ધૂન

0:000:00

પ્રભુના નામનું વિવિધ સૂર તથા ઢાળમાં તાલબદ્ધ રીતે લયમાં, મધુર કંઠે ગાન કરવું તેને ધૂન કહેવામાં આવે છે. ધૂન વ્યક્તિગત અથવા સમૂહમાં એમ બંને રીતે ગાઈ શકાય છે. ધૂન ગાતી વખતે પ્રભુના સ્વરૂપની સ્મૃતિ તથા નામના અર્થની સ્મૃતિ હોવી જોઈએ. કોઈ એક જ વિષયમાં લગની લાગી જાય તે ધૂન છે. તે માટે પ્રભુના સ્વરૂપમાં લગની લગાવી ભક્તિભાવ સાથે તેમના નામનું રટણ-ધૂન કરવાથી ધૂનનું યથાર્થ ફળ મળે છે.

ધૂન મધુર ને કર્ણપ્રિય હોવી જોઈએ. જેથી મનની વૃત્તિ પ્રભુના સ્વરૂપમાં સહેલાઈથી અને આનંદપૂર્વક જોડાઈ શકે. બેસૂરી ઢબે, સ્વર-તાલ વગર, શ્રદ્ધા ને મહિમાએ રહિત બોલાતી ધૂન યાંત્રિક અને કંટાળાજનક બની રહે છે. તેથી મન શાંત ને સાત્ત્વિક બનવાને બદલે ઉદ્વેગમય બને છે. એટલે ધૂનનું યથાર્થ ફળ મળી શકતું નથી. દેખાદેખી કરીને ખોટા બૂમબરાડા સાથે ધૂન ગાવાથી અવાજનું પ્રદૂષણ વધે છે ને તેથી વાતાવરણ શાંત બનવાની જગ્યાએ ઘોંઘાટમય બની જાય છે.

પ્રભુનું નામ તેમના પ્રત્યેના વિશુદ્ધ પ્રેમ ને ભક્તિસભર ભાવોર્મિઓથી ભીંજવીને, રોમાંચિત ગાત્રે લેવામાં આવે તો પ્રભુની પ્રસન્નતા થાય છે. ભાવવિભોર થઈ પ્રભુના નામનું ઉચ્ચારણ થાય ત્યારે મનના મલિન વિકારો, વિચારો ને સંકલ્પોનું શમન થાય છે. કામ-ક્રોધાદિક અંતરશત્રુઓનું બળ ઘટી જાય છે. તેથી અંતર નિર્મળ ને શાંત બને છે. એવા અંતઃકરણ દ્વારા પ્રભુના સ્વરૂપમાં સહેલાઈથી વૃત્તિ જોડી શકાય છે.

મધુર સ્વરે, મૃદુભાવે, લયબદ્ધ રીતે ભાવથી જ્યારે ધૂન ગાવામાં આવે છે, ત્યારે પ્રભુના નામના દિવ્ય ધ્વનિતરંગો આજુબાજુના વાતાવરણમાં પ્રસરે છે. તેથી વાતાવરણમાં રહેલા અનેક મનુષ્યના મલિન વિચારોનાં સૂક્ષ્મ આંદોલનોથી થયેલી પ્રદૂષિતતા દૂર થઈ વાતાવરણ પવિત્ર ને શાંત બને છે. સૂક્ષ્મસૃષ્ટિમાં રહેલા મલિન ને અશુભ વાસનાવાળા પ્રેતાત્માઓ ને આસુરી તત્ત્વો પ્રભુના નામના પવિત્ર, શક્તિશાળી ધ્વનિતરંગોથી ભયભીત બની તે સ્થાન છોડી દૂર ભાગી જાય છે. શુભ આશયવાળા પ્રેતાત્માઓ એ નામના શ્રવણથી તથા ધ્વનિતરંગોના સ્પર્શથી પાવન બને છે. તેમની મલિન વાસનાઓનો ક્ષય થાય છે. ક્યારેક પાત્ર પ્રેતાત્માઓ પ્રભુની ને મુક્તપુરુષની ઇચ્છાથી તેમનાં દર્શન પામીને મોક્ષભાગી પણ બને છે. અંતરીક્ષમાં રહેલા અધિકારી દેવતાઓ પણ નામશ્રવણથી ધન્ય બને છે. જેમ સુગંધીદાર ધૂપસળી દ્વારા આજુબાજુના વાતાવરણમાં સુગંધ પ્રસરે છે, તેમાં ધૂપસળીને કોઈ ઉપદેશ કરવો પડતો નથી. સહજ રીતે જ સુગંધ પ્રસારે છે, તેમ નામના દિવ્ય ધ્વનિતરંગો વાતાવરણમાં પ્રસરીને પોતાનો પ્રભાવ બતાવે છે.

