• પ્રસંગ અંતર્ગત બોધકથન - વિભાગ ૨
1. સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, બાપા! 'સત્સંગિજીવન' ગ્રંથ લખાતો હતો ત્યારે મહારાજે સ. ગુ. નિત્યાનંદ સ્વામીની કેવી પરીક્ષા લીધી હતી?
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, શ્રીજીમહારાજે 'સત્સંગિજીવન' ગ્રંથ કરવા માંડ્યો ત્યારે મોટા મોટા સંતોને પૂછ્યું જે, આ ગ્રંથમાં અમને કેવા લખવા? ત્યારે કેટલાક સંત કહે કે આપની જેમ ઇચ્છા હોય તે પ્રમાણે લખો. કેટલાક સંત એમ બોલ્યા જે, મહારાજ! શાસ્ત્ર પ્રમાણે લખાય તો ઘણા જીવને સમાસ થાય, કેટલાક સંતોએ કહ્યું કે મહારાજ! આપ જેવા છો તેવા જ લખાવોને! સ. ગુ. શ્રી ગોપાળાનંદ સ્વામી તથા ગુણાતીતાનંદ સ્વામીએ પણ મહારાજને જેવા છે તેવા લખવા કહ્યું. ત્યારે મહારાજે કહ્યું જે, અમે તમારો અભિપ્રાય જાણી લીધો. હવે અમારી મરજી હશે તેમ કરીશું.
બીજે દિવસે મહારાજે સભામાં કહ્યું જે, 'સત્સંગિજીવન' ગ્રંથમાં અમને 'શ્રીકૃષ્ણ' જેવા લખવાની અમારી ઇચ્છા છે. તે વખતે સ. ગુ. નિત્યાનંદ સ્વામીએ મહારાજને બીજા અવતાર જેવા લખવાની ના પાડી. ત્યારે મહારાજે બીજા સંતોનો અભિપ્રાય પૂછતા મુક્તાનંદ સ્વામી તથા બીજા સંતોએ કહ્યું જે, તમે જેમ લખો એમ અમે રાજી છીએ. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું જે, મહારાજ મને પૂછે તો હું તો નિત્યાનંદ સ્વામી જેમ કહે છે તેમ કરવાનું કહું, પણ મહારાજે તો તેમને એટલું જ પૂછ્યું જે તમે અમારા પક્ષમાં રહેશો કે કેમ? ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું જે, મહારાજ મારો આત્મા તો નિત્યાનંદ સ્વામીના પક્ષમાં જ છે અને દેહ તો આપના પક્ષમાં રાખવો જ પડશે. ત્યારે મહારાજ બોલ્યા જે અમારે તો દેહનું જ કામ છે.
પછી મહારાજે દીનાનાથ ભટ્ટ પાસે ગ્રંથ લખાવવા માંડ્યો ત્યારે સ. ગુ. નિત્યાનંદ સ્વામીએ ભટ્ટ પાસે જઈને લખેલાં પાનાં ફાડી નાખ્યાં. મહારાજે સ. ગુ. નિત્યાનંદ સ્વામીને સાત દિવસ સુધી સમજાવવાના પ્રયત્નો કર્યા પણ સ્વામીશ્રી તો લેશ માત્ર ડગ્યા નહિ. છેવટે મહારાજે સ. ગુ. નિત્યાનંદ સ્વામીને દેશવટો આપવા સુરાખાચરના પસાયતાઓને સ્વામીને પાછા ન આવે એવી જગ્યાએ મૂકી આવવા કહ્યું. સુરાખાચરના પસાયતાઓએ સુરાખાચરે સમજાવ્યા પ્રમાણે આખો દિવસ સ્વામીશ્રીને ફેરવી રાત્રિએ એક ઓરડામાં લાવીને સુવાડ્યા. બીજે દિવસે સભામાં સ. ગુ. મુક્તાનંદ સ્વામી બોલ્યા જે, મહારાજ! નિત્યાનંદ સ્વામી જેવા સાધુ અનંતકોટી બ્રહ્માંડમાં ગોત્યા જડે નહિ, એવા સદગુરુને વગર વાંકે કાઢી મૂક્યા તે ઠીક ન થયું. ત્યારે મહારાજ બોલ્યા જે સ્વામી! એ અમારી ભૂલ થઈ ખરી. હવે એ ક્યાંથી આવે! અમે તો એ સ્વામીનાં દર્શન વિના થાળ જમીશું નહિ. પછી મહારાજે સુરાખાચરના પસાયતાઓને સ્વામીશ્રીને પાછા લઈ આવવા મોકલ્યા. પસાયતાઓ તો આખો દિવસ ફરીને રાત્રે નિત્યાનંદ સ્વામીને જ્યાં ઓરડીમાં સુવાડ્યા હતા ત્યાંથી મહારાજ પાસે લઈ ગયા. મહારાજ સ્વામીશ્રીને બાથમાં ચાંપીને બહુ હેતથી મળ્યા ને સ્વામીશ્રીને પ્રસાદી જમાડી. બીજે દિવસે સભામાં મહારાજે સ. ગુ. નિત્યાનંદ સ્વામીની ખૂબ પ્રશંસા કરી. પોતાના કંઠમાંથી હાર ઉતારી સ્વામીશ્રીને પહેરાવ્યો અને મસ્તકે હાથ મૂકી સભા પ્રત્યે બોલ્યા જે સંતો! ઉપાસક તો આવા જ જોઈએ. આ સંત અમારો સંપૂર્ણ મહિમા જાણે છે. કેટલાક તો અમારા ફેરવ્યા ફરી ગયા પણ આ એક સ્વામી ફર્યા નહિ. પછી મહારાજે સ. ગુ. નિત્યાનંદ સ્વામીને સમજાવીને કહ્યું જે, આ 'સત્સંગિજીવન' ગ્રંથ અમે અનંત જીવના હિતને અર્થે લખાવીએ છીએ. આ ગ્રંથમાં અમને અવતાર જેવા લખીએ જેથી સાધારણ જીવો ખેંચાઈને તમારી પાસે આવે. પછી તેમને તમો અમારો મહિમા સમજાવજો. આ ગ્રંથમાં તો આમ જ ઠીક. અમારી ઉપાસના માટે અમે જે વચનામૃત ગ્રંથ કરીએ છીએ તેમાં અમારું પૂરેપૂરું રહસ્ય છે અને અમારા સ્વરૂપનું યથાર્થ જ્ઞાન છે, માટે એ ગ્રંથ સર્વોત્તમ છે. તેને સમજીને તે પ્રમાણે જે વરતશે તેનો આત્યંતિક મોક્ષ થશે. 2/3/6
