• ધ્યાન–અંતર્વૃત્તિ–સમાધિ - વિભાગ ૨
1. સભામાં કથા વંચાતી હતી તેમાં સમાધિમાં આકાશ લીન થઈ જાય છે એ વાત આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આકાશ તમોગુણમાંથી થયો તે લીન થઈ જાય, પણ જેને શ્રીજીમહારાજ કૃપા કરીને સમાધિ કરાવે તેને તો આ લૌકિક આકાશ ન દેખાય તે લીન સમજવો. ચિદાકાશ દેખાય તે ચિદાકાશની ઉત્પત્તિ જાણવી. પાછો દેહમાં શ્રીજીમહારાજ લાવે ત્યારે ભૌતિક આકાશ ઉત્પન્ન થયો કહેવાય અને ચિદાકાશ ન દેખાય તે ચિદાકાશ લીન થયો કહેવાય; પણ છે તો જેમ છે તેમ જ. 2/24/65
2. સભામાં બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, અખંડ સમાધિવાળો છે તેને તો મહારાજની મૂર્તિ વિના બીજું કાંઈ ભાસે જ નહિ. ખાતાં, પીતાં, ઊઠતાં, બેસતાં સર્વે ક્રિયામાં મૂર્તિ હોય અને જે ચમત્કાર, સમાધિ, પરચા આદિક દેખાય તે તો મહારાજ પોતાની મરજી પ્રમાણે દેખાડે છે. 2/25/66
3. બાપાશ્રી બોલ્યા જે, જેને ખરી સિદ્ધદશા આવે તે તો એક મહારાજને દેખે; બીજું કાંઈ એને હોય નહિ. કેટલાક સમાધિને અધિક કહે છે પણ એ ઉત્તમ માર્ગ નથી; તે તો સકામ કહેવાય. એને ઐશ્વર્યનું રહે, જોયાનું રહે, માટે સિદ્ધદશા તે અખંડ સમાધિ કહેવાય અને તે ઉત્તમ છે. તે જ્યાં જુએ ત્યાં મૂર્તિ જ જુએ, બીજું કાંઈ દેખે જ નહિ. જો એમ ન સમજાય તો જેમ લાડકીબાઈ તેજ જોઈને ચીસો પાડવા મંડ્યાં તેવું થાય. પછી મહારાજે કહ્યું જે એક મૂર્તિ જુઓ, પછી મૂર્તિ જોઈ તો આનંદ આનંદ થઈ ગયો. 2/27/73
4. મગનભાઈએ પૂછ્યું જે, મહારાજની મૂર્તિ કઈ ધારવી? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, તેજનો સમૂહ અધોઊર્ધ્વ પ્રમાણે રહિત ધારીને તેના મધ્યે શ્રીજીમહારાજની મૂર્તિ બે ચક્ષુવાળી ગમે તે ધારવી. હીંડોળામાં ઊભી મૂર્તિ છે તે ધારો, અગર ઘનશ્યામ મહારાજની છે તે ધારો. પણ અટકળથી ગમે તેવી મૂર્તિ તેજમાં છે તેમ નહિ. આકાર તો માંહી બે ચક્ષુવાળી મહારાજની મૂર્તિનો જ ધારવો. તે મૂર્તિમાંથી તેજની સેડ્યો છૂટે છે. જ્યારે ધ્યાન કરવા બેસવું ત્યારે મોટાને સાથે લેવા એટલે મૂર્તિ ધારતાં કોઈ વિઘ્ન ન આવે તેવી સહાય માગવી, કેમ કે તેમનું જરૂર કામ પડે છે. 2/32/89
5. જેમ કૂવામાં ઘડો સિંચે છે તે દોરડું સિંચનારના હાથમાં હોય; તે સળંગ રહે તો પાણી ભરીને ઘડો નીકળે છે, પણ દોરડું તૂટે તો ઘડો કૂવામાં રહે છે અને પાણી પણ આવતું નથી. તેવી રીતે જે ભગવાનના ભક્તની વૃત્તિ શ્રીજીમહારાજની મૂર્તિ વિષે સદા સંલગ્ન રહે છે તેને શ્રીજીના સુખરૂપ પરમાનંદનો લાભ થાય છે, પણ જો વૃત્તિ તૂટે તો કૂવામાં ઘડો રસાતાળ થયો તેમ માયાને વિષે જીવ લીન થાય છે. 2/34/95
