સાંપ્રદાયિક ચિહ્નો : કંઠી અને તિલક-ચાંદલો

0:000:00

कृष्णदिक्षां गुरोः प्राप्तैस्तुलसीमालिके गले ।

धार्ये नित्यं चोर्ध्वपुंड्रं ललाटादौ द्विजातिभीः ॥

અને ધર્મવંશી ગુરુથકી શ્રીકૃષ્ણની દીક્ષાને પામ્યા એવા જે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એ ત્રણ વર્ણના અમારા સત્સંગી તેમણે કંઠને વિશે તુલસીની બેવડી માળા નિત્યે ધારવી અને લલાટ, હૃદય અને બે હાથ એ ચારે ઠેકાણે ઊર્ધ્વપુંડ્ર તિલક કરવું.

- શિક્ષાપત્રી શ્લો. 41.

कर्तव्यमुर्ध्वपुण्ड्रं च पुम्भिरेव सचन्द्रकम् ।

कार्यः सधवनारीभिर्भाले कुङ्कुमचन्द्रकः ॥

અને પછી સત્સંગી પુરુષમાત્રને ચાંદલે સહિત ઊર્ધ્વપુંડ્ર તિલક કરવું અને સુવાસિની જે સ્ત્રીઓ તેમણે તો પોતાના ભાલને વિશે કુંકુમનો ચાંદલો કરવો.

- શિક્ષાપત્રી શ્લો. 52.

આ રીતે શિક્ષાપત્રીમાં ભગવાન શ્રી સ્વામિનારાયણનો સ્વામિનારાયણ ધર્મની દીક્ષા લેનાર આશ્રિતને ગળામાં તુલસીની બેવડી કંઠી અને તિલક-ચાંદલો ધારણ કરવાનો આદેશ છે.

સાંપ્રદાયિક ચિહ્નો કંઠી તથા તિલક-ચાંદલો ધારણ કરવા પાછળ વ્યાવહારિક કારણ તેમ જ ગૂઢ આધ્યાત્મિક રહસ્ય સમાયેલું છે, તે એક પછી એક આપણે જાણવા પ્રયત્ન કરીશું.

સાંપ્રદાયિક ચિહ્નોની વ્યાવહારિક મહત્તા :

વ્યવહારજગતમાં જેમ કોઈ કંપની હોય, સંસ્થા હોય, ટ્રસ્ટ હોય, ક્લબ હોય, ગ્રુપ હોય કે કોઈ મંડળ હોય તો તેમના સભ્ય-મેમ્બરોની ઓળખ માટે અમુક ચોક્કસ પ્રકારનાં ઓળખપત્રો - Identity Cards, પહેરવેશ - Uniforms, બેજ-બિલ્લા વગેરે હોય છે. તેના ઉપરથી તે સભ્ય કઈ કંપની, ક્લબ કે સંસ્થા સાથે સંકળાયેલો છે તેની ઓળખ સરળપણે થઈ શકે છે.

જે તે સંસ્થાના સભ્યો તેના બેજ-બિલ્લા કે ઓળખપત્ર દ્વારા અન્ય સભ્યને ઓળખે છે અને તેની સાથે તે સંસ્થાના સભ્ય તરીકેનો વિનિમય, માહિતીની આપ-લે વગેરેનો સઘળો વ્યવહાર કરે છે. ઓળખચિહ્ન વગરના સભ્યને તેઓ સંસ્થાના સભ્ય તરીકે સ્વીકારતા નથી. તેવી રીતે સાંપ્રદાયિક ચિહ્ન ધરાવનાર અનુયાયીને જ સામાન્ય રીતે તે સંપ્રદાયના અનુયાયી તરીકે સ્વીકારવામાં આવે છે. સાંપ્રદાયિક બાહ્યચિહ્નો ધારણ નહિ કરનારને સામાન્ય રીતે તે સંપ્રદાયનો અનુયાયી ગણવામાં આવતો નથી. બાહ્યચિહ્નો જે તે સંસ્થાના સભ્ય હોવાના પ્રથમદર્શી પુરાવા ગણાય છે.

