એકાદશીનું વ્રત

0:000:00

एकादशीनां सर्वासां कर्तव्यं व्रतमादरात् ।

'અને સર્વે જે એકાદશીઓ તેમનું વ્રત જે તે આદરથકી કરવું.' - શિ. શ્લો. 79

શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વરચિત શાસ્ત્ર શિક્ષાપત્રીમાં એકાદશીનું વ્રત કરવાની આજ્ઞા કરેલી છે. માસમાં બે વખત આવતી એકાદશી, એક શુક્લપક્ષની અને બીજી કૃષ્ણપક્ષની એકાદશીઓનું વ્રત કરવાનું હોય છે. એકાદશી વ્રત મનવાંછિત સુખ આપનારું તથા ધર્મ, અર્થ, કામ ને મોક્ષરૂપ પુરુષાર્થની સિદ્ધિ આપનારું ને પાપનાશક ગણવામાં આવ્યું છે. આ વ્રત માથે આવી પડ્યું છે, માટે કરવું જ પડશે એવા ભાવથી કરવાનું નથી. તેમ જ લોકલાજે પણ કરવાનું નથી. એવા શુષ્કભાવે કરેલા વ્રતથી ઢોરલાંઘણ થાય, પણ વ્રતનું ફળ મળે નહિ. ઢોરને ખાવા ન મળ્યું હોય, ત્યારે પરાણે ભૂખ્યા રહેવું પડે તેને શ્રીહરિએ ઢોરલાંઘણ કહી છે. એકાદશીનું વ્રત અતિ ભક્તિભાવથી પ્રભુપ્રસન્નતાના ઉદ્દેશથી કરવાનું છે. તેથી 'આદરથકી' એવો શબ્દપ્રયોગ શ્રીહરિએ ભારપૂર્વક કર્યો છે. પુરાણોમાં ને શાસ્ત્રોમાં તો ચોવીશ એકાદશીઓ ને પુરુષોત્તમ માસની એકાદશીઓ ઉપર જુદી જુદી દૃષ્ટાંતકથાઓ તથા પૂજાવિધિનો ઉલ્લેખ છે. અહીં તો એકાદશી વ્રતનું આધ્યાત્મિક હાર્દ છે, તેને જ સમજવા પ્રયત્ન કરીશું.

કેટલાક લોકો સોમવાર, મંગળવાર, ગુરુવાર, શનિવાર વગેરે વારના વ્રત કરે છે. તેની પાછળ મુખ્યત્વે કોઈ જોષીબ્રાહ્મણે દેખાડેલો ગ્રહનડતરનો ભય રહેલો હોય છે. તે દિવસે બ્રાહ્મણે દેખાડેલી પૂજાવિધિ, મંત્રજાપ, ઉપવાસ વગેરે વ્રત કરનાર વ્યક્તિ કરે છે. આવા વારના વ્રતથી શ્રીહરિની પ્રસન્નતા થતી નથી. કારણ કે આવા કોઈ વાર કરવાની શ્રીહરિની શાસ્ત્રમાં આજ્ઞા નથી. જેમ કોઈ વ્યક્તિ સ્વેચ્છાએ જાહેર રસ્તાની સાફસૂફી કરે ને પછી તેનું મહેનતાણું માગવા જાય તો મહેનતાણું મળે નહિ. પછી ભલેને આખો દિવસ તેણે શ્રમ કર્યો હોય! પણ કોઈ સરકારી કર્મચારી પોતાની ફરજ બજાવવા રસ્તાની સાફસૂફી કરે તો તેને તેનો પગાર મળે છે. તેમ શ્રીહરિની આજ્ઞા ન હોવાથી વ્યક્તિ પોતાની મેળે કોઈ વારનું વ્રત કરે તો તે વ્રત કરનારને થોડો માનસિક સંતોષ અને થોડો આરોગ્ય લાભ મળે, પણ આધ્યાત્મિક લાભ ન થાય, કારણ કે તેમાં શ્રીહરિની પ્રસન્નતા થતી નથી. એકાદશી વ્રત કરવાની તો સ્વયં શ્રીહરિની આજ્ઞા હોવાથી તેનું યથાર્થ પાલન કરનાર ઉપર પ્રભુની પ્રસન્નતા થાય છે. ભક્તે આ વાત સમજવી ઘટે.

