૧૬. દેવનો ધર્માદો ને દેવમિલકતની સ્પષ્ટતા
શ્રીજીમહારાજની મૂર્તિમાં ઇન્દ્રિયો, અંતઃકરણ ને જીવ તે એકાગ્ર કરીને જોડાઈ જાવું તે ઉત્તમ ધર્માદો છે.
1. ગૃહસ્થ હોય તેમણે દશાંશ-વિશાંશ કાઢવો તે કનિષ્ઠ ધર્માદો છે; અને બાર મહિનામાં એક-બે મહિના મોટા મુક્તનો સમાગમ કરવો તે મધ્યમ ધર્માદો છે. અને શ્રીજીમહારાજની મૂર્તિમાં ઇન્દ્રિયો, અંતઃકરણ ને જીવ તે એકાગ્ર કરીને જોડાઈ જાવું તે ઉત્તમ ધર્માદો છે. આ ત્રણ પ્રકારનો ધર્માદો છે તે સર્વે ગૃહસ્થોએ કાઢવો પણ એકેય પડ્યો મૂકવો નહિ. એમ ન સમજવું જે, સમાગમ કરીએ એટલે દશાંશ-વિશાંશ કાઢવાની શી જરૂર છે? એ તો ધ્યાન કરતા હોય અને ધ્યાનમાં મૂર્તિ દેખાતી હોય અને સમાગમ કરતા હોય તેમણે પણ દેવનો ધર્માદો પૂરેપૂરો આપવો. તે ધર્માદામાંથી સાધુને પણ જમાડવા નહિ અને ધોતિયાં પણ ઓઢાડવાં નહિ અને તીર્થ કરવા જાવું તે તીર્થના ખર્ચમાં પણ એ ધર્માદો ન ગણવો. ઠાકોરજીને વસ્ત્ર, ઘરેણાં તથા જગ્યાઓ તથા ગોદડાં, વાસણ, દાણા, ઘી, ગોળ આદિક વસ્તુ લાવી દેવામાં તે વાપરવો. 1/53/101
2. દેવદ્રવ્યને આચાર્ય પોતાનું કરવા ઇચ્છે તો ધર્માદાની શી રીત કરવી? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આચાર્ય, સાધુ ને સત્સંગી એ ત્રણે મળીને વહીવટ કરવો એવી શ્રીજીમહારાજની આજ્ઞા છે. તે પ્રમાણે ન વર્તે ને સ્વતંત્રપણે વર્તે તો સત્સંગમાં મોટો ઉદ્વેગ થાય ને એમાંથી મોટો વિક્ષેપ થાય ને એકબીજાનાં મન જુદાં થઈ જાય ને સરકારે પણ જવું પડે એવો મોટો ઉદ્વેગ થઈ પડે. 1/53/102
3. નડિયાદવાળા ઝવેરીલાલભાઈએ પૂછ્યું જે, વરતાલમાં ભાણેજને ગાદીએ બેસાડવાનું કર્યું હતું તેમાં સદગુરુ સ્વામી બળરામદાસજી સામા પડ્યા હતા, એવો વ્યવહાર આવી પડે ત્યારે કેમ કરવું?
બાપાશ્રી બોલ્યા જે, એ તો વ્યવહાર ન કહેવાય. એ તો ધર્મની બાબત છે, માટે એમાં તો ભળવું. એ તો શ્રીજીમહારાજનો પક્ષ રાખ્યો કહેવાય, કેમ જે મહાપ્રભુજીની આજ્ઞા લોપીને ધર્મકુળ વિના બીજાને ગાદી બેસાડવાનો વિચાર કર્યો હતો તેમ જ કદાપિ વાડ ઊઠીને ખેતરને ખાય તેમ થતું હોય અથવા કોઈ આચાર્ય ભવિષ્યમાં એવા નીકળે જે દેવની મિલકતના ધણી થવા ઇચ્છે, તો તેમાં પણ માથા સાટે દેવનો પક્ષ રાખવો. એ વ્યવહારમાં ભળ્યા ન કહેવાય. એ તો શ્રીજીમહારાજની પ્રસન્નતાનું સાધન છે. દેવની માલિકી કરાવવાને સારુ ધર્માદાનો પૈસો સરકારમાં વાપરવો પડે તો વાપરવો, તેમાં શ્રીજીમહારાજ કચવાય નહિ પણ ઊલટા રાજી થાય.
