૧૩. ‘સિંહણનું દૂધ તો હેમના પાત્રમાં જ રહે’ - વિભાગ ૧
સંપૂર્ણ પાત્ર થવું જોઈએ અને સંપૂર્ણ પાત્ર થવાય તેવા મોટાનો જોગ કરવો જોઈએ.
1. પ્રથમ પ્રકરણનું 78મું વચનામૃત વંચાતું હતું. તેમાં 22મા પ્રશ્નમાં વિષમ દેશકાળમાં રહીને માર ખાવો નહિ એમ આવ્યું, ત્યારે બાપાશ્રી બોલ્યા જે, કેવળ દેહનો માર ન સમજવો; જીવનો માર પણ સમજવો. માટે ત્યાંથી આઘું-પાછું ખસી નીકળવું એટલે કુસંગ મૂકીને જ્યાં ભગવાન ભજાય એવું સ્થાન હોય ત્યાં જાવું. સાધુ હોય તેણે મંડળનો ત્યાગ કરવો. ગૃહસ્થોએ ગામનો તથા સંબંધીનો ત્યાગ કરી જાતું રહેવું, પણ કોઈની મહોબતમાં લેવાવું નહિ. 1/18/40
2. કોઈએ ધર્મ લોપ્યો હોય તેને સમજાવીને પ્રાયશ્ચિત્ત કરાવીને ઠેકાણે પાડવો. જો ન માને તો તેનો ત્યાગ કરવો. પ્રાયશ્ચિત્ત પણ એક વાર ભૂલ્યો હોય તેને કરાવવું. બીજી વાર ભૂલે તો કાઢી મૂકવો. ધર્મ પાળતો હોય પણ જો ભગવાન ભુલાવે એવો હોય તો તેનો પણ ત્યાગ કરવો. 1/38/76
3. સત્સંગી થવામાં દાખડો ઘણો છે. જ્યારે આત્મા, પરમાત્મા, સંત અને એમનાં કરેલાં શાસ્ત્રના વચન પ્રમાણે વર્તે અને તે વિના બીજે આસ્તા ન આવે ને બીજું ન સંભારે ત્યારે તે સત્સંગી કહેવાય, અને તેણે જ તન, મન, ધન અને કર્મ અર્પણ કર્યાં કહેવાય. સર્વસ્વ શ્રીજીને અર્પણ કરવું, એટલે ઇન્દ્રિયો, અંતઃકરણ ને જીવ શ્રીજીની મૂર્તિમાં જોડી દેવા ને સર્વસ્વ અર્પણ કર્યું કહેવાય. 1/53/101
4. ભગવાનના ભક્તે જાણે-અજાણે કાંઈક પાપ થઈ જાય તો તેનું પ્રાયશ્ચિત્ત કરવું. તે કીડી-મંકોડી મરે તો સ્વામિનારાયણ નામનો મહામંત્ર જપવો. એ પ્રમાણે સંતને પૂછીને જેવું પાપ તેવું પ્રાયશ્ચિત્ત કરવું. તે પ્રાયશ્ચિત્ત કરવાથી દેહની શુદ્ધિ થાય છે અને ધ્યાને કરીને જીવની શુદ્ધિ થાય છે. ઘણું તપ કરવાથી તમોગુણ વધે છે, માટે જેણે કરીને શ્રીજીમહારાજને ભૂલી જવાય ને નિયમ થઈ શકે નહિ, એવું અતિ તપ કે વ્રત કરવું નહિ. પ્રાયશ્ચિત્તના જે ઉપવાસ કે વ્રત છે તે તો લેણું કહેવાય. તે લેણું તો આપવું જ, તેમાં તો છૂટકો જ નહિ. માળા ફેરવવી, પાંચ વખત માનસી પૂજા કરવી, ધ્યાન, ભજન, કથા, વાર્તા, નિયમ ધર્મ જે જે કરવું તે સર્વે બ્રહ્મયજ્ઞ કહેવાય, તેથી કરેલું સર્વે ખજીને પડે છે અને અંતે તેનું ફળ જે મૂર્તિનું સુખ તે મોટા આપે છે એટલે એ સુખમાં લઈ જાય છે. 1/71/133
5. પ્રથમ પ્રકરણનું 7મું વચનામૃત વંચાતું હતું. તેમાં શ્રીજીમહારાજનું ગોલોક ધામ ને તેને વિષે બ્રહ્મજ્યોતિ છે, તે અક્ષરબ્રહ્મથી પર છે એમ આવ્યું. ત્યારે સંતોને માંહોમાંહી સંવાદ થયો. તેમાં કેટલાક અક્ષરબ્રહ્મને પર કહેવા લાગ્યા ને કેટલાક અક્ષરબ્રહ્મથી ગોલોકને પર કહેવા લાગ્યા. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, કોઈ વાતમાં વાદવિવાદ કરવો નહિ. વાદવિવાદમાં તમોગુણ આવે. કદાપિ કોઈકનું પ્રતિપાદન થાય તો તેનું માન આવે માટે એ માર્ગે ચાલવું નહિ. વાતચીત કરતાં તથા પ્રશ્ન-ઉત્તર કરતા રજ-તમનો ભાવ લાવવો નહિ. ઊનું નહિ, ટાઢું નહિ, મંદ (મંદપણુ), શીતળ ને શાંત એવું મહારાજનું સુખ છે તે સુખ જેને રજ-તમ ન ભળે તેને આવે છે, માટે રજ-તમ આવવા દેવો નહિ, કેમ જે તેમાં માયા ભળે છે ને પરાભવ કરે છે. પ્રશ્ન-ઉત્તરમાં ધડાકો મારે તેના ઉપર મહારાજ ને મોટા રાજી ન થાય. વાદવિવાદ કરતાં તમોગુણ આવે તો શબ્દ સર્વે વ્યર્થ થઈ જાય ને મહારાજને ભૂલી જવાય. એવી ખોટ આવે અને કોઈને સમાસ ન કરે. માટે સાધુ થાવું એટલે મહારાજ તથા એમના મુક્ત જેવું થાવું. 1/109/197
6. દારૂ-માંસ યુક્ત દાક્તરી ઔષધ ખાવું નહિ ને અજાણમાં ખવાઈ ગયું હોય તો એક ઉપવાસ કરવો. કોઈકને દેહની સાધ્ય (ભાન) ન હોય ને તેને કોઈકે ખવરાવ્યું હોય તે જ્યારે જાણ્યામાં આવે ત્યારે એક ઉપવાસ કરી પ્રાયશ્ચિત કરી નાખવું. 1/123/218
7. સત્સંગમાં કોઈ વાતની ખામી નથી તો પણ કોઈક સંતને એમ રહે જે મારે ધાબળી નહિ, પત્તર નહિ ને ગૃહસ્થને એમ રહે જે મને કોઈ બોલાવે નહિ. એમ ન સમજે જે, આ બ્રહ્મસભામાં બેસવા મળે છે તે ક્યાંથી મળે? મોટા સદગુરુને તથા નાના સાધુને ખાવા-પીવીનું સરખું ને વસ્ત્ર સરખાં તો પણ દુઃખ માને તે મનનું દુઃખ કહેવાય. મહાપ્રભુજી અક્ષરધામનું જેટલું સુખ છે એટલું બધું ય આપણા સારુ લાવ્યા છે અને પામરને પણ એ સુખ સરખું આપ્યું છે. માટે દુઃખિયા થાવું નહિ. આ તો રાજાના કુંવરને પોતાના વૈભવની ખબર નથી. દેહ ભેળા ભળવું નહિ ને પરભાવનું સુખ લેવું. દેહ તો બહુરૂપી છે. તે એક દિવસ સાજો ને એક દિવસ માંદો. જો આપણે એના સામી દૃષ્ટિ રાખીએ તો ભગવાન ભુલાવે એવો છે; માટે દેહનો અનાદર રાખવો. 1/129/224
8. મહારાજની મૂર્તિ રાખે તો સુખિયા થવાય. આવી જબરી વાતમાં હર્ષ થતો નથી ને માયિક વાતમાં હર્ષ થાય છે એ મોટું અજ્ઞાન છે. રામપરામાં એક હરિજન ગુણબુદ્ધિવાળા હતા. તે ભવૈયા જોવા ગયા. તેમને લઘુ કરવાનું બહુ થયું પણ માર્ગ (જગા) જતો રહે એટલા સારુ ઊઠ્યા નહિ ને લઘુ ચોરણામાં થઈ ગયું. એવું તાન માયિકમાં છે. પુરુષોત્તમ ભગવાનની કથા-વાર્તામાં એવું તાન થાતું નથી એ મોટું અજ્ઞાન છે. કથા-વાર્તામાં તો જેની જેટલી સ્થિતિ થાય છે તેને તેટલો હર્ષ થાય છે. 1/132/229
9. સભામાં સર્વે સંતોએ કહ્યું જે, દેહે કરીને તો વર્તમાન યથાર્થ પાળીએ પણ અંતઃકરણમાં ઘાટ થાય તે ટાળવા અમારા હાથમાં નથી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, દેહે કરીને આજ્ઞામાં જરાએ ફેર પડવા દે નહિ તો તેના અંતરના દોષ માત્ર ટાળીને તેને બળિયો કરી દઈએ. આ તો આજ્ઞાએ પાળવી નથી ને બધું મોટા પાસે કરાવવું છે તે કેમ બને? પાત્ર તો પોતે જ થવું જોઈશે.
