૨૫. બાપાશ્રીનાં અલૌકિક સંસ્મરણો - વિભાગ ૧
જયારે કોઈક હેતવાળા હરિભક્ત અતિ હેતે સંભારે ત્યારે મોટા સંકલ્પ કરે તે સંકલ્પ મૂર્તિમાન થઇને દર્શન આપે.
1. સંવત્ 1942ની સાલમાં બાપાશ્રીએ છસો હરિભક્તોના સંઘે સહિત કચ્છથી મૂળી આવ્યા. ત્યાં બાપાશ્રીને સમાધિ થઈ હતી. પછી ગઢડે થઈ ધોલેરા થઈ ધોળકે આવ્યા. તે વખતે જેતલપુરમાં મોટા સંત સ. ગુ. શ્રી ધ્રુવાનંદ સ્વામીને દેહ મૂકવા સમયે શ્રીજીમહારાજ તેડવા આવેલા. ત્યારે બાપાશ્રીએ મહારાજને પ્રાર્થના કરી જે આ સંઘ બે દિવસમાં જેતલપુર પહોંચી જશે, માટે સ્વામીશ્રીને બે દિવસ રાખો તો આ સંઘને સંભારવા થાય. એવાં વચન સાંભળી શ્રીજીમહારાજે ધ્રુવાનંદ સ્વામીને રાખ્યા. જ્યારે સંઘ ધોળકેથી જેતલપુર પહોંચ્યો ત્યારે જસા ભક્ત મંદિરની વાડીમાં રહેતા હતા. તેમને શ્રીજીમહારાજ માણકી ઘોડી પર બેઠેલ ને વતું વધેલું એવાં દર્શન થયાં. ત્યારે જસા ભક્તે કહ્યું જે, મહારાજ! તમે આવા દુબળા કેમ દેખાઓ છો? ઘોડી પણ દુબળી જણાય છે, વતું પણ વધેલું છે તેનું શું કારણ? ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, આ કચ્છનો સંઘ જ્યારથી નીકળ્યો ત્યારથી અમે એમના ભેળા ચાલીએ છીએ. એ સંઘ મોટો બહુ છે અને કેડા મોર સૌ ચાલે છે તેથી કોઈ તેમને લૂંટી ન જાય તેમ માર્ગ પણ ન ભૂલે એટલા માટે સાથે જ રહીએ છીએ, તેથી તમને આવા દેખાઈ છીએ. એટલામાં તો સંઘ જેતલપુર જઈ પહોંચ્યો ને સર્વેને દર્શન થયાં. પછી બે દિવસ રહીને જ્યારે અમદાવાદ તરફ ચાલવાની તૈયારી કરી ત્યારે સ્વામીશ્રીએ અદભુત પ્રતાપ જણાવી દેહત્યાગ કર્યો. તે વખતે ચંદનની વૃષ્ટિ થઈ તે સર્વત્ર સુગંધ સુગંધ થઈ રહ્યો. તે ચંદનની ગોળીઓ કરીને સંઘમાંના કેટલાક મનુષ્યોએ લઈ લીધી હતી તે હજી પણ છે. પછી સંઘ અમદાવાદ આવ્યો. ત્યાં સ્વામી શ્રી નિર્ગુણદાસજીને દંડવત્ કરીને મળ્યા. પછી બાપાશ્રીએ કહ્યું જે, સ્વામી! ઘણા દિવસે દર્શન થયાં. ત્યારે સ્વામીએ કહ્યું જે, વૃષપુરમાં અણદા ભક્તે દેહ મેલ્યો ત્યારે તમે પાસે બેઠા હતા. તે વખતે તમારા ભત્રીજા ગોવિંદ ભક્તને બહુ તેજ દેખાણું તે તેજ દેખીને બીન્યા, તેમને તમે ધીરજ આપીને કહ્યું જે, આ તો મહારાજનું અને મુક્તનું તેજ છે, પછી આપણે અણદા ભક્તને તેડી ગયા. તેને બે મહિના થયા છે અને ઘણે દહાડે ભેગા થયા એમ કેમ કહો છો? ત્યારે બાપાશ્રી હસ્યા. પછી સ્વામીશ્રીના આસને સભા થઈ હતી. ત્યારે સ્વામીશ્રીએ બાપાશ્રીનો મહિમા સમજાવ્યો. તેથી શેઠ ચીમનલાલભાઈને બાપાશ્રીને વિષે ઘણું હેત થઈ ગયું. તેથી હાથ જોડી વિનય કરી બાપાશ્રીને પોતાને ઘેર તેડી ગયા ને પુત્રની ઇચ્છા જણાવી. તેમનાં વિનય વચનથી બાપાશ્રી રાજી થઈને બોલ્યા જે મહારાજ તમારી ઇચ્છા પૂરી કરશે. આપણે તો શ્રીજીમહારાજને ઘડીએ વિસારવા નહિ. એ આશીર્વાદથી તેમને હાલમાં જેઠાલાલભાઈ પ્રોફેસર છે તે દીકરા થયા. 2/508
2. સંવત્ 1948ની સાલમાં અમદાવાદમાં સ. ગુ. શ્રી નિર્ગુણદાસજી સ્વામી માંદા હતા તે વખતે વૃષપુરમાં બાપાશ્રીએ પણ મંદવાડ ગ્રહણ કર્યો. તે વખતે બાપાશ્રી ઊંડા ઊતરી ગયા તે સત્તાવીશ દિવસે પોતાની મેળે ઊઠીને બેઠા થયા ને બોલ્યા જે, અમારો દાખડો નિષ્ફળ ગયો, કેમ જે અમારે અક્ષરધામમાં શ્રીજીમહારાજની આગળ સત્તાવીશ દિવસ ચર્ચા થઈ જે મને અક્ષરધામમાં લઈ જાઓ ત્યારે મહારાજે છેલ્લીવારે હા પાડી, પણ સ્વામી નિર્ગુણદાસજીએ ના પાડી ને સ્વામીશ્રીને લઈ જવાનું ઠરાવ્યું. માટે તમે સૌ મોટા મોટા સંત તથા હરિભક્તો સ્વામીશ્રીનાં દર્શન કરી આવો. પછી નહિ થાય. ત્યારે સંત અને હરિભક્તો બોલ્યા જે, અષાડ મહિનો બેઠો છે ને વરસાદ પણ આવું આવું થઈ રહ્યો છે, માટે આખરના દિવસમાં દરિયામાં તોફાનને લીધે હેરાન બહુ થવાય તેથી દિવાળી ઉપર જઈએ તો કેમ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ત્યાં સુધી સ્વામીશ્રી રહેશે નહિ. ત્યારે હરિભક્તો કહે જન્માષ્ટમી ઉપર જઈએ તો? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, તે દહાડે દરિયામાં તોફન હશે માટે હાલ જાઓ, તમે દરિયામાં જરાય દુઃખી નહિ થાઓ.
પછી બાપાશ્રી પણ સ. ગુ. શ્રી નિર્ગુણદાસજી સ્વામીને મળવા અમદાવાદ પધાર્યા હતા. તે સ્વામીશ્રી પાસે બેઠા હતા ત્યારે સ્વામીશ્રી બોલ્યા જે, આપનાં દર્શન મને બરાબર થતાં નથી, માટે મારી પાસે આવીને દર્શન આપો. પછી બાપાશ્રી સ્વામીશ્રીની પાસે આવ્યા ત્યારે સ્વામીશ્રીએ ચશ્મા પહેર્યાં ને બોલ્યા જે, હજી બરાબર દર્શન થતાં નથી. માટે આંગડી કાઢી નાખો એટલે બાપાશ્રીએ આંગડી કાઢી કે તુરત તેજનો સમૂહ નીકળ્યો, તે ચારે કોરે તેજ તેજ છાઈ રહ્યું. એ જોઈને સ્વામીશ્રી બોલ્યા જે, અહોહો! આવા તમે તેજોમય મૂર્તિ છો? આ તો એકલું તેજ જ ભર્યું છે. ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, તમે પણ આવા જ તેજોમય છો. એમ કહી તેજ સંકેલી લીધું ને આંગડી પહેરીને બેઠા. તે વખતે મૂળીવાળા સ્વામી બાલકૃષ્ણદાસજી સ્વામીશ્રી પાસે બેઠા હતા. તેમણે આ વાત સર્વેને પાછળથી કહી.
