• ‘સિંહણનું દૂધ તો હેમના પાત્રમાં જ રહે’ - વિભાગ ૨

0:000:00

1. એક વખત હરિભક્તો ચોક ચોખ્ખો કરતા હતા તે જોઈને બાપાશ્રી બોલ્યા જે, "નીચી ટેલ મળે તો માને મોટાં ભાગ્ય જો." મોટા સાધુની સેવા કરવી, મંદિર વાળવું, ખાડા ધોવા એ બધી નીચી ટેલ કહેવાય. 2/25/68

2. પુરુષોત્તમની મૂર્તિ સંબંધી સુખ કેવું છે તો બહુ અલભ્ય છે, બહુ આનંદ આપનારું છે, અતિશે અપરિમિત છે, પણ જીવ અલ્પજ્ઞ છે, તેથી પાત્ર થયા વગર એ સુખ જેટલું મળે તેટલે કરીને સંપૂર્ણપણું માની બેસે. પછી તેને વૃદ્ધિ પામવું એ ઘણું કઠણ છે. પણ વધારે આહાર કરનાર મોટા પાત્ર છે તે થોડું જમનારને કહે ને સમજાવે તો ય તેને તે વાત સમજાતી નથી અને તે ઉપદેશની ગરજ પણ રહેતી નથી. કેમ કે તે પોતાના ગજા પ્રમાણેના આહારમાં જ પૂર્ણપણું માની લે છે. માટે સંપૂર્ણ પાત્ર થવું જોઈએ અને સંપૂર્ણ પાત્ર થવાય તેવા મોટાનો જોગ કરવો જોઈએ. 2/32/90

3. કોઈને શિખામણ દેવી હોય તો પણ શુદ્ધ સત્ત્વમાં રહીને દેવી, તમોગુણી થઈને ન કહેવું. જેમ માબાપ છોકરાંને શિક્ષા કરે છે પણ અંતરમાં રાજીપો રાખીને. પછીથી કાંઈ ખાવાનું આપીને છોકરાંને રાજી કરે છે તેમ કરવું, પણ બીજાને ટાઢા કરવા જાય ને પોતાને બળાપો થાય અને નાના-મોટાનો અપરાધ થઈ જાય એમ ન કરવું. સત્ત્વગુણથી સમાસ થાય છે. તે શુદ્ધ સત્ત્વગુણથી થોડુંક કહે તો પણ દાબ વધારે બેસે છે. મલિન સત્ત્વગુણ એ તો માયાનો ગુણ છે, તેમાં રહીને કદાપિ ધ્યાન કરતો હોય કે માળા ફેરવતો હોય પણ માંહીથી ધક્કો લાગે ત્યારે બીજાને લડવા માંડે ને ક્રોધ આવે, માટે શુદ્ધ સત્ત્વગુણી થાવું. મલિન સત્ત્વગુણ ઉપરથી તો શાંત દેખાય છે પણ એ ત્રણે ગુણ એક જ ભાઈ છે. જેમ લીંબોળી પાકી હોય તેને ઉપરથી ખાય તો જરાક ઠીક લાગે પણ કચરીને ખાય તો તે પણ ઝેર જેવી કડવી લાગે. તેમ ત્રણ ગુણથી જુદા રહી નિષ્કપટપણે સત્સંગ કરવો. 2/62/194

4. સાધુ હરજીવનદાસજીએ પૂછ્યું જે, અવળી ક્રિયા કોણ કરાવતું હશે? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, નબળી ક્રિયામાં મહારાજ ભળે નહિ. મહારાજ તો જે શુદ્ધ પાત્ર હોય તેના ભેળા રહે ને સારી ક્રિયા કરાવે. પાત્ર ન હોય તેના ભેળા રહીને મહારાજ ક્રિયા ન કરે, તેમાં તો માયા રહીને તેના સ્વભાવ પ્રમાણે કરાવે તે મહારાજે કર્યું ન જાણવું. 2/41/123

