3. ભગવાનના સ્વરૂપનો નિશ્ચય - વિભાગ ૧

0:000:00

ભગવાન તો એક પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ જ છે તે સિવાય બીજા કોઈ ભગવાન નથી એમ દૃઢ નિશ્ચય કરવો.

1. જો શ્રીજીમહારાજ અને મોટાને અંતર્યામી જાણે તો એકે ય ક્રિયા સત્સંગથી વિરુદ્ધ થાય નહિ ને આજ્ઞા પાળવામાં તથા જપ તપ કરવામાં શ્રદ્ધા આવે ને મહારાજને સજાતિ પણ ત્યારે જ થવાય. પણ અંતર્યામીપણું જણાતું નથી તે નિશ્ચયમાં અને મહિમામાં ખામી છે. 1/88/160

2. નિશ્ચયની વાત અટપટી છે. તે કહેતા બીક લાગે છે, કેમ કે અવતારાદિકમાં વૃત્તિ જાતી રહે ને બીજે પણ જાતી રહે. શ્રીજીમહારાજ તમને મળ્યા છે તે સનાતન સ્વરૂપ છે અને ધામ પણ અનાદિ છે. એવું બીજું કોઈ ધામ નથી અને મહારાજ જેવા કોઈ પતિ નથી અને મુક્ત જેવા કોઈ ગુરુ નથી, માટે તેમને મૂકીને બીજે ક્યાંયે સારપ રાખવી નહિ. જેમ ચક્રવર્તી રાજાની રાણીને એ રાજા વિના બીજાને વરવાનો સંકલ્પ થાય નહિ, તેમ શ્રીજીમહારાજને મૂકીને બીજો સંકલ્પ થવો જોઈએ નહિ. શ્રીજીમહારાજ સર્વેના આધાર છે અને સર્વેના કારણ છે. 1/95/171

3. બ્રહ્મરૂપ ક્યારે થવાય? બાપાશ્રી બોલ્યા જે, પરિપક્વ ઉપાસના થાય અને શ્રીજીમહારાજની આજ્ઞામાં વર્તતા હોય એ સર્વેને દિવ્ય જાણે અને મહારાજ વિના બીજા કોઈ કાળ-કર્માદિકને તથા દેવ-અદેવને કર્તા ન જાણે ત્યારે. જેમ કે મહાપ્રભુજી વિના બીજાને કર્તા જાણે તો તે મહારાજનો દ્રોહી કહેવાય. કેવી રીતે તો જ્યારે કાળનું વિષમપણું હોય ત્યારે બીજે જતું રહેવાય, તે કાળનું કર્તાપણું જાણ્યું કહેવાય. અને કર્મમાં હોય તો થાય એમ જાણે તેણે કર્મનું કર્તાપણું જાણ્યું કહેવાય. અને માયા વિના દેહનો વ્યવહાર કેમ નભે એમ સમજે તથા માયાએ કરીને જગત થાય છે એમ સમજે તેણે માયાને કર્તા જાણી કહેવાય અને જગત સ્વાભાવિક થાય જ કરે છે એમ સમજે તથા સ્વભાવ ન મુકાય તેણે સ્વભાવને કર્તા જાણ્યો કહેવાય. માટે શ્રીજીમહારાજ વિના કોઈને કર્તા જાણે નહિ, અને વાચ્યાર્થ ને લક્ષ્યાર્થ જ્ઞાન હોય અને અન્વય-વ્યતિરેકપણું જાણે ત્યારે બ્રહ્મરૂપ થવાય. 1/107/193

