મૂર્તિપૂજા

0:000:00

સત્શાસ્ત્રોમાં દર્શાવેલ ધાતુ, પાષાણ, કાષ્ઠ, માટી, ચિત્રામણ વગેરે અષ્ટપ્રકારે તૈયાર કરેલ પરમાત્માના પ્રતિમાસ્વરૂપ-અર્ચાસ્વરૂપની ઉપાસના, આરાધના, ભક્તિ કરવાં. પુષ્પ, ચંદન, કુમકુમ, અક્ષત, ધૂપ, દીપ, નૈવેદ્ય, નિરાજન વગેરે ઉપચારો દ્વારા તેની પૂજા કરવી, તેને મૂર્તિપૂજા કહેવામાં આવે છે. એ રીતે અર્ચાસ્વરૂપની પૂજા-ઉપાસના કરનારને તથા તે પ્રતિમાસ્વરૂપમાં શ્રદ્ધા, આસ્થા રાખનાર, મૂર્તિપૂજાના સિદ્ધાંતને દૃઢતાપૂર્વક આસ્તિકભાવથી માનનાર વ્યક્તિ મૂર્તિપૂજક ગણાય છે. રાજયોગના પ્રણેતા એવા મહર્ષિ પતંજલિ યોગસૂત્રમાં કહે છે :

ईश्वर प्रणिधानाद्वा ॥23॥

ઈશ્વરની ઉપાસના દ્વારા પણ સમાધિ પ્રાપ્ત થાય છે. આ રીતે આધ્યાત્મિક સિદ્ધિમાં પરમાત્માની ઉપાસનાનું ઘણું મહત્ત્વ સ્વીકારાયેલું છે.

કેટલાક નિરાકારવાદી તથા આત્મા-પરમાત્મા એક જ છે એવો મત ધરાવનારા લોકોના મતે મૂર્તિપૂજા કાલ્પનિક ને અંધશ્રદ્ધામય ગણાય છે. તેઓ મૂર્તિપૂજાના સિદ્ધાંતનો અસ્વીકાર કરીને તેની નિંદા કરવાનો હીન પ્રયત્ન કરે છે, તે ગંભીર ભૂલ છે. તેઓ એવી બેવજૂદ દલીલ કરે છે કે નિરંજન-નિરાકાર, સર્વવ્યાપી ઈશ્વરને ધાતુ, પાષાણ, કાષ્ઠના પૂતળામાં શી રીતે બાંધી શકાય? કાગળના ચિતરામણમાં તેને કેવી રીતે સીમિત કરી શકાય? માટે મૂર્તિપૂજા વ્યર્થ ને નિરર્થક છે. તે અંધશ્રદ્ધા ને અજ્ઞાનનું પરિણામ છે. મૂર્તિમાં રહેલો ઈશ્વર માણસે ઘડેલો કાલ્પનિક છે. તેની ઉપાસના, ભક્તિ, પૂજા વગેરેથી કોઈ ફળ મળતું નથી વગેરે વગેરે તેમની દલીલો હોય છે.

મહર્ષિ દયાનંદજી દ્વારા સ્થાપિત આર્યસમાજના અનુયાયીઓ મહદ્ અંશે મૂર્તિપૂજાનો સખત વિરોધ કરે છે. મૂર્તિપૂજા વિરુદ્ધ પ્રચાર-અખાડા માંડે છે. આમ કરવા પાછળનું કારણ એ છે કે મૂર્તિપૂજાનું સાચું રહસ્ય તેઓ સમજી શક્યા નથી.

