બાહ્યપૂજા
શ્રીહરિના પ્રતિમાસ્વરૂપની બાહ્ય ઉપચારો પુષ્પ, હાર, તુલસીપત્ર, અક્ષત, અબીર, ગુલાલ, કંકુ, કેસર, ચંદન, ધૂપ, દીપ, નૈવેદ્ય, નીરાજન-આરતી વગેરે ઉપચાર દ્રવ્યો દ્વારા પૂજા-અર્ચા કરવામાં આવે છે, તેને બાહ્યપૂજા કહેવામાં આવે છે. ભગવાન પૃથ્વી ઉપર મનુષ્યરૂપે પ્રગટ હોય ત્યારે તે મનુષ્ય સ્વરૂપની પ્રત્યક્ષ પૂજા ષોડશોપચારે અર્થાત્ સોળ પ્રકારના ઉપચારો દ્વારા કરવામાં આવે છે. ભગવાન મનુષ્યરૂપે અદૃશ્ય થાય છે, ત્યારે પોતે એવો દિવ્ય સંકલ્પ કરે છે કે મને હવે બધા પ્રતિમાસ્વરૂપે દેખો. પોતાના દિવ્ય બ્રહ્મપુર ધામમાં પ્રભુ દિવ્ય સાકારસ્વરૂપે પોતાના અનંત મુક્તોને દિવ્ય સુખ-ઐશ્વર્યો આપતા થકા નિરંતર રહે છે. પછી પૃથ્વીલોકમાં પોતાના ભક્તોને સુખ આપવા મનુષ્યરૂપે અવતરે છે, ત્યારે પોતાના ધામમાં રહ્યા થકા સંકલ્પ કરે છે કે પૃથ્વીલોકના મનુષ્યો મને મનુષ્યરૂપે દેખે. જેથી સજાતીય સજાતીયને હેત અને આકર્ષણ થવાથી મનુષ્યરૂપ પ્રભુમાં પ્રેમ-ભક્તિ ઉત્પન્ન થઈ શકે. ધામમાં રહેલું પ્રભુનું દિવ્યસ્વરૂપ તો અતિ સુંદર ને અનંતકોટી સૂર્યના તેજ પ્રભુના સ્વરૂપના તેજમાં લીન થઈ જાય એટલું તેજસ્વી છે. તે મન-વાણી ને ભૌતિક ચક્ષુથી અગોચર છે. એટલે ભગવાન મનુષ્યરૂપે પોતાનું તેજ, ઐશ્વર્ય, પ્રતાપ વગેરે ઢાંકીને વર્તે છે. ક્યારેક જ કોઈક પાત્ર ભક્તને પોતાના દિવ્યસ્વરૂપના ને ઐશ્વર્ય-પ્રતાપનાં દર્શન કરાવે છે. પછી જ્યારે પૃથ્વી પરનું પોતાનું મનુષ્યરૂપે કરવાનું કાર્ય પૂરું થઈ જાય એટલે તે સ્વરૂપને અદૃશ્ય કરી પ્રતિમાસ્વરૂપમાં સંકલ્પરૂપે પ્રવેશ કરીને ભક્તની સેવા-પૂજા અંગીકાર કરે છે.
પ્રભુના પ્રતિમાસ્વરૂપને વિશે પ્રત્યક્ષપણાનો, પ્રગટપણાનો ભાવ લાવી, સંપૂર્ણ દિવ્યભાવ રાખી ગદગદ કંઠે, રોમાંચિત ગાત્રે શ્રદ્ધા ને મહિમાપૂર્વક પૂજા કરવામાં આવે તો તે પૂજા પ્રત્યક્ષ સ્વરૂપની પૂજા તુલ્ય જ ગણાય છે. એમ ભગવાનના પ્રત્યક્ષ મનુષ્યસ્વરૂપની કે પ્રતિમાસ્વરૂપની પૂજાનું સરખું ગૌરવ છે ને તેનું અક્ષયફળ પ્રભુના દિવ્યસુખરૂપે મળે છે. મનુષ્ય સ્વરૂપમાંથી મનુષ્યભાવ કાઢી ને પ્રતિમાસ્વરૂપમાંથી પ્રતિમાભાવ કાઢી દિવ્યભાવ લાવવાથી બંને સ્વરૂપોની પૂજા એક સરખી ગણાય છે.
