ધર્માદો

0:000:00

निजवृत्त्युद्यमप्राप्त धनधान्यादितश्च तैः ।

अर्प्यो दशांश कृष्णाय विशोङशस्त्विह दुर्बलैः ॥

અને તે ગૃહસ્થાશ્રમી સત્સંગી તેમણે પોતાની જે વૃત્તિ અને ઉદ્યમ તે થકી પામ્યું જે ધનધાન્યાદિક, તે થકી દશમો ભાગ કાઢીને શ્રીકૃષ્ણભગવાનને અર્પણ કરવો; અને જે વ્યવહારે દુર્બળ હોય તેમણે વિશમો ભાગ અર્પણ કરવો.

- શિક્ષાપત્રી શ્લો. 147.

શિક્ષાપત્રીમાં શ્રીહરિની સ્પષ્ટ આજ્ઞા છે કે સત્સંગી ગૃહસ્થાશ્રમીએ નીતિ અને ધર્મ સહિતની કોઈ પણ પ્રકારની આજીવિકાનાં સાધનો દ્વારા જે કંઈ આવક થતી હોય, ઊપજ થતી હોય, તેમાંથી જે વ્યવહારે સાધનસંપન્ન હોય, ધનાઢ્ય હોય, સમૃદ્ધ હોય તેમણે દશમો ભાગ ધર્માદા પેટે આપવો. અર્થાત્ 100એ 10% (ટકા) ધર્માદો આપવો અને જે હરિભક્ત વ્યવહારે દુર્બળ હોય તેમણે વીશમો ભાગ અર્થાત્ 100એ 5% (ટકા) ભાગ ધર્માદા પેટે આપવો.

આમ ઊપજ અને આવક એટલે ધનની આવક હોય અથવા ધાન્ય એટલે અન્ન વગેરે કોઈ પણ પ્રકારની ખેતીવાડી વગેરેની ઊપજ હોય, તેમાંથી દશમો અથવા વીશમો ભાગ ધર્માદા પેટે આપવાની વાત છે. શ્રીહરિની આજ્ઞાનુસાર ચોખ્ખો ધર્માદો અર્પણ કરવાથી પ્રભુની પ્રસન્નતા થાય છે. ધર્માદાનો જે ભાગ છે તેને શાસ્ત્રોમાં દેવનો ભાગ ગણવામાં આવે છે. દેવભાગ એ દેવનું ઋણ છે. દેવનું ઋણ એટલા માટે છે કે આપણે પૃથ્વી ઉપર જન્મ ધરીને આવ્યા તેમાં આપણું પોતાનું કંઈ કહી શકાય તેવું કશું જ આપણું નથી. આપણા કર્માનુબંધ પ્રમાણે આપણને કર્માશયના ભોગ માટે જન્મ મળ્યો તેમાં આપણા કર્માશય સિવાય આપણે કંઈ પણ સાથે લાવ્યા નથી. ફક્ત કર્માશય દ્વારા જ મનુષ્ય દેહની પ્રાપ્તિ થતી નથી. તેમાં પરમાત્માની ઇચ્છા, કૃપા વગેરે અનેક પરિબળો ભાગ ભજવે છે. કારણ કે કર્મફળપ્રદાતા પરમાત્મા જ છે. તેમણે આપણને પંચજ્ઞાનેન્દ્રિયો, પંચકર્મેન્દ્રિયો તથા મન, બુદ્ધિ, ચિત્ત જેવા અંતઃકરણો આપ્યાં. વિવેકશક્તિ, તર્કશક્તિ, જ્ઞાનશક્તિ, કલ્પનાશક્તિ, કાર્યશક્તિ, સ્મૃતિશક્તિ, સમજણશક્તિ વગેરે અનેક પ્રકારની શક્તિઓ તથા કર્મફળનો ઉપભોગ કરવા માટે આ માનવદેહ આપ્યો. આ બધાં ઉપકરણો દ્વારા મનુષ્ય પ્રેય ને શ્રેય, ભૌતિક તેમ જ આધ્યાત્મિક એમ બંને માર્ગે પોતાનો વિકાસ સાધી શકે છે. આ બધાં સાધનોની સાથે સાથે પૃથ્વી ઉપર અનેક પ્રકારની વનસ્પતિઓ, ફળફળાદિ, ધન-ધાન્ય, શુદ્ધ હવા, પાણી વગેરે મનુષ્યજીવન માટે ઉપયોગી સાધનો વિપુલ પ્રમાણમાં આપણને આપ્યા છે. મનુષ્ય જીવ એકલો ન પડી જાય અને તેને સાથ, સહકાર, પ્રેમ, ભાઈચારો વગેરે મળી રહે તેને માટે અન્ય મનુષ્યોનો સમાજ પણ આપ્યો. અન્યોન્યના સહકાર વગર કોઈ પણ પ્રકારની પ્રગતિ સંભવી શકતી નથી. ભૌતિક વિકાસનાં સાધનો ઉત્પન્ન કરવા બુદ્ધિશાળી વૈજ્ઞાનિકો ઘડ્યા, જેના થકી અનંત પ્રકારની સુખ-સગવડતાઓ ને સાધનસંપત્તિનો વિકાસ થયો.