2. એક સમે શ્રીજીમહારાજ ગામ તેરે બિરાજતા હતા, ત્યાં પોતાના મહિમાની ઘણીક વાતો કરી. તે સમે મુક્તાનંદ સ્વામીને મહારાજે પૂછ્યું જે, સ્વામી! અમને કેવા જાણો છો? ત્યારે સ્વામીએ કહ્યું જે, હે મહારાજ! પૂર્વે થઈ ગયા જે શ્રીકૃષ્ણ તે જ તમે છો. ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, તમે કાળા તળાવે રવજીભાઈ પાસે હમણાં જાઓ, ત્યાં તેમને આ પ્રશ્ન પૂછજો. આજ્ઞા થતાં મુક્તાનંદ સ્વામી કાળા તળાવે જવા માટે નીકળ્યા. મારગમાં ચાલતા એક સંત મળ્યા, તેમણે કહ્યું જે, સાધુરામ! ક્યાં જાઓ છો? ત્યારે સ્વામીના મનમાં એમ થયું જે, આ સંત દેખાય છે તો આપણા સાધુ જેવા, પણ હું ઓળખતો નથી. મને એમણે ક્યાંથી ઓળખ્યો હશે? એટલામાં તો એ સંત અદૃશ્ય થઈ ગયા. પછી સ્વામી તો આગળ ચાલ્યા. ત્યાં થોડેક છેટે એવા ને એવા બીજા સંત મળ્યા. તેમણે પણ એવી જ રીતે પૂછ્યું જે, મુક્તાનંદ સ્વામી! ક્યાં જાઓ છો? ત્યારે સ્વામીએ કહ્યું જે, કાળા તળાવે રવજીભાઈ પાસે જાઉં છું. એમ કહે છે ત્યાં તો એ સંત પણ અદૃશ્ય થઈ ગયા. પછી સ્વામી તો આશ્ચર્ય પામતા થકા આગળ ને આગળ જતા હતા. થોડેક છેટે ત્રીજા સંત મળ્યા, એમણે પણ એવી જ રીતે કહ્યું જે, મુક્તાનંદ સ્વામી! ક્યાં જાઓ છો? ત્યારે સ્વામીએ આશ્ચર્ય પામીને કહ્યું જે, કાળા તળાવ રવજીભાઈને પ્રશ્ન પૂછવા જાઉં છું. ત્યારે તે સંત બોલ્યા જે, તમારે શું પૂછવું છે? જે પૂછવું હોય તે મને પૂછો. ત્યારે સ્વામી બોલ્યા જે, શ્રીજીમહારાજે મને પ્રશ્ન પૂછ્યો છે જે, તમે મને કેવા જાણો છો? ત્યારે મેં કહ્યું જે, પૂર્વે થઈ ગયેલા શ્રીકૃષ્ણ તે જ તમે છો. ત્યારે મને મહારાજે કાળે તળાવ રવજીભાઈ પાસે જવાની આજ્ઞા કરી છે. આમ મુક્તાનંદ સ્વામીએ કહ્યું એટલાકમાં તો એ સંતે લાંબો હાથ કરીને મુઠ્ઠી વાળીને ઉઘાડી, ત્યાં તો કોટાનકોટિ કૃષ્ણ દેખાડ્યા ને કહ્યું જે, આમાં તમારા સ્વામિનારાયણ શ્રીકૃષ્ણ કયા? તે બતાવો. એમ કહીને ચપટી વગાડી ત્યારે તે બધાં શ્રીકૃષ્ણરૂપ અદૃશ્ય થઈ ગયાં; પછી એ સંત બોલ્યા જે, આવા કોટાનકોટિ શ્રીકૃષ્ણ એક વાસુદેવ બ્રહ્મના તાબામાં છે, એવા કોટાનકોટિ અક્ષરોથી પર શ્રી સ્વામિનારાયણ ભગવાનના તેજરૂપ અક્ષરધામમાં અનંત પરમ એકાંતિક મુક્ત શ્રીજીમહારાજની સન્મુખ રહ્યા છે. તથા શ્રીજીમહારાજની મૂર્તિમાં અનંત અનાદિમુક્ત રહ્યા છે. તેમાંના અમે અનાદિમુક્ત છીએ અને આપણા સ્વામી શ્રીજીમહારાજ છે તે સર્વના ઉપરી છે, એથી પર કોઈ નથી. એવા શ્રીજીમહારાજને જાણીને પાછા વળો. એમ કહીને એ મુક્ત અદૃશ્ય થઈ ગયા, ત્યારે મુક્તાનંદ સ્વામીએ પાછા તેરે આવીને શ્રીજીમહારાજને આ વાત કહી જે, હે મહારાજ! હું અનાદિમુક્ત થકી આપનો સર્વોપરી મહિમા હવે સમજ્યો. પછી શ્રીજીમહારાજે રાજી થઈને કહ્યું જે, અમે એવા જ છીએ એમ અમને સમજજો. પછી સ્વામી સભામાં બેઠા. આવી રીતે શ્રીજીમહારાજનો મહિમા સમજવો તે બહુ કઠણ છે; બધાયથી પોતાની મેળે સમજી શકાય તેવો નથી. 23/16
3. સંવત 1906ની સાલમાં અમદાવાદની હવેલી પૂરી થઈ ત્યારે વડતાલથી ધ. ધુ. આચાર્યશ્રી રઘુવીરજી મહારાજને તેડાવ્યા હતા. તે વખતે અ. મુ. શ્રી ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, પવિત્રાનંદ સ્વામી, અદભુતાનંદ સ્વામી, ભોમાનંદ સ્વામી આદિ ઘણા સંતો પાર્ષદોને સાથે લઈને પધાર્યા હતા. ધ. ધુ. આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ તથા શ્રી રઘુવીરજી મહારાજ બંને સભામાં એક પાટ ઉપર બિરાજતા હતા. ત્યાં વારાફરતી મોટા મોટા સદગુરુઓ વાતો કરતા. એક દિવસ સ. ગુ. ગુણાતીતાનંદ સ્વામીને સભામાં વાતો કરવાની આજ્ઞા આચાર્યજી મહારાજે કરી. ત્યારે પ્રથમ થોડીક વાર ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિની વાતો કરી. પછી શ્રીજીમહારાજના મહિમાની અને સર્વોપરી ઉપાસનાની વાતો કરવા માંડી. તેમાં સર્વે અવતારોથી મહારાજને મોટા કહ્યા, તે વાત કેટલાકને સમજાણી નહિ. પછી શણગાર આરતી થયા કેડે બંને આચાર્યજી મહારાજ પાસે કેટલાક સંત-હરિજનોએ જઈને કહ્યું, સ. ગુ. ગુણાતીતાનંદ સ્વામીએ આજે સભામાં વાત કરી તેમાં ઘણાંક શાસ્ત્રોને બાધ આવે એવી વાત થઈ, માટે આપ તેમને બોલાવીને કહો તો ઠીક. પછી તેમને બોલાવ્યા ને કહ્યું જે, સ્વામી! તમારે શાસ્ત્ર વિરુદ્ધ વાતો સભામાં ન કરવી. તે વખતે આનંદાનંદ સ્વામીએ આચાર્ય મહારાજ પાસે ઊભેલા કેટલાક ન સમજનારા સંતો તથા હરિભક્તોને કહ્યું જે, તેરામાં શ્રીજીમહારાજ આવી જ વાતો કરતા. તે શું તમે નથી જાણતા? ત્યારે કેટલાક સંત બોલ્યા જે, સ્વામી! તે દિવસ તો એવું પ્રકરણ હતું. પછી આનંદાનંદ સ્વામી બોલ્યા જે, પ્રકરણ તો ક્રિયાકા ફીરતા હે, જ્ઞાન તો મુદ્દા હે, ઉસ્કા પ્રકરણ નહિ ફીરતા. ત્યારે કોઈક સંતે પૂછ્યું જે, વચનામૃતમાં આવી વાતો છે? ત્યારે શુકાનંદ સ્વામીએ કહ્યું જે, હા, ઘણે ઠેકાણે છે. જુઓને, મધ્ય પ્ર. 31મા વચનામૃતમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, "એવા અક્ષરાત્મક બ્રહ્મરૂપ પુરુષ ઘણાક છે અને એ અમારી ઉપાસના કરે છે." ત્યારે કેટલાક સંતોએ કહ્યું જે, વચનામૃતમાં હોય પણ સભામાં આવી વાત ન કરવી. તે વખતે અ. મુ. ગોપાળાનંદ સ્વામી બોલ્યા જે, ગુણાતીતાનંદ સ્વામીને છૂટી. તમારે શાસ્ત્રવાળાને કરવી હોય તો કરજો ને કરવી હોય તો ન કરજો, પણ મહારાજને સર્વોપરી જાણ્યા વિના છૂટકો નથી. આ રીતે સમજાવનારા દયા કરીને સમજાવે તો પણ સમજવું તે બહુ કઠણ છે. 2/3/18
