જપયજ્ઞ

0:000:00

ઇષ્ટદેવના દિવ્ય નામનું અથવા પવિત્ર મંત્રનું પ્રભુના સ્વરૂપના અખંડ અનુસંધાન સાથે, નામ અથવા મંત્રના અર્થાનુસંધાન સાથે, જીભે કરીને કે માનસિક રીતે રટણ કરવું તેને જપ કહેવામાં આવે છે. જપ અમુક પ્રકારથી, અમુક ગણતરીની સંખ્યામાં, અમુક નિશ્ચિત સમયમાં, અમુક ચોક્કસ ધ્યેય સિદ્ધ કરવા માટે, અમુક ચોક્કસ પદ્ધતિથી કરવામાં આવે તેને જપનું અનુષ્ઠાન કહેવામાં આવે છે.

જપમાં પણ સકામ ને નિષ્કામ એવા પ્રકારો છે. અમુક પ્રકારના જપ કોઈ ચોક્કસ હેતુ કે કાર્યસિદ્ધિ માટે કરવામાં આવે છે. તેમાં પણ શાંતકર્મ માટેના મંત્રો સત્ત્વગુણ પ્રધાન હોય છે. પોતાને તથા અન્યને સુખ-શાંતિ મળે તેવો હેતુ તેમાં હોય છે. કેટલાક વેદોના મંત્રો ભૌતિક સિદ્ધિ માટે જપવામાં આવે છે. લક્ષ્મીપ્રાપ્તિ માટે કે સમૃદ્ધિ, સંપત્તિમાં વૃદ્ધિ થાય એ હેતુ માટે કરાતા મંત્રજાપ રજોગુણપ્રધાન હોય છે. બીજાને હાનિ પહોંચાડવા વૈરભાવથી કરાયેલા મેલીવિદ્યાના મંત્રજાપ તમોગુણપ્રધાન હોય છે. તે ઘોરકર્મ માટે પ્રયોજવામાં આવે છે. તેનો આશય અશુદ્ધ ને મલિન હોય છે. મારણ, ઉચ્ચાટન, વશીકરણ વગેરેના મંત્રો એવા પ્રકારના ગણાય છે. અજ્ઞાની લોકો મેલીવિદ્યાના એવા મંત્રો દ્વારા બીજાને હાનિ પહોંચાડવાની સાથે પોતાને પણ હાનિ પહોંચાડે છે ને હાથે કરીને પોતાની અધોગતિ નોતરે છે. આ કહ્યા તે બધા મંત્રો સકામ મંત્રો ગણાય છે. તેમાં કોઈ ને કોઈ પ્રકારે ભૌતિક હેતુ સમાયેલો છે.

