૨૧. પ્રકીર્ણ આધ્યાત્મિક વાતો - વિભાગ ૧

0:000:00

ચમત્કાર ઐશ્વર્ય દેખીને રાજી થવાયા પણ તેથી કલ્યાણ થાય નહિ, માટે તેને જોવા કે પામવા ઇચ્છવું નહિ

1. નાસ્તિકભાવ તે શું? ને આસ્તિકભાવ તે શું?

બાપાશ્રી બોલ્યા જે, ભગવાનની મૂર્તિઓને વિષે ચિત્ર પાષાણાદિકનો ભાવ રહે તથા મુક્તને વિષે મનુષ્યભાવ રહે તથા મહારાજ વિના બીજો ઘાટ ઊપજે તેને પૂરો થવા દે, પણ થતા જ તે ઘાટને તોડી પાડે નહિ તે નાસ્તિકભાવ કહેવાય. મૂર્તિઓને વિષે સદા દિવ્યભાવ રહે અને મહારાજ અને મુક્તને સદા અંતર્યામી જાણે ને સદા સમીપે જાણે ને ઘાટ-સંકલ્પને પૂરાં થવા દે નહિ એ આસ્તિકભાવ કહેવાય. નાહવા-ધોવામાં, ખાવા-પીવામાં, બોલવા-ચાલવામાં એ આદિક સર્વે ક્રિયામાં બાળકિયા સ્વભાવ આવી જાય અને મહારાજની અને મોટાની મર્યાદા ન રહે, અને ભગવાનના મંદિરમાં તથા મોટા સંત-હરજિન પાસે તથા અન્ય સ્થળે પણ હાંસી, મશ્કરી, ઠઠ્ઠાબાજીના શબ્દ કાઢવા તે સર્વે નાસ્તિકભાવ છે, માટે વિનયે યુક્ત બોલવાનો સ્વભાવ રાખવો; પણ રાજ-તમ આદિક ગુણના વેગે ચઢી જવું નહિ. વેગે કરીને બોલવું, ચાલવું, ખાવું, પીવું, સૂવું, બેસવું, જોવું, સાંભળવું નહિ અને વેગે કરીને કથા, વાર્તા, માળા, ભજન, ભક્તિ તે પણ ન કરવાં, કેમ જે વેગ ઊતરી જાય ત્યારે ઢીલો પડી જાય. સંત કહે તેમ કરવું, તો સુખી રહેવાય. મહારાજ તથા મોટા મુક્ત પોતાના આત્માને વિષે સદા વિરાજમાન છે એમ જાણીને કામ-ક્રોધાદિક માયિક ઘાટ ઊઠવા દે નહિ અને આત્માને વિષે મહારાજની મૂર્તિનું અખંડ અનુસંધાન રાખે તો અંતરમાં મર્યાદા કહેવાય. 1/1/3

2. મહારાજને રાજી કરવા સારુ કાઠીઓ ટોળ કરતા તેમ હસવું, બોલવું થાતું હોય તે નાસ્તિકભાવ કહેવાય કે નહિ.

બાપાશ્રી બોલ્યા જે, યથાર્થ મહિમા સમજીને મહારાજ રાજી થાય એવો સમય જોઈને રાજી કરવા સારુ હસવું-બોલવું થાતું હોય તે નાસ્તિકભાવ ન કહેવાય. 1/1/4

3. પૂર્વના સંસ્કારી જીવ હોય છતાં તેને સત્સંગ ઓળખાતો નથી અને કેટલાકને તરત ઓળખાય છે તેનું શું કારણ હશે?

બાપાશ્રી બોલ્યા જે, અશુભ સંગના દોષે કરીને પૂર્વના સંસ્કાર દબાઈ રહે છે. તે જ્યારે સત્પુરુષનો જોગ થાય ને સત્સંગની રીતિ પ્રમાણે ચાલે ત્યારે સંસ્કાર ઉદય થાય ને થોડાકમાં સાધન પૂરાં થાય. કોઈક સત્સંગમાં આવે ને પાધરું તેને મહારાજ દર્શન આપે છે કે ઐશ્વર્ય જણાય છે કે કોઈ સત્સંગીનો છોકરો હોય તેને લક્ષ થવા માંડે છે; તે પૂર્વના સંસ્કારી જીવ હોય છે ને પૂર્વે ભગવાન કે સંતને સેવાએ કરીને રાજી કર્યા હોય છે. એનું પુણ્ય ઉદય થઈ આવતાં મહારાજ તેને દર્શન આપે છે એટલે વૃત્તિઓ મહારાજના સ્વરૂપમાં તણાય છે ને લક્ષ થાય છે. જેમ પૃથ્વીને વિષે બીજ પડ્યાં હોય તે વરસાદના જોગથી ઊગી નીકળે તેમ તે પૂર્વ સંસ્કારવાળો પોતાને સુખ, સામર્થી પ્રાપ્ત થઈ આવે તેને દબાવીને દાસાનુદાસ થઈને, મોટા મુક્તનો જોગ કરે તો વૃદ્ધિને પામીને મહામુક્ત થઈ જાય. 1/7/23

4. શ્રી ગોપાળાનંદ સ્વામી ચમત્કાર જણાવતા તેમ આજ મુક્ત કેમ નહિ જણાવતા હોય?

બાપાશ્રી બોલ્યા જે, આજ મોટા જો ચમત્કાર જણાવે તો મહારાજને મૂકીને મોટાને વિષે ચોંટે ને કહ્યું પણ માને નહિ. શ્રી ગુણાતીતાનંદ સ્વામીએ એવું પ્રકરણ રાખ્યું હતું. તેમાં કેટલાક નીકળી ગયા ને કેટલાક અવળું સમજીને વાંસે અંધપરંપરા ચલવે છે, માટે એવું થાય તો બગાડ ઘણો થાય. તેથી મોટા ચમત્કાર જણાવતા નથી. કોઈકને ચમત્કાર કે ઐશ્વર્ય જણાવે કે આપે તે તો જેમ બાળકને રમકડું આપે ને તે રાજી થાય, પણ તેને કરીને ભૂખ ભાંગે નહિ ને બળિયું પણ થાય નહિ. ચમત્કાર ઐશ્વર્ય તેવાં છે. દેખીને રાજી થવાય પણ કલ્યાણ થાય નહિ. માટે તેને જોવા કે પામવા ઇચ્છવું નહિ. 1/17/40

5. શ્રીજીમહારાજ તો સાક્ષાત્ પુરુષોત્તમનારાયણ છે, તેમને શ્રી રામાનંદ સ્વામીના શિષ્ય કહ્યા તે શિષ્યનો શો અર્થ હશે?

