• મુક્તોના ભેદ-લક્ષણ : તેમનો મહિમા-સમાગમ - વિભાગ ૨

0:000:00

51. કારિયાણીનું 1લું વચનામૃત વંચાતું હતું. તેમાં ભગવાનનો ભક્ત લટ-ભ્રમર ન્યાયે ભગવાનને આકારે થઈ જાય છે એમ આવ્યું.

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, એ તો શ્રી પુરુષોત્તમને સજાતિ થયા ત્યારે સ્વામી-સેવકપણું કેમ રહે?

બાપાશ્રી બોલ્યા જે, જેમ બાપને વિષે પુત્રને બાપપણાનો ભાવ રહે છે અને જેમ રાજાને વિષે રાણીને સ્વામીપણાનો ભાવ રહે છે તેમ સ્વામી-સેવકપણું રહે છે. મહારાજનું આપ્યું સુખ ભોગવે છે. માટે મહારાજ દાતા છે ને મુક્ત ભોક્તા છે. તેથી સ્વામી-સેવકપણું રહે છે. તે મધ્ય પ્રકરણના 67મા વચનામૃતમાં કહ્યું છે જે મેં જેવા ભગવાનને જાણ્યા તેવો તો ભગવાને મને કર્યો છે અને વળી મારા જેવા તો અનંત છે, માટે શ્રી પુરુષોત્તમરૂપ થાય છે તો પણ શ્રી પુરુષોત્તમ સર્વેને પર ને પર ભાસે છે. એ પ્રતાપ ને સામર્થી જોઈને સ્વામી-સેવકપણું અતિશય દૃઢ થાય છે. જેમ અગ્નિમાં કાષ્ઠ નાખીએ તે બળી જાય છે ત્યારે અગ્નિરૂપ થઈ જાય છે, પણ કાષ્ઠથી મૂળ અગ્નિ જુદો છે. તેમ મુક્ત પુરુષોત્તમરૂપ થઈ જાય છે, તો પણ પુરુષોત્તમમાં ને મુક્તમાં જુદાપણું રહે છે. જેમ જળમાં માછલાં રમે છે તેમ મહારાજની મૂર્તિમાં મુક્ત રમે છે ને નવાં નવાં સુખ લે છે પણ પાર પામતા નથી. 1/96/172

52. જ્યારે જીવને ભગવાનની વ્યતિરેક મૂર્તિનો સંબંધ થાય છે ત્યારે જીવ ભગવાનની સમીપે જતો હશે કે મહારાજ જીવની સમીપે આવતા હશે?

બાપાશ્રી બોલ્યા જે, જ્યારે જીવને અનાદિમુક્તનો જોગ થાય છે અને જીવ પોતાના મનનું ગમતું મૂકીને અને કામ, ક્રોધ, લોભ, માન, અહંકાર, મોહ આદિક સર્વે દોષ ટાળીને મોટાને જીવ સોંપી દે અને આત્મબુદ્ધિ ને દૃઢ પ્રીતિ કરે અને અનુવૃત્તિમાં રહે ને ખરો ગરજવાન અને દીન થાય ત્યારે મોટા પ્રસન્ન થઈને એના પડદા ટાળી નાખે ને મૂર્તિ દેખાય. એવી રીતે અનાદિમુક્ત પમાડે છે પણ મહારાજને કે જીવને આવવું-જવું પડતું નથી. જેમ કોઈકને ઘેર મહેમાન આવે તેને ઘરધણી જે જમે તે જમાડે; તેમ મોટા પાસે મહારાજની મૂર્તિ છે, તે જે આશરે થાય તેને આપે છે. 1/97/173

53. ગમે એવો વિષમ દેશકાળ હોય પણ જો શ્રીજીમહારાજને અને મુક્તને સાથે રાખે તો એનો ભાર નહિ જે એ નડી શકે. મહારાજનો મહિમા યથાર્થ જાણ્યો હોય તેને બહુ સુખ આવે. જેમ ભોજન એક હોય ને પીરસનાર પણ એક હોય પણ જમનારની રુચિ પ્રમાણે જમાય છે. તેમ મહારાજનું સુખ મુક્ત આપે છે, પણ જેટલો મહિમા ને જેટલો વિશ્વાસ ને જેટલી શ્રદ્ધા તે પ્રમાણે લેવાય છે. જેમ સાજો જમે તેટલું માંદાથી ન જમાય તેમ આ સત્સંગમાં ઘાટ ન થાય એવા મુક્ત ઘણા હોય, પણ બીજાના ઘાટને ટાળી નાખે એવા મુક્તની સાથે દૃઢ પ્રીતિ ને આત્મબુદ્ધિ કરવી. ને એવા સમર્થનો જ જોગ કરવો. 1/97/174

54. મધ્ય પ્રકરણનું 43મું વચનામૃત વંચાતું હતું. તેમાં ગુણાતીત ભક્ત હોય તે ઉત્થાને રહિત શૂન્ય સમતા ધરી રહે ને સુષુપ્તિ જેવી અવસ્થા વર્તે એમ વાત આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે આ સુષુપ્તિ તે ઉપશમ કહેવાય. તે ઉપશમથી પણ સાક્ષાત્કાર થાય તે શ્રેષ્ઠ છે અને તેથી પણ ભગવાન જેવું સ્વતંત્રપણું આવે તે અતિ શ્રેષ્ઠ છે. તે તો જેવા શ્રીજીમહારાજ સ્વતંત્ર છે તેવા કહેવાય. એવા થાવાના ઉપાયમાં રહેવું પણ દેહના સુખના ઉપાય ન ગોતવા. જે ટાણે જેવું મળે તેણે કરીને ખાડો પૂરવો પણ સારાં સારાં ભોજન મળે તેટલાં ગ્રહણ કરવાં નહિ. જેને પરિપક્વ નિશ્ચય હોય તેને પદાર્થરૂપે સિદ્ધિઓ આવે છે, તેને ભોગવે તો તે સિદ્ધિઓમાં લોભાણો કહેવાય. જો પોતે ન ભોગવે ને બીજાને આપી દે તો સિદ્ધિઓમાં લોભાણો ન કહેવાય. જુઓને! અમારી પાસે કેટલા પદાર્થ આવે છે પણ અમે કોઈ દિવસ ગ્રહણ કરીએ છીએ? ત્યારે સંતોએ કહ્યું જે એના ધણીને દઈ દો છો. કદાપિ સેવક પરાણે મૂકી જાય તો અમને તથા સત્સંગીઓને વહેંચી આપો છો, પણ આપ તો કોઈ દિવસ જમતા નથી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, તમને સર્વેને શીખવવા સારુ અમે જમતા નથી. જેટલું આવે તેટલું ભોગવવું નહિ. સૌ સંત-હરિજનો સમજજો પણ લૂણકે ગઈ, લૂણકે ગઈ એમ ન જાણશો. સાકર જમવા જડે તો પણ લૂણકે ગઈ એમ કરે, તેવું ન કરવું. 1 100/181

