બાહ્ય - આભ્યંતર શૌચ

0:000:00

શૌચ અર્થાત્ શુદ્ધિ. આધ્યાત્મની અંતર્યાત્રાના યાત્રી એવા સાધક માટે બાહ્ય તેમ જ આભ્યંતર શુદ્ધિ, એટલે શરીરની બાહ્ય શુદ્ધિ અને અંતઃકરણની આભ્યંતર શુદ્ધિ, આ બંને પ્રકારની શુદ્ધિની અતિ અગત્ય છે. સાધનકાળમાં આ બંને પ્રકારના શૌચમાંથી કોઈપણની અવગણના કરવામાં આવે, તો આધ્યાત્મિક સાધનામાં અડચણ ઊભી થાય અને સાધના મંદ પડી જાય. ક્યારેક નાની સરખી ગાફલાઈ, બેદરકારી કે ભૂલ સાધકને એની સૂક્ષ્મ સાધનામાંથી ગંભીર ભૂલો તરફ દોરી જાય છે અને સાધનામાંથી વિચલિત કરી દે છે. 'આમાં શું વાંધો છે? આમ ન કરીએ તો પણ ચાલે. આટલા અમથામાં શું બગડી જવાનું છે? આ કોઈ ગંભીર ભૂલ નથી.' આ પ્રકારનું બેદરકારીભર્યું મનોવલણ સાધકને તેની નિષ્ઠા તથા કર્તવ્યપરાયણતામાં અસ્થિરતા આણી સાધનામાંથી વિચલિત કરે છે.

શૌચ, દંતમંજન, સ્નાન વગેરે પ્રકારની બાહ્યશુદ્ધિની ક્રિયાઓ કરતી વખતે પણ ચિત્તની એકાગ્રતા રાખવી આવશ્યક છે. ચિત્તની એકાગ્રતા વગરની શૌચક્રિયા કે હસ્તપ્રક્ષાલન (હાથ ધોવાની ક્રિયા) કે દંતમંજન વગેરે ક્રિયાઓ બરોબર થઈ શકતી નથી. હાથ-પગ ધોવા જેવી સામાન્ય લાગતી ક્રિયાઓમાં પણ એકાગ્રતા ન હોય તો અશુદ્ધિ રહી જાય છે, જે આરોગ્ય માટે ક્યારેક હાનિકારક નીવડે છે. આવી નાની લાગતી ક્રિયાઓ પણ જાગૃતિપૂર્વક ને એકાગ્રતાથી કરવાની ટેવ પાડવાથી દરેક ક્રિયાઓમાં એકાગ્રતા જાળવવાની ટેવ પડી જાય છે. એટલે નાનાં-મોટાં દરેક કાર્યો ભૂલો વગર સરસ રીતે પૂર્ણ થાય છે. આવા અભ્યાસથી આત્મા-પરમાત્માના ચિંતનમાં પણ એકાગ્રતા સરસ રીતે થાય છે. કોઈ સિદ્ધમુક્ત પુરુષની ક્રિયાઓનું કોઈએ અવલોકન કર્યું હશે તો તેને નાની-મોટી દરેક ક્રિયાઓ મુક્તપુરુષ એકાગ્ર ચિત્તે સર્વાંગે શુદ્ધ ને સુંદર રીતે કરતા હોય છે, તેમ જણાયા વગર નહિ રહ્યું હોય!

શૌચાદિક ક્રિયાઓમાં એકાગ્રતા તો જરૂરી છે જ, પણ સાથે સાથે તેમાં નિયમિતતા પણ હોવી આવશ્યક છે. તે બધી ક્રિયાઓ સમયસર થવી જોઈએ. શૌચાદિક ક્રિયાઓ સમયસર નિયમિત કરવાની ટેવ ન હોય તો તેમાં અનેક પ્રકારની અડચણો ઊભી થાય છે. કુદરતી હાજતો સમયસર ન પતાવવાથી કે તેમને બળપૂર્વક રોકી રાખવાથી અનેક પ્રકારના રોગ અને માંદગીને શરીરમાં પ્રવેશવાની તક મળે છે. માટે કુદરતી હાજતના આવેગોને રોકવા ન જોઈએ. તે ક્રિયાઓમાં નિયમિતપણું આવે તો તન-મનની તંદુરસ્તી ને આરોગ્ય જળવાઈ રહે.

