• રહસ્યાર્થ પ્રદીપિકા સહ વચનામૃત અગમ્ય સુગમ્ય થયું - વિભાગ ૨

0:000:00

1. સભામાં પ્રથમ પ્રકરણનું 4થું વચનામૃત વંચાતું હતું, તેમાં નારદજી દ્વારકા ગયા એ વાત આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે દ્વારકાનો અર્થ શ્રીજીમહારાજે એવો કર્યો છે જે દ્વારકા તો જ્યાં મોક્ષનું દ્વાર ઊઘડે ત્યાં જાણવું. જ્યાં મહામુક્ત બિરાજતા હોય તેનાં દર્શન-સમાગમ થાય ત્યાં દ્વારકા જાણવું અને સંત મોક્ષનું દ્વાર ઉઘાડે એટલે મોક્ષ કરે, ત્યાં દર્શને જાવું. આવું મોટાના સમાગમથી સમજાય. 2/9/30

2. સભામાં પ્રથમ પ્રકરણનું 58મું વચનામૃત વંચાતું હતું, તેમાં રાંક હોય તે રાજા થાય એમ આવ્યું ત્યારે પુરાણી કેશવપ્રિયદાસજીએ પૂછયું જે, બાપા! એનો અર્થ કેવી રીતે સમજવો? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, વચનામૃતના શબ્દ દ્વિઅર્થી છે. તેમાં પરભાવ તથા અવરભાવનો અર્થ જાણવો જોઈએ. મહારાજની મૂર્તિમાં તથા હજૂરમાં રહે તે રાજા જાણવા. આ પરભાવનો અર્થ છે. બીજો અવરભાવનો અર્થ એ છે જે આ લોકનું રાજ્ય મળે તે પણ રાજા કહેવાય, પણ તે તો રાંક જ છે. જ્યાં સુધી કામ, ક્રોધ, લોભ, માન આદિક દોષનો દોર્યો દોરાય ત્યાં સુધી રાંક અને એ દોષને જીતીને વશ કરે ને એથી રહિત થાય તે રાજા કહેવાય. પરભાવમાં તો કાળ, કર્મ, માયા આદિક સર્વેથી રહિત થઈને મૂર્તિનો સાક્ષાત્કાર કરવો જોઈએ. 2/10/32

3. સભામાં વચનામૃત વંચાતું હતું. તેમાં ગાલવ રાજાની વાત આવી, ત્યારે બાપાશ્રીએ સંતોને પૂછ્યું જે, શ્યામકરણ ઘોડા ને ગાલવ રાજા તે કોને જાણવા? પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, બાપા! આ વચનામૃત તે વરુણ, જ્ઞાન તે ઘોડા, જીવ તે ગાલવરાજા અને ગુરુ તે ગરુડ, તે ગુરુ મળે ત્યારે આ વચનામૃત રૂપી વરુણમાંથી જ્ઞાન સમજાવે ને મોક્ષ કરે. 2/22/60

4. સભામાં પ્રથમ પ્રકરણનું 3જું વચનામૃત વંચાતું હતું ત્યારે બાપાશ્રી સભા સામું જોઈને બોલ્યા જે, સંતો! આ વચનામૃત પ્રમાણે તમે અવતાર કર્યા, "જે જે અવતારે જે જે લીલા કરી હોય તે સંભારી રાખવી" તે અવતાર મચ્છ, કચ્છ, વરાહ, હયગ્રીવ, વ્યાસ, રામ, કૃષ્ણ? ના, ના, એ કોઈ નહિ. આ તમે છો તે બધા અવતાર છો. પરોક્ષ અવતારોથી આત્યંતિક કલ્યાણ ન થાય આ વાત નથી સમજાતી એટલી ખોટ કહેવાય. આ વાત સમજાય ત્યારે પૂરણકામ થઈ જવાય. 2/25/68

5. સભામાં જેતલપુરનું 1લું વચનામૃત વંચાયું. તેમાં એમ આવ્યું જે, સો મનુષ્ય માને, હજાર મનુષ્ય માને, લાખ મનુષ્ય માને, ક્યારેક બ્રહ્મા જેવો, શિવ જેવો, ઇંદ્ર જેવો થાય તેણે કરીને મોટપ માને નહિ. આત્મા વડે અને સંતના સમાગમે કરીને મોટપ છે એમ આવ્યું. પછી સંતની મોટપ આવી. ત્યારે પુરાણી કેશવપ્રિયદાસજીએ પૂછ્યું જે, પહેલી આત્મા વડે કરીને મોટપ કહી તે આત્મા કયો જાણવો? પછી સંતની આત્મનિષ્ઠાએ કરીને મોટપ છે, એમ કહ્યું તે આત્મનિષ્ઠા કઈ જાણવી? પછી બાપાશ્રી બોલ્યા જે પહેલી સાધનદશાવાળાને આત્મા વડે કરીને મોટપ કહી. તે પોતાને શ્રીજીમહારાજના તેજરૂપ માનવું, તે આત્મા જાણવો અને સંતને આત્મનિષ્ઠા કહી તે આત્મા જે શ્રીજીમહારાજ તે શ્રીજીમહારાજમાં નિષ્ઠા કહેતાં સ્થિતિ તે આત્મનિષ્ઠા જાણવી. 2/29/76