55. મોટા પુરુષને વિષે દોષ ન પરઠવો; ગુણ પરઠવો. જો મોટાને વિષે ગુણ પરઠે તો રાજ્ય તથા દીકરા આદિક જે ઇચ્છે તે મળે, ને નિષ્કામી, નિર્લોભી થવા ઇચ્છે તો તેવો થાય, અને ગમે તેવું વિઘ્ન આવનારું હોય તો પણ નાશ પામે, અને કાળ, કર્મ માયાથી રહિત થઈ જાય; અને મોક્ષ પામે. 1/100/183

56. આ લોકમાં તનનાં, મનનાં ને જનનાં દુઃખ છે. અનેક પ્રકારના રોગ દેહમાં ભર્યાં છે તે પીડા કરે એ તનનાં દુઃખ; લોક નિંદા કરે, ધૂળ નાખે, અપમાન કરે, એવાં દુઃખ દે તે જનનાં દુઃખ; અને ધ્યાનમાં, ભજનમાં, માળ ને માનસી પૂજામાં સંકલ્પ-વિકલ્પ થાય તે મનનાં દુઃખ છે. એવાં ઘણાં દુઃખ છે તે મોટા પુરુષનો જોગ કરે ને એમના જેવો નિષ્કંચન (ધનના લોભલાલચ-પરિગ્રહ કે તેના બંધનમાંથી મુક્ત) થાય તો સર્વે દુઃખ ટળી જાય છે. 1/103/188

57. અમે એક હરિભક્તને પૂછ્યું જે તમે દેહ મૂકીને ક્યાં રહેશો?

ત્યારે તેમણે કહ્યું જે, અક્ષરધામમાં, તમે હશો ત્યાં રહીશું. ત્યારે અમે કહ્યું જે અમારાં ઠેકાણાં કેવા! અમે તો જ્યાં મહારાજ મોકલે ત્યાં હોઈએ. પછી એ હરિભક્ત બોલ્યા નહિ, ત્યારે અમે કહ્યું જે તમને સ્વામી ઈશ્વરચરણદાસજીને જેવું કહેતાં ન આવડ્યું. અમે એમને પૂછ્યું હતું જે તમે દેહત્યાગ કરશો ત્યારે ક્યાં રહેશો? ત્યારે તેમણે કહ્યું જે, જ્યાં તમે હશો ત્યાં રહીશું. પછી અમે કહ્યું જે અમને તો જ્યાં મહારાજ મોકલે ત્યાં જઈએ. ત્યારે તે કહે જે તમે તો સદાય મહારાજની મૂર્તિમાં છો, ને મૂર્તિમાં રહ્યા થકા જ્યાં દેખાવું હોય ત્યાં દેખાઓ છો, પણ તમારે મહારાજને મૂકીને ક્યાંયે જવું પડે નહિ. એમ જવાબ આપ્યો. પછી તે હરિજને કહ્યું જે અમને એવું ક્યાંથી આવડે? માટે અધ્યાત્મ વાર્તા મોટાના સમાગમ વિના પોતાની બુદ્ધિથી સમજાય તેમ નથી. 1/109/199

58. મોટા મુક્તની દૃષ્ટિ આગળ પામર જીવ દેહ મેલે તે અવિનાશી મહાપ્રભુજીનું સુખ પામે છે, તો જેને મહિમા સમજાણો છે ને હેત છે તે તો જ્યાં દેહ મૂકે ત્યાં મહારાજ ને મોટા સાથે જ છે, ને તે તો દેહ છતાં જ સુખ પામેલા છે. માટે સંશય કરવો નહિ. મોટાની દયા તો સર્વ સત્સંગ ઉપર અપાર છે પણ જે મોટાની સાથે ભાવથી જોડાય તેના ઉપર વિશેષ દયા છે. જીવના ગુના સામું મોટા જોતા નથી. જે મન, કર્મ, વચને મોટાના થઈ રહ્યા છે તેનો છેલ્લો જન્મ થઈ રહ્યો છે. જો લાંબી અવધિએ મોક્ષ થાય તો મોટા મળ્યા તેનું ફળ શું? માટે મોટા મળ્યા તેને જન્મ ધરવો પડતો નથી. 1/113/202