શૌચક્રિયા વખતે શરીરમાંનો અપાનવાયુ નીચે તરફ દબાણ કરે છે, તેથી મળવિસર્જન થાય છે. અપાનવાયુના દબાણને લઈને લોહીના પરિભ્રમણમાં ગતિ આવે છે, તેથી શરીરમાં ગરમી ઉત્પન્ન થાય છે. એ ગરમી બ્લડપ્રેશરને તથા મગજને અસર કરે છે. મળોત્સર્ગ ક્રિયા વખતે દૂષિત ઝેરી વાયુ પણ છૂટે છે. તે શરીરની ચામડી તથા રોમને વિશે ભરાઈ રહે છે. આ કારણે એક પ્રકારની તાણ અનુભવાય છે. આવાં કારણોને લીધે શૌચ બાદ સ્નાન કરવું જરૂરી બને છે. સ્નાન કરવાથી શરીરની શુદ્ધિ તો થાય જ છે, પણ સાથે સાથે લોહીનું ત્વરિત ગતિવાળું પરિભ્રમણ શાંત થાય છે. શરીરનું તાપમાન નીચે આવવાથી બિનજરૂરી ગરમી ઓછી થાય છે. તેથી તન-મનમાં અનેરી તાજગી, શાંતિ ને શુદ્ધિનો એહસાસ થાય છે. ઘણી વખત હૃદયના દર્દીઓને કુદરતી હાજત વખતે હૃદય ઉપર દબાણ-તણાવ વધવાથી ખૂબ જ થાક અને નબળાઈ અનુભવાય છે. ક્યારેક કોઈક નબળા દર્દીને હાજત વખતે હાર્ટએટેક પણ આવી જાય છે. સ્નાન કરવાથી તાણ-તણાવ ઓછાં થવાથી શરીરમાં સ્ફૂર્તિ લાગે છે. આમ શૌચક્રિયા પછી સ્નાન કરવા પાછળનો હેતુ સમજી શકાય છે. ક્યારેક આપત્કાળમાં સ્નાન ન થઈ શકે તો હાથ-પગ-મોઢું વગેરે બરોબર ધોઈ જ નાંખવા, તેથી પણ લાભ થાય છે. આવી ક્રિયાઓ એકાગ્રતાપૂર્વક ને નિયમિતપણે કરવાથી સમયનો બિનજરૂરી વ્યય પણ બચી જાય છે.

નાની અને ગૌણ લાગતી ક્રિયાઓ નિયમિતપણે ને એકાગ્રતા સાથે કરવાની ટેવ પાડવાથી આધ્યાત્મિક સૂક્ષ્મ સાધનામાં પણ એકાગ્રતા ને નિયમિતપણું આવે છે. જેની ગૌણ લાગતી ક્રિયામાં એકાગ્રતા ને નિયમિતતા ન હોય ને અવ્યવસ્થિતપણે ક્રિયાઓ કરતો હોય તેની આધ્યાત્મિક સાધના પણ અવ્યવસ્થિત ને ઢંગધડા વગરની હોય છે. તેવા સાધકનું મન પણ અવ્યવસ્થિત, અસંયમી ને અનેક વિષયોમાં ફેલાયેલી વૃત્તિઓવાળું હોય છે. માટે એકાગ્રતા ને નિયમિતપણું એ સાધનામાં અતિ આવશ્યક અંગો છે. તેનું મૂલ્ય ઓછું આંકવું એ ગંભીર ભૂલ ગણાય. જેની બાહ્યક્રિયાઓ શુદ્ધ, સાત્ત્વિક ને વ્યવસ્થિત હોય, તેનું અંતઃકરણ પણ શુદ્ધ, સાત્ત્વિક ને વ્યવસ્થિત હોય છે.