જેમ જે તે સંસ્થાના સભ્ય ઓળખચિહ્ન ધારણ કરે છે, તેને તે તે સંસ્થાના સર્વ લાભો મળે છે. જેમ કે પગાર, મોંઘવારી ભથ્થા, ઇન્સેન્ટિવ - બોનસ વગેરે અન્ય ભથ્થાંઓનો લાભ મળે છે. સંસ્થાના નામ પ્રમાણે એક સામાજિક દરજ્જો પણ મળે છે. તેમ સાંપ્રદાયિક ચિહ્નો ધારણ કરનાર અનુયાયી તે સંપ્રદાયનો ગણાતો હોવાથી સામાન્ય રીતે સંપ્રદાય દ્વારા ઉપલબ્ધ વ્યાવહારિક રીતે મળતા લાભો તે વ્યક્તિને અન્ય વ્યક્તિ કરતાં વિશેષપણે મળે છે, તે સ્વાભાવિક છે. દા.ત. ગરીબ અનુયાયીઓને સંસ્થા તરફથી અથવા અન્ય ધનાઢ્ય અનુયાયીઓ તરફથી સહાય-મદદ મળી રહે છે. સંપ્રદાયના મંડળ કે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સહાય પણ મળી રહે છે. એક પ્રકારનો સામાજિક દરજ્જો પણ અનુયાયીને મળે છે. બાહ્ય ચિહ્નો દ્વારા બીજા લોકોનો વિશ્વાસ પણ સરળતાથી સંપાદન થઈ શકે છે. જોકે ઘણા દંભી લોકો તેનો ગેરલાભ ઉઠાવે છે તે ગંભીર ભૂલ છે.

વ્યવહારમાં જેમ કોઈ નાની કંપની કે સંસ્થાના સભ્યને બીજી નામાંકિત કે પ્રતિષ્ઠિત મોટી સંસ્થા કે કંપનીના સભ્યને ઓળખચિહ્ન દ્વારા ઓળખી શકે છે, અને તેને ખબર પડે છે કે હું જે સંસ્થા કે કંપનીમાં છું તેના કરતાં આ નામાંકિત સંસ્થાના સભ્યને અનેકગણા વધુ લાભો મળે છે. તેથી તે સંસ્થા પ્રત્યે તેને સહજ આકર્ષણ થાય છે. તેમ સ્વામિનારાયણ સંપ્રદાય પણ સમાજમાં ઉચ્ચકોટીનો હોવાથી તેના અનુયાયીઓને થતા લૌકિક કે અલૌકિક લાભનું માહાત્મ્ય સમજી અન્ય સંપ્રદાયના લોકો પણ આ સંપ્રદાય પ્રત્યે આકર્ષાય છે. તે જો યોગ્યતા કેળવી સ્વામિનારાયણ ધર્મ સ્વીકારી તેના નિયમો ને સિદ્ધાંતો પ્રમાણે યથાર્થ જીવન જીવે તો આત્યંતિક કલ્યાણરૂપી સર્વોત્કૃષ્ટ લાભ મેળવવા ધન્યભાગી બને છે.

જેમ કોઈ કંપની કે સંસ્થાના ઓળખચિહ્ન વગરના સભ્યની તેના માલિકને જાણ થાય તો તે શિસ્ત - (Discipline)નો ભંગ ગણી તેને તેનો માલિક સંસ્થામાંથી મળતા લાભો અટકાવી દઈ, કડક વલણ અપનાવી તે સભ્યને બરતરફ પણ કરી શકે છે. એવી રીતે સાંપ્રદાયિક ચિહ્નો ધારણ કરવાની સ્વયં શ્રીહરિની આજ્ઞા છે, તેનું ઉલ્લંઘન કરનારને પ્રભુ પોતાના અનુયાયી તરીકે પોતાના આજ્ઞાલોપને લઈને સ્વીકારતા નથી. આપત્કાળ સિવાયના પ્રસંગોનો આજ્ઞાલોપ પ્રભુને પસંદ નથી હોતો. સાંપ્રદાયિક ચિહ્ન ધારણ કરનાર વ્યક્તિ નૈતિક, ધાર્મિક કે આધ્યાત્મિક હોય જ તેવું કોઈ પ્રમાણ નથી. તેમ છતાં તેવાં ચિહ્નો ધારણ કરનારને સામાજિક તેમ જ નૈતિક ભય-દબાણ રહેવાથી ક્રમે ક્રમે તે નૈતિક જીવન તરફ સભાનતા કેળવવાથી ચોક્કસ વિકાસ સાધી શકે છે. સંપ્રદાયના સત્સંગી સભ્યોમાં પરસ્પર સંપ ને સંગઠનની ભાવનાનો પણ વિકાસ થવાથી સંપ્રદાયનો ભૌતિક તેમ જ આધ્યાત્મિક વિકાસ થવામાં સાનુકૂળતા રહે છે. પ્રભુની આજ્ઞાનું પાલન થવાથી તેમની પ્રસન્નતા થાય છે તે મહત્તમ લાભ છે.

