૧૦. દાસત્વભાવમાં શ્રીહરિની પ્રસન્નતા - વિભાગ ૧
સાધન સર્વ માન બગાડે પળ વિષે.
1. જેમ બાળકને ગાળો દે અને અપમાન ઘણું કરે ને મારે તો પણ તેનું તેને કાંઈ નહિ ને વખાણે ને પૂજા કરે ને માન આપે તો પણ તેનું તેને કાંઈ નહિ, એ બે સરખું છે તેમ સાધુને કોઈ મારે, નિંદા કરે, અપમાન કરે, વખાણે, પૂજા કરે, સન્માન કરે તે માન-અપમાનને ગણે નહિ, સોનાના દોરાની પેઠા છએ ઋતુમાં સરખો રહે તેના ઉપર મોટા મુક્ત કૃપા કરીને મહારાજનું સુખ આપે છે. 1/6/20
2. જીવને પોતાનું ધાર્યું મુકાતું નથી ને ધાર્યું ન થાય તો કલ્યાણના દાતા એવા જે ભગવાન ને મુક્ત તેમનો દ્રોહ કરે ને કલ્યાણ બગાડે. જુઓને! જીવા ખાચરે શ્રીજીમહારાજને ભગવાન જાણીને ઘણી સેવા કરી હતી પણ પોતાનું ધાર્યું મરડાયું તો શ્રીજીમહારાજને મારવાના ઉપાય ખોળ્યા. અલૈયા ખાચરે ઘણી સેવા કરી હતી પણ માન મરડાયું તો શ્રી મુક્તાનંદ સ્વામીને મારવા તરવાર તાણી. માન એવું ભૂંડું છે જે, દેવનાં દર્શન પણ મુકાવી દે. દર્શન વિના ચલવે અને ખાઈ લે પણ માન ન મૂકે. આ સત્સંગમાં શ્રીજીમહારાજ ને મોટા સંત વિરાજે છે. સત્સંગ મૂકીને ગયા નથી. માટે જેમ કહે તેમ કરવું અને રાજી કરવા પણ કચવાવવા નહિ, કેમ કે તેમાંથી તો જીવનું બગડી જાય છે. "રાજી કરવાનું રહ્યું પરું, પણ ઊલટો કોપ ન કરાવીએ સ્વામીને." સત્સંગમાં કોઈકને કહેવું ઘટતું હોય તે કહેવું ખરું પણ કોપાયમાન થઈને કહેવું નહિ અને મોટાની આજ્ઞામાં રહેવું. માન આદિક સર્વે દોષનો ત્યાગ કરીને ભગવાન ને સંતના દાસાનુદાસ થઈ રહેવું. 1/36/72
3. શાસ્ત્રમાં તથા વ્યવહારમાં જાણતા હોઈએ તેનું તથા મૂર્તિ દેખતા હોઈએ તે સર્વેનું માન આવવા દેવું નહિ. માન બહુ ઝીણું છે. તે કોઈથી મુકાય એવું નથી, મૂકે તો દેહ રહે નહિ, માનીની સેવા કાળના કોદરા જેવી છે. કદાપિ માન મૂકે તો નિર્માનીપણાનું માન આવે જે હું કેવો નિર્માની છું, તે પણ જીવને બગાડે છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, તપ, ત્યાગ, આત્મનિષ્ઠા, બ્રહ્મપણું, સેવા, પૂજા, ધ્યાન, ભજન એ આદિક ગુણનું માન આવે તો પણ એકાંતિક થવા દે નહિ, માટે જેનું નામ પડ્યું તે સર્વે કાઢી નાખવું. એક મૂર્તિ રાખવી, જેને મૂર્તિમાં લીન થાવું હોય તેને મૂર્તિ વિના બીજા સર્વેનો ભાર કાઢી નાખવો. મહિમા, નિર્માનીપણું, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય એ બધું કરતા રહેવું પણ મૂકી દેવું નહિ. તેનો ભાર રાખે જે મારે વિષે આવા ગુણ છે કે હું બ્રહ્મરૂપ છું એમ જાણે તો મૂર્તિથી પાછો વળ્યો કહેવાય. 1/41/82