આર્યસમાજના સ્થાપક દયાનંદજી એક નીડર સમાજસુધારક હતા. વેદનો તેમણે સારો એવો અભ્યાસ કરેલો અને તેનો પ્રચાર કરેલો, પરંતુ તેઓ પણ મૂર્તિપૂજાનું રહસ્ય બરોબર સમજી શક્યા નહિ હોય, તેમ તેમના ગ્રંથો ઉપરથી જણાઈ આવે છે. તેમણે તેમના બાળપણમાં એક મંદિરમાં શિવલિંગ ઉપર એક ઉંદર ફરતો જોયો. એટલે તેમને વિચાર થયો કે પ્રભુ જો સર્વશક્તિમાન હોય અને પાષાણના લિંગમાં તેનો વાસ હોય તો ઉંદરને પોતાની ઉપર ફરવા કેમ દે છે? દૂર કેમ હટાવી નથી શકતા? બસ! આટલા વિચારથી તેને મૂર્તિપૂજા પ્રત્યે ઘૃણા ઉદય થઈ આવી અને મોટા થઈને તેમણે મૂર્તિપૂજાના સિદ્ધાંતનો સખત વિરોધ કરવા માંડ્યો. તેઓ સચરાચર બ્રહ્મમાં તો માનતા જ હતા, તો પણ તેમને એ ખ્યાલ ન આવ્યો કે જો પથ્થરના શિવલિંગમાં બ્રહ્મ હોય તો ઉંદરમાં પણ હોવો જ જોઈએ ને? જો બ્રહ્મ અણુ અણુમાં સર્વત્ર વ્યાપ્ત હોય તો મૂર્તિમાં ને ઉંદરમાં બધે જ હોય ને? તો પછી બ્રહ્મ ઉપર બ્રહ્મ ફરે તેમાં વાંધો ક્યાં આવ્યો? આ વાત તેમને ન સમજાઈ. મૂર્તિપૂજાના યથાર્થ રહસ્યને સમજવાના અભાવને લઈને જે લોકો તેનો વિરોધ કરે છે તે અયોગ્ય છે. તેમણે મૂર્તિપૂજાનું સાચું રહસ્ય સમજવું ઘટે.

મૂર્તિપૂજામાં ગહન રહસ્ય સમાયેલું છે. મૂર્તિપૂજા ભાવાત્મક છે. ભક્ત પોતાના હૃદયના પ્રેમ, ભક્તિ, દાસત્વ, શરણાગતિ, વિરહ, પ્રભુમિલનની ત્વરા, આતુરતા, સખાભાવ, પૂજ્યભાવ, આદરભાવ વગેરે વિવિધ ભાવોને પ્રભુનાં સ્વરૂપમાં આરોપિત કરી, હૃદયની ઉત્કટ ભાવોર્મિઓથી નવાજે છે. આર્તનાદે પ્રભુને પ્રાર્થે છે. પ્રભુનાં દર્શનને ઝંખે છે. પ્રભુનાં પ્રતિમાસ્વરૂપનું અવલંબન ન હોય તો ભક્ત શું આકાશમાં કે હવામાં હવાતિયાં મારવા સાથે પોતાના ઉત્કટ ભાવોને વ્યક્ત કરી શકશે? તેને પોતાના ભાવોની અભિવ્યક્તિ માટે એક સંગીન આધારની, માધ્યમની આવશ્યકતા રહે છે. મનુષ્ય તો સાકાર છે જ, પણ તેની આસપાસ સમગ્ર સૃષ્ટિ પણ સાકાર છે. મનુષ્ય પોતાના સંબંધી, સ્નેહીઓ, પદાર્થો વગેરે બધું જ આકૃતિમય હોવાથી પોતાના હૃદયના ભાવો તેમની સમક્ષ રજૂ કરી શકે છે. આકૃતિ પ્રત્યેનું આકર્ષણ હોવું એ મનુષ્યની સ્વાભાવિક પ્રકૃતિ છે. આકૃતિ દ્વારા જ આકૃતિનું આકર્ષણ થાય છે એ કુદરતનો નિયમ છે. આવું સાકાર ને સબળ માધ્યમ ભક્તને પ્રતિમાસ્વરૂપ દ્વારા મળી રહે છે. ભક્તના શુદ્ધ ભાવ, હૃદયના વિશુદ્ધ પ્રેમ ને ભક્તિભાવથી સર્વવ્યાપી, સર્વજ્ઞ ને સર્વશક્તિમાન એવા પ્રભુનો પ્રતિમાસ્વરૂપમાં આવિર્ભાવ થાય છે. તેની સવિશેષ અભિવ્યક્તિ Manifestation થાય છે. પરમાત્મા સર્વજ્ઞ ને સર્વવ્યાપી હોવાથી સચરાચર સમગ્ર સૃષ્ટિમાં પોતાના અસ્તિત્વનું મનુષ્યને પળે પળે ભાન કરાવી શકે છે, એ સર્વશક્તિમાન પ્રભુ પોતાના ભક્તના પ્રેમને વશ થઈ પ્રતિમાસ્વરૂપમાં કેમ પ્રગટ ન થાય? થાય જ.

