૨૦. પ્રસંગ અંતર્ગત બોધકથન - વિભાગ ૧
ગુરુ હોય તથા મોટા હોય તેમની પાસે પોતાનું ધાર્યું ન કરાવવું
1. એક સમયને વિષે પર્વતભાઈ આદિ સંઘ સર્વે જૂનાગઢ શ્રીજીમહારાજનાં દર્શન કરવા જતા હતા. પર્વતભાઈ તો પૃથ્વીથી ઊંચા ચાલી નીસર્યા ને જૂનાગઢ પહોંચી મહારાજનાં દર્શન કર્યાં. પછી પાછળથી મયારામ ભટ્ટ, જેઠાભાઈ, કલ્યાણ ભક્ત તથા ભીમભાઈ આદિક સંઘ સર્વે ગયો. તેમને શ્રીજીમહારાજે પોતાનું શરીર બતાવીને કહ્યું જે, આ અમારે શરીરે ઊઝરડા બહુ થયા છે. ત્યારે હરિજનોએ પૂછ્યું જે, હે મહારાજ! આવડા બધા ઊઝરડા શાથી થયા છે? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, તમે પર્વતભાઈને એકલા આવવા દીધા તે અમારી મૂર્તિમાં રહીને ઊડ્યા. તે જાળા-ઝાંખળામાં અથડાવાથી ઊઝરડા થયા છે, માટે તમે પર્વતભાઈને સાથે રાખ્યા હોત તો આવું દુઃખ અમને થાત નહિ. ત્યારે હરિજનોએ કહ્યું જે, મહારાજ! હવે અમે પર્વતભાઈને સૂના નહિ મૂકીએ ને સેવા કરશું. ત્યારથી હરિજનો મહિમા જાણીને સેવા બહુ કરતા.
ભક્ત વત્સલ મહાપ્રભુજીએ પોતાની મૂર્તિમાં સંલગ્ન રહી, જઈ રહેલા મુક્તને માર્ગમાં આવતા જાળા-ઝાંખરા વાગવાથી થતાં ઊઝરડાં પોતાના શરીર પર ઝીલી લીધા, પણ પોતાના ભક્તને વાગવા ન દીધા. કેવી અદભુત સંભાળ! 1/11/29
2. એક વાર પર્વતભાઈ માંદા થયા. તેમની સેવા હરિજનો મહિમા જાણીને કરતા. તેમને કોઈક ગામથી કંકોત્રી આવી જે, વસંતપંચમીને દિવસે મૂર્તિ પધરાવવાનું મુહૂર્ત છે. માટે તમે સર્વે પધારજો. પછી હરિજનો ભાઈશ્રીને પૂછવા ગયા જે કંકોત્રી આવી છે ત્યાં અમો જઈએ? ત્યારે પર્વતભાઈ બોલ્યા જે, રાજસી યજ્ઞમાં જાઓ કાં સાત્વિક યજ્ઞમાં રહો; જેમ તમારી મરજી હોય તેમ કરો. એમ બોલ્યા પણ હરિજનો સમજી શક્યા નહિ. તેથી બે-ત્રણ વાર પૂછ્યું તો પણ એવો જ જવાબ દીધો. તેને સમજ્યા નહિ, ને કંકોત્રી આવી હતી ત્યાં ગયા. તે દિવસે પર્વતભાઈએ ગામના સર્વે માણસોને બોલાવરાવ્યા ને કહ્યું જે આજ મારે દેહ મૂકવો છે. માટે જેને આ ટાણે મારા દર્શન થાય તેને હું અંત વખતે આવીને ધામમાં તેડી જઈશ. પછી સર્વે લોકોએ દર્શન કર્યાં અને બાળક, પશુ, પક્ષી સર્વેને પર્વતભાઈનાં દર્શન કરાવ્યાં. ત્યારે પર્વતભાઈ બોલ્યા જે, જેટલા આ વખતે મારી દૃષ્ટિએ ચડ્યા તે સર્વે જીવોને હું તેડવા આવીશ. એમ કહીને પોતે દેહોત્સવ કર્યો. તે સમયે લાખો-કરોડો વિમાન અને મુક્તોએ સહિત શ્રીજીમહારાજનાં દર્શન સર્વેને થાતાં હવાં એમ અન્યથાકર્તાપણું વાપર્યું. આવી સામર્થી અનાદિમુક્તમાં જ હોય. 1/11/29
3. એક વાર સ્વામી અચ્યુતદાસજી આદિ મંડળ ગામ ચાંદ્રાયણીથી અર્ધી રાત્રે ચાલ્યા તે માર્ગમાં રાત્રિએ સૂતા અને ઊઠીને ચાલવા માંડ્યા. ત્યારે સ્વામીશ્રી બોલ્યા જે, સંતો! જે ગામથી આવ્યા ત્યાં જવાશે. તો પણ દિશ ભૂલ થવાથી સાધુએ માન્યું નહિ. સવારે ચાંદ્રાયણી આવ્યા ત્યારે સ્વામીને વિનંતી કરી જે અમોએ તમને બે-ચાર ગાઉ પાછા ચલાવ્યા. સ્વામી બોલ્યા જે, આપણે સર્વેને ચાલવું પડ્યું છે. મોટા એવા સરળ હોય અને જીવ પોતાનું ધાર્યું કરે. 1/12/31
4. ગુરુ હોય તથા મોટા હોય તેમની પાસે પોતાનું ધાર્યું ન કરાવવું. કેમ જે, તેમાં આપણે શું જાણીએ જે કેમ થશે? શ્રી ગોપાળાનંદ સ્વામી એક ગામથી બીજે ગામ ચાલ્યા. ત્યારે પોતાના શિષ્યોને કહ્યું જે, પુસ્તકે મીણિયાં બાંધજો, પણ વાદળું (વાદળાં) નહિ હોવાથી એ વચન માન્યું નહિ. પછી માર્ગમાં વરસાદ થયો ને પુસ્તક પલળી ગયાં. વળી કોઈક સમયે સ્વામીએ કહ્યું જે, આ ટાણે દિવસ છે ત્યારે શિષ્યોએ કહ્યું જે, રાત્રિ છે. પણ મોટાને તો રાત્રિ કે દિવસ છે જ નહિ, કેમ જે એ તો સદાય મહારાજની મૂર્તિમાં સંલગ્ન જ હોય તે નાહ્યા ધોયા વિના જમે, તો પણ એમને બાધ નહિ. જેમ આપણે દિવસે સૂઈએ છીએ પણ જાગીને નાહ્યા-ધોયા વિના જમીએ છીએ તેમ. મોટાને રાત્રિ છે જ નહિ માટે મોટાની ક્રિયામાં દોષ જોવા નહિ. જ્યારે પંચવર્તમાનમાં ફેર હોય ત્યારે દોષ જાણવો. ખરેખર મોટા હોય તેનામાં એવા દોષ સંભવે જ નહિ. 1 12/31
5. પ્રથમ પ્રકરણનું 43મું વચનામૃત વંચાતું હતું. તેમાં નિષ્કામ ભક્ત ભગવાનની સેવા વિના બીજું ઇચ્છતા નથી એમ આવ્યું. તે ઉપર બાપાશ્રીએ વાત કરી જે, એક કઠિયારો અને એની સ્ત્રી એ બે ય શ્રીજીમહારાજને મળેલાં સત્સંગી હતાં. તે હંમેશા રાત્રિના ત્રણ વાગે ઊઠીને શ્રીજીમહારાજનું ધ્યાન-ભજન કરીને નાહીને પૂજા કરીને મંદિરમાં દેવનાં દર્શન કરીને સવારમાં વહેલા વગડે જાય. તે કોઈનું ધણિયાતું ન હોય એવા ઠેકાણેથી કાષ્ટની ભારીઓ લાવીને વેચે. તેના પૈસા અથવા દાણા જે આવે તેમાંથી દશમો ભાગ શ્રી ઠાકોરજીની પાસે મૂકીને ઘેર જઈને રોટલા કરી મહારાજને થાળ ધરીને પ્રસાદી જમીને મહારાજનું ધ્યાન-ભજન-માળા-કથા-વાર્તા કરે. સાંજે મંદિરમાં જઈને કથા-વાર્તા સાંભળે ને રાત્રિએ ધ્યાન કરીને બાર વાગે સૂએ. એવી રીતે હંમેશાં ખાધા જેટલું પેદા કરીને મહારાજનું ધ્યાન-ભજન કરતાં. એમ કરતાં કરતાં એક દિવસે કઠિયારાને તાવ આવ્યો તે વગડે જવાયું નહિ. તેની સ્ત્રી પતિવ્રતા હતી, માટે એકલી ન ગઈ, તેથી બે ય ભૂખ્યાં રહ્યાં. તેને ત્રીજે દિવસે સવારમાં તાવ ઊતર્યો. એટલે નાહીને પૂજા કરી. તેની સ્ત્રીએ પૂછ્યું જે, તમારે કાંઈ ખાવાની ઇચ્છા થઈ હોય તો હું કોઈનું ઉછીનું લાવીને કરી આપું. આપણે જમીને સાંજના ભારીઓ લેવા જાશું ને તેમાંથી જે આવશે તેમાંથી ઉછીનાવાળાને પાછું આપીશું. ત્યારે કઠિયારો બોલ્યો જે, બે દિવસ શ્રીજીમહારાજની ઇચ્છાથી ભૂખ્યા રહ્યાં તો અડધો દિવસ જાણીને ભૂખ્યા રહીશું પણ આપણે ઉછીનું લાવવું નથી. પછી ભૂખ્યા ને ભૂખ્યા વગડે જઈ એક થોરિયાનું થડિયું હતું તેને ચીરવા માંડ્યું તે કુહાડો તો ઊંચો પણ થાય નહિ તો પણ તેના ટચકાથી બ્રહ્માંડ ડોલવા લાગ્યું. તેથી બ્રહ્માને ભય ઉપન્યો એટલે વૈરાજ પુરુષ પાસે જઈને રાવ કરી તે ઉત્તરોત્તર સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન પાસે આવી. પછી શ્રી સ્વામિનારાયણ ભગવાને તેજરૂપે પ્રેરણા કરી તેનો જવાબ આપ્યો તે ઉત્તરોત્તર બ્રહ્મા પાસે આવ્યો. પછી તે ઉત્તર પ્રમાણે બ્રહ્માએ તે કઠિયારા ભક્ત પાસે આવીને તેમને છળવાની કોશિષ કરી પણ તે કઠિયારા ભક્ત બ્રહ્માને ઓળખી ગયા ને બ્રહ્માને તેની સ્થિતિનું ભાન કરાવ્યું કે તેના (બ્રહ્માના) ઉપરી વૈરાજ છે ને વૈરાજના ઉપરી અહંકાર છે. અહંકારના ઉપરી મહત્તત્ત્વ છે ને મહત્તત્ત્વના ઉપરી પ્રધાનપુરુષ છે. પ્રધાનપુરુષના ઉપરી મૂળપુરુષ ને મૂળપુરુષના ઉપરી વાસુદેવ બ્રહ્મ છે. વાસુદેવબ્રહ્મના ઉપરી મૂળઅક્ષર છે ને આ સર્વેના ઉપરી સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા શ્રી સ્વામિનારાયણ ભગવાન છે. આ સાંભળી બ્રહ્માએ તે કઠિયારા ભક્તને વિનંતી કરી જે હે મુક્તરાજ! હું તમને આવા મોટા જાણતો નહોતો. તમોએ જે જ્ઞાન કહ્યું તેની તો મને ખબરેય નથી. હું તો મારા ઉપરી વૈરાજથી પર બીજું કાંઈ છે જ નહિ એમ જાણતો હતો. માટે મારો અપરાધ ક્ષમા કરો. ત્યારે કઠિયારા ભક્તે કહ્યું જે, જાવ, તમારું બ્રહ્માંડ નહિ પડે. તેથી બ્રહ્મા રાજી થઈને ગયા.