પ્રભુના સ્વરૂપના સાક્ષાત્કારવાળા ને એ સ્વરૂપમાં પૂર્ણસ્થિતિ પામેલા મુક્તપુરુષના સાંનિધ્યમાં જ્યારે પવિત્ર ભક્તસમૂહ પ્રભુનામની સુંદર ધૂન ગાય છે, ત્યારે એ આંદોલનોની સાથે મુક્તપુરુષની દિવ્ય સંકલ્પશક્તિ ભળે છે ને તે સારાય વિશ્વમાં પ્રસરે છે. તેથી જગતનાં પાપકર્મોનો કેટલેક અંશે ક્ષય થાય છે. તેથી પાપકર્મોથી ને મલિન વિચારો, વિકારોથી ખદબદતી આ દુનિયામાંથી કામ, ક્રોધ, ઈર્ષા, દ્વેષ વગેરે મલિનભાવો કેટલેક અંશે દૂર થવાથી અંદર અંદર પ્રેમભાવ, ભાઈચારો ઉદય થાય છે. શાંતિ પ્રસરે છે ને કેટલેક અંશે જગતનું સંતુલન (Balance) જળવાઈ રહે છે. મનુષ્યરૂપે પ્રગટ મુક્તપુરુષની આ વિશેષતા છે. સાચા ભાવે ધૂન ગાનારના શુભ મનોરથો પણ પ્રભુ પરિપૂર્ણ કરે છે.

ધૂનમાં લયબદ્ધ રીતે તાલી પાડવાથી હથેળીમાં રહેલા એક્યુપ્રેશરના પોઈન્ટ્સ ઉપર દબાણ તથા ઘર્ષણ થવાથી તે સક્રિય બને છે. તેથી સૂક્ષ્મ નાડીઓ અને જ્ઞાનતંતુઓમાં પ્રાણનું વહન સરસ રીતે થાય છે. અંતઃસ્રાવી ગ્રંથિઓના હૉર્મોન્સ રસાયણો સંતુલિત થાય છે. તેથી તાણ-તણાવ દૂર થઈ તન-મનના આરોગ્યમાં લાભ થાય છે.

આ રીતે ધૂનના સ્થૂળ-સૂક્ષ્મ અનેક પ્રકારના લાભ છે. પ્રભુના સ્વરૂપમાં જોડાવાનાં વિવિધ સાધનોમાં ધૂનનું પણ ઘણું મહત્ત્વ છે.

ભગવાન શ્રી સ્વામિનારાયણ શ્રીમુખ વાણી 'વચનામૃત'માં જણાવે છે -

"ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, હે મહારાજ! એ દુષ્ટ વાસના કેમ ટળે? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, દુષ્ટ વાસના ટાળવાનો તો એ ઉપાય છે જે જ્યારે વર્તમાન બહાર સંકલ્પ થાય, તથા કોઈ હરિજનના તથા સંતના અભાવનો સંકલ્પ થાય, ત્યારે નરનારાયણ- સ્વામિનારાયણ એમ વારંવાર પોકારીને નામ ઉચ્ચારણ કરવું અને બીજું માહાત્મ્યે સહિત ને ધર્મે સહિત ભગવાનની નવ પ્રકારની ભક્તિ કર્યા કરે, ત્યારે ભગવાન તેના હૃદયમાં વાસ કરીને દુષ્ટ વાસનાને નાશ પમાડે છે."

- વચ. જે. પ્ર. 3

"જ્યારે એવા ભૂંડા ઘાટ થાવા માંડે, ત્યારે ધ્યાનને પડ્યું મૂકીને જીભે કરીને ઊંચે સ્વરે નિર્લજ થઈને તાળી વજાડીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવું ને હે દીનબંધો! હે દયાસિંધો! એવી રીતે ભગવાનની પ્રાર્થના કરવી તથા ભગવાનના સંત જે મુક્તાનંદ સ્વામી જેવા મોટા હોય તેમનાં નામ લઈને પ્રાર્થના કરવી તો ઘાટ સર્વે ટળી જાય ને નિરાંત થાય, પણ એ વિના બીજો એવો ઘાટ ટાળ્યાનો ઉપાય નથી."

- વચ. લો. પ્ર. 6

આ રીતે શ્રીહરિએ પોતાના મુખે નામધૂનનો મહિમા વર્ણવ્યો છે. માટે પ્રભુના નામની ધૂનનો મહિમા અપાર છે.