6. પ્રથમ પ્રકરણનું 61મું વચનામૃત વંચાતું હતું. તેમાં અંત સમે આત્મનિષ્ઠા કેટલી સહાય કરે છે એમ આવ્યું. ત્યારે ગોરધનભાઈએ પૂછ્યું જે, આમાં અંત સમયનું લખ્યું છે તે તથા દેહને મૂકીને ભગવાનના ધામમાં જાય છે એમ કહેવાય છે તે કઈ રીતે સમજવું? ત્યારે બાપાશ્રી બોલ્યા જે દેહ મૂકીને ભગવાનના ધામમાં જાવું છે એમ કહેવાય છે એ અંતસમો જાણવો. તે દેહ મૂક્યો ક્યારે કહેવાય તો આ જીવને જ્યારે મહારાજ તથા મોટા મળે અને તેમનો જોગ-સમાગમ કરવા થકી હું દેહથી જુદો આત્મા તે પુરુષોત્તમરૂપ છું એમ મનાય એટલે દેહ મૂક્યો કહેવાય. તે છતે દેહે અંતસમો સમજવો. મહારાજ ને મુક્ત મળ્યા વિના અને તેમને વિષે આપોપું કર્યા વિના પંચભૂતનો દેહ છૂટે છે પણ પાછો બંધાય છે માટે છૂટ્યો ન કહેવાય. અને દેહ છતે જ અક્ષરધામમાં જવું, આવવું અને તે મૂર્તિને પામવું, તે ઉધારો મટીને પામવા યોગ્ય જે શ્રીજીમહારાજ તેને છતે દેહે પામ્યા પછી મોક્ષ થવાનો છે કે તે મૂર્તિ વિના અક્ષરધામ કે અનંતકોટિ મુક્ત કે બીજાં જે જે અનંતકોટિ ઐશ્વર્ય, સ્થાનક કે યત્કિંચિત સુખ તે બીજે ક્યાંય છે એમ ભાસે જ નહિ. સર્વે મૂર્તિમાં ભેગું જ છે. એવું જ્ઞાન મોટા અનાદિમુક્ત થકી પામ્યો હોય તેને મોક્ષ થવાનો બાકી છે કે પામવાનું બાકી છે કે કાંઈ સુખ હજુ રહી ગયું છે; એમ રહે નહિ. અને શ્રીજીમહારાજના નિત્ય નવાં સુખ, ઐશ્વર્ય, મહિમા તે વધતા જ જાય છે. તેને પોતે ભોગવતો થકો જળમાં માછલાં આનંદ પામે છે, તેમ આનંદ પામતો થકો અનંત મુક્ત તેણે સહિત શ્રીજીમહારાજના સુખમાં રમે છે. 2/33/93

7. સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, પ્રથમ પ્રકરણના 78મા વચનામૃતમાં નિર્મળાનંદ સ્વામીના પ્રશ્નમાં રામકૃષ્ણાદિક અવતારનો મહિમા વિચારવાનું કહ્યું છે તે અવતાર અન્વય સ્વરૂપના સમજવા કે વ્યતિરેક સ્વરૂપના સમજવા? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, એ વચનામૃતમાં કહ્યું છે તે રામકૃષ્ણાદિક તથા અક્ષરાદિક અન્વય સ્વરૂપના અવતાર છે અને મહારાજની ઇચ્છાએ અનાદિ તથા પરમ એકાંતિક મુક્ત આવ્યા હોય તે વ્યતિરેક સ્વરૂપના અવતાર સમજવા. 2/41/124

8. સભામાં બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, મધ્ય પ્રકરણના 66મા વચનામૃતમાં ભગવાનની ઇચ્છાએ કરીને ચૈતન્ય પ્રકૃતિનો દેહ બંધાય છે એમ કહ્યું છે એ ચૈતન્યપ્રકૃતિ એટલે મૂર્તિનું તેજ અને તેજ સ્વરૂપ થયેલા મુક્ત તે અહીં ચૈતન્યપ્રકૃતિ જાણવી. તે ચૈતન્યપ્રકૃતિનો દેહ બંધાય છે એટલે ચૈતન્યપ્રકૃતિરૂપ થયો જે ભક્ત તે ભગવાનની ઇચ્છાથી સાકાર થાય છે. 2/42/130