શ્રીહરિનું ધામમાં રહેલું દિવ્ય સાકાર વ્યતિરેક સ્વરૂપ જે નિત્યસિદ્ધ સ્વરૂપ છે તે તથા દિવ્યસંકલ્પ દ્વારા મનુષ્ય સ્વરૂપ ધારણ કરે છે, તે સ્વરૂપ અને દિવ્યસંકલ્પ દ્વારા પ્રતિમાસ્વરૂપમાં આવિર્ભાવ પામીને રહે છે તે સ્વરૂપ - આ ત્રણેય સ્વરૂપમાં એક રોમનો પણ ફેર નથી. એમ અનાદિ મહામુક્તરાજ અબજીબાપાશ્રી જણાવે છે. એનું કારણ એ છે કે એ ત્રણેય સ્વરૂપની એકતા છે. દિવ્ય સ્વરૂપ ભૌતિક ચક્ષુ દ્વારા દેખાતું નથી. ભૌતિક ચક્ષુ દ્વારા કેવળ મનુષ્ય સ્વરૂપ ને પ્રતિમાસ્વરૂપ જ દૃષ્ટિગોચર થાય છે. એ ભૌતિક દૃષ્ટિભેદના કારણે એ ત્રણ સ્વરૂપ એક હોવા છતાં ભિન્ન ભાસે છે. મોટા મુક્ત દ્વારા મનુષ્યસ્વરૂપમાંથી મનુષ્યભાવ ને પ્રતિમાસ્વરૂપમાંથી પ્રતિમાભાવ દૂર કરી દિવ્યભાવ દૃઢ કરવાનું જ્ઞાન ઉદય થાય ને પછી દૃષ્ટિ ભૌતિક મટીને દિવ્ય બને, ત્યારે એ ત્રણેય સ્વરૂપની ભિન્નતા મટીને એક દિવ્ય સ્વરૂપ જ સર્વત્ર ભાસે છે. આ સિદ્ધાંત વાત છે.
વિવિધ ઉપચાર દ્રવ્યો દ્વારા પ્રભુની પૂજા કરવા પાછળનો આશય એ છે કે પરમકૃપાળુ પરમાત્માના આપણી ઉપર અનંત ઉપકારો છે. તેનો બદલો આપણે અનંત જન્મે પણ વાળી શકીએ તેમ નથી. તે ઋણથી આપણે ક્યારેય મુક્ત થવા સમર્થ નથી. પ્રભુ પોતે પૂર્ણ છે, પૂર્ણકામ છે, પૂર્ણસ્વરૂપ છે અને જીવાત્મા અનાદિ કાળથી અજ્ઞાન-અવિદ્યારૂપ, ગાઢ તિમિરરૂપી માયાના આવરણમાં રહેલા હોવાથી અપૂર્ણ છે. પ્રભુએ પોતાની નિષ્કારણ ને અસીમ કૃપાથી જીવોને પૂર્ણતા બક્ષવા માટે આ અનંત-અપાર સૃષ્ટિની રચના કરી છે. તેમાં જીવો ઉત્ક્રાંતિને પંથે આગળ વધતાં વધતાં છેવટે દેવોને પણ દુર્લભ એવા મનુષ્યદેહને પામે છે. એ મનુષ્યદેહ દ્વારા જીવાત્મા આધ્યાત્મિક સાધના દ્વારા, આધ્યાત્મિક ઉત્ક્રાંતિમાં આગળ વધી પ્રભુની તથા તેમના મુક્તપુરુષની કૃપા પામી મુક્તદશાને, પૂર્ણતાને પ્રાપ્ત કરી શકે છે.