જ્યારે નામ કે મંત્રનો કેવળ ચૈતન્યની આધ્યાત્મિક ઊર્ધ્વગતિ માટે, પ્રભુપ્રાપ્તિ માટેના ઉદાત્ત હેતુથી જપ કરવામાં આવે તો તે જપ નિષ્કામ ગણાય છે. કારણ કે તેમાં કોઈ ભૌતિક કે લૌકિક સિદ્ધિનો હેતુ નથી હોતો. જેમાં જપ દ્વારા આધ્યાત્મિક સિદ્ધિઓ કે ઐશ્વર્ય પ્રાપ્તિની ઇચ્છા હોય તો તે પણ સકામ જ ગણાય છે. કારણ કે તેવી સિદ્ધિ દ્વારા બીજા મનુષ્યો ઉપર પ્રભાવ જમાવવાનો, આકર્ષવાનો હેતુ હોય છે. કીર્તિ-પ્રસિદ્ધિનો હેતુ હોય છે, માટે તે સકામ ગણાય છે. આવા સકામભાવે યુક્ત જપાનુષ્ઠાનમાં કેટલાક કડક નિયમોનું પાલન આવશ્યક હોય છે. જેમ કે, અમુક પ્રકારના યોગાસનમાં બેસવું. અમુક પ્રકારનું જ આસન લેવું. દા.ત. મૃગચર્મ, વ્યાઘ્રચર્મ, કાળા ઊનનું આસન, સફેદ ઊનનું આસન કે રેશમનું આસન વગેરે. અમુક પ્રકારની સંખ્યાની મણકાવાળી માળા હોવી જોઈએ. અમુક પ્રકારની જ હોવી જોઈએ. દા.ત. રુદ્રાક્ષની માળા, મોતીની માળા, સુખડની માળા, તુલસીની માળા, લાલ પથ્થરની, લીલા પથ્થરની વગેરે વિવિધ રંગોની માળા પણ પ્રયોજવામાં આવે છે. મણકાની સંખ્યામાં પણ ભેદ હોય છે. દા.ત. એકવીશ મણકાની માળા, એકાવન મણકાની માળા, એકસો આઠ મણકાની માળા વગેરે વગેરે. અમુક દિશામાં જ મુખ રાખી જપ કરવા બેસવું. અમુક પ્રકારની જ પૂજા-સામગ્રી, પુષ્પો, ધૂપ, દીપ વગેરે જોઈએ વગેરે નિયમોની આવશ્યકતા હોય છે. અમુક મંત્રદેવને અમુક જ નૈવેદ્ય-ભોગ ધરાવી શકાય, એવા બધા નિયમો પણ હોય છે. પરંતુ દરેક પ્રકારના જપાનુષ્ઠાનમાં શારીરિક, માનસિક પવિત્રતા, બ્રહ્મચર્યપાલન, મંત્રમાં ને મંત્રદેવતામાં શ્રદ્ધા- આ બધું આવશ્યક હોય છે. જપાનુષ્ઠાન બાદ પુરશ્ચરણ પણ જરૂરી હોય છે. તેમાં અનુષ્ઠાન પૂર્ણ થયા પછી મંત્રદેવની પૂજા કરીને જે હેતુ માટે અનુષ્ઠાન કર્યું હોય તેના ફળની યાચના કરવામાં આવે છે. જપયજ્ઞમાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો મંત્રદેવતાની ક્ષમાયાચના પણ કરવામાં આવે છે.

આધ્યાત્મિક ઉન્નતિ માટેની જપવિધિમાં પૂજા-સામગ્રી, મંત્રની સંખ્યા, અમુક પ્રકારની જ માળા, આસનનો પ્રકાર, અમુક દિશામાં મુખ રાખી બેસવું વગેરે કડક નિયમોની આવશ્યકતા નથી હોતી. આ પ્રકારના જપમાં ઇષ્ટદેવમાં સંપૂર્ણ શ્રદ્ધા, માહાત્મ્ય સહ ભક્તિભાવ, ઇષ્ટદેવના સ્વરૂપનું અખંડ અનુસંધાન, નામ અથવા મંત્રના અર્થનું અનુસંધાન, સદગુરુમાં તેમ જ તેમનાં વચનોમાં અચલ શ્રદ્ધા, ઇંદ્રિયો-અંતઃકરણના આહારની શુદ્ધિ, બ્રહ્મચર્યનું યથાર્થ પાલન, મન-કર્મ-વચનથી ઇંદ્રિય સંયમ, સ્થૂળ-સૂક્ષ્મ અર્થમાં પંચવર્તમાનનું યથાર્થ પાલન, સાધનામાં એકાગ્રતા, નિયમિતપણું, સ્થિરતા, ધૈર્ય આ બધું અત્યંત આવશ્યક છે. એટલે જ કહેવાય છે - 'હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને.'

આ પ્રકારનો જપ હાલતાં-ચાલતાં, સૂતાં-બેસતાં, ખાતાં-પીતાં, નહાતાં-ધોતાં, શુદ્ધ-અશુદ્ધ એમ ગમે તે ક્રિયામાં કરી શકાય છે. એ પ્રકારના જપનો જ્યારે નિરંતર અભ્યાસ કરવામાં આવે, ત્યારે કાળે કરીને અજપાજપની સ્થિતિ આવે છે. આ સ્થિતિમાં જપ સહજ રીતે અસ્ખલિતપણે થયા જ કરે છે. તેને માટે કોઈ પ્રયત્ન કરવો પડતો નથી. આવી સ્થિતિ લાંબો સમય રહે તો આત્મા-પરમાત્માનો સાક્ષાત્કાર થવાની પાત્રતા આવે છે. મંત્રના દેવતા અર્થાત્ ઇષ્ટદેવ પરમાત્માનાં દર્શન થવા લાગે છે. ત્યાર બાદ પ્રભુ અને મુક્તપુરુષનો અનુગ્રહ થતાં સાક્ષાત્કારની દિવ્ય સ્થિતિ પ્રાપ્ત થાય છે.