6. પાંચ વખત માનસીપૂજા કરવી, ધ્યાન કરવું, તે સૂતાં, બેઠા, ચાલતાં સર્વે ક્રિયામાં ધ્યાન કરવું. સ્મૃતિ રાખવી, મૂર્તિને ક્ષણમાત્ર વિસારવી નહિ. એક દોર રાખે તો બીજું દીઠું ન ગમે. 2/40/121
7. ભગવાનના ભક્તને જો ખરેખરી અંર્તદૃષ્ટિ થાય તો આંખોમાંથી ધારાઓ છૂટે ત્યાં સુધી મૂર્તિ સામું જોઈ રહે અને આ ક્રિયા કરું છું, આ સેવા કરું છું, તેમાં મહારાજની શી મરજી છે એમ સ્મૃતિ રાખે. એમ અખંડ સ્મૃતિ રહે એવો અભ્યાસ રાખવો. એક પુરુષોત્તમ ભગવાન અને તેમના અનાદિ રાખીએ તો બીજું કાંઈ ભાસે જ નહિ અને આનંદ આનંદ થઈ જાય. ધ્યાન કરતાં કરતાં, માળા ફેરવતાં ફેરવતાં મૂર્તિથી બહાર નીકળાય નહિ. વૃત્તિઓ મૂર્તિમાં તણાઈ જાય. મહારાજ કહે મંદવાડ એવો ખરેખરો કરી દેવો કે લોક-ભોગમાં ક્યાંય વૃત્તિ રહે નહિ. એક મૂર્તિને સુખે સુખિયું થઈ જવાય એ સાધનમાં સર્વેએ રહેવું. 2/48/153
8. શ્રીજીમહારાજની જોડે તેમના અનાદિમુક્તને ધારવાથી હેત વધારે થાય છે. સર્વે સાધનનું ફળ શ્રીજીમહારાજનું ધ્યાન છે, તે વિના કારણ દેહ બળે નહિ. જો આપણે ધ્યાન કરવા માંડીએ તો મહારાજ ને મોટા તુરત સહાયમાં ભળે. 2/55/175
9. બાપાશ્રીએ વાત કરી જે, મહારાજનું ધ્યાન ખટકો રાખીને કરવું, સંકલ્પરૂપી ગઠિયાનો વિશ્વાસ કરવો નહિ. ધ્યાન કરીને અંતર્વૃત્તિ કરીએ તો તેજના ઝબકારામાં મૂર્તિ દેખાવા માંડે એટલે સભાએ સહિત મુક્તોથી બ્રહ્માંડ ઠસાઠસ ભરેલું છે એવી રીતે જોડાવું. એક કલાક બેસવા ધાર્યું હોય તો બે કલાક થઈ જાય એમ કરવું. આપણાથી લાખ મણનો પથ્થર ઊપડતો ન હોય પણ મોટા મુક્ત હાથ દે તો ઊપડે તેમ ધ્યાનથી સુખિયા થવાય છે. કારણ મૂર્તિનું ધ્યાન વિના ચાલોચાલથી સુખ ન આવે. 2/56/176
10. નરનારાયણ, રાધાકૃષ્ણ એ સર્વે મહારાજના સંકલ્પની મૂર્તિઓ છે અને ધ્યાન તો મૂળ મૂર્તિ જે હરિકૃષ્ણ મહારાજ તેનું જ થાય છે. માટે એ બધાય સ્વરૂપનાં દર્શન કરતી વખતે શ્રીજીમહારાજની મૂર્તિ ધારીને (સમજીને) કરવા. સર્વેમાં શ્રીજીમહારાજનો ભાવ લાવવો. 2/60/191
11. મનફરાવાળા માનસંગ ભક્તે પૂછ્યું જે, બાપા! સત્સંગમાં મહારાજના મહિમાની વાતો બહુ થાય છે તે સાંભળીએ છીએ તો પણ ઘાટ-સંકલ્પ કેમ ટળતા નહિ હોય? ને માનસીપૂજા કરવા ટાણે, માળા ફેરવવા ટાણે ને ધ્યાન ધરવા ટાણે કંઈક ઘાટ-સંકલ્પ આડા આવીને ઊભા રહે છે તે કેમ ટળે? