વિષય પ્રવેશ

0:000:00

ચેતનાના આધ્યાત્મિક વિકાસ અને ઉત્કૃષ્ટ પ્રકારના જીવનઘડતર માટે સત્શાસ્ત્રોમાં દર્શાવેલ વિધિ તથા નિયમધર્મોના પાલનની અતિ આવશ્યકતા છે. સમજપૂર્વકના યથાર્થ પાલનથી વાણી-વર્તન, આચાર-વિચાર પવિત્ર ને અનુકરણીય બને છે. ઇંદ્રિયો-અંતઃકરણની વિશુદ્ધિ થવાથી ઉત્તમ પ્રકારનું ચારિત્ર્ય નિષ્પન્ન થાય છે. આવા પ્રભાવશાળી ચારિત્ર્યની સુવાસથી મઘમઘતા વિશુદ્ધ ને આદર્શમય જીવન દ્વારા સાચી આધ્યાત્મિકતા પ્રગટે છે. વ્યક્તિની ચેતનાનું ઊર્ધ્વીકરણ થઈ જીવનના સર્વોચ્ય ધ્યેય એવી પ્રભુપ્રાપ્તિમાં તે પરિણમે છે.

વિધિ તથા નિયમધર્મોનું યથાર્થ હાર્દ સમજીને પાલન કરવામાં આવે તો જ તે સાચા અર્થમાં વિકાસલક્ષી ને સાર્થક બને છે, અન્યથા તે યંત્રવત્ બની રહે છે. એવું યંત્રવત્ પાલન દિવાસ્વપ્ન જેવું નિરર્થક નીવડે છે. તેનાથી બાહ્યાચાર અને દંભને પોષણ મળે છે, એથી વિશેષ તેનું કોઈ મૂલ્ય નથી. નિયમધર્મનું આધ્યાત્મિક રહસ્ય પૂર્ણ સ્થિતિવાળા મુક્તપુરુષ પાસેથી, તેમનો મહિમાએ સહિત જોગ-સમાગમ-સેવા દ્વારા જાણી લઈ તેનું સમજણપૂર્વક સત્યાચરણ કરવામાં આવે તો જ તે આધ્યાત્મિક ઉન્નતિમાં સહાયરૂપ બને છે.

પ્રભુપ્રસન્નતાર્થે કરેલી આધ્યાત્મિક સાધના દ્વારા જે વ્યક્તિએ પ્રભુ તથા પૂર્ણ મુક્તના અનુગ્રહ વડે સિદ્ધદશા પ્રાપ્ત કરી હોય અને એવી દિવ્ય સ્થિતિમાં જેઓ અખંડ વર્તતા હોય, એવા સિદ્ધપુરુષ કદાચ દેહનું અનુસંધાન ન રહેવાથી નિયમધર્મોનું બાહ્ય રીતે પાલન કરતા ન જણાય, તો તેમને કોઈ બાધ હોતો નથી. આત્મા-પરમાત્મામાં અખંડ ગતિ કરતા સિદ્ધમુક્તને વાસ્તવમાં નિયમધર્મોના પાલનની કોઈ જ આવશ્યકતા હોતી નથી. કારણ કે તેમનું ચિત્ત પ્રભુના સ્વરૂપમાં અખંડ નિરૂદ્ધ થયેલું હોય છે. તેમ છતાં તેઓ પણ નિયમધર્મોનું યથાર્થ પાલન કરતા જણાય છે. તેઓનું એ પ્રકારનું આચરણ સાધક-મુમુક્ષુઓને આદર્શ બેસાડવા માટે હોય છે, જેથી જાગૃત સાધકો એ આદર્શનું અનુકરણ કરી પોતાની આધ્યાત્મિક પ્રગતિ સાધી શકે. આવા ઉદાત્ત હેતુને ધ્યાનમાં રાખી સત્પુરુષો નિયમધર્મોનું યથાર્થ પાલન કરી, બીજાને પણ તેવા પાલન માટે અનુરોધ કરે છે. માનવમનનું પ્રાકૃતિક વલણ જ એવું હોય છે કે સમાજની શ્રેષ્ઠ અને અગ્રગણ્ય વ્યક્તિ હોય તે જે પ્રકારનું આચરણ કરે તેનું અનુકરણ કરવું. એ મનોવૈજ્ઞાનિક કારણ પણ સત્પુરુષના લક્ષ્યમાં હોય છે.

સાધનકાળમાં ને સિદ્ધદશાની પ્રાપ્તિ માટે કેટલાંક વ્રત-નિયમોના પાલનની આવશ્યકતા રહે છે. તે માટે તેને ગૌણ ગણી તેના પ્રત્યે દુર્લક્ષ્ય સેવવું બિલકુલ હિતાવહ નથી. સાધકે આ વાત અવશ્યપણે ધ્યાનમાં રાખવી ઘટે.

