• પંચવર્તમાનની દૃઢતા - વિભાગ ૨

0:000:00

1. પદાર્થ બધાય દુઃખરૂપ છે, પંચવિષય નાશવંત છે, તો પણ એ ધૂળનો વેપાર કરવા સૌ ખબાસાની પેઠે મંડી જાય છે. કેમ જે, ભગવાન ભજ્યા વિના બધો ય ધૂળનો વેપાર છે. તે માયિક પદાર્થ સર્વે ધૂળનાં, પણ વિચાર કરે તો એક શેર અનાજ જોઈએ, એટલું પોતાને માટે છે તો ય કેવાં કેવાં દુઃખ વેઠે છે. જુઓને! કોઈ કોઠારી થવા, ભંડારી થવા કે મહંત થવા વલખાં કરે છે. એવી માયા દુઃખરૂપ છે. 2/5/23

2. આજ્ઞા પાળ્યા વિના મહારાજનો રાજીપો થતો નથી. કેટલાક તો વ્યસનમાં અને દ્રવ્યમાં આસક્ત હોય પણ એ ખોટને ઓળખે નહિ. પહેલા ઊઠે ત્યારે ચા પીએ, પછી કરે દાતણ, પછી જાય નાહવા અને પછી કરે પૂજા. અમારા ગામમાં બ્રાહ્મણ એકાદશીને દિવસે જમતો હતો, તેને કહ્યું કે આજ એકાદશી છે ને કેમ જમો છો? ત્યારે કહે જે ભૂલ્યા. એક વખત અમે મૂળીએ ગયા હતા. ત્યારે એક માણસ દેગડું ભરીને ચા અમારી પાસે લાવ્યો અને કહ્યું જે આ બધાંને પાઓ. ત્યારે અમે કહ્યું જે, આ કોઈ પીએ એવા નથી; તો પણ આગ્રહ મૂક્યો નહિ. ત્યારે અમે કહ્યું જે, એવું અભરું કોણ પીએ? ત્યારે તે કહે જે અભરું કેમ કહો છો? ત્યારે અમે કહ્યું જે, એમાં અશુદ્ધ, કેફી વસ્તુઓ આવે છે, માટે તે સત્સંગીથી તો પિવાય જ નહિ. તેમાં મહારાજની આજ્ઞા લોપાય છે. જામનગરમાં પણ એક જણે કેટલાકને ચા પાયો હતો તે બધાને અમે ઉપવાસ કરાવ્યો હતો. 2/11/34

3. પંચભૂતનો દેહ છે તે તો ઝેરનું ઝાડવું છે, તે જ્યાંથી અડો ત્યાંથી ઝેર ચડે; તે ખાધામાં ઝેર, પીધામાં ઝેર, દરેક ઉપયોગમાં ઝેર. 2/35/99

4. નિરંતર મહારાજની મૂર્તિનું ચિંતવન કરવાથી ગમે તેવા કામાદિક શત્રુ બળિયા હોય તો પણ નાશ થઈ જાય છે. શ્રીજીનો અને મોટાનો મહિમા બરાબર સમજાય તો પંચવિષય પ્રયાસ વિના જિતાય જાય. 2/36/104

5. બાપાશ્રી બોલ્યા જે, "હરિકૃપા જબ હોત હે સૂઝત અપના દોષ." તેમ આપણને પોતાનો દોષ માલમ પડે ત્યારે એમ જાણવું જે કાળો નાગ મરેલો પડ્યો છે; તે મરેલાનો પણ ભય રાખવો એટલે પાછું શૂરવીરપણું રાખવું ને ઘાટ-સંકલ્પ જોઈને હારી જાવું નહિ. 2/55/175

6. જ્યારે કામ-ક્રોધાદિક સંકલ્પ થાય તથા બીજા મલિન ઘાટ થાય તેને પોતાના સ્વરૂપના વિચારે કરીને, મહારાજ તથા મોટાના મહિમાના બળે કરીને, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ એવા નામને ઉચ્ચારે કરીને તથા મોટા સદગુરુનાં નામ લઈને ટાળી નાખવા. પછી એ દોષ, સંકલ્પ, ઘાટ તેને વારંવાર સંભારવા નહિ. એક મૂર્તિ જ સંભારવી. 2/68/210

7. અધિકાર તો કાળા નાગ જેવો છે. આ સત્સંગમાં, આ સભામાં જ્યાં જોઈએ ત્યાં મહારાજ બિરાજે છે, પણ દેહાભિમાની જે આંધળા છે તે દેખતા નથી ને સમજતા પણ નથી, માટે ચાલોચાલ ન કરવું અને કામ, ક્રોધ, લોભ, માન આદિ દોષ બધાય સર્પ જેવા છે તેને ટાળીને મહારાજ અને મોટા મુક્તને રાજી કરી લેવાં. 2/82/257