બાપાશ્રી બોલ્યા જે, રામાનંદ સ્વામીને પોતાની મૂર્તિનું સુખ આપનાર એમ સેવા કરનારા માટે શિષ્ય એમ સમજવા. 1/27/55

6. મુક્તના જોગે મુક્ત થાય છે તેને સુખ મહારાજ પોતે આપે છે કે મુક્ત અપાવે છે?

બાપાશ્રી બોલ્યા જે, શ્રીજીમહારાજે જીવો ઉપર દયા કરીને જે અનાદિમુક્તને પૃથ્વી ઉપર મોકલ્યા હોય તે મુક્તને વશ થઈને મહારાજ પોતે સુખ આપે છે. 1/32/63

7. મોટા મુક્ત મૂર્તિ આપી દે તો એમને શું કઠણ છે?

બાપાશ્રી બોલ્યા જે, મોટા એકદમ મૂર્તિ આપી દે તો ઝુમખરામની પેઠે જીરવાય નહિ, માટે જીવને બોલાવે, પ્રસાદી આપે, વાતો કરે એમ કરે. જો એક જ ક્રિયા લાંબી ચલાવે તો તમોગુણ આવે ને શબ્દના સાંધા થઈ જાય એટલે યથાર્થ સમજાય નહિ. આજ એકાદશી છે તે કથા લાંબી ચલાવવી હતી પણ તમારાથી ખમાય નહિ. જેમ જીવ ખમે તેમ ક્રિયા કરીએ કરાવીએ છીએ પણ ઠરાવ તો મૂર્તિ આપવાનો જ છે. તે પાત્ર કરીને આપશું. 1/25/52

8. અંત સમયે સો સદગુરુનું જ્ઞાન જીવને આપે છે એમ કહેવાય છે ત્યારે તો જીવ સદગુરુ થકી પણ વધી ગયો તે કેમ સમજવું?

બાપાશ્રી બોલ્યા જે, એ તો હિંમત દેવાનું વચન છે પણ સદગુરુનું જ્ઞાન તો અપાર છે. 1/33/65

9. લોયાનું 5મું વચનામૃત વંચાતું હતું. તેમાં 1લા પ્રશ્નમાં કપટી તથા નિષ્કપટીના લક્ષણની વાત આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, શ્રીજીમહારાજને વિષે ભગવાનપણાનો નિશ્ચય હોય પણ જો કપટી હોય ને તે જો પોતાનું કપટ જણાવા દે નહિ તો તેને જન્મ ધરવો પડે. જેમ મૂળજી લુહાણો ઘરેણાંનો ડબો ચોરી ગયો હતો તેને વીસ ગાઉથી પાછું આવવું પડ્યું તેમ થાય. એને નિશ્ચય તો હતો પણ જો ચોરી કરી તો વીસ ગાઉથી ડબો આપવા પાછું આવવું પડ્યું. તેમ કપટીને જન્મ ધરવો પડે. 1/53/101

10. મહારાજ અને મુક્ત દિવ્ય છે તે માયિક અન્નને જમતા હશે કે કેમ?

બાપાશ્રી બોલ્યા જે, જો ભક્ત સાચે ભાવે માયિક વસ્તુ અર્પણ કરે તો તે ભક્તનો ભાવ જોઈને મહારાજ ને મુક્ત એ વસ્તુને દિવ્ય કરીને અંગીકાર કરે છે અને તેનું ફળ (પોતાની મૂર્તિનું સુખ) આપે છે. 1/54/103

11. ભાગવતીતનુનો અર્થ શો હશે?

બાપાશ્રી બોલ્યા જે, ભાગવતીતનુ એટલે ભગવાનની મૂર્તિ જાણવી. તે મૂર્તિમાં રાખીને સુખ આપે છે. જ્યાં સુધી સાધનનો ભાર હોય ત્યાં સુધી ધ્યાન કરે તો પણ મૂર્તિ દેખાય નહિ અને સત્સંગ પણ દિવ્ય સમજાય નહિ. કદાપિ મૂર્તિ દેખતો હોય અને તે મુક્તને ઓળખતો ન હોય પણ સર્વને વિષે દિવ્યભાવ હોય તો વાંધો નહિ. જે સત્સંગ દિવ્ય ન જાણે અને પોતાને સરસ માને અને બીજાને પોતાથી ન્યૂન માને અને તે કહે જે, હું મહારાજની મૂર્તિને દેખું છું તો એ વાત ખોટી છે. 1/67/129

12. ગોત્ર કોને જાણવું?

બાપાશ્રી બોલ્યા જે, જેટલા પંચવર્તમાને યુક્ત શ્રી સ્વામિનારાયણના ભક્ત હોય તે ગોત્ર જાણવું. 1/70/133

13. મોટાને દેન દેવા જાય છે ત્યારે ઉત્સવ કરતા કરતા કેમ લઈ જાય છે?

બાપાશ્રી બોલ્યા જે, પ્રાકૃત લોકોની પેઠે પ્રસિદ્ધ રોવું-કૂટવું નહિ પણ અંતરમાં તો શોક કરવો, પણ પ્રાકૃત જીવ જેમ દેહના સંબંધનો શોક કરે છે તેમ ન કરવો. જીવના સંબંધનો શોક તો કરવો જ, કેમ કે જીવન ગયું એમ જાણીને શોક કરે તો શ્રીજીમહારાજ રાજી થઈને ભજન, સ્મરણ આદિક સાધનમાં સહાય કરે છે, પણ શોક ન કરે ને રાજી થાય તો મહારાજ કુરાજી થાય છે. જેમ મંદિર બળતું હોય તેને દેખીને કોઈ રાજી થાય તો મંદિરમાં ભગવાન રહ્યા છે તે કુરાજી થાય તેમ. માટે શોક કરવો પણ રાજી ન થાવું. 1/73/136

14. મોટા અંતર્ધાન થવા ઇચ્છતા હોય ને કોઈક ઉપાધિ કરીને ઉદાસ કરે તે નિમિત્તે અંતર્ધાન થાય તો તેનું ઉદાસી કરનારને પાપ લાગે કે નહિ?