4. અ. મુ. સ. ગુ. શ્રી ગોપાળાનંદ સ્વામી ઠેઠ મૂર્તિમાં ગતિ કરે, કરાવે અને મૂર્તિમાં રમે એવા મોટા તેમને મંદવાડ આવ્યો, ત્યારે બે સાધુ બાવડાં ઝાલે તો તે ઊંબરો આવ્યો ત્યારે અટકી રહ્યા. ત્યારે સાધુ કહે, સ્વામી! કેમ પગ ઉપાડતા નથી? વાતો તો ઠેઠ અક્ષરધામ અને તેથી પર મૂર્તિમાં રસબસ રહેવાની કરો છો, કેટલાયને મૂર્તિમાં મૂકી દો છો અને પગ તો ઊપડતો નથી. એમ બોલ્યા પણ મોટા તો હજારો જીવોના આત્યંતિક કલ્યાણ માટે મંદવાડ ગ્રહણ કરે છે. સાજા હોય તો તુંબડી પણ હાથે ભરે પણ કોઈને ભરવા ન દે. આ તો મંદવાડ ગ્રહણ કરીને સેવા અંગીકાર કરે છે. 2/8/27
5. શ્રીજીમહારાજને જેવા છે તેવા જાણવા એ તો બહુ ભારે વાત છે. આ વાત સમજાવવા મોટા મોટા સંતોએ બહુ દાખડા કર્યા છે, ઉપાધિઓ સહન કરી છે. એક વખત ગઢપુરમાં મહારાજે ઉદાસી જણાવી, તે થાળ તૈયાર થયો તો ય જમવા ઊઠે નહિ. મૂળજી બ્રહ્મચારી કહે મહારાજ! થાળ કરી જાય છે. માટે જમવા પધારે; જ્યારે આપ જમશો ત્યારે જ સંતોની પંક્તિ થશે. ત્યારે મહારાજ કહે ચાલો. પછી થાળ જમતાં ઉદાસી જણાવતા હોય તેમ થોડુંક જમ્યા ને પાછા અક્ષર ઓરડીમાં આવીને પોઢ્યા. થોડી વાર પછી સ. ગુ. ગોપાળાનંદ સ્વામી મહારાજ પાસે ગયા ને કહ્યું જે, મહારાજ! આજ કેમ ઉદાસ જણાઓ છો? ત્યારે મહારાજ કહે સ્વામી! આપણે અક્ષરધામમાંથી મોટા મોટા અવતારોનો તથા તેમના ભક્તોનો તથા અનંત જીવોનો આત્યંતિક મોક્ષ કરવા આવ્યા છીએ. પણ તમારા જેવા સંતો જ્યારે અમારા સ્વરૂપની જેમ છે તેમ વાતો કરે છે, ત્યારે તેઓ સમજી શકતા નથી ને પોતાની પૂર્વની સમજણને લઈને તમારા જેવા મોટા મુક્તોને વાતો કરતા અટકાવે છે ને સમજવા દેતા નથી. કેટલાક સાધારણ જીવો તો અનાદિ કાળના અજ્ઞાનથી પરવશ થયેલા તે તમારા જેવા સંતોને અનેક પ્રકારના ઉપદ્રવે કરીને કુરાજી કરે છે. તેથી આજ મને એ વાતની ઉદાસી થઈ આવી. પછી મહારાજ એમ બોલ્યા જે, સ્વામી! તમારા દાખડા બહુ છે તે અમે જાણીએ છીએ. તમે અમારા સારુ અજ્ઞાની જીવોના માર તથા અપમાન સહન કરો છો, તેથી અમને ઘણું દુઃખ થાય છે. એમ કહી મહારાજનાં નેત્ર હેતનાં આંસુથી ભરાઈ આવ્યાં. પછી ગોપાળાનંદ સ્વામી કહે મહારાજ! આપ રાજી રહો; અમને કાંઈ દુઃખ નથી. ત્યારે મહારાજ કહે સ્વામી! અનંતધામના મુક્તો તથા અધિપતિઓ જેવી મારી મૂર્તિ છે, જેવો મારો મહિમા છે, જેવું મારું સાર્મથ્ય છે- તેને જાણે તો અમારો ને તમારો દાખડો લેખે આવે, એમ કહી પોઢી ગયા. આવી રીતે શ્રીજીમહારાજે પોતાની રુચિ અ. મુ. સદગુરુ ગોપાળાનંદ સ્વામી જેવા સર્વોપરી સંતને કહી હતી. 2/26/70
6. બાપાશ્રી મંદિરની ઓસરીમાં પોઢ્યા હતા, તે સૂતા સૂતા બોલ્યા જે, આ આકાશમાં વાદળી છે. એટલી વાદળી જોઈને મહારાજે ગઢડામાં કહ્યું હતું જે, આ વાદળી પછેડી જેટલી છે તેમાંથી આપણે પાણી લેવું છે. પછી વાદળી તૂટી પડી, તેથી ઘેલામાં પૂર આવ્યું. તેને પાછું હઠાવવા સારુ દાદાખાચર પાસે મહારાજે નદીને વધાવી. તેથી સાજા ગઢડાને વીટો દીધો એટલું પાણી હતું, તે તુરત જ હડેડાટ કરતું પાછું વળી ગયું. પછી મહારાજ કહે જે અહોહો! દાદાખાચરનું કેવું પરિબળ! એમ પ્રશંસા કરી. કામ તો પોતે જ કર્યું હતું, પણ દાદાખાચરને જશ આપ્યો. એવા મહારાજ છે. તે આજે પણ દિવ્ય સ્વરૂપે એમ જ કરે છે. 2/28/74
7. સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, બાપા! શ્રીજીમહારાજ છપૈયે પ્રગટ થયા ને ગઢપુરમાં અંતર્ધાન થયા- એ બે ધામમાં અધિક કિયું જાણવું? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મૂળીવાળા સ. ગુ. હરિનારાયણદાસજી સ્વામીની છપૈયે બદલી થઈ હતી ને ઘનશ્યામ મહારાજની સેવા કરતા. ત્યાં તેમણે બધાં વચનામૃત કંઠે કર્યાં હતાં. તેમને એવો સંકલ્પ રહેતો કે છપૈયા અધિક કે ગઢપુર અધિક? પછી શ્રીજીમહારાજે રાત્રિએ સ્વપ્નમાં દર્શન આપ્યાં તે સાથે અયોધ્યાપ્રસાદજી મહારાજ, રઘુવીરજી મહારાજ તથા મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી આદિક ઘણા સંતોની મોટી સભા થઈ. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, તમારે શું પૂછવું છે? પૂછવાનું હોય તે પૂછો? ત્યારે તેમણે આ બે ધામમાં અધિક ધામ કયું? એમ પૂછ્યું. ત્યારે રઘુવીરજી મહારાજ બોલ્યા જે, ગઢપુર અધિક. પછી નિત્યાનંદ સ્વામી બોલ્યા જે, એમાં તમે ન જાણો, આ છપૈયા અધિક, કેમ જે ભગવાનનો પ્રાદુર્ભાવ જ્યાં થયો હોય તે ધામ તુલ્ય બીજું ન કહેવાય. પછી શ્રીજીમહારાજે ઊભા થઈને સ્વામી હરિનારાયણદાસજીને કહ્યું જે, ચાલો, અમારું જન્મસ્થાન બતાવીએ. પછી સભામાંથી બંને ઊઠીને ચાલ્યા તે આગળ શ્રીજીમહારાજ ને પાછળ સ્વામી ચાલ્યા; તે જ્યાં પોતે પ્રગટ થયા હતા ત્યાં ઊભા રહીને કહ્યું કે આ સ્થાને અમે પ્રગટ થયા હતા. આ સ્થળે ધૂળની ઢગલી કરો અને આ જગ્યાએ અમારું જન્મસ્થાન કરાવજો. એમ કહી મહારાજ તથા સંતની સભા અદૃશ્ય થઈ ગઈ. 2/29/75
8. મહારાજે કહ્યું જે, નાથ ભક્તના હજાર રૂપિયા અને ઝીંઝુવાડાનું કાસીદું કરી આવ્યો જે બ્રહ્મણ તેનો એક રૂપિયો- તે બે ય સરખું છે, કેમ જે નાથ ભક્ત પાસે હજાર રૂપિયા હતા તેથી તેણે ઘેબરની રસોઈ આપી અને એ બ્રાહ્મણ પાસે એક રૂપિયો હતો તે મહારાજને અર્પણ કર્યો. માટે બે યને બરાબર કહ્યા. 2/37/107
9. સ્વયંપ્રકાશાનંદ સ્વામી પરોક્ષના દ્વારમાં હતા ત્યારે કોઈક વૈરાગી મહારાજને ગાળો દેવા લાગ્યો. તે જેમ જેમ ગાળો દે તેમ મહારાજનું નામ આવવાથી તે સ્થાનમાં પ્રકાશ પ્રકાશ થઈ જાય. તે જોઈ સ્વયંપ્રકાશાનંદ સ્વામીને એમ વિચાર થયો જે, જેનું નામ લેતા આવો પ્રકાશ થઈ ગયો તો તે પોતે તો સાક્ષાત્ ભગવાન હોવા જોઈએ. એમ નિશ્ચય કરી મહારાજ પાસે સોરઠમાં આવ્યા ને સાધુ થઈને રહ્યા. 2/38/114
10. સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી જ્યારે પૂર્વાશ્રમમાં હતા, ત્યારે એક વખત મહારાજનાં દર્શને જેતલપુર આવ્યા. ત્યાં મહારાજનાં દર્શન કર્યાં તે સમે મહારાજે પણ ખુશાલભાઈને (સ. ગુ. ગોપાળાનંદ સ્વામીને) બહુ જણાવીને અત્યંત સુખ આપ્યું. પછી મહારાજ વારે વારે એમ કહે જે, આ તો બહુ મોટા મુક્ત છે. એવામાં દામોદરભાઈ શ્રીજીમહારાજને થાળ જમવા બોલાવવા આવ્યા. ત્યારે મહારાજે કહ્યું જે, તમે ગંગામાને પૂછો કે અમે એકલા આવીએ કે મંડળે સહિત આવીએ? ત્યારે દામોદરભાઈએ ગંગામા પાસે આવીને મહારાજે કહ્યું હતું તેમ સર્વે વાત કરી. ત્યારે ગંગામાએ કહાવ્યું જે, મહારાજ! થાળ તમારા સારુ કર્યો છે તે તમે સર્વે જાણો છો. માટે તમારી મરજી હોય તેમ કરો. પછી મહારાજ મંડળે સહિત જમવા ચાલ્યા, તે મહારાજ અને ખુશાલભાઈ બંને હાથ ઝાલીને આગળ ચાલ્યા આવે, ત્યાં વાટમાં એક ખાલી કૂવો આવ્યો. તેમાં કેટલાંક ભૂત કળાહોળ કરતાં હતાં, ત્યારે મહારાજ કહે કે જુઓ તો ખરા! આ શું થાય છે. એમ કહીને મહારાજ તથા ખુશાલભાઈએ કાંઠા ઉપર ઊભા રહીને તેના સામી કૃપાદૃષ્ટિ કરી અને સ્વામીશ્રીએ તે સર્વે ભૂતનો મહારાજની ઇચ્છાએ કરીને મોક્ષ કર્યો. પછી ત્યાંથી ઘેર પધાર્યા. મહારાજ તો ખુશાલભાઈ ઉપર વારે વારે બહુ હેત જણાવે. પછી ગંગામાને મહારાજે કહ્યું જે, તમે આમને ઓળખો છો? ત્યારે ગંગામાએ કહ્યું જે, ના મહારાજ. ત્યારે મહારાજે કહ્યું જે, આ તો બહુ મોટા છે. પછી ગંગામા પણ મહારાજ તથા ખુશાલભાઈના સામું બહુ જ જોઈ રહ્યાં. ત્યારે મહારાજ બોલ્યા જે, હવે જમવા સારુ જે થાળ કર્યો હોય તે બહાર લાવો. એમ કહીને મહારાજે સંતને પંક્તિ કરવાની આજ્ઞા આપી. એથી પંક્તિ થઈ. પછી મહારાજ પોતે પીરસવા ઊઠ્યા. ગંગામાએ જે થાળ બહાર મૂક્યો તેમાંથી મહારાજે બે ભાગ કર્યા, તે અર્ધો ભાગ લઈને મહારાજે ખુશાલભાઈને કહ્યું જે, આવો! આ પંક્તિમાં પીરસો. ત્યારે મહારાજની આજ્ઞાથી ખુશાલભાઈ થાળ લઈને પંક્તિમાં પીરસવા લાગ્યા. તે અડધા થાળમાં સર્વે સંતને બે-ત્રણ વાર પંક્તિમાં ફરીને ખૂબ જમાડ્યા. આવો એમનો પ્રતાપ જોઈને ગંગામાને બહુ જ આશ્ચર્ય થયું. પછી મહારાજ અને ખુશાલભાઈ બે ય ભેળા જમવા બેઠા, ને જમતાં જમતાં મહારાજ તેમના ઉપર બહુ હેત જણાવે. તે ગંગામા પણ સામું જોઈ રહ્યા જે, આ તે કોણ છે! નવા છે પણ ચમત્કારી બહુ જ છે. તે સમે મહારાજ તથા ખુશાલભાઈ બંનેની મૂર્તિમાંથી ઝળેળાટ તેજના સમૂહ નીકળવા મંડ્યા, તે બે ય રૂપ મહારાજ જેવા જ દેખાણાં; એ જોઈને ગંગામા તો બહુ જ આશ્ચર્ય પામ્યાં જે, આ બેમાં મહારાજ કોણ! પછી થોડી વાર તેવાં દર્શન દઈને મહારાજે તેજ સમાવી પ્રથમનાં જેવું રૂપ ધારણ કરી દર્શન દીધાં. એમ મહારાજ અને અનાદિમુક્ત જુદા નથી. તે અનાદિમુક્ત મૂર્તિમાં રસબસ રહ્યા થકા સેવકભાવે સુખ ભોગવે છે. 2/44/140
11. બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, શુભ વાતોનું મનન કરવું પણ નબળી વાતોનું મનન કરવું નહિ. મોટા અનાદિની છાયામાં ઘાટ-સંકલ્પ બંધ થઈ જાય છે. પર્વતભાઈના ગામની ભાગોળે મતારોધાધલ ગયા ત્યાં અંતઃકરણમાં સત્ત્વગુણ વરતાયો. ત્યારે નારાયણપુરવાળા ધનજીભાઈએ પૂછ્યું જે, બાપા! માતરાધાધલને સત્ત્વગુણ વરતાયો તે શું? ત્યારે બાપાશ્રીએ કહ્યું જે માતરાધાધલનો બાપ ધિંગાણામાં મરાણો હતો. પછી તેને લોકો તેના બાપનું વેર લેવા માટે મેણાં દેતાં, તેથી તેના મનમાં ખેદ બહુ રહેતો, પણ મહારાજનાં દર્શન કરવા જાય ત્યારે એ વિચાર સમાઈ જાય. પાછો ઘેર આવે ત્યારે પાછું ચાનક ચડી જતું. પછી એક વખત તેના ભાઈબંધોને સાથે લઈ વેર લેવા જવાનું નક્કી કર્યું. તે પહેલા મહારાજનાં દર્શન કરી પછી જવું એમ નક્કી કર્યું. ત્યાં મહારાજનાં દર્શન કરી બધી વાત કરી. શ્રીજીમહારાજે તેનો અતિ વેગ જોઈને કહ્યું જે, ભલે જાઓ, પણ પહેલાં અગત્રાઈમાં પર્વતભાઈનાં દર્શન કરીને જજો તો તમારી જીત થશે. પછી માતરોધાધલ અગત્રાઈ જઈ પર્વતભાઈને મળ્યા ને બધી વાત કરી. ત્યારે પર્વતભાઈ બોલ્યા જે, તમે ઠીક કર્યું. ખરા દીકરા હોય તે બાપનું વેર લે જ. પણ એક બાપનું વેર લીધે વેર વળ્યું ન કહેવાય, આ જીવે ચોરાસી લાખ જાતના દેહ ધર્યા તેમાં અનેક બાપ થયા છે. તેમાં કોઈ મોતે મર્યા હોય ને કોઈ કમોતે મર્યા હોય. એ બધાયનું વેર લેવાય તો વેર વળે. એમ કહી મહારાજના ઐશ્વર્ય-પ્રતાપની તથા આજ્ઞાની વાતો કરવા માંડી. તેથી તેને વેર લેવાના અંકુર બળી ગયા. પછી તો તેના ભાઈબંધોએ ખૂબ ચાનક ચડાવવા કોશિશ કરી પણ પર્વતભાઈનાં દર્શન, સમાગમ ને કૃપાથી તેના અંતરમાં ગુણના વેગને લીધે જે ઉદ્વેગ હતો તે નિવૃત્ત થઈ ગયો. એમ મોટાના જોગથી બહુ ભારે કામ થાય છે. 2/57/179
12. બાપાશ્રીએ વાત કરી જે, મહારાજની મૂર્તિ વિના કાંઈ જોયા જેવું નથી. કેમ કે, તે વિના સર્વે વિઘ્નકર્તા છે. તે કેવી રીતે તો એક વખત ગઢપુરમાં મહારાજે સિદ્ધાનંદ સ્વામી ઉપર વાત કરી ને એમ બોલ્યા જે, મોટા સાધુ થઈને હરિભક્તના અંતર જોતા ફરે છે ને હરિજનને બિવરાવે છે તેમ શું કરવા કરતા હશે? તે જોવામાં શું ફાયદો પડતો હશે? તે તો નબળી વસ્તુનો ટોપલો લઈને કોઈ જતું હોય તેમાં જોવાનું મન થાય તેવું છે. ત્યારે સિદ્ધાનંદ સ્વામીએ જાણ્યું જે, મારા ઉપર વાત કરી છે તે હું સર્વે જીવના અંતરની વાત કરું છું તેવું મહારાજે જાણી લીધું. પછી ચૈતન્યાનંદ સ્વામી બોલ્યા જે, હે મહારાજ! એમ કોણ જુવે છે? ત્યારે મહારાજ બોલ્યા જે, આ તમે છો તે નહાવા જતા હો ત્યાંથી બીજે જ્યાં ત્યાં સ્ત્રી આદિક તથા બીજા નબળા-સબળા પદાર્થ તેના સામું જોવાની શી જરૂર? જવું ત્યાંથી જ સરત રાખવી અને આપણને મળ્યા જે ભગવાન તેમને જોવા. તે વિના બીજું જોવાનું શું પ્રયોજન હોય? ત્યારે સ્વામી કહે મહારાજ! એ ખરું. ત્યારે વળી મહારાજે કહ્યું કે આપણને જે વસ્તુનું કામ હતું તે વસ્તુ હાથ આવી તો તેના સામું જોઈ રહેવું પણ બીજું શું કામ જોવું પડે? એમ કહીને મહારાજે સિદ્ધાનંદ સ્વામીને જે પ્રતાપ આપ્યો હતો તે પાછો સંકેલી લીધો. પછી મહારાજની મૂર્તિનું સુખ રહ્યું ને બીજું સાર્મથ્ય જીવના અંતર જોવાનું હતું તે ગયું. 2/65/204
13. બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, મહારાજ આપણી સામું જોઈ રહ્યા છે અને તે બધું ય જાણે છે એવી સમજણ રાખવી. મહારાજથી કોઈ વાત અજાણી નથી. એમ જાણવાથી મહારાજની પ્રસન્નતા ભળે છે. એક ગામમાં ત્રણ ભાઈ ભેગા રહેતા હતા. તે જુદા થયા. ત્યારે એક ભાઈના ભાગમાં મૂળ રહેવાનું જૂનું ઘર આવ્યું. ચાર-પાંચ વર્ષે જ્યારે તે ઘર સમું કરાવતો હતો ત્યારે તે ઘરમાંથી રૂપિયાની માટલી નીકળી. તે વખતે તેણે તેના બીજા ભાઈઓને બોલાવી ભાગ વહેંચી દીધો. ત્યારે તેને પોતાના મતાવાળાઓએ કહ્યું જે, તમારા ભાઈને ક્યાં રૂપિયા નીકળ્યાની ખબર છે? ને તમારા ઘરમાંથી નીકળ્યા છે તેથી તે શેનો ભાગ માગે? ત્યારે તેણે તે કહેનારાને કહ્યું જે, તેને તો ખબર નથી પણ શ્રીજીમહારાજ તો જાણે છે ને કે આ દ્રવ્ય સહિયારું છે. માટે તેમાં તે કેમ ભાગ ન માગે! આવી રીતે ભગવાનના ભક્તની સમજણમાં ભગવાન સર્વે જાણે છે એમ રહે છે. તેથી તે એમ જાણે જે હું અન્યાય કરીશ તો શ્રીજીમહારાજનો રાજીપો મારા ઉપર નહિ રહે. માટે શ્રીજીમહારાજ કુરાજી થાય એવું હરિભક્ત ક્યારેય પણ કરે નહિ. એવા ભક્ત ઉપર ભગવાનની પ્રસન્નતા થાય છે. 2/77/239