5. આપણે તો સર્વે સાધનના ફળરૂપ શ્રીજીમહારાજની મૂર્તિ સામું જોઈ રહેવું એ કરવાનું છે. જીવનું ગજું કેટલું! થાંભલા વા અને વૃક્ષ જેવા પણ આપણે ન થઈએ ત્યારે શું કર્યું! મોટા મોટા સંત ખીજડા, રાયણ, લીમડા હેઠે બેસતા અને વાતો કરતા ત્યારે તે ઝાડ હસતાં. તે જડ પણ કામ કાઢી ગયાં અને મનુષ્યથી એટલું ય ન થાય. 2/44/141

6. બાપાશ્રી વાતો કરતા હતા ત્યાં લખમશી ભક્ત દર્શને આવ્યા ને દંડવત્ કરી ચાલ્યા, તેમને સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું કે કેમ ચાલ્યા? ત્યારે હાથ જોડીને કહે કે સ્વામી! પ્રવૃત્તિ નડે છે ખરી. તે સાંભળી બાપાશ્રી કહે, સ્વામી! ગૃહસ્થને વ્યાવહારિક પ્રવૃત્તિના કુટારા બહુ. ગૃહસ્થ હરિભક્તોને વ્યવહાર કરવો પડે પણ તે વ્યવહાર કેવો કરવો તો વ્યવહાર કરતાં થકા શ્રીજીમહારાજ સુખે કરીને સંભરાય અને કથા-વાર્તા, ધ્યાન-ભજન, માળા, માનસી પૂજા એ આદિ નિયમો બરાબર સચવાય; વ્યવહાર દેહ નિર્વાહને અર્થે કરવો તે પણ શ્રીજીમહારાજ અને મોટાની આજ્ઞા પ્રમાણે જ કરવો, પણ જે વ્યવહાર કરતે થકે મહારાજની મૂર્તિ ભુલાય તેવો વ્યવહાર ભગવાનના ભક્તને કોઈ દહાડે કરવો નહિ અને વ્યવહારરૂપ થઈ જવાય એવા વેગે સહિત પણ વ્યવહાર કરવો નહિ. 2/51/165

7. મહારાજે અનંત જન્મનાં પાપ બાળવાનો સંકલ્પ કર્યો છે તેથી જીવના મોક્ષ થાય છે, નહિ તો અનંત જન્મના અપરાધ કોણ માફ કરે! આ તો કેવળ દયાના સાગર મહારાજ ને તેમના મુક્ત છે. તે ઘેર ઘેર ફરીને જીવને માયામાંથી બહાર કાઢી લે છે, પણ જીવને માયાનો ફેર બહુ ચડી ગયો છે તે મનાય નહિ. 2/70/221

8. બાપાશ્રીએ વાત કરી જે, ગૃહસ્થ સત્સંગી હોય તેણે ખરું કુટુંબ આ સત્સંગ જાણવો. કુસંગી દીકરો હોય તો તે પણ કુટુંબ ન કહેવાય. તેમ સગાનું પણ જાણવું. બીજા દેહનાં સગાંથી આખું બ્રહ્માંડ ભર્યું છે. તેનો કાંઈ પાર આવે તેમ નથી. એક બાપના દીકરા તે તો સત્સંગી જ કહેવાય. મહારાજ સર્વેના બાપ છે એમ જાણવું. 2/93/293

9. આપણે સૌને શિક્ષાપત્રી પ્રમાણે વર્તવાનું છે. તેથી કોઈ આઘું-પાછું વર્તવાનું કહે અને વચનમાં વર્તે નહિ, તો તેનો વિશ્વાસ ન કરવો. જો આપણે કરવા માંડીએ તો મહારાજ અને મોટા સહાયમાં ભળે છે. ભગવાનના ભક્તને તો ભગવાનમાં દૃઢપણે વર્તવું, એ વિના ચાલશે નહિ. 2/94/297