બાપાશ્રી બોલ્યા જે, મોટાને તો આ લોકમાં રહેવાની ઇચ્છા ન હોય પણ અનંત જીવોનો ઉદ્ધાર બંધ થઈ જાય તેનું ઘણું પાપ લાગે. 1/73/136

15. એક જીવને મહાપ્રભુજીની પાસે લઈ જઈએ તો જેટલું સુખ પ્રથમ આવતું હોય તેથી હજારગણું આપે. મોટાના આશીર્વાદથી મહારાજ પમાય છે. મહારાજના સુખમાં પહોંચ્યા કેડે નહાવું, ધોવું, ખાવું, પીવું, પૂજા એ આદિક કાંઈ ક્રિયા નથી. ત્યાં તો નવા નવા પ્રકારનાં સુખ આવે છે. 1/77/142

16. શ્રીજીમહારાજે તથા મોટા મુક્તોએ સ્વપ્નમાં દર્શન આપ્યાં હોય તે પ્રત્યક્ષ દર્શન જેવા હશે કે કાંઈ ફેર હશે?

બાપાશ્રી બોલ્યા જે, શ્રીજીમહારાજે કે મોટા મુક્તોએ સ્વપ્નમાં દર્શન દીધાં હોય તે પ્રત્યક્ષ દર્શન જેવાં જ છે. એમાં કાંઈ ફેર નથી, કેમ જે એમને જાગ્રતાદિક અવસ્થા તથા દેહ એ કાંઈ છે જ નહિ. જાગ્રતમાં દર્શન આપે છે તેમાં દર્શન કરનારને ઉદ્ઘોષ વધારે જણાય, કેમ જે એને પ્રત્યક્ષ થાય છે; અને સ્વપ્નમાં દર્શન આપે છે તે અંદર પડદે રહે છે, તે જીવને જાણવા દેતા નથી ને કહેવા દેતા નથી, રોકી રાખે છે. 1/78/143

17. પ્રથમ પ્રકરણના 1લા વચનામૃતમાં ધર્મકુળને આશ્રિત થવાનું કહ્યું તે ધર્મકુળ તે શું જાણવું?

બાપાશ્રી બોલ્યા જે, ધર્મકુળ એટલે ધર્મના પુત્ર શ્રીજીમહારાજ જાણવા અથવા જેને ધર્મ ને ભક્તિ બે ય અતિશય દૃઢ હોય ને શ્રીજીમહારાજની મૂર્તિમાં રહેતાં હોય એવા અનાદિમુક્ત જાણવા. તેમને આશ્રિત જે થાય તે બ્રહ્મમય દેહને પામે એટલે ભગવાનરૂપ થાય. 1/82/148

18. કેટલાક લાજે કરીને તથા દંભે કરીને વ્રત ઉપવાસ કરે ને છાનું ખાય, તેણે તો શ્રીજીમહારાજને તથા સત્સંગને છેતર્યા, માટે એને તો પાપ લાગે. જેમ દહાડિયા ધણીના દેખતાં બહુ કામ કરે અને ધણી ન હોય ત્યારે બેસી રહે તેમ દેખાડવા પ્રાર્થના કરે, તે પ્રેમીનું લક્ષણ પાળ્યું ન કહેવાય. ધણી ના દેખતાં હોય તો પણ કામ કર્યા કરે, તેમ મહારાજને રાજી કર્યા સારુ ધ્યાન, ભજન આદિક સાધન કરે ને મહારાજની વાતોમાં હીંસોરા થાય તે પ્રેમી ભક્ત કહેવાય. 1/89/163

19. શ્રીજીમહારાજ અથવા મોટા મુક્ત મૂર્તિનું સુખ જીવને આપી દે તો એમને શું કઠણ છે?

બાપાશ્રી બોલ્યા જે, જીવ વેપાર કરવા માંડે એવા છે. તે વેપાર એટલે કોઈકને જણાવે અથવા કોઈ નજરમાં જ ન આવે ને પોતાને સરસ માને માટે નથી આપતા. જ્યાં સુધી પાત્ર થાય નહિ ત્યાં સુધી મહારાજ અંદર પડદે રહે છે. પાત્ર થયા વિના દર્શન આપે તો જીવને માન આવે અને પૂજ્યપણું વધે માટે અંતે દેખાડીશું; ત્યારે કોઈકને સંશય થાય જે, પાત્ર થયા વિના મૂર્તિમાં કેમ લઈ જશો? તો જેને અધૂરું હશે તેને દેહને અંતે પાત્ર કરીને પૂરું કરાવશું પણ જન્મ નહિ ધરાવીએ. જેને મોટાનો જોગ થયો તેને તો દયા કરીને પૂરું કરાવશું. 1/92/168

20. મધ્ય પ્રકરણનું 56મું વચનામૃત વંચાતું હતું. તેમાં શ્રી ગોપાળાનંદ સ્વામી જેવા મોટાને ભૂંડા દેશ, કાળ આદિકનો જોગ થાય તો ભગવાનમાં પ્રીતિ છે તેનું કાંઈ ઠેકાણું રહે નહિ એમ આવ્યું.

શ્રી ગોપાળાનંદ સ્વામી તો શ્રીજીમહારાજની મૂર્તિમાં રહેનારા અનાદિમુક્ત છે તેમને ભૂંડા દેશ કાળાદિક લાગે એમ કહ્યું તેનું શું કારણ હશે?

બાપાશ્રી બોલ્યા જે, એ તો સાધનિકને બીક લગાડવા માટે કહ્યું છે, પણ સ્વામી તો શ્રીજીમહારાજના જેવા જ સમર્થ છે. 1/92/168

21. પાપી જીવ હોય તે પણ જો અંત વખતે સ્વામિનારાયણ નામનું ઉચ્ચારણ કરે તો તેનો મોક્ષ થાય એટલે બીજબળ થાય; અને બીજે જન્મે સત્સંગમાં આવીને પ્રતિમાને દિવ્ય જાણે ને સર્વોપરી ઉપાસના સમજે ને આત્યંતિક મોક્ષને પામે. 1/100/183

22. એક ગામમાં એક જણને છોકરાં જીવે નહિ. પછી પુરુષે ઠીકરામાં ખાવું એવી માતાની બાધા રાખી. તે પણ ઊભા ઊભા ખાવું. તેની સ્ત્રીએ છોકરાનું મળમૂત્ર બાર મહિના સુધી ભોંય પડવા દેવું નહિ ને બધું લૂગડામાં રાખવું. ને બાર મહિને બધું માતા પાસે લઈ જવું, ને પગે લગાડીને પછી લૂગડાં ધોવે ત્યારે બાધા છૂટે. પછી બાર મહિને લૂગડાંનો મોટો ગાંસડો બાઈએ માથે ઉપાડ્યો ને પુરુષે છોકરાને તેડેલો ને માથે ઠીબડી; એવી રીતે ચાલ્યા. તેને માર્ગમાં એક હરિજન મળ્યા તેમણે પૂછ્યું જે, આ ગાંસડો ને ઠીબ ને આ બધું શું છે? ને ક્યાં જાઓ છો? પછી તેણે બધી વાત કરી. આટલો બધો દીકરા સારુ દાખડો કર્યો, તે કેવો દીકરાનો મહિમા! અજ્ઞાની જીવને એવો મહિમા નાશવંત પદાર્થનો છે. આટલો દાખડો ભગવાનને ને સંતને અર્થે કરે તો કલ્યાણમાં કાંઈ વાંધો જ ન રહે. 1/108/197

23. પોતાનું પૂરું થયું કેમ જણાય?