કેટલીક વખત એવું જોવામાં આવે છે કે ગ્રહનડતરના ભયના માર્યા કેટલાક લોકો વારનું વ્રત ખૂબ જ કાળજી રાખીને ભાવપૂર્વક કરતા હોય છે. તેટલા ભાવથી એકાદશીનું વ્રત પણ કેટલાક ભક્તો કરતા નથી. એટલે એકાદશી વ્રતનું શાસ્ત્રમાં વર્ણવેલ ફળ તેમને મળતું નથી. તે માટે મુમુક્ષુ ભક્તે સાચી સમજણ કેળવી આજ્ઞા પ્રમાણે યથાર્થ માહાત્મ્યપૂર્વક વ્રત કરવું આવશ્યક છે.

એકાદશીને દિવસે ઇંદ્રિયો - અંતઃકરણના દમન ને શમનરૂપ તપશ્ચર્યા કરવાને બદલે કેટલાક લોકો રજોગુણી-તમોગુણી પ્રવૃત્તિઓમાં વધારે ગૂંચવાઈ જાય છે. એકાદશી-અગિયારસને દિવસે અગિયાર પ્રકારના રસ અર્થાત્ અગિયાર પ્રકારની વિવિધ ફરાળી વાનગીઓ બનાવે છે ને કેટલાક તો તેથી પણ વધારે વાનગીઓ બનાવીને આરોગતા હોય છે. અમુક પ્રકારની વાનગીઓ પેટમાં અપચો, ગેસ, ઍસિડિટી વગેરે બીમારીઓ નોતરે છે. પેટ બગડે એટલે કોઈ કાર્યમાં ચિત્ત ચોંટે નહિ, તો પ્રભુનું ધ્યાન-ભજન એકાગ્રતાપૂર્વક થવાની તો વાત જ દૂર રહી! સ્વાદિષ્ટ વાનગીઓ વધુ પડતી ખાવાથી આળસ-પ્રમાદ ઉત્પન્ન થાય, એટલે કેટલાક લોકો આરામના બહાને દિવસે સૂઈ જાય છે. સાંજે હરવા-ફરવા ને મોજમજા કરવા નીકળી પડે છે ને રાત્રિ જાગરણના બહાને સિનેમા, ટી.વી., નાટક, નાચગાન, પાર્ટી વગેરે મનોરંજનના કાર્યક્રમોમાં રચ્યાપચ્યા રહે છે. અને એકાદશી કર્યાનો આત્મસંતોષ માને છે. પછી એકાદશી વ્રત ફળે કેવી રીતે? પોતાનું કોઈ લૌકિક કાર્ય સિદ્ધ ન થાય એટલે નાસ્તિકભાવ લાવી પ્રભુને દોષ આપે કે 'મેં તો કેટલી બધી એકાદશીઓ કરી, પણ મને તેનું કોઈ ફળ મળ્યું નહિ!' પરંતુ પ્રભુની ને સત્પુરુષની આજ્ઞા પ્રમાણે પોતે શ્રદ્ધાપૂર્વક વ્રત નથી કર્યું તેથી ફળ્યું નથી, તેમ વિચારતા નથી, તે મોટો દોષ છે.

