા સદાય વરસતી રહે એ જ અભ્યર્થના.
1999, 16 ફેબ્રુઆરી
સં. 2055, મહા વદ અમાસ
પ્રકાશન સમિતિ
શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન
અમદાવાદ