9. સભામાં મધ્ય પ્રકરણનું 13મું વચનામૃત વંચાતું હતું. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આમાં શ્રીજીમહારાજે કહ્યું છે કે અમારા હૃદયમાં તેજ વ્યાપી રહ્યું છે તે તેજમાં મૂર્તિ દેખાય છે તે સાધનકાળમાં પરમ એકાંતિક ભક્તની સ્થિતિ દેખાડી છે. પછી કહ્યું છે જે અમે માતાના ઉદરમાં હતા તે દિવસ પણ મૂર્તિ દેખતા અને ઉદરમાં આવ્યા પહેલાં પણ દેખતા તે સિદ્ધ મુક્તની સ્થિતિ દેખાડી છે. સર્વે અવતાર પુરુષોત્તમમાં લીન થાય છે અને પુરુષોત્તમમાંથી પ્રગટ થાય છે તે અનાદિમુક્ત જાણવા. પુરુષોત્તમ ભગવાન રામકૃષ્ણાદિક રૂપે પ્રગટ થાય છે એટલે રામકૃષ્ણ તે મૂર્તિને પમાડનાર મુક્ત જાણવા. તે મુક્ત રૂપે સત્સંગમાં પ્રગટ થાય છે. મનુષ્યરૂપ અને પ્રતિમા તો એક જ છે. તેથી અમે ત્યાં બેઠા થકા જ બોલીએ છીએ ને તેજને વિષે જે મૂર્તિ છે તે જ આ પ્રત્યક્ષ મહારાજ છે એમ કહ્યું છે તે પોતાનું સર્વોપરીપણું બતાવ્યું છે. આ વાર્તા યથાર્થ સમજાણી હોય ને કોઈક પ્રારબ્ધ કર્મે કરીને ઊંચનીચ દેહની પ્રાપ્તિ થાય એમ કહ્યું છે તે આવું જ્ઞાન જેને થયું હોય તેનું પ્રારબ્ધ તો મહારાજ થયા કહેવાય. પણ જો ભૂંડા દેશકાળને લઈને વર્તમાનમાં ફેર પડે તો પ્રારબ્ધ પાછું વળગે છે. તેણે કરીને જન્મ લેવો પડે અને જ્ઞાન રહે તેણે કરીને પાછો ભગવાનને પામે. 2/42/131

10. સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, બાપા! તેજમાં મૂર્તિ ક્યારેક બેઠી દેખાય છે, ક્યારે હરતી-ફરતી દેખાય છે અને ક્યારેક ઊભી દેખાય છે તે શું સમજવું? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મનુષ્યરૂપે પ્રત્યક્ષ વિચરતા હોય ત્યારે ક્યારેક બેઠા હોય, ક્યારેક ઊભા હોય, ક્યારેક ચાખડીઓ પહેરીને ચાલે, હરે-ફરે તેમ દેખાય તે અવરભાવની વાત છે. અમદાવાદના 6ઠ્ઠા વચનામૃતમાં કહયું છે જે ધામમાં બહુ પ્રકારના મહોલ છે, બહુ પ્રકારના ફુવારા છે અને બહુ પ્રકારના બાગ-બગીચા છે. એ શબ્દ અવરભાવના છે. માટે આ લોકને વિષે મહોલ, ગોખ, ઝરૂખા, બાગ-બગીચાને વિષે શ્રીજીમહારાજ બિરાજ્યા હોય તે કહ્યા છે.

કેટલાંક વચનામૃતમાં ભવ, બ્રહ્માદિક દેવ કહ્યા છે તે અક્ષર, મહાકાળ આદિકને કહ્યા છે એમ જાણવું. અમદાવાદના 7મા વચનામૃતમાં અસંખ્યકોટિ બીજી ભૂમિકાઓ કહી છે તે અક્ષરકોટિના સ્થાનકને કહી છે. વળી અંતર્યામી જેવા કરવા છે એમ કહ્યું છે તે અંતર્યામી એટલે પરભાવમાં મૂર્તિનું સુખ તથા મુક્ત આદિનું જાણપણું જાણવું તે; પણ માયાના કાર્યમાં અંતર્યામી તે ન જાણવું. એવી જ રીતે અનંતકોટી બ્રહ્માંડોની ઉત્પત્ત્યાદિકને કરે છે એવાં કરવા છે એમ કહ્યું તે પણ પરભાવમાં નિયમ ધરાવી સત્સંગ કરાવવો ને તેને શુદ્ધ એકાંતિક કરવો અને બધેથી લૂખો કરી મૂર્તિમાં જોડવો તે બ્રહ્માંડની ઉત્પત્ત્યાદિક કરે છે એમ જાણવું તથા જીવને મૂર્તિના સુખમાં પહોંચાડે તેવા કરવા એમ જાણવું. 2/42/132

11. સભામાં લોયાનું 10મું વચનામૃત વંચાતું હતું. ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, બાપા! આ વચનામૃતમાં કહ્યું છે જે પરમાત્મા છે તે તો સર્વાત્મા બ્રહ્મના આત્મા છે અને અક્ષરના પણ આત્મા છે તે કોને જાણવા? ત્યારે બાપાશ્રી બોલ્યા જે આ ઠેકાણે સર્વાત્મા બ્રહ્મ અનાદિમુક્તને જાણવા, અક્ષર તે મૂર્તિના તેજરૂપ ધામને જાણવું, મુક્ત તે પરમ એકાંતિકને જાણવા અને મહારાજ તે સર્વના આત્મા છે એટલે મૂર્તિમાન થકા આધાર છે અને સુખદાતા છે એમ સમજવું. આ પરભાવનો અર્થ છે. 2/45/143

12. બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, સભામાં વચનામૃત વંચાય છે તેમાં કેવળ શ્રીજીમહારાજનો અમૃતરસ ચાલ્યો આવે છે. જેમ વૃક્ષમાં ગુણ છે, જળમાં ગુણ છે, તેમ મહારાજ તથા મોટા અનાદિમાં અનંત ગુણ છે. એમ મહિમા સમજીને ધ્યાન કરવું, માળા ફેરવવી, સત્સંગમાં દિવ્યભાવ લાવવો એ બધું પાત્ર થવાનું કારણ છે. એવો પાત્ર થાય ત્યારે મહારાજ અને મોટા અનાદિની સંપૂર્ણ કૃપા થાય. આ વચનામૃતનો મુદ્દો છે, બીજાં શાસ્ત્ર વર્ષો સુધી ભણે પણ કારણ મૂર્તિ હાથ ન આવે. 2/56/177

13. બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે આ વચનામૃત ભણે તો બધાં શાસ્ત્ર આવી જાય. એને લઈને બેસે તો કોઈ અટકાવ કરે નહિ. આ તો ઠેઠ હજૂરનો ખુલાસો છે, જેથી નીચલી કોર્ટવાળાનું કાંઈ ચાલે જ નહિ. માટે વચનામૃત બરાબર ભણવાં અને એમાંથી ભગવાનનો રસ આવે એટલે સુખિયો, નહિ તો લૂખો. રસ વિના જ્યાં ત્યાં ડાચિયું નાખે તો ધૂળ-કાંકરા આવે તો ય રસને ખોળવાની જીવને આસક્તિ થતી નથી. કચ્છ દેશમાં ધ. ધુ. આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રસાદજી મહારાજ પધાર્યા હતા. ત્યારે વચનામૃતની કથા કરાવી હતી. તે વખતે માંહી ભારે ભારે વાતો આવતી પણ કેટલાંક શાસ્ત્રના ભણેલા પરોક્ષ દૃષ્ટાંતે વાતો કરે તેને અમે કહેતા જે લૂગડાં પહેર્યાં, શણગાર પહેર્યાં પણ હથેવાળો બાકી રહ્યો. તેમ જેણે આ વચનામૃત જેવાં દિવ્ય શાસ્ત્ર ન જાણ્યાં તેણે હરિ સંગાથે હથેવાળો મેળવ્યો ન કહેવાય. એક શબ્દના જેટલા અર્થ કરવા હોય તેટલા થાય એવું આ દિવ્ય શાસ્ત્ર છે. મોટા સત્પુરુષ જે અનાદિમુક્ત તે થકી જ એ સમજાય એમ છે. 2/65/202

14. બાપાશ્રી સંવત 1983માં કરાંચી પધાર્યા તે વખતે હીરાભાઈ તથા હરિભાઈએ "વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકા"નું પારાયણ બેસાર્યું હતું. ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, "વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકા"ની કથામાં જે નાદ થાય છે તે બધાય પરભાવના છે. તે શ્રીજીમહારાજનાં ને મહામુક્તનાં વચન છે. અનંત બ્રહ્માંડમાં ફરી વળે તો ય આ નાદ ન સંભળાય. આ તો ચમત્કારિક વાતો છે. પછી હરિભાઈએ બાપાશ્રીને કહ્યું જે, બાપા! આપે બહુ દયા કરી, જેથી આ વચનામૃતના પરભાવના બધા અર્થ સૌને સમજાય તેવી રહસ્યાર્થ-પ્રદીપિકા ટીકા થઈ. તે સાંભળી સૌ હરિભક્તો અતિ રાજી થાય છે ને કહે છે કે બાપાશ્રીએ આ અતિ મોટો ઉપકાર કર્યો છે. વચનામૃતનું અધ્યાત્મજ્ઞાન આવું સુગમ કરી કોણ સમજાવે! ત્યારે બાપાશ્રી કહે, આ બધી શ્રીજીમહારાજની દયા છે. એમના સંકલ્પે આવાં કામ થાય છે. આપણે તો નિમિત્ત માત્ર છીએ. કર્તાહર્તા શ્રીજીમહારાજને રાખીએ એટલે જે સમજવાનું છે તે સમજાણું. 2/69-70/214-218

15. બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, મહારાજે તો કાંઈ બાકી રાખ્યું નથી. બધું ય વચનામૃતમાં છે. તે ચોપડો લઈને બેસે તો મહાપ્રભુજીની મૂર્તિ વચનામૃતમાંથી હાથ આવે છે. એકેય શબ્દ મૂર્તિ વિના ખાલી નથી. બધાય શબ્દ એમાં છે. બીજાં શાસ્ત્ર તો વૈરાજ સુધી કે પ્રકૃતિપુરુષ સુધી પહોંચે; તે શાસ્ત્ર મહારાજ સુધી ન પહોંચે. બીજાં શાસ્ત્ર અવરભાવનાં છે ને મહારાજનાં વચનામૃત તો પરભાવનાં છે. 2/104/329

