તપની મહત્તા
ઇંદ્રિયો તથા અંતઃકરણની વિષયાભિમુખ વૃત્તિઓનો નિગ્રહ કરી, તેની ઉપર વિજય મેળવી, તેના દ્વારા આધ્યાત્મિક ચેતનાની જાગૃતિ કરી તેનું ઊર્ધ્વીકરણ કરવા માટે તપ એક મહત્ત્વનું સાધન છે. તપશ્ચર્યાના મુખ્ય બે પ્રકારો છે. 1. ઇંદ્રિય દમન, 2. મનનું શમન.
1. ઇંદ્રિયદમન અથવા દેહદમન :
શરીરમાં પાંચ જ્ઞાનેન્દ્રિયો શ્રોત્ર, ત્વક્, ચક્ષુ, રસના ને ઘ્રાણ. પાંચ કર્મેન્દ્રિયો વાક્, પાણિ, પાદ, પાયુ ને ઉપસ્થ. આ દસ ઇંદ્રિયો દ્વારા ભૌતિક પંચવિષયો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધનું ગ્રહણ કરવા માટે અંતઃકરણમાંથી ઉદભવતી વિવિધ વૃત્તિઓનું પ્રત્યાહાર દ્વારા દમન કરવું અર્થાત્ ઇંદ્રિયોની વૃત્તિને વિવેકજ્ઞાન, વૈરાગ્ય, દૃઢસંકલ્પ ને મનોબળ દ્વારા પોતપોતાના વિષયોમાં જતી રોકવી. તેને વિષયોમાંથી પાછી વાળી તેનો નિગ્રહ કરી તેને આત્મા-પરમાત્મામાં જોડવારૂપી યોગનું આચરણ કરવું. તે ઇંદ્રિયોની વૃત્તિરૂપી હવિષ્યાન્ન (યજ્ઞમાં હોમવાની સામગ્રી)ને આત્મા પરમાત્મારૂપ બ્રહ્મયજ્ઞમાં હોમવી, તે ખરા અર્થમાં ઇંદ્રિયદમન છે.
ઉદાહરણ તરીકે ચક્ષુ ઇંદ્રિય એટલે આંખ દ્વારા મનમાં રાગ કે વિકાર ઉત્પન્ન થાય તેવું રૂપ જોવામાંથી આંખની વૃત્તિને પાછી વાળી, અંતરમાં પ્રભુ અથવા સત્પુરુષનાં દર્શન કરવાં. બહાર પણ પ્રભુના સ્વરૂપનાં તથા સત્પુરુષનાં દર્શન કરવામાં રોકવી. તે ચક્ષુ ઇંદ્રિયના દમનરૂપ તપ છે. શ્રોત્ર-શ્રવણેંદ્રિય અર્થાત્ કાનની વૃત્તિને અયોગ્ય ને અનિષ્ટ શબ્દોમાં કે ધ્વનિમાં રસ લેતી અટકાવી ને પ્રભુ સંબંધી કથા-કીર્તન, સત્પુરુષની વાણી વગેરે સાંભળવામાં રોકવી. સત્ત્વગુણ ઉદય થાય તેવી વાતો સાંભળવી. આ શ્રવણેંદ્રિયના દમનરૂપ તપ છે. ત્વચા દ્વારા પાપી મનુષ્યનો કે કોઈ વિકારી વ્યક્તિનો, અનિષ્ટ પદાર્થનો સ્પર્શ ત્યજી, ત્વચા દ્વારા પ્રભુના સ્વરૂપનો કે સત્પુરુષનો સ્પર્શ કરવો. તેમના પ્રસાદીભૂત પદાર્થોનો ભાવપૂર્વક સ્પર્શ કરવો તે ત્વક્ઇંદ્રિયના દમનરૂપ તપ છે. રસના ઇંદ્રિય દ્વારા રજોગુણ-તમોગુણ વધે તેવા આહારની આસક્તિ છોડી સત્ત્વગુણની વૃદ્ધિ થાય તેવો પ્રભુના ને સંતના પ્રસાદરૂપ આહાર કરવો, મિતાહાર કરવો એ રસના ઇંદ્રિયના દમનરૂપ તપ છે. ઘ્રાણેન્દ્રિય દ્વારા રજોગુણી-તમોગુણી અસર ઉપજાવે તેવા અત્તર કે સુગંધીત દ્રવ્યોની આસક્તિમાંથી મુક્ત થઈ પ્રભુને અર્પણ કરેલાં પુષ્પ, ચંદન વગેરે સત્ત્વગુણ ઉત્પન્ન કરે તેવા પદાર્થોની પ્રસાદીના માહાત્મ્યે કરીને સુગંધ લેવી ને અયોગ્ય ને વિકાર ઉદય થાય તેવી સુગંધનો ત્યાગ રાખવો તે ઘ્રાણેન્દ્રિયના દમનરૂપ તપ છે.