પરમાત્માએ આપણને આવો દુર્લભ મનુષ્યદેહ આપ્યો ને સાથે સાથે અનેક પ્રકારની સુવિધાઓ આપી. ઇંદ્રિયો, અંતઃકરણરૂપી મહામૂલ્યવાન સાધનો આપ્યાં. આવી સુંદર સૃષ્ટિમાં પ્રેય અને શ્રેયની પ્રાપ્તિ માટેનાં વિવિધ પ્રકારનાં સાધનો વિપુલ પ્રમાણમાં આપ્યાં. એમના અનંત ઉપકારોનો બદલો આપણે શી રીતે વાળી શકીએ? ઋણસ્વીકાર માટે આપણે પ્રભુની નિત્યપૂજા, અર્ચા, પ્રાર્થના, આરાધના, ઉપાસના દ્વારા આપણા હૃદયનો પ્રેમભાવ-ભક્તિભાવ અર્પણ કરી શકીએ. એથી વિશેષ આપણી પાસે પ્રભુને આપવા યોગ્ય બીજું છે પણ શું? જે સદા પૂર્ણકામ છે તેને આપણે શું આપી શકવાના હતા? તેને આપણી પાસે કોઈ અપેક્ષા જ નથી. આપણે જે કંઈ ભાવથી તેમને અર્પણ કરીએ છીએ તેનો તેઓ સ્વીકાર કરી આપણા ચૈતન્યનું જ શ્રેય કરે છે. પોતાના માટે તો તેઓ કશું જ ગ્રહણ કરતા નથી. પુષ્પ, ચંદન, અક્ષત વગેરે પ્રતીકાત્મક ઉપચાર દ્રવ્યો દ્વારા આપણે માત્ર આપણા હૃદયની ભાવોર્મિઓ વ્યક્ત કરી શકીએ. તેના દ્વારા પ્રભુપ્રસન્નતા મેળવી શકીએ. હૃદયના ઉત્કટ પ્રેમ ને ભક્તિભાવના અર્પણ માત્રથી જ પ્રભુ પ્રસન્ન થઈ આપણી ઉપર કૃપાવર્ષા કરે છે, એ કેવી મહાનતા! કેવી સહૃદતા! અહા! આપણે તેમની વિશાળતાની કલ્પના પણ શી રીતે કરી શકવાના? પૂજાસામગ્રી તો ભાવાર્પણ કરવાના સાધનમાત્ર છે. ભક્તિભાવ વગરની પૂજાસામગ્રી દ્વારા થતી યંત્રવત્ પૂજા કદી ફળદાયી થતી નથી. પછી તે સામગ્રી ગમે તેટલી મૂલ્યવાન હોય તો પણ તે નિરર્થક છે!
શ્રીહરિ વચનામૃત સારંગપુર પ્ર.3માં કહે છે :
"ભગવાનને વિશે પ્રેમે કરીને અતિ રોમાંચિત ગાત્ર થઈને તથા ગદગદ કંઠ થઈને જો ભગવાનની પ્રત્યક્ષ પૂજા કરે છે અથવા એવી રીતે જે ભગવાનની માનસીપૂજા કરે છે, તો એ બેય શ્રેષ્ઠ છે અને પ્રેમે કરીને રોમાંચિત ગાત્ર ને ગદગદ કંઠ વિના કેવળ શુષ્ક મને કરીને પ્રત્યક્ષ ભગવાનની પૂજા કરે છે, તોય ન્યૂન છે ને માનસીપૂજા કરે છે, તોય ન્યૂન છે."
આ રીતે શ્રીહરિ ભાવે સહિત કરેલી બાહ્યપૂજા કે માનસીપૂજાનું સરખું ગૌરવ ગણાવે છે. જેવી રીતે પ્રભુની બાહ્યપૂજા તેમ જ માનસીપૂજા કરવામાં આવે છે, તેવી રીતે પ્રભુની પૂજા કરવામાં ઉપયોગમાં આવેલ પ્રસાદીરૂપ પૂજાસામગ્રી દ્વારા પ્રભુના લાડીલા મુક્તપુરુષની પણ પૂજા થઈ શકે છે. એવી રીતે ગુરુ પ્રત્યેના ભક્તિભાવથી પ્રભુની સાથે મુક્તની માનસીપૂજા પણ થઈ શકે છે. એવી રીતે પ્રભુની સાથે કરવામાં આવતી સિદ્ધ અનાદિમુક્તની પૂજાનું ફળ શ્રીહરિ વડતાલના પાંચમાં વચનામૃતમાં આ પ્રમાણે કહે છે :