પછી કણભાવાળા આશાભાઈએ પૂછ્યું જે, તેમાંથી જેમ સ્વામી બળરામદાસજીને દુઃખ આવ્યું જે મંદિરમાંથી કાઢી મૂક્યા એવું થાય તો શું કરવું? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, અન્યાય થતો હોય ને દેવનો પક્ષ રાખતા થકા કાંઈ દુઃખ આવે તો ત્યાં હાજી હાજી ન કરવું. એક મંદિરમાં રહીને ભગવાન ભજવા, પણ શિખરબંધ મંદિર ન કરવું. 1/134/232
4. જેમ મહારાજ ને મુક્ત દિવ્ય છે તેમ જ તેમની સેવા પણ દિવ્ય છે. માટે સત્સંગીઓએ ધર્માદો પૂરો આપવો પણ દેવના લાભને અર્થે સરકારમાં જતો હોય તો સરકારમાં જાય છે (કે પહાણા ખડકે છે) કે કૂવા કરે છે એમ ન જાણવું; એ તો શ્રીજીમહારાજને જ અર્પણ થાય છે. શ્રીજીમહારાજ જડ વસ્તુને બદલે દિવ્ય સુખ આપે છે, માટે એમાં શંકાઓ કરવી નહિ. 1/154/273
5. સાચા સંતને વિષે રહીને શ્રીજીમહારાજ બોલે છે, જમે છે, માટે એવા સંત ને ભગવાન તેમની અન્ન, જળ, દ્રવ્યે કરીને સેવા કરવી. કોઈને એમ થાય જે સત્સંગમાં તો ઘણાય રૂપિયા છે એમને શી ખોટ છે તે આપીએ? આ તો દરિયામાં વરસાદ થયો તો ય શું? અને ન થયો તો ય શું? સૂકામાં વરસે તો અનાજ પાકે છે એમ ગરીબને આપીએ તો દુઃખી થતાં મટે, એમ કોઈને થાય તો તેમને અમે જણાવીએ છીએ કે સમુદ્રમાં વરસાદ થવાથી તો સાચાં મોતી પાકે, એટલે સત્સંગમાં અન્ન-દ્રવ્યાદિકે કરીને સેવા કરવાથી આત્યંતિક મોક્ષરૂપી સાચાં મોતી પાકે છે. (દીનજનને પણ અન્ન-દ્રવ્યાદિકે મદદ કરવી તો એવી રીતે કરવી કે જેથી કરીને તેને શ્રીજીમહારાજ વિષે ભાવ થાય. આ લોકના જીવો શ્રીજીમહારાજ અને તેમના મુક્તોને ઓળખે અને તેમના સંબંધને પામીને કલ્યાણને માર્ગે ચાલે તેવા પારમાર્થિક ને કલ્યાણકારી હેતુથી જે સેવા કરવી પડે તે અવશ્ય કરવી, કેમ જે "દીનજનને વિશે દયાવાન થવું" એવું શિક્ષાપત્રીમાં મહારાજે લખ્યું છે. જીવોના આત્યંતિક કલ્યાણ અર્થે જે સેવા થાય તે સત્સંગની સેવા ગણાય. પરંતુ પોતાની નામના ખાતર કે અંગત સ્વાર્થ સારુ કરેલ ખર્ચ તે સેવા તરીકે ન લેખાય.) 1/160/287
6. કેટલાક સત્સંગીઓ વ્યવહારમાં ને સત્સંગમાં બહુ મોટા હોય ને શ્રીજીમહારાજે દ્રવ્ય ઘણું આપ્યું હોય તો પણ એ મોટપ સત્સંગમાં ને પરોક્ષમાં બે ય ઠેકાણે લોકલાજે વાપરે છે. તેમ આપણે ન કરવું. શ્રીજીમહારાજના આશ્રિતને તો આ સત્સંગમાં જ વાપરવું એટલે મહારાજ ને મુક્ત રાજી થાય તો મોટી મોજ અને સુખિયા થવાય.