શ્રીહરિએ શ્રીમુખવાણી વચનામૃત ગઢડા મ. પ્ર. 8માં પૌરાણિક કથાનક સાથે ખરા અર્થમાં એકાદશી વ્રત કોને કહેવાય, તેનું વિસ્તૃત વર્ણન કર્યું છે. આમાં શ્રીહરિએ કહેલ પૌરાણિક કથાનું હાર્દ એ છે કે મૂરદાનવ નામના અસુરને હણવા માટે ભગવાને એકાદશ ઇંદ્રિયોમાંથી શક્તિ ઉત્પન્ન કરી તે શક્તિ દ્વારા મૂરદાનવનો નાશ કર્યો. તે શક્તિને એકાદશી નામ મળ્યું. તે મૂરદાનવ એટલે જીવાત્માને અનાદિકાળથી વળગેલું મૂળઅજ્ઞાન, એ મૂળઅજ્ઞાનરૂપ દાનવના અર્થમાં જીવનું દેહાભિમાન-અહંકાર તથા અવિદ્યાનો સમાવેશ થઈ જાય છે. પંચજ્ઞાનેન્દ્રિયો - શ્રોત્ર, ત્વક્, ચક્ષુ, રસના ને ઘ્રાણ; પંચકર્મેન્દ્રિયો - વાક્, પાણિ, પાદ, પાયુ ને ઉપસ્થ એમ દશ ઇંદ્રિયો તથા અગિયારમું મન તેની શબ્દાદિ પંચવિષયાભિમુખ વૃત્તિઓને પ્રત્યાહાર દ્વારા તે તે વિષયમાં જતી રોકીને આત્મા-પરમાત્માના સ્વરૂપમાં વિવેકપૂર્વક જોડવાથી ઇંદ્રિયો-અંતઃકરણની શુદ્ધિ થવાથી, તેનો સંયમ થવાથી ચેતનાશક્તિ પ્રગટ થાય છે. એ ચેતનાશક્તિનું ઊર્ધ્વીકરણ થવાથી આત્મા-પરમાત્માનો સાક્ષાત્કાર થઈ શકે છે. આત્મા-પરમાત્માના જ્ઞાનરૂપ-પ્રકાશરૂપ તે ચેતનાશક્તિ દ્વારા જ જીવના મૂળઅજ્ઞાનરૂપ-અહંકારરૂપ મૂરદાનવનો નાશ થઈ શકે છે. તેનો નાશ થવાથી, આત્મા-પરમાત્માનો સાક્ષાત્કાર થવાથી આત્યંતિકમોક્ષની સિદ્ધિ થાય છે. આ એકાદશી વ્રતનું આધ્યાત્મિક હાર્દ છે. આવા પ્રકારની એકાદશીનું વ્રત તો અમારા ભક્તોએ નિરંતર કરવું એમ શ્રીહરિ કહે છે.

એકાદશીને દિવસે ઉપવાસ કરવાનો આદેશ છે. ઉપવાસમાં 'ઉપ' એટલે પાપકર્મોથી ઉપનિવૃત્ત થયેલા ભક્તને ભગવાનના દિવ્ય કલ્યાણકારી ગુણો સાથે 'વાસ' એટલે સ્થિતિ. વિષયભોગની નિવૃત્તિ કરી દિવ્યગુણો સાથેની સ્થિતિ તે ઉપવાસ ગણાય છે. ઉપવાસનો 'સત્સંગિજીવન' ગ્રંથમાં શ્રીહરિ આવો અર્થ દર્શાવે છે. બીજો અર્થ છે- ઉપ એટલે પાસે ને વાસ એટલે નિવાસ કરવો. અર્થાત્ ઇંદ્રિયો-અંતઃકરણની વૃત્તિઓને તેમના જગતસંબંધી પંચવિષયોમાંથી પાછી વાળીને પ્રભુના સાંનિધ્યમાં રહેવું, નિવાસ કરવો તે ઉપવાસ. ઇંદ્રિયો-અંતઃકરણની વિષયાભિમુખ વૃત્તિઓનું ઉપશમન કરીને પરમાત્માના સ્વરૂપમાં ચૈતન્યનો લીન કરવારૂપ વાસ કરવો, એટલે પરમાત્મારૂપ થઈ પરમાત્માના સ્વરૂપમાં રસબસ લીન થઈ તેમનું દિવ્ય સુખ ભોગવવારૂપ નિવાસ કરવો. આ ઉપવાસનો સર્વોત્કૃષ્ટ અર્થ છે.