પછી શ્રીજીમહારાજે એે બે યને દર્શન આપ્યાં ને બહુ પ્રસન્ન થયાને કહ્યું જે, અહીં રહેવું છે કે ધામમાં આવવું છે? જો અહીં રહેવું હોય તો વૈભવ આપીએ અને ધામમાં આવવું હોય તો તેડી જઈએ. ત્યારે તે બે ય બોલ્યા જે, આ લોકનું તો અમારે કાંઈ જોઈતું નથી. અહીં રાખો કે તેડી જાઓ એ પણ અમે કાંઈ ન કહીએ. જેમ આપની મરજી હોય તેમ કરો. શ્રીજીમહારાજ બોલ્યા જે, ચાલો આપણા ધામમાં. પછી કુહાડો નાખી દઈને બે ય જણાં દેહ મૂકીને શ્રીજીમહારાજની મૂર્તિમાં લીન થઈ ગયાં. આવા નિષ્કામ ભક્ત થાય તો શ્રીજીમહારાજ તથા તેમના મુક્ત પ્રસન્ન થઈને આવરદા હોય તો પણ પડી મુકાવીને પોતાની મૂર્તિમાં રાખીને સુખ આપે છે ને સદા ભેળા રાખે છે. એવા નિષ્કામ થાવું પણ મૂર્તિ વિના કોઈ પદાર્થની ઇચ્છા ન રાખવી. 1/35/66
6. બાપાશ્રીએ વાત કરી જે, દેવરાજભાઈ રામપરાવાળા આવ્યા. તેમને બહુ આનંદભર્યા જોઈને અમે કહ્યું જે, તમે આનંદમાં છો તેનું કારણ આ ત્યાગવલ્લભદાસજી સ્વામીને કહો. ત્યારે તે બોલ્યા જે, શ્રીજીમહારાજે ને તમે મારા ઉપર બહુ દયા કરીને બે દીકરા ને એક મારાં માતુશ્રી તેમને ધામમાં લઈ ગયા. હવે એક ઘરનું મનુષ્ય ને બે દીકરા છે, તેનું જેમ મહારાજની મરજી હોય તેમ સારું કરજો. પણ અત્યારે તો તેઓ મહારાજના સુખમાં પહોંચ્યા તેનો આનંદ છે. ભૂજ જઈને ત્રણ રસોઈઓ દઈને આપના દર્શને આવ્યો. ત્યારે અમે કહ્યું જે, કેમ ત્યાગવલ્લભદાસજી! તમારા ચેલા ધામમાં જાય તો કેમ થાય? ત્યારે ત્યાગવલ્લભદાસજી કહે જે, આવું તો મારાથી ન રહેવાય. પછી અમે બોલ્યા જે, આ દેવરાજભાઈ આખો દિવસ વાડીનું કામ કરે છે અને રાત્રિએ રાત્રિએ અમારી પાસે આવીને સમાગમ કરી જાય છે ને નિયમ એકે ચૂકતા નથી. એવા બળિયા છે અને મહારાજની મૂર્તિને સુખે સુખિયા છે. જો મૂર્તિ રાખે તો સુખી થવાય. આવી અલૌકિક સમજણ ને સ્થિતિ થાય તો અહોનિશ મૂર્તિનો આનંદ વર્તે. 1/47/91
7. આ લોકમાંથી ઉદાસ થાય તેને દેહના ભાવ ટળી જાય છે ને એને દેશકાળના વિષમપણામાં ખસી નીકળવાની જરૂર નથી. મહાપ્રભુજીની મૂર્તિનો સાક્ષાત્કાર થઈ જાય ત્યારે નાગ, વાઘ, જળ, અગ્નિ, માન, અપમાન, ગળ્યું, ચીકણું, તીખું, તમતમુ એ આદિક વિષય માત્રનો ભય ને રાગ સર્વે ટળી જાય છે. એવો મૂર્તિનો પ્રતાપ છે. જ્યારે આ ગામમાં પ્લેગ આવ્યો ત્યારે સર્વે લોકો ગામમાંથી નીકળીને બહાર જઈને રહ્યા ત્યારે ભોજો ભક્ત બોલ્યા જે, ગુરુદેવ! આ લોક સર્વે કેમ ભાગી જાય છે? ત્યારે અમે કહ્યું જે, પ્લેગ આવ્યો છે એ સારુ જાય છે. ત્યારે તે બોલ્યા જે, એ તો શ્રીજીમહારાજે પોતાના ભક્ત ઉપર દયા કરીને સેવક મોકલ્યો છે, જે મારા ભક્તને કોઈકની પાસે સેવા કરાવવી પડે ને સેવા કરનાર ન હોય તો બહુ દુઃખી થાય, માટે સેવક મોકલીએ તો ચોવીસ કલાકમાં છૂટકો થઈ જાય એમ જાણીને સેવક મોકલ્યો છે. તે સેવક પાસે સેવા કરાવતા નથી ને ભાગી જાય છે, તે એ શું સમજતા હશે? એવા પરિપક્વ જ્ઞાનવાળા અને વિદેહી હતા. ભગવાનના ભક્તે એવા થવા કોશિષ કરવી જોઈએ. 1/77/141
8. એક સમયને વિષે કાંકરિયાના ઉગમણા ગરનાળા ઉપર ચાર સદગુરુઓ સાથે શ્રીજીમહારાજ રમત કરતા હતા. તે પોતાની હથેળીમાં બબ્બે સદગુરુઓને રાખીને વારાફરતી ઉછાળે. તે આકાશમાં જઈને પાછા આવીને હથેળીમાં પડે. એમ રમત કરતાં કરતાં શ્રી બ્રહ્માનંદ સ્વામીને મહારાજે ઉછાળ્યા તે ગંગામા રસોઈ કરતાં હતાં તે ચોકમાં જઈને પડ્યા; ત્યારે ગંગામાએ કહ્યું જે, અમને બે યને ઉપવાસ પાડ્યા. ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, તમને સ્ત્રી-પુરુષનો ભેદ અને વિકાર છે કે નથી? ત્યારે કહે જે, અમે તો મુક્ત છીએ. ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, મુક્ત છો પણ તમો તમારી મેળે એકબીજાને અડો તો ઉપવાસ કરવો પડે, પણ આ તો અમે તેમને ચોકમાં નાખ્યા માટે તમારે બાધ નહિ. 1/84/152
9. આ ગામમાં રત્નો ભક્ત હતા તેમને ગામધણી તથા પટેલે ઉપાધિ કરીને કાઢી મૂક્યા. તે કેરે સદાબા પાસે જઈને રહ્યા. તે ગઢડે મહારાજનાં દર્શને ગયા ત્યારે મહારાજે કહ્યું જે, વૃષપુર ગામ મૂકશો નહિ. પછી દર્શન કરીને કેરે આવતાં વૃષપુર સોંસરા ચાલ્યા. તેમને ગામધણી તથા પટેલે માર્યા ને આંખોમાં ધૂળ ભરી, ત્યારે રત્નો ભક્ત એમ બોલી ગયા જે, તમે મને દુઃખ દો છો પણ તમને સર્પ ને કૂતરાં દુઃખ દેશે. પછી રાત્રિએ ગામધણીને સર્પ ને કૂતરા ફાડી ખાવા માંડ્યા ને ગામધણી રાડો પાડવા મંડ્યો, તેથી ગામ બધું ભેગું થયું ને કહે જે ક્યાં કૂતરા ને સર્પ છે? ત્યારે ગામધણી કહે જે, આ રહ્યા બધા ને મને તોડી ખાય છે. પછી સવારે રત્ના ભક્ત પાસે કેરે જઈને સદાબાને બહુ કરગર્યો ને કહ્યું જે, રત્ના ભક્તને વૃષપુર મોકલો. પછી સદાબા ખાસડું લઈને ફરી વળ્યાં ને કહ્યું જે, તેં મારા હરિભક્તને બહુ દુઃખ દીધું છે તે હવે નહિ આવે. તને કૂતરા ને સર્પ ભલે ફાડી ખાતા. પછી સાત ખાસડાં ગળે વળગાડીને પગે લાગીને કહે જે, રત્ના ભક્તને નહિ મોકલો તો આજ રાત્રિએ મારું મોત છે. પછી ગામના માણસોએ સદાબાને કહ્યું જે, મોકલો. હવે એને ગરજ બહુ થઈ છે. પછી સદાબાએ હા પાડી, એટલે ગાડામાં સામાન ભરીને તેડી ગયો. એટલું દુઃખ રત્ના ભક્તને પડ્યું તો પણ સત્સંગ મૂક્યો નહિ અને પહેલાં અહીં રહેતા ત્યારે પણ નાત પટેલિયા ભેળા થઈને કંઠી તોડી નાખતા ને પટેલોનું ખાધા ખર્ચ જે થાય તે એને માથે નાખતા. તો પણ પટેલિયા જાય એટલે ફેર કંઠી બાંધતા ને ફેર આવીને તોડાવી નાખતા. એમ વારંવાર દુઃખ દેતા. તો પણ સત્સંગ મૂક્યો નહિ. આખી કણબીની નાતમાં એ એકલા જ સત્સંગી હતા. 1/85/155
(સારાંશ : "હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને." ધન્ય છે રત્ના ભક્તની આત્મનિષ્ઠા ને સત્સંગની પરિપક્વ દૃઢતાને.)