10. બાપાશ્રી બોલ્યા જે, આપણે ભગવાનના ભક્તને એમ વિચાર કરવો જે હું ભગવાનનો ભક્ત છું, તે મારે જગતના જીવની પેઠે શી રીતે વર્તાય? આપણે તો ભગવાનને અને મોટા મુક્તને રાજી કરવા છે તથા અખંડ અલૌકિક સુખને પામવું છે, માટે જગતના જીવની સમજણ ક્યાં! અને આપણી સમજણ ક્યાં! એવો વિચાર કરી જગતના જીવના ક્રિયાને વિષે હર્ષ-શોક ન કરવો અને એમ વિચારવું જે જગતના જીવ ઘણા પ્રકારનાં સુખ-દુઃખને પામે છે. તો પણ પોતાના સ્વભાવને મૂકતા નથી; તો હું તો શ્રીજીમહારાજનો દાસ છું તો મારો સ્વભાવ જે શ્રીજીમહારાજની મૂર્તિનું સુખ ભોગવવું તેને કેમ મૂકું?

11. બાપાશ્રી બોલ્યા જે, મહારાજ તથા મોટાને પોતાના સુખમાં જીવને લઈ જવા છે, ને પોતાના જેવા કરવા છે, માટે પુરુષપ્રયત્ને કરીને જડ-ચૈતન્ય માયાનો ત્યાગ કરે, આજ્ઞામાં ખબડદાર રહે અને વૈરાગ્ય, આત્મનિષ્ઠા, શ્રદ્ધા, અહિંસા ધર્મ અને બ્રહ્મચર્ય એ પાંચ સાધને કરીને યુક્ત થાય ત્યારે મહારાજની કૃપા થાય ત્યારે તે ભગવાનના તુલ્યપણાને પામે ને શુભ-અશુભ કર્મથી બંધાય નહિ. એમ સ્વતંત્ર થાય છે ને મૂર્તિમાં લીન એટલે મહારાજનાં અંગોઅંગમાં રસબસ રહે છે. એવા મુક્તની સામર્થી મહારાજે રોકી રાખી છે તેથી જાણતા થકા અજાણતા રહે છે, પણ એ સર્વત્ર જાણે છે. 2/104/330

12. ખોટા ખોટા સંકલ્પ અને મલિન ઘાટ થાય કે તરત તેના ઉપર ખોટા કરી નાખવાના વિચાર ઊપડે તો તે ક્યાં સુધી રહે! જેમ દુશ્મન માથું ઉપાડે કે તરત તેના ઉપર ઘણનો ઘા થાય તે કેટલું નભે! ન જ નભે, મરી જાય. તેમ તેવા ઘાટ-સંકલ્પ વિચારે કરીને ટાળી નાખવા. 2/71/225

13. બાપાશ્રીએ વાત કરી જે વ્યાવહારિક શબ્દ મરચા-મીઠાંને ઠેકાણે વાપરવા અને ભગવાન સંબંધી શબ્દ તે તો પકવાનને ઠેકાણે જાણવા. અવશ્ય જરૂર હોય તેટલું જ બોલવું તેમ જ ક્રિયા કરવી અને જમવાનું ઝાઝું હોય પણ મરચું-મીઠું તો તેમાં ચપટીમાં લઈને જ નખાય તથા જોઈતું-જોઈતું વપરાય અને પકવાન તો પેટ ભરીને જમાય; તેમ ભગવાન સંબંધી ધ્યાન, કથા, વાર્તા, કીર્તન, ભગવાનની લીલા, ચરિત્ર, ભજન, સ્મરણ જે થાય તેટલું શ્રદ્ધા રાખી કર્યા કરવું. વ્યવહાર સંબંધી કાર્ય તો પોતાને અવશ્ય અને જરૂર જેટલું જ કરવું અને તેટલું જ બોલવું. કેમ કે તે ભગવાનના માર્ગમાં વિઘ્નરૂપ છે. આપણે સત્સંગમાં શું કરવા આવ્યા છીએ? તો અનાદિમુક્ત છે તેમનો જોગ-સમાગમ કરવો. એ અવશ્ય કરવાનું છે તે કરી લેવું અને વચલો જે વ્યવહાર છે તે ખોટી કરે તેવો છે, માટે તેમાં ક્યાંય રોકાઈ જવું નહિ. 2/75/233