બાપાશ્રી બોલ્યા જે, શ્રીજીમહારાજની કથા, વાર્તા, ધ્યાન, ભજન આદિક જે જે સાધન કરે તે પોતાને અર્થે ને બીજા સર્વેને અર્થે કરે અને શ્રીજીમહારાજ તથા મુક્તને આગળ રાખે ને દાસપણું મૂકે નહિ. એવાં લક્ષણ હોય ત્યારે પૂરું થયું જાણવું. જો બીજાને જાળવવા જાય ને પોતાનું તપાસે નહિ તો પૂરું થાય નહિ. તે ઉપર સોરઠના હરિભક્તની વાત કરી જે બીજાને વાર્તા કરીને ધામમાં મોકલ્યા ને પોતાને ચાર જન્મ ધરવા પડ્યા ત્યારે પૂરું થયું. 1/117/208

24. સત્રૂપ મહારાજ ને સત્રૂપ સંત ને તેમણે કહેલા એવો સત્રૂપ ધર્મ, એ ત્રણેનું જેમાં વર્ણન હોય એવું સત્રૂપ શાસ્ત્ર એ ચારેનો સંગ કરે તો પૂરો સત્સંગી કહેવાય.1/122/217

25. આ લોકના વૈભવ ત્યાગ કરવા. તાવ આવે છે, તો પણ જમવાનું મુકાવી દે છે. જો મંદવાડનું મુકાવ્યું મુકાય છે તો શ્રીજીમહારાજનો મહિમા જાણ્યો હોય તો તે કેમ ન મુકાય? માટે સર્વે આસક્તિ ટાળીને એક મહારાજની મૂર્તિમાં જોડાવું. 1/123/218

26. ચરણની સેવા કરવી એમ કહે છે તે કેવી રીતે સમજવું?

બાપાશ્રી બોલ્યા જે, ચરણની સેવા એટલે મૂર્તિની સેવા જાણવી. ચરણની સેવા કહેવી તે નમ્ર વાણી છે, જે દાસ હોય તે એવી રીતે નમ્રતાપૂર્વક બોલે. એમ દાસને બોલવાની રીતિ છે એમ જાણવું; માટે ચરણ સેવા એટલે સમગ્ર મૂર્તિની સેવા જાણવી. 1/124/219

27. અત્યારથી નિષ્કપટ થાય તો આગલું પાપ બળે કે નહિ?

બાપાશ્રી બોલ્યા જે, ફેર પાછા એ રસ્તે ન ચાલે તો બળે અને પાછા જો એ રસ્તે ચાલે તો બમણાં વળગે. જાણતાં છતાં આજ્ઞામાં ફેર પાડે તેનું તો પ્રાયશ્ચિત્ત કહ્યું નથી. માટે સૌની હારે ત્રોહ ત્રોહ કરવું નહિ. મહારાજને અને મોટાને તો સર્વેને સુખિયા કરવા છે પણ જેમ વૈદ નિરોગી કરવા ઔષધ આપે છે પણ જો કરી ન પાળે તો વિસ્ફોટક થઈ જાય તેમ જન્મ-મરણરૂપી રોગ ટાળવા સત્સંગમાં આવ્યા છે તે જો આજ્ઞારૂપી કરી ન પાળે તો જન્મ-મરણરૂપી રોગ ટળે નહિ. માટે મોટા કહે તેમ કરવું. જ્યારે ત્યારે બાંધણાં તોડ્યા વિના છૂટકો નથી ને નહિ તૂટે ત્યાં સુધી જન્મ-મરણ ટળવાનું નથી. આવા જોગમાં સ્વભાવ ટળતા નથી તે મહિમામાં, શ્રદ્ધામાં ને નિશ્ચયમાં ખામી છે. 1/136/237

28. મહારાજની અને મોટાની પ્રાપ્તિ થઈ છે તો પણ માયાના ગુણ કેમ વ્યાપે છે?

બાપાશ્રી બોલ્યા જે, જેને મહારાજની અને મોટાની પ્રાપ્તિ થઈ છે તેને જે માયાના ગુણ વ્યાપે છે, તે તો મહારાજે અને મોટાએ તેના સમાસને અર્થે રાખ્યા છે; જે એને દીનપણું રહે ને મોટાના જોગની ત્વરા રહે ને નિર્માનીપણું રહે એટલે મોટાનો જોગ ને સેવા કરે. તેણે કરીને મહારાજની ને મોટાની પ્રસન્નતા થાય ને કૃપાએ કરીને મહિમા સમજાવે ને મહારાજનું અને મુક્તનું સાર્ધમ્યપણું પામે, એટલા માટે તે રાખ્યા છે. આજ તો મહારાજ ને મોટા સહાયમાં છે તેણે કરીને ભગવાનને માર્ગે ચલાય છે. શ્રીજીમહારાજની અને મોટા મુક્તની સન્મુખ થાય તો ઘાટ-સંકલ્પ થાય નહિ. 1/140/245

29. પ્રસાદીનું વસ્ત્ર હોય તેને વળ દઈને ગળે બાંધે તો નુકસાન કરે ને પ્રસાદીનો પથ્થર હોય તો પણ વાગે અને જો મહિમાએ સહિત દર્શન કરે તો દિવ્ય કરે. 1/151/267