10. એક સમયે શ્રી બ્રહ્માનંદ સ્વામી ભૂજથી કેરે જતા હતા. તેમને નારાયણપુરની વાડીમાં મૂળજી ભક્ત તથા ભાણજી ભક્તના બાપ ગોવો ભક્ત ક્યારા વાળતા હતા તેમણે દેખ્યા અને વિચાર કર્યો જે, આ સ્વામિનારાયણના સાધુ રાત્રિ પડવા આવી છે તે ક્યાં જશે? એમ જાણીને જોઈ રહ્યા. તે સ્વામી કેરા તરફ ગયા અને ગોવા ભક્તનો બાપ કોસ છોડીને ડહેલામાં બળદ બાંધીને ઘેર ગયા ને ગોવા ભક્ત કેરે ગયા, અને ત્યાં સદાબાને ઘેર સ્વામી હતા તેમની વાતો સાંભળી. પછી સર્વ સભા ઊઠી ગઈ પણ ગોવો ભક્ત ઊઠ્યા નહિ; ત્યારે સ્વામીએ તેને પૂછ્યું જે, તમારે ક્યાં રહેવું? ત્યારે તેણે કહ્યું જે, નારાયણપુરમાં. પછી સ્વામીશ્રીએ કહ્યું જે, તમે કેમ બેસી રહ્યા છો? તમારે કાંઈ પૂછવું છે? ત્યારે તે બોલ્યા જે, તમો અત્યાર સુધી વાતો કરી જે, સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે ને જીવનો આત્યંતિક મોક્ષ કરવા આવ્યા છે. તે આત્યંતિક મોક્ષ સ્વામિનારાયણ ભગવાન વિના કોઈ અવતારથી થાય નહિ એ ખરું, પણ અમને શી રીતે ખાત્રી થાય? ત્યારે સ્વામી બોલ્યા જે, આ પૃથ્વી ઉપર જેટલી ગાયો અને જેટલી સ્ત્રીઓ ને જેટલાં બાળક છે એમને માર્યે જેટલું પાપ થાય એટલું પાપ 'સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી ન હોય' તો અમને થાય. શ્રી સ્વામિનારાયણ ભગવાન અમારી પાસે તો છે પણ તારા દેખ્યામાં ન આવે. જો તારે મનુષ્ય દેહનો લાભ લેવો હોય અને આત્યંતિક કલ્યાણ જોઈતું હોય તો તું ગઢડે જા. ત્યાં અમે જે સમ ખાધા તે વાત તને કહે તો તું શ્રી સ્વામિનારાયણને ભગવાન માનજે. પછી તે વાડીએ આવીને બળદને નીરણ કરીને ઘેર ગયા ને વાળુ કરીને બધી વાડીઓએ ફરીને લોકોને કહ્યું જે, મારી સાથે ગઢડે આવો તો શ્રી સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા છે ત્યાં દર્શને જાવું છે. પછી બીજા ચાર જણા તૈયાર થયા. પછી એ પાંચે જણા ગઢડે આવ્યા ત્યારે મહારાજે કહ્યું જે, ગોવા ભક્ત! તમે અમારા બ્રહ્માનંદ સ્વામીને આવા આકરા સમ ખવરાવ્યા? અમે સાક્ષાત્ ભગવાન છીએ અને આત્યંતિક મોક્ષ કરવા આવ્યા છીએ. અને બીજા જોડે ચાર જણ હતા, તેમાં ગંગદાસ નામે ભક્ત હતા તેમને શ્રીજીમહારાજે કહ્યું જે, તમે માર્ગમાં આવતાં સંકલ્પ કર્યા હતા જે ભગવાનના પગમાં સોળ ચિહ્ન હોય તો ભગવાન ખરા. તે જુઓ! અમારા પગમાં સોળ ચિહ્ન છે? એમ કહીને બતાવ્યાં. પછી તે વર્તમાન ધારીને સત્સંગી થયા ને પાંચ દિવસ રહીને ઘેર આવ્યા. એ પાંચ ને રત્નો ભક્ત એ છ સત્સંગી આખી કણબીની નાતમાં હતા. હવે તો આખી નાત સત્સંગી થઈ છે. મનુષ્ય દેહમાં છુપાયેલા, પ્રગટ પરબ્રહ્મ પરમાત્માએ પોતે જ પોતાને ઓળખાવ્યા! કરુણાસાગરની શી કરુણા! 1/85/156
11. સદાબાને પણ એમના પતિએ ઘણું દુઃખ દીધું હતું. એક દિવસ તો ઓરડા વાસીને તરવાર તાણી, એટલામાં બધા ઓરડા ઊઘડી ગયા ને મહારાજે ફોજ દેખાડી ને બાંધીને મારવા માંડ્યો ને કહ્યું જે, આ ફેરે તો છોડી મૂકીએ છીએ, પણ જો હવે એમને દુઃખ દઈશ તો જીવથી મારી નાખીશું. એમ બીક બતાવી. ત્યારથી સદાબાને દુઃખ દેતો નહિ. એવાં કષ્ટ વેઠીને પણ આગળ સત્સંગ કર્યો છે અને આજ તો ત્યાગી-ગૃહીને સર્વ વાતે સાનુકૂળ છે. આવા સમયમાં જે શ્રીજીમહારાજની આજ્ઞા ન પાળે અને ધન, સ્ત્રી આદિમાં લેવાઈ જાય તે તો અતિશય અભાગિયા કહેવાય. 1/85/157
12. સુરાખાચરની આસક્તિ કેવી રીતે ટળી?
બાપાશ્રી બોલ્યા જે, સુરાખાચરને સ્વાદ બહુ હતો. તે દશ-પંદર વાસણમાં જુદાં જુદાં પ્રકારનાં ભોજન જમતાં અને સ્વાદુ ન થાય તો કજિયો કરતા. એક વખતે તેમનાં પત્ની શાંતિબાઈને શ્રીજીમહારાજે કહ્યું જે, તમને કથામાં આવતાં મોડું કેમ થાય છે? ત્યારે તે બોલ્યાં જે, તમારા ભક્તને જમતી વખતે ઝાઝાં વાનાં જોઈએ છે ને તેમાં મરચાં-મીઠામાં ફેર પડે તો કજિયો કરે છે. તેથી મારાથી કથાના જોગમાં અવાતું નથી. ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, આજથી તમારે એક-બે વાનાં કરવાં ને તે પણ મરચા-મીઠા વિનાનાં મોળાં કરવાં. અમે સુરાખાચરને નિયમ આપશું જે તમારે જમતી વખતે કાંઈ માગવું નહિ ને બોલવું નહિ. પછી સુરાખાચરને મહારાજે નિયમ આપ્યો અને તે બાઈએ, મહારાજે કહ્યું હતું તેવી રીતે કર્યું. પછી સુરાખાચર જમવા બેઠા, તે મીઠા મોળું ને થોડું જોઈને જાણ્યું જે, મારો ધણી આવી પહોંચ્યા; નહિ તો આવું કરે નહિ. એમ શ્રીજીમહારાજની મરજી જાણીને અમૃતની પેઠે જમી ગયા. તેવું છ મહિના જમ્યા. પછી શાંતિબાઈને મહારાજે પૂછ્યું જે, કેમ! ભક્ત કાંઈ બોલે છે? ત્યારે તે કહે જે ના, મહારાજ! તમારા ભક્ત હવે જેવું મળે તેવું જમે છે ને કજિયો કરતા નથી. પછી શ્રીજીમહારાજે કહ્યું જે, હવેથી દેવની એટલે અમારી બુદ્ધિએ સેવા કરજો. પછી સારાં સારાં ભોજન કરીને જમાડવા માંડ્યાં પણ સુરાખાચરને રાગ ટળી ગયા ને સારા-નરસાની સ્મૃતિ ન રહી ને સારું-નરસું સરખું થઈ ગયું. એમ નિયમે કરીને આસક્તિ ટળે પણ પોતાની મેળે ત્યાગ કરે તો આસક્તિ ન ટળે. નિયમ લેવા તે પણ મોટાની પાસે દીન થઈને હાથ જોડીને લેવા તો મોટા સહાયમાં ભળીને પાર પાડે. 1/89/162
13. મોટાનો પ્રતાપ તો એવો છે જે, એક સમયને વિષે અનાદિ મુક્તરાજ શ્રી નિર્ગુણદાસજી સ્વામીએ ધોળકેથી સદગુરુ શ્રી નિર્મળાનંદ સ્વામીને તથા સ્વામી વ્રજવલ્લભદાસજીને ઉમરેઠમાં અનાદિ મહામુક્તરાજ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી પાસેથી ગીતાભાષ્યનું પુસ્તક લેવા સારુ મોકલ્યા હતા. ત્યાં નવસારી ગણદેવીના હરિભક્ત ભાદરવા આંબાની કેરીઓ લાવ્યા હતા તે સ્વામીશ્રી તથા બીજા સર્વે સંત જમ્યા. તે ગોટલાં ધોળકાની વાડીમાં વાવવા સારુ લેવા માંડ્યાં ત્યારે સ્વામીશ્રીના સંતોએ કહ્યું જે, સ્વામીશ્રીનાં જમેલાં ગોટલાં ઊગશે નહિ. માટે લેશો નહિ. પછી તે ગોટલાં સ્વામીએ જુદાં રાખ્યા ને લાવીને ધોળકાની વાડીમાં વાવ્યાં. તો સ્વામીશ્રીનાં જમેલાં હતાં તે ન ઊગ્યાં અને બીજા સંતોનાં જમેલાં હતાં તે ઊગ્યાં. આમ મોટાના ઉપયોગમાં આવે તે સર્વેનો મોક્ષ થાય. 1/114/204