જપના ત્રણ પ્રકાર છે.

(1) વાચિક જપ : આ પ્રકારમાં જીભેથી જપ કરવામાં આવે છે. જેનું ઉચ્ચારણ અન્ય વ્યક્તિ સાંભળી શકે તે રીતે જપ થાય છે. જ્યારે મનમાં રજોગુણ, તમોગુણનું પ્રાધાન્ય હોય અને તેને લઈને ઘાટ-સંકલ્પોનું ધમાસાણ ચાલતું હોય, ત્યારે ઊંચે સ્વરે જપ કરવાથી ઘાટ-સંકલ્પનું બળ ઘટી જાય છે ને મન શાંત થાય છે. ક્યારેક બહારનું વાતાવરણ સંકટમય ને ભયાવહ હોય ત્યારે અથવા અનિષ્ટ તત્ત્વોનો ઉપદ્રવ હોય ત્યારે પણ વાચિક પ્રકારના જપથી તત્કાળ લાભ થાય છે. પરંતુ આવે સમયે પણ પ્રભુના સ્વરૂપનું અનુસંધાન, બળ તથા મનમાં અતૂટ શ્રદ્ધા ને સંકલ્પની દૃઢતા આવશ્યક છે. આમ હોય તો એવા કપરા સમયમાં પણ પ્રભુ ભક્તની રક્ષા કરે છે. ભગવાન સ્વામિનારાયણ શ્રીમુખવાણી વચનામૃતમાં પણ ભૂંડા ઘાટ ટાળવાના ઉપાય તરીકે ઊંચે સ્વરે ભગવાનના નામનું રટણ કરવાનું કહે છે. તેનો ઉલ્લેખ આપણે 'ધૂન'ના પ્રકરણમાં કરેલો છે.

(2) ઉપાંશુ જપ : આ પ્રકારના જપમાં જીભ તથા હોઠનું હલન-ચલન થાય છે, પણ મંત્રનું ઉચ્ચારણ બીજા સાંભળી શકે તેવું નથી હોતું. હાલવું-ચાલવું, બેસવું-ઊઠવું વગેરે ક્રિયાઓ કરતી વખતે ઉપાંશુ જપ કરી શકાય છે. તેથી ક્રિયામાં ને જપમાં બંનેમાં અનુસંધાન રહી શકે છે.

(3) માનસ જપ : અર્થાત્ માનસિક જપ. આ પ્રકારના જપમાં જીભ તથા હોઠનું હલન-ચલન થતું નથી. કેવળ મનમાં જ ઇષ્ટદેવની સ્મૃતિ સાથે, મંત્રના અર્થ સાથે જપ થાય છે. આ ત્રણ પ્રકારના જપમાં વાચિક જપને કનિષ્ઠ ગણેલો છે. ઉપાંશુ જપ મધ્યમ પ્રકારનો છે અને માનસ જપ શ્રેષ્ઠ પ્રકારનો છે. માનસ જપમાં જપ મનમાં જ થતો હોય છે. એટલે બીજા વિચારો મનમાં ઉદભવી શકતા નથી. તેથી એકાગ્રતા વધુ થાય છે. વાચિક કે ઉપાંશુ જપમાં જપ ચાલુ હોય ત્યારે મન બીજા વિચારોમાં જઈ શકે છે. તેથી તેમાં મન બરોબર એકાગ્ર થઈ શકતું નથી. જ્યારે માનસ જપમાં તેને એકાગ્ર થવું પડે છે. અભ્યાસ દ્વારા આ વાત સિદ્ધ થઈ શકે છે. આ પ્રકારના જપમાં મનની એકાગ્રતા થવાથી તે સહેલાઈથી પ્રભુના સ્વરૂપમાં જોડાઈ શકે છે. આ પ્રકારના જપમાં મન, શાંત, સ્થિર ને સાત્ત્વિક બને છે. મનના વિકારો, વિચારો શાંત થઈ જાય છે. મન ધીમે ધીમે ઊંડા ધ્યાનમાં અથવા સમાધિમાં સરી પડે છે. આ પ્રકારના જપમાં અમોઘ શક્તિ રહેલી છે.

