આરતી

0:000:00

આરતીમાં દીપ પ્રગટાવી પ્રભુના સ્વરૂપ સમક્ષ નીચેથી ઉપર દીવાને ફેરવવામાં આવે છે. એક ચોક્કસ પ્રકારના સંગીતના ઢાળમાં પ્રભુની પ્રશસ્તિ ને ગુણગાનયુક્ત, સ્તુતિરૂપ આરતીનાં પદોનું ઝાલર, ઘંટ, નગારા તથા તાલીના તાલબદ્ધ નાદ સાથે ગાન-સ્તવન કરવામાં આવે છે. મુખ્યત્વે આરતી-નિરાજન મંદિરમાં જુદા જુદા પાંચ સમયે કરવામાં આવે છે - મંગળા, શણગાર, રાજભોગ, સંધ્યા અને શયન. આ સિવાય કથાપ્રસંગે, પૂજાપ્રસંગે, ગુરુ કે સત્પુરુષની પધરામણી વખતે પૂજન તેમ જ આરતી કરવામાં આવે છે. રક્ષાબંધનના પવિત્ર દિવસે બહેન-ભાઈનું પૂજન તથા આરતી કરે છે. યુદ્ધમાં જતા સૈનિકવીરનું પૂજન તેમ જ આરતી કરવામાં આવે છે. આમ વિવિધ પ્રસંગે આરતી કરવાની ભારતીય સંસ્કૃતિમાં પ્રથા છે. પ્રભુના સ્વરૂપનો પોતાના આત્મામાં જેમણે સાક્ષાત્કાર કર્યો હોય એવા પૂર્ણમુક્તની પણ આરતી ઉતારી શકાય છે. શ્રીહરિ પોતે પણ પોતાના સંતમુક્તોની પૂજા તેમ જ આરતી સ્વહસ્તે કરતા. એમ સાચા સંતનો આદર કરવાનું શીખવતા.

આરતીમાં હૃદયના અતલ ઊંડાણમાંથી ઉદભવતા આર્તનાદ સાથે આર્દ્રભાવે, રોમાંચિત ગાત્રે ને ગદગદ કંઠે, પ્રભુની તથા તેમના કલ્યાણકારી ગુણોની યશસ્તિ તથા સ્તુતિ પ્રાર્થના કરવાનો ભાવ રહેલો છે. આરતી એ પંચમહાભૂત પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ દ્વારા પ્રભુને અર્ઘ્ય આપવાની પ્રતીકાત્મક પ્રક્રિયા છે. આરતીમાં પ્રભુ પ્રત્યેની સાચી શરણાગતિનો ઉત્કૃષ્ટભાવ સમાયેલો છે, 'હે પ્રભુ! તું જ મારું તન-મન-ધન-માતા-પિતા-વિદ્યા-ગુરુ-બંધુ-મિત્ર સંપત્તિ, અરે! મારું સર્વસ્વ તું જ છે. મારું કોઈ અસ્તિત્વ જ નથી, એક તું જ છે.'

त्वमेव माता च पिता त्वमेव

त्वमेव बंधुश्च सखा त्वमेव ।

त्वमेव विद्या द्रविणं त्वमेव

त्वमेव सर्वं मम देव देव ॥

આવા પ્રકારનો અંતિમ સમર્પણભાવ સમાયેલો છે. આવા ઉત્કૃષ્ટભાવની દૃઢતા થવાથી ભક્ત પોતાનું અસ્તિત્વ સંપૂર્ણપણે વિસરી જઈ પ્રભુના સ્વરૂપમાં અસ્તિત્વ વિલીન થયેલું અનુભવે છે. 'હું' પણારૂપ અહંકાર ઓગળી જાય છે.

આરતીમાં દીવો ઉપર-નીચે ફેરવવાની સાથે વિવિધ આવર્તનો દ્વારા પ્રભુના સ્વરૂપનાં ચરણાર્વિંદ, પિંડી, સાથળ, કટી, ઉદર, વક્ષઃસ્થળ (છાતી), કંઠ, મુખારવિંદ, ભાલ, મસ્તક વગેરે અંગો એકાગ્રતાપૂર્વક ભક્તિભાવ, આર્તભાવથી અનુક્રમે નિરખવાના હોય છે. એમ પ્રભુના નખશિખ દર્શન કરી, એ મૂર્તિને અંતરમાં ઉતારવી એવું રહસ્ય સમાવિષ્ટ છે.

આરતીનો સૂક્ષ્મ આધ્યાત્મિક મર્મ એ પણ છે કે જેમ વાટ તથા ઘીના દીવાથી આરતી ઉતારતાં પ્રભુનાં નખશિખ દર્શન કરવાં, એ રીતે હૃદય સ્થિત પોતાના ચૈતન્યની દિવ્ય જ્યોતના પ્રકાશ દ્વારા આત્મામાં પરમાત્માના સ્વરૂપનાં દર્શન કરવાં. અનુભવજ્ઞાનરૂપી આત્મપ્રકાશ-આત્મજ્યોત દ્વારા પ્રભુના સ્વરૂપમાં એકાત્મભાવ પામ્યો છું, એમ ચૈતન્યમાં સાક્ષાત્કાર કરવો. ઘંટ, ઝાલર, શંખ, નગારા વગેરેના પ્રણવ ધ્વનિ 'ૐ' રૂપ નાદ સાથેની આરતીનો ગૂઢાર્થ એ છે કે હૃદયસ્થ અનાહત ચક્ર (કેન્દ્ર)માં ઉદભવતા, પ્રભુના દિવ્યતેજોરાશિમાંથી ઉત્પન્ન થતાં દિવ્ય નાદાત્મક ધ્વનિ દ્વારા નાદબ્રહ્મના કારણરૂપ એવા પ્રભુની ઉપાસના-આરાધના કરવી.