ક્યારેક એવું પણ જોવામાં આવે છે કે કેટલાક લોકો કેવળ બાહ્યશુદ્ધિ ઉપર જ તાન રાખે છે અને અંતરશુદ્ધિ તરફ દુર્લક્ષ્ય રાખે છે. વારંવાર નાહ્યા કરવું, દેહની જ પરિચર્યા કર્યા કરવી. નહાવા-ધોવાની ક્રિયાઓ જ જાણે આધ્યાત્મિક સાધનાનાં મુખ્ય અંગો હોય તેમ તેમાં જ રત રહ્યા કરે છે. તેવી ક્રિયાઓ પાછળ વધુ પડતો સમય ને શક્તિનો વ્યય કરવાથી પ્રભુપ્રાપ્તિરૂપ મુખ્ય ધ્યેય દૂર રહી જાય છે. એમ તો માછલાં આખો દિવસ જળમાં નાહ્યા કરે છે, પરંતુ તેની આધ્યાત્મિક સિદ્ધિ શું? તે માટે દરેક ક્રિયા પાછળ સમજણ અને વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવો એ સાચા સાધકનું લક્ષણ છે. દેહની બાહ્યશુદ્ધિની ક્રિયાઓ પાછળ વધુ પડતો સમય વ્યય કરવાથી દેહાસક્તિ-દેહભાવ ઘટવાને બદલે વધુ દૃઢ થાય છે. કારણ કે લોકોને કેવળ બાહ્યાચરણ જ જોઈ શકાતું હોવાથી તેવી વ્યક્તિની પ્રશંસા થાય છે, જે દંભને ને દેહાભિમાનને પોષતી હોવાથી સરવાળે સાધનામાં વિઘ્નકર્તા બને છે. કેટલાકને તેવી બાહ્યશુદ્ધિની ક્રિયા કરવાનો એક વેગ અને અતિરેક હોય છે. મનોવિજ્ઞાનમાં તેને Obsession કહેવામાં આવે છે. તે એક પ્રકારની માનસિક નબળાઈ છે. બાહ્યશુદ્ધિ એ સ્વચ્છતા છે; પવિત્રતા નથી. પવિત્રતા તો જેમાં કામ, ક્રોધ, લોભ, માન, ઈર્ષા, મત્સર, રાગ, દ્વેષ, નિંદા, કૂથલી વગેરે મનોવિકારોરૂપ મલિનતા ન હોય એ ખરા અર્થમાં પવિત્રતા છે.

શ્રીહરિ પણ ભારપૂર્વક જણાવે છે કે કેવળ વર્ણાશ્રમધર્મના પાલન માત્રથી જ આત્યંતિક કલ્યાણ નથી થતું. વર્ણાશ્રમધર્મોના પાલનથી તો દેહે કરીને સુખિયો રહે ને આલોકમાં તેની કીર્તિ થાય એટલું જ, એથી વિશેષ કંઈ નહિ. આત્યંતિક કલ્યાણ માટે તો એકાંતિકધર્મ - ભાગવત્ધર્મના પાલનની આવશ્યકતા છે. મોટા મુક્ત પાસેથી પ્રભુની સર્વોપરી ઉપાસના તથા પરમાત્માના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન ગ્રહણ કરી, પરમાત્માના કલ્યાણકારી ગુણોને જીવનમાં ચરિતાર્થ કરી, પ્રભુપ્રસન્નતાર્થે સદાચારોનું પાલન કરવું અને પ્રભુપ્રાપ્તિ અર્થે ધ્યાન-ભજન, ચિંતન-મનન વગેરે સાધનો કરવાં તે ભાગવત્ધર્મનો અર્થ છે.

કેટલાક લોકો બાહ્યશૌચને ગૌણ ગણી કેવળ આંતરશુદ્ધિ ઉપર જ વધુ ભાર આપે છે. જો કે બાહ્યશુદ્ધિની અપેક્ષાએ આંતરશુદ્ધિનું મહત્ત્વ બેશક અધિક છે જ, પરંતુ સાધનદશામાં બંને પ્રકારની શુદ્ધિની આવશ્યકતા છે, તે પણ ભૂલવું જોઈએ નહિ.