30. ચિંતામણિ તો મળી છે પણ દરજીના સેબામાં જાય છે. મહારાજ તેડવા આવે ત્યારે અહીં રહેવાનો સંકલ્પ થાય તો દરજીના સેબા (ટેભા) જેવું છે. જ્યારે શ્રીજીમહારાજ તેડવા આવે ત્યારે પૂરું થયું જાણવું. જેમ ઝાડેથી ફળ તૂટ્યું તે પાછું ઝાડે વળગે નહિ, તેમ શ્રીજી કે મોટા દેહ મુકાવે તો ફેર બીજો દેહ ન ધરાવે. એ તો પોતા પાસે જ લઈ જાય છે. 1/151/267

31. મધ્ય પ્રકરણનું 61મું વચનામૃત વંચાતું હતું. તેમાં નિયમ, નિશ્ચય ને પક્ષની વાત આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ભગવાનના ભક્તનો પક્ષ ઘવાઈ પડીએ એટલો અથવા જરૂર પડે તો છેવટે મરણ થાય ત્યાં સુધી પણ રાખવો. ગુંદાળી ગામના કાઠીએ મરણ સુધી પક્ષ રાખ્યો તો મોક્ષ થયો. પક્ષ, નિયમ ને નિશ્ચય એ ત્રણે સરખા છે. માટે ભગવાનના ભક્તને દુઃખ પડે તો રક્ષા કરવી અને ભગવાનના ભક્તને પાપી દુઃખ દે તો એના ઉપર દાઝ કરવી ને સત્સંગીને પોતાના ગોત્રી જાણીને પક્ષ રાખવો. પક્ષ રાખતા થકા મરણ થાય એવો પક્ષ રાખે તો નિયમ ને નિશ્ચયથી પણ પક્ષ વધી જાય એવો છે. આપણે એક બાપના દીકરા છીએ માટે બધાએ સત્સંગનો પક્ષ રાખવો. તેમાંયે જે શ્રીજીમહારાજની મૂર્તિમાં જોડાયેલા હોય તેમનો પક્ષ શિર સાટે રાખે તો આત્યંતિક મોક્ષ થાય. શબને શણગારવું નહિ, એટલે વર્તમાનમાં ફેર હોય તો મા, બાપ, દીકરા, દીકરી તે કોઈનો પક્ષ રાખવો નહિ. વર્તમાન ન હોય તેને ભેળો રાખવો નહિ ને એનો સંગ પણ ન રાખવો. ભક્તનો પક્ષ રાખવાથી બહુ જ કામ થાય છે. માટે વાણિયાની પેઠે જાગું છું, જાગું છું એમ ન કરવું. મોટરાઓએ તો ધર્મ પાળવો ને પળાવવો ને ધર્મવાળાનો પક્ષ રાખવો. પક્ષ રાખવામાં શ્રીજી બહુ રાજી છે. 1/157/277

32. સભામાં મધ્ય પ્રકરણનું 62મું વચનામૃત વંચાતું હતું. તેમાં શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજે તથા શ્રી રઘુવીરજી મહારાજે શ્રીજીમહારાજને પ્રશ્ન પૂછ્યા તે એવું મોટા સદગુરુઓએ તેમને શિખવાડ્યું હતું. આજના આચાર્યોને સંતો કેવા ઉપદેશ આપે છે તે કહો. ત્યારે સંતોએ કહ્યું જે આજના એવી રુચિવાળા નથી. માટે શી રીતે શિખવાડાય? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, શ્રીજીમહારાજે આદિ આચાર્ય જે બે ગાદીએ બેસાર્યા હતા તે તો પોતાના ધામમાંથી પોતાની સાથે લાવેલા હતા, તેમણે શ્રીજીમહારાજની પેઠે જ સર્વ સત્સંગને સુખિયો કર્યો. હવે તો એવાં સુખ આવે તેમ નથી. 1/157/278

33. આ સંપ્રદાય આત્યંતિક કલ્યાણનો અલૌકિક માર્ગ છે. શ્રીજીમહારાજે તથા મોટા મોટા સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી, શ્રી ગોપાળાનંદ સ્વામી, શ્રી બ્રહ્માનંદ સ્વામી, શ્રી નિત્યાનંદ સ્વામી એવા મોટાએ પૃથ્વી ઉપર આવીને અનંત જીવોના કલ્યાણને અર્થે ચલાવ્યો છે. આજ મોટા અધિકારીઓએ પણ એ જ પ્રમાણે કાયમ ચલાવવો. અને સાધુ-સત્સંગીને તથા ગરીબ-ગુરબાને સુખી કરવા. કોઈને વિક્ષેપ ન થાય ને ત્યાગી તથા ગૃહસ્થો ભગવાન ભજે એવું કરી દેવું તો શ્રીજીમહારાજ બહુ રાજી થાય, માટે મોટેરાઓએ ધર્મમાં વર્તીને ને વર્તાવીને આ સંપ્રદાયની રીતિ ચલાવવી. શ્રીજીમહારાજના વચનમાં વર્તો ને વર્તાવો તો શ્રીજીમહારાજ અતિશે રાજી થાય. આ સત્સંગમાં ગરીબ સાધુ ને ગરીબ સત્સંગી ઉપર રહેમની નજર રાખવી ને સુખિયા રાખવા તો મહારાજ ને મોટા તથા સર્વે સત્સંગ આશીર્વાદ આપે. દેહ મૂકીને અક્ષરધામમાં ગયા કેડે પણ બધા સત્સંગના આશીર્વાદ મળે જે નિયમમાં રહેતા ને રખાવતા તેથી અહીં સર્વેને સુખિયા કર્યા ને પોતે સુખિયા રહ્યા એમ આશીર્વાદ મળે. આશીર્વાદે દિવ્યભાવ આવે છે -પ્રાપ્ત થાય છે. મોટાની સારપે સૌને સારપ છે. દાસપણામાં સુખ છે. "દાસ તમારા દાસનો મને રાખો નાથ હજૂર" એમ પ્રેમાનંદ સ્વામીએ પણ માગ્યું છે. માટે દાસપણું રાખી સત્સંગની ખબર રાખવી તો મહારાજ રાજી થઈને અક્ષરધામમાં લઈ જાશે. પોતાની સામર્થી પ્રમાણે આ સંપ્રદાય સુધારવો તેમાં શ્રીજીમહારાજનો રાજીપો બહુ છે. 1/158/281