4. જો સાધનિકને મૂર્તિનું સુખ જોઈતું હોય તો માન ટાળવું પણ પૂજાવાની કે ગાદી-તકિયાની કે મોટેરા થવાની ઇચ્છા ન રાખવી. વગર ઇચ્છે મળે તો પણ રાજી ન થાવું. આસક્તિવાળાને વાટ જોવી પડે જે, મને આ વસ્તુ મળશે કે મને બોલાવીને પૂછશે, એમાં મૂર્તિ ભૂલી જવાય. મળવું ન મળું તે તો શ્રીજીમહારાજના હાથમાં છે. આપણા સંકલ્પે કાંઈ કામ થાતું નથી. શ્રીજીમહારાજ આપણને હાથીએ બેસાડે કે ગધેડે બેસાડે તેમાં સરખા સુખી રહેવું. આપવું-લેવું તે તો મહાપ્રભુજીના હાથમાં છે. મહાપ્રભુજીની મૂર્તિ ભૂલવી નહિ, મૂર્તિ ભૂલીને બીજું ઇચ્છે તે મોટી મૂર્ખાઈ છે. 1/46/89
5. આ લોક થોડાક દિવસમાં સમેટીને પૂરું કરી જાવું. લોક તો કદાપિ સમેટાય પણ દેહ સમેટાતો નથી. વખાણ છે તે તાવમાં સાકર પાયા જેવું છે. આ જીવમાં લાખ, કરોડ દોષ હોય ને સાજા દોષનું જ ઝાડ હોય ને એક પણ ગુણ ન હોય તો પણ પોતાને સવાશેર માને એવો અવળો છે. સત્સંગમાં નભ્યો જાય છે તેનું કારણ એ છે જે એને કોઈએ ટોક્યો નથી, માટે નભે છે; જો ટોકે તો જતો રહે. માટે એવા અવળા સ્વભાવનો ત્યાગ કરીને જેમ ભગવાનને સંત કહે તેમ કરવું તો દોષ માત્ર ટળી જાય ને મહાસુખિયો થઈ જાય. 1/47/91
6. મહારાજને ભેળા રાખવા, રાખ્યા વિના એકે ય કામ પૂરું થાય નહિ. માટે મહારાજને ભેળા રાખવા ને માન-સન્માનની તથા કોઈ શબ્દની કિંમત કરવી નહિ; જે આમ બોલ્યો કે આમ બોલ્યો. માન પાપરૂપ છે ને સન્માન સર્પ તુલ્ય છે. માને કરીને લોભનો, કામનો, પ્રકૃતિનો સેવક થઈ રહે છે અને એ સર્વે દોષને ગુરુ માને છે. માની હોય તેને પ્રાયશ્ચિત્તનો ઉપવાસ કરવો પડે તો હા ન પાડે ને પોતાને જાણે (પોતાની ઇચ્છાએ) એકના લાખ ઉપવાસ કરે તેની ગણતરી નહિ. 1/98/175
7. જુઓને! શ્રી મુક્તાનંદ સ્વામી નાના સાધુને પણ કેવી રીતે માન દઈને બોલાવતા? એવું દાસપણું રાખવું. શ્રી સદાનંદ સ્વામીને બાવળીમાં ભાણદાસ નામના વૈરાગીએ માર્યા તે વૈરાગીની લાકડી ભાંગી ગઈ તેનો ખરખરો કર્યો, પણ પોતાને વાગ્યું તેનું કાંઈ ન કહ્યું; એવું નિર્માનીપણું રાખવું. ભગવાનના ભક્ત સાથે તો હારીને જ રાજી થાવું, તો તેની ભક્તિ આપણને મળે ને જીતીને રાજી થઈએ તો આપણી ભક્તિ તેને જાય, પણ એ માર્ગ થોડાંને હાથ આવે. કેટલાક તો સામો માણસ નમે તો રાજી થાય જે કેવો નમાવ્યો? પણ લૂગડાં લઈ લીધાં તેની ખબર ન પડે. જે હાર્યો તે જ ખાટ્યો. આ સત્સંગમાં પોતાની ભૂલ ઓળખાય એ જ શ્રી સ્વામિનારાયણનો પ્રતાપ ને કૃપા છે. જે પોતાની ભૂલ જાણે તે તો ભૂલો પડ્યો પાછો ઘેર આવ્યો કહેવાય. આ વાત પાત્ર થવાની છે, તે મોટા સાથે મન જોડે તો પોતાની ભૂલ ઓળખાય ને પાત્ર થવાય ને જીવમાં બળ આવે. પાત્ર થયા વિના મહારાજ રહે નહિ; જેમ મંદિર વિના દેવ રહે નહિ તેમ; માટે પાત્ર થાય તો મહારાજનું સુખ આવે. 1/98/176