ત્યાર બાદ સ્વામીશ્રીએ બાપાશ્રીને કહ્યું જે, મહારાજ મને ધામમાં ક્યારે લઈ જશે તે સમાધિ કરીને પૂછો. ત્યારે બાપાશ્રીએ કહ્યું જે વૃષપુરમાં સત્તાવીસ દિવસ મહારાજ પાસે આપણી ચર્ચા થઈ હતી તે તમારો ઠરાવ થઈ ગયો છે ને હવે શું પૂછવાનું બાકી છે? આ લોકની રીત પ્રમાણે આવવાનું ને જવાનું કહેવાય છે, પણ આપણે તો મહારાજની મૂર્તિમાં જ રહ્યા છીએ ને સ્વતંત્ર છીએ તે બધું ય જાણીએ છીએ. મૂર્તિમાં રહ્યા થકા જ મહારાજના સંકલ્પથી દેખાઈએ છીએ. ત્યારે સ્વામીશ્રી બોલ્યા જે, એ તો આપણે બે જ જાણીએ પણ સમાધિ કરો તો કેટલાકને આશ્ચર્ય થાય જે, સમાધિમાં જઈને મહારાજને પૂછી આવે છે માટે સમાધિ કરો તો ઠીક. પછી બાપાશ્રીએ સમાધિ કરી ને સાંજના જાગ્યા ને પાંચ વાગે સંત-હરિભક્તોની સભામાં વાત કરી જે અમે ધામમાં શ્રીજીમહારાજની મૂર્તિમાં અ. મુ. સ. ગુ. ગોપાળાનંદ સ્વામી જેમ રસબસ રહ્યા છે તેવી રીતે આ સ્વામીશ્રી નિર્ગુણદાસજીને જોયા અને શ્રીજીમહારાજે મને કહ્યું જે, એ તો અનંત જીવોના કલ્યાણ કરવા અમારી ઇચ્છાથી અમારી મૂર્તિમાં રહ્યા થકા દેખાય છે, એવા સમર્થ છે, અને તમારી પાસે સમાધિ કરાવીને પુછાવ્યું તે તો મનુષ્ય ચરિત્ર કરે છે, એમ શ્રીજીમહારાજે કહ્યું. એમ કહીને બોલ્યા જે, આસો સુદ 1 પડવેને રોજ રાત્રિએ એક વાગે સ્વામીશ્રી દેહોત્સવ કરશે. માટે સંતો તથા હરિભક્તો આ સ્વામીશ્રીનો મહિમા જાણી ખૂબ સેવા કરી લેજો. આ સેવા ફેર મળે એવી નથી. માટે ઊંઘ, ઉજાગરો, ભૂખ કે થાક કોઈ ગણશો નહિ એમ વાત કરી. પછી બાપાશ્રી કચ્છ પધાર્યા. સંવત્ 1948ના આસો સુદ 1ને રોજ એક વાગે રાત્રિએ બાપાશ્રીએ કહ્યું હતું તે પ્રમાણે સ્વામીશ્રીએ દેહોત્સવ કર્યો. તે વખતે સ્વામી અક્ષરજીવનદાસજી મંડળે સહિત વૃષપુર હતા. તેમને તથા ગામના હરિભક્તોને બાપાશ્રીએ જગાડીને કહ્યું જે આપણા ગુરુ આ વખતે અમાદાવાદમાં અંતર્ધાન થયા માટે આપણે સૌ સ્નાન કરીએ; પછી સર્વે નાહ્યા. 2/512
3. સ. ગુ. શ્રી નિર્ગુણદાસજી સ્વામીએ સ્વામી વૃંદાવનદાસજી, સ્વામી ઈશ્વરચરણદાસજી તથા ઉપરદળવાળા રામજીભાઈ આદિને બાપાશ્રીનો જોગ-સમાગમ કરવા ભલામણ કરી હતી. સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી, સ્વામી શ્રી નિર્ગુણદાસજી ધામમાં ગયા ત્યારથી જ બાપાશ્રીનો સમાગમ કરતા અને રામજીભાઈ તો એ વાત ભૂલી ગયા. તેને બાર મહિના થઈ ગયા. ત્યારે બાર મહિને સ. ગુ. શ્રી નિર્ગુણદાસજી સ્વામીએ દિવ્યરૂપે દર્શન આપીને કહ્યું જે, તમને મેં મુક્તરાજ અબજીભાઈનો સમાગમ કરવાનું કહ્યું હતું તે કેમ ભૂલી ગયા? પછી રામજીભાઈ સ્વામીશ્રીની આજ્ઞાથી બાપાશ્રીનાં દર્શને ગયા. ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, રામજીભાઈ! તમે સ્વામીશ્રીને ફેર દાખડો કરાવ્યો ને! એમ કહીને મળ્યા. પછી પાસે બેસારીને કહ્યું જે, તમે તો અમારા જૂના સેવક છો એમ કહીને પૂર્વની સ્મૃતિ કરાવી, એટલે રામજીભાઈને બાપાશ્રી સાથે એકતા થઈ ગઈ. પછી રામજીભાઈએ જે જે વર માગ્યા તે પ્રમાણે સર્વે આપ્યા. એવી રીતે થોડા દિવસ રહી જ્યારે પાછા દેશ તરફ જવા નીકળ્યા ત્યારે બાપાશ્રીએ મહારાજના અલૌકિક પ્રતાપની વાતો કરી સુખ આપેલાં તેનું ચિંતવન કરતા આનંદમાં ને આનંદમાં ચાલ્યા જતા હતા. ત્યાં બાપાશ્રીએ આપેલાં વચનોની પરીક્ષા કરવાનો સંકલ્પ થયો એટલામાં તો તેજનો મોટો સમૂહ પોતા પાસે હમહમાટ અવાજ કરતો ચાલ્યો આવે. તે જોઈને રામજીભાઈ ઝબક્યા ને બેસી ગયા. ત્યાં તો એ તેજ નજીક આવ્યું ને એમના દેહ સોંસરું થઈને વૃષપુર તરફ ચાલ્યું ગયું ને પોતે તે બાપાશ્રીનો પ્રતાપ જાણી રાજી થયા થકા ઘેર ગયા. પછી સંવત્ 1951ની સાલમાં બાપાશ્રી કચ્છથી મોટો સંઘ લઈને અમદાવાદ તરફ આવતાં રસ્તામાં ઉપરદળ આવ્યા. ત્યારે રામજીભાઈએ બાપાશ્રીને પૂછ્યું જે, હું ગયે વર્ષે, આપની પાસેથી આ દેશમાં આવતો હતો ત્યારે માર્ગમાં તેજ દેખાણું તે શું હશે? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, તમે અમારા આપેલા વચનની પરીક્ષા લેવાનો સંકલ્પ કર્યો હતો તેથી મહારાજે અને અમે પરીક્ષા આપી હતી. તે સાંભળી રામજીભાઈ વિસ્મિત થયા. એવી રીતે તેમને આપેલાં બધાંય વરદાન સત્ય કર્યાં. 2/518,519
4. સંવત્ 1950ની સાલમાં ભૂજમાં સત્સંગિજીવનનું પારાયણ થયું હતું. ત્યાં કુંભારિયાવાળા મિસ્ત્રી હરજીભાઈ કારખાનામાંથી આવ્યા હતા, તેમનો ઉતારો બાપાશ્રી પાસે હતો. તે બાપાશ્રી ને જાદવજીભાઈ તથા ઉપરદળવાળા રામજીભાઈ રાત્રિએ શ્રીજીમહારાજના મહિમાની વાતો કરતા. તે સાંભળીને હરજીભાઈને એમ થયું જે મેં આટલા દિવસ સુધી સત્સંગ કર્યો પણ આવો મહિમા જાણ્યો નહિ. આ તો સર્વે અવતારાદિકથી ને બ્રહ્મકોટીથી ને અક્ષરકોટીથી પર એવા મહામુક્ત છે ને સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન છે તે મેં જાણ્યા નહિ. આવા મોટા મુક્ત આગળ હું ઢોલિયામાં સૂઈ રહું છું તે મારે અપરાધ થયો, એમ જાણીને ઢોલિયેથી ઊતરી દંડવત્ કરવા મંડી પડ્યા અને પ્રાર્થના કરીને અપરાધ માફ કરાવ્યો. પારાયણ થઈ રહ્યા પછી બાપાશ્રી સાથે વૃષપુર ગયા ને મઠની ખીચડી ને જાર, બાજરી, નાગલીના રોટલા ખાવા મંડ્યા. પછી સંવત્ 1953ની સાલમાં બાપાશ્રીને તેમને કહ્યું જે તમે કુંભારિયે જાઓ પણ તેમણે જવાની ના પાડી. પછી બાપાશ્રીએ કહ્યું