મૌન

0:000:00

મૌન એ મનના વિચારો તથા વાણીનો નિગ્રહ કરવાનું, તેને સંયમી ને સુસંસ્કારિત કરવાનું, અંતરદૃષ્ટિ ને આત્મનિરીક્ષણ-આત્મપરીક્ષણ કરવાનું તથા આંતરિકયાત્રા ને તપશ્ચર્યા માટેનું ધ્યાનની પૂર્વભૂમિકારૂપ અમોઘ સાધન છે.

વાણી એ મનુષ્યને પરમાત્મા તરફથી મળેલી અદભુત પ્રાકૃતિક દેન છે. આલોકમાં સર્વે પ્રાણીમાત્રમાં કેવળ મનુષ્ય જ એવું પ્રાણી છે કે જે અર્થવાળા શબ્દોનું ઉચ્ચારણ કરી શકે છે. અન્ય પ્રાણીઓની બોલી કેવળ તેમની સહજવૃત્તિ દ્વારા પ્રેરિત હોય છે. તેઓ આહાર, નિદ્રા, ભય ને મૈથુન એ સહજવૃત્તિ આધારિત ક્રોધ, ભય, પીડા, અણગમો, પ્રેમ વગેરે લાગણીઓ વિવિધ પ્રકારના અવાજો દ્વારા પ્રદર્શિત કરી શકે છે. જ્યારે મનુષ્યના જીવનનો સઘળો બાહ્ય વ્યવહાર વાણીના માધ્યમ દ્વારા થાય છે. એ વાણીનો ઉપયોગ ઉચ્ચારણ કરીને, લખીને કે સંકેત દ્વારા પણ કરી શકે છે, કારણ કે માનવી પાસે બુદ્ધિરૂપી પ્રબળ સાધન છે. વાણીના માધ્યમ દ્વારા આપણે આપણા મનોભાવો તથા વિચારોનો વિમર્શ ને વિનિમય કરી શકીએ છીએ. વાણી દ્વારા આપણે આપણા આંતિરક જીવનનું ને ચારિત્ર્યનું બહાર પ્રતિબિંબ પાડીએ છીએ. વાણીના માધ્યમ દ્વારા વ્યક્તિનું વ્યક્તિત્વ ને ચારિત્ર્ય પારખી શકાય છે. તેના સંસ્કારોની પણ પરખ થઈ શકે છે.

વ્યવહારમાં આપણા આ ઉત્તમ માધ્યમનો ઘણો બધો દુર્વ્યય થતો હોય છે. થોડું બારીકાઈથી નિરીક્ષણ કરવાથી સુજ્ઞ વ્યક્તિને આ બાબતનો ખ્યાલ આવી શકે છે. સમાજના મોટા ભાગના લોકોનો સમય અને શક્તિ નિરર્થક ચર્ચાઓ, વાર્તાલાપો, વાદવિવાદો, વાગ્યુદ્ધો, ઝઘડાઓ, મિથ્યા દલીલબાજી, બકવાટ ને પ્રલાપોમાં વ્યય થાય છે. તેથી વાતાવરણ સતત ધ્વનિ ને શબ્દોના ઘોંઘાટથી પ્રદૂષિત થતું રહે છે. તેમ છતાં આપણે આ બધા સાથે એટલા બધા ઓતપ્રોત હોઈએ છીએ કે આપણને ભાગ્યે જ આ બાબતનો ખ્યાલ આવે છે, કે આપણે સાચી માનસિક શાંતિથી કેટલી હદે દૂર હડસેલાઈ ગયા છીએ!

આપણે આવા વાતાવરણથી એવા તો ટેવાઈ ગયા છીએ કે આ કડવી વાસ્તવિકતાને નજરઅંદાજ કરીને એક ઘરેડમાં જીવ્યે જઈએ છીએ. આ પણ એક આશ્ચર્ય છે!