વાણી ઉપર સંયમ કેળવી તેનો જ્યાં ઘટે ત્યાં જરૂર જેટલો જ સદુપયોગ કરી બિનજરૂરી વ્યય થવા ન દેવો અને સમજણપૂર્વકના મૌન દ્વારા તેનો નિગ્રહ કરવો અને અયોગ્ય ને નિરર્થક ચર્ચાઓ, દલીલો, વિખવાદો ને વાદવિવાદ વર્જવા એ વાક્ઇંદ્રિયના દમનરૂપ તપસ્યા છે. હાથ દ્વારા અયોગ્ય ને અઘટિત કર્મોનો ત્યાગ કરી સત્કર્મો કરવા, પ્રભુની અને સત્પુરુષની સેવા-પરિચર્યા કરવી, એ પાણિઇંદ્રિયના દમનરૂપ તપ છે. પગ દ્વારા કુમાર્ગે અનિષ્ટ હેતુ માટે ન જતાં સત્કર્મના ઉદ્દેશથી ગમન કરવામાં તેનો ઉપયોગ કરવો તે પાદ્ઇંદ્રિયના દમનરૂપ તપ ગણાય. એ જ રીતે પાયુ ને ઉપસ્થ ઇંદ્રિયોનો કુદરતી હાજત સિવાય અકુદરતી ને શાસ્ત્રો વિરુદ્ધ વ્યવહાર ને વ્યભિચાર વર્જવો તે તેમના દમનરૂપ તપ છે.
આ પ્રકારના ઇંદ્રિયદમનરૂપ વિવેકપૂર્વકની તપશ્ચર્યાથી ઇંદ્રિયજય થાય છે. તેમની ઉપર સંપૂર્ણ પ્રભુત્વ ને સંયમ આવે છે. ઇંદ્રિયોની વૃત્તિ સાત્ત્વિક બને છે ને તેની વિવિધ શક્તિઓ ને સંભાવનાઓ ખીલી ઊઠે છે. શરીરનું સ્વાસ્થ્ય તથા આરોગ્ય પણ સુધરે છે. ઇંદ્રિયોના આહાર શુદ્ધ ને સાત્ત્વિક થવાથી જીવન પવિત્ર બને છે. આ પ્રકારના સમજણપૂર્વકના ઇંદ્રિય દમન પછી તે ઇંદ્રિયોની વૃત્તિઓને અંતરવૃત્તિ દ્વારા પ્રભુના સ્વરૂપમાં જોડવામાં આવે, તો અલૌકિક શક્તિઓ ને સાર્મથ્ય ઉત્પન્ન થાય છે. તેનો પોતાના સ્વાર્થી હેતુ માટે કે પ્રસિદ્ધિ માટે ઉપયોગ ન કરતાં કલ્યાણકારી પ્રવૃત્તિઓમાં પ્રયોજવામાં આવે તો અનેક લોકોનાં કલ્યાણ થાય છે.
ઇંદ્રિયદમન કે દેહદમનરૂપ તપશ્ચર્યા પણ સમજણયુક્ત ને વિવેકપૂર્વકની હોય તો જ તે ફળદાયી બને છે. કેટલાક લોકો તપશ્ચર્યાને નામે ને દેહદમનને નામે અતિશય ઉપવાસ કરવા, નિદ્રા જીતવા માટે આંખમાં બળતરા થાય તેવા પદાર્થો નાખવા, અતિશય ઠંડી કે અતિશય ગરમીમાં તથા વરસાદમાં શરીરની ક્ષમતાનો વિચાર કર્યા વગર ઉઘાડે શરીરે રહેવું, એક પગે ઊભા ઊભા કલાકો સુધી જપ કરવા, કલાકો સુધી ઊંચા હાથ રાખી ઊભા રહેવું, નિર્વસ્ત્ર ફરવું, અતિશય પરિશ્રમ કરવો એમ દેહ ઉપર તે કોઈ શત્રુ હોય તેમ તેની ઉપર દમન ગુજારીને દુર્દશા નોતરે છે. તેથી ઇંદ્રિયોની બધી શક્તિ ક્ષીણ થઈ જાય છે. ક્યારેક તો હલનચલન કરવાની શક્તિ પણ ન રહેતાં અંતે મૃત્યુને ભેટે છે. દેહ ક્ષીણ થવાથી તેની અસર મન ઉપર પણ પડે છે, તેથી મન પણ નબળું પડે છે. પછી મનનો નિગ્રહ કરવાનું તો દૂર રહ્યું, પણ તેમાં સ્વસ્થ વિચાર કરવાની પણ શક્તિ રહેતી નથી.
