સૂર્યોદય પહેલાં જાગ્રત થવાનો આદેશ
શ્રી સ્વામિનારાયણ ભગવાન રચિત 'શિક્ષાપત્રી' તથા અન્ય સત્શાસ્ત્રોમાં સૂર્યોદય પહેલાં નિદ્રાનો ત્યાગ કરી પ્રભુના સ્વરૂપનું ધ્યાન-ચિંતન-સ્મરણ કરવાનો આદેશ છે. રાત્રિના છેલ્લા પ્રહર બ્રાહ્મમુહૂર્તનું અતિ મહત્ત્વ છે. બ્રાહ્મમુહૂર્ત શબ્દ જ કેટલો બધો સૂચક છે ! બ્રાહ્મમુહૂર્ત અર્થાત્ બ્રહ્મ-પરબ્રહ્મનું ચિંતન કરવા માટેનો શુભ સમય. કોઈ પણ વિષયમાં મનની એકાગ્રતા કરવા માટે આ સમય ઉત્તમ ગણાય છે. આ સમયે ચારે તરફ શાંતિ અને વાતાવરણમાં આહ્લાદકતા છવાયેલી હોય છે. તન-મનમાં અનેરી પ્રફુલ્લિતતા, ઉત્સાહ ને સ્ફૂર્તિ અનુભવાય છે. રાત્રે વહેલા સૂઈ વહેલા ઊઠવાથી શરીરના અવયવોને પૂરતો આરામ મળી ગયેલો હોય છે. રાત્રિની ગાઢ નિદ્રા દરમ્યાન તાણ-તણાવ વખતે નીકળતા અંતરસ્રાવી ગ્રંથિઓના હૉર્મોન્સ-રસાયણો બંધ થઈ શરીરને પોષક એવાં રસાયણો ઉત્પન્ન થાય છે. મગજમાં પણ કેટલેક અંશે આલ્ફા તરંગો ઉત્પન્ન થવાથી મગજના ન્યૂરોટ્રાન્સમીટર્સ - રસાયણોમાં સંતુલન થવાથી દિવસ દરમ્યાનના પરિશ્રમને કારણે ઘસાઈ ગયેલા, મૃત થયેલા કોષો દૂર થઈ નવા કોષો જન્મે છે. તેથી પ્રાતઃકાળે શરીર તથા મન અનેરી તાજગી અનુભવે છે. જીવસૃષ્ટિ માટે રાત્રિનું પ્રદાન કરીને પરમ પિતા પરમેશ્વર અને પ્રકૃતિમાતાએ મહદ્ ઉપકાર કર્યો છે. જો રાત્રિ ન હોત તો કલ્પના કરીએ કે જીવસૃષ્ટિની શી દશા હોત? જીવન અશક્ય બની જાત. રાત્રિ એ તો જીવોને તન-મનના વિરામ માટે કુદરતની અણમૂલ દેન છે.