8. જો માન, સન્માન કે ક્રિયાના ધણી થાય તો દુઃખિયા થવાય. મહારાજને જે વખતે ભૂલી જવાય તે વખતે તે વાંઝિયો કહેવાય. જેમ માબાપ મહેનત કરી પૈસા ભેળા કરીને છોકરાને આપે ત્યારે તે છોકરો કહે જે એ તો મેં કર્યું તેમ કર્તા થાય તેનાથી દાસપણું રહે નહિ. રાજાના કારભારી રાજાને વિષે દાસત્વપણું ન રાખે તો એક ઘડી પણ રહેવા દે નહિ તેમ. 1/98/177
9. આ દેહરૂપી બ્રહ્માંડમાં મદિરા એટલે વિષય અને પાતર્યું એટલે ઇન્દ્રિયો છે તે કાઢી જોઈશે અને બીજું રૂડા ગુણનું પણ માન કાઢવું જોઈશે. તે માન તો જેમ "આપકા જાયા આપકું ખાય" એવું છે. જેમ વીંછણને પોતાનાં બચ્ચાં ખાઈ જાય છે તેમ પોતે સિદ્ધ કરેલાં જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આદિક તેનું માન તે પોતાને ખાય છે. વળી નિર્માનીપણાનું પણ માન આવે છે. તે પણ એમ જણાવે જે હું નિર્માની છું તો એ નિર્માનીપણાનું માન પણ પોતાને ખાય છે. માટે નિર્માનીપણાનું માન પણ ટાળવું. 1/100/182
10. પોતાને વિષે રૂડા ગુણ હોય તેનો ખખા રાખવો નહિ. દાસપણાનો, નિર્માનીપણાનો, નિર્ગુણપણાનો એ સર્વેનો ભાવ ટાળવો. એટલે એના સામી વૃત્તિ ન રાખવી. એક મૂર્તિમાં જ રાખવી તો મૂર્તિ રહે. જો ધ્યાનમાં મૂર્તિનું સુખ લઈને પાછો બહાર આવે ને જાણે જે હું કેવું સારું ધ્યાન કરું છું! હું કેવો દાસ છું? કેવો નિર્માની છું! એમ જાણે તો જેમ ચાંપા (ભેંસો) વગડે જઈને લીલું ખડ ચરીને પાછાં ઘેર આવતાં રહે એવું છે. 1/104/189
11. સદા દિવ્ય ભાવ રહે પણ અભાવ ન આવે જે જાણપણારૂપી દરવાજો જાણવો અને મહારાજ વિના બીજો ઘાટ ન થવા દેવો તે પણ જાણપણારૂપી દરવાજો જાણવો. શ્વાન હાડકું ચાવે ને પોતાના મોઢામાંથી લોહી નીકળે તે જોઈને સુખિયો થાય. તેમ કામ, ક્રોધ, માનરૂપી હાડકાં ન ચાવવાં. માનાદિક દોષરૂપી કિલ્લો છે તેને શ્રીજીમહારાજના વચનરૂપી તોપના ગોળા ખૂબ મારીએ તો એ દોષરૂપી કિલ્લા તૂટી પડે. 1/163/297
12. અલૈયાખાચર ધણી થયા તો પોષાક લઈ લીધો એટલે શ્રીજીમહારાજે પોતાની આપેલી સામર્થી લઈ લીધી; તેમ કોઈકને સામર્થી આવે તે પોતાની માને તો શ્રીજીમહારાજ ને મોટા લઈ લે; જેમ અહીં જે આજ્ઞા લોપે તેનાં કંઠી, પૂજા, ભગવાં વસ્ત્ર તે લઈ લે છે તેમ. માટે ધણી થાવું નહિ. જે ધણી થાય તથા આજ્ઞા લોપે તેને દેખીએ તો તે સારો ન લાગે, કેમ જે એમાંથી મહારાજ સભા લઈને ઊઠી ગયા તેથી ભૌતિક દેહ પણ નકારું લાગે છે, માટે હૃદયમાં શ્રીજીમહારાજને અને મુક્તને અવશ્ય પધરાવવા એ કરવાનું છે. 1/147/258