પ્રભુની મૂર્તિમાં ન માનનારો વર્ગ પણ પોતાના સ્ત્રી, પુત્ર કે અન્ય સ્નેહીજનોના ફોટાઓ ખૂબ પ્રેમથી સુંદર આલ્બમમાં કાળજીપૂર્વક સાચવી રાખે છે ને જ્યારે જ્યારે ઇચ્છા થાય, ત્યારે તેમને નિહાળી ભાવાત્મક બની તેની સ્મૃતિમાં ખોવાઈ જાય છે. સ્મૃતિને વાગોળતાં ભાવવિભોર થઈ જાય છે. એવા પણ કિસ્સાઓ બનેલા છે કે એક વ્યક્તિને બીજી વ્યક્તિ સાથે અતૂટ સ્નેહ હોય અને એકબીજાને ખૂબ જ ચાહતા હોય, ત્યારે જો કોઈ પણ એક વ્યક્તિ બીજાનો ફોટોગ્રાફ જોઈને ભાવવિભોર બની તેને સંભારે, તો માઈલો દૂરના અંતરે રહેલ તેની સ્નેહી વ્યક્તિના હૃદયમાં પણ તેને યાદ કરનાર વ્યક્તિ પ્રત્યે ભાવ ઊભરાઈ આવે છે. તેને ટેલીપથી (Telipathy) કહેવામાં આવે છે. મનની ઉત્કટ ભાવનાનાં આંદોલનો, વિચાર તરંગો આકાશ તત્ત્વના માધ્યમ દ્વારા માઈલો દૂર વિચરી શકે છે. આમ બનવું તે બિલકુલ અશક્ય નથી. જેમ વાતાવરણમાં ટી.વી.ના કે રેડિયોના 'વિજચુંબકીય તરંગો' (Electro-magnetic waves) સદાય પ્રસરતા રહે છે. તેને ઝીલવા માટે ટી.વી. કે રેડિયો ચાલુ કરે, તો તરત જ તેમાં ઝીલાય છે. પરિણામે માઈલો દૂરથી પ્રસારિત થતા પ્રોગ્રામો આપણે ઘેર બેઠા માણી શકીએ છીએ. તેવી જ રીતે સૂક્ષ્મ ભાવતરંગો કે વિચારતરંગો પણ વાતાવરણમાં માઈલો દૂર સુધી જઈ શકે છે. તેને ઝીલનાર વ્યક્તિના મનની એકાગ્રતા જેટલી વધુ તેટલી સરળતાથી તે તરંગોને ઝીલી શકે છે. માઈલો દૂર રહેલા તેના સ્નેહીના ભાવતરંગો તેને પહોંચી જાય છે.

જો આ બાબત શક્ય હોય તો સર્વજ્ઞ ને સર્વવ્યાપી પરમાત્મા તેના પ્રેમી ભક્તના તીવ્ર ભક્તિભાવ દ્વારા પ્રતિમાસ્વરૂપમાં ચોક્કસ આવિર્ભૂત થાય જ એમાં આશ્ચર્ય જેવું શું છે? ઘણી વખત એવું બને છે કે વ્યક્તિનો પોતાનો નિકટતમ સ્નેહી જો મૃત્યુ પામ્યો હોય ને જો તેની તસવીર-ફોટાને જુએ છે, ત્યારે તે અત્યંત ભાવવિભોર બની જઈ, તેની સાથે તન્મય બની જાણે તે તેની સામે પ્રત્યક્ષ જ છે, એ રીતે વાતો કરવા પણ મંડી પડે છે. તે પોતાનું તથા આજુબાજુનું સર્વ ભાન પણ ભૂલી જાય છે અને સ્નેહીની સ્મૃતિમાં લીન થઈ જાય છે. લૌકિક પ્રેમમાં આવું બની શકે તો પ્રભુ પ્રત્યેના અલૌકિક અનુરાગમાં શું ન બને!