14. બાપાશ્રી બોલ્યા જે, પહેલા ભગવાન અને પછી બીજા બધાય. ભાઈ હોય તો ય શું! દીકરો હોય તો ય શું! હરજી ઠક્કરની માએ મહારાજને નહાવા સારુ મોટો ચરુ આપ્યો ત્યારે ત્યારે તેના દીકરા પ્રેમજીએ કહ્યું જે, આવડો મોટો ચરુ કેમ આપ્યો? નાનો આપ્યો હોત તો ન ચાલત? એમ કહ્યું કે તરત જ તેનો સામાન ખણીને ગાડામાં ભરાવ્યો ને રજા દઈ દીધી. પછી કહ્યું કે હું તારું મોઢું નહિ જોઉં, એમ કહીને દેહ મૂક્યો ત્યાં સુધી તેનું મોઢું જોયું નહિ. એ રીતે મહારાજની મૂર્તિ સૌથી વ્હાલી રાખવી. તે હરજી ઠક્કરની માએ વીશ વરસ સુધી તે દીકરાનું મોઢું જોયેલ નહિ, તો પણ શુભ ઇચ્છા રહી જે, મહારાજને મારા હાથથી થાળ કરીને જમાડ્યા નહિ, એવી શુભ વાસના પણ નડી. દેહ પડ્યા પછી ફેર જન્મ લીધો. તે નાનપણમાં મહારાજને દર્શને આવેલ તે વખતે મહારાજે હરજી ઠક્કરને કહ્યું જે, હરજી ઠક્કર! તમારી માને ઓળખો ખરા? ત્યારે તે કહે મહારાજ! એ ને એ રૂપે હોય તો ઓળખું. ત્યારે મહારાજ કહે, આ સામે બેઠી છે તે તમારી મા છે. એમ ઓળખાવ્યાં. પછી તે બાર વર્ષનાં થયાં ત્યારે મહારાજને અતિ હેતે કરીને પોતાના હાથે થાળ કરીને જમાડ્યા એટલે દેહ મૂકીને અક્ષરધામમાં પહોંચ્યાં. આવી શુભ વાસના પણ નડે, માટે સર્વે પ્રકારની વાસના ટાળી એક મહારાજની મૂર્તિ રાખવી. 2/82/254
15. બાપાશ્રીએ વાત કરી જે, મહારાજને રાજી કરવા તત્પર થવું. મહારાજ સાચા ભાવવાળા ઉપર તરત પ્રસન્ન થઈ જાય છે. તે ઉપર વાત કરી જે, દંઢાવ્ય દેશમાં એક ડોશી મહામુક્ત હતાં. તે હાથ જોડીને કહે મહારાજ! હું તમારો થાળ કરું? એમ કહીને મહારાજનો થાળ કરે. પછી રસોઈ સારી થવા માટે માંહીથી જરા ચાખી જુએ ને એક એક ગટ્ટો ભરે. પછી એ વાતની ભગુજીને ખબર પડી ત્યારે કહ્યું જે, મહારાજ! તમને આ ડોશી આવો થાળ જમાડે છે. ત્યારે મહારાજે પરીક્ષા લેવા કહ્યું જે, એમ કરતાં હોય તો તમે જઈને તેને મારો. તે મારવાની તો આજ્ઞા થઈ પણ ડોશી ખરેખરાં મહિમાવાળાં, તેથી રેંટિયો ફેરવતાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ બોલે, ત્યારે વિચાર્યું જે, આવા ભક્તને કેમ મરાય! પછી તે વાત બ્રહ્માનંદ સ્વામીને કહી ત્યારે તેમણે મહારાજને કહ્યું કે મહારાજ! તમે આવું વચન કીધું છે પણ તે બહુ આકરું છે; કેમ જે ડોશી મહામુક્ત છે. ત્યારે શ્રીજીમહારાજ કહે, આવું વચન તો અમારું પણ ન માનવું. એમ કહીને તે રાજબાઈની પ્રશંસા કરી. માટે સાચા ભાવથી જે થાય તે ઠેઠ પૂગે ને મહારાજ રાજી થાય. 2/84/263
16. બાપાશ્રી બોલ્યા જે મહારાજના અનાદિમુક્તનો મહિમા બહુ ભારે છે. એવા મોટાને જમાડે તો અનંતકોટિ બ્રહ્માંડને જમાડે તેટલું ફળ થાય છે. તે ઉપર વાત કરી જે એક વખતે રાજબાઈએ પાંચસો સાધુને જમાડવાની રસોઈ કરાવી. તે તૈયાર થયા પછી શ્રીજીમહારાજે મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી એમ ચાર સંતને જમવા મોકલ્યા. આ સંતો તો ત્યાં જઈને પાંચસો સાધુની રસોઈ જમી ગયા. આ વાતની ખબર પડતાં રાજબાઈ તો દિલગીર થઈ રોવા લાગ્યાં જે, હવે આટલા સંતને હું શું જમાડીશ! એમ કહીને બીજી રસોઈ કરાવી. ફરીથી બનાવેલી રસોઈ પણ આ ચાર સદગુરુઓ એવી જ રીતે જમી ગયા. ત્યારે તે બાઈ ઉદાસ થઈને મહારાજ પાસે ગયાં અને મહારાજને વાત કરી. ત્યારે મહારાજે એ ચારે સદગુરુને બોલાવીને બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યું જે તમે કેટલું જમ્યા? ત્યારે સ્વામી કહે મહારાજ! હું તો એક નવટાંક જમ્યો છું અને બીજા સંતો પણ નવટાંક નવટાંક જેટલું માંડ જમ્યા હશે, બીજું તો સર્વે ધામના મુક્તોને જમાડી દીધું. તે અનંતકોટિ મુક્ત જમ્યા. આ વાત સાંભળીને એ બાઈ કૂદવા માંડ્યાં ને બહુ જ પ્રસન્ન થયાં. આવા મોટા મુક્તોને ઓળખવા ને તેમની સેવા કરવી ને રાજી કરવા એટલે ભેગા મહાપ્રભુજી પણ રાજી થાય. 2/84/264
17. ભૂજમાં શામજીમલ હતા એ ખરેખરા ભક્ત હતા. તે હેતભર્યાં કીર્તન બોલતાં આવે ત્યારે કેટલાક હસે; તો પણ તેનું તેમને કાંઈ નહિ. પ્રથમ તો એ ઘણા આકરા હતા, પણ ઓળખાણ થઈને મહારાજ તથા મોટાનો દિવ્યભાવ આવ્યો ત્યારે બહુ સુખિયા થઈ ગયા. ભોળા ને વિશ્વાસી પણ એવા હતા. તે બ્રહ્મચારી નિર્ગુણાનંદજીને ઘણી વાર કહેતા જે, મને સેવા બતાવો. ત્યારે બ્રહ્મચારી કહે, તમે શું સેવા કરી શકશો? ત્યારે તે કહે જે તમે કહો તે કરીશ. પછી એ બ્રહ્મચારીએ સભાનો દિવ્યભાવ સમજાવીને કહ્યું જે, તમારે અહીં બેસીને હાથમાં પંખો રાખી સભાને વાયરો નાખવો ને એમ ધારવું જે મહારાજ સભામાં પ્રત્યક્ષ બિરાજે છે અને વાયરેથી છોગું ફરકે છે. પછી તો તે એવી રીતે કરતા. જ્યારે બ્રહ્મચારી પૂછે જે, શામજીભાઈ! શું કરો છો? ત્યારે કહે મહારાજને પવન નાખું છું, તેથી શ્રીજીમહારાજનું છોગું ફરક ફરક થાય છે. એમ હેત થઈ જવાથી ને મોટાનો મહિમા જણાવાથી ભાવ સાચો હતો તો મુક્ત થઈ ગયા. 2/97/305