આવા જડતાપૂર્વકના તપથી મન તમોગુણગ્રસ્ત, જડ, અસ્થિર ને અંધકારમય બની જાય છે. તર્કશક્તિ, સ્મૃતિશક્તિ, વિવેકશક્તિ વગેરે મંદ પડી જાય છે. મનની આવી નબળાઈને કારણે વ્યક્તિને ક્યારેક કાલ્પનિક ભ્રાંતિમય દર્શનો તથા અનુભવો (Hallucinations) થાય છે. તેને કેટલાક દિવ્ય અનુભવો માની લેવાની ભૂલ કરે છે. વાસ્તવમાં તે માનસિક બીમારીનો ભોગ બન્યો હોય છે. કોઈ તેને સાચી વાત સમજાવવા પ્રયત્ન કરે તો તેને તે ગળે ઊતરતી નથી ને કહેનારને અજ્ઞાની તથા મૂર્ખ સમજે છે. આમ વ્યક્તિ મનોદૈહિક અનેક રોગોનો શિકાર બને છે. તમોગુણની વૃદ્ધિ થવાથી સ્વભાવ ચીડિયો થઈ જાય છે. નિર્ણય નિશ્ચયશક્તિનો પણ હ્રાસ થાય છે. દેહના અતિદમનનાં ઘણા દુષ્પરિણામો હોય છે. આધ્યાત્મિક ચેતનાનું ઊર્ધ્વીકરણ થવાને બદલે તેનું અધોગમન થાય છે. માટે વિવેક વગરનું તપશ્ચર્યાને નામે કરાતું અતિ દેહદમન એ એક પ્રકારની સૂક્ષ્મ હિંસા છે. એક પ્રકારનું આત્મઘાતીપણું છે. તે માટે સાધકે એવી તમોગુણી સાધના ને તપસ્યાથી દૂર રહેવું હિતાવહ છે.
ઇંદ્રિયો ઉપર વિજય મેળવવા તેનું દમન ચોક્કસ જરૂરી છે, પરંતુ તે આગળ જણાવ્યું તેમ વિવેકપૂર્વકનું હોવું જોઈએ. તેનો અતિરેક હોવો ન જોઈએ. ગીતામાં પણ શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું છે કે જે અતિ આહાર કરે છે, તે તથા જે ઉપવાસ કરે છે ને બિલકુલ આહાર નથી કરતો તે અને જે બહુ ઊંઘે છે ને જે બિલકુલ ઊંઘતો નથી અર્થાત્ ઉજાગરા કરે છે- આ બંનેમાંથી કોઈ યોગ સાધી શકતો નથી. સંસ્કૃતમાં ઉક્તિ છે : 'अति सर्वत्र वर्जते ।' દરેક ક્ષેત્રમાં અતિશયપણાનો, અતિરેકનો ત્યાગ કરવો તે જ જ્ઞાનીનું લક્ષણ છે. જે સાધક આહાર, વિહાર ને નિદ્રાયુક્ત કરે અર્થાત્ શરીરને જરૂરી પોષણ મળે તેવો શુદ્ધ-સાત્ત્વિક આહાર કરે, મિતાહારી બને, અતિ પરિશ્રમ ર્વજીને જરૂર પૂરતો જ પરિશ્રમ, વ્યવહાર વગેરે કરે, જરૂર પૂરતો આરામ લે અને આળસ-પ્રમાદનો ત્યાગ કરે, એમ વિવેકપૂર્વક વર્તે તો જ આધ્યાત્મિક પ્રગતિ સાધી શકે છે. દરેક ક્ષેત્રમાં હંમેશાં અતિરેકનો ત્યાગ કરી સાધકે મધ્યમમાર્ગ અપનાવવો જોઈએ. તેથી સમય ને શક્તિનો દુર્વ્યય થતો અટકે ને સરળતાથી ચેતનાનો વિકાસ થઈ શકે છે.