ચૈતન્યની આધ્યાત્મિક પ્રગતિ ને ઉન્નતિ માટે તેઓ પોતાના સત્પુરુષો-મુક્તપુરુષોને પૃથ્વી ઉપર મનુષ્યરૂપે વારે વારે પ્રગટ કરે છે. પાત્ર મુમુક્ષુ જીવોને આલોક તથા પરલોકનું સુખ આપવા માટે પ્રભુ પોતે પણ મનુષ્યરૂપે અવતાર ધારણ કરે છે. આવા તો પરમાત્માના આપણી ઉપર અનંત ઉપકારો છે. તેનું ઋણ આપણે કદી પણ, અનંતકાળે પણ ચૂકવી શકીએ તેમ નથી. તેમની પ્રસન્નતા માટે આપણે તેમની નાની-મોટી આજ્ઞાઓનું જ કેવળ પાલન કરવાનું રહે છે. અને તે પણ આપણા પોતાના જ સર્વપ્રકારે હિત માટે! આવા કારણને લીધે ધર્માદાનો ભાગ જે આપણી સઘળી આવક કે ઊપજનો એક નાનો સરખો ભાગ જ ગણાય, તે પ્રભુની પ્રસન્નતા માટે આપવાનો છે, જે દેવનું ઋણ છે. તેની ચૂકવણી કરવી તે દરેક વ્યક્તિની પવિત્ર ફરજ છે.

દેવભાગ અર્પણ કરવાથી ધનની-દ્રવ્યની તથા આજીવિકાની શુદ્ધિ થાય છે. કેટલાકને એવી ગેરસમજ હોય છે કે ગમે તેવા માર્ગે, અર્થાત્ અધર્મ, અનીતિને માર્ગે અર્થોપાર્જન કરી લઈ તેમાંથી ધર્માદો અર્પણ કરી દેવાથી પ્રભુની આજ્ઞાનું પાલન થઈ જશે. પ્રભુની પ્રસન્નતા પણ થશે ને દ્રવ્યની શુદ્ધિ પણ થઈ જશે! અધર્મ, અનીતિ વગેરે કર્મો પણ માફ થઈ જશે! આવો ખ્યાલ અત્યંત ભૂલ ભરેલો છે; તે અજ્ઞાન છે. ધર્મને માર્ગે કે નીતિને માર્ગે અર્થોપાર્જન કરવામાં પણ નાના-મોટા દોષો જાણે-અજાણે થઈ ગયા હોય. દા.ત. ખેતીવાડીમાં, કારખાનાંઓમાં, નાનાં જીવજંતુઓની હિંસા વગેરે થઈ હોય તેવા દોષો જે માફ કરી શકાય તેવા હોય (Pardonable) તે બધાની શુદ્ધિ થઈ જાય છે. પરંતુ કોઈ ચોરી, લૂંટફાટ, હિંસા, ભ્રષ્ટાચાર, છળકપટ, દંભ, અસત્ય, ગેરરીતિ વગેરે આચરીને આવક ઊભી કરે અને તેમાંથી ધર્માદો આપી દે ને વિચારે કે તેનાં બધાં પાપ માફ થઈ જશે, તો તે તેની ગેરસમજ છે. પ્રભુ કાંઈ ભોળા-ભોટ નથી કે એવા ધર્માદાની લાલચમાં આવી જઈ માફ ન કરી શકાય તેવા (Unpardonable) કર્મો માફ કરી દઈ તેની ઉપર પ્રસન્નતાનાં ફૂલ વરસાવી દે! આ માટે પણ વિવેક હોવો જરૂરી છે.

