માનસીપૂજા

0:000:00

જેવી રીતે બાહ્ય પૂજાસામગ્રી-ઉપચાર દ્વારા પ્રભુના પ્રતિમાસ્વરૂપની બાહ્યપૂજા કરવામાં આવે છે, એવી રીતે બાહ્ય સામગ્રીના અવલંબન સિવાય કેવળ મનથી કલ્પેલા માનસોપચારો દ્વારા પ્રભુના મનમાં ધારેલા સ્વરૂપની પૂજા કરવામાં આવે તેને ભાવપૂજા અર્થાત્ માનસીપૂજા કહેવામાં આવે છે. આપણે આગળ જોયું તેમ બાહ્ય તેમ જ માનસી એ બંને પ્રકારની પૂજા જો શુદ્ધ સાત્ત્વિક ભાવથી રોમાંચિત ગાત્ર ને ગદગદ કંઠે કરવામાં આવે, તો તે બંનેનું સરખું ગૌરવ અને મહત્ત્વ છે. તે બંનેનું ફળ પણ સરખું છે.

માનસીપૂજાની વિશેષતા એ છે કે તે ગરીબમાં ગરીબ હરિભક્ત પણ કરી શકે છે. કોઈ પણ પ્રકારની ઉપચાર સામગ્રી માટે તેને મૂલ્ય ચૂકવવું પડતું નથી, કારણ કે માનસ સમૃદ્ધિનો તે ચાહે તેટલો ઉપયોગ તેમાં કરી શકે છે. ભક્ત પોતાના મનમાં આવે એવી ઉત્તમમાં ઉત્તમ સામગ્રી મનમાં કલ્પીને તેના દ્વારા પોતાના ઇષ્ટદેવની - સ્વામીની પૂજા કરી શકે છે. ચક્રવર્તી રાજાની કે ઇંદ્ર જેવાની સમૃદ્ધિ કરતાં પણ વિશેષ એવી પોતાની કલ્પના દ્વારા નિર્માણ કરેલી સમૃદ્ધિ તે માનસીપૂજામાં પ્રભુને અર્થે વાપરી શકે છે, તેમાં વિશ્વની કોઈ તાકાત તેમ કરવામાં તે ભક્તને રોકી શકતી નથી!

માનસીપૂજામાં પ્રભુના માનસ સ્વરૂપની પૂજા કરવાની હોય છે, પરંતુ તેમાં પ્રભુના કલ્પિત સ્વરૂપને ધારવાનું હોતું નથી. કારણ કે કલ્પના તો બદલાતી રહે છે. એ રીતે જો પ્રભુનું સ્વરૂપ કલ્પના દ્વારા બદલાયા કરે તો એક સ્વરૂપની નિષ્ઠા થઈ ન શકે. તેથી સાક્ષાત્કારની સ્થિતિ થવાનું શક્ય ન બને. તે માટે પોતાને જે સ્વરૂપને વિશે અતિ સ્નેહ ને આકર્ષણ થતું હોય અને જે સ્વરૂપની સ્વયં શ્રીહરિએ અથવા મુક્તપુરુષે પ્રાણપ્રતિષ્ઠા કરી હોય, તેવા પ્રતિમાસ્વરૂપને અંતઃકરણમાં દૃઢ કરવું. એવી દૃઢતા એકાગ્રચિત્તે તે પ્રતિમાસ્વરૂપનાં દર્શન-ધ્યાન-મનન અને નિદિધ્યાસ દ્વારા સિદ્ધ થાય છે. કોઈ પણ એક જ પ્રતિમાસ્વરૂપને ધારવાનો નિત્ય અભ્યાસ કરવો જોઈએ. સ્વરૂપો બદલતાં રહેવાથી એક સ્વરૂપની દૃઢતા કે તે સ્વરૂપમાં એકાગ્રતા સિદ્ધ થઈ શકતી નથી.

એક જ સ્વરૂપમાં એકાગ્રતા દ્વારા દૃઢતા સિદ્ધ કરવાથી તે દૃઢ થયેલા સ્વરૂપમાં પરાપ્રેમ-પરાભક્તિ ત્વરિત ગતિથી ઉદય થાય છે. તેથી તે સ્વરૂપમાં દિવ્યભાવ દૃઢ થાય છે. જ્યારે બાહ્ય રીતે દૃષ્ટિ દ્વારા એકાગ્ર ચિત્ત વડે સિદ્ધ કરેલું પ્રતિમાસ્વરૂપ અંતર્વૃત્તિએ અંતરમાં દેખાય, ત્યારે તે સ્વરૂપની માનસીપૂજા કરવી જોઈએ. એમ ભક્તિભાવ સહિત એ દૃઢ કરેલા સ્વરૂપનું ધ્યાન, માનસીપૂજા વગેરેનો નિદિધ્યાસ કરવાથી પ્રતિમાસ્વરૂપમાંથી પ્રતિમાભાવ દૂર થઈ સંપૂર્ણપણે દિવ્યભાવ પ્રગટે છે. ત્યાર બાદ પ્રભુની ને મુક્તપુરુષની કૃપા વડે ભક્તના આત્માને વિશે પ્રભુના વ્યતિરેક દિવ્ય સ્વરૂપનો સાક્ષાત્કાર થાય છે. અને તે ભક્ત મુક્તદશા પ્રાપ્ત કરે છે. પછી તેને સર્વત્ર પ્રભુના દિવ્યસ્વરૂપના જ દર્શન ને અનુભૂતિ થાય છે. એટલે તે પ્રભુ સંબંધી દિવ્યસુખનો પરમાનંદનો ઉપભોક્તા બને છે.