જે એક મહિનો જઈને પાછા આવજો એટલે તે ગયા ને ત્યાં માંદા પડ્યા. દેહ મૂકવાને આગલે દિવસે તેમને સૂઝી આવ્યું જે, કાલે મારો દેહ પડશે. પછી એમની માતુશ્રીને કહ્યું જે, બાપાશ્રીને વૃષપુરથી તેડાવો. પછી ઊંટવાળાને તૈયાર કર્યો એટલામાં બાપાશ્રીએ દર્શન આપ્યાં ને સવારે દેહ મૂકવા ટાણે હરજીભાઈને કહ્યું જે, કાંઈ ચમત્કારની ઇચ્છા હોય તો તમારી સાથે જે આવવાની હા પાડે તેનો દેહ મેલાવીએ. પછી તેમણે સર્વેને પૂછી જોયું જે, જેને મારી સાથે આવવું હોય તેને બાપાશ્રી દેહ મેલાવે, ત્યારે એમના ભાઈ ગોવામલભાઈની દીકરીએ હા પાડી. પછી તેનો દેહ મેલાવ્યો ને બે યને સાથે તેડી ગયા. પછી હરજીભાઈને દેહ મેલે દશ દિવસ થયા ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજી ત્યાં હતા, તેમને બાપાશ્રીએ કહ્યું જે, અમારે હરજીભાઈની લોકાઈએ જવું છે. ત્યાં એમની માતુશ્રીને કંઠી બંધાવવી છે, માટે કંઠી આપો. પછી એમણે કંઠી આપી. પછી બાપાશ્રી કુંભારિયે પધાર્યા ત્યારે હરજીભાઈની માતુશ્રી બોલ્યા જે, તમે મનુષ્ય નથી. મારા હરજીને ને મારા ગોવાભાઈની દીકરીને સાથે તેડી ગયા તે મેં નજરે જોયું, માટે તમે મોક્ષ કરો એવા સમર્થ છો, માટે મને કંઠી બાંધો ને સત્સંગી કરો. પછી બાપાશ્રીએ તેમને કંઠી આપીને કહ્યું જે, રામપરામાં ધનબાઈ ડોશી મહામુક્ત છે તેમની વાતો એક મહિનો જઈને સાંભળો તો સ્વામિનારાયણ ભગવાનનો મહિમા સમજાશે. પછી અમે તમને હરજીભાઈની પાસે તેડી જઈશું. પછી તેમણે એવી રીતે સમાગમ કર્યો ને ધામમાં ગયાં. 2/520
5. સંવત્ 1953ની સાલમાં ધ. ધુ. આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રસાદજી મહારાજ કચ્છમાં પધાર્યા હતા. તે જ્યારેકેરા ગામમાં પધાર્યા ત્યારે બાપાશ્રી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સૌ સંત તથા વૃષપુરના હરિભક્તો કેરામાં દર્શને ગયા હતા. ત્યાં બાપાશ્રીને પોતાના તંબુમાં તેડાવીને કહ્યું જે, તમને શ્રીજીમહારાજે જીવોના ઉદ્ધાર કરવા સારુ મોકલ્યા છે એમ અમે સ. ગુ. શ્રી નિર્ગુણદાસજી સ્વામીના કહેવાથી જાણીએ છીએ, માટે અમને તમારી પેઠે મૂર્તિનું સુખ આવે એવા આશીર્વાદ આપો. તમને મારે અમદાવાદ તેડાવી બે મહિના રાખીને જોગ કરવો છે. પછી બાપાશ્રીએ કહ્યું જે, બહુ સારું મહારાજ! પછી વ્યવહારિક વાત પૂછી જે, અમારાથી અબડાશામાં જવાણું નહિ તેથી તે દેશ ફર્યા વિનાનો રહી ગયો અને મિસ્ત્રીઓનાં ગામોમાં પણ ઝાઝું રોકવાનું કહે છે, માટે ત્યાં રોકાઈએ તો શ્રીહરિ નવમીએ અમદાવાદ પહોંચાય નહિ, માટે તે સમૈયો અહીં ભૂજ કરીએ કે અમદાવાદ કરીએ? પછી બાપાશ્રીએ કહ્યું જે, એ સમૈયો તો અમદાવાદ કરવો. ત્યારે મહારાજશ્રીએ કહ્યું જે, તમે મિસ્ત્રીઓનાં ગામોમાં ભેળા આવીને તેમને સમજાવીને વહેલી રજા અપાવો તો અમદાવાદ પહોંચાય. ત્યારે બાપાશ્રીએ કહ્યું જે; ભલે, અમે ભેળા આવીને સમજાવશું. તમે કચ્છ મૂકીને ગુજરાત તરફ ચાલશો ને ધ્રાંગધ્રે પહોંચશે ત્યારે અમદાવાદથી કાગળ આવશે જે પ્લેગના રોગથી સમૈયો સરકારે બંધ કરાવ્યો છે માટે અહીં પેસવા દેશે નહિ અને ધ્રાંગધ્રાના રાજા શ્રી માનસિંહજી બે મહિના સુધી રોકવાનો આગ્રહ કરશે અને તમારા ભેળા મોટા મોટા સંત છે તે પણ ત્યાં રોકાવાનું કહેશે પણ રોકાશો નહિ. સમૈયા નજીક અમદાવાદ ઢૂકડા થઈ જજો. પછી ફેર કાગળ આવશે કે સમૈયાની છૂટી થઈ છે, એટલે અમદાવાદ પધારશો. એમ વાત કરીને પછી બાપાશ્રી વૃષપુર ગયા. બીજે દિવસે મહારાજશ્રી વૃષપુર પધાર્યા. ત્યાં બે દિવસ રહીને પછી મિસ્ત્રીઓનાં ગામોમાં જવા નીકળ્યા. તેમના ભેળા બાપાશ્રી ચાલીશ-પચાસ હરિભક્તોને લઈને ગયા. તે મિસ્ત્રીઓને સમજાવીને ત્રણ દિવસમાં રજા અપાવી. પછી આચાર્ય મહારાજશ્રી તથા સર્વ સદગુરુઓ અંજારથી ચાલ્યા તે ધ્રાંગધ્રે પહોંચ્યા. ત્યાં અમદાવાદથી કાગળ આવ્યો જે અહીં સરકારે સમૈયાની બંધી કરી છે માટે અમદાવાદમાં પેસવા દેશે નહિ. ત્યાંના રાજાએ પણ બે માસ સુધી રોકાવાનો આગ્રહ કર્યો અને સ. ગુ. વૃંદાવનદાસજી સ્વામી તથા સ. ગુ. દેવચરણદાસજી સ્વામી તથા શાસ્ત્રી બાળમુકુંદદાસજી બ્રહ્મચારી આદિ ઘણા સંતોએ પણ કહ્યું જે, અહીં આગ્રહ કરીને રોકે છે ને અમદાવાદમાં પેસવા દેશે નહિ માટે રહીએ તો ઠીક, પણ મહારાજશ્રીએ કહ્યું જે ચાલો, જેમ થનાર હશે તેમ થશે. પછી ત્યાંથી ચાલ્યા તે લીલાપુર આવ્યા. ત્યાં અમદાવાદથી કાગળ આવ્યો જે, સમૈયાની છૂટી થઈ છે માટે પધારો. પછી સર્વે અમદાવાદ આવ્યા ને સમૈયો થયો. 2/523
6. એક સમયે બાપાશ્રી સંતો-હરિભક્તો સહિત કુંભારિયે જતા હતા. તે ચાલતાં માર્ગમાં એક ઉંદર દરમાંથી બહાર નીકળ્યો તેને સમળીએ ઝડપ નાખી પણ સમીપે ઘણા મનુષ્ય જોઈને ઉંદરને પકડ્યા વિના ઊડી ગઈ. પણ પાંખની ઝાપટ લાગવાથી ઉંદરને કળ ચડી ને તરફડવા લાગ્યો. તેના ઉપર બાપાશ્રીએ ધૂળની ચપટી નાખીને વર્તમાન ધરાવ્યાં ને ઉંદરે દેહ મૂકી દીધો ત્યારે સ્વામી અક્ષરજીવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતોએ તથા કેશરાભાઈ આદિક હરિભક્તોએ પૂછ્યું જે, એની શી ગતિ થઈ હશે? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આત્યંતિક મોક્ષ થયો. 2/524