આરોગ્યવિજ્ઞાનની દૃષ્ટિએ વિવેકપૂર્વકના ઉપવાસ તે અગત્યની ઉપચાર પદ્ધતિ છે. ઘણા પ્રકારના અસાધ્ય ગણાતા રોગો પણ ઉપવાસ દ્વારા ચમત્કારિક રીતે મટ્યાના દાખલા છે. કુદરતી ઉપચાર Naturopathy વાળા ઉપવાસને અકસીર ઇલાજ ગણાવે છે. કેટલાક દેહદમનને નામે, તપને નામે લાંબાગાળાના જડતાપૂર્વક ઉપવાસ કરીને દેહને સાવ ક્ષીણ કરી નાખે છે. તેનાથી તમોગુણ વૃદ્ધિ પામે છે. ઇંદ્રિયોની શક્તિઓ, મનની સ્મૃતિશક્તિ, સંકલ્પશક્તિ, નિર્ણયશક્તિ, તર્કશક્તિ વગેરે શક્તિઓ પણ ક્ષીણ થઈ જાય છે. માટે જડતાપૂર્વક દેહનું અતિદમન કરવાનું નથી. અહીં ભગવાન બુદ્ધનું દૃષ્ટાંત અસ્થાને નહિ ગણાય.

ભગવાન બુદ્ધે નિરાહાર રહી અતિ તપસ્યા કરી તેથી શરીરની શક્તિઓ ક્ષીણ થઈ ગઈ. શરીર દ્વારા જોઈતું કાર્ય થઈ શકતું ન હતું. એક વખત તેઓ એક ગામમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક નર્તકી નૃત્ય સાથે ગાન કરતી હતી. તેના શબ્દો સાંભળી બુદ્ધ ત્યાં જ ઊભા રહી ગયા. નર્તકીના ગાનના શબ્દોનો અર્થ હતો - તું તારી વિણાના તાર એટલી હદે ના ખેંચીશ કે તે તૂટી જાય. અને એટલી હદે ઢીલા ન છોડીશ કે તેમાંથી સૂર જ ન નીકળે! આ સાંભળી બુદ્ધને બોધ મળી ગયો કે મધ્યમ માર્ગ જ ઉત્તમ છે. શ્રીમદ્ ભગવદ્ગીતામાં પણ શ્રીકૃષ્ણ ભગવાન કહે છે કે અતિ આહાર કરનારને અને બિલકુલ આહાર નહિ કરનારને તથા અતિ ઊંઘનારને અને બિલકુલ નહિ ઊંઘનારને માટે યોગ દુષ્કર છે. માટે આહાર અને નિદ્રાને જીતીને યોગ્ય પ્રમાણમાં જ રાખવા જોઈએ. યોગશાસ્ત્રમાં પણ પ્રાણને નિયમમાં રાખવા માટે પેટના ચાર ભાગ કલ્પી બે ભાગ ખોરાક વડે ભરવાના, એક ભાગ પાણીથી ભરવાનો અને એક ભાગ વાયુ-પ્રાણના સંચાર માટે ખાલી રાખવાનું વિધાન છે. આ નિયમનો ભંગ કરનારને આધ્યાત્મિક પ્રગતિમાં વિઘ્ન આવે છે. માટે સાધકે વિવેકબુદ્ધિનો ઉપયોગ કરી મધ્યમ માર્ગ અપનાવવો જ હિતાવહ છે. આહાર-વિહાર શુદ્ધ, સાત્ત્વિક અને યુક્ત-સંયમિત જ હોવા આવશ્યક છે, તો જ સાધકની આધ્યાત્મિક ઉન્નતિ શક્ય બને છે.