8. બાપાશ્રીએ વાત કરી જે આપણને તો સત્સંગમાંથી સત્સંગ મળ્યો છે. ઘણાય બહાર પડ્યા હશે પણ પંચવિષય મૂકી શકે નહિ. જો મોક્ષ સારુ પડ્યા હોય તો મોટાને તરત ઓળખી કાઢે. આપણે એક મહારાજનું કામ છે. મહારાજે સૌને રોટલા આપ્યા છે તે ખાઈને ભગવાન ભજી લેવા. આ દેહ માટે ઘણું કરી કરીને મરી ગયા પણ કોઈનું પૂરું થયું નહિ. પૂરી જોઈએ, રોટલી જોઈએ, તેનાથી કાંઈ થાય નહિ, પણ જો ભગવાનને જમાડીને જેવું મળે તેવું ખાઈને સુખિયો રહે ને ભગવાનને ભજે તે ડાહ્યો છે. આ દેહ તો કોઠી જેવો છે. તેમાં જે ભરે તે ચાલે. હાડકા ઉપર ચામડું મઢ્યું છે. અંદર નકારી વસ્તુ ભરેલી છે, માટે મોહે કરીને કોઈ ઠેકાણે બંધાવું નહિ. આ લોક ખોટો છે, ખોટો છે એમ મોટા પુરુષ ડંકા વગાડીને કહે છે, પણ લાખ બે લાખનો ફાયદો થતો હોય તો કહેશે કે મોટા પડ્યા રહ્યા. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ એ પાંચે હરામજાદા છે, માટે પંચવિષયના દોર્યા દોરાવું નહિ. 2/86/269

9. સર્વે વિષય વાસના મૂકીને ભગવાનને તથા મોટા મુક્તને વળગી પડે ત્યારે સુખિયા થવાય. તે વિના પિંડ-બ્રહ્માંડમાં કાંઈ છે જ નહિ એવું કરી નાખે ત્યારે બીજે ક્યાંય માલ માનીને આનંદ પામે જ નહિ. 2/98/311

10. બાપાશ્રી બોલ્યા જે, માયાનો શો ભાર છે? તે બાપડી શું કરનારી છે? આપણે તો મારી નાખી છે. આપણે ભેળા ચાલશું. આ તો મરેલ શત્રુથી બીતા રહેવું, નહિ તો એનો શો ભાર છે? જેમ સિંધુ, સરસ્વતી આદિ નદીઓ સમુદ્રમાં આવે છે તેનો એવો વેગ જે, મોટા મોટા ઝાડ, પહાડ ખેંચીને સમુદ્રમાં મળે છે; તે સમુદ્રમાં પણ તેનું પાણી મીઠું જ રહે છે. તેનો રંગ પણ બીજો, તે પડને ખારું અને એ નદીનું મીઠું, તેમ આપણે તેનો (માયાનો) જોગ (સંપર્ક) છે, પણ આ મીઠા પાણીની પેઠે નિર્લેપ રહેવું અને બહુ ખટકો રાખવો; નહિ તો જડ માયા તો તાણી જાય એવી છે. 2/107/337

11. બાપાશ્રીએ વાત કરી જે, એક વાણિયાને લાખ રૂપિયાની ખોટ ગઈ, પછી લેણાવાળાએ રૂપિયા માગ્યા પણ તે ક્યાંથી આપે? ત્યારે તે શાહુકારે એક હજાર રૂપિયા માગ્યા ને કહ્યું જે, એટલા રૂપિયા આપ તો બધું દેણું માંડી વાળું. ત્યારે તે વાણિયો કહે જે, મારી પાસે કાંઈ નથી તે હું ક્યાંથી આપું? પછી તો તે શાહુકારે કહ્યું જે, એક સો રૂપિયા આપ એટલે થયું, પણ તે કહે જે મારી પાસે કાંઈ નથી. ત્યારે લેણાવાળાએ કહ્યું જે, હું કહું તેમ કર- તું મારા ઘરના દરવાજે બેસ ને જે કોઈ માગવા આવે તેને સદાવ્રત આપ અને કૂતરાં, ગધેડાં આદિકને ઘરમાં પેસવા ન દેવા, એટલું કર તો તારું સર્વ દેણું માંડી વાળું. પછી તેણે તેમ કર્યું. આપણે પણ જાણપણારૂપ દરવાજે રહેવું અને સદાવ્રત જે શ્રીજીનું જ્ઞાન તે સર્વેને આપવું અને કૂતરાં, ગધેડાંની પેઠે નબળા દોષ, કામ, ક્રોધ, લોભ, મોહ, માન, મત્સર આદિક તેમને જીવમાં પેસવા દેવા નહિ, તો સર્વ દેણું વળી જાય એટલે પાપ નાશ પામે અને એમ કરે તો જ ધણીની મરજી સાચવી કહેવાય. આપણે શ્રીજીના કહેવાણા માટે તુચ્છ જેવા દોષ ફજેત કરે નહિ તે જાળવવું અને મહારાજ તથા મોટા મુક્તને રાજી કરી પોતાનું પૂરું કરી લેવું. 2/123/381