34. છાણીના ઢેડ હરિજન મોઢ બ્રાહ્મણ આગળ બે-ચાર શ્લોક બોલ્યા ને તેનો ઉત્તર કરવાનું કહ્યું તે મોઢ બ્રાહ્મણથી થયો નહિ તેથી તેણે ઢેડ હરિજનના વખાણ કર્યા. તે ઢેડ હરિજન નાતજાતને ત્યાગીને ભગવાન ભજે છે, તેમ જ અબડાશાના હરિભક્તો પણ મોક્ષનો દરવાજો આ ઠેકાણે જાણીને એંશી ગામની દશ-પંદર હજાર ઘરની નાત ત્યાગીને શ્રીજીમહારાજને શરણ થયા છે, એમના ઉપર શ્રીજીમહારાજનો બહુ જ રાજીપો છે. જેણે ભગવાન ખાતર નાત-જાત, મા-બાપ, દીકરા, ભાઈ, સંબંધી સર્વેનો ત્યાગ કર્યો તેણે લોયાના 3જા વચનામૃતમાં કહ્યા પ્રમાણે "માહાત્મ્ય જાણે તેનાથી અમારે અર્થે શું ન થાય?" તેવું એમણે કર્યું છે. દસ-વીસ પેઢીની ભૂલ ઓળખીને શ્રીજીને શરણે થયા એમને ધન્ય છે. આવા મુમુક્ષુને શ્રીજીમહારાજ અને અમે અક્ષરધામમાં લઈ જઈશું, એ શ્રીજીનો ને મોટાનો પ્રતાપ છે. તે શ્રી પુરુષોત્તમ ભગવાન પ્રગટ્યા ને મોક્ષનો બરાબર દરવાજો આપ્યો ત્યારે સર્વેમાંથી તૂટીને આ જોગમાં આવ્યા. બીજા અવતારોના જોગમાં ન આવ્યા ને આ મોટા અવસરમાં આવીને શ્રીજીમહારાજના ને સંતના થયા. તેમને તથા છાણીના ઢેડ હરિજનને તથા સુંદરિયાણાવાળા વનાશા તથા પુંજાશાને ધન્ય છે. તેમણે કારસો વેઠીને સત્સંગ રાખ્યો છે માટે તેમનાથી સાધન, ભક્તિ ઓછા થાય તો પણ શ્રીજીમહારાજ એમના ઉપર બહુ રાજી છે. જેવો અભય પુત્રને ધન્ય, તેવો જ એમને ધન્ય છે. ધન્ય છે જીવા પટેલને જે એમણે પોતાના દીકરાને કાઢી મૂક્યો ને સત્સંગ રાખ્યો. આપણો તો સત્સંગમાં જ જન્મ છે માટે આપણા કરતાં એમને ઘણો જ ધન્ય છે. વળી પોતાની સ્ત્રીને પણ કાઢી મૂકીને કહ્યું કે જો સત્સંગી થાઓ તો રહો ને સત્સંગ ન રાખો તો સત્સંગ મૂકીને જાઓ. જો આવાનો લક્ષ લઈએ તો આપણે બહુ જ કામ આવે. 1/159/283

35. દેહ મૂકીને ધામમાં અથવા મૂર્તિમાં ગયા કેડે જે સ્થળમાં સાધન કર્યું હોય તે સાંભરતું હશે કે નહિ?

બાપાશ્રી બોલ્યા જે, ધામમાં અથવા મૂર્તિમાં ગયા કેડે હું અનાદિનો અહીં જ છું એમ જણાય છે, પણ બીજું કાંઈ સાંભરતું નથી. 1/162/292

36. આપણે મહારાજ અને તેમના મુક્તો હોય તે સ્થાન જગન્નાથપુરી જાણવું, પણ પરોક્ષનું જગન્નાથ ન સમજવું. તેમ જ જગન્નાથની પ્રસાદી લેવી એમ કહ્યું તે પરોક્ષના જગન્નાથની રાંધેલા ભાતની પ્રસાદી ન સમજવી પણ મુક્તરૂપી જગન્નાથની પ્રસાદી લેવી તે પ્રસાદી તે શું? તો મુક્તે મહારાજને જમાડીને આપેલી પ્રસાદી તે પહેલી પ્રસાદી. મુક્ત બિરાજતા હોય તે બ્રહ્મસભાનો દોષ ન લેવો ને ગુણ જ લેવો તે ગુણરૂપી બીજી પ્રસાદી જાણવી અને તે બ્રહ્મરૂપ ને દિવ્ય સનાતન સભા પાસેથી જ્ઞાન લેવું તે ત્રીજી પ્રસાદી છે. 1/164/298

37. શ્રી સચ્ચિદાનંદ સ્વામીને દ્વારિકામાં ગુગળીએ કહ્યું હતું જે પ્રગટ સ્વામિનારાયણ ભગવાનને મૂકીને અહીં શા પાપે આવ્યો છું? તે ભક્તચિંતામણિના 92મા પ્રકરણમાં 58મી ચોપાઈમાં કહ્યું છે કે, "વળી કહેવાય છે પ્રભુ આપે, તેને મૂકીને આવ્યો શે પાપે". માટે બીજે ગયા જેવું નથી. અમે નગરઠઠ્ઠામાં ગયા હતા. ત્યાં એક હરિભક્તે વૈરાગીને રસોઈ આપી ને વસ્ત્ર આપ્યાં, તેને આપણા સાધુએ કહ્યું જે, તમને વૈરાગી જે ધર્મ વિનાના છે તેને જમાડે શું મળે તેમ છે? ત્યારે તેણે શિક્ષાપત્રી બતાવી કહ્યું જે, અભ્યાગતને આપવું એમ લખ્યું છે. તે આ અર્થને જાણતા નહોતા, પણ આ અર્થ સમજવો. (બધું પ્રત્યક્ષમાં ઘટાવવું, પણ પરોક્ષમાં જાવું નહિ) જે કાંઈ કરવું તે શ્રીજીમહારાજના વચનને બરાબર સમજી-વિચારીને કરવું. 1/164/298

38. ઝુમખરામને સોટી મારીને તરત મૂર્તિ શ્રીજીમહારાજે આપી દીધી, તેમ કરો તો મૂર્તિ દેખાય. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, જેમ ઝોળી માગીને જમવા કરતાં પોતે રળીને જમવું તે ઠીક, તેમ પોતે કાંઈક દાખડો કરીને સિદ્ધ કર્યું હોય તો તે દાખડો જોઈને મોટા બહુ રાજી થાય ને બહુ સુખ આવે; માટે જે સુખ દેહ મૂકીને પામવું છે તે છતે દેહે ભોગવવું એ કરવાનું છે. તે જરૂર કરવું જોઈએ. 1/167/308

39. પ્રથમ પ્રકરણનું 33મું વચનામૃત વંચાતું હતું. તેમાં મૂઢપણું, પ્રીતિ ને સમજણ એ ત્રણે પ્રકારના આશ્રયની વાત આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મૂઢપણું ક્યારે કહેવાય? તો જ્યારે પોતાના દેહની ને વ્યવહારની ખબર પણ રહે નહિ ત્યારે મૂઢપણું ખરું કહેવાય. 1/168/309

40. કોઈક ભક્ત દેહ મૂકે તેને જે સંતને વિષે અથવા હરિજનને વિષે હેત હોય તે અંત સમયે દેખાય છે, તે એ પોતે દેખાતા હશે કે કેમ?