ધર્માદો પરમાત્માનાં પવિત્ર મંદિરો, પવિત્ર ધર્મસ્થાનો ને પવિત્ર સેવા સંસ્થાઓમાં આપવામાં આવે છે. ધર્માદાની રકમનો ઉપયોગ મંદિર કે ધર્મસંસ્થાના નિર્માણ, નિભાવ, વિકાસ તથા માનવસમાજના કલ્યાણ ને અભ્યુદય માટેની સેવા વગેરે કલ્યાણકારી પ્રવૃત્તિઓમાં થવો જોઈએ. આ ધર્માદાનો હંમેશાં સદુપયોગ જ થવો જોઈએ. પ્રભુ સંબંધી કલ્યાણકારી સદ્પ્રવૃત્તિ સિવાય જો તેનો પોતાના અંગત સ્વાર્થી હેતુ માટે દુરુપયોગ કરવામાં આવે તો દુરુપયોગ કરનારની ઉપર પ્રભુની ને સત્પુરુષની અપ્રસન્નતા થવાથી વજ્રલેપ જેવું પાપકર્મનું બંધન થાય છે.

હાલના કળિયુગના પ્રભાવ હેઠળ આપણે એવા ઘણા પ્રસંગો જોઈએ છીએ કે કોઈ પણ સંપ્રદાયમાં ધર્માદાનો સ્વાર્થી હેતુ માટે ઉપયોગ કરનાર વહીવટકર્તા ત્યાગીવર્ગ હોય કે ગૃહસ્થવર્ગ હોય તેમાં હિંસાચાર, ભ્રષ્ટાચાર, દુરાચાર, અનીતિ, અધર્મ તથા વહીવટશુદ્ધિના અભાવને લઈને સંઘર્ષ, ક્લેશ કે પ્રતિષ્ઠાહાનિ થતા રહે છે. આવા બનાવો સમાજમાં અવારનવાર બનવા છતાં અજ્ઞાની લોકોમાં સુધારો થતો ભાગ્યે જ જોવા મળે છે. કેટલીક સંસ્થાઓમાં સત્તાની સાઠમારી, અહંકારના ટકરાવ તથા ગંદુ રાજકારણ પણ રમાતું હોય છે. આવા અજ્ઞાની લોકોને શરૂઆતમાં લાગતાં ઘીકેળાં જેવા લાભો પાછલી જિંદગીમાં વિષ સમાન બની જાય છે. પછી પસ્તાવાનો પાર રહેતો નથી. અને મૃત્યુ બાદ પણ અધોગતિ થતાં અનેક પ્રકારની યાતનાઓ ભોગવવી પડે છે. આવાં માઠાં પરિણામો જોવાં ન પડે તે માટે સુજ્ઞ અને ધર્મનિષ્ઠ ત્યાગી-ગૃહી ભક્તોએ ધર્મશુદ્ધિ ને વહીવટશુદ્ધિ જળવાઈ રહે તે માટે જાગૃત રહી પ્રયત્ન કરવા જોઈએ, જેથી પ્રભુની પ્રસન્નતા થાય.

વિવેકી જને પોતાના ધર્માદાનો વધુમાં વધુ સદુપયોગ થાય તેવી સંસ્થામાં તથા જ્યાં વહીવટશુદ્ધિ ને ધર્મશુદ્ધિ જળવાતી હોય તેવી પવિત્ર ધર્મસંસ્થામાં ધર્માદો આપવો હિતાવહ છે. ધર્માદો અર્પણ કરનારે પણ ધર્માદો કચવાતા મને નહિ, પણ ભક્તિભાવ સાથે, પ્રસન્નચિત્તે સર્વના કલ્યાણમંગલની ઉદાત્ત ભાવના સાથે, કેવળ પ્રભુપ્રસન્નતા માટે આપવો જોઈએ. તેમાં કીર્તિ-પ્રસિદ્ધિનો રાગ, અધિકારની ભાવના, દંભડોળ વગેરે ભાવો ભળવા ન જોઈએ. શુદ્ધભાવથી કરેલા ધર્માદાથી પરમાત્માની ને મુક્તપુરુષની પ્રસન્નતા થવાથી તેવો ધર્માદો કરનારના દ્રવ્યની ને આજીવિકાની શુદ્ધિ થાય છે અને તે દેવઋણમાંથી મુક્ત બને છે.