જ્યારથી વર્તમાન ધરાવ્યાં ત્યારથી તન, મન, ધન ને અનેક જન્મનાં કર્મ એ બધું શ્રી સ્વામિનારાયણને અર્પણ કર્યું, માટે ત્યારથી સ્વામિનારાયણ ધણી થયા; તો તે ધણીનું નામ લઈને બીજાને કેમ અપાય? તો પણ કેટલાક માને કરીને પરોક્ષમાં વાપરે છે. 1/186/351
7. જેમ બે હજાર રૂપિયાની વાંસળીને ગળે બાંધીને સમુદ્રમાં પડે તો ડૂબી મરે અને જો તેનું વહાણ કરાવીને તે વહાણમાં બેસે તો સમુદ્ર સહેજે ઉતારી દે, તેમ દ્રવ્ય છે તે વ્યવહારમાં વાપરે તો સગુણ અને બંધનકારી છે અને શ્રીજીમહારાજના ને સંતના ઉપયોગમાં આવે તો નિર્ગુણ અને કલ્યાણકારી છે.
8. સંત થોડાક જ હોય તો પણ સદાય રાખવા હોય તો ન રાખી શકાય અને ગૃહસ્થ એક ઘરમાં દશ-વીશ માણસ હોય તો તેનું સદાય પોષણ કરે. એમ ઘરમાં બંધાઈ રહ્યા છે.
9. સમજણ વિના તો આવા સંત આવે ને એક જ દિવસ રહે તો પણ ઝાઝું થઈ પડે; પોતે તો પચાસ વરસ રહીને કેટલુંય ખાઈ ગયો હોય, પણ આવા સંતને એક દિવસ જમાડવા કઠણ થઈ પડે.
10. મધ્ય પ્રકરણનું 5મું વચનામૃત વંચાતું હતું, તેમાં ભગવાનના ભક્તનો પક્ષ રાખવો પણ વિમુખનો પક્ષ ન રાખવો એમ વાત આવી.
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, શ્રીજીમહારાજનો આશ્રિત હોય પણ તે શ્રીજીમહારાજના કહેલા ધર્મ ન પાળતો હોય તેને વિમુખ જાણવો. જે અધર્મીનો પક્ષ રાખે તે આ જન્મે અથવા બીજા જન્મે જરૂર વિમુખ થાય. માટે અધર્મી હોય તેનો પક્ષ ન રાખવો. અને તેનો પક્ષ ન રાખવે કરીને કોઈનો ચૂડો નહિ ભાંગે; શ્રીજીમહારાજને મૂકશો તો ચૂડો ભાંગશે એટલે કલ્યાણ નહિ થાય. જેને શ્રીજીમહારાજને વિષે ને મોટા મુક્તને વિષે દૃઢ આત્મબુદ્ધિ થઈ હોય ને દેહાભિમાન ટળી ગયું હોય તેનાથી ધર્મનો પક્ષ રહે. આ ટાણે દેવની મિલકત કરાવવા સારુ સ્વામી વૃંદાવનદાસજીએ તથા આ ઈશ્વર બાવે અમારી આજ્ઞાથી દેવનો પક્ષ રાખીને દુઃખ માથે લીધું છે, પણ લેશમાત્ર દેહાભિમાન રાખ્યું નથી. "હિંમતે મરદા તો મદદે ખુદા". માટે હિંમતમાં રહેવું તો મહારાજ સારું કરશે. અન્નવસ્ત્રાદિક નહિ આપે કે મંદિરમાં રહેવા નહિ દે, એમ બીક રાખવી નહિ અને દેવનો પક્ષ માથા સાટે રાખવો તો શ્રીજીમહારાજ પ્રસન્ન થાશે, પણ પાર્ટી બાંધીને પાર્ટીનો પક્ષ રાખવો નહિ; ધર્મનો પક્ષ રાખવો. જો પાર્ટીનો પક્ષ રાખીને ધર્મનો ત્યાગ કરે તો તે શ્રીજીમહારાજનો ભક્ત હોય તો પણ આ જન્મે અથવા બીજે જન્મે જરૂર વિમુખ થાય માટે તપાસ રાખવો. 1/202/391