14. આ જીવને સર્વે કામ પુરુષપ્રયત્નથી થાય તેમ છે, પણ પુરુષપ્રયત્ન વિના કાંઈ બને નહિ. તે કરવાની શ્રદ્ધા નથી ને નકરી કૃપા જોઈએ છીએ પણ પાત્ર થશે તો એની મેળે જ કૃપા થશે. જ્યાં સુધી આ લોકની મોટપ, માન, સ્વાદ મહોબત એ બધું ય રાખે તો ક્યાંથી પાત્ર થવાય? આવાં વચન સાંભળે ત્યાં સુધી ઠીક રહે અને પછી કાંઈ ન મળે, માટે આપણે જરૂર કરવું પડશે છૂટકો નહિ થાય. એમ જાણીને મંડી પડવું તો મહાપ્રભુનું અચળ, અનાદિ ને સનાતન સુખ લેવાય. પ્રથમ મોટા સદગુરુઓએ કેટલાંક દુઃખ સહન કર્યાં છે; તો આજે અચળ અનાદિ ને સનાતન સુખને પામ્યા છે. તેની આપણે વાતો કરીએ છીએ, પણ ટાણું આવે ત્યારે પાછું કાંઈ ન મળે. નહિ તો આવા વચનની સેડુંમાં જીવ ઊતરી જાય ને સૂકા હાડકાં જેવું લૂખું થઈ જવાય, પણ માંહી ઊતરતું નથી. માટે પાત્ર થવા પુરુષપ્રયત્ન જરૂર કરવો પડશે. જો તળાવમાં પાણી નિર્મળ, શાંત ભરેલ હોય તો સૂર્યને કહેવું પડે નહિ જે મારા ઉપર દયા કરો, એ તો એની મેળે જ માંહી દેખાય. લાખો-કરોડો ગાઉ ઉપર સૂર્ય છે પણ સહેજે એમાં દેખાય છે અને જરાક પાણી ડોળાય તો ન દેખાય; માટે પાત્ર થવું. કામ, ક્રોધ, લોભ, મોહ, સ્વાદ એમાં તણાવું નહિ. તેનો ખટકો ન રાખે તો ખોટ બહુ આવે. આ દેહ અંધો ઘોડો છે તે ક્યાંય ફગાવી નાખે, એમ જાણી જાણપણારૂપ ભગવાનના ધામના દરવાજામાં રહીને ભગવાનની મૂર્તિમાં જોડાઈ જવું તો સુખિયા થવાય, નહિ તો આ લોકમાં નકરું દુઃખ જ છે, ક્યાંય સુખ નથી. 2/76/236

15. આપણા ઉપર કોઈ દ્વેષ રાખતા હોય પણ તેને જો આપણા જેવું કામ પડે તો તેના કૃત્ય સામું જોવું નહિ. આપણાથી બને તેટલું તેનું સાચા દિલથી સારું કરવું. એવી ભગવાનના ભક્તની રીત છે. 2/78/244

16. એક હરિભક્તે ચરણારવિંદનું માહાત્મ્ય જાણીને સતં પાસેથી ચોરી લીધાં. તે સારા હરિભક્ત ગણાતા હતા પણ એમ વિચાર ન થયો જે હું ચરણારવિંદનું માહાત્મ્ય જાણું છું પણ જેનાં આ ચરણારવિંદ પાડેલાં છે તેનું તો માહાત્મ્ય કાંઈ સમજાણું નહિ અને ઊલટું કુરાજી થાય એવું ચોરીનું કર્મ કર્યું, માટે એમ કોઈએ ન કરવું. 2/79/244