'આજે હવે કોઈ ધર્મસંસ્થા સારી-સાચી રહી નથી. કોઈ જ મંદિરમાં શુદ્ધ વહીવટ કે ધર્મશુદ્ધિ રહ્યાં નથી.' આવું વિચારી કેટલાક લોકો ધર્માદો કાઢવાના શ્રીહરિના આદેશનું ઉલ્લંઘન કરી ધર્માદો કાઢવાનું ટાળે છે. આ બાબત બિલકુલ યોગ્ય નથી. બધા લોકો આવી રીતે વિચારે તો કોઈ પણ સંસ્થા નભી ન શકે. ભક્તને તો ધર્માદા પેટે દેવભાગ કાઢી દેવઋણમાંથી મુક્ત થવું જ પડે. તે તેની પવિત્ર ફરજ પણ છે. અને તે પોતાના આત્માના કલ્યાણ માટે પણ અનિવાર્ય છે. ધર્માદો આપવાથી પ્રભુની આજ્ઞાનું પાલન થાય છે. તેથી તેમની પ્રસન્નતા થાય છે અને અનેક જન્મના કર્મસંસ્કારોનો ક્ષય થવાથી કલ્યાણનો માર્ગ સરળ બને છે.

વ્યક્તિ ધર્માદાનો ભાગ પ્રભુને અર્પણ ન કરતાં પોતાને માટે, પોતાના અંગત સ્વાર્થ માટે તેનો ઉપયોગ કરે તો ધનશુદ્ધિ ન થાય, પ્રભુની આજ્ઞાનો પણ લોપ થાય. પ્રભુની પ્રસન્નતા પણ ન મળે, તેથી તેને વ્યાવહારિક રીતે અનેક પ્રકારની મુશ્કેલીઓ ને આપત્તિઓ આવે. પરિવારમાં સંઘર્ષ ને ક્લેશ થાય. ધંધા-રોજગારમાં પણ વિઘ્નો આવે. આર્થિક સ્થિતિ દુર્બળ થતાં માનસિક શાંતિ હણાઈ જાય. શારીરિક ને માનસિક વ્યાધિઓમાં કે કોર્ટ-કચેરી વગેરેમાં ખર્ચ ને દોડધામ વધી જાય. ચારે બાજુથી અશાંતિ ઘેરી વળે. તેથી દેવભાગની- ધર્માદાની રકમ કરતાં અનેક ઘણા વધુ ખર્ચાઓ થઈ જાય. આવા અનેક કિસ્સાઓ સમાજમાં બનતાં આપણે જોઈએ છીએ.

ચોખ્ખો ધર્માદો ભક્તિભાવ ને શ્રદ્ધાપૂર્વક અર્પણ કરનારને પ્રભુની આજ્ઞાનું પાલન થવાથી તે દેવઋણમાંથી તો મુક્ત બને જ છે, પણ સાથે સાથે તેનો વ્યવહાર પણ સુધરે છે. આજ્ઞાપાલકના યોગક્ષેમનું વહન કરવાની જવાબદારી પ્રભુ પોતાને શિરે લઈ લે છે, તેથી ભક્તને સુખ-સગવડ-સંપત્તિ પણ મળે છે. આવા પ્રકારના અસંખ્ય દાખલાઓ પણ સમાજમાં જોવામાં આવે છે. ધર્માદો કાઢવાથી પ્રભુ પ્રત્યેના ભક્તિભાવ ને શ્રદ્ધામાં પણ દૃઢતા થાય છે. અજ્ઞાનને લઈને અથવા જાણવા છતાં પણ ધર્માદો અર્પણ નહિ કરનારનો સત્સંગ ધીમે ધીમે ઘસાઈ જાય છે. તે ભક્તની શ્રદ્ધા મંદ પડે છે. પછી કુસંગની સોબતને લીધે અનેક આપત્તિઓ નોતરે છે. કેટલાક તો દુર્વ્યસનો પાછળ ખુવાર થઈ જતા હોય છે, પણ ધર્માદો કાઢતા નથી હોતા. આ નર્યું અજ્ઞાન છે. આવાં માઠાં પરિણામોનું કારણ પરમાત્માની આજ્ઞાનો લોપ છે.

ભક્ત તો ધર્માદો ધર્મસંસ્થાઓમાં આપીને દેવઋણથી મુક્ત બની જાય છે, પણ તે ધર્માદાનો સદુપયોગ કરવાની મોટી જવાબદારી જે તે ધર્મસંસ્થાના વહીવટકર્તા અધિકારીઓની છે. ધર્માદાની અલ્પ રકમનો પણ પોતાના અંગત સ્વાર્થી હેતુ માટે તે ઉપયોગ કરે તો તે જન્મ-મરણરૂપ સંસૃતિમાં ખેંચી જાય છે.