એકાદશીના પ્રતીક ઉપવાસથી પાચનતંત્રના અવયવોને જરૂરી આરામ મળે છે. મહિનામાં બે દિવસ આવા આરામ માટે આવશ્યક ગણાય છે. તેથી પાચનતંત્રના અવયવોની ક્ષમતા પણ વધે છે. તન-મનના આરોગ્ય માટે આવા ઉપવાસ જરૂરી છે. એકાદશીને દિવસે અન્નનો આહાર ન લેવો તેવી શ્રીહરિની આજ્ઞા છે. વૃદ્ધ, રોગી ને અશક્ત ભક્તોને અપવાદરૂપે ગણી ફલાહાર કરવાની છૂટ આપવામાં આવી છે, પણ સશક્ત ને નિરોગી ભક્તો નિરાહાર રહી વ્રત કરે તો અત્યંત લાભ થાય છે. વધુ ભૂખ સહન ન કરી શકનારને મુનિ-અન્ન એટલે મોરૈયો, રાજગરો, બટેટા કે શકરિયા જેવા કંદમૂળની પણ શાસ્ત્રમાં છૂટ હોય છે. આ છૂટનો લાભ અશક્તોની સાથે સશક્તો પણ લઈ લે છે. કેટલાક કહે છે કે અમને ફરાળી વસ્તુઓ માફક નથી આવતી. વાયુ થઈ જાય છે. અપચો થઈ જાય છે. એ બધું કરવાનો અમારી પાસે સમય જ નથી- વગેરે બહાનાં બતાવી એકાદશી વ્રત કરવાનું જ ટાળે છે. આવા લોકોને પ્રભુની આજ્ઞાનું ઉલ્લંઘન થવાથી એકાદશી વ્રત દ્વારા મળતા લાભોથી તેઓ વંચિત રહી જાય છે ને પ્રભુની પ્રસન્નતા પણ મળતી નથી. ફરાળી વસ્તુ ન ફાવે તો ફક્ત દૂધ, છાશ, ફળોનો રસ વગેરે પ્રવાહી લઈને પણ એકાદશી કરી શકાય છે. તેથી પેટને પણ તકલીફ પડતી નથી. અતિ આપત્કાળ સિવાય અન્નનો તો ત્યાગ રાખવો જોઈએ તો પ્રભુ પ્રસન્ન થાય.

એકાદશીને દિવસે નિરાહાર રહી કે અલ્પ ફલાહાર કરી ઉપવાસ કરવાથી મનોબળ, ઇચ્છાશક્તિ, સંકલ્પશક્તિ (Will power)માં વૃદ્ધિ થાય છે. આવી શક્તિઓનો વિકાસ થવાથી ઇંદ્રિયો - અંતઃકરણની વૃત્તિઓને સંયમમાં લાવવામાં તેની ઉપર કાબૂ મેળવવામાં સરળતા રહે છે. તેને લઈને કામ, ક્રોધ, લોભ, મોહ, માન, ઈર્ષા વગેરે અંતરશત્રુઓ ઉપર વિજય મેળવવામાં સફળતા મળે છે. મનોબળ વધવાથી દુર્વ્યસનો હોય તો તેનો ત્યાગ થઈ શકે છે. એકાદશી વ્રતને દિવસે અંતરશત્રુઓને બળપૂર્વક ને કળપૂર્વક જીતવાનો અભ્યાસ કરવાથી ધીમે ધીમે તેનું જોર ઘટી જાય છે. અંતરશત્રુઓ દ્વારા ઇંદ્રિયો-અંતઃકરણનું તેજ ક્ષીણ થવાથી જાગૃત થયેલી ચેતનાશક્તિનું અધોગમન થાય છે. માટે એકાદશીને દિવસે પરમાત્મામાં ને સત્પુરુષમાં શ્રદ્ધા, સંકલ્પબળ, વિવેકપૂર્વકનું દેહદમન તથા મનના શમનરૂપ તપશ્ચર્યા દ્વારા અંતરશત્રુઓ ઉપર પ્રભુત્વ મેળવવાનો અભ્યાસ સાધકે જાગૃતચેતના સાથે અવશ્ય કરવો જોઈએ. લાંબા કાળના આવા અભ્યાસથી સાધક અંતરશત્રુઓ ઉપર ચોક્કસ વિજય મેળવી શકે છે. માટે સંનિષ્ઠ અભ્યાસ કરવામાં આળસ-પ્રમાદને પ્રયત્નપૂર્વક ત્યજવા જોઈએ.