17. સભામાં બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, જુઓને! સત્સંગમાં કેવા ચમત્કાર થાય છે! તેનું કારણ ભગવાન ને મોટા મુક્ત સત્સંગમાં પ્રત્યક્ષ બિરાજે છે. એ મહારાજની બહુ દયા છે, આપણે તેમને રાજી કરવા. ભગવાને તો આ સમે બહુ સામર્થી જાણવી છે. હજારો ને લાખો પરચા થાય છે. જ્યાં જોઈએ ત્યાં સ્વામિનારાયણ દેખાય. આવી સભામાં બેઠા હોય તો પણ ચોરીઓ કરે તે ચોરી દેહની, મનની ને જીવની. ખલ્લાં (જોડાં) જડે તો ય કરે. ભગવાને હાથ આપ્યા, પગ આપ્યા, આંખો આપી, કાન આપ્યા, સત્સંગનો જોગ આપ્યો તો ય જીવ કૃતઘ્ની થાય ને જન્મ ખરાબ કરી નાખે એવા પણ જીવ હોય છે. આપણે તો બહુ ખટકો રાખવો. નાનું-મોટું પાપ થઈ જાય તો પ્રાયશ્ચિત્ત કરી નાખવું. આવી દિવ્ય સભામાં કોઈ હાથ જોડીને કહે જે હે મહારાજ! હે ભગવાન! હું તમારો ગુનેગાર છું. મારા ઉપર રાજી થાઓ, મારાથી આવી ભૂલ થઈ ગઈ, એમ કહે તો તત્કાળ મહારાજનો રાજીપો થઈ જાય અને દોષ માત્ર ટળી જાય. જો અજાણે કાંઈક દોષ થઈ જાય તો મોટાને પૂછીને તે જે કાંઈ પ્રાયશ્ચિત્ત દેખાડે તે તરત કરી નાખવું, પણ અભડાયેલ ન રહેવું. આવી સભામાં બેસીને પોતાનું પૂરું કરી લેવું. દેહનો નિરધાર કયાં છે? અમે એક હરિભક્તને ઘેર ગયેલ, ત્યાં છોકરો બહુ માંદો હતો તે રાડ્યો પાડીને કહેતો જે, હું મરી જાઉં છું, મરી જાઉં છું, આવું દેહનું કામ છે. "મરના મરના સૌ કહે મરી ન જાણે કોઈ, બ્રહ્માનંદ કહે એસા મરના ફેર જન્મ ન હોઈ." આવી અવસ્થામાં અને આવા સમયમાં ભગવાન ન ભજાય તો ખોટ ટળે નહિ. આપણને તો લાભ બહુ મોટો મળ્યો છે, માટે થોડા જીવતરમાં કોઈએ ખોટનો વેપાર ન કરવો. જીવ તો ખાનપાન અને વિષયમાં ભરાય તો નીકળી ન શકે ને વિષયમાં ખૂંચે ને ખોટા ઘાટ થાય. માટે ભગવાનના ભક્તને બહુ બીતા રહેવું. કામ, ક્રોધ ને માન આદિ બહુ ભૂંડા છે. મોટા મોટાને ફગાવી નાખ્યા છે. સત્સંગીએ એ સર્વે વિચારવું. બાળપણામાંથી પાધરી વૃદ્ધ અવસ્થામાં જવું. તરુણ અવશ્થા આવે તો ન કર્યાંનાં કામ થાય. તે શું? તો છાનાં કામ કરે, ધર્મ લોપે, તેમ કરતાં જીવતર બગાડી નાખે. બહાર ફરતાં શીખે એમાંથી સંગદોષ લાગવા માંડે; તેનો વિચાર ન હોય તો ક્યાંય જતું રહેવાય. અહીં કેવી સભા છે પણ આવી સભા મૂકીને કેટલાક બીજે જાય અને વિચાર ન રાખે તો થઈ રહ્યું. નબળા માણસ સાથે ભાઈબંધી કરે અને જે તે ખાય, પછી ભગવાન ભજવાનું પણ વીસરી જાય. આ બધું ય જડમાયા માટે થાય છે. આપણે તો ખરાબ માણસ સાથે સહિયારો વેપાર પણ ન કરવો ને ભગવાનને રાજી કરવાનું તાન રાખવું. 2/82/253