7. એક દિવસ બાપાશ્રી તથા ઈશ્વરચરણદાસજી તથા રામકૃષ્ણદાસજી ત્રણે વૃષપુરના મંદિરમાં સૂતા હતા. રાત્રિના બાર વાગે બાપાશ્રીએ સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે, કાલે તમારે અમારો વિયોગ થાશે. તેમણે કહ્યું જે કેમ? આપને ક્યાંય જાવું છે? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આજ અમારા કુટુંબમાં નાનજીનો દીકરો દેવશી કૂવામાં પડી ગયો છે. તેને અમે ધામમાં મૂકી દીધો છે, પણ હજી સુધી એ છોકરો પાણી બહાર દેખાયો નથી. તે સવારે દેખાશે ત્યારે ભૂજથી ફોજદાર આવશે ને પંચાતનામું થાશે, પછી તેને દેન દેવાશે તે સાંજ પડી જશે ત્યાં સુધી રહેવું પડશે, માટે તમારી પાસે નહિ અવાય. ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, તમે જાણો છો ત્યારે તો તમારે સ્નાન આવે, ત્યારે બાપાશ્રી બોલ્યા જે, અમે તો જીવોના આત્યંતિક કલ્યાણ કરવા સારુ અક્ષરધામમાંથી આવ્યા છીએ અને અમે તો દિવ્ય મૂર્તિ છીએ માટે અમારે તો સ્નાન-સૂતક આવે જ નહિ. બગદાલવ ઋષિ દેહધારી હતા, તો પણ એક વાળ તાણી નાખતા. તેમાં સ્નાન-સૂતક બે ય જતાં તો અમારે હોય નહિ એમાં શું કહેવું? પણ લોકના ભેળા રહ્યા તે લોકની રીતે ચાલવું જોઈએ. અત્યારે સૌ કહે છે કે જડતો નથી તો તે ભેળા અમે પણ એમ જ કહીએ છીએ અને સવારે જડ્યો કહેશે તે ભેળા અમે પણ જડ્યો એમ કહીશું. જો કૂવામાં પડ્યો છે એમ કહીએ તો ઘણા માણસો અમારું અંતર્યામીપણું જાણી જાય પણ લોકની પેઠે વરતીએ છીએ. 2/525
8. સંવત્ 1955ના અષાડ માસમાં બાપાશ્રી તથા દહીંસરાના ખીમજીભાઈ આદિ સૌ ઉપરદળ રામજીભાઈને મંદવાડ વધુ હતો, તેમને દર્શન દેવા જતાં દરિયામાં તોફાન થયું, તેથી ખીમજીભાઈ આદિ સૌ હરિભક્તો બીન્યા અને ધ્રૂજવા લાગ્યા જે, આ વહાણ ડૂબશે ને આપણે મરી જઈશું. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, કોઈ ફિકર રાખશો નહિ. વહાણ ડૂબશે તો તમારું અધૂરું રહેવા દેશું નહિ; ઠેઠ મહારાજના સુખમાં મૂકી દઈશું, એમ કહી સૌને ધીરજ આપી. પછી વહાણનો કાંઠો ઝાલીને બાપાશ્રી ઊભા થયા ને સમુદ્રને કહ્યું જે, આ ટાણે તોફાન હોય કે? એટલે તરત પવન બંધ થઈ ગયો ને સમુદ્ર સ્થિર થઈ ગયો. પછી વહાણમાં બેઠેલા સર્વે મનુષ્યો તથા ખેવટિયા રાજી થયા ને બાપાશ્રીને પ્રાર્થના કરી જે તમે સર્વેને ઉગાર્યા નહિ તો આજ કોઈ ઉગરવાના નહોતા. પછી બાપાશ્રી ઉપરદળ આવ્યા, ત્યારે રામજીભાઈએ બાપાશ્રીને કહ્યું જે, બાપા! ત્રણ મહિના સુધી અહીં રહીને દર્શન આપો ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ત્રણ દિવસમાં તમે અમને રજા આપશો અને અમે જઈશું. પછી તો બાપાશ્રીનાં દર્શને ઘણા સંત-હરિભક્તો આવ્યા તેથી ઉતારાની, વાસણની, સીધાની સગવડ થઈ શકી નહિ. પછી રામજીભાઈએ રજા આપી જે હવે પધારો. પછી બાપાશ્રી ત્યાંથી છપૈયે પધાર્યા. 2/526
9. છપૈયામાં અષાડ વદ 10ને રોજ સવારના દશ વાગે બાપાશ્રી બોલ્યા જે, રામપુરના કાનજી વશરામની દીકરી આ ટાણે દેહ મૂકી ગઈ તેને અમે ધામમાં મૂકી આવ્યા. પછી જ્યારે બાપાશ્રી વૃષપુર આવ્યા ત્યારે પ્રેમજી ભક્તે પૂછ્યું તે તિથિવાર પ્રમાણે મળ્યું. 2/527
10. છપૈયામાં એક વખત રાત્રિએ સૂતી વખતે નારાયણપુરના પ્રેમજી ભક્તને સંકલ્પ થયો જે, કચ્છમાંથી બાપાશ્રી અહીં આવવા નીકળ્યા ત્યારે અમદાવાદ જઈને પાછા કચ્છ તરફ વળવાનો વિચાર હતો અને અહીં આવવાનું થયું તેથી દિવસ વધારે લાગશે. વળી છોકરાને ભલામણ કરી નથી તે ખેતીનું કામ શી રીતે ચલાવશે? તે વખતે બાપાશ્રીએ એમને કહ્યું જે, ઊઠો, નહાવા જવું છે. પછી તે ઊઠ્યા ને બાપાશ્રી દરવાજા તરફ ચાલ્યા ત્યારે પ્રેમજીભાઈ બોલ્યા જે, દરવાજો બંધ છે; માટે માંહીલે કૂવે નહાવા પધારો. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, તમે આંખો મીંચો એટલે એમણે આંખો મીંચી. પછી કહ્યું જે, હવે ઉઘાડો ત્યારે ઉઘાડી, તે નારાયણસરના કાંઠા ઉપર આવ્યા હોય એમ દેખ્યું. પછી બાપાશ્રીને કહ્યું જે આપ વસ્ત્ર બદલો, હું પાણીનો લોટો ભરી આવું. ત્યારે બાપાશ્રી કહે જે, હમણાં બેસો, હવા સારી આવે છે. એટલાકમાં તો આકાશમાંથી હમહમાટ કરતું વિમાન આવ્યું ને કાંઠા ઉપર ઊભું રહ્યું. પછી બાપાશ્રી માંહી બેસી ગયા અને પ્રેમજીભાઈને કહ્યું જે, તમે બેસો, પછી તે પણ બેઠા. પછી વિમાન ઊડ્યું તે બે મિનિટમાં નારાયણપુરમાં પોતાની વાડીએ આવ્યા. ત્યાં તેમના દીકરાઓએ બાપાશ્રીને દંડવત્ કર્યા અને મળ્યા. તે પ્રેમજીભાઈ ઊભા ઊભા જોતા હતા. તે વખતે બાપાશ્રીએ પ્રેમજીભાઈના દીકરાઓને કહ્યું જે, આ વર્ષમાં કાળ પડવાનો છે, માટે વાડી સિવાય બીજા ખેતરો વાવશો નહિ. એમ કહીને વિમાનમાં બેસી એક મિનિટમાં પાછા છપૈયાના મંદિરના ચોકમાં આવ્યા ને વિમાનમાંથી ઊતર્યા કે તરત વિમાન અદૃશ્ય થઈ ગયું. પછી આસને આવીને સૂતા ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, કેમ! તમારો સંકલ્પ સિદ્ધ થયો કે નહિ? ત્યારે પ્રેમજીભાઈ બોલ્યા જે, હા બાપા! તમે સત્ય કર્યો. પછી જ્યારે છપૈયેથી કચ્છમાં આવ્યા ત્યારે પ્રેમજીભાઈને એમના દીકરાઓએ કહ્યું જે, તમે ને બાપાશ્રી બે ય પંદર દિવસ પહેલાં રાત્રિએ આપણી વાડીએ આવ્યા હતા ને પાછા ફેર ક્યાં ગયા હતા? ત્યારે પ્રેમજીભાઈએ કહ્યું જે, એ તો બાપાશ્રી એમની સામર્થીએ કરીને લાવ્યા હતા. 2/528