16. સોની મગનભાઈએ પૂછ્યું જે, બાપા! આપણા દેશમાં 273 વચનામૃત છે અને વરતાલ દેશની પ્રતમાં 262 છે, તે વચનામૃત એ દેશની પ્રતમાં ઓછાં કેમ હશે? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, પહેલાં 262 વચનામૃત હતાં તે જ્યારે સભામાં વંચાવા માંડ્યાં ત્યારે અમદાવાદના કુબેરસિંહ છડીદારે ધર્મધુરંધર આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજને કહ્યું જે, મહારાજ! આ શું વંચાય છે? ત્યારે તેમણે કહ્યું જે, શ્રીજીમહારાજે જે જે ગામમાં વાર્તાઓ કરેલી તે મોટા સદગુરુઓએ લખી હતી. એ બધી ભેગી કરીને શ્રીજીમહારાજનાં વચનામૃત લખાયાં છે, તે વંચાય છે. ત્યારે કુબેરસિંહજી છડીદારે કહ્યું જે, અહીં શ્રીજીમહારાજે જે જે વાતો કરેલી તથા તે વખતે જે જે પ્રશ્નો મેં પૂછ્યા હતા તેના મહારાજે પ્રસન્ન થઈને ઉત્તર કરેલા તે વાતો મેં પણ લખી રાખી છે. પછી જેતલપુરના આશજીભાઈએ પણ એમ જ કહ્યું જે, મહારાજે જેતલપુરમાં તથા અશ્લાલીમાં વાર્તા કરેલી તે મારા પાસે લખેલી છે. પછી તે બંનેને આચાર્યજી મહારાજે કહ્યું જે, તમે એ વાતો અમારી પાસે લાવો. પછી તરત જ તેમણે લખેલી વાતોના ખરડા મહારાજશ્રીને આપ્યા. તેમાં ચમત્કારી પ્રશ્નોત્તર જોઈ ધ. ધુ. આયોધ્યાપ્રસાદજી મહારાજ તથા મોટા સંતો રાજી થયા ને કહ્યું જે, તમે આ વાતો લખી તે બહુ સારું કર્યું. પછી તેમાંથી એ સંતો પાસે વાતો એકંદર કરાવી તેનાં 11 વચનામૃત થયાં. પછી ધ. ધુ. આચાર્ય મહારાજશ્રીએ વરતાલ મંદિરમાં પત્ર લખ્યો ને કહેવરાવ્યું જે, આપણે વચનામૃત તૈયાર કર્યાં છે તે ઉપરાંત અમને અહીંથી આ રીતે 11 વચનામૃતો થયાં તેટલા ખરડાઓ મળ્યા છે. તેમાં શ્રીજીમહારાજનું સર્વોપરીપણાનું વર્ણન સારું છે. તેથી તમો એ વચનામૃત 11 લખી લો ને તેમાં કાંઈ ફેરફાર ન કરશો કેમ કે તેમાં મહારાજનો સર્વોપરી ભાવ તથા શ્રી નરનારાયણ નામથી માહાત્મ્ય કહેલ છે. ત્યારે વરતાલથી ધર્મધુરંધર આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજે સંતોને પૂછીને તે 11 વચનામૃતો જેમ બીજાં વચનામૃતો શોધ્યાં હતાં તેમ શોધી નાખવા ઇચ્છા જણાવી. પછી અમદાવાદથી આચાર્ય મહારાજનો બીજો પત્ર ગયો જે, આમાં શ્રીજીમહારાજે પોતાનું પુરુષોત્તમપણું વર્ણવેલું છે તેથી તેમાં શોધવાની જરૂર જણાતી નથી એવો અહીં મોટા મોટા સંતોનો અભિપ્રાય છે. તેથી અમોને એ વચનામૃતમાં કાંઈ શોધવા જેવું જણાતું નથી. માટે તમો એ વચનામૃતો જેમ છે તેમ જ લખો તો ઠીક. ત્યારે વરતાલથી આચાર્યશ્રીનો જવાબ આવ્યો જે, અમે તો શોધ્યા વિના જેમ છે તેમ ઠીક લાગે તો લખીએ, કેમ કે બીજાં વચનામૃતો શોધાયાં છે તેથી આ વધારાનાં શોધવાં પડે. પછી અમદાવાદથી આચાર્યજી મહારાજે જાણ્યું જે, આ વચનામૃતોમાં જે સર્વોપરીભાવ છે તથા શ્રીજીમહારાજ સર્વના કારણ છે એવું શ્રીમુખે બોલ્યા છે તેવાં વચનથી આગળ ઘણો સમાસ થશે. એમ જાણી મોકલ્યાં નહિ. તેથી તે દેશની પ્રતમાં એ 11 વચનામૃતો લખાયાં નથી એમ અમે મોટા સંતો પાસેથી સાંભળ્યું છે. એ 11 વચનામૃતમાં વાતો ચમત્કારી થઈ છે, કેમ જે તેમાં શ્રીજીમહારાજ સ્વયં પુરુષોત્તમ નારાયણ છે તેવું સ્પષ્ટ વર્ણન છે, માટે આપણા દેશની પ્રતમાં એ 11 વચનામૃત વધારે છે. તેને કેટલાક સમજ્યા વિના નવાં કહે છે પણ એવું કહેનારા આવી વાત જાણે તથા એ વચનામૃતો વાંચે-વિચારે તો શ્રીજીમહારાજનો મહિમા વધુ સમજાય તેવું છે. 2/113/361