જીવનમાં નિયમધર્મોના પાલનની આવશ્યકતા વિશે પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાને પણ પોતાના 'વચનામૃત' ગ્રંથના ગઢડા મધ્ય પ્રકરણના 16મા વચનામૃતમાં આ પ્રમાણે કહ્યું છે :

"માટે વિષય જીત્યાનું કારણ તો પરમેશ્વરના બાંધેલ નિયમ તે જ છે. તેમાં પણ મંદ વૈરાગ્યવાળાને તો નિયમમાં રહેવું એ જ ઊગર્યાનો ઉપાય છે. જેમ માંદો હોય તે કરી પાળીને ઔષધ ખાય તો જ નીરોગી થાય."

"વૈરાગ્યનું બળ હોય અથવા ન હોય તો પણ જો ઇંદ્રિયોને વશ કરીને પરમેશ્વરના નિયમમાં રાખે, તો જેમ તીવ્ર વૈરાગ્યે કરીને વિષય જિતાય છે, તે થકી પણ નિયમવાળાને વિશેષે વિષય જિતાય છે. માટે પરમેશ્વરના બાંધેલ જે નિયમ તેને અતિ દૃઢ કરીને રાખવા."

તથા ગઢડા અંત્ય પ્રકરણ વચ. 34 માં કહ્યું છે :

"જેના જેવા નિયમ કહ્યા છે તેમાં સાવધાનપણે વર્તે... અશુભ વાસના ટળીને એક ભગવાનની વાસના દિવસે દિવસે વૃદ્ધિ પામતી જાય છે."

"નિયમે કરીને આસક્તિ ટળે, પણ પોતાની મેળે ત્યાગ કરે તો આસક્તિ ન ટળે."

- અનાદિ મહામુક્તરાજ શ્રી અબજીબાપાશ્રી

"આ વર્ષમાં ને આ મહિનામાં મારે આવી રીતે વર્તવું છે, એવી રીતે નિયમ રાખવાં. એમ વર્તવાથી વિષય જિતાય છે."

- સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી

આ રીતે નિયમધર્મોના પાલન ઉપર સ્વયં શ્રીહરિએ તથા તેમના સંત-મુક્તોએ ઘણો જ ભાર મૂક્યો છે.

મુમુક્ષુ સાધકે કેટલાક આધ્યાત્મિક સિદ્ધાંતો પણ યોગ્ય રીતે સમજવા ઘટે. જ્યાં સુધી એ સિદ્ધાંતો બરોબર ન સમજાય, ત્યાં સુધી મનની શંકાઓ તથા તર્ક-વિતર્કોનું યથાર્થ સમાધાન નહિ થતાં મનમાં અનેક પ્રશ્નો ઊઠ્યા કરે છે અને દ્વિધા રહ્યા કરે છે. જ્યાં સુધી મનમાં રહેલ પ્રશ્નોનું ચોક્કસ રીતે સમાધાન ન થાય, ત્યાં સુધી મન અમુક વાતોને સાહજિકપણે સ્વીકારી શકતું નથી. તેથી વ્યક્તિ અસમંજસમાં રહે છે ને શ્રદ્ધામાં નિશ્ચલતા આવતી નથી. તે કોઈ ચોક્કસ નિર્ણય ઉપર ન આવવાથી પરિપક્વ નિશ્ચય થવામાં પણ ક્ષતિ રહે છે. એટલે તેની પ્રગતિ અવરોધાય છે. તે માટે આધ્યાત્મિક સિદ્ધાંતોને પણ યથાર્થ રીતે સમજવા ઘટે. એ માટે સત્પુરુષનો જોગ-સમાગમ-સેવા અનિવાર્ય બને છે. એવા મુક્તપુરુષ પાસેથી સત્ય સિદ્ધાંત સમજી લીધા પછી આધ્યાત્મિક સાધનાપથ મોકળો બને છે અને સરળતાથી વિકાસ થાય છે. મનની જડતા, સંકુચિતતા ને જટિલ તર્ક-વિતર્ક તથા શંકાઓનું નિરાકરણ થઈ જાય છે.

પ્રસ્તુત પુસ્તકમાં વિવિધ મુદ્દાઓ ઉપર અર્થઘટન કરેલું છે. ખરું જોતાં તો દરેક મુદ્દા-વિષય ઉપર સ્વતંત્ર પુસ્તક આકાર લઈ શકે, પરંતુ અહીં તેને સંક્ષિપ્તમાં મૂકી સંતોષ માણ્યો છે. તેમ છતાં તેમાં રહેલ રહસ્યસારને જાળવવાનો નમ્ર પ્રયાસ કરવામાં આવેલો છે.

આશા છે કે જ્ઞાનઇચ્છુક વાચકને તે પોતાના આધ્યાત્મિક ઉત્કર્ષમાં ઉપયોગી ને સહાયરૂપ બની રહેશે.