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, શ્રીજીમહારાજના આશ્રિતને એ મૂર્તિનું બળ રાખવું ને મોટા સંતનો મહિમા સમજી સાથે રાખવા એટલે એ ઘાટ નડી ન શકે. આ ટાણે બહુ ભારે કામ થાય છે. માટે ઢીલાપોચા ન રહેવું અને દેહમાં ટોળું ભરાઈ ગયું છે તે બહુ જબરું છે. એના જ્યારે ઘાટ થાય ને તેનું મનન કરે ત્યારે એનો સાક્ષાત્કાર થાય, માટે થતા ઘાટને જ દંડ દઈને કાઢી મૂકવો અને જેમ વિદ્યાર્થી ભણે છે ને ગોખે છે તે પાકું થઈ જાય છે તેમ મનન કરવાથી ઘાટ પાકા થઈ જાય છે, માટે ઘાટનું મનન કરવું નહિ. આપણને નબળા ઘાટનો અભાવ (અણગમો) હોય તો મરેલા જાણવા અને હેત હોય તો જીવતા જાણવા. ખબડદારી રાખવી અને પોતાને પાપી ન માનવું. મહારાજની મૂર્તિનું અનુસંધાન સર્વે ક્રિયામાં રાખવાનું અંગ પાડી દેવું. મહારાજ ને સંત સર્વેને દિવ્ય જાણવા, તેનું મનન કરવું પણ એથી પરવારવું નહિ. પાંચ વખત માનસી પૂજા કરવી અને તેનો કેફ પંદર કલાક એટલે આખો દિવસ રહે. વ્યવહાર કરવામાં એક વરસ આગળથી ઠરાવ કરે છે. તો માનસી પૂજા કરતાં એક એક કલાક ઠરાવ થાય અને એક એક કલાક સાંભર્યા કરે એમ કરતાં કરતાં અખંડ થઈ જાય. બહારની સેવા-ભક્તિ કરવાનું થાય પણ ટાણું આવે ત્યારે માનસી પૂજા ભૂલી જવાય. આગળ પાછળ થઈ જાય તો તે કેવું થયું કે જેમ કોઈકને નોતરું દઈને પછી ટાણે જમાડે નહિ, તો કચવાઈ જાય તેમ નિયમ વિનાની માનસી પૂજા પણ એવી છે. એક વખત ભૂલી જવાય તો બે વખતની ભેગી કરે એમ કાંધા કરે, એમ કાંધા કરતાં પણ પૂરું થાય નહિ; ત્યારે દેવાદાર થઈ જવાય, માટે નિયમસર માનસી પૂજા કરવી પણ કાંધા કરવા નહિ. ધણીના ઘરમાં આવ્યા પછી ધણીની મરજી પ્રમાણે વર્તવું જોઈએ, નહિ તો કાઢી મૂકે. 2/61/192
12. કાળીદાસભાઈએ પૂછ્યું જે, બાપા! ધ્યાન-ભજન કરવા બેસીએ છીએ ત્યારે ઊંઘ આવે છે ને આળસ બહુ થાય છે, તેનું શું કારણ હશે? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મહિમાની કસર છે; તેથી એમ થાય છે. આ જીવને ખાવાપીવાનું સર્વે સાનુકૂળ હોય તો ય ભગવાન ભજી ન શકે. એ તો અજ્ઞાન જ કહેવાય. 2/78/241
13. સભામાં બાપાશ્રીએ વાત કરી જે, શ્રીજીમહારાજને રાજી કરવા માટે એ દિવ્ય મૂર્તિનું ધ્યાન જરૂર કરવું પડશે. ત્યારે હીરાભાઈએ પૂછ્યું જે, બાપા! ધ્યાન કરવા બેસીએ છીએ તે થોડી વારમાં જાણે કેટલીયે વાર થઈ ગઈ. અંતરમાં આગ્રહ તો હોય પણ કલાકના કલાક બેસી શકાતું નથી, એનું શું કારણ હશે? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મૂર્તિમાં જોડાવાનો ખરેખરો આગ્રહ નથી અને આગ્રહ છે તો પણ તે વાચ્યાર્થ છે. જીવને ખપ તો હોય પણ ખપમાં ફેર છે જુઓને! હીરો ખોવાણો હોય તો રાત્રી-દિવસ શોધ્યા કરે અને તે ન જડે ત્યાં સુખી કેવો વ્યાકુળ થઈ જાય! તેમ આગ્રહ હોય તો ધ્યાનમાં બેસાય. પછી ધ્યાન કરતાં સમુદ્રના જેવા તરંગ ઊપજે છે. તે પણ મટી જાય. માટે ધ્યાન કર્યા સિવાય છૂટકો નથી. એ તો જરૂર કરવું પડશે. તે જો ખરેખરો આગ્રહ રાખીને ધ્યાન કરવા માંડે તો ત્રણે શરીર ટળી જાય ને મહારાજનો સાક્ષાત્કાર તરત થાય; એવો મૂર્તિનો પ્રતાપ છે. 2/99/313