સાધકે વાચિક જપથી શરૂઆત કરીને ક્રમશઃ માનસ જપની સાધનામાં પ્રવેશ કરવાનો અભ્યાસ કરવો જોઈએ. નાભિસ્થાન (મણિપુર ચક્ર)માં પ્રભુની મૂર્તિની ધારણા કરીને જપ કરવાથી સંકલ્પ-વિકલ્પનું બળ ઘટી જાય છે. કારણ કે નાભિસ્થાનમાંથી જ સંકલ્પ-વિકલ્પનો ઉદભવ થાય છે. આપણા શરીરમાં રહેલા સૂક્ષ્મ શરીરની અંદર જુદાં જુદાં શક્તિકેન્દ્રો આવેલાં છે. જેને યોગની પરિભાષામાં ચક્રો, પદ્મો અથવા કમળ કહેવામાં આવે છે. આ શક્તિકેન્દ્રો દ્વારા ચેતનાશક્તિ કાર્ય કરે છે, તેથી શરીરનાં અસંખ્ય કાર્યો થાય છે. આ શક્તિકેન્દ્રો શરીરની અંતઃસ્રાવી ગ્રંથિઓનું નિયમન કરે છે. તે ગ્રંથિઓમાંથી નીકળતાં વિવિધ હૉર્મોન્સ-રસાયણો દ્વારા શરીરની વિવિધ ક્રિયાઓનું નિયમન થાય છે. આ શક્તિકેન્દ્રો મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધ, આજ્ઞા ને સહસ્ત્રાર નામે ઓળખાય છે. આ દરેક કેન્દ્રની બ્રહ્માંડમાં રહેલા દેવતાઓની ચૈતન્યભૂમિકાઓ સાથે એકતા હોય છે. કારણ કે પિંડ અને બ્રહ્માંડની એકતા છે. આ સ્થાનોમાં વિવિધ દેવતાઓ, શક્તિ, પ્રકાશ અને નાદ વગેરે રહેલા છે. આત્માની ચેતનાશક્તિ જાગૃત થઈને આ શક્તિકેન્દ્રોને ખોલીને ઊર્ધ્વ થાય છે, ત્યારે આધ્યાત્મિક વિકાસ સધાય છે. આ વિષય યોગમાર્ગનો છે ને તે ઘણો વિશાળ છે. તેની વિશદ્ ચર્ચા અહીં અપ્રસ્તુત હોવાથી તેનો વધુ વિસ્તાર અહીં કર્યો નથી. હૃદયસ્થાનમાં રહેલા અનાહત ચક્રમાં ધ્યાન કરવાથી કારણશરીરની વાસનાનો ક્ષય થાય છે. આજ્ઞાચક્રમાં જપ ને ધ્યાન કરવાથી દિવ્યદૃષ્ટિ પ્રાપ્ત થાય છે.