તલવાર કે તોપ-બંદૂકનું ચિત્ર હોય તો તેની સાથે હિંસાનો ભાવ સહજ રીતે સંકળાયેલો હોય છે. સ્ત્રીનું સુંદર શિલ્પ કે ચિત્ર હોય તો તેને જોઈને ગમે તેવી નાસ્તિક વ્યક્તિને પણ વિષયવિકારનો ભાવ ઉદભવે છે. કારણ કે દરેક આકૃતિ પાછળ એક ચોક્કસ પ્રકારનો ભાવ સમાયેલો છે. લખાણના શબ્દ પણ જડ છે, તો પણ તે વાંચનારના હૃદયમાં પ્રેમ, આદર, ક્રોધ, ભય, ઘૃણા, તિરસ્કાર, હિંસા, કરુણા વગેરે વિવિધ ભાવો જગાવે છે. શત્રુનો ફોટો જોઈને વ્યક્તિમાં તિરસ્કાર ને ક્રોધાગ્નિની લાગણી ભભૂકી ઊઠે છે. મહાન પુરુષોની છબી જોઈને, તેમની સૌમ્ય તસવીર નિહાળીને વ્યક્તિમાં શાંતિ ને સાત્ત્વિકભાવ ઉદય થઈ આવે છે ને સહજ રીતે જ તેનું મસ્તક આદરભાવથી ઝૂકી જાય છે. રાજા-મહારાજાઓની તસવીર જોઈને તેમની શક્તિ, સાર્મથ્ય, સમૃદ્ધિ ને જાહોજલાલીની કલ્પનામાં ખોવાઈ જવાય છે. કુદરતી સૌંદર્યની તસવીર જોઈને તેવા સુંદર સ્થાનની કલ્પના ઉદભવે છે. કોઈ યોદ્ધાની તસવીર જોઈને મનમાં શૌર્યભાવ-વીરભાવ પ્રગટ થઈ આવે છે. એ જ રીતે પ્રભુના સૌમ્ય ને સુંદર પ્રતિમાસ્વરૂપનું દર્શન થતાં જ દર્શકના ચિત્તની અવસ્થા બદલાઈ જાય છે. તેમાં ભક્તિભાવ, દાસભાવ, સખાભાવ, શરણાગતિનો ભાવ, સાત્ત્વિક પ્રેમભાવ સહજ રીતે જ ઉદય થાય છે. સંતપુરુષોની તસવીરોનાં દર્શનથી તેમના કલ્યાણકારી ગુણો ને પ્રેરણાદાયી આદર્શોની સ્મૃતિ થઈ આવે છે. કેટલાક ભક્તોને પ્રભુના સ્વરૂપ દ્વારા અલૌકિક પ્રેરણાઓ પણ થતી હોય છે. આ છે મૂર્તિપૂજાનું રહસ્ય, જે હવે સરળતાથી સમજી શકાશે.