59. આ લોકને વિષે કોઈક મોટો યજ્ઞ કરે તેમાં જે આવે તે ભૂખ્યો જાય નહિ, તેમ મોટાના જોગમાં જે આવે તે સુખિયા થયા વિના રહે જ નહિ. અનાદિકાળનાં પાપ સમગ્ર પ્રલય થઈ જાય ને અનંતકાળનાં સુકૃત ઉદય થયાં હોય ને છેલ્લી પ્રાપ્તિ થવાની હોય, તેને મોટા મુક્ત ઓળખાય છે. મહિમાએ સહિત મુક્તની રજને માથે ચઢાવે તો તેનું આત્યંતિક કલ્યાણ થાય છે. જે પૃથ્વી ઉપર મોટા ચરણ મૂકે તે પૃથ્વી તીર્થરૂપ થાય છે અને તે પૃથ્વીની રજ જેના ઉપર પડે તેનો પણ મોક્ષ થાય છે. જે નદી-સરોવરમાં મોટા મુક્ત નહાય કે પગ બોળે તો તે જળમાં રહેલાં સર્વે જીવનો મોક્ષ થાય છે અને તે જળના દેવ જે વરુણ તે પણ દર્શન કરવા આવે છે અને તે વરુણનું પણ કલ્યાણ થાય છે. મોટા મુક્ત નહાતા હોય તે પાણી મહિમાએ સહિત માથે ચઢાવે તેનાં પંચ મહાપાપ બળીને મોક્ષ થાય છે પણ તે પાણીનો મહિમા જાણ્યા વિના માથે ચઢાવે તો તેવો ન થાય. તે ઉપર લક્ષ્મીરામભાઈની વાત કરી જે, આપણી લખઈવાડીમાં સદગુરુ સ્વામી શ્રી નિર્ગુણદાસજી નહાતા હતા. તે પાણી થાળામાં જતું હતું. તેને લક્ષ્મીરામભાઈ ખોબે ખોબે લઈને માથે ચઢાવતા હતા. તે જોઈને સ્વામીશ્રી બોલ્યા જે, આ શું કરો છો? ત્યારે લક્ષ્મીરામભાઈ બોલ્યા જે, બાપજી! હું નિર્ધન, રોગી ને ગરીબ બ્રાહ્મણ; તે કાશી, દ્વારિકા, ગયાજી, જગન્નાથ, ગંગા, ગોદાવરી, સરસ્વતી, યમુના આદિ તીર્થ કરવા શી રીતે જાઉં? મારે ઘેર બેઠા સર્વે તીર્થ આજ થઈ રહ્યાં. આવો મહિમા જાણીને મોટાનું નાહેલું જળ માથે ચઢાવે તો પંચ મહાપાપાદિક સર્વે બળી જાય ને આત્યંતિક મોક્ષ થાય. જે ઝાડ તળે મોટા બેઠા હોય તથા જે ઝાડના ફળ, ફૂલ, પત્ર, પુષ્પ તેમના ઉપયોગમાં આવે તે ઝાડનું પણ કલ્યાણ થાય છે. 1/114/203

60. મોટાનો સમાગમ કરવા જઈએ ને મોટાને સેવા, સમાગમ, ભક્તિએ કરીને રાજી કરીએ અથવા મોટા રાજી થાય ને રૂડા આશીર્વાદરૂપે તેનું ફળ અહીં પ્રત્યક્ષ જીવના જોયામાં આવે નહિ. તેથી કૃતાર્થપણું મનાય નહિ; જેમ સુદામાજી શ્રીકૃષ્ણ ભગવાન પાસે ગયા, તેમની સેવા અંગીકાર કરીને તેમનું દરીદ્ર કાપીને કંચનના મહેલા કર્યા હતા પણ સુદામાને ખબર પડી નહોતી. તેથી માર્ગમાં શ્રીકૃષ્ણને વિષે ગુણ-અવગુણના ઘાટ થતા, પણ જ્યારે કંચનના મહેલ દેખ્યા ત્યારે મહિમા જાણ્યામાં આવ્યો. તેમ મોટાના આશીર્વાદનું ફળ જ્યારે ધામમાં જાય ત્યારે દેખે ને મહિમા સમજાય. 1/117/207

61. તમારે કચ્છમાં આવવું હોય ને વિચાર કર્યા કરો તો ન અવાય પણ જો ટિકિટ લઈને રેલ બેસો તો તરત આવી પહોંચાય. તેમ મહારાજનો ને મોટાનો સિદ્ધાંત તો મોટાને મન સોંપે ત્યારે જ જણાય એવો છે. કદાપિ કોઈકને ન સમજાય તો પણ મન સોંપ્યું હોય તેને વાંધો રહે નહિ. મહારાજને અને મોટાને સાથે રાખે ને એમની મર્યાદા રાખે ને અંતર્યામી જાણે તો સર્વે ક્રિયામાં મહારાજ ટેક રખાવે. 1/127/221

62. અત્યારે અમારી પાસે બેઠા છો તે વખતે તમારા ઘાટ ટળી ગયા છે, તેમ સદા સંભારો તો ઘાટ-સંકલ્પ ટળી જાય. મોટાને દર્શને કરીને શાંતિ થાય. આટલું સુખ તો બહાર બેઠા આવે છે. તો જ્યારે જીવમાં સાક્ષાત્કાર થાય ત્યારે તે સુખનો પાર જ ન રહે. આ તો બહુ લાભની વાત થાય છે. આવા મોટાના ભેળા રહેતા થકા પણ કેટલાક દુઃખિયા થઈ જાય છે. તે વિશ્વાસમાં, મહિમામાં ને નિશ્ચયમાં કસર છે તેથી દુઃખિયા થાય છે. જેટલી બીજે પ્રતીતિ આવે તેટલો મહારાજનો ને મોટાનો વિશ્વાસ ઓછો છે. આ સભામાં ને આ સ્થાનમાં બેઠેલા કેટલાય ગયા તે હજુ આવ્યા નથી. તે સંગદોષે ગયા, માટે સ્વભાવ કરતાં પણ સંગદોષ વધારે નડે એવો છે. બ્રહ્મચારી, સાધુ, ગૃહસ્થ એ આશ્રમ સર્વે ખોટા છે ને મૂકવાના છે. આ લોકનું ડહાપણ તો બ્રહ્મરાક્ષસના વળગાડ જેવું છે. 1/129/225

63. મહારાજને અને મોટાને રાખવાનો શો ઉપાય હશે?