જ્યારે આ બધાં ચક્રોરૂપી સ્થાનોની ધારણા નહિ કરતાં, શ્રીહરિ કહે છે તે પ્રમાણે સાંખ્યજ્ઞાને કરીને પોતાના આત્માને સ્થૂળ, સૂક્ષ્મ, કારણ ને ઐશ્વર્યના રાગરૂપી મહાકારણ શરીરથી પર, જાગૃત, સ્વપ્ન, સુષુપ્તિ એ અવસ્થાઓથી પર, કાળ, કર્મ, માયા તથા માયાના ત્રણ ગુણ સત્ત્વ, રજ, તમથી પર છું. એવી ધારણા કરીને પ્રભુના દિવ્ય તેજ સાથે અથવા સ્વયં પ્રભુના દિવ્ય સ્વરૂપ સાથે એકત્ત્વપણાની ભાવના કરીને પ્રતિલોમવૃત્તિએ જપ કે ધ્યાન કરવામાં આવે, તો પ્રભુના સ્વરૂપમાં ચિત્તનો નિરોધ થાય છે. તેથી પ્રાણનો નિરોધ થઈ નિર્વિકલ્પ સમાધિની પ્રાપ્તિ થાય છે. ત્યાર બાદ ચૈતન્યની ઉપરનાં સઘળાં આવરણો દૂર થઈ, આત્મામાં પરમાત્માનો સાક્ષાત્કાર થઈ, પૂર્ણ મુક્તદશા સિદ્ધ થાય છે. પ્રભુના દિવ્ય સ્વરૂપમાં સાધક ચૈતન્યની અખંડ દિવ્ય સ્થિતિ થતાં મનુષ્યજીવનનો અંતિમ ને સર્વોચ્ચ ધ્યેય સિદ્ધ થઈ જીવન ધન્ય બની જાય છે.

તાજેતરમાં બહાર આવેલા એક વૈજ્ઞાનિક અહેવાલ પ્રમાણે એવું શોધવામાં આવેલું છે કે જપ, ધ્યાન, ઉપાસના, પ્રાર્થના વગેરે દ્વારા શરીરના ગમે તેવા ભયંકર ને અસાધ્ય રોગો પણ નાશ થાય છે અથવા કાબૂમાં આવી જાય છે. તેના દ્વારા શરીરમાંની અંતઃસ્રાવી ગ્રંથિઓમાંથી નીકળતાં હૉર્મોન્સ રસાયણો સંતુલિત થતાં બ્લડપ્રેશર, હૃદયરોગ, માનસિક રોગો વગેરે મટે છે. લોહીનું પરિભ્રમણ સારી રીતે થાય છે. મગજમાં આલ્ફાતરંગો ઉત્પન્ન થવાથી મગજના ન્યૂરોટ્રાન્સમીટર્સ - રસાયણો સંતુલિત બનવાથી હતાશા, ઉન્માદ, તાણ-તણાવ વગેરે માનસિક રોગો મટે છે. આ રીતે તન ને મનના આરોગ્યમાં લાભ થાય છે. આધ્યાત્મિક લાભની પૂરી જાણ આધુનિક વૈજ્ઞાનિકોને હજી થઈ શકી નથી, કારણ કે આ વિષય સ્વાનુભવ દ્વારા સંશોધન કરવાનો વિષય છે. જપની શક્તિનો ને મહત્તાનો કેટલેક અંશે આધુનિક વૈજ્ઞાનિકો ખ્યાલ જરૂર મેળવી શક્યા છે. સમય જતાં વાસ્તવિક જ્ઞાન પણ થશે, એવી આશા રાખીએ.