18. બાપાશ્રી બોલ્યા જે, મોટાનો વિશ્વાસ રાખે ને તે કહે તેમ કરે તથા મહારાજની આજ્ઞામાં મંડ્યો રહે તો ખરો ભાવ આવે. માથકવાળા કલ્યાણસંગજીને પ્રત્યક્ષ દર્શનનું તાન હતું, તે અમોએ મહારાજની મૂર્તિ પાસે લઈ જઈને કહ્યું જે, જુઓ, આ ભગવાન ખરા કે નહિ? પ્રતિમા તેજોમય દેખાઈ એટલે તે કહે હા. હવે મારી ખોટ ઓળખાણી એમ બોલ્યા. આમાં સમજવાનું એ છે કે મહારાજની મૂર્તિ છે તે મહારાજ પ્રત્યક્ષ છે એવો દિવ્યભાવ સમજવો. 2/97/306
19. બાપાશ્રીએ વાત કરી જે, સેવકરામ નામનો સાધુ કૃતઘ્ની હતો, પણ મહારાજના હાથથી સેવા થઈ તેથી તેનો મોક્ષ થયો. ત્યારે સાધુ મુક્તવલ્લભદાસજીએ પૂછ્યું જે, બાપા! સેવકરામે તો કૃતઘ્નીપણું કર્યું હતું, તો ય તેનો મોક્ષ કેમ થયો? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, એ સેવકરામને અંત વખતે પણ મંદવાડ બહુ થયો હતો. એના શિષ્યો તે વખતે પાસે હતા પણ તેની સેવા કોઈ કરી શક્યા નહિ. ત્યારે તે એમ બોલ્યો જે, હું પ્રથમ વેંકટાદ્રીથી રામેશ્વર જતો હતો ત્યાં માર્ગમાં મને ઘણો મંદવાડ થઈ ગયેલ, તેથી મારામાં ચાલવા જેટલી શક્તિ રહી નહિ. તે ટાણે મને એક નીલકંઠ બ્રહ્મચારી મળ્યા હતા. તેમણે મારી બહુ ચાકરી કરી હતી. તમે આટલા બધા ભેગા થઈને તેમના હજારમા ભાગની પણ ચાકરી કરી શકતા નથી. અરે! હું કેવો અજ્ઞાની કે મેં એ બ્રહ્મચારીને તે વખતે ખાવાનું પણ આપેલ નહિ અને તમે તો આ મઠના ધણી થઈ બેઠા છો, તો ય મારી કોઈ સેવા કરતા નથી. અત્યારે એ નીલકંઠ બ્રહ્મચારી અહીં ક્યાંથી આવે? મેં એ વખતે બહુ ભૂલ કરી. એમ મહારાજને સંભારી પસ્તાવો કરતો હતો; તે વખતે પોતાનું બિરદ જાણી મહારાજે તેજોમય દર્શન આપ્યાં ને બોલ્યા જે, અમે તો ભગવાન સ્વામિનારાયણ છીએ ને તને તેડવા આવ્યા છીએ. ત્યારે તે સેવકરામ અતિ સ્નેહથી કહેવા લાગ્યો જે, અહો! આ સ્વામિનારાયણ ભગવાન આવ્યા. પછી તેના શિષ્યોને બોલાવીને કહ્યું જે, આ ભગવાનનાં દર્શન કરો ને હવે સૌ એમનું ભજન કરજો. એમ કહી પ્રાર્થના કરવા લાગ્યો જે, હે નીલકંઠવર્ણી! તમને મેં આવા ભગવાન જાણ્યા નહોતા. તેથી મારે બહુ અપરાધ થયો. હવે મારો ગુનો માફ કરો. એમ પ્રાર્થના કરતો તે દેહ મૂકી દીધો. પછી શ્રીજીમહારાજે તેને સત્સંગમાં જન્મ ધરાવ્યો, પણ મહારાજને જરાય અન્ન આપેલ નહિ; તેથી તેને દેહ રહ્યો ત્યાં સુધી ખાવા-પીવાનું દુઃખ બહુ રહ્યું હતું. પછી શ્રીજીમહારાજ તેને પોતાનો શરણાગત જાણી અંત વખતે દર્શન દઈ અક્ષરધામમાં તેડી ગયા; એવી મહારાજની દયા છે. 2/97/306,307
20. બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, ગામ શ્રી કેરામાં ગંગાએ (પ્રસાદીનું સ્થળ) સ. ગુ. સ્વામી શ્રી નિર્ગુણદાસજીએ સભા કરીને મહારાજના સર્વોપરીપણાની તથા લીલાચરિત્રની બહુ વાતો કરી હતી. તે વખતે એક બાવો એ ગઢના તિલાટનો માનીતો હતો, તે સંવાદ કરવા લાગ્યો. તેને સ્વામીશ્રી શાસ્ત્રનાં વચનોથી સમજાવતા હતા, પણ તે સમજે નહિ. પછી પુરાણી દેવચરણદાસજી શ્લોક બોલ્યા ત્યારે તેણે કહ્યું જે, તમે ન બોલો, તમારું પ્રમાણ નહિ કરું. આ બુઢ્ઢા સ્વામી ભલે બોલે. પછી સ્વામી સાથે સંવાદ કરતાં કરતાં મિથ્યા જ્ઞાનીની પેઠે બ્રહ્મ નિરૂપણ કરવા લાગ્યો જે, બ્રહ્મ તો નિર્ગુણ છે, ઉનકુ કોઈ પાપ-પુણ્ય નહિ હે. પછી તો છકમાં બોલવા લાગ્યો જે, મા કોન હે? બાપ કોન હે? બહેન કોન હે? સ્ત્રી કોન હે? સબહીકા સરખા આકાર હે. પત્થરમેં ઓર મૂર્તિમેં ક્યા ભેદ હે? પછી સ્વામીએ કેટલાંક શાસ્ત્રનાં પ્રમાણ આપી પકડ્યો તેથી તે કાંઈ બોલી શક્યો નહિ. પછી સ્વામીશ્રીએ તિલાટને કહ્યું કે જુઓ! આ તમારા ગુરુ એના બોલ કેવા છે? એણે તો બધું ય બોળ્યું. પછી તે તિલાટને પણ તેના પર રીસ ચડી, તેથી તેને કાઢી મૂક્યો. જગતમાં આવા મિથ્યા જ્ઞાનીને પણ (સમજણના અભાવે) કેટલાક વળગે છે. 2/114/363
21. બાપાશ્રીએ વાત કરી જે, સ. ગુ. શ્રી નિર્ગુણદાસજી સ્વામીએ ભૂજની ધર્મશાળા કરાવી ત્યારે દરબારી જગ્યામાં પાયો ખોદાવ્યો અને બોલ્યા જે, એ જગ્યા આપણને આવશે. પછી સ્વામીશ્રીના કહ્યા પ્રમાણે દરબારશ્રીએ તે જગ્યા આપી; એવા વચનસિદ્ધિ હતા. તેમના પ્રતાપથી એ હવેલી થઈ, તે વખતે સ્વામી અક્ષરજીવનદાસજી જેવા મોટા હતા તે સ્વામી નિર્ગુણદાસજીનો મહિમા જાણતા. 2/143/434