કેટલાક ભગવાન સ્વામિનારાયણનો, ભગવાન બુદ્ધનો તથા ભગવાન મહાવીર સ્વામી જેવા અવતારી પુરુષોનો વાદ તપશ્ચર્યા માટે લેવા જાય તો તે ગંભીર ભૂલ છે. એવા અવતારી પુરુષો મનુષ્યેત્તર હોય છે. તેઓ સામાન્ય મનુષ્યથી અલગ છે, તેની જાણ કરવા એવી લીલા કરતા હોય છે. જેથી મનુષ્યોને તેમાં વિશિષ્ટતા જોઈને આકર્ષણ થાય, એટલે તેમના જોગથી કલ્યાણ થાય. આવો તેમનો શુભ હેતુ હોય છે. મનુષ્ય તેમના જેવી તપશ્ચર્યા કરવા જાય તો તેમનો દેહ પડી જાય. માટે તેમનો વાદ લઈ ન શકાય. અને ભગવાન સ્વામિનારાયણ તો સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે. તેમનું અનુકરણ થઈ જ ન શકે. તેમણે કર્યું તેમ નહિ, પણ તેમણે જે કહ્યું છે તે જ કરવાની સાધકની ફરજ છે. સાધકે આ વાત લક્ષ્યમાં રાખવી ઘટે.
આપણું શરીર પ્રભુપ્રાપ્તિરૂપ સર્વોત્કૃષ્ટ ધ્યેય સિદ્ધ કરવાનું અતિ મહત્ત્વનું સાધન છે. તે દેહમંદિર છે, તેમ મંદિર તુલ્ય તેની માવજત ને જાળવણી કરવી જોઈએ. આ દેહમંદિર દ્વારા જ નિજમંદિરનું નિર્માણ થઈ શકે છે. દેહનો અનાદર કરી અતિ કઠોર ને જડતાપૂર્વકની તપશ્ચર્યાથી દેહમંદિરને દેહખંડેર બનાવવું તે આત્મઘાતી કર્મ છે. માટે સાધકે સંતપુરુષ પાસેથી સાચી તપશ્ચર્યા અંગેનું જ્ઞાન મેળવી તેનો વિવેકપૂર્વક અમલ કરવો જોઈએ. અજ્ઞાની ને જડતાવાળા ગુરુઓથી ચેતતા રહી તેમનો સહવાસ વર્જવો જોઈએ. અન્યથા અજ્ઞાનની ઊંડી ગર્તામાં પડીને મહામૂલો માનવદેહ વ્યર્થ જાય છે.
2. તપશ્ચર્યાનો બીજો પ્રકાર છે શમ અર્થાત્ મનનું - અંતઃકરણનું શમન. દેહ તથા ઇંદ્રિયોના વિવેકપૂર્વકના દમનથી ઇંદ્રિયોની વિષયાભિમુખ વૃત્તિઓનો નિગ્રહ થવાથી મનોબળ વૃદ્ધિ પામે છે. તેથી મન ઉપર વિજય મેળવવામાં સરળતા રહે છે. મન જ્યારે સાધકના અંકુશમાં નથી હોતું, ત્યારે તેમાં સંકલ્પ-વિકલ્પરૂપ અનેક તરંગો, સાગરમાં મોજાની જેમ નિરંતર ઉદભવ્યા જ કરે છે. તેથી તે અશાંત જણાય છે, તરંગિત જણાય છે. મનની આ પ્રકારની ચંચળતા શાંત કરવા માટે, વિવિધ વિષયોમાં ફેલાતી તેની વૃત્તિઓને એકાગ્ર કરવા માટે સૌ પ્રથમ તેને તેના સ્વરૂપથી પોતાની જાતને અલગ સમજી, તેની ક્રિયા-પ્રક્રિયાનું સાક્ષીભાવે કેવળ નિરીક્ષણ કરવાનો અભ્યાસ કરવો. આ રીતે મનની ગતિવિધિઓને જોયા કરવાથી તે આપણા અંકુશમાં આવે છે. જેમ મદારી વાંદરાના બધા ચંચળ ગુણો તથા લક્ષણોને જાણી લીધા પછી તેને પ્રશિક્ષિત કરીને તેની ઉપર નિયંત્રણ રાખી પોતાની ઇચ્છા પ્રમાણે તેની પાસે ખેલ કરાવી શકે છે. તેમ મર્કટ તુલ્ય ચંચળ મન પણ સાક્ષીભાવે કરેલા નિરીક્ષણ દ્વારા નિયંત્રણમાં આવે છે. વૈરાગ્ય ને સતત અભ્યાસ દ્વારા તે સ્થિર થાય છે. મન સ્થિર ને શાંત થાય પછી જ તેને સહેલાઈથી પરમાત્માના સ્વરૂપમાં જોડી શકાય છે. આ રીતે મનનું શમન થઈ શકે છે.