14. કપડવંજમાં ગણેશભાઈએ દેહ મૂક્યો તે વખતે અનાદિ મહામુક્તરાજ સદગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામી મંડળે સહિત અહીં મંદિરમાં હતા. તે સવારમાં સાધુએ એક કલાક સુધી કથા વાંચી. ત્યાં સુધી તે ધ્યાનમાં બેઠા હતા, અને પછી ધ્યાનમાંથી જાગીને એક કલાક વાતો કરી. પછી બોલ્યા જે, "કપડવંજમાં ગણેશભાઈએ અમારી પાસે વર માગ્યો હતો જે, અંત વખતે દર્શન આપીને તેડી જજો. તેમણે આ ટાણે દેહ મૂક્યો ને તેમને મહારાજના સુખમાં મૂકી દીધા." એવો મોટાનો પ્રતાપ છે. 1/115/205
15. પર્વતભાઈના દીકરા મેઘજીભાઈને અડસઠ તીર્થ કરવા જવાની ઇચ્છા થઈ, તેથી પર્વતભાઈને કહ્યું જે, મારે અડસઠ તીર્થ કરવા જાવું છે. ત્યારે પર્વતભાઈએ કહ્યું જે, અડસઠ તીર્થ તો દર્શન કરવા તથા માથે રજ ચઢાવવા આપણા ફળિયામાં નિત્ય આવે છે. ત્યારે મેઘજીભાઈએ કહ્યું જે, એમ તીર્થ રજ લેવા આવતાં હોય તો લોકો હજારો રૂપિયા ખર્ચીને તીર્થ કરવા શા સારુ જાય? એ તો તમારે ખર્ચી આપવી પડે એટલા સારુ સમજાવો છો, પણ મારે તો અવશ્ય જાવું છે. પછી તેને પર્વતભાઈએ ભાતું-ખર્ચી આપ્યાં ને તે તીર્થ કરવા નીકળ્યા. પછી પર્વતભાઈએ ગોપાળાનંદ સ્વામીને કહ્યું જે, છોકરો તો તીર્થ કરવા ગયો. ત્યારે ગોપાળાનંદ સ્વામી બોલ્યા જે, તમારા ચરણમાં તીર્થ છે તે બતાવ્યાં હોત તો ન જાત. હું એને પાછો વાળી લાવું એમ કહીને સ્વામી ચાલ્યા તે વાટમાં મેઘજીની આગળ થઈ ગયા. મેઘજીને સ્વામી પૃથ્વીથી ગજ ઊંચા ચાલતા દેખાયા ને એમનાં ચરણમાં શ્વેત તેજોમય અડસઠ તીર્થ દેખાયાં. તેમાં કેટલાંક તો ચરણનો સ્પર્શ કરે અને કેટલાંક તો માથે રજ ચઢાવે ને કેટલાંક તો દંડવત્ કરે ને કેટલાંક તો પ્રાર્થના કરે. એવી રીતે જોઈને મેઘજી બોલ્યા જે, સ્વામી! આ તમારા ચરણ તળે શ્વેત તેજોમય મૂર્તિઓ છે તે કોણ હશે? ત્યારે સ્વામીશ્રી બોલ્યા જે, કેટલી છે? ગણી જો. પછી તેણે ગણી તો અડસઠ થઈ. ત્યારે કહ્યું જે, અડસઠ છે. ત્યારે સ્વામીશ્રી બોલ્યા જે, એ અડસઠ તીર્થ છે. પછી મેઘજીએ કહ્યું જે, હું તીર્થે જતો હતો તે હવે નહિ જાઉં. એમ કહીને પાછા વળ્યા ને સ્વામીશ્રી પણ પાછા વળ્યા. રસ્તામાં આવતાં સ્વામીશ્રીએ વાત કરી જે, તમારા પિતાશ્રીના ચરણમાં પણ તીરથ સદાય રહે છે. ત્યારે મેઘજીએ કહ્યું જે, મારા દેખ્યામાં કોઈ દિવસ આવ્યાં નથી. પછી સ્વામીશ્રીએ કહ્યું જે, તમે કહેશો તો બતાવશે. એમ કહીને સ્વામીશ્રી ઉતારે ગયા ને મેઘજીભાઈએ ઘેર આવીને પર્વતભાઈને વાત કરી જે, સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ એમના ચરણમાં તીર્થ બતાવ્યાં અને તમારા ચરણમાં તીર્થ છે એમ કહ્યું જે, માટે મને બતાવો. પછી પર્વતભાઈએ પોતાના ચરણમાં તે સર્વે તીર્થ બતાવ્યાં. 1/121/213
16. શ્રી ગોપાળાનંદ સ્વામી આદિ સંતો તથા પર્વતભાઈ આદિ ઘણા હરિજનો સાંજ વખતે દરરોજ કૂવે નહાવા જતાં. ત્યાં નાહીને એક વૃક્ષતળે બેસીને માનસીપૂજા કરીને પછી શ્રીજીમહારાજના મહિમાની ઘણીક વાર્તાઓ નિત્ય કરતા. એક વાર વાર્તા સાંભળીને વૃક્ષને ઘણો જ આનંદ થયો, તેથી ખડખડ હસવા માંડ્યું ત્યારે સભામાં બેઠેલા હરિજનો બોલ્યા જે, વાયુ વિના આ ઝાડ કેમ ખખડતું હશે? ત્યારે પર્વતભાઈ બોલ્યા જે, એ ઝાડ હસે છે. ત્યારે હરિજનો બોલ્યા જે, ઝાડને હસવાનો ધર્મ નથી. પછી પર્વતભાઈ બોલ્યા જે, પૂછી જુઓ, પણ કોઈ પૂછતા ન હવા. ત્યારે શ્રી ગોપાળાનંદ સ્વામીએ કહ્યું જે, સત્પુરુષ જે બોલે તે સત્ય હોય માટે વિશ્વાસ લાવીને પૂછો. પછી હરિજનોએ પૂછ્યું, ત્યારે ઝાડ બોલ્યું જે, આ સભા શ્રી પુરુષોત્તમ ભગવાનની છે તે મારે છાંયે બેઠી છે, તેથી મારે સેવા થઈ ને વળી શ્રીજીમહારાજના મહિમાની વાતો સાંભળીને જ્ઞાન થયું ને મોટા મોટા અવાતારાદિકને તથા બ્રહ્મકોટીને તથા અક્ષરકોટીને પણ દુર્લભ એવા આ મુક્તોનાં મારે દર્શન થયાં. માટે મારો છેલ્લો જન્મ થઈ ગયો. હવે મારે ફેર જન્મ ધરવો નહિ પડે અને શ્રીજીમહારાજની મૂર્તિમાં તમારા ભેળે આવીને હું બેસીશ ને તમારા જેવું સુખ ભોગવીશ; તેનો આનંદ આવવાથી હું હસું છું. એવો મહિમા મોટાનો છે. 1/121/214
17. પર્વતભાઈની પ્રાર્થનાથી શ્રીજીમહારાજે અનાદિમુક્ત સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીને મંડળધારી કરીને એમની સાથે સંતદાસજી, વ્યપકાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, રામદાસભાઈ, આત્માનંદ સ્વામી આદિ ત્રીસ સદગુરુઓને છ મહિના અગત્રાઈ રહેવા જવાની આજ્ઞા કરી. ત્યારે રામદાસભાઈ બોલ્યા જે, હે મહારાજ! ગોપાળાનંદ સ્વામી વિના બીજા મોટા સંતને મંડળધારી કરો તો ઠીક, કેમ જે એ તો બાર મહિનાથી સાધુ થયા છે. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, આ તો અમારી મૂર્તિમાં રહેનારા અનાદિ મહામુક્ત છે અને સૌથી મોટા છે, માટે તેમને મોકલજો એમ પર્વતભાઈ કહી ગયા છે, તેથી એમને મંડળધારી કર્યા છે. તો તમે સૌ એમની આજ્ઞામાં રહેજો પણ જૂનાપણાનું અભિમાન રાખશો નહિ. પછી તે સર્વે અગત્રાઈ ગયા. ત્યાં શ્રીજીમહારાજના મહિમાની ને સુખની વાતો ગોપાળાનંદ સ્વામી તથા પર્વતભાઈ બંને વારાફરતી કરતા. તે સાંભળીને સર્વે સંત તથા હરિજનો બહુ જ આનંદ પામતા. એ છ મહિના સુધી શ્રી ગોપાળાનંદ સ્વામીએ તથા પર્વતભાઈએ અગત્રાઈના સીમાડામાં કાળને પેસવા દીધો નહિ. ત્યારે કાળે શ્રીજીમહારાજ આગળ પ્રાર્થના કરી જે, હું અગત્રાઈના સીમાડામાં જાઉં છું ત્યારે મને શ્રી ગોપાળાનંદ સ્વામી તથા પર્વતભાઈ બાળે છે તેથી મારાથી જવાતું નથી; માટે હું કેમ કરું? ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, તું ન જઈશ. તારું કામ હશે તે એ કરશે. એમની મરજી થાય ત્યારે જજે, નહિ તો બળી મરીશ. એ છ મહિના સુધી ગામમાં તથા સીમાડામાં જે જીવ મરે તે સર્વેને શ્રીજીમહારાજ પાસે લઈ જતા હવા.