પછી સ્વામી નારાયણસેવકદાસજીએ કહ્યું જે, પાત્ર તો કંસારા કૂટી કૂટીને કરે છે માટે પાત્ર કરનારા પણ જોઈએ. ત્યારે બાપાશ્રી બોલ્યા જે પાત્ર કરનાર તો તૈયાર છે, પણ તેમનું માનવું નથી તો શી રીતે પાત્ર થવાય?
સ્વામી નારાયણસેવકદાસજીએ કહ્યું જે, અમને તો વહાણમાં બેસારી દો. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, વહાણમાં બેસાર્યા કેડે પણ તેમાંથી પડતું મેલે તેને કેમ કરીએ? મહારાજ ને મુક્ત તો સર્વેને જોઈ રહ્યા છે, પણ જીવ ભાળતા નથી તેથી આજ્ઞા લોપી નાખે છે એટલે મહારાજ ને મોટા તેને મૂર્તિનું સુખ આપતા નથી. માટે આજ્ઞા પાળવી ને માન, મદ, મત્સરાદિ સર્વે દેષ ટાળવા તો મૂર્તિનું સુખ આવે.
પછી વળી સ્વામીએ કહ્યું જે, માનાદિક દોષ તો રહ્યા છે ખરા. ત્યારે બાપાશ્રી બોલ્યા જે એ દોષ ઓળખવા ને તેની સાથે વૈર બંધાણું તો હવે એ દોષ રહેશે નહિ. મહારાજ ને મોટા સહાય કરીને નાશ કરશે, માટે વોળાવો (ભોમિયો) સારો લેવો પણ ચોરટાને વોળાવા તરીકે લેવો નહિ. 1/137/238
10. પવિત્ર થવાનો શો ઉપાય હશે? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, જ્ઞાનેન્દ્રિયોને જ્ઞાન માર્ગે ચલાવે ને કર્મેન્દ્રિયોને કર્મ માર્ગે ચલાવે, એમ સર્વે ઇન્દ્રિયે કરીને ભગવાન સંબંધી ક્રિયા કરે તો પવિત્ર થઈ જવાય. બીજું આ બ્રહ્મસભામાં નહાય તો પવિત્ર થાય. આ બ્રહ્મઅગ્નિ છે. આ સભામાં ઝીલે એટલે જ્ઞાન ગ્રહણ કરે તો તે મૂર્તિથી ઓરો રહે નહિ. 1/149/260
11. એક હરિજન વ્યવહારે દુર્બળ હતા ને સુખે મહારાજનું ભજન કરતા. તેને વ્યવહારે દુઃખી જોઈને કોઈકે મહારાજને કહ્યું જે, હે મહારાજ! આ હરિજન બહુ સારા છે, પણ વ્યવહારે દુઃખી છે તે દયા કરો તો વ્યવહાર સારો થાય. પછી શ્રીજીમહારાજે કહ્યું જે સારું થશે, તેથી તેને બહુ દ્રવ્ય થયું. પછી તો ભગવાન ભજાય નહિ ને ખાવાની પણ નવરાઈ આવે નહિ. એક વાર તે હરિજન મહારાજનાં દર્શન કરવા આવ્યા, તેમને મહારાજે કહ્યું જે કેવા સુખિયા છો? પછી તે હરિભક્ત કહે જે, મહારાજ! સર્પના કંડિયામાં દેડકાને પૂર્યો છે તે ક્યાંથી સુખિયો હશે? ત્યાર કેડે મહારાજે તેનો વ્યવહાર હતો તેવો દુર્બળ કર્યો ત્યારે શરીરે પુષ્ટ થયો ને સુખે મહારાજને ભજવા માંડ્યો. માટે સારો વ્યવહાર પણ હરિભક્તોએ દુઃખદાયી જાણવો. 1/151/265