18. મહારાજે પોતે ભક્તિ કરી તે આપણને શીખવવા માટે એમ જાણવું. મૂર્તિ સંભારતાં જે જે વિઘ્ન આવે તેને મૂર્તિના બળે ટાળી નાખવાં. હાલતાં, ચાલતાં, સુખમાં, દુઃખમાં મૂર્તિ સંભારવી. માયાના ગુણને ગરવા દેવા નહિ. માન-અપમાન થાય કે ત્રણ ગુણનું પ્રધાનપણું થાય ત્યારે ગુણ વ્યાપે તેથી ખબર રહે નહિ, પરંતુ એ ગુણને ઓળખીને કાઢી નાખવા; ખાવું-પીવું, પહેરવું-ઓઢવું, તેમાં રુચિ રહે તે રજોગુણ અને અંધધંધ જેવું વર્તે તે તમોગુણ તથા ગરીબ રાંક જેવા થઈ રહેવાય તે સત્વગુણ. એ માયાના ગુણ થકી રહિત થાવું. 2 83/262

19. શ્રીજીમહારાજ સત્સંગમાં બિરાજે છે ને જુએ છે. આવા ભગવાન, આવા સંત, આવો ધર્મ ધુરંધર માર્ગ, અષ્ટસિદ્ધિ, નવનિધિ એ બધું ય છે. તો પણ જીવને ગમે તેમ વર્તવું અને મોટા પુરુષનાં વચન મનાય નહિ તથા મહારાજની આજ્ઞા પળે નહિ એટલું દુઃખ છે. આ સત્સંગમાં શા માટે ભેગા થયા છીએ? મોક્ષને માટે કે બીજાને માટે? શ્રીજીમહારાજના સિદ્ધાંત અને આજ્ઞા પ્રમાણે ગૃહસ્થને તથા ત્યાગીને વર્તવું તો દુઃખિયા થવાય નહિ. સત્સંગમાં પડ્યા હોય ને ઇન્દ્રિયોને લાડ લડાવ્યા કરતા હોય, તે શોભે નહિ; કેમ કે ઇન્દ્રિયો તૃપ્ત થાય એવી નથી. 2/88/275

20. મહારાજ કહે છે કે સત્સંગ દિવ્ય છે, માટે સૌના ધર્મ સહુએ સંભારવા. સત્સંગ સમુદ્ર જેવો છે તે આજ્ઞા પ્રમાણે ન વર્તે તો મડદું બહાર કાઢી નાખે. મોટા મોટા સંત જે રસ્તો બાંધી ગયા છે તે રસ્તે આપણે ચાલવું, નહિ તો મહારાજ છેટા થઈ જાય. શ્રીજીમહારાજની સન્મુખ દૃષ્ટિ રાખવી. મહારાજ દિવ્ય છે. જરા પણ આજ્ઞા લોપીશ તો તે કુરાજી થશે એવું જાણપણું નિરંતર રાખવું. 2/88/276

21. બાપાશ્રી બોલ્યા જે, સૌને માથે ઠેક દઈને પુરુષોત્તમનારાયણ પાસે પહોંચવું, પણ માન આદિક દોષ નડતા હશે તો છેટું ઘણું થઈ પડશે. જીવને અહંમમત્વ ન રાખવો. આ લોકની બીક લાગે પણ સ્વામિનારાયણ ભગવાન સત્સંગમાં અખંડ બિરાજે છે તેમની બીક ન લાગે એ કેવડું બધું અજ્ઞાન! 2/89/277