નિરાહાર કે ફલાહાર જેવા અલ્પાહારથી વ્રતના દિવસે રાંધવાનો સમય બચી જાય છે. આળસ-પ્રમાદ પણ ઘટે છે, તેથી તે સમય ને શક્તિનો ઉપયોગ પ્રભુના સ્વરૂપમાં જોડાવાના ધ્યાન-ભજન વગેરે સાધનો કરવામાં સરળતાથી થઈ શકે છે. આવા વ્રતના દિવસે જેને સમયની અનુકૂળતા હોય તેમણે ધ્યાન-ભજન, કથા-વાર્તા, મંત્ર-જાપ, માળા, સ્તોત્રપાઠ, કીર્તનઆરાધના, સંત-સમાગમ-સેવા વગેરે સદ્પ્રવૃત્તિઓમાં જ આખો દિવસ વિતાવવો જોઈએ.

આજકાલ લોકોને પોતાના ધંધા, રોજગાર, નોકરી નિમિત્તે દિવસ દરમ્યાન પ્રભુપ્રસન્નતા માટેનાં સાધનો કરવામાં સમય ન ફાળવી શકાય તે સ્વાભાવિક છે. તો પણ આવા ભક્તોએ સાંજે સ્નાન વગેરે કરીને, પવિત્ર થઈને પોતાના ઘરની શાંત રૂમમાં કે જગ્યામાં કે મંદિર જેવા પવિત્ર સ્થાનમાં કે કોઈ એકાંત ને શાંત જગ્યામાં ધ્યાન-ભજનનો અભ્યાસ એકાદશીને દિવસે અવશ્ય કરવો જોઈએ. પ્રભુપ્રસન્નતાના આવા સાધન કરવાથી ઇંદ્રિયો-અંતઃકરણ નિર્મળ ને સાત્ત્વિક બને છે, તેથી આધ્યાત્મિક પ્રગતિ શક્ય બને છે.