બાહ્યપૂજા, માનસીપૂજા-ભાવપૂજા, ધ્યાન, ભજન, કથા-વાર્તા, કીર્તનભક્તિ વગેરે ઉપકરણો દ્વારા પ્રભુના દિવ્યસ્વરૂપનો ચૈતન્યમાં સાક્ષાત્કાર કરવો એ એક જ હેતુ છે. એ સર્વોચ્ચ હેતુ સિદ્ધ થાય એટલે ભક્તને સાધનમાત્રનો અંત આવી જાય છે ને એ ભક્ત પૂર્ણકામ બની જાય છે, તેને કંઈ કરવું શેષ રહેતું નથી. એ ધ્યેય સિદ્ધ થાય ત્યાં સુધી પ્રભુપ્રસન્નતાનાં સાધન ખંતપૂર્વક ને શ્રદ્ધાપૂર્વક નિરંતર કર્યાં કરવાં જોઈએ.

સાધનદશામાં સાધકે પોતાને અતિ પ્રિય એવું પરમાત્માનું જે પ્રતિમાસ્વરૂપ હોય તેનો આધાર લઈ માનસીપૂજા કરવાની રહે છે. તેમાં પ્રભુને જગાડવા, પોઢાડવા, ઋતુ અનુસાર વસ્ત્ર-અલંકારો પરિધાન કરાવવાં, પોતાને ગમતાં સ્વાદિષ્ટ પકવાનો જમાડવાં, કલ્પિત ચંદન, અક્ષત, અબીર, ગુલાલ, કુમકુમ વગેરે અર્ચાદ્રવ્યો દ્વારા હેતે કરીને પ્રભુની પૂજા કરવી. પંચામૃત વડે અભિષેક કરવો, ઉઘાડે શરીરે અતિ હેતે આલિંગન કરવું વગેરે માનસોપચારો દ્વારા માનસીપૂજા કરવી. આવી ક્રિયાઓ દ્વારા પ્રભુને ભક્તિભાવ સમર્પણ કરવો. આ રીતે માનસીપૂજામાં પ્રભુની સાથે પૂર્ણ મુક્તપુરુષની પણ પૂજા કરવી. એટલે શ્રીહરિની આજ્ઞાનુસાર એવી પૂજાથી અનેક જન્મોની કસરમાત્ર ટળી જાય. આવી રીતે પૂજા કરવાથી પ્રભુના સ્વરૂપમાં પરાપ્રેમ-પરાભક્તિનો ઉદય થાય છે.

અનાદિ મહામુક્તરાજ શ્રી અબજીબાપાશ્રી તો કહે છે કે સાધનદશામાં ઉપર મુજબ માનસીપૂજા કર્યા પછી પ્રભુના સ્વરૂપમાં પરિપક્વ સ્થિતિ થયા પછી, ભક્તે ચિત્રવિચિત્ર ને કાલ્પનિક માનસોપચારો દ્વારા પૂજા કરવા કરતાં, દિવ્ય ચૈતન્યમય-તેજોમય વસ્ત્ર-અલંકારો, દિવ્ય પકવાનો વગેરે દિવ્ય ચિન્મય પદાર્થો દ્વારા માનસીપૂજા કરવી. એમ પરભાવની માનસીપૂજા કરવાથી પ્રભુના સ્વરૂપમાં સળંગ રસબસભાવે જોડાઈ શકાય છે. એવા પ્રતિલોમ ધ્યાનના અભ્યાસ દ્વારા આત્મામાં પરમાત્માનો સાક્ષાત્કાર થઈ દિવ્ય અલૌકિક સુખની પ્રાપ્તિ થાય છે. અનાદિમુક્તની સ્થિતિ જે આત્યંતિક, સર્વોત્કૃષ્ટ સ્થિતિ છે, તેમાં પૂજા-માનસીપૂજા વગેરે કોઈ સાધનોની આવશ્યકતા હોતી નથી. એ સ્થિતિમાં મુક્ત સ્વયં પોતે જ પૂર્ણ પુરુષોત્તમરૂપ બની સ્વતંત્રપણે દાસભાવે પ્રભુના સ્વરૂપ સંબંધી અનિર્વાચ્ય મહાસુખનો આનંદ માણે છે. દાસભાવે એ સુખનો આહાર કરવો એ જ પરભાવમાં દિવ્ય સેવા-પૂજા છે. સુખ ભોગવવા સિવાય પરભાવમાં બીજી કોઈ ક્રિયા જ કરવાની નથી હોતી.