બાપાશ્રી બોલ્યા જે, જેણે મહારાજને અને મોટાને રાખવા હોય તેણે અંતઃકરણ શુદ્ધ રાખવું. જેવા માંહી તેવા બહાર રહેવું. પણ કોઈ પ્રકારનું કપટ કે યુક્તિ રાખવાં નહિ. જ્યાં સુધી અંતઃકરણ શુદ્ધ નહિ રાખે ત્યાં સુધી મોટા સુખની પ્રાપ્તિ નહિ થાય ને મહારાજના ને મુક્તનાં ભેગું નહિ રહેવાય. મહારાજે પણ જેતલપુરના 4થા વચનામૃતમાં એમ જ કહ્યું છે. જ્યારે મહારાજના ધામમાં રહેવાય નહિ ત્યારે મહારાજ અને મોટા પણ એના અંતરને વિષેથી ઊઠી જાય એટલે એ મડદું કહેવાય અને તેને જે અડે તે અભડાય; માટે તપાસ રાખવો. 1/131/227

64. જેમ માસ્તર છોકરાંને ભણાવે છે તેને એમ રહે જે હું ઘણાને ભણાવું તો ઠીક; તેમ અનાદિમુક્તને એમ રહે જે ઘણા જીવ સુખિયા થાય તો ઠીક. સત્ય આત્મા, સત્ય મૂર્તિ ને સત્ય સંત તથા એ ત્રણના સંબંધને પામેલાં સત્શાસ્ત્ર એ ચારનો સંગ કરે તો સત્સંગી થયો. તેને પણ સુખભોક્તામાં અનાદિમુક્ત પહોંચાડે ત્યારે પહોંચાય. 1/132/229

65. લુણાવાડાના મહાસુખભાઈએ પૂછ્યું જે, સાધનદશાવાળા તો પોતાના કલ્યાણને અર્થે યજ્ઞ કરે પણ આપ તો મહારાજના સંકલ્પથી અહીં દેખાઓ છો અને જીવોનું કલ્યાણ કરવા આવ્યા છો. એમ સદગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામીએ મને તથા પ્રાંતિજના કેશવલાલભાઈને કહ્યું હતું. તો આપને આવા મોટા યજ્ઞ કરવાનું શું કારણ હશે?

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, અમે બીજા જીવોના કલ્યાણને અર્થે કરીએ છીએ તે જે દર્શને આવે અથવા યજ્ઞનું અન્ન જમે અથવા જે જે મનુષ્ય, પશુ આદિક સેવાના ઉપયોગમાં આવે તો સર્વેનો મોક્ષ કરવા સારુ કરીએ છીએ પણ બીજું કાંઈ કારણ નથી. સાધનદશાવાળા પોતાના કલ્યાણને અર્થે કરે અને સિદ્ધ મુક્ત જે જે કરે તે બીજાના કલ્યાણને અર્થે કરે છે. અહીં આ યજ્ઞમાં જે જે સંત-હરિજનો આવ્યા તે સર્વેને આ દેહે જ શ્રીજીમહારાજના સુખમાં લઈ જઈશું. મોટા મુક્ત તો જમીને કલ્યાણ કરે ને જમાડીને પણ કલ્યાણ કરે ને દૃષ્ટિ વડે પણ કલ્યાણ કરે ને સંકલ્પે કરીને પણ કલ્યાણ કરે. મોટા મુક્તનાં દર્શન જેને થયાં ન હોય તે જો તેમને ભાવે કરીને સંભારે તો તેનું પણ કલ્યાણ કરે. આવા મહારાજ ને આવા મુક્ત કૃપા કરીને પધાર્યા છે, ને કૃપા કરીને મહિમાની વાત કરે છે, તેમાં કોઈને એમ થાય જે આ તો પોતાનો મહિમા કહે છે; પણ અમે તો ધણીનો ને ધણીના લાડીલા મુક્તનો મહિમા કૃપા કરીને કહીએ છીએ. 1/138/242

66. મોટા મુક્તનાં દર્શન, સ્પર્શ આદિનું ફળ કેટલું થતું હશે?

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, શાસ્ત્રમાં તો ડગલે ડગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ લખ્યું છે, પણ આજનું તો માપ થાય તેવું નથી. આજ તો સત્સંગમાં ઘણાં ધામોના ધામી ને તેમના મુક્ત તે સર્વે પોતાના કલ્યાણને અર્થે આવ્યા છે. જામનગરમાં સ્વરૂપાનંદ સ્વામી તળાવ ઉપર વડ તળે બેઠા હતા. તેમની સાથે પોણોસો સાધુ હતા. તે જોઈને એક બ્રાહ્મણ બોલ્યો જે સાધુ તો આગળ નારદ, શુક, સનકાદિક તથા નવ યોગેશ્વરો થઈ ગયા અને ભગવાન પણ આગળ મચ્છ, કૂર્મ, વારાહ, નૃસિંહ, વામન, રામ, કૃષ્ણ તે થઈ ગયા. આજ તો એવા ભગવાન કે સાધુ ન હોય. ત્યારે સ્વરૂપાનંદ સ્વામી બોલ્યા જે, તેં જે સાધુ ને ભગવાન થઈ ગયા એમ કહ્યું તે બધા આ બેઠા. તારે દર્શન કરવાં હોય તો કર. એ બધાય એમના કલ્યાણને અર્થે અમારા શિષ્ય થઈને અમારી પાસેથી સર્વોપરી એવા સાક્ષાત્ શ્રી સ્વામિનારાયણ ભગવાન, તેમના સ્વરૂપનું જ્ઞાન ને મહિમા શીખે છે. તેમને સર્વેને અમે સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન ને મહિમા સમજાવી, સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિના સુખમાં લઈ જઈશું. ભગવાન તો સ્વામિનારાયણ એક જ છે અને તેં કહ્યાં એ તો સર્વે ભક્ત છે એમ બોલ્યા. એવો આ સત્સંગનો મહિમા છે. આ ભગવાન ને આ મોટા મુક્તનાં દર્શન-સ્પર્શાદિકના ફળનું માપ થાય નહિ. એ તો અપાર ને અવિનાશી છે. તેમનાં દર્શનાદિકે કરીને તો આત્યંતિક મોક્ષ થાય છે. જે મહારાજને ને મોટાને ઓળખે નહિ પણ દર્શનાદિક થાય તો તેનાં સર્વે પાપ બળે ને મોક્ષને માર્ગે ચાલે. 1/141/246

67. મધ્ય પ્રકરણનું 38મું વચનામૃત વંચાતું હતું તેમાં એકાંતિકનો ભગવાનને વિષે પ્રવેશ થાય છે એમ આવ્યું. પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, એકાંતિકનું શું લક્ષણ હશે?