17. સભામાં પ્રથમ પ્રકરણનું 71મું વચનામૃત વંચાતું હતું. તેમાં એમ આવ્યું જે, શ્રીજીમહારાજ જીવના કલ્યાણે અર્થે જ્યારે મૂર્તિ ધારણ કરે છે ત્યારે પોતાનું અક્ષરધામ ને ચૈતન્ય મૂર્તિ એવા જે પાર્ષદ તથા પોતાનાં સર્વે ઐશ્વર્ય તે સહિત પધારે છે. તે વખતે પુરાણી કેશવપ્રિયદાસજીએ પૂછ્યું જે, બાપા! આ વચનામૃતમાં મહારાજ તથા મુક્ત પધારે છે. એ ભેગું અક્ષરધામનું નામ છે. એવા વચનથી સત્સંગમાં કેટલાક અક્ષરધામ એ અક્ષર અને મહારાજ તે પુરુષોત્તમ તથા ચૈતન્ય મૂર્તિ પાર્ષદ જે મુક્તો તે સહિત પધારે છે એમ કેમ સમજતા હશે? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, વરુણ ને જળ નોખું ન પડે, અગ્નિ ને પ્રકાશ જુદા ન રહે, સૂર્ય ને પ્રકાશનું પણ એમ જ; તેમ મૂર્તિ તેજોમય, તેથી તેજ જુદું ને મહારાજ જુદા એમ કેમ કહેવાય? મહારાજ તેજના કારણ છે, એ તેજ દેખાડવું કે નહિ તે તેમની મરજી. શ્રીજીમહારાજની મોટપ જેવી છે તેવી જેના જાણ્યામાં આવે તે તો એમ ન કહે. કેમ જે મોટા મુક્તોએ મહારાજને સર્વોપરી, સર્વકારણ, સર્વાધાર લખ્યા અને એ બધી વાત સમજાવી છે તેવો મહિમા જેને સમજાણો હોય તેને તો ચોથા ભેદવાળા મૂર્તિમાન અક્ષરાદિક બીજા કોઈની મોટાઈ નજરમાં ન આવે, કેમ કે મૂર્તિ આકારે દૃષ્ટિ થાય તે તો આત્માના સુખે કરીને તથા અક્ષરના સુખે કરીને અકળાઈ જાય ને મૂર્તિ વિના રહી શકે જ નહિ. એવું અ. મુ. સ. ગુ. ગોપાળાનંદ સ્વામીએ ઘણું કહ્યું છે, પણ તે વિચારે તો ખબર પડે. મહારાજની મૂર્તિ પાસે અક્ષર આદિકની મોટપ શી ગણતીમાં? એ તો જેમ રાજા ને ચાકરમાં ભેદ, સૂર્ય ને પતંગિયામાં ભેદ તથા ચંદ્ર ને તારામાં ભેદ- એવો ભેદ છે. શ્રીજીમહારાજ તો એ અક્ષરાદિક સર્વના નિયંતા ને પ્રકાશક છે. કેટલાક કહે છે કે મહારાજ અક્ષરના આધારે રહ્યા છે. એવાને શ્રીજીમહારાજના મહિમાની શું ખબર પડે? "જે હરિ અક્ષર બ્રહ્મ આધાર પાર કોઈ નવ લહે" એમ એ તો અક્ષરના અને અનંતકોટિ બ્રહ્માંડના આધાર છે. મહારાજ ઘોડે બેઠા હોય ત્યારે ઘોડો મહારાજને ઉપાડીને ચાલે છે એવું દેખાય, પણ એ તો સર્વના આધાર છે; જેથી અક્ષરના આધારે મહારાજ રહ્યા છે એમ કહેનારાને મહારાજની મોટપ હાથ આવી જ નથી. શ્રીજીમહારાજ તો એ અક્ષરાદિક સર્વના આધાર છે. "અક્ષરના છો આત્મા રે અનંત ભુવનના ઈશ" એવી રીતે શ્રીજીમહારાજ સર્વના નિયંતા છે, આધાર છે, કારણ છે, સૌને પ્રકાશના દાતા છે. એમના તેજે અક્ષરાદિક સર્વે તેજોમય છે અને એ સર્વેને વિષે શક્તિએ કરીને અન્વયપણે રહ્યા થકા પણ પોતે તો પોતાના પ્રકાશરૂપ અક્ષરધામને વિષે સ્વતંત્રપણે રહ્યા છે. એ મૂર્તિને પામ્યા જે મુક્ત તે તો એ મૂર્તિના સુખભોક્તાપણે મૂર્તિમાં અખંડ રહ્યા છે. મૂળપુરુષ તથા અક્ષર એ આદિ સર્વના ભક્ત પરતંત્ર છે; અને શ્રીજીમહારાજના મુક્ત છે, તે તો સ્વતંત્ર છે, તેમને તો એ કારણ મૂર્તિને સુખે જ સુખ છે. અનંત કોટિ બ્રહ્માંડના આધાર, સર્વોપરી, કારણમૂર્તિ, શ્રીહરિ સહજાનંદ સ્વામી પુરુષોત્તમ ભગવાનની મૂર્તિના સુખ તુલ્ય કોઈ સુખ કહેવાય જ નહિ, માટે અતિ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયે કરીને શ્રીજીમહારાજની મૂર્તિમાં અતિ પ્રેમલક્ષણા ભક્તિએ સ્નેહ કરીને એ મૂર્તિના સુખમાં ગુલતાન રહેવું, પણ અક્ષર આદિકની મોટપ તથા સુખમાં લેવાવું નહિ. કેમ જે અક્ષર સૃષ્ટિ સમે મહાપુરુષ સામું જુવે છે, ત્યારે તે મહાપુરુષ માયાને પ્રેરવાને સમર્થ થાય છે, માટે તેના સુખનું અધિકપણું પ્રધાનપુરુષ, પ્રકૃતિપુરુષાદિકને હોય, પણ જેને શ્રીજીમહારાજની સાક્ષાત્ પ્રાપ્તિ થઈ છે, તે તો જ્યારે એ મૂર્તિના સુખનો વિચાર કરે ત્યારે એ અક્ષરનું સુખ પણ તુચ્છ થઈ જાય છે. માટે શ્રીજીમહારાજની મૂર્તિ તો અદ્વિતીય છે. તે મૂર્તિ પમાડવા અનાદિ મહામુક્ત વિના કોઈ અવતારાદિકની સામર્થી નથી, કેમ જે અવતારોનાં ધામ જુદાં છે ને મહામુક્તોને તો શ્રીજીમહારાજનો સાક્ષાત્ સંબંધ છે. અક્ષર, મૂળપુરુષ આદિકને તો મહારાજ પોતાની અંતર્યામી શક્તિએ કરીને પ્રકાશ કરે છે પણ તેને બીજા કોઈ જાણી શકતા નથી. જેમ કોઈ પુરુષ બરછી કે તીર નાખે તે બરછી કે તીરમાં નાખનારની શક્તિ જાય ખરી, પણ હાથમાં જેટલી શક્તિ હોય તેટલી ન જાય, લેશમાત્ર જાય; તેમ તે શક્તિ પણ એવી અને પોતાને વિષે તો અપાર શક્તિ હોય. તેથી મહારાજે કહ્યું છે જે, ક્ષર-અક્ષરને અમારી શક્તિએ કરીને ધરી રહ્યા છીએ. મોટાએ પણ એવું સમજાવ્યું, તો પણ જાણ્યા વિના અક્ષરના આધારે મહારાજ રહ્યા છે એમ જે કહે છે તેને શ્રીજીમહારાજના મહિમાની ખબર શું પડે! અને મોટા પુરુષના સાર્મથ્યની પણ શું ખબર પડે! આપણે તો સદાય મૂર્તિમાં રહ્યા છીએ એમ જાણવું. શ્રીજીમહારાજને તથા મોટા મુક્તને જીવના પાત્રપણાની ખબર પડે, કેમ કે તેમને સર્વે વાત હસ્તામળ હોય, તેથી જીવને ધીરે ધીરે સમજાવવા પ્રથમ મહારાજે સત્પુરુષ રૂપે પોતાને ઓળખાવ્યા, પછી અવતારરૂપે, પછી પોતે અવતારીપણે જણાણા. મુક્તોનું પણ એવું. નારદ, શુક, સનકાદિક તથા વ્યાસાદિક કહ્યા, કોઈને દત્તાત્રેય, કપિલજી જેવા, તો કોઈને અવતાર જેવા કહ્યા, પછી અક્ષરની ઉપમા આપી. પછી વળી સિદ્ધ મુક્ત મૂર્તિની સન્મુખ રહી એકકાળાવચ્છિન્ન મૂર્તિનું સુખ ભોગવે છે એમ જણાવી એકાંતિક, પરમ એકાંતિક મુક્તના નામે કહ્યા અને અનાદિ તો મૂર્તિમાં જ રસબસ રહ્યા છે તેમ પણ સમજાવ્યું. એ રીતે જેમ જેમ જીવો સમજતા ગયા તેમ તેમ મહારાજ તથા મોટા અનાદિમુક્ત સમજાવતા ગયા. કેટલાક એમ કહે છે જે મોટા પુરુષોએ લખ્યું તે સાચું નહિ ને તમો કહો તે સાચું? પણ તેને આવી વાતોની ખબર નહિ જે, મોટા મુક્તોએ તો ધીમે ધીમે પચ પડતું જાય તેમ વાતો કરી સમજાવ્યું છે અને જેમ છે તેમ પણ લખ્યું છે. "એક હરિજન પર્વતભાઈ આચરજકારી છે; સદા રહે મૂર્તિમાંહી આચરજકારી છે", વળી "એક એક મુનિમાં અનેક મુનિનાં વૃંદ રહ્યાં છે" એમ પણ લખ્યું છે. તથા જેમ "જળ તરંગ નહિ ભેદ જદા, તેમ તેજ અગ્નિ નહિ ભિન્ન તદા; એમ હરિ હરિજન એક સદા", "રસબસ હોઈ રહી રસિયા સંગ" એમ મહારાજ તથા અનાદિની આવા દૃષ્ટાંતે એકતા બતાવી છે. તો પણ સદા સાકારપણું, સ્વામીસેવકપણું, દાતા-ભોક્તાપણું ક્યારેય ટળતું નથી. તેથી આપણે તો કારણ મૂર્તિને જ સર્વોપરી જાણી સુખિયા રહેવું. મહારાજ જેવા તો મહારાજ એક જ છે. તેથી જેને જેટલો મહારાજનો મહિમા સમજાય તેટલો તેને આનંદ આવશે તથા પ્રાપ્તિ થશે. 2/121/374