દરેક વ્યક્તિ કે પદાર્થમાંથી, તેમાં રહેલ ઊજાર્ના સૂક્ષ્મ તરંગો તથા કિરણો નીકળે છે. જેને લેશ્યાઓ પણ કહે છે. અંગ્રેજીમાં તેને *Aurical Radiation કહે છે. તેને આપણે નરી આંખે જોઈ શકતા નથી. જેવી રીતે પુષ્પમાંથી સુંગધ છૂટે છે તે ઘ્રાણેન્દ્રિય દ્વારા અનુભવી શકાય છે, પરંતુ તે સૂક્ષ્મ તન્માત્રાને નરી આંખે જોઈ શકાતી નથી. તેવી રીતે વ્યક્તિના આભામંડળને નરી આંખે જોવી શક્ય નથી. ધ્યાન માર્ગે કરીને જેમની દિવ્યદૃષ્ટિ થઈ હોય તેવા યોગી અથવા સિદ્ધમુક્તો તેને જોઈ શકે છે. તે તરંગોને ચોક્કસ પ્રકારના રંગો, લંબાઈ-પહોળાઈ વગેરે પરિમાણો તથા આકૃતિઓ પણ હોય છે. વ્યક્તિના વિવિધ મનોભાવોના સૂક્ષ્મ તરંગો દ્વારા તેનું આભામંડળ રચાય છે. શુદ્ધ ને સાત્ત્વિક આચાર-વિચારવાળી ને પવિત્ર વ્યક્તિઓમાંથી પવિત્ર તરંગો વહે છે. તેના સ્પર્શ દ્વારા પદાર્થ તથા તેની આજુબાજુનું વાતાવરણ પણ પ્રભાવિત થાય છે. તેવી વ્યક્તિના સંસર્ગથી પવિત્ર થવાય છે. એ જ રીતે પાપી ને દુરાચારી વ્યક્તિમાંથી અપવિત્ર તરંગો વહે છે. તેના સંસર્ગમાં આવનાર વ્યક્તિ, પદાર્થ તથા વાતાવરણ અપવિત્ર ને અશુદ્ધ બને છે. આ કારણને લઈને જ પાપીનો સ્પર્શ તથા તેણે આપેલ અન્ન-પાણી અથવા પદાર્થ ગ્રહણ કરવાનો શાસ્ત્રોમાં નિષેધ કરેલો છે.

આવા કારણથી જ સત્પુરુષનો જોગ-સમાગમ-સેવા કરવાનો આદેશ શાસ્ત્રોમાં હોય છે. સત્પુરુષના સત્સંગથી વ્યક્તિ પાપી હોય તો પણ સંત બની જાય છે. પાપી અને દુરાચારી વ્યક્તિનો જાણે-અજાણે સ્પર્શ થઈ જાય તો સ્નાન કરવા પાછળનો હેતુ પણ આ આભામંડળનું વિજ્ઞાન છે. સ્નાન કરવાથી ને પ્રભુને પ્રાર્થના કરવાથી વ્યક્તિનું તન તેમ જ મન બંનેનું શુદ્ધિકરણ થાય છે. આવાં કારણોને લીધે સાધનસ્થિતિમાં બાહ્યશુદ્ધિ જરૂરી છે. આત્મા-પરમાત્માના સાક્ષાત્કારવાળા સત્પુરુષને તો કોઈ પણ પ્રકારની અશુદ્ધિ સ્પર્શી શકતી નથી, પણ સાધનદશાવાળાએ તેમનો વાદ લેવો હિતાવહ નથી. કારણ કે તે જો છૂટછાટ લેવા જાય તો સાધનામાં વિઘ્ન આવે ને ભ્રષ્ટ પણ થઈ જવાની સંભાવના રહે. માટે સાધકે બાહ્યશુદ્ધિ પણ જાળવવી ઘટે.

આભ્યંતર શૌચ અર્થાત્ અંતરશુદ્ધિ-અંતઃકરણની શુદ્ધિ. સત્પુરુષ અથવા પવિત્ર આચાર-વિચારવાળી વ્યક્તિનો જોગ-સમાગમ-સેવા, સત્સંગ દ્વારા, સત્શાસ્ત્રોના વાચન-મનન દ્વારા, પ્રભુની ઉપાસના, આરાધના ને જ્ઞાન દ્વારા, ધ્યાન-ભજન-સ્મરણ, નવધા ભક્તિનાં સાધનો દ્વારા, આત્મા-પરમાત્માના સ્વરૂપના ચિંતન-મનન-નિદિધ્યાસ દ્વારા અંતઃકરણની સઘળી મલિનતા દૂર થઈ તે શુદ્ધ ને સાત્ત્વિક બને છે.

આ રીતે બાહ્ય-આભ્યંતર શૌચનું રહસ્ય સમજી તે પ્રમાણે આચરણ કરનાર સાધક ત્વરિત ગતિએ પોતાનો આધ્યાત્મિક વિકાસ સાધી શકે છે.