બાપાશ્રી બોલ્યા જે, એક ચાલોચાલ ને બીજા એકાંતિક એ બે પ્રકારના ભક્ત અવરભાવમાં એટલે સાધનદશામાં હોય છે. તેમાં જે માળામાં, માનસી પૂજામાં, ધ્યાન-ભજનમાં, શ્રીજીમહારાજની આજ્ઞા પાળવામાં, કથા-વાર્તામાં એ સર્વે ક્રિયામાં નિત્ય નિત્ય નવી નવી શ્રદ્ધા લાવીને કરતો જાય તે ચાલોચાલ કહેવાય અને આ પ્રમાણે સર્વે સાધન ન કરે ને કેવળ, મહારાજની નાની મોટી સર્વે આજ્ઞા પાળે તે ગુણબુદ્ધિવાળો પ્રાકૃત ભક્ત કહેવાય અને જે આજ્ઞામાં ફેર પાડે તે તો સ્વામિનારાયણનો કહેવાય જ નહિ અને સર્વે સાધનના અંતને પામીને, દેહને ખોખાવત્ કરીને, માયિકભાવ માત્રને ટાળીને, બ્રહ્મકોટીના ને અક્ષરકોટીના રાગને ટાળીને, એક શ્રીજીમહારાજની અખંડ સ્મૃતિ રાખે તે એકાંતિક કહેવાય. જેમ મંદિર પૂરું થાય પછી મૂર્તિ પધરાવાય છે તેમ એકાંતિક મંદિરને ઠેકાણે થયો. એટલે મૂર્તિને રહેવાનું શુદ્ધ પાત્ર થયો, અને તેમાં મૂર્તિ રહે છે પણ આત્માને વિષે દેખે નહિ ત્યાં સુધી એકાંતિક કહેવાય. આત્માને વિષે મૂર્તિનો સાક્ષાત્કાર થાય તે પરમ એકાંતિક કહેવાય અને મૂર્તિમાં રહે તે અનાદિ કહેવાય. આ બે પ્રકારના ભેદ પરભાવના એટલે સિદ્ધ મુક્તના છે. 1/145/251

68. જેમાં શ્રીજીમહારાજ કે સંત નાહ્યા હોય તેમાં નહાય કે પાણી પીએ કે તેના ઉપર પક્ષી ઊડીને જાય તેનું પણ કલ્યાણ થાય. એવો આજનો મહિમા છે. શ્રીજીમહારાજને અને મોટાને અંતર્યામી ન જાણે ને અખંડ વૃત્તિ ન રાખે તો નાસ્તિકપણું છે. એક તો વિદ્યાએ કરીને મોટાઈ હોય ને એક તો વયે કરીને મોટાઈ હોય પણ મૂર્તિમાં જોડાય તે મોટપ ખરી. ભૂજમાં બાળમુકુંદદાસજીને કોઈ આગળ બેસારતા નહિ પણ એ તો મૂર્તિ સાથે રમૂજ કરતા. માટે મહાપ્રભુજીની વાત અટપટી છે. બાધિતાનુવૃત્તિ હોય ત્યાં સુધી પોતાની અને મહારાજની મોટાઈની ખબર પડે નહિ. જેમ બળદેવજીને પડી નહિ તેમ. આજ તમને શ્રીજીમહારાજે એવું બળ આપ્યું છે. આ વખત બગાડી નાખે એટલે પોતાનું પૂરું ન કરે તેને જન્મ ધરવો પડે. ભગવાનના ભક્તનો દેહ પ્રફુલ્લિત હોય ને વાણી પણ પ્રફુલ્લિત હોય ને એનાં દર્શન જે કરે તે પણ કૃતાર્થ થઈ જાય. 1/150/262

69. આ લોકમાં પૈસાનો મહિમા જાણ્યો છે તો ચાર ચાર મહિના સુધી સમુદ્રમાં રહે છે ને વહાણમાં સ્ત્રી-છોકરાં સારું દુઃખ વેઠે છે, તેમ શ્રીજીમહારાજનો ને સંતનો મહિમા જાણ્યો હોય તો સેવા કરવામાં શ્રદ્ધા બહુ રહે. શ્રીજીમહારાજની ને એમના મુક્તની સેવા કરવી તથા એમને જમાડવા. તે સેવાનું ફળ જે અક્ષરધામમાં શ્રીજીમહારાજની મૂર્તિનું સુખ તે મળે છે. વ્યવહારમાં દેહ ઘસી નાખે તે તો સૂકા લાકડાંને પાણી પાય તો સડી જાય છે તેવું છે, અને આ તો શ્રીજીમહારાજની મૂર્તિમાં રસબસ કરી દે છે. જેમ લીલા ઝાડને પાણી પાય તો સૂકાવા આવેલું હોય તો પણ લીલું થઈ જાય તેમ સેવાનું પણ એવું ફળ થાય. 1/150/263

70. આ લોકને વિષે રાજા છે તે મનુષ્ય છે તો પણ તેને વિષે મનુષ્યભાવ નથી લાવતા ને તે જેમ કહે તેમ કરવું પડે છે, તો આ તો દિવ્ય મૂર્તિઓ છે. માટે તે અત્યારે ખરા બપોર કહે, તો પણ જીવમાંથી હા પાડવી જોઈએ; કેમ કે એમને તો રાત્રિ-દિવસ છે જ નહિ. આપણે જેમ દિવસે સૂઈ ઊઠીને નહાતા નથી ને દાતણ, પૂજા કરતા નથી અને રાત્રિએ સૂઈએ તો સવારે ઊઠીને દાતણ, નહાવું, પૂજા બધું કરવું પડે છે તેમ મોટાને રાત્રિ-દિવસ નથી, માટે તે જે કહે તે સત્ય માનવું તો મનુષ્યભાવ ટળે ને દિવ્યભાવ આવે ને કલ્યાણ થાય. 1/159/285