18. સભામાં વચનામૃતની કથા થતી હતી, ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આમાં મહારાજે બધું ય સમજાવ્યું છે. કંઈ કહેવાનું ને સમજાવવાનું બાકી રાખ્યું નથી, પણ જીવની વૃત્તિ અધરપધર જ રહે છે તેથી આ વાતની ખબર પડતી નથી. આ અધ્યાત્મ વાતો કેટલાક બુદ્ધિબળે સમજવા જાય તે ક્યાંથી સમજી શકે! શ્રીજીમહારાજે કહેલું શાસ્ત્રમાં લખ્યું તો હોય પણ જ્યારે સત્પુરુષ પ્રગટ થાય ત્યારે તેના મુખ થકી યથાર્થ સમજાય. 2/136/412

19. સભામાં મધ્ય પ્રકરણનું 12મું વચનામૃત વંચાતું હતું. તેમાં કાયાનગરને વિષે જીવ રાજા છે. તે જેમ રાજા રાજનીતિને ભણીને રાજ્ય ચલાવે છે, તેમ કાયાનગરને વિષે સર્વે ઇન્દ્રિયોને નિયમમાં રાખીને વર્તાવે તો જીવને મૂર્તિનું સુખ આવે ને સુખિયો થાય એમ આવ્યું. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, કાયાનગરને વિષે જીવ કાને કરીને નબળા શબ્દ સાંભળે નહિ, નેત્રે કરીને ભગવાન વિના બીજું રૂપ જુએ નહિ, નાકે કરીને ભગવાનની પ્રસાદી સિવાયની બીજી અત્તર-ચંદનાદિકની સુગંધી ન લે. જિહ્વાએ કરીને ભગવાનની પ્રસાદી વિના બીજો રસ ન લે. એવી રીતે દસ ઇન્દ્રિયો તથા ચાર અંતઃકરણ એ સૌને વશ કરીને ભગવાન સંબંધી ક્રિયા કરાવે તો સુખિયો થાય એટલે મહારાજની મૂર્તિને દેખે. એવું આવા સંત હોય ત્યાં થાય. આ સંત નૈમિષારણ્ય ક્ષેત્ર છે. ત્યાં દસ ઇન્દ્રિયોની ધારા બુઠ્ઠીઓ થઈ જાય. મનોમય ચક્ર તે મન છે અને દસ ઇન્દ્રિયો તે મનની ધારા છે. તે આવા સંતના સમાગમથી બુઠ્ઠીયું થાય. જીવરૂપી રાજા ગાંડો થાય તો મોક્ષના માર્ગથી પડી જાય, નહિ તો પોતે રાજ્ય કરે એવો છે; માટે ઇન્દ્રિયોને નિયમમાં રાખવી. 2/144/437

20. સભામાં પ્રથમ પ્રકરણનું 63મું વચનામૃત વંચાતું હતું, તેમાં એમ આવ્યું જે તત્ત્વે કરીને ભગવાનને ઓળખવા. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, તત્ત્વે કરીને ભગવાનને જાણે એટલે મૂર્તિનું સુખ યથાર્થ આવે એમ મહારાજ કહે છે. 2/146/441

21. વચનામૃત તો શ્રીમુખનાં વચન છે. તે મનવાર જેવાં છે. એ વચનમાં જે વજ્રની પેઠે જોડાઈને વર્તે તે કોઈ રહી જાય નહિ. 2/149-151/450-454

22 વચનામૃતમાં કેટલાક શબ્દ શ્રીજીમહારાજ પોતે ભગવાનરૂપે બોલ્યા છે, અને કેટલાક શબ્દ અનાદિમુક્તરૂપે બોલ્યા છે અને કેટલાક શબ્દ સાધનિકરૂપે બોલ્યા છે. બે પ્રકારની સમજણવાળાને અર્થે શ્રીજીમહારાજે વચનામૃત દ્વિઅર્થી કર્યા છે.