આધુનિક વિજ્ઞાન પણ ધ્વનિતરંગોની અદભુત શક્તિની અસર સફળ પ્રયોગો દ્વારા પામી શક્યું છે. સંગીતના વિવિધ રાગોના સ્વરબદ્ધ, લયબદ્ધ ને તાલબદ્ધ ધ્વનિતરંગો દ્વારા કેટલાક રોગીઓના અમુક પ્રકારના રોગો મટી ગયાના દાખલા પણ નોંધાયેલા છે. અમુક ધ્વનિતરંગો દ્વારા વનસ્પતિનો સારો એવો વિકાસ ત્વરિત ગતિએ થાય છે, એમ પણ નોંધાયેલું છે. આજુબાજુના વાતાવરણમાં પણ ધ્વનિતરંગોની શુભાશુભ અસર થાય છે. શંખ, ભેરી, શરણાઈ, રણશિંગા વગેરેના ધ્વનિતરંગોથી વીર યોદ્ધાઓમાં શૌર્ય પ્રગટે છે, શૂરાતન ચડે છે, અદભુત પ્રકારનો વીરરસ ને જોમ પ્રગટે છે. અમુક પ્રકારનાં વાજિંત્રોના ધ્વનિથી દુઃખ ને શોકની લાગણી કે ગમગીની છવાઈ જાય છે. અમુક ધ્વનિથી વિરહ વેદના ઉદભવે છે. અમુક ધ્વનિથી હતાશા તો અમુક ધ્વનિથી આનંદની લાગણી જન્મે છે. ધ્વનિથી હાસ્યરસ પણ ઉદભવે છે, તો ક્યારેક કરુણરસ પ્રસરે છે. ભક્તિરસના સંગીતના ધ્વનિથી મનમાં સાત્ત્વિકભાવ ઉત્પન્ન થાય છે. મગજમાં આલ્ફા તરંગો ઉત્પન્ન થવાથી મગજનાં રસાયણો સંતુલિત થાય છે તેથી તાણ-તણાવ દૂર થઈ મન ધ્યાનમાં એકાગ્ર થવા લાગે છે. અશ્રાવ્ય ધ્વનિતરંગોથી રોગો અને પીડા દૂર થઈ શકે છે. બીજાં અનેક યાંત્રિક કાર્યો પણ થઈ શકે છે. આમ ધ્વનિતરંગોની અસરો અકલ્પ્ય છે.

ઘંટ, ઝાલર, નગારા, શંખ વગેરેના ધ્વનિતરંગોથી વાતાવરણમાં રહેલાં વિષાણુઓ, રોગાણુઓ, વાયરસ વગેરે કેટલેક અંશે નષ્ટ થઈ જાય છે. તેમ પ્રયોગો દ્વારા વૈજ્ઞાનિકોએ નોંધ્યું છે. તે ધ્વનિતરંગો દ્વારા સૂક્ષ્મસૃષ્ટિમાં રહેલ મલિન, અનિષ્ટ તત્ત્વો ને આસુરી શક્તિઓ પ્રભાવિત થઈને દૂર ભાગી જાય છે. મનમાં રહેલા આસુરી વિચારો ને વિકારો પણ દૂર થઈ જાય છે. તેથી મનમાં સાત્ત્વિકભાવ ઉદભવે છે. પ્રભુનાં દર્શનમાં તલ્લીન એવા ભક્તનું અંતઃકરણ નિર્મળ અને સ્થિર બને છે. આરતી દરમ્યાન અંતરિક્ષમાં રહેલા અનેક દેવતાઓ તથા સિદ્ધ મહાત્માઓને પ્રભુની અથવા મુક્તની ઇચ્છાથી પ્રભુનાં દર્શનનો લાભ મળે છે. પ્રભુનાં દર્શનથી તેઓ ધન્યતા અનુભવે છે.

આરતી દ્વારા ભાવિક ભક્તોને પ્રભુના સ્વરૂપમાંથી પ્રગટતી દિવ્ય ચેતનાશક્તિનો સ્પર્શ થાય છે. સાચો પાત્ર ભક્ત એ દિવ્યશક્તિનો સંચાર પોતાનાં નેત્રો દ્વારા પોતાનામાં થતો હોય એમ અનુભવે છે. આરતી પૂર્ણ થયા બાદ જળ દ્વારા અંજલિથી પ્રદક્ષિણા કરવામાં આવે છે. પછી બંને હાથથી આત્મવંદના અર્થાત્ આરતીની આસકા લેવામાં આવે છે. અને હાથને નેત્ર, હૃદય અને મસ્તકને સ્પર્શવામાં આવે છે. આ પ્રક્રિયા દ્વારા આરતીની જ્યોતિમાં પ્રભુની ચેતનાશક્તિ ઊતરેલી હોય છે તે ભક્તમાં પ્રવેશીને ભક્તની સુષુપ્ત આધ્યાત્મિક ચેતનાને જાગૃત કરી ઊર્ધ્વ બનાવે છે.

આરતીનું આ પ્રકારનું રહસ્ય સમજી દરેક કુટુંબે પોતાના ઘરે સવાર-સાંજ નિયમિતપણે પ્રભુની આરતી ઉતારવી જોઈએ. જેથી ઘરમાં સુખ, શાંતિ, આનંદ, સમૃદ્ધિ, આરોગ્ય ને સંપની વૃદ્ધિ થયા કરે.