બુદ્ધિને વ્યર્થ તર્ક-વિતર્ક, શંકા-કુશંકા, વાદ-વિવાદ, વ્યર્થ વિતંડાવાદ, દલીલબાજી વગેરેમાં રસ લેતી અટકાવવી જોઈએ. તેનો ખટપટ, કાવાદાવા, રાજકારણ વગેરે અયોગ્ય ને અનિષ્ટ માર્ગે થતો દુર્વ્યય રોકી, પ્રભુના સ્વરૂપનો દૃઢ નિશ્ચય કરવામાં, જ્ઞાન ને ઉપાસના પરિપક્વ કરવામાં, સત્કાર્યો ને રચનાત્મક કાર્યોમાં તેનો સદુપયોગ કરવામાં વાળવી, તે બુદ્ધિનું શમનરૂપ તપ છે. ચિત્તને બાહ્ય વિષયો તથા પદાર્થોનું, અનિષ્ટ ને અયોગ્ય પદાર્થો ને વિષયોનું ચિંતન કરવામાંથી પાછું વાળી આત્મા-પરમાત્માના જ્ઞાન, મહિમા, ગુણો, પરમાત્માનાં દિવ્ય લીલાચરિત્રોના ચિંતનમાં રોકવું તે ચિત્તનું શમનરૂપ તપ છે. અહંકાર, જે મનુષ્યને અહંમમત્ત્વની ભાવનાની દૃઢતા કરાવે છે. હું ને મારું, દેહભાવ તથા દેહાત્મબુદ્ધિની દૃઢતા કરાવે છે. તેમાંથી તેને વિવેકપૂર્વક મુક્ત કરી પોતાનું અસ્તિત્વ એક પ્રભુના સ્વરૂપમાં વિલીન થયેલું છે ને હું તો પરમાત્મારૂપ નિત્યમુક્ત સ્વરૂપ છું, એવા ભાવની દૃઢતા કરાવવી એ અહંકારના શમનરૂપ તપ છે.
આ રીતે મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર એ ચારેય અંતઃકરણનો આંતરિક શમનરૂપ તપશ્ચર્યા દ્વારા નિગ્રહ થાય, ત્યારે પ્રભુના સ્વરૂપનો આત્મામાં સાક્ષાત્કાર થઈને પ્રભુના સ્વરૂપમાં અખંડ પૂર્ણમુક્તની દિવ્ય સ્થિતિ થાય છે. એ દિવ્ય સ્થિતિમાં મુક્ત પરમાત્મા સંબંધી અખંડ દિવ્ય ને શાશ્વત સુખ-શાંતિ-આનંદનો અનુભવ કરે છે.
મોટા મુક્ત પાસેથી પ્રભુના સ્વરૂપનું યથાર્થ માહાત્મ્યજ્ઞાન ને ઉપાસના સમજી, પ્રતિલોમ ધ્યાનની યુક્તિ શીખી લઈ દેહાદિક ભાવથી રહિત થઈ પ્રભુના સ્વરૂપમાં જોડાવાનો અભ્યાસ કરવો. હું પ્રભુ અને તેમના મુક્તપુરુષની કૃપાથી પરમાત્મારૂપ થયેલો, પૂર્ણ પુરુષોત્તમરૂપ થયેલો નિત્યમુક્ત-અનાદિમુક્ત છું. એવા ઉત્કૃષ્ટ પ્રકારના દિવ્યભાવ સાથે પ્રભુના સ્વરૂપમાં અખંડવૃત્તિ રાખવાનો નિત્ય નિદિધ્યાસ કરવો એ તપશ્ચર્યાનો સર્વોત્કૃષ્ટ પ્રકાર છે. એનાથી પર બીજું કોઈ તપ નથી. એ તપની ચરમસીમા છે. માટે સાધકે સ્થૂળ તપરૂપ શમદમથી આગળ વધીને આખરે આ ઉત્કૃષ્ટ પ્રકારની તપશ્ચર્યા કે જેના દ્વારા પ્રભુપ્રાપ્તિ થાય છે, તેને સિદ્ધ કરવા પુરુષપ્રયત્ન કરવો, જેથી મનુષ્યજીવનની સાર્થકતા થાય.