કેટલાક મંત્રોમાં અપાર શક્તિ રહેલી હોય છે. જેમણે મંત્રોની રચના કરી હોય તેવા મંત્રદૃષ્ટા ઋષિમુનિઓએ શબ્દોના ધ્વનિતરંગોની અદભુત શક્તિને લક્ષ્યમાં લઈ, ચોક્કસ પ્રકારના શબ્દોની મંત્રમાં ગૂંથણી કરેલી હોય છે. આ રીતે વિશિષ્ટ શબ્દસમૂહયુક્ત મંત્રનો જપ કરવામાં આવે ત્યારે તેમના ધ્વનિતરંગોનાં સૂક્ષ્મ આંદોલનો દ્વારા શરીરનાં સૂક્ષ્મ શક્તિકેન્દ્રોમાંથી ઊજાર્ ઉત્પન્ન થાય છે. તેનાં આંદોલનો વાતાવરણમાં રહેલા આકાશતત્ત્વ (ઈથર)ના માધ્યમ દ્વારા નિર્ધારિત સ્થળે પહોંચી જઈ કાર્યસિદ્ધિ સંપન્ન કરે છે. મંત્રની અસર અને પરિણામ જપ કરનારની શક્તિ, શ્રદ્ધા ને પાત્રતા ઉપર અવલંબે છે. આત્મા-પરમાત્માના સાક્ષાત્કારવાળા સિદ્ધ મુક્તપુરુષના બધા જ શબ્દો મંત્રરૂપ બની જાય છે. પરમાત્માની દિવ્ય ચેતનાશક્તિમાંથી તેઓ ઉદભવતા હોય છે, તેથી તે ચેતનાશક્તિ દ્વારા રસાયેલા હોવાથી અકલ્પ્ય શક્તિવાળા હોય છે. તેવા મુક્તપુરુષે આપેલા મંત્રનો મહિમાપૂર્વક ને શ્રદ્ધાપૂર્વક જપ કરવામાં આવે તો તેના શબ્દના ધ્વનિતરંગોની એકતા બ્રહ્મરૂપ-ચિદાકાશરૂપ પ્રભુની અન્વયશક્તિ સાથે થાય છે. તેમાં મંત્રના રચયિતાની દિવ્યસંકલ્પશક્તિ પણ ભળે છે, તેથી મંત્ર ફળદાયી બને છે.

પ્રભુના દિવ્ય સાકાર, અનાદિ નિત્યસિદ્ધ સ્વરૂપમાંથી જે દિવ્ય પ્રકાશરૂપ નિરાકાર શક્તિ વહે છે, તે પ્રભુનું અન્વયસ્વરૂપ ગણાય છે. આ શક્તિને જ ચિદાકાશ, બ્રહ્મ, અક્ષર, ધામ, જ્યોતિ, મહાતેજ વગેરે પર્યાયો દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. આ શક્તિ સર્વવ્યાપી નિરાકાર અન્વયશક્તિ છે. તે શક્તિ જડ નથી, પરંતુ પ્રકાશરૂપા છે. જ્ઞાતાશક્તિ છે. અનુગ્રહ-કૃપા શક્તિ છે. તે પરમાત્માની ચૈતન્ય પ્રકૃતિ છે. જ્ઞાનશક્તિ, ક્રિયાશક્તિ, સંકલ્પશક્તિ, અંતર્યામીશક્તિ- આ બધી વિવિધ શક્તિઓ પરમાત્માની અન્વયશક્તિ જ છે. આ શક્તિ દ્વારા પરમાત્મા અણુથી લઈને અનંત બ્રહ્માંડોનું, બ્રહ્માંડોના અધિપતિઓનું, વિભૂતિ અવતારોનું, દેવોનું, મુક્તાત્માઓનું તથા જીવોનું તેમ જ માયાનું આ સર્વેનું નિયમન કરે છે. પ્રભુના વ્યતિરેક દિવ્યસ્વરૂપ અને તેની આ પ્રકાશરૂપ, નિરાકાર બ્રહ્મરૂપ શક્તિને કાર્ય-કારણનો સંબંધ છે. પરંતુ કેટલાક માને છે તેમ સ્વામી-સેવકનો સંબંધ નથી. પ્રભુની ધામરૂપ, બ્રહ્મરૂપ અન્વયશક્તિ નિરાકાર છે, સર્વવ્યાપી છે. તે સાકાર નથી. સાકાર અક્ષરબ્રહ્મ અર્થાત્ મૂળઅક્ષરની કોટી-ભૂમિકા તદ્દન અલગ છે. તે મૂળઅક્ષરોનું પણ નિયમન પ્રભુની આ નિરાકાર બ્રહ્મરૂપ અન્વયશક્તિ કરે છે. એટલે જ શ્રીહરિએ વચનામૃતમાં કહ્યું છે કે, 'ક્ષર-અક્ષરને અમે અમારી કાંતિએ કરીને ધરી રહ્યા છીએ.' આ કાંતિ એટલે જ પ્રભુની બ્રહ્મરૂપા, પ્રકાશરૂપ અન્વયશક્તિ. આમ અન્વયશક્તિ જે ધામરૂપ અક્ષરબ્રહ્મ તે કોઈ વ્યક્તિવિશેષ નથી, પણ પ્રભુની કાર્યરૂપ નિરાકાર શક્તિ જ છે. આમ પરમાત્માના સાકાર સ્વરૂપનો તેમ જ નિરાકાર અન્વય સ્વરૂપનો મહિમા અતિ અપાર છે. કેટલાક સાક્ષાત્કારના અનુભવ વગરના લોકો તેમાં પોતાની બુદ્ધિથી ગૂંચવાડો ઊભો કરે છે તે યોગ્ય નથી. માટે સાચા મુમુક્ષુએ સત્પુરુષ દ્વારા યથાર્થ જ્ઞાન સમજવું આવશ્યક છે. અહીં અન્વયશક્તિનું થોડું વિવરણ આવશ્યકતા લાગતાં કર્યું છે, જે અસ્થાને નહિ ગણાય.