શ્રીહરિએ કહ્યું છે તેમ -

अन्य क्षेत्रे कृतं पापं, तीर्थक्षेत्रे विनश्यति ।

तीर्थ क्षेत्रे कृतं पापं, वज्रलेपो भविष्यति ॥

અન્ય ક્ષેત્રે કરેલું પાપકર્મ તીર્થક્ષેત્રે નાશ પામે છે, પણ તીર્થક્ષેત્રે કરેલું પાપ વજ્રલેપ જેવું બંધનકારી થાય છે.

આમ સમજી વહીવટકર્તાઓએ પૂર્ણ જાગૃતિ રાખી ધર્માદાની રકમનો હંમેશાં સદુપયોગ કરવો. સંસ્થાના ધણી એક પ્રભુને જ રાખે અને પોતે તેના ધણી બની બેસવાનો રાગ ટાળે, તો કોઈ વાંધો ન આવે. વહીવટકર્તાઓએ બીજો પણ એક ખ્યાલ રાખવાની આવશ્યકતા છે કે પોતાની બેદરકારી કે બેજવાબદારીને લઈને ધર્માદાની રકમનો બિનજરૂરી વ્યય ન થઈ જાય. અંગત સ્વાર્થી હેતુ તો દોષરૂપ છે જ, પણ સાથે સાથે પોતાની બેદરકારી પણ દોષરૂપ છે તે સમજવું ઘટે.

કેટલાક લોકોને દાન અને ધર્માદાનો ભેદ ખબર નથી. તે બંને બાબતને સરખી ગણે છે તે ભૂલ છે. કોઈ વ્યક્તિને કે સંસ્થાને દાન આપવાથી તે એક પુણ્યકર્મ હોવાથી પુણ્ય મળે છે. નામની, કીર્તિની કે પ્રસિદ્ધિની ઇચ્છાથી દાન આપવાથી પ્રસિદ્ધિ મળી જાય છે. એવી ઇચ્છા વગર દાન આપવાથી પુણ્ય ભેગું થાય છે. દાન માટે કોઈ જબરદસ્તી કે ફરજ નથી હોતી. તે સ્વેચ્છાએ આપવાનું હોય છે. તેમાં પણ દાન કરનારે પાત્ર વ્યક્તિને કે યોગ્ય સંસ્થાને દાન આપવું જોઈએ. કુપાત્રને કે અયોગ્ય સંસ્થાને દાન આપવાથી કદાચ નામના મળે, પણ પુણ્ય ન મળે. અને એવું દાન એળે જાય છે, માટે તેમાં પણ વિવેક જરૂરી છે. જ્યારે ધર્માદો તો દરેક હરિભક્તે ફરજિયાત આપવાનો હોય છે. કારણ કે તે દેવભાગ છે. તે પ્રભુની આજ્ઞા છે. તેના પાલનથી જ પ્રભુપ્રસન્નતા થાય ને દેવઋણમાંથી મુક્ત થઈ શકાય છે.

ધર્માદાના પણ ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ એમ ત્રણ પ્રકારો છે. પોતાની આવક-ઊપજમાંથી દશમો કે વીશમો ભાગ પ્રભુને અર્પણ કરવો તે કનિષ્ઠ ધર્માદો છે. વર્ષમાં એકાદ માસ કોઈ મોટા સત્પુરુષનો જોગ-સમાગમ સેવા કરવા, મંદિર તથા સેવાસંસ્થામાં સમય ફાળવીને તન-મનથી સેવા આપવી તે સમયના ધર્માદારૂપ મધ્યમ ધર્માદો છે. ઇંદ્રિયો-અંતઃકરણને તથા પોતાના ચૈતન્યને વિષયાભિમુખતાથી વિમુક્ત કરીને, એકાગ્રચિત્તે કરીને, પ્રતિલોમ ધ્યાન દ્વારા પરમાત્માના સ્વરૂપમાં જોડાવાનો અભ્યાસ કરવો તે ઉત્તમ ધર્માદો છે. આમાં કનિષ્ઠ ધર્માદાથી ધનની શુદ્ધિ થઈ વ્યવહાર સુધરે છે ને આ લોકની સુખ-સગવડતાઓ પ્રાપ્ત થાય છે. સમયનો ઉપયોગ સેવા-સત્સંગ વગેરે કરવારૂપ મધ્યમ ધર્માદાથી સારા સંસ્કારોનું ને ચારિત્ર્યનું ઘડતર થાય છે. તેથી માનસિક શાંતિ ને સંતોષ અનુભવાય છે. અને સત્પુરુષના માર્ગદર્શન ને કૃપા દ્વારા પ્રભુના સ્વરૂપમાં જોડાવારૂપ ઉત્તમ ધર્માદાથી પરમાત્મા સંબંધી પરમાનંદની ઉપલબ્ધિ થાય છે. અનાદિ મહામુક્તરાજ શ્રી અબજીબાપાશ્રી કહે છે કે 'આ ત્રણેય પ્રકારનો ધર્માદો ભક્તોએ અવશ્ય કાઢવો જોઈએ. એક પણ ધર્માદો પડ્યો મૂકવો નહિ.'