મૂર્તિપૂજાના વિરોધી આર્યસમાજીઓ પણ શ્રી દયાનંદજીની તસવીર રાખતા હોય છે, કારણ કે તેઓ જાણે-અજાણે તેને પૂજનીય ને વંદનીય ગણી તેમાંથી પ્રેરણા મેળવે છે, પણ તે આ તથ્યને સમજી શકતા નથી. પ્રભુના સ્વરૂપમાં ઉત્કટ પ્રેમને લઈને તેમના પ્રતિમાસ્વરૂપના અવલંબનથી મીરાંબાઈ, નરસિંહ મહેતા, સંત તુકારામ, શ્રી રામકૃષ્ણ પરમહંસ જેવા અનેક વિરલ ભક્તો પ્રભુપ્રાપ્તિ કરી શક્યા છે. સ્વામિનારાયણ ધર્મમાં તો એવા અસંખ્ય ભક્તો થઈ ગયા છે કે જેમણે પ્રભુના પ્રતિમાસ્વરૂપના ધ્યાન-ભજન-ઉપાસના-ભક્તિ દ્વારા આત્મા-પરમાત્માનો સાક્ષાત્કાર પામી મુક્તદશા પ્રાપ્ત કરી હોય.

પરમતત્ત્વ પરમાત્મા સર્વવ્યાપી છે. તે દેશ અને કાળની મર્યાદાઓથી પર, મન-વાણીને અગોચર છે. માનવીય બુદ્ધિ કે તર્ક દ્વારા તેનો અનુભવ શક્ય નથી. જીવાત્મા મૂળ અજ્ઞાન-અવિદ્યાનાં આવરણોથી બદ્ધ છે. તેને માટે પરબ્રહ્મનું અવ્યક્ત સ્વરૂપ પ્રાપ્ત કરવું અતિ દુષ્કર છે. તે શ્રીમદ્ ભગવદ્ગીતામાં પણ કહ્યું છે :

'अव्यक्तानां गतिर्दुःखं देहवद्विखाप्यते ।'

આવા બદ્ધ જીવને મુક્તદશા ઉપલબ્ધ થાય તે હેતુથી પરમાત્માએ અને સત્પુરુષોએ સત્શાસ્ત્રોમાં પરમાત્માના અર્ચાસ્વરૂપની ઉપાસના ને આરાધના કરવાનું દર્શાવ્યું છે. પૂર્ણ સ્થિતિવાળા મુક્તપુરુષ જ્યારે કોઈ પ્રતિમાસ્વરૂપમાં પ્રાણપ્રતિષ્ઠા કરે છે, ત્યારે તેમની દિવ્ય સંકલ્પશક્તિ અને મંત્રશક્તિ દ્વારા સર્વવ્યાપી પ્રભુનો પ્રતિમાસ્વરૂપમાં આવિર્ભાવ થાય છે. શ્રદ્ધાપૂર્વક સાધક તે સ્વરૂપની અર્ચા-પૂજા, ઉપાસના-આરાધના કરે છે, તેને પ્રતિમાસ્વરૂપમાં આવિર્ભૂત થયેલા પરમાત્મા પોતાની દિવ્યશક્તિ દ્વારા આકર્ષે છે. તેની આધ્યાત્મિક ચેતના જાગૃત કરી, આધ્યાત્મિક વિકાસ કરાવી પૂર્ણતાને પ્રાપ્ત કરાવે છે.

પંચરાત્રશાસ્ત્રમાં પરમાત્માના વ્યૂહ, વિભવ, અર્ચા ને અંતર્યામી એવા સ્વરૂપનો નિર્દેશ છે. તેમાં અર્ચાસ્વરૂપની ઉપાસનાનો પણ ઉલ્લેખ છે. પરમાત્મા વ્યૂહસ્વરૂપ દ્વારા ચતુર્વ્યૂહરૂપે પ્રગટ થઈ બ્રહ્માંડોની ઉત્પત્તિ- સ્થિતિ- લય વગેરે કરે છે. કોઈ કાર્ય નિમિત્તે થતા અવતારો પ્રભુનાં વિભવ સ્વરૂપો છે. અર્ચાસ્વરૂપ એટલે પ્રતિમાસ્વરૂપ અને અંતર્યામી સ્વરૂપ એટલે અણુ અણુમાં સર્વત્ર વ્યાપી રહેલું પરમાત્માનું અન્વયસ્વરૂપ. આ બધાથી પર પોતાના દિવ્યતેજરૂપ, બ્રહ્મરૂપ ધામમાં દિવ્ય સાકાર સ્વરૂપ છે તે પરમાત્માનું વ્યતિરેક સ્વરૂપ છે, જે પોતાના મુક્તોને દિવ્ય સુખ-ઐશ્વર્ય આપે છે. આ રીતે સત્શાસ્ત્રોમાં પરમાત્માનું વર્ણન છે.