11. સંવત્ 1955ની સાલમાં બાપાશ્રી ઉપરદળ રામજીભાઈને દર્શન દેવા જતાં મૂળી ત્રણ દિવસ રહીને ચાલ્યા. તેમને સ્વામી હરિનારાયણદાસજી તથા સ્વામી બાલકૃષ્ણદાસજી આદિ સંતો વળાવવા ગયા અને સ્વામી શ્વેતવૈકુંઠદાસજી કોઠારના કામમાં રોકાવાથી જઈ શક્યા નહિ, તેથી દિલગીર થયા. બાપાશ્રી તેમને દર્શન આપીને મળ્યા ને કહ્યું જે તમારે માટે અમે પાછા આવ્યા, એમ કહી અદૃશ્ય થઈ ગયા. 2/529
12. સંવત્ 1956ની સાલમાં બાપાશ્રી હરિભક્તો સાથે આગબોટમાં બેસીને ગુજરાત તરફ પધારતા હતા તે આગબોટમાં મેમણ લોકો તથા બીજા માણસો પણ બેઠા હતા. આગબોટ બરાબર સમુદ્રના મધ્યોમધ્ય આવી ત્યાં તોફાન થયું તે બૂડવાનો સંભવ થયો. ત્યારે ખારવાઓએ કહ્યું જે, ભાઈઓ! સૌ સૌના ઇષ્ટદેવ સંભારો. અમારું હવે કાંઈ કારીગરું ચાલે તેમ નથી ને આગબોટ બૂડવા માંડી છે. પછી સહુ ત્રાસ પામ્યા ત્યારે બાપાશ્રીએ આગબોટમાં બેઠે બેઠા લાંબા હાથ વધારીને બે ય બાજુએ આગબોટ હેઠે ઘાલ્યા ને આગબોટને ઉપાડી. તે એક મેમણ શેઠિયો માંહી બેઠેલ તેણે જોયું. પછી તો આગબોટ તરીને સમી થઈ. પછી ખારવાઓએ ચાલતી કરી ને વવાણિયાના ખાળે આવીને સૌ ઉતારુઓ ઊતરી પડ્યા. પછી મેમણ ઊતરીને સૌના સાંભળતાં બોલ્યો જે, આ પુરુષે આપણા સર્વેને જીવતા રાખ્યા, નહિ તો આજ સર્વેનું મોત હતું. આ તો બહુ જ મોટા સમર્થ પુરુષ છે. તે લાંબા હાથ વધારીને આગબોટ હેઠે રાખીને આગબોટ ઊંચી ઉપાડી તે ઠેઠ અહીં લગી હેઠે હાથ રાખતા આવ્યા છે તે હું જોતો આવું છું. તે વાત સાંભળી સર્વે વિસ્મિત થઈ ગયા. 2/530
13. સંવત્ 1957ની સાલમાં લુણાવાડામાં કાશીરામભાઈને શ્રીજીમહારાજ દર્શન આપી કહી ગયા જે, તમને આજથી ચોથે દિવસે રાત્રિના સવા આઠ વાગે અમે તેડી જઈશું. પછી એમણે પોતાના મોટા ભાઈ જે રણછોડલાલભાઈ મોરબીમાં સર ન્યાયાધીશ હતા તેમને તાર કરીને તેડાવ્યા ને વાત કરી જે, મને આજ રાત્રે સવા આઠ વાગે શ્રીજીમહારાજ તેડી જવાનું કહી ગયા છે તે તેડી જશે. પછી રણછોડલાલભાઈએ બાપાશ્રીને પ્રાર્થના કરી જે, કાશીરામભાઈને તેડી જવા દેશો નહિ; ત્યારે બાપાશ્રીએ શ્રીજીમહારાજને વિનંતી કરી જે, કાશીરામભાઈને તેડી જશો નહિ તેથી મહારાજ તેડવા ન આવ્યા. ત્યારે કાશીરામભાઈએ મહારાજને પ્રાર્થના કરી. પછી શ્રીજીમહારાજ દર્શન દઈને બોલ્યા જે, તમારા મોટા ભાઈની અપીલ અમારી પાસે અક્ષરધામમાં આવી છે, માટે અમારાથી તેડી નહિ જવાય; કેમ જે રણછોડલાલભાઈને વશ અમારા અનાદિમુક્તરાજ શ્રી અબજીભાઈ છે ને એમને વશ અમે છીએ; માટે રણછોડલાલભાઈએ એમને પ્રાર્થના કરી ને તેમણે અમોને પ્રાર્થના કરી, એટલે હવે અમારાથી તેડી જવાશે નહિ. જો રણછોડલાલભાઈ રજા આપે તો તેડી જઈએ; એમ કહીને શ્રીજીમહારાજ અદૃશ્ય થઈ ગયા. પછી સવારે રણછોડલાલભાઈએ કહ્યું જે, મહારાજ તમને તેડી ન ગયા ને હવે તમે સાજા થઈ જશો. ત્યારે કાશીરામભાઈ બોલ્યા જે, મને મહારાજે, રાત્રિમાં દર્શન આપીને કહ્યું છે જે, તમારા મોટાભાઈની અપીલ અમારા પાસે આવી છે જે કાશીરામભાઈને તેડી જશો નહિ. પણ મારે તો કોટી ઉપાયે રહેવું નથી, માટે તમે રાજી થઈને રજા આપો તો મહારાજ મને તેડી જાય. એમ બે દિવસ ઘણી પ્રાર્થના કરી ત્યારે રણછોડલાલભાઈએ ત્રીજે દિવસે રજા આપી. શ્રીજીમહારાજ તથા બાપાશ્રી તેડી ગયા. 2/530
14. સંવત્ 1957ની સાલમાં, સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતો કચ્છમાં ગયા હતા. પછી બાપાશ્રી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ વૃષપુરથી મોરબી જવા ચૈત્ર વદ 9ને રોજ નીકળ્યા. તે ખારીરોલ જઈને આગબોટમાં બેઠા. તે એક ખેતરવા ચાલી એટલે બાપાશ્રીએ સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે, આગબોટ તો માંદી છે. ત્યારે તેમણે કહ્યું જે, કેવી માંદી છે. ત્યારે બાપાશ્રી કહે જે, મરે એવી છે. ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, પહેલાં બોલ્યા હોત તો આપણે બેસત નહિ, હવે તો જે થયું તે ખરું. પછી આગબોટ ચાલતી થઈ તે ચાર-પાંચ ગાઉ જેટલે જઈને ભાંગી. તેથી દરિયામાં ત્રણ દિવસ સૌ રહ્યા ને બીજી આગબોટ મંગાવીને ઊતર્યા. પછી વવાણીએ થઈને મોરબી ગયા. 2/532
15. સંવત્ 1958ની સાલમાં સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતો ગુજરાતમાંથી કચ્છમાં જતા, મોરબીથી નવલખીએ જઈને આગબોટમાં બેઠા. આગબોટ ચાલતી થઈને આગળ જતાં સામું વહાણ આવ્યું. તે વહાણનો શઢ આગબોટના થાંભલામાં ભરાયો તે આગબોટને આડી પાડી દીધી. તેથી તેનો થાંભલો ભાંગી ગયો. પછી આગબોટ સમી થઈ ગઈ અને ચાલી તે ખારીરોલે ઊતર્યા ત્યાં એક ઘેલાભાઈ પુરુષોત્તમભાઈ નામે ભાટિયા અંજારના રહીશ હતા. તેમણે કહ્યું જે, આ સ્વામિનારાયણના સાધુ બહુ ધર્મવાળા છે, તેમને પ્રતાપે આગબોટ બચી. તેને સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, જેના પ્રતાપે થાંભલો ભાંગ્યો ને આગબોટ બચી તેના દર્શને અમે જઈએ છીએ. પછી તે સાથે ગયા ને બાપાશ્રી વૃષપુરના મંદિરમાં પગથિયેથી ઊતરતા હતા ત્યાં સામા મળ્યા ને સ્વામીશ્રી આદિ સંતોને મેળીને બોલ્યા જે, થાંભલો ન ભાંગ્યો હોત તો તમે ક્યાં હોત? ત્યારે સ્વામીએ કહ્યું જે તમારા ભેળા હોત. પછી બાપાશ્રી બોલ્યા જે તમને ઉગારવાને માટે અમે થાંભલો ભાંગીને આગબોટ બચાવી અને એ થાંભલો ગોઠવીને મૂક્યો તે કોઈને વાગવા દીધો નહિ એમ બોલ્યા. તે સાંભળીને તે શેઠને ઘણું આશ્ચર્ય થયું.