પછી શ્રીજીમહારાજે શ્રી ગોપાળાનંદ સ્વામીને કાગળ લખ્યો જે, છ મહિના પૂરા થયા માટે બીજાં ગામોમાં ફરવા જજો. પછી શ્રી ગોપાળાનંદ સ્વામી મંડળે સહિત ત્યાંથી નીકળ્યા તે ગામડાંમાં ફરતા ફરતા આવતા હતા. ત્યાં માર્ગમાં ચાલતાં એક કૂવો આવ્યો. ત્યારે નહાવા ઊતર્યા. ત્યાં પ્રથમથી જ આઠ બ્રાહ્મણો ઊતરેલા હતા. તેમણે સાધુ દેખીને સાધુની તથા શ્રીજીમહારાજની નિંદા કરવા માંડી. એટલામાં તે આઠેને કોગળિયું આવ્યું. પછી તો સ્તુતિ કરવા માંડી જે, શ્રી સ્વામિનારાયણ સાક્ષાત્ ભગવાન જગતના કર્તા-હર્તા છે ને તમે સર્વે સંત મુક્ત છો ને સ્વતંત્ર છો ને અમારા જેવા પામર જીવોનો ઉદ્ધાર કરવા પ્રગટ થયા છો, માટે અમારા નીચ કૃત્ય સામું ન જોતાં, તમારા બિરદ સામું જોઈને તમારે પ્રતાપે કરીને અમારી રક્ષા કરો. ત્યારે સ્વામીશ્રી બોલ્યા જે, અમે નાશવંત એવો જે દેહ તેની રક્ષા તો નહિ કરીએ પણ તમારા જીવની રક્ષા કરશું. એમ બોલીને સર્વે સંતોના દેખતાં એ સર્વેને વિમાનમાં બેસારીને ધામમાં મોકલી દીધા. પછી સર્વે સંત શ્રીજીમહારાજ પાસે ગઢડે આવ્યા અને સંતોએ શ્રીજીમહારાજને કહ્યું જે, શ્રી ગોપાળાનંદ સ્વામીએ આઠ બ્રાહ્મણ આપણી નિંદા કરતા હતા તેમને અક્ષરધામમાં મોકલ્યા તે ઠીક ન કર્યું. પછી શ્રીજીમહારાજે કહ્યું જે, આ ટાણે સો-બસો મહેમાન આવે, તેમની ખાવા-પીવાની સરભરા કરવાની સત્સંગીઓને ભલામણ કરવી પડે. તેમાં કોઈ સત્સંગી આપણા કહ્યા વિના જ સર્વે મહેમાનને ઘેર લઈ જઈને ખાવા-પીવાની ખબર રાખે તો આપણે રાજી થઈએ કે નહિ? ત્યારે સંતોએ કહ્યું જે, તો તો રાજી બહુ થઈએ. ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, અમારે કોઈને મુક્તને આજ્ઞા કરવી પડત, તે વગર આજ્ઞાએ ગોપાળાનંદ સ્વામીએ મોક્ષ કર્યો તે તો બહુ જ સારું કર્યું એમ શ્રીજીમહારાજ બોલ્યા. 1/121/215
18. શ્રી પરમાનંદ સ્વામીને ગરમીનો મંદવાડ હતો. તેમને સંત ચંદન ઘસીને ચોપડવા આવ્યા ત્યારે ના પાડી જે, પાપરૂપ દેહને રાખીને શું કરવો છે? મહારાજના સુખમાં જવું છે પણ આ પાપરૂપ દેહમાં રહેવું નથી. એમ બોલ્યા. તાવ આવે, માથું દુઃખે અથવા ગમે તેવો રોગ થાય તો પણ કોઈને જણાવા દે નહિ. મૂળીના સંતદાસજીને તાવ આવતો ત્યારે તે એવા ઊંડા ઊતરી જાતા તે જાણે કાંઈ દુઃખ જ નથી. મહારાજના સુખમાં ઊંડા ઊતરી જાય એટલે બધી ઇન્દ્રિયો સંકોચાઈ જાય. આ સત્સંગમાં એવા પાકા સંત પડ્યા છે. તે લાગે ગરીબડા જેવા! એવા સંત હોય તેમની મંદિરમાં જે મોટેરા થઈને બેઠા હોય તેમણે ખબર રાખવી જોઈએ, પણ દુઃખવવા નહિ. જો દુઃખવે તો બહુ પાપ લાગે. 1/129/226
19. છેલ્લા પ્રકરણનું 9મું વચનામૃત વંચાતું હતું. તેમાં અંતર સન્મુખ દૃષ્ટિ રાખીને નિરંતર ભગવાનની સેવામાં રહેવું એમ આવ્યું. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, શ્રીજીમહારાજે પોતાના એકાંતિક ભક્તોની સ્થિતિ કહી છે. એવી સ્થિતિ કરવાનો ખટકો રાખવો. સર્વે ક્રિયામાં શ્રીજીમહારાજની મૂર્તિની અખંડ સ્મૃતિ રાખવી. તે ક્રિયા કરતાં કરતાં મૂર્તિનો સાક્ષાત્કાર થઈ જાય. ભૂજમાં શ્રી અચ્યુતદાસજી સ્વામી હતા તે વાડીમાં કોટ કરતા હતા, તે પથ્થર આઘોપાછો મુકાઈ ગયો. ત્યાં ગોવિંદાનંદ બ્રહ્મચારી નાહવા આવ્યા હતા તે બોલ્યા જે, સ્વામી! પથ્થર બરાબર સરખો બેઠો નથી. પછી સ્વામી બોલ્યા જે, પહાણો તો બરાબર કરીશું પણ તમે ઠાકોરજીને વાઘા અવળા પહેરાવ્યા છે તે સવળા પહેરાવો. પછી બ્રહ્મચારીએ નાહીને મંદિરમાં જઈને જોયું તો વાઘા અવળા જ પહેરાવેલા હતા તે સવળા કર્યા. પછી જ્યારે બીજે દિવસે વાડીએ નહાવા આવ્યા ત્યારે સ્વામીને પૂછ્યું જે, વાઘા અવળા છે એવી તમને શી રીતે ખબર પડી? તમે તો મંગળાનાં દર્શન કરીને અહીં આવ્યા હતા. ત્યારે સ્વામી કહે જે, અમારે આવરણ નથી. અહીં રહ્યા થકા દેખીએ છીએ. એવા સ્વામી સમર્થ હતા. 1/143/248
20. એક દિવસે ભૂજના ભંડારમાં રોટલાં કરતાં કરતાં અચ્યુતદાસજી સ્વામીને સમાધિ થઈ ને તાવડીમાં રોટલો નાખ્યો તે રોટલા ઉપર હાથ રહી ગયો; તે રોટલો બળી ગયો અને હાથ દાઝવા લાગ્યો. એવામાં અમે મંદિરમાં જઈને સ્વામી રઘુવીરચરણદાસજીને કહ્યું જે, સ્વામીને સમાધિ થઈ ગઈ છે ને હાથ બળે છે. માટે ઝટ જઈને હાથ ઉપાડી લો. પછી તેમણે જઈને હાથ લઈ લીધો ને પોતે રોટલા કરવા બેઠા. જ્યારે હરે થયા ત્યારે સ્વામી જાગ્યા ને જમીને સભામાં બેઠા. વચનામૃત વાંચી રહ્યા પછી અમે સ્વામીને પૂછ્યું જે, સમાધિમાં સિદ્ધિઓ દેખાય તે કેવી હશે? ત્યારે સ્વામી બોલ્યા જે, મને સમાધિ થઈ હતી, તે આગળ મહારાજ ને વાંસે હું. એમ ને એમ ચાલ્યો તે દેવલોકમાં થઈને, વૈકુંઠમાં થઈને આગળ ચાલ્યો ત્યાં સિદ્ધિઓ ભારે ભારે ફળ, મેવા આદિક સામગ્રીઓ લઈને પડખે આવીને પ્રાર્થના કરવા લાગી જે, અમારી સેવા અંગીકાર કરો. પણ મેં મહારાજને મૂકીને એ પાપ સામું જોયું જ નહિ. પછી થાકીને તેમણે મારે માથે તહોમત નાખ્યું જે ફટ છે તને, જે પુરુષોત્તમ ભગવાનને મૂકીને અમારી વિષે લોભાઈ ગયો. પછી મેં મહારાજના સામું જોઈ રહીને તેમને કહ્યું જે, ફટ તો તમને ને તમારા ધણીને! હું તો મારા ભગવાનને મૂકીને તમારા સામું જોઉં તેવો જ નથી. તમે તો નર્કરૂપ છો. તે નર્કમાં હું શું લોભાઉં? એમ કહીને મહારાજની સાથે સાથે ચાલ્યો તે ઠેઠ ધામમાં ગયો. જ્યારે અહીં થાળ કર્યા ત્યારે મહારાજ દેહમાં લાવ્યા. જેને મહારાજની મોટપ યથાર્થ જાણ્યામાં આવી હોય તેને સિદ્ધિઓ પરાભવ કરી શકતી નથી. 1/143/248
21. રામપરેથી હરિજનો ભૂજ દર્શને આવ્યા હતા. તેઓ સર્વેને પગે લાગવા માંડ્યા. તેમાં પરબત નામનો એક છોકરો શ્રી અચ્યુતદાસજી સ્વામીને પગે લાગ્યો. તેના બરડા ઉપર હાથ મૂકીને સ્વામી બોલ્યા જે, આવો! બ્રહ્માનંદ સ્વામીના પોઠિયા! ત્યારે સર્વેએ પૂછ્યું જે, બ્રહ્માનંદ સ્વામી તો છેલ્લી અવસ્થામાં ઘોડે બેસતા પણ પોઠિયે બેસતા નહિ ને તમે પોઠિયા કહ્યા તેનું શું કારણ છે? ત્યારે સ્વામી બોલ્યા જે, બ્રહ્માનંદ સ્વામી સાઠ સાધુ લઈને ઝાલાવાડમાં ફરતા હતા. તેમને માર્ગમાં ચાલતાં એક વખત તાવ આવ્યો. તે વખતે એક વણઝારો પોઠ લઈને જતો હતો. તેને સ્વામીના સાધુએ કહ્યું જે, અમારા ગુરુને તાવ આવ્યો છે ને અમારે ગામમાં જાવું છે. માટે એક પોઠિયા ઉપર બેસાડો તો અમે ગામમાં પહોંચીએ. પછી વણઝારે એક પોઠિયો લાવીને કહ્યું જે, આના ઉપર બેસાડો. પછી તેના ઉપર સ્વામીને બેસાર્યા. તે ગામની ભાગોળે ઊતરીને સ્વામીએ તેના માથે હાથ મૂક્યો ને બોલ્યા જે, તારાં કર્મ બળી ગયાં. હવે એક જન્મ ધર, અમે તને તેડવા આવશું. તે જ વખતે પોઠિયો મરી ગયો તે આ છોકરો છે ને તેને અંત વખતે શ્રી બ્રહ્માનંદ સ્વામી તેડવા આવશે. પછી પરબત ભક્તે ઓગણપચાસની સાલમાં દેહ મેલ્યો તેને મહારાજ તથા બ્રહ્માનંદ સ્વામી દર્શન આપીને તેડી ગયા. આ પ્રસંગમાં સ. ગુ. અચ્યુતદાસજી સ્વામીની ત્રિકાળજ્ઞ-નિવારણ દૃષ્ટિ ને સ. ગુ. બ્રહ્માનંદ સ્વામીના અલૌકિક સાર્મથ્યનું દર્શન થાય છે. સર્વોપરી શ્રીહરિના સંતોની વાત જ ન્યારી! 1/143/249
22. સ્વામી અચ્યુતદાસજીના જેવી સ્થિતિ થવાનો શો ઉપાય હશે?