"જેમ ભગવાનની માનસીપૂજા કરે, તેમ જ જે ઉત્તમ હરિભક્ત (મુક્તપુરુષ) હોય તેની પણ ભગવાનની પ્રસાદીએ કરીને ભગવાન ભેળી માનસીપૂજા કરે અને જેમ ભગવાનને અર્થે થાળ કરે, તેમ જ ઉત્તમ જે ભગવાનના ભક્ત તેને અર્થે પણ થાળ કરીને તેને જમાડે અને જેમ ભગવાનને અર્થે પાંચ રૂપિયાનું ખરચ કરે, તેમ જ મોટા સંતને અર્થે પણ ખરચ કરે. એવી રીતે ભગવાન ને ઉત્તમ લક્ષણવાળા જે સંત, તેની અતિ પ્રેમે કરીને સરખી સેવા જે કરે, તો તે કનિષ્ઠ ભક્ત હોય ને તે બે જન્મે તથા ચાર જન્મે તથા દસ જન્મે કે સો જન્મે કરીને ઉત્તમ ભક્ત જેવો થનારો હોય, તે આ ને આ જન્મે કરીને ઉત્તમ ભક્ત થાય છે. એવું ભગવાન ને તે ભગવાનના ભક્ત તેની સરખી સેવા કર્યાનું ફળ છે." અહીં ઉત્તમ ભક્ત કે સંતનો અર્થ પ્રભુના પૂર્ણસ્થિતિવાળા સિદ્ધ મુક્તપુરુષને સમજવાના છે, કારણ કે એવા મુક્તપુરુષમાં જ પ્રભુના ઉત્તમ કલ્યાણકારી ગુણો પૂર્ણરૂપે પ્રગટ થયેલા હોય છે. જે ભક્ત કે સંત સાધનદશાવાળા ને અપૂર્ણ હોય તેની ભગવાન સરખી સેવા-પૂજાનું કહ્યું નથી. ભક્તે આ બાબતે વિવેક રાખવાની આવશ્યકતા છે, નહિતર અધૂરી સ્થિતિવાળા કે દંભી ગુરુની સેવાથી લાભને બદલે હાનિ થવાની સંભાવના છે. અપૂર્ણ ને દંભી ગુરુઓ પોતાને પ્રગટ ભગવાન કે પ્રગટ મુક્ત કહેવડાવી ભોળા ભક્તને ભરમાવે છે. તેથી પોતે તો અધોગતિ પામે છે, સાથે અનેકને અધોગતિ તરફ દોરી જાય છે. એવા દંભી ગુરુઓને ઓળખી તેનાથી દૂર રહી કેવળ પ્રભુનું જ ધ્યાન-ભજન કર્યા કરવું તે સલામત માર્ગ છે. મુમુક્ષુએ આ વિવેક બરોબર જાળવવો જોઈએ, નહિતર આત્યંતિક મોક્ષ થવામાં વિલંબ થઈ જાય છે. ભગવાન તુલ્ય મુક્તપુરુષોમાં ભગવાનના અનંત કલ્યાણકારી ગુણો હોય છે. તેમનામાં અનંત સાર્મથ્ય-પ્રતાપ રહેલાં હોય છે તે સહેજે જ જણાઈ આવે છે. તેઓ ભક્તોને હંમેશાં ભગવાનમાં જ જોડે છે. પોતાનામાં જોડતા નથી ને સદાય ભગવાનના દાસભાવે ને સાર્મથ્ય ઢાંકીને વર્તે છે. તેઓને એક ભગવાનનું જ મુખ્યપણું હોય છે. તેથી ભગવાનને ગૌણ કરી પોતાનું મુખ્યપણું ક્યારેય કરતા નથી. માટે સાચા મુમુક્ષુએ જે કોઈ પોતાને પ્રગટ ભગવાન કે પ્રગટ મુક્ત કહેવડાવવાનો દંભ કરતા હોય તો તેથી હંમેશાં દૂર જ રહેવું. તેમની માયાજાળમાં ક્યારેય ફસાવું નહિ, એવી જાગૃતિ રાખવી ને કેવળ સત્પુરુષનો જ જોગ કરવો. સત્પુરુષ-મુક્તપુરુષ પૃથ્વી પર ન હોય ત્યારે તેમનાં વચનોમાં ને આજ્ઞામાં વર્તી પ્રભુપ્રસન્નતાનાં સાધનો કર્યાં કરવાં.
આ રીતે પ્રભુના પ્રતિમાસ્વરૂપની ભાવપૂર્વક પૂજા કરવાથી, એવી રીતે નિત્યપૂજા કરવાથી પ્રભુના સ્વરૂપમાં અભિવાંછિત પરાપ્રેમ-પરાભક્તિ પ્રગટ થાય છે ને એ સ્વરૂપમાં દિવ્યભાવની દૃઢતા થતી જાય છે. આ બાહ્યપૂજાનું રહસ્ય છે.