13. માન જબરી ચીજ છે. માનવાળો લાખો રૂપિયાની સેવા કરે ને ભગવાનને ભગવાન જાણે, અને સંતને કલ્યાણકારી જાણે તો પણ માનને આગળ ને આગળ રાખે. તે માનવાળો મોક્ષના માર્ગથી પડી જાય પણ માન મૂકીને ભગવાન અને સંતને રાજી કરે તો સુખના સમુદ્રમાં ઝીલે. શ્રીજીમહારાજને અને સભાને ભેળી રાખીને કોઈકને વર્તમાન ધરાવે તો તે વર્તમાન ધારનારનું આત્યંતિક કલ્યાણ થાય. પણ પોતે એકલો લૂખો થઈને ધરાવે તો ધારનારનું બીજબળ થાય. અન્ન-જળાદિક અંગીકાર કરવામાં પણ શ્રીજીને તથા મુક્તને ભેળા રાખે, તો તે અન્ન-જળાદિક દિવ્ય થઈ જાય ને અર્પણ કરનારને મહારાજનું સુખ મળે પણ પોતાપણું લાવીને અંગીકાર કરે તો અર્પણ કરનારનું બીજબળ થાય. 1/163/295
14. જો કોઈ માનનું ખંડન કરે તો ક્રોધ આવી જાય તે સર્પનો દેહ જાણવો, કેમ કે તે વખતે ગુરુની કે સભાની કે ઇષ્ટદેવની માઝા રહે નહિ. ક્રોધ ઉત્પન્ન કરનારને દસગણું પાપ લાગે છે, કેમ જે બીજામાં નહોતો તે તેણે ઉપજાવ્યો. માન, ઈર્ષ્યા ને ક્રોધ તે મોક્ષનો માર્ગ ને વ્યવહાર એ બે ય બગાડે એવાં છે તો પણ તેને જીવ મૂકતા નથી. એ તો કાંઈ કામના નથી. ઊલટું ભૂંડું કરે એવાં છે. માટે તેને રાખવાં નહિ. દુર્વાસાને ક્રોધ હતો તો મહાઘોર કહેવાણા પણ સાધુ ન કહેવાણા. ક્રોધવાળાથી સાધુ હરિજન બીએ, તેથી ગુનામાં આવી જવાય. શ્રીજીમહારાજનાં વચન ખોટાં નથી. ક્રોધ આવે તે ટાણે જ તેને સમાવી દે તો મહારાજ રાજી થાય, પણ પછી વિચાર થાય તેમાં રાજી ન થાય; માટે ક્રોધ આવ્યો કે તરત જ મૂંઝાવીને બેસારી દેવો. શ્રીજીમહારાજે કહ્યું છે જે, લાખ રૂપિયાનો બગાડ કરે તો પણ અમને ક્રોધ નથી આવતો. આપણે પણ મહારાજના છીએ માટે ક્રોધ ન રાખવો ને શુદ્ધ સત્વગુણી થઈને ટાઢા શીતળ જેવા થઈ રહેવું અને વાદ-વિવાદમાં પણ ક્રોધ ન કરવો. માયાના સત્વગુણવાળને કોઈ ગોદો મારે તો તરત ક્રોધ નીકળી આવે પણ નિર્ગુણ થાય તેને ક્રોધ ન આવે. માટે શિળવંતા સાધુ થાવું. દાસપણું રાખે તો નિયંતા ન થવાય. માટે દાસત્વભક્તિ બહુ વિશેષ છે. આ લોકમાં માન, મોટપ, યશ, કીર્તિ તેમાં કાંઈ માલ નથી. માનાદિક કાંઈ ન હોય તેના ઉપર શ્રીજીમહારાજને અને મુક્તને હેત વધતું જાય છે. 1/163/295
15. માનીને અનંતવાર મરવું અને અવતરવું પડે. એવું દુઃખ જીવ ખમે પણ માન મૂકે નહિ; જો માન જાય તો મરવા પડે ને છેવટ જીવ નાશ થાય તો થવા દે પણ માન મૂકે નહિ. એ બહુ જ અજ્ઞાન છે. આ સભામાં માન મૂકીને વ્યવહાર કરે તો અનાદિમુક્ત થઈ જાય અને માન આવે ને અવગુણ લે કે દ્રોહ કરે તો ભગવાન ભજતો હોય ને કથાવાર્તા કરતો હોય ને તે સાધુ કે સત્સંગી હોય તો પણ બહુ મોટી ખોટ આવે. માટે સમજી-વિચારીને સત્સંગમાં માન રાખવું નહિ. માનવાળો ભગવાનને ને ભગવાનના ભક્તને જીતીને રાજી થાય એટલે તેનાં સાધન સર્વે બળી જાય. 1/164/299