71. બાપાશ્રીએ કૃપા કરીને કહ્યું જે સંતો! જેમ પ્રલંબાસુર બળદેવજીને લઈ ચાલ્યો ત્યારે પોતાના બળની ખબર પડી નહિ પણ જ્યારે આકાશવાણીએ કહ્યું ત્યારે ખબર પડી, તેમ તમારામાં અપાર સામર્થી છે પણ તમને ખબર નથી. તમે એક જીવને અક્ષરધામમાં મૂકો તો બ્રહ્માંડ ઉગાર્યાનું ફળ થાય, તે કેવી રીતે તો ઉદ્ભિજ્જ, જરાયુજ, સ્વેદજ અને અંડજ એ ચાર ખાણમાં એ જીવને ફરવું પડે છે તે ફરવાનું મટી જાય; માટે એ કરજો. 1/159/286

72. જેમ શ્રી ઘનશ્યામ મહારાજની મૂર્તિ કોઠારમાં હતી ત્યારે તે મૂર્તિ પાસે કોઈ કાંઈ માગતા નહોતા અને હોમ-હવન કરીને પધરાવ્યા પછી તે મૂર્તિ પાસે મોક્ષ માગીએ છીએ, તો એક દિવસમાં એટલો ફેર પડ્યો. તેમ સંત કર્યા છે તેમને એવા દિવ્ય કલ્યાણકારી જાણવા. જ્યારે કથા થાતી હોય ત્યારે મુક્ત એમ જાણે જે પ્રત્યક્ષ શ્રીજીમહારાજ બોલે છે, ને સાધનિક એમ જાણે જે લખ્યું છે તે વંચાય છે. બત્રીસ લક્ષણે યુક્ત સંત થાય તેને આ કથા પ્રત્યક્ષ મહારાજ બોલે છે એમ જણાય. માયિક અક્ષર બત્રીસ છે. તેમાં કેટલુંયે બોલાય છે ને વંચાય છે તે માયિકમાં એટલું અપારપણું છે તો આ સભા ને મહારાજમાં શું ન હોય? એ તો અપાર છે; માટે નાસ્તિકભાવ ટાળવો. જીવ ઝીણો અને મહારાજને મુક્ત મોટા તેનો પાર ક્યાંથી પમાય? 1/161/289

73. મધ્ય પ્રકરણનું 51મું વચનામૃત વંચાતું હતું. તેમાં જે સત્પુરુષની આજ્ઞા પ્રમાણે વર્તે તે જ આત્મસત્તારૂપે વર્તે છે એમ આવ્યું. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આજ્ઞા છે તે આત્મસત્તાનું કામ કરે છે, એટલે આજ્ઞા પાળનારો આત્મસત્તારૂપ એટલે મહારાજના તેજરૂપ થાય છે, ત્યારે તે પાત્ર થયો; પછી મોટા મુક્ત એમાં મૂર્તિ પધરાવી દે છે. 1/172/321

74. સારંગપુરનું બીજું વચનામૃત વંચાતું હતું. તેમાં પરમેશ્વર તથા મોટા સંત તે યોગ્ય અથવા અયોગ્ય (કડક) વચન કહે તે તત્કાળ સ્નેહે સહિત માનવું એમ આવ્યું; તો તે સંતનું અયોગ્ય વચન કયું જાણવું?

બાપાશ્રી બોલ્યા જે, ગુરુ હોય તે પોતાના શિષ્યને ગુણમાં આવીને શિખામણ દે તે અયોગ્ય વચન કહેવાય, અને શુદ્ધ સત્ત્વગુણમાં એટલે નિર્ગુણ થઈને બોલે, વઢે તે યોગ્ય કહેવાય. શિષ્ય હોય તે ગુરુનું અયોગ્ય વચન માને તો તેને શ્રીજીમહારાજનું વચન પાળે અને વચનના માર્યા જુદા ન પડે તો તે શૂળીનું દુઃખ સહન કર્યું કહેવાય. જે શિષ્ય હોય તેણે ગુરુ આગળ યુક્તિ ન કરવી ને ખટપટીઆ ન થાવું અને અગડમ્ બગડમ્ ન કરવું. જેવા માંહી તેવા બહાર રહેવું પણ લેશમાત્ર કપટ ન રાખવું તો ગુરુ તથા મહારાજ રાજી થાય અને મોક્ષ થાય; માટે ચોખ્ખા થઈને ધામમાં જાવું. 1/174/325

75. માનસી પૂજા ને ધ્યાન કરવા માંડો તો કૃપા થાય, સૂતે સૂતે કૃપા માગો તે ક્યાંથી થાય? જીવ લગાર કામમાંથી નવરો થાય તો સૂઈ રહે કે ગપ્પાં દે, પણ ભગવાન સંભારે નહિ, એવો રમતિયાળ છે; માટે એવા બાળકિયા સ્વભાવ રાખવા નહિ. બાળકમાંથી વૃદ્ધાવસ્થા લાવવી, પણ યુવાન અવસ્થા આવવા દેવી નહિ. મોટાનો જોગ કરીએ ને દેહાભિમાન રહી જાય તો જોગ કર્યો તે ન કર્યા જેવો છે. જીવ પાત્ર થાય તો પછી કૃપા થાય, માટે પાત્ર તો સર્વને થાવું પડશે; પછી કૃપા થશે. મનનું ધાર્યું મૂકી દઈને જેમ મોટા કહે તેમ કરો તો પાત્ર થવાય. 1/179/336