4. પતિવ્રતાપણું જે ભગવાનને વિષે નિષ્ઠા, તે પાકી રાખવી. દેહ પડવાનો હોય તો ભલે પડે પણ ઔષધની તથા કોઈ દેવની આસ્થા ન રાખવી. બીજા દેવની આસ્થા રાખે તો વ્યભિચારિણીના જેવી ભક્તિ કહેવાય. "પતિવ્રતાનો ધર્મ અચળ કરી પાળજો." એક બાઈએ સાંબેલું પડતું મૂક્યું પણ પતિનું વચન મૂક્યું નહિ. એવી પતિવ્રતાના જેવી ભક્તિ કરવી પણ રખડેલ ન થાવું; રખડેલની ખબર કોઈ રાખે નહિ. જ્યારે પ્રત્યક્ષ શ્રીજીમહારાજ પોતે મળ્યા ત્યારે દેવ-અદેવ પાસે જવું નહિ, કેમ કે વૈદ-દાક્તર પણ ચાલ્યા જાય છે. ઔષધ કર્યા વિનાના કેટલાય ડોસા અહીં જીવે છે અને વૈદ ને દાક્તર તો બિચારા પચીસ વર્ષમાં મરી જાય છે. ઔષધથી તો ઊલટો દેહ સડી જાય છે, માટે ઔષધની પ્રતીતિ ન રાખવી અને જંત્ર-મંત્રની તથા દેવ-અદેવની પ્રતીતિ ન રાખવી. કીમિયાવાળાની પણ પ્રતીતિ ન રાખવી. કીમિયાવાળા બહુ ભૂંડા છે. તે નજર બાંધીને સોનું બતાવે ને પછી કાંઈ ન હોય માટે તેનો વિશ્વાસ ન રાખવો. જેણે સ્વામિનારાયણ ઓળખ્યા હોય તેને તો એ કોઈની પ્રતીતિ આવે જ નહિ. 3/149/261

5. મહાપ્રભુજીનો નિશ્ચય એવો રાખવો જે રોગમાં, દુઃખમાં ક્યાંય મહારાજ વિના વૈદ-ઔષધમાં પ્રતીતિ આવે નહિ. આ મૂર્તિ ને આ સંત સુખ કરે ને બધી પીડાનો નાશ કરે. ભગવાનની મૂર્તિમાં ઊતરી જાય તો તાવની કે રોગની કાંઈ પીડા વર્તાય જ નહિ. આ લોક, ભોગ, પદાર્થ, દેહ સર્વે નાશવંત છે, પણ જીવને તૃષ્ણા છે તે રહેવાય જ નહિ. પાંચ પાંચ પેઢી સુધી ખાય એટલું હોય પણ ભગવાન ભજે નહિ ને વ્યવહારને વળગી રહે. શ્રીજીમહારાજનો નિશ્ચય ન હોય ને તેણે જે સાધન કર્યાં હોય તે સાધન દિવ્ય થઈને મહારાજ પાસે જતાં રહે ને ભાઈ તો અહીં પડ્યા હોય. તે માટે નિશ્ચય થાય ને મહારાજ પાસે જાય ત્યારે સાધનનું ફળ મળે. 1/203/396

6. મહિમામાં કસર હોય તો શ્રીજીમહારાજની સન્મુખ ચાલવામાં શ્રદ્ધા ન આવે. માટે પહેલો તો પરિપક્વ નિશ્ચય કરવો; પછી શ્રદ્ધા વધે, પછી પ્રેમલક્ષણા ભક્તિ આવે ને આત્યંતિક મોક્ષ થાય. ગૃહસ્થને રૂપિયાનો નિશ્ચય થયો છે તો પોતાની સ્ત્રી-છોકરાંને પડ્યાં મૂકીને પાંચ-દસ હજાર ગાઉ જઈને કમાઈ લાવે છે. તેમ જેને પરિપક્વ નિશ્ચય હોય તે ભગવાનને ને સંતને અર્થે ઘવાઈ પડે ને આડો જઈને મરે પણ ખરો. 1/203/398

7. શ્રીજીમહારાજને વિષે ખરેખરો નિશ્ચય હોય તો નાડી પ્રાણ ન તણાય તો પણ નિર્વિકલ્પ સમાધિ જ છે. નિશ્ચયનું રૂપ એ છે જે મીંઢળ તોડીને, રાજ્ય પડ્યાં મૂકીને, ધનનો, સ્ત્રીનો ને સ્ત્રી હોય તો પતિનો ત્યાગ કરે અને મહારાજ કહે જે આ ટાણે અહીં આવો તો સર્વે કામ પડ્યા મૂકીને આવે ને દેહ માંદો હોય તો તે પણ આડો ન આવે. મૂળજી બ્રહ્મચારીએ મહારાજને પાણી પાવા સારુ ઓટા ઉપરથી પડતું મૂક્યું. પણ દેહ આડો ન આવ્યો જે મને વાગશે. એમ વચન પળે તો નિશ્ચય છે એમ જાણવું. પ્રગટ શ્રીજીમહારાજ ઉપર જ નિષ્ઠા થાય ને તેમના ઉપર જ નિષ્ઠા રહે, પણ બીજા પરોક્ષનો ભાર લેશ માત્ર ન આવે એવો નિશ્ચય હોય તે નિશ્ચય જાણવો. 1/196/375