ત્યાગી વર્ગે વસ્ત્રાદિક વગેરે ધર્મામૃત શાસ્ત્ર પ્રમાણે રાખી તેનાથી અધિક હોય તો ઠાકોરજીને કોઠારે આપી દેવું. જેથી અન્ય જરૂરિયાતમંદને તે ઉપયોગમાં આવી શકે. આ આજ્ઞા પાળવાથી તેને અપરિગ્રહની અને નિરાસક્ત થવાની ભાવનાની તથા વૈરાગ્યની દૃઢતા થાય છે. ત્યાગી વર્ગે પ્રભુના ધ્યાન-ભજન વગેરે પોતાના આત્માના ઉત્કર્ષ માટે સાધનો કરવાના સમયમાંથી થોડો સમય કાઢી અન્ય મુમુક્ષુઓને ઉપદેશ ને સાચું જીવન જીવવાનું માર્ગદર્શન આપી વ્યક્તિના ને સમાજના આધ્યાત્મિક ઉત્થાનમાં યોગદાનરૂપી ધર્માદો પણ આપવો જોઈએ. આમ કરવાથી પ્રભુની પ્રસન્નતા થાય છે, તેથી અનેક જન્મના સંસ્કાર ઘસાય છે ને ચિત્ત નિર્મળ બને છે. તેથી ચેતનાનો આધ્યાત્મિક વિકાસ ઝડપી બને છે.

જે વ્યક્તિએ જ્ઞાન તથા સદ્વિદ્યા સંપાદન કરી હોય તો તે પણ એક પ્રકારની ઊપજ ગણાય. તે સદ્વિદ્યાનો કેવળ પોતાના જ અંગત સ્વાર્થ માટે ઉપયોગ ન કરતાં અન્ય યોગ્ય વ્યક્તિને પણ તે આપવું જોઈએ. જેમ ધનનો ધર્માદો આપવાથી ધનની શુદ્ધિ થાય છે ને તેમાં વૃદ્ધિ પણ થાય છે. એ રીતે જ્ઞાનદાન કે વિદ્યાદાન કરવાથી જ્ઞાન-વિદ્યાની શુદ્ધિ થાય છે અને તેમાં વૃદ્ધિ પણ થાય છે. આ પ્રકારના જ્ઞાન-વિદ્યાદાનમાં કોઈ પ્રકારના બદલાની ભાવના ન હોવી જોઈએ. તે નિઃસ્વાર્થભાવે થવું જોઈએ. તેનાથી પણ પ્રભુની પ્રસન્નતા થાય છે. શ્રીહરિએ સદ્વિદ્યાની પ્રવૃત્તિથી મોટું પુણ્ય થાય છે તેમ કહ્યું છે. માટે આ પણ શ્રેષ્ઠ પ્રકારનો ધર્માદો છે.

પૂર્ણસ્થિતિવાળા મુક્તપુરુષને તો કંઈ જ કરવાનું શેષ રહેતું નથી. તેઓ પૂર્ણકામ છે. તેમ છતાં બીજા જીવોના કલ્યાણ ને બોધ માટે તેઓ પણ ત્રણેય પ્રકારનો ધર્માદો કાઢતા હોય છે. તેથી સમાજમાં તેઓ સર્વપ્રકારે આદર્શરૂપ બને છે.

આ રીતે ધર્માદાનો હેતુ અને તેનું રહસ્ય સમજી મુમુક્ષુએ પોતાના પ્રેય ને શ્રેય માટે, વ્યાવહારિક તેમ જ આધ્યાત્મિક ઉત્કર્ષ માટે ત્રણેય પ્રકારનો ધર્માદો અવશ્ય કાઢવો જોઈએ.