પૃથ્વીરસાયણશાસ્ત્રના અભ્યાસી વૈજ્ઞાનિકોએ પોતાના સંશોધનનું એવું તારણ કાઢ્યું છે કે મધ્યરાત્રિ સુધી સૂર્યાસ્તની અસર રહે છે. ત્યારે વાતાવરણમાં શાંતિ પ્રસરાવતાં કિરણોને લીધે પૃથ્વી ઉપર શાંતિનું અવતરણ થાય છે. એ દરમ્યાન નિદ્રા લેવાથી મગજની પ્રવૃત્તિઓ સરળતાથી શાંત થાય છે. એની શાંતિપ્રદ અસર મગજનાં રસાયણોને સંતુલિત કરે છે. જ્યારે મધ્યરાત્રિ બાદ સૂર્યોદયની અસર વર્તે છે તે વખતે જે કિરણો વહે છે તે શક્તિથી ભરપૂર હોય છે. બ્રાહ્મમુહૂર્ત વખતે અવતરતી શક્તિનો લાભ એ સમયે જાગ્રત થઈ મનને ધ્યાન-ચિંતનમાં એકાગ્ર કરવાથી મળે છે. એ સમયે એકાગ્ર થયેલ મનમાં શક્તિપ્રદ કિરણો દ્વારા શક્તિનો સંચાર થવાથી તન-મન તાજગી તેમ જ સ્ફૂર્તિ અનુભવે છે. જે માણસો રાત્રે મોડા સૂઈ મોડા ઊઠે છે, તેમને પૃથ્વી ઉપર અવતરતી શાંતિ તેમ જ શક્તિ એ બંનેમાંથી એકેયનો લાભ મળી શકતો નથી. શાંતિ ને શક્તિ એ બંને જીવનનાં અતિ અગત્યનાં પરિબળો છે. તેનાથી તેઓ વંચિત રહે છે. જ્યારે રાત્રે વહેલા સૂઈ ને વહેલા ઊઠનારાઓને પૃથ્વી ઉપર અવતરણ પામતી શાંતિ તેમ જ શક્તિ બંનેનો લાભ મળે છે, જે તન-મનના આરોગ્ય માટે અતિ અનિવાર્ય છે. આપણું ગુજરાતી સુભાષિત પણ છે:
'રાત્રે વહેલા જે સૂઈ, વહેલા ઊઠે વીર,
બળ, બુદ્ધિ ને ધન વધે, સુખિયું રહે શરીર.'
હાલના જેટ જેવા ઝડપી યુગમાં માનવસમાજની રજોગુણી પ્રવૃત્તિ એટલી બધી વિસ્તૃત થયેલી છે કે તે સવારથી શરૂ થઈને મોડી રાત સુધી ચાલ્યા કરે છે. ખાસ કરીને મોટાં શહેરોમાં થતાં નાચગાન, પાર્ટીઓ, નાટક, સિનેમા, મહેફિલો, ખાણી-પીણી, વિષયભોગ વગેરે રજોગુણી-તમોગુણી પ્રવૃત્તિઓથી, તેવી પ્રવૃત્તિઓનાં આંદોલનો મનોજગતના વાતાવરણને ગંભીર રીતે પ્રદૂષિત કરે છે. દિવસે સૂર્યોદય પછી પણ સારાય વાતાવરણ ઉપર રજોગુણી-તમોગુણી વિચારો તેમ જ પ્રવૃત્તિઓનાં આંદોલનો પ્રસરેલાં હોય છે. તે આંદોલનોની તીવ્રતા સંધ્યાકાળ સુધી રહે છે. સંધ્યાકાળે પ્રવૃત્તિઓનાં આંદોલનો મંદ પડવાથી પ્રમાણમાં થોડી શાંતિ વધુ હોય છે. સંધ્યાકાળ એટલે દિવસ અને રાત્રિ વચ્ચેની સંધિનો સમય. આ સમયે પ્રવૃત્તિઓ કેટલેક અંશે મંદ પડવાથી પ્રાકૃતિક રીતે જ મનોવલણ શાંત બને છે. સંધ્યાકાળ ટૂંકો હોય છે. પછી રાત્રિ શરૂ થાય છે. આજના ધમાલિયા યુગમાં શાંતિ મળવી મુશ્કેલ હોય છે. તેમ છતાં બની શકે તેટલો આવા સમયનો લાભ લેવો ઉચિત ગણાય. સંધ્યા વખતે પણ મનમાં એકાગ્રતા સરળતાથી ઉદભવે છે. એટલા માટે સંધ્યાકાળ તથા સૂર્યોદય પહેલાંનો બ્રાહ્મમુહૂર્તનો સમય આ બંને સમયે મનમાં સત્ત્વગુણ ને શાંતિ પ્રધાનપણે વર્તે છે. તે માટે સાધકે આત્મા-પરમાત્માના ચિંતન-મનનનો અભ્યાસ પ્રમાદનો ત્યાગ કરીને અવશ્ય કરવો જોઈએ. સંધ્યાકાળ અને બ્રાહ્મમુહૂર્ત આ બંનેમાં પણ બ્રાહ્મમુહૂર્તનો કાળ શ્રેષ્ઠ છે. આ સમયે વાયુ પ્રદૂષણ તથા ધ્વનિ પ્રદૂષણ તે બંનેની માત્રા અલ્પ હોય છે. પ્રાણવાયુ યુક્ત શુદ્ધ હવા આરોગ્યવર્ધક હોવાથી મગજનાં રસાયણો સંતુલિત બનતાં ધ્યાન દરમ્યાન આલ્ફા તરંગો ઉત્પન્ન થાય છે. તેથી મન શાંત થતાં એકાગ્રતા સિદ્ધ થવામાં સરળતા રહે છે. જે વિવેકી વ્યક્તિ આળસ-પ્રમાદ દૂર કરી આ સમયનો ઉપયોગ કરે છે, તેનું જીવન ધન્ય બની જાય છે.