જ્યારે મંત્રમાં મંત્રના રચયિતાની દિવ્ય સંકલ્પશક્તિ મંત્રોચ્ચાર દ્વારા થતાં સૂક્ષ્મ ધ્વનિતરંગોમાં ભળે છે, ત્યારે તે પ્રભુની સર્વવ્યાપી, નિરાકાર અન્વયશક્તિમાં મૂર્તિમાન થઈને કાર્યાન્વિત થાય છે. તેથી મંત્ર દ્વારા ધારેલું ફળ અચૂક સિદ્ધ થાય છે. અમુક વિશિષ્ટ કાર્યો માટે સિદ્ધ મુક્તપુરુષો વિશિષ્ટ પ્રકારના મંત્રોની રચના કરે છે. આ રીતે અનેક પ્રકારના મંત્રોની રચના થયેલી છે. સાધક પોતાની યોગ્યતા, પાત્રતા, સાર્મથ્ય ને શ્રદ્ધા પ્રમાણે તેનો જપ કરી શકે છે ને ફળ મેળવી શકે છે.

વાચિક જપ દ્વારા ઉચ્ચારણથી જ ધ્વનિતરંગો ઉત્પન્ન થઈ શકે છે તેમ નથી. માનસિક જપ દ્વારા પણ ધ્વનિતરંગો ઉત્પન્ન થાય છે. વાચિક જપ દ્વારા શ્રાવ્ય - સાંભળી શકાય તેવા ધ્વનિતરંગો ઉત્પન્ન થાય છે, જ્યારે માનસજપમાં અશ્રાવ્ય - સાંભળી ન શકાય તેવા સૂક્ષ્મ વૈચારિક ધ્વનિતરંગો નિષ્પન્ન થાય છે. શ્રાવ્ય ધ્વનિ કરતાં અશ્રાવ્ય ધ્વનિની શક્તિ ઘણી વિશેષ હોય છે તેમ વૈજ્ઞાનિકોએ શોધ્યું છે. માટે માનસજપની શક્તિ વાચિકજપ કરતાં વિશેષ છે, તેથી તે શ્રેષ્ઠ પ્રકારનો જપ ગણાય છે. જપ વખતે નામ અથવા મંત્રનું વારંવાર રટણ થતાં શ્વાસોચ્છ્વાસની ગતિ એક લયમાં (રિધમમાં) આવે છે. તેને લઈને શરીરમાં થતાં લોહીના પરિભ્રમણની ગતિમાં તથા આંતરસ્રાવી ગ્રંથિઓના સ્રાવમાં પણ એક લય ઉત્પન્ન થાય છે. શરીરના દરેકે દરેક કોષમાં ને જ્ઞાનતંતુઓમાં પણ લયબદ્ધતા ઉત્પન્ન થવાથી પ્રાણની ગતિ લયબદ્ધ બને છે. જેમ કોઈ પણ શક્તિનો પ્રવાહ એક જ દિશામાં ગતિશીલ બનતા વિદ્યુત ઉત્પન્ન થાય છે, તેમ શરીરની બધી ગતિઓમાં લયબદ્ધતા થવાથી વિદ્યુત જેવી ઊજાર્ ઉત્પન્ન થાય છે. તેનાથી સાધકની ચેતનાશક્તિ જાગૃત થઈ કાર્યાન્વિત બને છે. તે શક્તિ ઊર્ધ્વ બનવાથી આધ્યાત્મિક વિકાસ સધાય છે. જપ-ધ્યાન વખતે ઉત્પન્ન થયેલી વિદ્યુતમય શક્તિ જમીનમાં સરી ન પડે તે માટે જ સારી પેઠે બેસી શકાય તેવા આસન ઉપર બેસવાનો આદેશ છે. તેનો આપણે આસનના પ્રકરણમાં ઉલ્લેખ કરેલો છે.