બાપાશ્રી બોલ્યા જે, જેને વિષે હોય તે રૂપે શ્રીજીમહારાજ દર્શન આપે પણ સાધનદશાવાળા દર્શન આપી શકતા નથી; અને જે સિદ્ધ મુક્ત છે તે તો પોતે દર્શન આપીને તેડી જાય છે, પણ જે પરિપક્વ જ્ઞાની ન થયો હોય તેને સાધનદશાવાળારૂપે મહારાજ દર્શન આપે ને તેને જન્મ ધરવાનો બાકી રહે છે, અને જે પરિપક્વ જ્ઞાની થાય તેને તો મહારાજ ને મુક્ત પોતે દર્શન આપીને તેડી જાય છે, ને મૂર્તિના સુખે સુખિયો કરે છે. 1/175/330

41. ગોલોકમાં એટલે અક્ષરધામમાં કીર્તન ગાય છે એમ કહ્યું છે તે કણસલાં દેખાડ્યાં છે પણ ત્યાં કીર્તન ગવાતાં નથી. એ તો જીવને ઉપાસના-ભક્તિને રસ્તે ચઢાવવાને માટે કહ્યું છે અને શ્રીજીમહારાજ તો સર્વે ઠેકાણે છે, માટે ગોલોક એટલે અક્ષરધામ જાણવું અને કીર્તન પણ અહીં ગવાય છે. અહીં ને ત્યાં એક જ છે; જુદું નથી, પણ સાધનિકને હેત થાય એટલા માટે કહ્યું છે અને પરભાવમાં તો એક સુખ જ લેવાય છે. 1/184/346

42. કુંભારિયામાં જયરામભાઈ મિસ્ત્રીને ઘેર એક બાવો હતો. તેણે અમને પૂછ્યું જે, સંત કોને કહીએ? ત્યારે અમે કહ્યું હતું જે, તું ઉત્તર કર. પછી એ બાવે કહ્યું જે, મનકું છૂટા મૂકે, ઓ સંત કહીએ. પછી અમે જયરામભાઈને કહ્યું જે, જુઓ! તમારા બાવાનો માલ નીકળે છે.

આવા લોકો ગુરુનો મહિમા એવો વધારે જે, ગુરુ કામી હોય તો શ્રીકૃષ્ણ જેવા જાણવા, અને ક્રોધી હોય તો નૃસિંહજી જેવા જાણવા અને લોભી હોય તો વામનજી જેવા જાણવા, અને સ્વામિનારાયણકા સાધુ તો કચ્ચા હે તે સ્ત્રી-દ્રવ્યથી દૂર ભાગતા હે, એમ બોલે. એ મિસ્ત્રી લોકો આપણા સાધુનો મહિમા તો બહુ જાણે પણ સંગદોષે આપણો આશરો કરે નહિ અને સાચી વસ્તુમાં હેત અને વિશ્વાસ ન આવે. 1/186/350

43. જ્યારે ભગવાન પ્રગટ થાય તે દિવસે ઉપવાસ કરાય છે અને દેહોચ્છવ કરે તો દિવસે ઉપવાસ નથી કરતા તેનું શું કારણ હશે?

બાપાશ્રી બોલ્યા જે, જ્યારે ભગવાન પ્રગટ થાય ત્યારે આનંદમાં ને આનંદમાં ભૂખની ખબર ન પડે, માટે ઉપવાસ કરાય છે અને ભગવાન પ્રગટ થઈને આત્મા-પરમાત્માનું તથા અજર-અમરપણાનું તથા સર્વત્રપણાનું જ્ઞાન પોતાના ભક્તને આપે તેણે કરીને ભક્ત એમ જાણે જે ભગવાન અદૃશ્ય થતા જ નથી. જેવા છે તેવા ને તેવા જ અણુ અણુ પ્રત્યે છે પણ કોઈ ઠેકાણે નહિ હોય એમ નથી. ભગવાન તો છે, છે ને છે જ, પણ જ્યારે દર્શન આપ્યાં ત્યારે આપણને જાણ પડી પણ પહેલાં નહોતા એમ નહિ. આપણા જાણવામાં નહોતા પણ એ તો સદાય છે જ, અને અદૃશ્ય પણ થતા જ નથી એમ સમજે, માટે ભૂખ્યું રહેવાની જરૂર નથી. 1/193/365

44. સ્વામી ઘનશ્યામજીવનદાસજીએ પૂછ્યું જે, યથાર્થ આજ્ઞા પાળો તો શ્રીજીમહારાજના સુખમાં આવશો એમ કહો છો તો અમે અધમ જીવને આજ્ઞા યથાર્થ પળાવ્યા વિના એમ ને એમ શી રીતે મહારાજના સુખમાં લાવીશું?

બાપાશ્રી બોલ્યા જે, અધમ નર્કે જવાનો હોય તે સંકલ્પે કરીને એનાં પાપ બળી જાય તેથી નર્કે જવાનું બંધ થાય ને આ સત્સંગમાં આવે તે કલ્યાણ જાણવું; પછી એક-બે જન્મે કલ્યાણ થાય અને ખબડદાર થઈને મંડે તો એ ને એ દેહે કલ્યાણ થઈ જાય, એમ ઉદ્ધાર થાય. 1/197/377