બાપાશ્રી બોલ્યા જે, શ્રીજીમહારાજની મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખે તો એવી સ્થિતિ થાય, અથવા અતિશય મોટા સંતની પ્રસન્નતા મેળવે તો એવી સ્થિતિ થાય. એક સમયે સંતદાસજી તથા સ્વરૂપાનંદ સ્વામી ફરતા ફરતા ગામ ધ્રૂફી અચ્યુતદાસજીને ઘેર ગયા. તે બે દિવસથી ભૂખ્યા હતા ને અચ્યુતદાસજીના પિતા ઘેર નહોતા. તો પણ અચ્યુતદાસજીએ સિધું, પાણી, બળતણ વગેરે સામાન તેમને લાવી આપ્યો. તેમણે થાળ કરીને ઠાકોરજીને જમાડ્યા અને પ્રસાદી જમ્યા. પછી તેમના ઉપર રાજી થયા ને કહ્યું જે, છોકરા માગ, જે માગે તે આપીએ. ત્યારે અચ્યુતદાસજીએ માગ્યું જે, જે તમને વહાલું હોય તે મને આપો. ત્યારે તે બે મુક્ત બોલ્યા જે, તારી પણ અમારા જેવી સ્થિતિ થશે. તે જ વખતે અચ્યુતદાસજીની નિરાવરણ દૃષ્ટિ થઈ ગઈ. એક વખતે એમના માબાપે ગઢડા શ્રીજીમહારાજને દર્શને જતાં એમને સાથે લીધા. પંદરેક ગાઉ ગયા ત્યારે વિચાર થયો જે, આ છોકરો ચાલી શકશે નહિ. માટે તેને પાછો વાળીએ. પછી ઘસિયો આપીને કહ્યું જે, તારાથી ચાલી શકાશે નહિ માટે આ ટીમણ મારગમાં ખાજે ને પાછો ઘેર જા. પછી તે ઘેર આવ્યા પણ સાથે જવાની આતુરતા ન બતાવી, કેમ જે મહારાજને સદા અખંડ દેખતા. એવી સ્થિતિ મોટાની કૃપાએ થાય. 1/144/250
23. સંવત 1929ની સાલમાં અચ્યુતદાસજી સ્વામી અમદાવાદ આવ્યા હતા. તે સભામંડપને ત્રીજે માળ ઊતર્યા હતા. ત્યાં સદગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામીએ એમને પૂછ્યું જે, તમે કેટલાં વર્ષે સમૈયે આવ્યા? ત્યારે તેમણે કહ્યું જે, તેર વર્ષ થયાં. ત્યારે સ્વામી બોલ્યા જે, ઘણે વર્ષે આવ્યા. ત્યારે સ્વામી અચ્યુતદાસજી બોલ્યા જે, સ્વામી! તમારા જેવા મોટાના પ્રતાપે કરીને નાનપણથી મારે આવરણ ટળી ગયાં છે. બધાં મંદિરોમાં સભાઓ થાય છે ને વાતોચીતો થાય છે, સર્વે હું દેખું છું ને સાંભળું છું, તેથી આવતો નથી. એમ પોતાની સ્થિતિ કહી હતી. 1/144/251
24. શ્રીજીમહારાજને દર્શને કોઈ ગરાસિયા આવ્યા, તે મનુષ્ય ચરિત્ર જોઈને પાછા ગયા. ફરી વાર તે ગરાસિયા પાછા ત્યાં કોઈક કાઠીને ઘેર આવ્યા, તેમને કાઠીએ જમાડ્યા તેથી પવિત્ર થયા. ત્યારે સંકલ્પ થયો જે કદાપિ ભગવાન હોય તો આપણને ખોટ જાય. માટે આપણે ફેર ચાલો ને! આપણે જે સંકલ્પ કરીએ તે સત્ય કરે તો ભગવાન ખરા. પછી સંકલ્પ કરીને આવ્યા, જે કામળાનો શણગાર પહેરીને જો હાથમાં પાનું લઈને વાંચતા હોય, એવા દર્શન થાય તો એ ભગવાન ખરા; એમ ધારીને ફરીથી આવ્યા. તે વખતે શ્રીજીમહારાજે બ્રહ્મચારી પાસે "અમને શીળો ધાયો છે" એમ કહી સર્વે પોષાક કામળાનો મંગાવીને ધારણ કરેલો અને પાનું હાથમાં લઈને બેઠેલા. એવાં તેમને દર્શન દીધાં પછી નિશ્ચય કર્યો, પણ શ્રીજીમહારાજે કહ્યું જે, હજી તમને અમારો બરાબર નિશ્ચય થયો નથી. માટે બીજો પરચો માગો. ત્યારે તે ચાર જણ બોલ્યા જે, ગઈ કાલે અમે ક્યાં હતા તે કહો? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, ગઈ કાલે તમે તમારે સંબંધીને ઘેર અનાજ ખાધું. તેના તમે ચારે સાક્ષી છો. પછી તે ચારે જણા સત્સંગી થઈને ઘેર ગયા. ભગવાન ઓળખવા તે વાત કાંઈ સુગમ નથી. એ તો ભગવાન કૃપા કરે ત્યારે જ ઓળખાય. 1/164/300
25. સદગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામી અહીં ભૂજના સભામંડપની લખણી કરવા આવ્યા હતા. તેમની સાથે અમો ગામ જતા હવા. તે રસ્તામાં જતાં એક વળાકામાં સંતો આગળ જતા રહ્યા અને અમે તથા સ્વામી રહી ગયા એટલે સ્વામીએ સંતોને લાકડી ઊંચી કરીને ઊભા રાખ્યા ને બોલ્યા જે, અનંત સાધુ આપણા ભેળા છે એવા આપણે બે છીએ, તો પણ આ લોકનું રાખવું પડે છે; નહિ તો આપણા ભેળા કરોડો કરોડો મુક્ત છે, એટલા કહીએ તો ય થોડા કહેવાય, તો પણ સાધુને ઊભા રાખવા પડ્યા; કારણ કે શ્રીજીમહારાજે ધર્મ પ્રબંધ બાંધ્યો છે તે મોટા મુક્ત પાળે તો જ સાધનિક પાળે. 1/174/328
26. ગોરધનભાઈ છોકરાને ટાંગો ઝાલીને ખણી જાતા તે કેમ ઝલાય તેની ખબર નહિ અને સાકર છે કે મીઠું છે તેની ખબર નહિ, અને કોઈક વખતે ઘણું જમે ને ક્યારેક થોડું જમે ને ક્યારેક જમે પણ નહિ, બધું મહારાજના હાથમાં. આચાર્ય અયોધ્યાપ્રસાદજી મહારાજને ધ્યાન કરતાં લૂગડામાં વીંછી હતો તે સાત-આઠ ઠેકાણે કરડ્યો તો પણ ધ્યાનમાંથી ઊઠ્યા નહિ, ને ધ્યાન કરીને પછી વાત કરી જે, આ લૂગડામાં શું છે, જુઓ! પછી પાળાએ જોયું તો વીંછી નીકળ્યો; તેવી સ્થિતિ ઉપશમ કરતાં પણ અધિક કહેવાય. વળી ગામડી ગામમાં પધાર્યા હતા; ત્યારે દૂધપાકમાં સાકરને બદલે ભૂલથી મીઠું નાખ્યું હતું. તો પણ નિત્ય જમતા તેટલું જમી ગયા, તે પણ ગોરધનભાઈથી અધિક સ્થિતિ કહેવાય, કેમ જે ગોરધનભાઈને તો ખબર નહોતી પડતી ને અયોધ્યાપ્રસાદજી મહારાજને તો આત્મનિષ્ઠા હતી. તે આત્મનિષ્ઠાને બળે કરીને વીંછીની પીડાને ખમ્યા ને મીઠું જમી ગયા, માટે તે વિશેષ કહેવાય. 1/194/371
27. એક સમયે વિષે શ્રી રઘુવીરજી મહારાજ અમદાવાદ પધાર્યા હતા ત્યારે શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજને કહ્યું જે, તમો તો આ મોટા શહેરના વ્યવહારમાં બહુ જ બંધાઈ ગયા. પછી શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ બોલ્યા જે, તમો ભગવતપ્રસાદજીને વરતાલનો વ્યવહાર સોંપી દો અને અમે કેશવપ્રસાદજીને સોંપી દઈએ; અને આપણે બંને ગઢડા, મૂળી, જૂનાગઢ, ભૂજ, જ્યાં કહો ત્યાં એક ઠેકાણે બેઠા બેઠા શ્રીજીમહારાજનું અખંડ ધ્યાન-ભજન કરીએ. પછી શ્રી રઘુવીરજી મહારાજ તો કાંઈ બોલ્યા નહિ, ત્યારે અયોધ્યાપ્રસાદજી મહારાજ બોલ્યા જે, જે દિવસના શ્રીજીમહારાજ પાસે આવ્યા છીએ ત્યારથી અમે તો ત્રણે અવસ્થામાં શ્રીજીમહારાજની મૂર્તિને અખંડ તેજના સમૂહમાં દેખીએ છીએ અને આ અમદાવાદનો સત્સંગનો વ્યવહાર તો અમને રંચ માત્ર પણ ગણતીમાં નથી; અમે તો સદાય મૂર્તિમાં જ નિમગ્ન રહીએ છીએ. એવી સ્થિતિ શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજની હતી. 1/195/372