જેવી રીતે સૌભાગ્યવતી સ્ત્રી ચાંદલો, સેંથી, મંગળસૂત્ર, કંકણ-ચૂડી વગેરે ચિહ્નો દ્વારા સમાજમાં ઓળખાય છે. જો તેવાં ચિહ્નો કોઈ સધવા સ્ત્રી ત્યજી દઈ સમાજમાં ફરે, તો તેને સધવા સ્ત્રી તરીકે સમાજ સ્વીકારતો નથી. તેની બદનામી પણ થઈ શકે છે અને બીજી અનેક પ્રકારની મુશ્કેલીઓ ઊભી થાય છે. એવી રીતે શ્રીહરિએ આપેલા આદેશ અનુસાર સાંપ્રદાયિક ચિહ્નો ધારણ નહિ કરનારને અન્ય આશ્રિતો તે સંપ્રદાયનો આશ્રિત ગણતા નથી અને સામાન્ય રીતે તેની સાથે સંપ્રદાયના આશ્રિત તરીકે સંપ્રદાય સંબંધી વ્યવહાર કરતા નથી. કારણ કે તેવો વ્યવહાર કરવામાં તેમને વિશ્વાસ બેસતો નથી. કેટલાક લોભ ને સ્વાર્થ માટે વ્યવહાર કરે છે, તે અલગ બાબત છે, પણ સામાન્ય રીતે તેવું બનતું નથી. એવા અનુયાયીની સંપ્રદાયમાં પ્રતિષ્ઠાહાનિ કે બદનામી પણ થવાનો સંભવ રહે છે.

આ રીતે સાંપ્રદાયિક ચિહ્નો કંઠી ને તિલક-ચાંદલાનું વ્યાવહારિક દૃષ્ટિએ પણ ઘણું મહત્ત્વ છે. આ ચિહ્નો તે અનુયાયી માટે સૌભાગ્યનું ચિહ્ન પણ ગણાય છે. એવાં ચિહ્નો ધારણ કરનારમાં પ્રભુ પ્રત્યે અનન્ય નિષ્ઠા ને પતિવ્રતાપણાની ભાવનાની દૃઢતા થાય છે. 'મારા પતિ તો એક જ પૂર્ણ પુરુષોત્તમનારાયણ છે. અને હું તેમના સંપૂર્ણ શરણમાં ને રક્ષણ હેઠળ છું.' એવી ભાવનાની દૃઢતાથી તેને કાળ, કર્મ ને માયાનો એમ સર્વપ્રકારનો ભય ટળી જાય છે. આ લાભ ઘણો ઉત્તમ છે.

આધ્યાત્મિક મહત્ત્વ :

તુલસી જેવી ગુણકારી ને પવિત્ર વનસ્પતિની કે ચંદન જેવા શિતલ ને સાત્ત્વિક કાષ્ઠની બેવડી કંઠી ધારણ કરવાથી શારીરિક ને માનસિક આરોગ્યને લાભ થાય છે. મનમાં સાત્ત્વિકપણાનો ઉદય થાય છે. બેવડી કંઠી પાછળનો મર્મ એ છે કે શ્રીહરિ અનંતમુક્તોની સાથે જ સદાય રહે છે. જ્યાં શ્રીજીમહારાજ, ત્યાં તેમના મુક્તો હોય જ છે. કંઠી ધારણ કરનારને આ વાતનું અનુસંધાન રહે છે કે હું કદી એકલો છું જ નહિ. મારી સાથે એ મહાપ્રભુજી તથા તેમના અનંત મુક્તો છે, એટલે હું નિર્ભય છું. સદાય તેમના સુરક્ષાકવચમાં રહેલો છું. પ્રભુના સ્વરૂપને સ્પર્શ કરાવીને પ્રસાદીની કંઠી ધારણ કરવી જોઈએ. જો પરમાત્માનું પરમ સાર્ધમ્ય પામેલા કોઈ પૂર્ણમુક્ત વર્તમાન ધરાવીને કંઠી પહેરાવે તો તે ધારણ કરનાર મુમુક્ષુ માટે તે શક્તિશાળી રક્ષાકવચ બની જાય છે. પરમાત્મા તેની દરેક પરિસ્થિતિમાં અખંડ રક્ષા કરે છે. વર્તમાન ધરાવતી વખતે સત્પુરુષ મુમુક્ષુ જીવના અનંત જન્મોનાં કર્મોને પ્રભુનાં ચરણોમાં સમર્પિત કરીને મુમુક્ષુ જીવને પ્રભુના શરણમાં લઈ લે છે. તેથી તે જીવનું સર્વપ્રકારે મંગળ કરવાની, તેનું યોગક્ષેમ વહન કરવાની અને કાળ, કર્મ ને માયાના બંધન થકી તેની અખંડ રક્ષા કરવાની જવાબદારી પ્રભુ પોતે સ્વીકારે છે. પાત્ર ભક્તની આધ્યાત્મિક ચેતના જાગૃત થઈને આધ્યાત્મિક ઊર્ધ્વગમન કરે છે.

કંઠી તથા તિલક-ચાંદલો ધારણ કરનારની સાર-સંભાળ સ્વયં પરમાત્મા લે છે. તેથી ભક્તને નિર્ભયતા અનુભવાય છે. તેને સતત એવી જાગૃતિ રહે છે કે હું સર્વોપરી પરમાત્માનો શરણાગત છું. તેથી મારાથી કોઈ પણ પ્રકારનું અનિષ્ટ કર્મ કે કુકર્મ નહિ થઈ શકે. મારા પતિ તો એક પરમાત્મા જ છે. માટે મારે તેમની આજ્ઞાનું કદી પણ ઉલ્લંઘન કરવું જોઈએ નહિ. તેમની મારી ઉપર અપ્રસન્નતા થાય તો મારા કલ્યાણમાં વિઘ્ન આવે, માટે તેમને ગમતું જ મારે કરવું જોઈએ. એમ નહિ કરું તો આલોકમાં પણ મારી અપકીર્તિ થશે. આવા પ્રકારની ભક્તને જાગૃતિ રહેવાથી તે પાપકર્મો કરવામાંથી બચી શકે છે.

ગળામાં રહેલી કંઠીની સતત સભાનતા રહે તો, ગળામાં રહેલ વિશુદ્ધ ચક્ર (એ નામનું શક્તિકેન્દ્ર)માં જાગૃતિ આવે છે ને ચેતનાશક્તિનું ઊર્ધ્વીકરણ થાય છે. હૃદયમાં કરુણા, પ્રેમ, ભક્તિ વગેરે ભાવોનું સ્ફુરણ થયા કરે છે ને ભક્ત સાત્ત્વિક આનંદની અનુભૂતિ કરે છે.

ઊર્ધ્વપુંડ્ર તિલક અને ચાંદલો પણ અનંતમુક્તો સહિત પરબ્રહ્મ પરમાત્માનું શાશ્વત અસ્તિત્વ છે, તેનું દ્યોતક છે. ઊર્ધ્વપુંડ્ર તિલક કરવાથી ચેતનાની સતત ઊર્ધ્વગતિ કરવાની ભાવનાનું સ્ફુરણ થાય છે. ભાલપ્રદેશ એ આપણા ભાગ્યનું પ્રતીક છે. તે સૌભાગ્યની નિશાની છે. બંને ભૃકુટિની મધ્યમાં આજ્ઞાચક્ર નામનું શક્તિકેન્દ્ર આવેલું છે. ઇડા (ચંદ્રનાડી), પિંગલા (સૂર્યનાડી) અને મધ્યનાડી - સુષુમ્ણાનાડીનું ત્યાં મિલન થાય છે. શરીરમાં પ્રાણતત્ત્વના વહન માટેની આ મુખ્ય ત્રણ નાડીઓ છે. આજ્ઞાચક્ર દ્વારા મગજમાંની અંતરસ્રાવી ગ્રંથિ પિનિયલ ગ્લેન્ડનું નિયમન થાય છે. આ ગ્રંથિના હૉર્મોન્સ રસાયણના સ્રાવથી શરીરમાં ક્ષારનું પ્રમાણ તથા લોહીના બંધારણમાં સંતુલા જળવાય છે. તે શારીરિક તેમ જ માનસિક વિકાસ માટે અતિ મહત્ત્વની ગ્રંથિ છે.