12. જે જીવના હાથમાં રામપાત્ર હોય તેને બીજાના વૈભવ જોઈને એના જેવું થવાનો સંકલ્પ થાય, પણ મોટા ભક્તને જોઈને તેમના જેવું થવાનો સંકલ્પ ન થાય અને તેમના જેવું આપણે થાવું પરવડે નહિ એમ કહે. ત્યાગી થયા હોય તે પણ બીજાના પદાર્થ જોઈને પોતે ભેળા કરવાની ઇચ્છા કરે, પણ કોઈક ધ્યાન-ભજન ઝાઝું કરતા હોય તેનો વાદ ન લે, એવા જીવના અવળા સ્વભાવ છે; તે ઊતરી જાય પણ ચઢતો રંગ ન રાખે. 1/155/274
13. ભગવાનના ભક્ત સાથે કોઈ પ્રકારની આંટી ન રાખવી. વંટોળિયાને છોકરાં ધૂળ ઉડાડે ને ખાસડે મારે ત્યારે આંટી મેલી દે છે, તેમ આપણે આંટી ન મેલીએ તો શ્રીજીમહારાજ ખાસડે મારે, માટે કોઈ પ્રકારની આંટી રાખવી નહિ. શ્રીજી કે એમના ભક્ત મુકાવે તો તરત આંટી મૂકી દેવી. 1/157/278
14. આ જીવને પાંચ ભૂત વળગ્યાં છે, તેનો વિશ્વાસ ન રાખવો. ભૂજમાં સુંદરજીભાઈ હતા તેમણે પ્રવૃત્તિ ઘણી રાખી હતી. તેથી શ્રીજીમહારાજે પંદર દિવસ સુષુપ્તિ અવસ્થામાં રાખ્યા ને પ્રવૃત્તિ ટાળીને શુદ્ધ કરીને દિવ્ય દર્શન કરાવીને લઈ ગયા. 1/166/306
15. જે વર્તમાન લોપે તે જો ગૃહસ્થ હોય ને ઠાકોરજીની સેવા કરે તો તેમાં લોભાઈને તે સેવા ન લેવી. જ્યારે પ્રાયશ્ચિત્ત કરે ત્યાર પછી સત્સંગમાં લેવો, પણ પૈસાના લોભથી પ્રાયશ્ચિત્ત કરાવ્યા વિના છોડી મૂકવો નહિ. પ્રાયશ્ચિત્ત તો કરાવવું જ. જો સાધુનો શિષ્ય હોય ને તે સેવા બહુ કરતો હોય, પણ તે ધર્મમાંથી પડે તો તેનો પક્ષ ગુરુએ રાખવો નહિ ને તેને પ્રાયશ્ચિત્ત કરાવવું, પણ સેવાને લોભે કરીને પક્ષ ન લેવો અને તેના ભેળાયે રહેવું નહિ. અને આચાર્યે પણ પ્રાયશ્ચિત્ત કરવું તો શ્રીજીમહારાજ ને મુક્ત રાજી થઈને પોતાને સુખે સુખિયા કરે. જો ગાફલાઈ અથવા મહોબત રાખીને કોઈને કાંઈ ન કહે અને ભેળા રહે તો તેનું કલ્યાણ થાવું કઠણ છે; માટે સર્વેને પ્રાયશ્ચિત્ત કરાવવું. જે પ્રાયશ્ચિત્ત ન કરે તેનો ત્યાગ કરવો, કેમ જે એમાં ધર્મ ન હોય. 1/188/354
16. પોચા પોચા ન રહેવું. મહારાજની આજ્ઞા પાળવી ને મોટા મુક્તનો જોગ કરી અંગ ફેરવવું તે સૌ જાણે જે આમણે જોગ કર્યો, તેથી આમનું અંગ ફરી ગયું છે. સમુદ્રમાં મીઠું પાણી આવે છે તે ખારા પાણીને ઠેલીને પાછું લઈ જાય છે તેમ. આપણે આજ્ઞામાં ફેર પડવા દેવો નહિ અને આસક્તિ ટાળીને મહારાજમાં જોડાવું. દેશ-પરદેશ ફરવું ને રમવું તે સર્વે મૂકી દેવું અને ઊતરતા ભેગા ભળી જાવું નહિ. સત્સંગની લટક હાથ આવે ત્યારે જોગ કર્યો કહેવાય. 1/192/362