28. બંદરામાં નારાયણજીની મા રાઈબાઈ હતાં. તેને ઘાસણીનો રોગ થયો હતો, તેથી તેને લોકો એમ કહે જે, તારા સ્વામિનારાયણ ક્યાં ગયા? પડી પડી રિબાય છે, તો ય તેડવા કેમ આવતા નથી? પછી તેને અંતકાળે શ્રીજીમહારાજ તેડવા આવ્યા, ત્યારે તેણે કહ્યું જે, હવે કેમ આવ્યા? જાવ, નહિ આવું. પછી શ્રીજીમહારાજ બધા ગામમાં પરચો દઈને તેને તેડી ગયા અને તે નારાયણજીના બાપને દીકરો નહોતો. એમને મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, મહારાજ પાસે દીકરો માગો. ત્યારે તેમણે કહ્યું જે, હું કડે ન માગું. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, સ્વામી! તમે સકામ થયા પણ એ ડોસો સકામ ન થયા. પછી નારાયણજીને દીકરા થયા અને તે નારાયણજીના દીકરા રવોજી હતા. તેનું ખેતર દેવામાં વોરા લઈ ગયા હતા. પછી ઊચક વિઘોટી કરીને તેમાં કપાસ વાવ્યો તે ઘણો થઈ પડ્યો. તેની પાંચ હજાર કોરી ઊપજી. તે કોરી દઈને ખેતરાં પાછાં લીધાં ને કહે જે, "મારા સ્વામિનારાયણ આવ્યા તે ભૂખને લત હણીને દરિયામાં નાખી દીધી." વળી એક દિવસ નારાયણજીનું શ્રાદ્ધ હતું તે રવોજીની માએ રાવળને પત્તર પૂરવા સારુ ખીર કરી હતી. તે ડોશીને આડે-અવળે મોકલીને શિક્ષાપત્રીને જમાડીને રવોજી પોતે જમી ગયા. જ્યારે એની મા આવ્યાં ને કહ્યું જે, રાવળને પત્તર પૂરવા ખીર કરી હતી તે ક્યાં ગઈ? ત્યારે રવોજી બોલ્યા જે, મેં મારા બાવાને પહોંચાડી. એ રાવળ શું પહોંચાડે? સ્વામિનારાયણ ભગવાન જમ્યા ને હું પ્રસાદી જમી ગયો ને મારા બાવાને પહોંચી ગઈ; એવા મહિમાવાળા હતા. 1/205/404
29. શ્રીજીમહારાજને અંતર્યામી કહે પણ જાણે નહિ, અને મારું કલ્યાણ થાશે કે નહિ એવા ઘાટ થાય તે નિશ્ચયમાં અનિશ્ચયનો ઘાટ થયો કહેવાય. અને પૂર્ણાનંદ સ્વામી જે ગજો ગઢવી તે માને કરીને ગયા અને ગૃહસ્થાશ્રમ કર્યો તો પણ શ્રીજીમહારાજનો નિશ્ચય જો બરાબર હતો તો અંત સમયે બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી તેડવા આવ્યા. તેમને કહ્યું જે, તમારો તેડ્યો નહિ આવું; મહારાજ આવશે ત્યારે આવીશ. પછી તે પાછા ગયા ને શ્રીજીમહારાજ પધાર્યા ને કહ્યું જે ચાલો, ત્યારે પોતે બોલ્યા જે, ગામમાં પરચો આપીને તેડી જાઓ તો આવું. તેમને પરિપક્વ નિશ્ચય હતો તો ત્યાગી મટીને ગૃહસ્થ થયા તો પણ મારું કલ્યાણ થાશે કે નહિ થાય, એવો સંકલ્પ જ થયો નહિ; એનું નામ નિશ્ચય કહેવાય. 1/207/410
30. ડુમાલી ગામમાં રામજી ઠક્કર હતા. તેમને સંવત 1946ના વૈશાખ માસમાં બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી આદિ સાત મુક્ત તેડવા આવ્યા ત્યારે તેમણે કહ્યું જે, મેં શિક્ષાપત્રીનું કિયું વચન લોપ્યું છે, તે શ્રીજીમહારાજ ન આવ્યા? તે કહો. ત્યારે મુક્ત બોલ્યા જે, શિક્ષાપત્રીનું વચન તો લોપ્યું નથી. ત્યારે તે ભક્ત બોલ્યા જે, તો તો તમારો તેડ્યો નહિ આવું. પછી મુક્ત બોલ્યા જે, આજથી ચોથે દહાડે એકાદશીને દિવસ શ્રીજીમહારાજ તેડવા પધારશે, એમ કહીને અદૃશ્ય થઈ ગયા. પછી એકાદશીને દિવસે મહારાજે દર્શન આપ્યાં ને કહ્યું જે ચાલો, ત્યારે તેમણે એમના મોટાભાઈ જે પ્રાગજીભાઈ, તેમને તથા તેમની માતુશ્રીને કહ્યું જે, મહારાજ તેડવા પધાર્યા છે ને હું જાઉં છું. પછી તેમની માતુશ્રીએ કહ્યું જે, તારે સાટે મને લઈ જાય એમ મહારાજને કહે. ત્યારે તેમણે કહ્યું જે, મારું બગાડીને તારું કેમ સુધારું? મને આ નર્કરૂપ દેહમાંથી છોડાવીને પોતાની મૂર્તિને સુખે સુખિયો કરવા પધાર્યા છે, તે સુખ મૂકીને નર્કમાં શું કરવા રહેવું પડે? પછી એમની માતુશ્રીએ કહ્યું જે, મને મહારાજ ક્યારે લઈ જાશે તે તો પૂછી જો. પછી તેમણે મહારાજને પૂછ્યું, ત્યારે મહારાજ બોલ્યા જે, આજથી બે વર્ષે તારી માતુશ્રીને લઈ જઈશું અને પાંચ વર્ષે તારા મોટા ભાઈને લઈ જઈશું. રામજી ભક્તે એ વાત પોતાના ભાઈ તથા માતુશ્રીને કહી દેહ મેલ્યો. એ પ્રમાણે એમની માને તથા એમના ભાઈને મહારાજ તેડી ગયા હતા. એમ પરિપક્વ નિશ્ચયવાળાને ડગમગાટ ન રહે. 1/207/411
31. એક સમયે વડોદરામાં શ્રીજીમહારાજને ને ગોસાંઈજીવાળાને સંવાદ થયો. તેમાં શ્રીજીમહારાજના ભણેલા સૌ સાધુ અને ગોસાંઈજીના સૌ શાસ્ત્રીઓ-તેમને સામસામો સંવાદ કરવો અને તેમાં જે હારે તેને મુસલમાન કરવા એવો ઠરાવ કર્યો. પછી નિત્ય સભા થાય ને પ્રશ્ન-ઉત્તર ને સંવાદ થાય. તેમાં ગોસાંઈજીવાળાની જીત થાય અને મહારાજના સંત હારે; તો પણ સંત કહે જે, કાલે ગોસાંઈજીવાળાને જીતી લઈશું, પણ સંત તો નિત્ય હારતા જાય અને મહારાજ શ્રી ગોપાળાનંદ સ્વામીને સંભારે ને કહે જે, અહો! અમારું રત્ન આવ્યું નહિ. એમ કરતાં એક દિવસ બાકી રહ્યો ત્યારે ગોપાળાનંદ સ્વામી આવ્યા. એમને જોઈને મહારાજ બહુ રાજી થયા ને કહ્યું જે, અમારું રત્ન આવ્યું ને હવે અમારી જીત થશે. પછી બીજે દિવસે સભા થઈ અને શ્રી ગોપાળાનંદ સ્વામી સભામાં આવીને બેઠા, ત્યારે શાસ્ત્રીઓએ તથા બીજા સર્વેએ સ્વામીશ્રીને તેજોમય ને ચારેકોરે અનંત દેવો ને અનંત અવતારો સ્તુતિ કરતા તથા અનંત નાના પ્રકારનાં ઐશ્વર્ય સહિત દેખ્યા. એટલે શાસ્ત્રીઓ તો સ્વામીશ્રીનું આવું આશ્ચર્યકારક ઐશ્વર્ય જોઈને દબાઈ ગયા ને કહેવા લાગ્યા જે, "અમે હાર્યા ને તમે જીત્યા." એમ કહીને વંદના કરવા લાગ્યા ને મહારાજની જીત થઈ. પછી શ્રીજીમહારાજ કહે જે, સંતો હારીને અમને મુસલમાન કરાવનાર હતા; પણ આ ગોપાળાનંદ સ્વામીએ આવીને અમારી જય કરાવી. આમાં સમજવાનું એ છે જે હજારો સાધનિક સંત હોય તે એક અનાદિમુક્તની તુલ્ય ન થાય, એવી અનાદિમુક્તની અલૌકિક સામર્થી છે. 1/208/413
32. એક બ્રાહ્મણ ચક્રવર્તી રાજા પાસે દાન લેવા ગયો. પછી રાજાએ તેની પરીક્ષા લેવા માટે સારાં સારાં ભોજન તથા પલંગ તથા સેવક તેની સેવામાં આપ્યાં અને કહ્યું જે, બપોરે બાર વાગે દાન લેવા આવજે તો પાંચ હજાર સોનામહોરો આપશું. પછી તે બ્રાહ્મણ સારી પેઠે ભોજન જમીને જરાક પલંગ ઉપર સૂતો ને સેવક પગચંપી કરવા લાગ્યા, તેથી ઊંઘ આવી ગઈ ને દાન લેવાનો વખત વીતી ગયો. પછી રાજા પાસે ગયો. ત્યારે રાજા કહે જે, વખત વીતી ગયો, હવે નહિ મળે. તેમ આ જીવ માયાનો લહરકો લેવા જાય છે ને મહારાજને ને મોટાને ભૂલી જાય છે. તે માયાનો ત્યાગ કર્યો હોય તો પણ અંતરમાં તેનો રાગ રહી જાય છે. એવા જીવના સ્વભાવ છે; તે ભગવાનને શી રીતે ઓળખી શકે? 1/209/416