પછી છ દિવસ સુધી સેવા-સમાગમથી સુખિયા કરીને સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે, તમે હવે જેતલપુર જાઓ અને ભૂજ, મૂળી, અમદાવાદ ક્યાંય રોકાશો નહિ. પછી સ્વામીશ્રી આદિ સંતો ભૂજ ગયા. ત્યાં માનકૂવાના હરિભક્ત સંતોને તેડવા ગાડાં લઈને આવ્યા હતા. ત્યાં પારાયણ થવાનું હતું. તેથી સ્વામીશ્રી અક્ષરજીવનદાસજી તથા હરિભક્તો આગ્રહ કરીને માનકૂવે લઈ ગયા. ત્યાં બાપાશ્રી આવ્યા ને મળીને બોલ્યા જે, તમને જેતલપુર જવાનું કહ્યું હતું અને અહીં કેમ આવ્યા? ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, સંતોના ને હરિભક્તોના આગ્રહથી આવવું થયું. હવે આ કથા થઈ રહેશે ત્યારે જવાનું કરશું. પછી બોલ્યા જે, હવે તો આપણે વૃષપુર જઈશું, કેમ જે તમારી સાથે સ્વામી ભગવત્ચરણદાસજીના નવા સાધુ બળદેવચરણદાસજી છે તે માંદા પડવાના હતા તેની તમારે ચાકરી કરવી પડે એટલા સારુ તમને રજા આપી હતી, પણ હવે તો નહિ જવાય અને કાલે સ્વામી વૃંદાવનદાસજી તથા કાણોતરના બાપુભાઈ આદિ આવશે. એટલે સેવાની ફિકર નહિ રહે. પછી કથાની સમાપ્તિ કરીને સ્વામીશ્રી આદિ સૌ વૃષપુર ગયા, ત્યાં તે સાધુ માંદા પડ્યા. તેને મંદવાડમાં વાસના સ્ફુરી આવી. તેને દેહ મૂકવા સમયે બાપાશ્રીએ સ્વામી વૃંદાવનદાસજીને તથા સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે, આ સાધુનો દેહ આજ પડશે, માટે તેને ઉપદેશ કરીને મૂર્તિમાં વૃત્તિ રખાવો. પછી બંને સદગુરુઓએ ઘણો ઉપદેશ કર્યો પણ તેમને કાંઈ સમજાયું નહિ અને વાસના પણ મૂકી નહિ. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આ સ્થાનમાં દેહ મૂકે ને ભૂત થઈને ઘેર જઈને ધૂણે તો અમારી આબરૂ જાય માટે એનું અધૂરું રહેવા દેશું નહિ. પછી બાપાશ્રી તથા સંતો એની પાસે ગયા અને ખાટલો ઓરડામાં હતો તે ઓસરીમાં લાવ્યા ને બાપાશ્રીએ મહારાજના દર્શન કરાવીને દેહની વિસ્મૃતિ કરાવી દીધી ને દેહ મુકાવીને તેડી ગયા. પછી બીજે દિવસે સભામાં બાપાશ્રીએ સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે, તમે માંદા હતા ને તમારો વિચાર અહીં આવીને દેહ મૂકવાનો હતો પણ તમે તો સાજા થઈ ગયા ને બીજા સાધુ દેહ મૂકી ગયા, માટે તમને હમણાં રાખવા છે. પછી સ્વામી વૃંદાવનદાસજીએ પૂછ્યું જે, એ સાધુને ક્યાં મૂક્યો? ત્યાર ેબાપાશ્રી બોલ્યા જે, સ્વામી ઈશ્વરચરણદાસજીને બદલે લઈ ગયા; માટે બીજે ક્યાં મુકાય? શ્રીજીમહારાજની મૂર્તિમાં મૂકી દીધા એમ બોલ્યા. 2/533
16. સંવત્ 1958ની સાલમાં કાણોતરના બાપુભાઈ બાપાશ્રીનો સમાગમ કરવા આવ્યા હતા. તેમને તેમના પિતાશ્રી બોઘા પટેલનો કાગળ આવ્યો જે, તરત આવો. પછી તે જવા તૈયાર થયા. તેમને બાપાશ્રીએ કહ્યું જે, ચલો વાડીએ નાહવા જઈએ, ત્યાંથી જજો. પછી વાડીએ જઈને નાહ્યા ને માનસી પૂજા કરીને એમને ઘેર જવાની આજ્ઞા કરી. પછી તે બોલ્યા જે, બાપા! મને એકલાને જવું કેમ ફાવશે? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આ સામા ડુંગરામાં જુઓ. પછી ડુંગરામાં જોયું ત્યારે તેજના મંડળમાં શ્રીજીમહારાજની મૂર્તિ દેખાણી. તે જોઈ બાપુભાઈ કહે જે, આમ ને આમ દર્શન રહે એવી કૃપા કરો. પછી બાપાશ્રી બોલ્યા જે, બહુ સારું, એમ ને એમ દેખાશે. પછી તે ઘેર આવ્યા ત્યાં સુધી દર્શન થયાં. અને બીજે વર્ષે દર્શને આવ્યા ત્યારે પણ ઘેર જતી વખતે બોલ્યા જે, બાપજી! હું એકલો શી રીતે જઈશ? પછી બાપાશ્રી બોલ્યા જે, આ રસ્તામાં જુઓ. સામું કોણ દેખાય છે? પછી જોયું ત્યારે બાપાશ્રીને દેખ્યા. ત્યારે કહ્યું જે, ઠેઠ આમને આમ દેખાશે. એમ કહીને ચાલ્યા તે ઠેઠ ઘેર પહોંચ્યા સુધી છેટે ને છેટે આગળ બાપાશ્રી દેખાયા. તેમને પહોંચી વળવા સારુ બાપુભાઈ ઘણાય દોડે પણ એટલું ને એટલું છેટું રહે ને ધીમે ચાલે તો પણ એટલું ને એટલું છેટું રહે. એવું ઘેર પહોંચ્યા ત્યાં સુધી રહ્યું. 2/537
17. બાપુભાઈએ નવાં ઘર કર્યાં હતાં. ત્યારે બાપાશ્રીએ દિવ્ય દર્શન દઈને કહ્યું જે, તમારા વાડામાં કાંઈક બીક છે તે કાઢવા આવ્યા છીએ, માટે ચાલો વાડામાં. પછી વાડામાં ગયા. ત્યાં તો એક કાળા લૂગડાંવાળી સ્ત્રી નીકળી. તે તેમના ઘર સોંસરી થઈને દક્ષિણ તરફ ચાલી ગઈ. તે બાપુભાઈએ પણ દીઠી. પછી બાપાશ્રી બોલ્યા જે, હવે વાડામાંથી બીક ગઈ. એમ કહીને અદૃશ્ય થઈ ગયા. 2/537
18. એક સમયને વિષે બાપુભાઈને બાપાશ્રીએ દર્શન આપીને કહ્યું જે, તમારી સ્ત્રીને તથા મોટા દીકરાને અમે થોડાક દિવસમાં તેડી જઈશું. ત્યારે બાપુભાઈએ કહ્યું જે, આપની મરજી મુજબ હોય તેમ કરો, પણ હાથે રસોઈ કરવી પડશે. મારા પિતાશ્રીને મોટા દીકરા પર હેત બહુ છે, તેથી તેમને પણ માઠું લાગશે. તે કરતાં નાનો દીકરો જન્મવાનો છે, એમ આપ કહો છો તે દીકરાની આયુષ્ય કેટલી છે? ત્યારે બાપાશ્રીએ કહ્યું જે એની આયુષ્ય તો વધારે છે. ત્યારે બાપુભાઈ કહે જે તેની આયુષ્ય આ મોટા દીકરાને આપીને નાનો દીકરો જન્મે ત્યારે તેને તેડી જાઓ તો ઠીક અને આપની મરજી હોય તો એની માને પણ તેડી જજો. પછી બાપાશ્રીએ કહ્યું જે સારું. પછી મોટા દીકરાને રાખવાનું કર્યું ને બોલ્યા જે એની માને પણ એક વર્ષે તેડી જઈશું. પછી બરાબર એક વર્ષ થયું ત્યારે તેને દર્શન આપીને તેડી ગયા. 2/538