16. મધ્ય પ્રકરણનું 62મું વચનામૃત વંચાતું હતું. તેમાં દાસત્વના અંગમાં ગોપાળાનંદ સ્વામીને તથા મુક્તાનંદ સ્વામીને વખાણ્યા. ત્યારે બાપાશ્રી બોલ્યા જે દાસત્વપણામાં સર્વ પ્રત્યે નિર્માની થઈને રહેવાય છે. આ બે સ્વામીને દાસત્વપણું ઘણું હતું, એવું દાસપણું દૃઢ કરવું. કોઈકને આજ્ઞાલોપ બદલ કહેવું પડે તો દાસપણે સત્ત્વગુણમાં રહી ને દયા લાવીને ધીરે રહીને કહેવું પણ રીસ લાવીને કે નિર્દયપણું લાવીને કહેવું નહિ ને ફજેત કરવો નહિ અને પ્રાયશ્ચિત્ત દેવું તે દયા કરીને દેવું પણ રીસ કરીને દેવું નહિ. અહીં એક મોટા માણસને પ્રાયશ્ચિત્ત આપવું હતું, તેણે મરવાનો આદર કર્યો હતો. તેને અમે પુરુષોત્તમ માસમાં છાનું પ્રાયશ્ચિત્ત આપીને બચાવ્યો. એવી રીતે દયા લાવીને વાતચીત કરી શિખામણ દેવી ને પ્રાયશ્ચિત્ત આપવું. કાંકરિયા તળાવે શ્રીજીમહારાજ પધાર્યા હતા ને ભેળા સંત ઘણા હતા. તેમાં મોટા મોટા સંતને અર્જીણ આવ્યું એટલે અભિમાન આવ્યું જે આપણે ન હોઈએ તો આ સત્સંગમાં દિગ્વિજય કોણ કરે? પછી શ્રીજીમહારાજે એ સભાના ઉપર બીજી સભા કરી. ત્યાં પૂજાઓ થાય, આરતીઓ થાય તેવું દેખીને મોટા મોટા સંતોએ શ્રીજીમહારાજને દંડવત્ કરીને પ્રાર્થના કરીને કહ્યું જે હે મહારાજ! તમે અમારું અર્જીણ ટાળ્યું. એમ દાસપણામાં શ્રીજીમહારાજનો રાજીપો ઘણો છે. 1/193/364
17. કોઈ આપણું અપમાન કરે તો સિદ્ધપુરના રણછોડલાલભાઈની પેઠે ગુણ લેવો. રણછોડલાલભાઈનું અયોધ્યાપ્રસાદજી મહારાજે અપમાન કર્યું ત્યારે એમ બોલ્યા જે, "આપ શ્રીજીમહારાજના મુક્ત છો ને મોટા મોટા ઈશ્વરોને તથા બ્રહ્મને તથા અક્ષરોને પણ આપનાં દર્શન દુર્લભ છે એવા મોટા છો તે આપ અપમાન કરો એવું મારું મોટું ભાગ્ય ક્યાંથી હોય!" એવું નિર્માનીપણું ને દાસપણું આવે તેને કલ્યાણમાં કાંઈ બાકી રહે નહિ. એનું તો છતાં દેહે કલ્યાણ થઈ રહ્યું છે. 1/206/408
18. જીવના સ્વભાવ એવા છે જે મોટાને લાખો વાતો પૂછી હોય ને નિશ્ચય કર્યો હોય અને મોટાની દૃષ્ટિ પણ એવા ઉપર પડી હોય પણ ચઢી બેસે ઝાડની ટોચે. "હમબી હે" એવું સંગદોષથી થાય. અમે ગોધલા પાળી પાળીને ખૂબ મજબૂત કરીએ અને પછી જો આડા સૂએ તો પેટ બળે. આપણે તો અધમ જેવા જીવને વિષે પણ અહિંસા ધર્મ રાખવો એટલે દયા રાખવી, તેવાને પણ ઉદ્ધારવા છે. માટે એવાનું સારું થાય એમ સૌ ઇચ્છજો. એવાનું બહુ અવળું કહે કહે કરવું નહિ. સંગદોષે કરીને કોઈકથી અવળું થઈ ગયું હોય તો જ્ઞાનોપદેશરૂપી સમજણ આપીને, રાજી કરીને તેને રસ્તો ચઢાવવો. 1/217/442
19. બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે એક સાધુએ આવીને અમને કહ્યું કે અમને યજ્ઞમાં તેડાવ્યા નહિ અને બોલવા મંડ્યા, તે કાંઈ બોલ્યાની ખબર રહી નહિ, જે અમે કોણ છીએ. તેમને અમે કહ્યું જે યજ્ઞ તો નિત્ય થાય છે, જો કરો તો, વાચ્યાર્થ કામ ન આવે, લક્ષ્યાર્થ હોય તો કામ આવે. દેહાભિમાન હોય તો મોટા અનાદિમુક્તનું પણ અપમાન કરી નાખે એવું છે.