33. ડાંગરવામાં શ્રીજીમહારાજ પધાર્યા હતા, ત્યાં જતનબાએ પોણોસો માણસની રસોઈ કરી હતી. તે શ્રીજીમહારાજે ચાર સંતને જમાડી દીધી; અને જીવાખાચરની હજાર મનુષ્યની રસોઈ એક સચ્ચિદાનંદ સ્વામી જમી ગયા. તે પરભાવનાને (મૂર્તિ ભેળા રહેલા અનંત મુક્તોને) જમાડ્યા. એવા મોટા સંત મળે ને તેમને જમાડે તે મહારાજ ને મુક્ત જમી જાય; માટે હરકોઈ અભ્યાગત આવે તેને અન્ન આપવું, કેમ જે તેમાં મોટા મુક્ત આવ્યા હોય તે જમે તો બહુ ફળ થાય. બુધેજમાં શ્રીજીમહારાજે ખોડાભાઈની મા પાસે રોટલો માગ્યો, પણ આપ્યો નહિ તે એને બહુ ખોટ આવી. 1/211/422
34. દાદાખાચરનું સારું દેખાશે તે ઠીક નહિ. એમ જાણીને જીવાખાચર ઘોડીએ ચડીને મંદિર બંધ કરાવવા ભાવનગર ગયા. તે સચ્ચિદાનંદ સ્વામી પહોંચ્યા તે ઘોડીએથી હેઠે પાડી નાખ્યા. તેમને ખાટલે સુવારીને ઘેર લાવ્યા. તેમને જોવા મહારાજ પધાર્યા અને કહ્યું કે તમે ઘોડે ચઢાઉ બરાબર છો ને કેમ પડી ગયા? ત્યારે તે કહે જે, કોઈકે મારો ટાંટિયો ઝાલીને પછાડ્યો. પછી મહારાજે સભામાં વઢવા માંડ્યું, ત્યારે સચ્ચિદાનંદ સ્વામી બોલ્યા જે, કોઈ બીશો નહિ. એમને પાડનારો સાક્ષાત્ હું છું તે મને વઢે છે. પછી મહારાજ બોલ્યા જે, ભાઈ, કોઈએ એવા ભાવનગરિયા સ્વભાવ ન રાખવા. તેમ ચાલો, આપણે જઈએ ને તેમનું ખોટું દેખાડીએ એ ભાવનગરિયા (ઈર્ષાળુ) સ્વભાવ કહેવાય. 1/217/443
35. શ્રીજીમહારાજ જેતલપુરમાં સભાઓ કરીને નિત્ય વાર્તા કરતા. તે સમે કોઈને નિદ્રા આવે તો ઊભા કરતા. એક દિવસ શ્રી મુક્તાનંદ સ્વામીને સભામાં ડોલું આવ્યું. ત્યારે મહારાજ કહે કે ઊભા થાઓ. સભામાંથી જાઓ. ત્યારે સ્વામીશ્રીએ ઊભા થઈને વિચાર કર્યો જે, આ નિદ્રાએ વાતો સાંભળવામાં વિઘ્ન કર્યું, માટે તેને કાઢવી. પછી ચૈત્ર માસની તપેલી રેતીમાં જઈ સૂતા. તે સ્વામીશ્રીનું શરીર કોમળ હોવાથી શરીરમાં ફોલ્લાં પડ્યાં અને નિદ્રાને કહ્યું કે તેં મને અભડાવ્યો અને અક્ષરધામની સભામાંથી કાઢી મૂક્યો. પછી તો નિદ્રા મૂર્તિમાન હાથ જોડીને સામી ઊભી રહી અને પ્રાર્થના કરી કે, "મારો ગુનો માફ કરો, હવે તમારી પાસે નહિ આવું." તે જોઈને શ્રીજીમહારાજ બહુ રાજી થયા. પછી તો જ્યારે બોલાવે ત્યારે નિદ્રા આવે પણ એ વિના આવે નહિ. એવો નિદ્રા ટાળવાનો પ્રયાસ કર્યો, માટે નિદ્રા ટાળવી. ઊંઘ ને આહાર વધાર્યાં વધે છે ને ઘટાડ્યાં ઘટે છે. 1/224/454
36. એક સમય શ્રીજીમહારાજે જેતલપુરમાં છ મહિના લાગઠ કથા કરી અને બીજી ચાતુર્માસમાં ચાર મહિના કથા કરી. ત્યાં અલીખાં નામે પઠાણ હતો. તે પણ કથા સાંભળવા સભાથી છેટે બેસતો. પછી એક દિવસે શ્રીજીમહારાજ રમૂજમાં આવ્યા અને સૌ સંતોને પૂછ્યું કે હે સંતો! ચાર મહિનાથી કથા થાય છે તેમાં કયે વખતે કઈ કથા આવી તે કહો, નહિ તો સભામાં બેસવા નહિ દઈએ, પણ સંતો તથા આશજીભાઈ આદિ હરિભક્તો કોઈ પૂરું કરી શક્યા નહિ. પછી મહારાજે અલીખાં પઠાણને પૂછ્યું તો તે ચાર મહિનાની સોંસરી કથા કહી ગયો. શ્રીજીમહારાજ તેના પર ખૂબ પ્રસન્ન થયા ને પ્રશંસા કરી આશીર્વાદ આપ્યા. તે પઠાણ, જાડો-કાળો સૂંથણો પહેરતા અને બગલમાં કાળું ખપ્પર રાખતા ને માગી ખાતા, પણ મહારાજનો રાજીપો થતાં તે સારા સત્સંગી થયા. 1/224/454
37. વડોદરાના મોટા મોટા શાસ્ત્રી આવ્યા તે બોલ્યા જે, આ તમારો ધર્મ કલ્પિત છે અને તમે તમારા સંતને વખાણો છો, તે અમને પરચો દો તો માનીએ. ત્યારે શ્રીજીમહારાજે બ્રહ્માનંદ સ્વામીને કહ્યું જે, સ્વામી! તમારું કામ પડ્યું છે. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું જે, હે મહારાજ! કહી દેખાડું કે કરી દેખાડું? ત્યારે મહારાજ કહે તમારી મરજી હોય તેમ કરો. પછી સ્વામીએ હેમનું પારણિયું કર્યું અને નાના બાળક થઈને માંહી પોઢ્યા. પછી વેદ આવીને પારણિયું હિંચોળવા મંડ્યા ને મહિમા ગાવા લાગ્યા ને બ્રહ્માનંદ સ્વામીએ સૂર્ય, ચંદ્ર બે યને પકડીને પારણિયાને બે છેડે લટકાવ્યા અને તારાઓનું ઝુમખું કરીને વચ્ચે લટકાવ્યું ને રમવા લાગ્યા; તે જોઈ પંડિત આશ્ચર્ય પામ્યા. ત્યારે સ્વામી બોલ્યા જે, "આ તો હું છ મહિનાનો હતો ત્યારે પારણિયામાં સૂતે સૂતે સૂર્ય, ચંદ્ર ને તારા તેને લાંબો હાથ કરીને લાવીને પારણિયે બાંધીને લીલા કરી હતી તે બતાવી. આજની સામર્થીનો તો કાંઈ પાર આવે તેમ નથી." 1/228/461
38. બાપાશ્રીએ કહ્યું જે, અમારા ગામમાં એક કૂવો હતો. તેમાંથી અયોધ્યાપ્રસાદજી મહારાજ પાણી પોતે સિંચીને નાહવા મંડ્યા એવા એ આચાર્યજી હતા. વાહ રે વાહ! અયોધ્યાપ્રસાદજી મહારાજ! તેઓ કારણ જે મહાપ્રભુજી તેમના સુખને સુખ માની તે સુખે સુખિયા રહેતા, તો ખારા-મોળાની ખબર ન પડી ને દૂધપાકમાં મીઠું જમી ગયા. 1/240/482
39. મહારાજ અને મુક્ત ગરીબ થઈને માણસ ભેળા ફરે છે. તે ઉપર જેતલપુરના માંડણ ભક્તની વાત કરી; જેતલપુરમાં મોટા આનંદ સ્વામીને કોઈકે કહ્યું જે, આ માંડણ ભક્તને તમે ક્રિયા બતાવવી રહેવા દો; એમને ધ્યાનમાં વિક્ષેપ થાય છે. એ વચન સ્વામીથી ન મનાણું ને કહે જે, માણસનો તોટો છે માટે કામ બતાવવું પડે છે. તેમને વાડીમાં રાખ્યા હતા. તે એક વખત ચાર વાગે માનસી પૂજા કરતાં તેજનો પ્રકાશ બહુ થયો. તે તેજ પ્રથમ થોડું હતું તેમાંથી વધતું વધતું દેવ સરોવર તથા વાડી તથા મહોલ સુધી પહોંચ્યું અને એ સર્વે તેજોમય થઈ ગયું. તે જોઈ આનંદ સ્વામી વગેરે મંદિરમાં બેઠા હતા, ત્યાંથી થોડાક સાધુને સાથે લઈને એમ વિચાર કરતા ચાલ્યા જે, આ તે આપણી વાડીમાં કાંઈ બળે છે કે શું? એમ જાણી વાડીએ આવ્યા ને તેજથી વીસ હાથ છેટે ઊભા રહ્યા ને વિચાર્યું જે આ તો અગ્નિ નથી, તેજ છે. પછી સૌ સોંસરા ચાલ્યા ત્યાં માંડણ ભક્તને માનસી પૂજા કરતા દીઠા ને મહારાજની મૂર્તિના સભા સહિત તેજમાં દર્શન સ્વામીને થયાં. સ્વામીએ મહારાજની સ્તુતિ કરી. તે વખતે મહારાજે કહ્યું જે, આ માંડણ ભક્તને તમે કામ બતાવશો નહિ, કેમ જે એમને અમારા ભજનમાં વિક્ષેપ થાય છે ને એ તો મારી મૂર્તિનું અખંડ ચિંતવન કરે છે ને મારા સ્વરૂપમાં નિરંતર રહે છે. માટે કોઈ ક્રિયા બતાવશો નહિ. ત્યારે આનંદ સ્વામી, સારુ મહારાજ એમ કહીને મહારાજને પગે લાગ્યા. પછી મહારાજ તેજ સંકેલીને અદૃશ્ય થયા. પછી સાધુ મંદિરમાં આવ્યા ને તે વાત સર્વેને કરી. તે વાત સાંભળીને સર્વે આશ્ચર્ય પામ્યા કે માંડણ ભક્ત તો સમાગમ કરવા જોગ છે, પણ મંદિરના વ્યવહાર-કામમાં આપણે પ્રવૃત્તિને લીધે સમાગમ કરી શક્યા નહિ. ત્યાર પછી માંડણ ભક્તને મહારાજ એક મહિને તેડી ગયા. મૂર્તિના નિરંતર અખંડ ચિંતવનથી દિવ્ય સ્થિતિ પમાય. 1/246/498