એકાદશી વ્રતના દિવસે દિવસની નિદ્રાનો ત્યાગ કરવાની શ્રીહરિની આજ્ઞા છે. દિવસની નિદ્રા દ્વારા આળસ-પ્રમાદ ઉદભવે છે. તેને લીધે રજોગુણ-તમોગુણના વેગની તીવ્રતાને લઈને ક્યારેક વિષયભોગ સંબંધી દિવાસ્વપ્નમાં વીર્યસ્ખલન થવાથી બ્રહ્મચર્યભંગની સંભાવના રહે છે. જાગૃત અવસ્થામાં તો આ વ્રતના દિવસે સ્ત્રીસંગનો, વિષયભોગનો ત્યાગ તો રાખવાનો જ છે, પરંતુ સ્વપ્નમાં પણ તેમ ન થાય તેની સાવચેતીરૂપે પ્રયત્નપૂર્વક દિવસની નિદ્રા ત્યાગવાની વાત છે. બ્રહ્મચર્ય-નિષ્કામવ્રત તો આધ્યાત્મિક ઊર્ધ્વગતિનો પાયો છે. તેનો વ્રતના દિવસે જ ભંગ થાય તો જાગૃત થયેલી ચેતનાશક્તિ, આધ્યાત્મિક ઊજાર્નું અધોગમન થવાથી ઉપવાસ વખતે કરેલી સાધના બધી વ્યર્થ જાય છે. માટે વિષયભોગ તથા દિવસની નિદ્રાનો પ્રયત્નપૂર્વક ત્યાગ આવશ્યક ગણ્યો છે. આ દિવસે ક્રોધ કરવાથી જે સુકૃત કરેલા હોય તેનો નાશ થઈ જાય છે. માટે કામ, ક્રોધ, લોભ, માન, ઈર્ષા વગેરે ઉપર પ્રયત્નપૂર્વક કાબૂ મેળવવો જોઈએ. વૃદ્ધ, અશક્ત, રોગી ભક્તોને દિવસની નિદ્રા માટે અપવાદ તરીકે ગણી શકાય, પરંતુ સશક્ત ભક્તોએ આ આજ્ઞાનું જરૂર પાલન કરવું જોઈએ. જુગાર વગેરે દુર્વ્યસનોનો ત્યાગ તો હંમેશ માટે કરવાનો હોય છે, તો આ વ્રતના દિવસે ત્યાગ કરવાનો હોય જ તેમાં શું કહેવાનું હોય?

એકાદશીને દિવસે રાત્રિ જાગરણ કરવાનો પણ આદેશ છે. માટે ભક્તોએ એક-બે પ્રહર જરૂર જાગરણ કરવું જોઈએ. જાગરણ એ આધ્યાત્મિક ચેતનાના જાગરણનું, આત્મજાગૃતિનું દ્યોતક છે. ધ્યાન-ભજન વગેરે પ્રભુપ્રસન્નતાના સાધનરૂપી તપશ્ચર્યા કરવાથી અનેક જન્મોનાં પાપકર્મોનો ક્ષય થાય છે. વ્રતના દિવસે પૂર્ણ સ્થિતિવાળા મુક્તપુરુષનો - સત્પુરુષનો જોગ-સમાગમ-સેવા જે મુમુક્ષુને મળે તેના ભાગ્યનો પાર તો કોઈ દેવતા પણ પામી ન શકે! વ્રતની તપશ્ચર્યા તથા સેવા દ્વારા મુક્તપુરુષ પ્રસન્ન થવાથી તેમના દ્વારા પ્રભુ પોતે જ પ્રસન્ન થાય છે. તેથી ભક્તના અવરભાવના શુભ મનોરથો પૂર્ણ થાય છે ને તેનું આત્યંતિક કલ્યાણ પણ થાય છે. એકાદશી જેવા પવિત્ર દિવસે પ્રભુ તેમ જ સત્પુરુષ વિશિષ્ટ પ્રસન્નતા ને કૃપા વરસાવતા હોવાથી ભક્તનો આધ્યાત્મિક વિકાસ ત્વરિતપણે થાય છે. માટે મુક્તપુરુષ પ્રગટ હોય ત્યારે તો અવશ્ય લાભ લઈ લેવો જોઈએ. મુક્ત પ્રગટ ન હોય ત્યારે પવિત્ર ભક્તોએ સત્સંગ કરી એકબીજાને પોષણ આપતા રહેવું જોઈએ, જેથી માયાના પ્રવાહમાં તણાઈ જવામાંથી બચી શકાય.