76. સાધન ક્યાં સુધી પૂગે એવાં છે? શ્રીજીમહારાજે અમદાવાદના 7મા વચનામૃતમાં કહ્યું છે જે ગરુડ ઊડી શક્યો નહિ, પછી અમે એકલા જ ઊડ્યા. એમાં સમજવાનું એ છે જે ગરુડની ગતિ ગોલોકથી આગળ ન ચાલી તેમ સાધનની ગતિ ગોલોકથી આગળ નથી. ગોલોકથી આગળ તો કૃપાએ ચલાય છે. ગોલોક સુધી સાધન ચાલે, ત્યાંથી સાધન તૂટ્યાં. પછી તો શ્રીજીમહારાજ અથવા મુક્ત કૃપા કરીને મૂર્તિનો સાક્ષાત્કાર કરાવે, ત્યારે પરમ એકાંતિક થાય. પછી શ્રીજીમહારાજની મૂર્તિમાંથી અનુભવ જ્ઞાન છૂટે છે, તે મૂર્તિમાં લઈ જાય છે. જેમ સમુદ્રમાંથી વેળ આવે તે વેળ પાછી વળે ત્યારે જીવજંતુને પાછાં લઈ જાય છે, તેમ અનુભવજ્ઞાન મૂર્તિમાં લઈ જાય છે. ત્યારે તે મુક્ત અનાદિ કહેવાય છે. 1/183/343

77. સાધને કાંઈ થાતું નથી. જેમ દહાડી કરી કરીને રૂપિયા ભેળા કરીને રાજા સાથે લઢીને રાજ્ય લેવું હોય તો કોઈ દિવસ ના મળે, પણ એક ચીભડું ભેટ મૂકીએ તો રાજા રાજ્ય આપી દે, તેમ સાધને કરીને કલ્યાણ લેવું તે દહાડી કર્યા જેવું છે ને આશરે આવીને દેહ, મન ને જીવ તે સોંપી દે તો કલ્યાણ થાય, તેમાં કાંઈ વાર લાગે નહિ, એવા આજ મહારાજ ને મુક્ત કૃપાસાધ્ય છે. 1/185/348

78. આ સત્સંગમાં સાધુ ને સત્સંગી તે પોતપોતાના નિયમ બધા પાળતા હોય પણ શ્રીજીમહારાજનો મહિમા પૂરો સમજી શકે નહિ અને કોઈ મોટા પણ મળ્યા ન હોય તેને અંત વખતે પ્રાપ્તિ કેવી થાય? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, તેને મહારાજ ને મોટા કૃપા કરીને જ્યાં મોટા મુક્તનો જોગ હોય ત્યાં રાખીને મહિમા સમજાવીને લઈ જાય અને જે શાસ્ત્રમાંથી યથાર્થ મહિમા સમજ્યો હોય ને તેને મોટાનો જોગ ન મળ્યો હોય તો પણ તેને મહારાજ ને મોટા કૃપા કરીને જેવો મહિમા સમજ્યો હોય તેવી પ્રાપ્તિ અંત વખતે કરાવે; પણ જેને મોટાનો જોગ થયો હોય તે તો ઇયળ-ભ્રમર ન્યાયે બીજા અનેક જીવોને મુક્ત કરે. જોગ વિનાનાને અંત વખતે તેને સમજણ થઈ હોય તે પ્રમાણે સુખની પ્રાપ્તિ થાય અને જોગવાળાને છતે દેહે સુખની પ્રાપ્તિ થાય એટલો વિશેષ છે. 1/189/356

79. એક મહારાજની સમીપે રહે ને એક મહારાજની મૂર્તિમાં રહે તેને સુખમાં શો ફેર રહેતો હશે?

બાપાશ્રી બોલ્યા જે મૂર્તિમાં રહેનારાને સુખ લેવાની ગતિ અધિક છે, કેમ જે તે સમગ્ર મૂર્તિમાં રહીને રોમરોમનાં સુખ એકકાળાવિચ્છિન્ન લે છે અને પરમ એકાંતિકની એવી ગતિ નથી. માટે એટલું સુખ લઈ શકતા નથી. 1/189/356

80. મધ્ય પ્રકરણનું 54મું વચનામૃત વંચાતું હતું. તેમાં ભગવાનના ભક્તને વિષે જેની આત્મબુદ્ધિ થાય છે, તેણે જ સર્વ સાધનથકી અધિક કલ્યાણકારી સત્સંગને જાણ્યો છે એમ વાત આવી ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આત્મબુદ્ધિ આવવી તે ઘણી કઠણ છે. વિશ્વાસ હોય તો પણ આત્મબુદ્ધિ ન થાય. સંતને વિષે એટલે મુક્તને વિષે આત્મબુદ્ધિ થાય તો જેમ કહે તેમ કરે ને દેહાભિમાન આડું આવે નહિ. જો દેહાભિમાન ટળી જાય તો મહારાજને વિષે ને અનાદિમુક્તને વિષે આત્મબુદ્ધિ થાય. 1/200/387

81. પ્રથમ પ્રકરણનું 21મું વચનામૃત વંચાતું હતું. તેમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિએ કરીને ભગવાન પ્રસન્ન થાય છે એમ વાત આવી ત્યારે બાપાશ્રી બોલ્યા જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ એ ચારેનું સ્વરૂપ સત્પુરુષના સમાગમે પમાય છે. પણ તે વિના શાસ્ત્રમાંથી પોતાની માયિક બુદ્ધિએ કરીને પમાતું નથી. શાસ્ત્ર તો દિશ બતાવે છે, પણ મોટા મળે ત્યારે વાસ્તવિક સમજાય. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ તે મહારાજની તથા અનાદિમુક્તની શક્તિઓ છે. તે સત્પુરુષના સમાગમે કરીને જીવને વિષે આવે છે ત્યારે જીવને મુક્ત કરે છે. જેમ આંબા આદિ ઝાડમાંથી ફળ થાય છે તેમ મૂર્તિમાંથી ને મુક્તમાંથી એવા અનંત ઐશ્વર્ય પ્રગટ થાય છે ને લીન થાય છે. 1/210/417