આ આજ્ઞાચક્ર 'ત્રીજુંનેત્ર' તરીકે પણ ઓળખાય છે. વિચારશક્તિ, સંકલ્પશક્તિ તથા ઇચ્છાશક્તિ (will power)નું તે અતિ અગત્યનું કેન્દ્ર છે. ક્રોધ જેવા આવેગો આ સ્થાનમાંથી ઉદભવતા હોવાથી આ કેન્દ્રમાં ગરમી ઉત્પન્ન થાય છે. તેથી આ સ્થાનમાં ચંદનનો ચાંદલો અથલા લેપન કરવું વધુ હિતાવહ છે. ચંદનથી શિતળતા મળે છે ને આવેગો શાંત થવામાં સરળતા રહે છે. આ કેન્દ્ર દ્વારા જાતીય પ્રક્રિયાનું પણ સંચાલન થાય છે. શરીરના ઉષ્ણતામાનનું નિયમન પણ આ કેન્દ્ર દ્વારા થાય છે. આજ્ઞાચક્ર ઉપર આત્મા-પરમાત્મા સંબંધી સાત્ત્વિક વિચારો દ્વારા ધ્યાન કેંદ્રિત કરવાથી તીવ્ર ઇચ્છાશક્તિનો ઉદય થાય છે. પ્રબળ સંકલ્પશક્તિનો વિકાસ થાય છે. બ્રહ્મચર્ય સિદ્ધ કરવામાં અને ઇંદ્રિય સંયમ સિદ્ધ કરવામાં તથા મનનો નિગ્રહ કરવામાં પણ આ કેન્દ્રમાં કરવામાં આવતું ધ્યાન સહાયરૂપ બને છે. શંકર ભગવાને આ ત્રીજું નેત્ર ઉઘાડી કામદેવને ભસ્મ કર્યો હતો, એ કથાનકનું હાર્દ પણ એ જ છે કે એ સ્થાનમાં પ્રભુના સ્વરૂપનું ધ્યાન કરવાથી વિકારી વૃત્તિનું સાત્ત્વિક વૃત્તિમાં રૂપાંતર થાય છે. અને આધ્યાત્મિક ચેતનાશક્તિ કુંડલિનીશક્તિ જાગૃત થઈ ઊર્ધ્વગમન કરે છે. આંતરદોષો ને વિકારો ઉપર વિજય પ્રાપ્ત થાય છે. તેથી વ્યક્તિ પૂર્ણતાને પંથે વિકાસ સાધે છે. આ વિષય યોગમાર્ગનો છે ને તે ગહન પણ છે, તેથી સંક્ષેપમાં તેનું વિવરણ કર્યું છે.

આપણું શરીર કેવળ ભૌતિક ખોરાક દ્વારા જ પોષણ મેળવીને જીવંત રહે છે તેમ નથી. પરંતુ પ્રાણાદિ સૂક્ષ્મ વૈશ્વિક શક્તિઓ- Cosmic energy દ્વારા ચેતનવંતુ બને છે. વૈશ્વિક ઊજાર્ના સૂક્ષ્મ તરંગો સુષુમ્ણા નાડીના શીર્ષ (Medulla oblongata)ના પ્રવેશદ્વારથી અર્થાત્ બ્રહ્મરંધ્રમાં થઈને મેરૂદંડના આ છઠ્ઠા શક્તિકેન્દ્ર - આજ્ઞાચક્ર દ્વારા શરીરમાં પ્રવેશ પામીને શરીરને પ્રાણઊજાર્ તથા ચેતના બક્ષે છે. આ કેન્દ્રના પૂર્ણ જાગરણથી સાધકને ત્રિકાળજ્ઞાન થાય છે. ભૂત, ભવિષ્ય ને વર્તમાનકાળનું જ્ઞાન તેને સહજ થઈ જાય છે. તથા દૂરદર્શન, દૂરશ્રવણ વગેરે સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. આ કેન્દ્ર દ્વારા દૂરથી આવતા વૈચારિક સંદેશાઓ ઝીલી શકાય છે. તેને અંગ્રેજીમાં Telepathy - વિચારસંક્રમણ કહેવામાં આવે છે. માણસના મનના વિચાર તરંગો આકાશતત્ત્વ – Ether ના માધ્યમ દ્વારા પૃથ્વી ઉપરના ભૌતિક તરંગોમાં થઈને વિદ્યુત ચુંબકીય મોજાં - Electro-magnetic waves ઉત્પન્ન કરતાં કરતાં બીજા મનુષ્યમાં વિચાર તરંગોમાં રૂપાંતર પામીને પ્રવેશ કરે છે. એ ટેલિપથી છે.