45. મૂળીમાં શ્રી નિર્ગુણદાસજી સ્વામીના આસને બેઠા હતા, ત્યાં કોઈક અધિકારીએ કહ્યું જે, આપ સ્વામિનારાયણને ભગવાન કહો છો તે તો હિન્દુસ્તાની બાવો હતા ને તેમણે ઘણાં સાધન કર્યાં હતાં ને યોગ સિદ્ધ કર્યો હતો તેથી મોટા પુરુષ તો ખરા પણ ભગવાન કહો છો તે સમજાતું નથી. તેને સ્વામીએ કહ્યું જે તમારા હાથમાં એ વસ્તુ ન આવે અને આ નાના લોકો કામ કાઢી જાય છે. એમ દૃષ્ટાંત દીધું જે, એક વેપારી રેલમાં હિન્દુસ્તાનમાંથી ખાંડ ભરીને લાવતો હતો, તે વેરાતી વેરાતી અહીં સુધી આવી. કે કીડીઓ પહોંચી તે બધી જમી ગઈ ને ખૂબ સુખી થઈ, તેમ કીડી જેવા જે જીવ હતા તે મુક્તના જોગથી ભગવાનને ઓળખીને મહાસુખિયા થઈ ગયા છે અને જે મોટાં મોટાં પશુ હતાં તેમાથી ખાંડ ખવાણી નહિ; તેમ બહાર વૃત્તિવાળા જીવને ભગવાન ને મુક્ત ઓળખાય નહિ ને એમનું સુખ ન આવે. પછી તેને સ્વામીનો ગુણ આવ્યો ને આશ્રિત થયો. 1/199/386

46. ભાગવતીતનુનો અર્થ કેવી રીતે સમજવો?

બાપાશ્રી બોલ્યા જે, એક પરભાવનું ભાગવતીતનુ છે ને એક અવરભાવનું ભાગવતીતનુ છે; તેમાં આ પરભાવનું કહ્યું છે. તે ભક્તનો ચૈતન્ય મૂર્તિમાન થાય છે તેને શ્રીજીમહારાજ પોતાનું ધામ જે મૂર્તિ તેમાં રાખે છે; માટે ભાગવતીતનુ એટલે ભગવાનની મૂર્તિમાં રાખે છે; અને સર્વે સાધન સંપન્ન થઈને ઉપશમદશાને પામે ને ખાધાપીધાની તથા દેહની ખબર જ રહે નહિ એવો થાય ને પછી આત્માને વિષે મૂર્તિનો સાક્ષાત્કાર થાય, પણ જે દેહે સાધન કર્યું છે તે દેહમાં રહ્યો હોય ત્યાં સુધી અવરભાવનું ભાગવતીતનુ કહેવાય. 1/203/394

47. તમારે સંતનાં દર્શન કરવા, સમાગમ કરવો, પણ જ્યારે કોઈક વખત ભેખ મળે અને અવળુ સમજાવે ત્યારે હા સ્વામી, હા સ્વામી એમ ન કરશો. ઊભા થઈ રહેવું, પણ કૂદકા મારવા નહિ. એવાનાં દર્શન ને સમાગમનો ત્યાગ કરવો. જીવનું ગજું શું જે ભગવાનને ને ભગવાનના ભક્તને ઓળખી શકે? આપણે સ્વામિનારાયણને ઘેર જાવું છે તે આવરણ ઘણાં હોય તે ન જાણ્યાં હોય તો ક્યાંય બંધાઈ જવાય. જુઓને! શિવ, બ્રહ્મા, નારદ, સનકાદિક આદિ બંધાઈ ગયા? માટે ભગવાનના ભક્તે સરત રાખવી. 1/220/446

48. ભૂતક્રિયામાં મહારાજ એકે સેવા અંગીકાર કરે નહિ. ભૂતક્રિયા એટલે શૌચ ન જાવું તે, એટલે નાહી-ધોઈને પૂજા કરવી તેમ વચનામૃતમાં કહ્યું છે. શોચવિધિ તે તો સત્તરમનું સાધન કહેવાય. બહાર જવાનો સંકલ્પ હોય અને બહિર્ભૂમિ ગયા વિના નાહીને પૂજા-સેવા કરે તે દેવ અંગીકાર ન કરે. દેવ જેવો થાય ત્યારે જ દેવ પૂજા અંગીકાર કરે. 1/234/470

49. કાળ વિના દુઃખ કોણ દેતું હશે?

બાપાશ્રી બોલ્યા જે, આજ્ઞા લોપાય એટલે દુઃખ થાય છે અને સંગ દોષે કરીને દુઃખ થાય છે. અધર્મી સાથે હેત રાખે તો દુઃખ આવે. પ્રમાદ અને મોહ તે આંધળો ઘોડો છે. આંધળાને લાકડી દઈએ જે દોરી જા, તે ક્યાંય દોરી જાય અને કચરી મારે. આજ્ઞા, ઉપાસના, ધ્યાન, ભક્તિ, મહિમા ન હોય તે આંધળા કહેવાય. 1/241/486

50. તલ્લીનપણાની વાત આવી, ત્યારે એક બ્રાહ્મણે પૂછ્યું જે, આ મૂર્તિનું તલ્લીનપણું કે વૃત્તિનું સમજવું? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, વૃત્તિનું લીનપણું એ તો સાધનદશાનું છે, સિદ્ધકાળમાં તો જીવનું જ લીનપણું છે તે કરવું. વૃત્તિ તો માયિક છે ને જીવને ભગવાન તો દિવ્ય છે. તે દિવ્ય વસ્તુને વૃત્તિ હોય નહિ. એ તો આપસત્તાએ જુએ છે. 1/245/497

51. જો મોઢું વાઘનું ને પાછળ બીજું એવું હોય તો તો મૂર્તિનું સુખ ન આવે અને તે વાંઝિયું કહેવાય. તે વિના કેટલાક દીકરા, દીકરી, સ્ત્રી, ધનાદિક માગે ને તેમાં સુખ માને પણ તેમાં સુખ નથી. ત્યારે સંત બોલ્યા જે, છોકરાં હોય તે કેડે શ્રાદ્ધ કરે. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, શ્રાદ્ધ તો નારાયણજીનું ખરું; માટે શ્રીજીમહારાજનું શ્રાદ્ધ આવે તે ભેળું સર્વેનું શ્રાદ્ધ આવી જાય. 1/248/501

52. પ્રથમ શ્રવણ ભક્તિ, પછી અનુક્રમે પ્રેમલક્ષણા ભક્તિ આવે. તે ઉપર અમરા ભક્તની વાત કરી જે, અમરા ભક્તને રાજાની પાસે હજૂરમાં નોકરી હતી, તે રાજાની આગળ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ એમ વારંવાર કહે પણ મર્યાદા રાખે નહિ. એવી પ્રેમલક્ષણા ભક્તિ આવે તે ખરી કહેવાય અને આત્યંતિક કલ્યાણ પણ ત્યારે થાય. 1/251/507