82. મોટા મુક્ત પાસે અહીં જે વાવશો તે ઊગશે, અપરાધ કરશો તો ય ઊગશે અને સેવા કરશો તો ય ઊગશે. જો તન કુરબાન કરી નાખશો તો મૂર્તિના સુખે સુખિયા થશો, પરોક્ષના કાર્યમાં રજોગુણ ને તમોગુણ છે. દા.ત. પાંડવોનાં યુદ્ધ, હિરણ્યકશ્યપુનાં યુદ્ધ, એ તમોગુણ-રજોગુણ કહેવાય; પણ અહીં તો નૈમિષારણ્ય ક્ષેત્રમાં એવું એકેય નથી, આ તો દિવ્ય સભા છે. 1/215/440

83. પ્રથમ પ્રકરણનું 9મું વચનામૃત વંચાતું હતું. તેમાં ધામને વિષે મૂર્તિઓ તથા ઐશ્વર્ય દેખાડે છે એમ આવ્યું. પછી ભૂજના સોની મોતીભાઈએ પૂછ્યું જે:- મૂર્તિઓ અને ઐશ્વર્ય કિયાં જાણવાં?

બાપાશ્રી બોલ્યા જે, મૂર્તિઓ તે અનાદિમુક્ત મૂર્તિમાં રહ્યા છે તે સમજવા અને મૂર્તિમાંથી સુખ આવે તે ઐશ્વર્ય જાણવાં. 1/216/440

84. સભામાં પ્રથમ પ્રકરણનું 27મું વચનામૃત વંચાતું હતું. તેમાં ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરીને રહે છે એ વાત આવી ત્યારે સંતે પૂછ્યું જે: આવી સમજણ આવ્યા પહેલાં ભગવાન નિવાસ નહિ કરતા હોય? અને જેના હૃદયમાં ભગવાન નિવાસ કરે તે મુક્ત કેવી સ્થિતિના કહેવાય?

બાપાશ્રી બોલ્યા જે, જેમ સિંહણનું દૂધ સુવર્ણના પાત્રમાં જ રહે પણ ઠીકરાં આદિકના વાસણમાં ન રહે તેમ પાત્ર થાય ત્યારે શ્રીજીમહારાજ નિવાસ કરે, પણ તે પહેલાં નિવાસ ન કરે, તે માટે પાત્રની તારતમ્યતાએ રહે છે. જેના હૃદયમાં ભગવાન નિવાસ કરે તે મુક્તની એકાંતિકની સ્થિતિ કહેવાય. 1 226/457

85. પુરુષોત્તમને વિષે લીન કેમ થવાય?

બાપાશ્રી બોલ્યા જે શ્રીજીમહારાજ પોતાને વિષે અતિ સ્નેહવાળા ભક્તને પોતાની મૂર્તિને વિષે દૂધમાં સાકરવત રાખે છે. 1/235/472

86. દૂધ ને સાકર તો નિરાકાર છે ત્યારે ભગવાન ને મુક્ત તે સાકાર હશે કે નિરાકાર હશે?

બાપાશ્રી બોલ્યા જે, શ્રીજીમહારાજ ને એમના મુક્ત સદા સાકાર છે ને શ્રીજીમહારાજ ભક્તના ચૈતન્યને સાકાર કરીને પોતાની મૂર્તિમાં ચરણમાં ચરણ, હાથમાં હાથ, મસ્તકમાં મસ્તક, શ્રોત્રમાં શ્રોત્ર, ચક્ષુમાં ચક્ષુ એમ સર્વ રીતે દરેક અવયવે અવયવમાં રાખે છે. 1/235/472

87. ભગવાનનો મહિમા સંતના સમાગમે કરીને સમજાય ત્યારે ભગવાન થકી ભગવાનનો મહિમા સમજાય કે નહિ?

બાપાશ્રી બોલ્યા જે, ભગવાન પ્રત્યક્ષ મળે તો ભગવાન પોતાનો મહિમા સમજાવે અને સંત મળે તો સંત સમજાવે. તે સંત દ્વારાએ પણ ભગવાન જ સમજાવે છે. માટે ભગવાનનો મહિમા ભગવાન થકી જ સમજાય છે એમ જાણવું. 1/235/473

88. મોટાનું સુખ કેટલાક છેટે રહ્યા હોય તે પણ લઈ શકે છે અને ઘણાક સમીપમાં રહ્યા હોય પણ એ સુખ લઈ શકતા નથી; જેમ ગાયનું વાછરડું છેટે રહ્યું હોય તો પણ દૂધનો સ્વાદ લે છે અને ઇતરડી આઉમાં રહીને પણ એ સ્વાદ લઈ શકે નહિ તેમ. એનું કારણ દેહાભિમાન છે, તેથી એ માર્ગ જડતો નથી. 1/239/482

89. બ્રહ્મચારી વૈરાગ્યાનંદજીએ પૂછ્યું જે: સારંગપુરના 17મા વચનામૃતમાં દશ પ્રકારના મુક્તના ભેદ કહ્યા છે તેમાં મહાતેજરૂપ મુક્તને શ્રેષ્ઠ કહ્યા છે તે આપણે મહાતેજરૂપ થયા છીએ કે નહિ તે શી રીતે જણાય? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મહાતેજરૂપ તો પરમ એકાંતિક કહેવાય અને તમો તો આ જોગથી ને કૃપાથી મહાતેજથી પર અનાદિમુક્તરૂપ થયા છો અને જે જણાતું નથી તેનું તો એમ છે જે જેમ પક્ષીનું ઇંડું પરાધીન છે પણ જ્યારે ઇંડું ફૂટીને પાંખો આવશે ત્યારે આકાશમાં રહેશે. માટે તે ખેચર કહેવાય. તેમ જે શ્રી પુરુષોત્તમના આશ્રિત સર્વે દેહના આવરણમાં છે ત્યાં સુધી ઇંડાની પેઠે પરાધીન છે પણ જ્યારે આ દેહનો જોગ મટી જશે ત્યારે આવરણ રહિત થઈને શ્રી પુરુષોત્તમના સુખમાં રમશે. 1/247/500