8. આવા મહારાજ ને આવા મુક્ત (બીજે) ક્યાંય નથી. માટે તેનો કેફ રાખવો ને અધૂરું ન માનવું. આવો મહિમા ન સમજાય તેને નિશ્ચય નથી. જેમ બાળક પાસે રૂપિયાનો ને હીરા માણેકનો ઢગલો કરીએ તો પણ ભૂખ્યો હોય તો રુએ કેમ જે રૂપિયામાં બધી વસ્તુ છે તેની ખબર નથી; જ્યારે તેની ખબર પડે છે ત્યારે દરિયામાં દેહ ફગાવીને પણ કરકાં (છોકરાં) સારુ રૂપિયા લઈ આવે છે, તેમ શ્રીજીમહારાજ પાસે બેઠા હોય પણ નિશ્ચય ન હોય તો મહિમા ન સમજાય ને સુખ ન આવે. જો નિશ્ચય થાય તો ઠેઠ અક્ષર સુધી ખોટું થઈ જાય. 1/206/409

9. કેટલાક કહે છે કે સત્સંગમાં ભગવાન હોય તો આવા ડખા કેમ થાય? ત્યારે બાપાશ્રી બોલ્યા જે રામ-કૃષ્ણના વખતમાં કેટલા થયા હતા? બીજા અવતારોમાં પણ કેટલાય થયા હતા અને લોહીની નદી ચાલી હતી. એ અવતારોમાં પણ ડખા થયા છે, માટે ડખા થાય તેણે કરીને ભગવાન નથી એમ ન જાણવું. જેને પરિપક્વ નિશ્ચય ન હોય તેને એવી શંકાઓ થાય. પરિપક્વ નિશ્ચયવાળો તો ભગવાનની લીલા જાણે. ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય તે ભગવાનની લીલા છે. એમ જાણીને તે લીલા કહે ને સાંભળે તેનો મોક્ષ થાય. 1/223/453

10. આજ સત્સંગનું ખૂંધું ખમે તો આત્મનિષ્ઠા કહેવાય અને જો આત્મનિષ્ઠા ન હોય તો અપમાન થાય ત્યારે મંડળ મૂકીને બીજે જાય અને ત્યાં અપમાન થાય તો એથી પણ બીજે જાય અને જો આત્મનિષ્ઠા ખરેખરી હોય તો કોઈનો અવગુણ (દોષ) ન સૂઝે ને પદાર્થ સારુ ભડાભૂટ ન કરે ને દિવ્ય દૃષ્ટિ થઈ જાય અને મોટાને વિષે મનુષ્યબુદ્ધિ આવે નહિ. સ્થૂળ, સૂક્ષ્મ ને કારણમાં મૂર્તિમાંથી વૃત્તિ ડગે નહિ, ત્યારે પરિપૂર્ણ નિશ્ચય થયો જાણવો. 1/238/478

11. સભામાં પ્રથમ પ્રકરણનું 70મું વચનામૃત વંચાતું હતું, તેમાં નિશ્ચયની વાત આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે નિશ્ચયની વાત અટપટી છે. જો નિશ્ચયરૂપી પાયો પાકો ન હોય તો અવતારાદિકમાં વૃત્તિ જાતી રહે ને બીજે પણ જાતી રહે. કોઈ ક્યાંય ને કોઈ ક્યાંય જગન્નાથપુરી આદિમાં ભટકે. જો શ્રીજીમહારાજનો નિશ્ચય પરિપક્વ હોય તો "મેરે તો તુમ એક અધારા, તુમ બીન સબ જગ જરત અંગારા" એવું થાય. "વાલા એ રસના ચાખણહાર છાશ તે નવ પીએ રે લોલ" જો મૂર્તિનો રસ ચાખ્યો હોય તો બીજા કોઈ પદાર્થમાં તાન રહે નહિ. 1/238/479