17. યોગ્ય-અયોગ્ય કર્મ કહ્યું તે કયું જાણવું? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આજ્ઞા પ્રમાણે વ્યવહાર કરે તે યોગ્ય કર્મ જાણવું. અને તેમાં આજ્ઞા વિરુદ્ધ સંકલ્પ થઈ જાય તે અયોગ્ય કર્મ જાણવું; અને કોઈક ઉપર ક્રોધ થઈ આવે તે પણ અયોગ્ય કર્મ જાણવું અને તેનું પ્રાયશ્ચિત્ત કરવું. 1/193/367
18. અમારે કણબીમાં કોઈકનું બાજરિયું ખવાઈ ગયું હોય તો પ્રાયશ્ચિત્ત માગે અને મહેતા તથા સોની હોય તે સિંધની કમાઈ ખાય, પણ પ્રાયશ્ચિત્ત કોઈ પૂછે નહિ. જે ચોરી ન કરે તે અક્ષરધામમાં બેસે ને જે ચોરી કરે તેનો સાંધો આવે નહિ. 1/203/397
19. ઝીણા જીવ-માખ, મગતરું, માંકડ, ચાંચડ, કીડી, મંકોડી મરે તો સ્વામિનારાયણ નામનો મહામંત્ર જપવો; અને વીંછી, ભમરો, દેડકું, ચરકલું એવો જીવ મરે તો એક ઉપવાસ કરવો; અને તેથી મોટા જીવ મરે તો પાદકૃચ્છ વ્રત કરવું. જો નિષ્કામ, નિર્લોભમાં ચૂક પડે તો તેના પ્રમાણમાં મોટાને પૂછીને મહિનો-બે મહિના, ત્રણ મહિના, પંદર દિવસ, વીસ દિવસ ધારણાં-પારણાં અથવા ચાંદ્રાયણ વ્રત કરવું. એવી રીતે પાપનું પ્રાયશ્ચિત્ત કરે તો પછી માળા, માનસી પૂજા આદિક સાધન કરે તે ખજીને પડે ને મહારાજની મૂર્તિનું સુખ મળે, માટે પ્રાયશ્ચિત્ત કર્યા વિના ચલવવું નહિ અને પ્રાયશ્ચિત્ત ન કરે એવા પાપી ભેળા ભળવું નહિ. જે મહારાજની આજ્ઞા પાળતા ન હોય તે પાપી જાણવા ને તેમનો પક્ષ રાખવો નહિ. કેમ જે પાપીનો પક્ષ રાખે તેને યમપુરીમાં જાવું પડે. 1/204/400
20. આપણે તો શ્રીજીમહારાજ, આ સભા, આ સંત રાખવા. તેમાં ખોટ પડે તો જડ માયા અને ચૈતન્ય માયા પેસે. તેથી ગૃહસ્થે નિર્વાસનિક રહેવું; તો સુખિયા રહેવાય. આજ ચોખ્ખું થવાય તો મહારાજ નિવાસ કરીને રહે. માયા ઓછી કરવાને બદલે વધારે કરે એટલે એક ચામડું જાય ને વળી બીજું આવે, પણ આપણે તો અક્ષરધામની સભા ઓળખીને માયાને તજી દેવી. કહેવાયા તો સારા ને હરાયા ઢોરની પેઠે ચોરીઓ-દારીઓ કરે પણ તે સત્સંગી ન કહેવાય. માટે સત્સંગીએ મોટા પાંચ વર્તમાન અવશ્ય પાળવા. તેમ જ લોભ તજવો, કારણ કે લોભીની તથા ચોરની આબરુ જાય છે. અને અપઘાત પણ કરવો પડે છે. અમને વિસનગરના સોનીએ કહ્યું કે મને ચોરી કરવાની રજા આપો, કારણ કે બીજા સોની કરે છે તો અમે કહ્યું કે ભિક્ષા માગીને નિર્વાહ કરવો પણ ચોરી ન કરવી. 1/251/510