19. બાપાશ્રીએ સંવત્ 1959ના વૈશાખ માસમાં મોટો યજ્ઞ કર્યો હતો ને 'સત્સંગિજીવન'ની ને 'શિક્ષાપત્રી ભાષ્ય'ની કથા પંદર દિવસ સુધી કરાવી હતી. તે યજ્ઞમાં બાપાશ્રીએ પોતાનો અલૌકિક પ્રતાપ જણાવવાથી અનેક મુમુક્ષુજનો મૂર્તિને સુખે સુખિયા થતા. કેટલાકને સામા જઈને દર્શન આપતા તો કોઈને ઉતારે જઈને ખબર પૂછે, સભામાં બેઠા હોય ને પાકશાળામાં પણ દર્શન દેતા હોય, કોઈને પીરસતા જણાય, વાડીએ હરિભક્તો ગયા હોય ત્યાં કૂવે નહાતા હોય, ઘેર જાય તો ત્યાં પણ દેખાય. સભામાં તો જાણે બેઠા જ હોય. એમ સૌ સંત-હરિભક્તોને આશ્ચર્ય પમાડતા શ્રીજીમહારાજના મહિમાની ને મૂર્તિના સુખભોક્તા અનાદિમુક્તના સાર્મથ્યની નવીન નવીન વાતો કરી બહુ સુખ આપ્યાં હતાં. શાસ્ત્રી બાળમુકુંદાનંદજીને મૂર્તિના સુખે સુખિયા થવા રૂપ ભાતું આપ્યું. તે પારાયણમાં ભૂજથી નડિયાદવાળા ઝવેરીલાલભાઈ તથા તેમના ભેળા સ્વામી બાળમુકુંદદાસજી તથા બીજા એક સાધુ ઘોડીગાડીમાં બેસીને ગયા હતા. પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ બાપાશ્રીને કહ્યું જે, આ બાળમુકુંદદાસજી સ્વામી ગાડીમાં બેસતા નહિ ને દૂધ પણ પીતા નહિ ને હવે તો ગાડીએ બેસે છે તથા દૂધ પીએ છે તેનું શું કારણ? ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, બાળમુકુંદદાસજી તથા મુક્તજીવનદાસજી એ બંને માંદા થયા હતા ત્યારે બાળમુકુંદદાસજીના ચૈતન્યને દેહમાંથી કાઢીને મહારાજની મૂર્તિમાં મૂકી દીધો હતો અને મુક્તજીવનદાસજીના જીવને ફેર જન્મ ન ધરાવવો પડે એટલા માટે તપ કરાવવા બાળમુકુંદદાસજીના દેહમાં મૂક્યા છે તે મુક્તજીવનદાસજીથી એમના જેટલું તપ થઈ ન શકે. પછી ભૂજવાળા સ્વામી અક્ષરજીવનદાસજી બોલ્યા જે, અહો! તમે આવી રીતે દેહ બદલાવો છો? ત્યારે બાપાશ્રીએ કહ્યું જે; હા, મહારાજના પ્રતાપે કરીએ છીએ. તે વાત સાંભળી સંત-હરિભક્તો ઘણા આશ્ચર્ય પામ્યા. 2/538
20. સંવત્ 1962ની સાલમાં દેવ દિવાળીના સમૈયે બાપાશ્રી કચ્છનો સંઘ લઈને અમદાવાદ પધાર્યા હતા. ત્યાંથી જેતલપુર થઈને ડભાણ જતાં નવાગામમાં ડાહ્યાભાઈને રાત્રિએ અઢી વાગે દર્શન આપ્યાં. ત્યારે ડાહ્યાભાઈ પગે લાગ્યા ને બોલ્યા જે, બાપા! સ્વામી ઈશ્વરચરણદાસજી ક્યાં? એમ સ્વામીનાં દર્શનની તેમની ઇચ્છા જાણી બાપાશ્રીએ સ્વામી ઈશ્વરચરણદાસજીનાં દર્શન કરાવ્યાં. પછી ડભાણ થઈ વરતાલ ગયા. ત્યાં બે દિવસ રહીને બાપાશ્રી આદિક સર્વ નીકળ્યા તે સ્પેશિયલ ગાડીમાં બેસીને અમદાવાદ આવતાં નડિયાદના સ્ટેશને એક મુસલમાનના છોકરાને બાપાશ્રીએ દિવ્ય દર્શન આપ્યાં. તેથી તે છોકરો ટોપી ઉતારીને પગે લાગ્યો ને બોલ્યો જે, મેરા અચ્છા કરીએ, હમ તમારા ગુલામ હય; એમ વંદના કરવા મંડ્યો. એની પાસે બ્રાહ્મણનો એક છોકરો ઊભો હતો. તેને કહ્યું જે, અબે બમન, ક્યા દેખ રહેતા હે. પાઉંમેં શીર ધરદે, તેરા અચ્છા હો જાયગા; પણ તે છોકરો નમ્યો નહિ. 2/540
21. પાટડીના ઠક્કર ત્રિભોવનભાઈનાં પત્ની માંદાં હતાં. તેમને ત્રણ દિવસ લાગટ શ્રીજીમહારાજે અને બાપાશ્રીએ ભૂરા હાથી ઉપર બેઠેલા એવાં દર્શન આપ્યાં. ત્યારે તે બાઈએ કહ્યું જે, મને તેડી જાઓ. પછી બાપાશ્રીએ કહ્યું જે, હમણાં નહિ. એમ કહી અદૃશ્ય થઈ ગયા. 2/540
22. એક વખત બાપાશ્રી વૃષપુરના મંદિરમાં વાતો કરતા હતા. ત્યાં શેદલાના પુરાણી પ્રાણજીવનભાઈને ડોલું આવ્યું. તેમાં પૂર્વ જન્મની સ્મૃતિ થઈ આવી. પછી તેમણે જાગીને બાપાશ્રીને કહ્યું જે, સ્વપ્ન આવે તે સાચું હોય કે નહિ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આ સ્વપ્નું સાચું. એમ પૂર્વ જન્મનું જ્ઞાન તેમણે ક્ષણ માત્રમાં કરાવી દીધું. 2/541
23. વનાળિયાના ભગવાન ઠક્કર બાપાશ્રીનાં દર્શન કરવા વૃષપુર ગયા ને ત્યાં બાપાશ્રીનાં ચરણસ્પર્શ કરવા ગયા, ત્યાં તો અપાર તેજનો મોટો સમૂહ દીઠો અને તેના મધ્યે શ્રીજીમહારાજની મૂર્તિ દેખાણી. તે મૂર્તિમાંથી તેવા જ આકારવાળી બાપાશ્રીની મૂર્તિ દીઠી, એમ ઘણી વાર દર્શન થયાં. પછી બાપાશ્રી મહારાજની મૂર્તિમાં લીન થયા ને મહારાજ ને તેજ અદૃશ્ય થઈ ગયું. 2/541
24. સંવત્ 1963ની સાલમાં ભુંભલી ગામમાં પાર્વતીબાઈને મંદવાડ હતો. તેને બાપાશ્રીએ દર્શન દઈને કહ્યું જે, હમણાં તમને તેડી નહિ જઈએ, તમને બીજો મંદવાડ આવશે, ત્યાર પછી ત્રીજો મંદવાડ આવશે ત્યારે મહારાજ ને અમે આવીને તેડી જાશું. હજી સાત વર્ષ સુધી તમને રાખવાં છે એમ કહીને અદૃશ્ય થઈ ગયા. 2/541
25. એક સમયે લુણાવાડાના રણછોડલાલભાઈ વૃષપુર ગયા હતા, ત્યારે બાપાશ્રીને દાડમ જમવા આપ્યું. તે જમ્યા ને એક દાણો ચાકળા તળે નાખેલો હતો. તે કાઢીને રણછોડલાલભાઈને આપ્યો ને કહ્યું જે, તમને કેસરોભાઈ વાત કરશે, દહીસરે જાઓ. પછી તે દહીસરે ગયા ને કેસરાભાઈને કહ્યું જે વાતો કરો. પછી કેસરોભાઈ કહે જે બાપ! હું શું જાણું, ભાઈ! તમે બાપાશ્રીને દાડમ જમાડ્યું અને એક દાણો તમને ચાકળા હેઠળથી આપ્યો. પછી રણછોડલાલભાઈ કહે તમે ક્યાં હતા? ત્યારે કેસરાભાઈ કહે જે, બાપાશ્રીએ મારા પર કૃપા કરી મને નિરાવરણ કર્યો છે, તે સાંભળી આશ્ચર્ય પામ્યા. 2/542
26. સંવત્ 1962ની સાલમાં ગામ સરસપુરમાં પટેલ જેઠાભાઈ તથા ઈશ્વરદાસભાઈની ફઈ પાર્વતીબાઈને બાપાશ્રી તેડવા આવ્યા. તે સમે બાઈ બોલ્યાં જે, બાપા! તમે મને અડશો નહિ. મને સંગ્રહણીનો રોગ છે, તેથી ખાધેલું ને પાણી પેટમાં ટકતું નથી તેથી બોળે છું. ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, આ ખાટલો ને ગોદડું બધું ય કાઢી નાખીને લીંપાવો ને બીજો ખાટલો ને ગોદડાં પાથરો અને જેટલી ચીજો જમવી હોય તેટલી આજ આખો દિવસ જમો અને પાણી પીઓ, પણ સાંજ સુધીમાં લઘુ તથા દિશાએ જવાનું નહિ થાય. પછી સર્વ વસ્તુઓ આખો દિવસ જમ્યાં ને પાણી પીધું અને બાપાશ્રીએ પાટ ઉપર બેઠેલા એવા સવારથી સાંજ સુધીનાં દર્શન આપ્યાં ને રાત્રી પડી એટલે શ્રીજીમહારાજ તથા ઘણાય મુક્તનાં દર્શન થયાં. (તેવી રીતે બીજા ઘણાક મનુષ્યને પણ બાપાશ્રીનાં દર્શન થયેલાં) એ રીતે એ બાઈને દેહ મૂકતી વખતે ચમત્કાર જણાવી તેડી ગયા. 2/542