એકાદશી વગેરે વ્રતનું ઉદ્યાપન કરવાનો પણ શ્રીહરિનો આદેશ છે. તેમાં વર્ષ દરમ્યાન થયેલા એકાદશી વગેરે વ્રતની તપશ્ચર્યા પ્રભુપ્રસન્નતા માટે પ્રભુને અર્પણ કરીને પ્રભુની સંપૂર્ણ શરણાગતિ સ્વીકારવાનો ભાવ રહેલો છે. એ વખતે મહાપૂજા, દાન-દક્ષિણા વગેરે ભાવપૂર્વક કરવાથી શુભ મનોરથો પૂર્ણ થાય છે. આ વખતે પ્રગટ મુક્તપુરુષ હોય તો તેમના શુભાશિષ લઈ શકાય. તે શક્ય ન હોય તો પ્રભુ તથા મુક્તને અંતરવૃત્તિએ સંભારી પ્રાર્થના કરી શકાય. આ રીતે શ્રદ્ધાપૂર્વક ઉદ્યાપન કરવાથી ધર્મ, અર્થ, કામ ને મોક્ષરૂપ પુરુષાર્થની સિદ્ધિ થાય છે. અને અનંત જન્મનાં પાપકર્મો જે જીવને વળગેલા છે, તેનો પણ નાશ થાય છે.

એકાદશી વ્રત કરવાની અનેક સત્શાસ્ત્રોમાં આજ્ઞા હોવાથી મુખ્યત્વે ભારતદેશમાં આસ્તિક સમાજનો મોટો ભાગ આ વ્રત કરે છે. તેથી તેમના ભક્તિભાવના, શ્રદ્ધાના પવિત્ર ભાવતરંગો - આંદોલનોની સમગ્ર વાતાવરણ ઉપર ઘેરી અસર થવાથી સામૂહિક માનવચેતના પ્રભાવિત થાય છે. તેમ થવાથી માનવીના મનનું કુદરતી વલણ સાત્ત્વિકતા ને પવિત્રતા તરફ રહે છે. તેથી તે દિવસે પાપકર્મોનું પ્રમાણ પણ કેટલેક અંશે ઘટે છે.

ચંદ્ર એ મનનો દેવતા છે, તેમ શાસ્ત્રવિધાન છે. ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળથી જ પૃથ્વી ઉપર સમુદ્રમાં ભરતી આવે છે. વનસ્પતિઓમાં પોષક રસનું પોષણ પણ ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળથી તેમ જ શીતળ કિરણોથી થાય છે. એ જ રીતે માનવીના મન ઉપર પણ ચંદ્રની અસર થતી હોવાથી ચંદ્રને મનનો કારક દેવતા ગણવામાં આવે છે. યોગશાસ્ત્ર પ્રમાણે શરીરમાં રહેલી ઇડાનાડી - ચંદ્રનાડી ચંદ્ર સાથે સંકળાયેલી છે ને પિંગલા - સૂર્યનાડી સૂર્ય સાથે સંકળાયેલી છે. પિંડ અને બ્રહ્માંડની એકતા શાસ્ત્રોમાં કહેલી છે. માટે જગતના બધા પદાર્થો એકબીજા સાથે સંકળાયેલા હોવાથી એકબીજાથી વધુ-ઓછે અંશે પ્રભાવિત થતા રહે છે. એકાદશીના દિવસે થતી ચંદ્રકલા બીજા સામાન્ય દિવસ કરતાં મનમાં વધુ સાત્ત્વિકતા ઉત્પન્ન કરે છે, એવું કેટલાક ચિંતકોનું મંતવ્ય છે.

સર્વોપરી પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણની પણ શિક્ષાપત્રી તેમ જ વચનામૃતમાં એકાદશી વ્રતના પાલનની આજ્ઞા હોવાથી તેનું યથાર્થ રીતે માહાત્મ્યપૂર્વક ને શ્રદ્ધાપૂર્વક પાલન કરવાથી તેમની પ્રસન્નતા થાય છે અને તેવા પાલનનું પરમાત્માના અવિચળ દિવ્યસુખરૂપે તેનું અક્ષય ફળ મળે છે.

આ રીતે એકાદશી વ્રતનું યથાર્થ હાર્દ સમજી મુમુક્ષુ ભક્તે જાગૃતચેતના સાથે એ વ્રત કરી પ્રભુપ્રસન્નતાના અધિકારી બનવું જોઈએ.