22. બાપાશ્રી વાત કરી જે, જીવને મોટો કુસંગ તો આ દેહનો છે તે દેહભાવ ટળવો કઠણ છે; એ તો કર્મની કોટડી છે. તે દેહને લઈને જીવને ઘણા જન્મ ધરવા પડ્યા છે, પણ તેનો ઊંડો અભાવ થતો નથી ને મોઢેથી દેહ નાશવંત છે, અસત્ય છે, દુઃખરૂપ છે એમ બોલાય છે ને બીજાને સમજાવાય છે, પણ પોતાને એ વાત પૂરી સમજાણી ન હોય. તેની ખબર કેમ પડે? તો હમણાં પડખેથી સર્પ નીકળે તથા ઘર સળગ્યું હોય ને ફરતી ઝાળું નીકળતી દેખાય તે વચમાં પોતે રહી ગયો હોય અથવા પોતે વહાણમાં બેઠો હોય ને દરિયામાં સઢ ભાંગે ને વહાણમાં પાણી ભરાવા માંડે તે વખતે સમજણની ખબર પડી જાય. 2/122/379,380

23. બાપાશ્રી પૂજા કરીને શિક્ષાપત્રીનો પાઠ કરતા હતા, તે વખતે હરિભક્તો પ્રત્યે એમ બોલ્યા જે, આ શિક્ષાપત્રી મહારાજે લખી તે આચાર્ય, સંત, બ્રહ્મચારી, પાર્ષદ, હરિભક્તો, બાઈ, ભાઈ સર્વેને પાળવાની છે. તેને મહારાજે પોતાનું સ્વરૂપ કહ્યું છે. મહારાજના આશ્રિત હોય તે સર્વે એમાં લખી આજ્ઞા પ્રમાણે રહે. ખરા સાધુ કે ખરા હરિભક્ત પણ એને જ કહેવાય. આજ્ઞા-પારાયણ અંગ હોય તેને વચન-નિવાસી કહ્યા છે. મહારાજ એવા ભક્ત ઉપર અતિ પ્રસન્ન થાય છે, પણ જો એ માંહેલું એકે વચન લોપે તો રાજી ન થાય. માટે અધિકાર, મોટાઈ આદિમાં લેવાઈ કોઈએ વચનનો લોપ ન કરવો. 2/30/396

24. આજ મહાપ્રભુજી તથા મુક્ત કૃપાસાધ્ય છે, તે જેમ રાજાને ભાવથી એક એરંડાકાકડી (પોપૈયો) આપે તેમાં રાજ્ય સોંપી દે; તેમ આપણે આજ્ઞા પાળીએ તો એરંડાકાકડી આપ્યા જેટલું છે, તેમાં મૂર્તિનું સુખ આપી દે.

25. જ્યારે વાત થાય ત્યારે એમ જાણે જે આ તો બીજાને માટે થાય છે, પણ પોતાને માથે તાણી લેતો નથી. જો પોતાને માથે તાણી લે તો દોષ માત્ર નાશ થઈ જાય ને મૂર્તિનું સુખ આવે.

26. આજ્ઞા પાળે નહિ ને વાસના ટાળે નહિ તેને નવ મહિનાની કેદ મળી ને નીચે જઠરાગ્નિ બળે ને હેરાન થાવું પડે, એ મોટું લાંછન છે, તે સર્વેએ પોતપોતાનું તપાસવું.

27. મહારાજ કહે છે કે આજ્ઞા પાળે તો અમે વગર બોલાવે આવીએ, માટે આજ્ઞા પાળવી, પણ એમ ન જાણવું જે એ હતા ત્યારે હતા ને હવે નથી. જો એમ જાણે તો આજ્ઞા લોપાય, માટે સદાય સાથે છે એમ જાણવું.

28. સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, આવો જોગ મળ્યો તો પણ આળસ ને પ્રમાદ કેમ રહેતા હશે? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, પ્રથમ તો નિશ્ચયમાં કસર છે ને બીજી મહિમામાં કસર છે ને ત્રીજી શ્રદ્ધા ઓછી છે, તેથી આળસ ને પ્રમાદ રહે છે.