કામક્રોધાદિક અંતરશત્રુઓ ઉપર વિજય મેળવવા માટે આ કેન્દ્રની જાગૃતિ આવશ્યક છે. આ કેન્દ્ર ઉપર તિલક-ચાંદલો કરવાથી સાધકને ત્યાં ધ્યાન કેંદ્રિત કરવાનું સતત અનુસંધાન-સાતત્ય સહજ રીતે રહે છે. તેથી ત્યાં વિચારો ને ભાવતરંગોને એકાગ્ર કરવામાં સરળતા રહે છે. ત્રાટકરૂપ યૌગિક સાધના કરવામાં પણ સરળતા રહે છે. અને તેના દ્વારા આ શક્તિકેન્દ્ર જાગૃત થાય છે, તેથી આગળ જણાવ્યા તે લાભો મળે છે.

શુભ પ્રસંગે તિલક-ચાંદલો કરી પૂજા, આવકાર, સ્વાગત વગેરે કરવામાં આવે છે. તેથી અન્યોન્ય પ્રત્યે પ્રેમ, આત્મીયતા તથા સંપની ભાવનાનો વિકાસ થાય છે. યુદ્ધ વખતે યોદ્ધાને ચાંદલો કરવાથી તેમાં નિર્ભયતા, વીરતા, ધીરજ તથા શૌર્યના ભાવ જાગૃત થાય છે. તિલક-ચાંદલો કરવાથી પ્રભુની આજ્ઞાનું પાલન થવાથી પ્રભુની પ્રસન્નતા થાય છે. તેથી વ્યક્તિનું મનોબળ, આત્મબળ વિકસે છે. એટલે તેને કોઈ મેલીવિદ્યા, તાંત્રિકવિદ્યા કે મંત્ર-તંત્રની કે આસુરી શક્તિઓની અશુભ અસર થઈ શકતી નથી, તેની અખંડ રક્ષા થાય છે. તંત્રશાસ્ત્રમાં પણ તિલક-ચાંદલાનું અનોખું મહત્ત્વ દર્શાવ્યું છે.

આપણા ભાલમાં તિલક-ચાંદલો જોઈને અન્ય વ્યક્તિને પણ સર્વોપરી ભગવાન શ્રી સ્વામિનારાયણની સ્મૃતિ થઈ આવે છે કે આ સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત છે. તેથી તેને કલ્યાણનું બીજબળ થાય છે. એમ પરોક્ષરૂપે તિલક-ચાંદલો કરનાર દ્વારા અન્ય જીવનું ભલું થતું હોવાથી પણ તિલક-ચાંદલો કરનારને પુણ્યફળ મળે છે.

અ.મુ. અબજીબાપાશ્રીએ કહ્યું છે - 'કેવળ બે-ચાર પૈસાનો જ સત્સંગ ન કરવો.' અર્થાત્ ફક્ત બાહ્યચિહ્નો ધારણ કરવારૂપ બાહ્યાચાર જ ન કરવો, પણ તેનું યથાર્થ હાર્દ સમજી પ્રભુના સ્વરૂપમાં જોડાવારૂપ, કારણ સત્સંગરૂપ, બ્રહ્મયજ્ઞ પણ કર્યા કરવો જોઈએ, એ વાત પણ લક્ષમાં રાખવી ઘટે.

પ્રભુની પ્રસન્નતા તથા આજ્ઞાપાલન માટે હરિભક્તે કોઈ પણ પ્રકારના સંકોચ કે શરમ રાખ્યા સિવાય સાંપ્રદાયિક ચિહ્નો ધારણ કરવાં જોઈએ. કોઈ નામાંકિત કંપની કે સંસ્થામાં કામ કરતી વ્યક્તિ તેના પહેરવેશ, બેજ-બિલ્લા વગેરે ઓળખચિહ્નો રાખવામાં જરાય શરમાતી નથી અને ઊલટું ગૌરવ અનુભવે છે. તો સ્વયં પ્રભુએ આપેલાં કંઠી ને તિલક-ચાંદલો ધારણ કરવામાં શરમ ને સંકોચ રહે તે ભય ને અજ્ઞાન સિવાય બીજું શું છે? માટે હરિભક્તે આ ચિહ્નોનું વ્યાવહારિક તેમ જ આધ્યાત્મિક મૂલ્ય સમજી અવશ્ય ધારણ કરવા ને પ્રભુપ્રસન્નતાના હકદાર બનવું જોઈએ.