કહેવાય છે કે ઊંઘ ને આહાર વધાર્યાં વધે છે ને ઘટાડ્યાં ઘટે છે. શ્રીહરિએ ધર્માદો કાઢવાનું લખ્યું છે તેમાં પ્રભુના સ્વરૂપનું ચિતંન કરવા માટે સમય ફાળવવો તે આધ્યાત્મિક ધર્માદો છે. તેથી ઊંઘ માટે વધુ પડતો સમય વ્યય ન કરતાં પ્રભુના સ્વરૂપનું ચિંતન-મનન કરવા માટે સમયનો સદુપયોગ કરી લેવો હિતાવહ છે. તે મનુષ્યજીવનનું મુખ્ય ભાથું છે. આપણા દિવસનો મોટો ભાગ વ્યાવહારિક પ્રવૃત્તિઓમાં પસાર થઈ જાય છે. સાંજ મનોરંજન પાછળ વ્યય થાય છે ને રાત ઊંઘમાં, તો પછી આપણા ચૈતન્યના આધ્યાત્મિક વિકાસનું શું? જે મનુષ્યજીવનનો મુખ્ય ધ્યેય છે તેને અર્થે જ કંઈ ન બની શકે, તો જીવન નિરર્થક છે.
માટે સદ્વિવેકી સાધકે ઊંડો વિચાર કરી, પશુતુલ્ય જીવનમાંથી બહાર નીકળી આધ્યાત્મિક ઉત્કર્ષ માટે અભિપ્સા સેવી જીવનને સાર્થક બનાવવું હોય, તો બ્રાહ્મમુહૂર્તમાં પ્રભુપ્રસન્નતાના ધ્યાન-મનન-ચિંતન વગેરે સાધનોમાં જાગૃત ચેતના સાથે પ્રવૃત્ત થવું જોઈએ. વિદ્યાર્થીકાળમાં રહેલા વિદ્યાર્થીઓએ પણ સાત્ત્વિક રીતે વિદ્યા સંપાદન કરવા માટે બ્રાહ્મમુહૂર્તનો સમય અત્યંત લાભકર્તા છે. બ્રાહ્મમુહૂર્તમાં ઊઠી જઈ, હાથ-મોં ધોઈ, થોડીવાર પરમાત્માના સ્વરૂપનું ધ્યાન કરી, વિદ્યા પ્રાપ્તિમાં સરળતા ને સફળતા માટે પ્રભુને ને સત્પુરુષને પ્રાર્થના કરી વિદ્યાભ્યાસ કરવાથી વિદ્યાપ્રાપ્તિમાં ચોક્કસ સફળતા મળે છે. તે માટે વિદ્યાર્થીઓએ પણ આ સમયનો લાભ લેવો હિતાવહ છે. પ્રભુપ્રાપ્તિની અભિપ્સાવાળા સાધક માટે તો આ કાળ સુવર્ણકાળ જ છે.