પ્રભુના પ્રતિમાસ્વરૂપમાં સાધકને જે પ્રેમ, ભક્તિ, વિરહ, મિલન, દાસ્ય, સાખ્ય, શરણાગતિ વગેરે હૃદયની ઉત્કટ ભાવોર્મિઓ પ્રગટે છે, તેના દ્વારા તેની આધ્યાત્મિક ચેતનાની જાગૃતિ થાય છે. ત્યાર બાદ ચેતનાની સહજ રીતે ઊર્ધ્વગતિ થાય છે. તેના પરિણામે યોગની અતિ દુર્લભ એવી નિર્વિકલ્પ સમાધિની સ્થિતિ પ્રાપ્ત થાય છે. જેમાં ચિત્તને નિરોધે કરીને પ્રાણનો નિરોધ થાય છે. એ સ્થિતિમાં પ્રભુના નિત્યસિદ્ધ દિવ્ય સાકાર વ્યતિરેક સ્વરૂપનો તેમ જ સર્વવ્યાપી નિરાકાર અક્ષરબ્રહ્મરૂપ અન્વય સ્વરૂપનો, એમ પરમાત્માનાં બંને સ્વરૂપનો સાધકના આત્મામાં સાક્ષાત્કાર થાય છે. અને સાધક આત્યંતિક મુક્તિરૂપ મુક્તદશાને, પરમપદને પામે છે. ત્યાર બાદ એ દિવ્ય સ્થિતિમાં રહી પ્રભુના અનિર્વાચ્ય, દિવ્યસુખને અખંડ અનુભવે છે. આ છે મૂર્તિપૂજાનું ગહન હાર્દ.

આ રહસ્યને મોટા મુક્તના જોગ-સમાગમ-સેવા દ્વારા જાણી લીધા પછી, જે ભક્ત દૃઢ નિષ્ઠા ને શ્રદ્ધાપૂર્વક પ્રતિમા સ્વરૂપમાંથી કાષ્ઠ, પાષાણ, ચિત્ર વગેરે પ્રતિમાનો ભાવ કાઢી દિવ્યભાવે સહિત દર્શન-અર્ચન-પૂજન કરે તો પ્રભુ તે ભક્ત ઉપર પ્રસન્નતા જણાવી, પ્રતિમાભાવ છોડી દઈ ભક્ત સાથે પ્રત્યક્ષ વાર્તાલાપ પણ કરે છે. તેની સેવા-પૂજા ગ્રહણ કરે છે. અનેક પ્રકારે રક્ષા ને સહાય પણ કરે છે. કંઈક સૂચન કે આદેશ કરવો હોય તો તે પણ કરે છે.

મુક્તપુરુષ સાચા સાધકને જ્ઞાનપ્રકાશ આપી પ્રતિમામાંથી કાષ્ઠ-પાષાણાદિકનો ભાવ દૂર કરી, દિવ્યભાવની દૃઢતા કરાવી તે સ્વરૂપના ધ્યાન-ચિંતન-નિદિધ્યાસ દ્વારા પ્રભુની સાક્ષાત્કાર પ્રાપ્તિ કરાવે છે. આવું રહસ્ય ન જાણનાર લોકો બીજા અનેકને અજ્ઞાન વશાત્ મૂર્તિપૂજાનો વિરોધ કરી મૂર્તિપૂજા દ્વારા પ્રભુપ્રાપ્તિના માર્ગમાંથી વિચલિત કરવાનો અપરાધ કરે છે. તે કેટલે અંશે યોગ્ય છે તે વાચક આ લેખ વાંચીને પોતે જ નક્કી કરી શકશે!