શ્રીમદ્ ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાન જપયજ્ઞનું મહત્ત્વ સમજાવે છે - 'यज्ञानां जपयज्ञोड़स्मि ।'

અર્થાત્ સર્વયજ્ઞોમાં જપયજ્ઞ હું છું. એટલે જપયજ્ઞ સર્વયજ્ઞોમાં શ્રેષ્ઠ છે તેમ ભગવાન કહે છે.

સત્શાસ્ત્રો કહે છે -

'कलियुगे हरिकीर्तनम् ।'

અર્થાત્ કળિયુગમાં પ્રભુના નામનું સંકીર્તન કરવું તેના જેવો કલ્યાણનો બીજો કોઈ સરળ માર્ગ નથી. તેનાથી ફળપ્રાપ્તિ ત્વરિત રીતે થાય છે. શાસ્ત્રમાં વર્ણવેલા અમુક પ્રકારના યજ્ઞો કેવળ ધનાઢ્ય વ્યક્તિ જ કરી-કરાવી શકે છે. જ્યારે જપયજ્ઞ ગમે તેવી નિર્ધન વ્યક્તિ પણ કરી શકે છે ને તેનું અદભુત, અકલ્પ્ય ફળ મેળવી શકે છે.

મંત્રજાપ માળા સાથે કરવાનું પણ એક વૈજ્ઞાનિક રહસ્ય છે. હાથની મધ્યમા આંગળી ઉપર માળા રાખી અંગૂઠા દ્વારા એક-એક મણકો ફેરવવામાં આવે છે. તજજ્ઞોના મતે અંગૂઠાના ઉપલા ભાગે જે એક્યુપ્રેશરના પોઇન્ટ્સ છે તે મગજ સાથે સંકળાયેલા છે. માળાથી આ પોઇન્ટ્સ - બિન્દુઓને ઘર્ષણ તથા દબાણ થવાથી મગજનાં ન્યૂરોટ્રાન્સમીટર્સ રસાયણો જેવાં કે સેરોટીનીન, ડોપામાઇન વગેરેના સ્રાવ સંતુલિત થવાથી મગજની પ્રવૃત્તિઓ શાંત થાય છે. તેથી મન પણ શાંત થવાથી એકાગ્રતા કરવામાં સરળતા રહે છે. પ્રભુના સ્વરૂપમાં ને જપાનુસંધાનમાં એકાગ્ર થયેલું મન જપની સફળતા કરાવે છે. માળા ફેરવતી વખતે હાથની પહેલી આંગળી છૂટી કરવામાં આવે છે. તે આંગળી ગુરુના ગ્રહ સાથે સંકળાયેલી છે. તે એવો નિર્દેશ કરે છે કે એક જ ઇષ્ટદેવ પ્રત્યે પતિવ્રતાની ભક્તિ ને ઉપાસના કરવી જોઈએ. એક જ સદગુરુ દ્વારા જ પ્રભુપ્રાપ્તિ થઈ શકે છે, તે માટે એક જ ગુરુમાં અનન્ય નિષ્ઠા હોવી જરૂરી છે.

આમ જપયજ્ઞની શક્તિ ને તેનો મહિમા અપાર છે. આ ગહન વિષયને અહીં સંક્ષિપ્તમાં પણ રહસ્યસ્ફોટ સાથે મૂકવાનો માત્ર નમ્ર પ્રયાસ કર્યો છે.