27. ગામ ધ્રાંગધ્રાના સલાટ હરનારાયણભાઈ શ્રી વરતાલ કામ કરતા હતા. તે ગણપતિના ઉપાસક હતા. ત્યાં સત્સંગી થયા. તેમને શ્રીજીમહારાજે દર્શન આપ્યાં અને જોડે નરનારાયણ, લક્ષ્મીનારાયણ આદિ દેખાયા ને તે મહારાજની મૂર્તિમાં લીન થઈ ગયા. પછી ગણપતિએ હરનારાયણનું કાંડું ઝાલીને શ્રીજીમહારાજને કહ્યું જે, આ તમારું બાળક. પછી તેને શ્રીજીમહારાજે સમગ્ર પરમહંસનાં દર્શન કરાવીને કહ્યું જે, આ ગોપાળાનંદ સ્વામી તારા ગુરુ, એમ કહીને અદૃશ્ય થયા. પછી તે જ્યારે ધ્યાન કરે ત્યારે પાંચસો પરમહંસનાં દર્શન શ્રીજીમહારાજનાં ભેળાં થાય. પછી તે ધ્રાંગધ્રાના મંદિરમાં ગયા. ત્યાં શ્રીજીમહારાજ ખુરશી ઉપર બેઠેલા એવાં દર્શન થયાં. સંવત્ 1964ની સાલમાં માંદા થયા તે સમયે તેને એમ જણાણું જે, મૂળીમાં સભામંડપમાં શ્રી ઘનશ્યામ મહારાજની મૂર્તિ પાસે બેઠો છું, એમ એકવીસ દિવસ સુધી દર્શન થયાં. પછી જ્યારે પુરાણી ધર્મકિશોરદાસજી ધ્રાંગધ્રે ગયા ત્યારે તેમને વાત કરી જે, આવી રીતે મને દર્શન થાય છે. પછી તેમણે કહ્યું જે, મહારાજ કે સંત તમારી સાથે બોલે છે? ત્યારે તે કહે ના. પછી તેમણે કહ્યું જે, વરતાલના પાંચમા વચનામૃતમાં કહ્યું છે જે, પ્રત્યક્ષ સત્પુરુષ મળે તો સો જન્મની કસર મટે ને આ જન્મે શુદ્ધ કરે, માટે પ્રત્યક્ષ મળે તો કામ થાય. એમ કહીને બાપાશ્રીની ઓળખાણ કરાવીને કહ્યું જે, મહારાજ અને સંતના ભેળા બાપાશ્રીને ધારજો. પછી ઘેર જઈને ધ્યાન કર્યું ત્યારે સ. ગુ. શ્રી ગોપાળાનંદ સ્વામી અને બાપાશ્રીની વચ્ચે શ્રીજીમહારાજનાં દર્શન થયાં. પછી બંને મહારાજની મૂર્તિમાં અદૃશ્ય થઈ ગયા ને એક શ્રીજીમહારાજ રહ્યા. પછી તે મૂળી ગયા. બ્રહ્મચારીને ત્યાં બ્રહ્માનંદ સ્વામીની મોટી મૂર્તિ છે. તે ઠેકાણે દર્શન કરતાં બ્રહ્માનંદ સ્વામીની મૂર્તિએ હરનારાયણભાઈ સામો હાથ કરીને કહ્યું જે, તમને અનાદિમુક્ત મળ્યા છે તે બહુ મોટા છે. તેથી કાંઈ અધૂરું નહિ રહે. પછી તે પાટણ ગયા. ત્યાં તેમના ભાઈનો દીકરો માંદો પડ્યો. તેને હરનારાયણે બાપાશ્રીને સંભારીને મહારાજની પ્રસાદીનું પાણી પાયું, તેથી તે સાજો થયો. પછી તેમને બાપાશ્રીએ દર્શન આપીને કહ્યું જે, એની આવરદા થઈ રહી હતી, પણ તમે અમારું નામ લીધું તેથી સાજો કરવો પડ્યો. પછી મૂળી દેવનાં દર્શન કરવા ગયા. તેમની પાસે જોખમ હોવાથી બીક લાગી, ત્યારે મહારાજ ને બાપાશ્રીએ દર્શન દઈને બે બાજુ કાંડાં ઝાલ્યાં ને બે ય કોરે અનંત મુક્તો દિવ્ય તેજોમય દેખાય એવી રીતે સ્ટેશનથી મંદિરમાં આવ્યા. પછી શ્રીજીમહારાજ ને બાપાશ્રી અદૃશ્ય થઈ ગયા. તે વખતે મૂર્તિઓ ને સભા દિવ્ય તેજોમય દેખી. પછી રાત્રિએ તાપ કરવા સારુ સાંઠીઓ લેવા ગયા. ત્યાં સંકલ્પ થયો જે, સાંઠીઓમાં કાંટા હશે તો? ત્યારે બાપાશ્રીએ દર્શન દઈને કહ્યું જે, કાંટા નથી. પછી સાંઠીઓ લઈને આવ્યા ને સ. ગુ. રામકૃષ્ણદાસજી સ્વામી તથા પુરાણી ધર્મકિશોરદાસજીને એ વાત કહી. 2/543
28. એક સમયે બાપાશ્રી ભૂજ પધાર્યા હતા. તે પાછા વૃષપુર તરફ જવા તૈયાર થયા એટલે બ્રહ્મચારી તથા સંતો કહે જે, બે દિવસ રહો ને વાત કરો. પછી બાપાશ્રી કહે જે, ઘર સુધી જઈ આવીએ, પછી પાછા આવશું. એમ કહીને ચાલ્યા તે આઘા જઈને પાછા વળ્યા ને કહે જે, કોઈક સંત-હરિભક્ત અમને ખેંચે છે તે નહિ જવાય. એટલામાં તો રામજીભાઈ અંજારથી ભૂજ ગયા. ત્યાં બાપાશ્રી મંદિરના ચોકમાં મળ્યા અને ઉત્તમાનંદ બ્રહ્મચારી તથા સંત-હરિભક્તોએ કહ્યું જે, બાપાશ્રી તો ચાલ્યા હતા ને પાછા વળ્યા ને બોલ્યા જે કોઈક હરિભક્ત ખેંચે છે તે અમને નહિ જવા દે; એમ કહેતા હતા એટલી વારમાં તો તમે આવ્યા. પછી બાપાશ્રી તેમને બાથમાં ઘાલીને મળ્યા. 2/545
29. એક વખત વૃષપુરમાં સ્વામી ઈશ્વરચરણદાસજીના સાધુ પુરુષોત્તમપ્રિયદાસજી ઠાકોરજીનાં દર્શન કરતા હતા, તે વખતે સ્વામીએ બાપાશ્રીને કહ્યું જે, આ સાધુ તમારા છે, તેમને દયા કરીને સુખિયા કરજો. ત્યારે બાપાશ્રીએ માથે હાથ મૂકીને કહ્યું જે, મહારાજની મૂર્તિ સામું જોઈ રહો, એટલે તે મૂર્તિ સામું જોઈ રહ્યા ત્યાં તો તેમને મૂર્તિમાં અનંત મુક્ત સોંસરા દેખાવા લાગ્યા. જેમ બિલોરી કાચમાં અનંત રૂપ દેખાય તેમ અનંત મુક્ત એક બીજામાં નિરાવરણ જોઈ નેત્ર સ્થિર થઈ ગયાં. એમ ઘણી વાર સુધી મૂર્તિ સામું જોઈ રહ્યા. પછી બાપાશ્રીએ કહ્યું જે, કેમ! મૂર્તિનું સુખ કેવું! ત્યારે તે કહે જે બાપા! બહુ દયા કરી, મને કૃતાર્થ કર્યો. એમ બાપાશ્રીએ તેમને મૂર્તિનો અલૌકિક ભાવ બતાવી સુખિયા કર્યા. 2/545
30. ભારાસરના ગોવિંદ ભક્ત અંત વખતે બાપાશ્રી પાસે દેહ મુકાય એવી ઇચ્છાથી વૃષપુર રહેવા આવ્યા હતા. એક સમયે ઘણા હરિભક્તો કરાંચી કમાવા જતા હતા. તેથી તે બાપાશ્રીને પૂછવા આવ્યા ત્યારે બાપાશ્રીએ ના પાડી, તો પણ ત્યાં ગયા ને ત્યાં માંદા પડ્યા. પછી પોતાના દીકરા લીંબાને વાત કરી જે બાપાશ્રીએ ના પાડી, છતાં આપણે અહીં આવ્યા ને મારો સંકલ્પ એવો હતો જે, બાપાશ્રી મારી પાસે બેઠા હોય ને મારો દેહ પડે, એટલામાં તો બાપાશ્રીએ તેમને દર્શન આપ્યાં. ત્યારે બોલ્યા જે, બાપાશ્રી પધાર્યા છે ને મને કહે છે જે, ચાલો ધામમાં. એમ કહીને દેહ મૂક્યો. 2/546