22. બાપાશ્રી બોલ્યા જે, અમે પુરાણી શ્રીકૃષ્ણદાસજીને ચાર મહિના સુધી છાના ખાવાનું પહોંચાડતા. દિવસના એ પાન્યમાં સંતાઈ રહેતા અને રાત્રિએ આપણી છત્રી પાસે દહેરી છે તેમાં સૂઈ રહેતા, એવા દુઃખ સાધુ થવા સારુ સહન કર્યાં છે. એવા વૈરાગ્યવાન થવું જોઈએ. પૂર્વાશ્રમમાં એનો બાપ પ્રેમજી હતો તે કહેતો જે, મારો ભીમજી જો હાથ આવે તો બરાબર મારું, પણ અમે તેને હાથ આવવા દીધા નહિ અને એક ઝાલાવાડનો બ્રાહ્મણ અહીં આવ્યો હતો તેની સાથે કાગળ લખીને સ. ગુ. શ્રી નિર્ગુણદાસજી સ્વામી પાસે મોકલ્યા અને ખરચી સારુ એંસી કોરી આપી. પછી તેમણે વઢવાણ પાસે રામપરામાં સ્વામી હતા ત્યાં જઈને કાગળ આપ્યો. કાગળ વાંચીને સ્વામીશ્રી તેમના પર રાજી થયા ને સાધુ કરી ભણાવ્યા. તે પુરાણી થયા. તેને બાર વર્ષ થઈ ગયાં ત્યારે પ્રેમજીએ અમને કહ્યું જે, મારા ભીમજીનાં દર્શન કરાવો તો તમને ઇનામ આપું. ત્યારે અમે કહ્યું જે, અમારે તારું ઇનામ ખપતું નથી. પણ તને દર્શન કરાવશું. પછી અમે સ્વામીશ્રીને કાગળ લખ્યો જે, શ્રીકૃષ્ણદાસજીને સાથે લઈને કચ્છમાં પધારશો. ત્યારે સ્વામીશ્રી અમારો કાગળ વાંચીને મંડળે સહિત ભૂજ આવ્યા. એટલે અમે પ્રેમજીને ભૂજ લઈને શ્રીકૃષ્ણદાસજીને બતાવ્યા, તેના સામું જોઈને કહે જે, આ નહિ. આ તો બહુ જાડા છે. મારો ભીમજી તો પાતળો હતો. પછી એના ગળામાં રસોળી કપાવી હતી તેનું ચિહ્ન હતું તે બતાવ્યું. ત્યારે કહ્યું જે, હા, હવે ખરા. તે વખતે અમે તેને કહ્યું જે, એમને તું ધોતિયું ઓઢાડ. ત્યારે તે કહે જે, ના, હું તો એને સારી પેઠે મારીશ પણ અમે આગળથી નાયબ દિવાન માધવલાલભાઈ ઠાસરાવાળાને સિપાઈઓ સાથે લઈને સભામાં બેસાર્યા હતા, તેમણે તેને ધમકી દીધી જે, જો તું મારીશ તો તને બેડિયું પહેરાવી દઈશ એમ કહ્યું, તેથી તે દબાઈ ગયો અને ધોતિયું ઓઢાડ્યું.
બીજા ગોવિંદપ્રિયદાસજી તે પણ અહીંના હતા. તે જ્યારે ઘેર હતા ત્યારે તેમને ભૂજના મંદિરમાંથી એનો બાપ ઊંધે માથે ઊંટિયાને કાંઠે લટકાવીને મેઘપુર પટેલિયા પાસે લઈ ગયો ને બધી વાત કરી, તેથી પટેલિયે તેને બાંધીને પાંટિયા પાસે તાજેણા મરાવ્યા. પછી શ્રીજીમહારાજે કોઈ કુસંગી દ્વારે કહેવરાવ્યું જે, તમે આવા અન્યાય કરો છો ને કોઈની બીક મનમાં રાખતા નથી, પણ આવાં કામ કરતાં બધાય જેલમાં જશો તે વિચારજો. એ વાત સાંભળીને તેને મારતા અટક્યા ને છોડી મૂક્યા. એવી રીતે શ્રીજીમહારાજે તેની રક્ષા કરી. તેમની પાસે પૂજા હતી તે આપણા કાનજીભાઈના સસરા શામજી ભક્ત હતા તે દર્શન કરાવીને પાછા લઈ લેતા. પછી એક દિવસે ઘરામાંથી મૂર્તિઓ કાઢી લઈને કહ્યું જે, આ લો, પૂજા રાખો. ત્યારે શામજીભક્તે પૂજા રાખી અને ગોવિંદપ્રિયદાસજી જતા રહ્યા તેના બીજે દિવસે પૂજા જોઈ ત્યારે ઘરામાં મૂર્તિઓ ન મળે. ખાલી ઘરાં જોઈને કહ્યું જે, આ તો લાકડાનો ભારો છે; ભગવાન તો જતા રહ્યા છે. પછી તેનો બાપ બોલ્યો જે, હવે હાથ આવે તો બાંધીને આ કૂવામાં લટકાવી મૂકું અને કાં તો પગ ભાંગી નાખું, તે ક્યાંય જઈ શકે નહિ; તેવી તેને ઉપાધિ હતી. તેમને પણ અમે સંતાડી છાના રાખતા ને ઘસિયો-સુખડી ખાવા આપી આવતા, એમ કરી કરીને સાધુ કર્યા છે. 2/143/434
23. બાપાશ્રીએ વાત કરી જે અનાદિ મહામુક્તનો મહિમા બહુ સમજવો. જો મહિમાની કસર હોય તો કોઈ વખત મૂંઝાઈ જવાય. દંઢાવ્ય દેશમાં જેઠાભાઈ નામના ઉત્તમ હરિભક્ત હતા. તેને અનાદિ મહામુક્તરાજ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી સાથે ખરેખરું હેત તથા અત્યંત આત્મબુદ્ધિ હતી. પછી એક સમયને વિષે સ્વામીશ્રીને અતિ મંદવાડ થઈ ગયેલો, તે મંદવાડની વાત જેઠાભાઈએ સાંભળી તેથી ઉદાસ થઈ ગયા. પોતે પચાસ ગાઉ છેટે રહેતા હતા તો પણ મંદવાડની વાત સાંભળતા તરત જોવા સારુ ચાલી નીકળ્યા. તે જ્યાં સ્વામી હતા ત્યાં આવ્યા. તે વખતે સ્વામી અબોલ થઈ ગયા હોય ને બોલતા ન હોય તેવો ભાવ દેખાડ્યો. તે જોઈને જેઠાભાઈ મૂર્છાગત થઈ ગયા અને બોલ્યા જે, અત્યારે સ્વામી મને એક વખત જવાબ આપે ને મારી સાથે વાત કરે તો મારું સર્વે દ્રવ્ય વાપરી નાખું. પછી બીજા સાધુ હતા તે કહે જે, જેઠાભક્ત! વિચાર કરીને બોલો, સ્વામી તો હમણાં બોલશે. પછી જેઠાભાઈએ કહ્યું જે, સ્વામી! હું સત્ય બોલું છું. લાવો 'પણ' કરું. જો એક વખત જવાબ આપે તો મારું દ્રવ્ય વાપરી નાખું. આમ કહ્યું, પણ સ્વામી તો તે વખતે બોલ્યા નહિ. પછી રાત્રે સ્વપ્નમાં આવી જેઠાભાઈને દર્શન દીધાં ને કહ્યું જે, જેઠાભાઈ! તમે અમારા મંદવાડના સમાચાર સાંભળીને આવ્યા ને અમે તમારી સાથે બોલ્યા વિના રહ્યા. તે બોલત તો ખરા, પણ તમારું બધું દ્રવ્ય વાપરી નાખવાનું તમોએ કહ્યું તેથી અમો તે વખતે બોલ્યા નહિ. માટે ક્યારેય આવું 'પણ' ન કરવું. આવી રીતે મોટા અનાદિની વાત જુદી છે. 2/74/229