ઘણી વખત વાણી દ્વારા રોજબરોજના વ્યવહારમાં વ્યક્તિઓના એકબીજા સાથેના અહંકાર ટકરાવાથી અનેક પ્રકારના ક્લેશ, વૈમનસ્ય, મતભેદ ને વિખવાદ ઊભા થતા હોય છે. આ બધાનું મુખ્ય કારણ વાણી ઉપરના સંયમનો અભાવ છે. જેણે પોતાના મન ને વાણી ઉપર સંયમ મેળવી તેનો નિગ્રહ કર્યો હોય, જેમની વાણી ને વર્તનમાં એકતા હોય એવા પારદર્શી ચારિત્ર્યવાન વ્યક્તિની વાણી ઓજસમયી, સત્યમય ને પ્રભાવક હોવાથી તેના દ્વારા અનેક લોકોને જીવન જીવવાનું સાચું માર્ગદર્શન મળે છે. અનેકનાં જીવનપરિવર્તન થઈ જાય છે. અરે! તેવી વ્યક્તિનું આદર્શરૂપ વર્તન પણ જીવનના અભિગમને બદલી સાચા ઉદાત્ત જીવન તરફ દોરી જાય છે. આવા સદાચારયુક્ત ને ચારિત્ર્યની સુવાસ ફેલાવતા સંતપુરુષો જ સમાજના સાચા માર્ગદર્શક ને ઘડવૈયા બની રહે છે. જ્યારે ઘણા અજ્ઞાની, અસંયમી ને અહંકારી મનુષ્યોની વાણી દ્વારા અનેક લોકોનાં જીવન બરબાદ થઈ નરકતુલ્ય બની જતાં હોય છે.

શબ્દમાં, શબ્દના ધ્વનિતરંગોમાં અકલ્પ્ય શક્તિ રહેલી હોય છે. તે શબ્દ કેવી રીતે, કેવા ભાવથી ને કેવા અર્થમાં પ્રયોજવામાં આવે છે, તેની ઉપર તેની અસર અને પરિણામનો આધાર રહેલો છે. Cause and effect ના નિયમ મુજબ જેવું કારણ તેવું કાર્ય. એવો કાર્યકારણનો સૂક્ષ્મ સંબંધ છે. ઘણી વખત વાણી ઉચ્ચારનારના મનમાં કંઈક બીજું જ હોય અને સાંભળનાર વ્યક્તિ એના કહેવાનો ભાવાર્થ બરોબર સમજી ન શકે, તો ગેરસમજ ઊભી થાય છે. આ સંસારમાં મોટા ભાગના ક્લેશો ને વિખવાદો ગેરસમજને લઈને જ ઊભા થાય છે. આ બધું હોવા છતાં વાણી એ જીવનના બધા ભૌતિક વ્યવહાર તેમ જ સાધનકાળમાં આધ્યાત્મિક વ્યવહાર માટેનું અતિ અગત્યનું ને આવશ્યક માધ્યમ છે. મનુષ્ય સામાજિક પ્રાણી છે. તેને સમાજની વચ્ચે રહીને જીવવાનું છે. વ્યક્તિને અનેક પ્રકારની વિવિધ પ્રકૃતિની ને સ્વભાવની વ્યક્તિઓ સાથે અનિવાર્યપણે વ્યવહાર કરવાનો હોય છે. તેથી વ્યક્તિએ શબ્દની શક્તિ વિશે ને વાણીના મૂલ્ય વિશે સવિશેષ સભાન બનવું અતિ આવશ્યક છે. હા, માણસ જો એકલો જંગલના કોઈ એકાંતમાં પડ્યો રહેતો હોય, તો તેને અન્ય વ્યક્તિ સાથે કોઈ વ્યવહાર કરવાનો ન હોવાથી તેના ક્રોધ, માન, ઈર્ષા, દ્વેષ વગેરે આવેગો ને વિકારો દબાયેલા રહેવાની સંભાવના છે. પરંતુ જ્યારે તે સમાજ વચ્ચે રહેતો હોય, ત્યારે જ તેના વાણી-વર્તન ઉપરના સંયમની કસોટી થાય છે. એ વખતે વાણી-વર્તનનો સંયમ અતિ અગત્યનો બને છે. અન્યથા તેના અસંયમી વાણી-વર્તન દ્વારા અનેક અનર્થો ને અનિષ્ટો સજાર્ય છે. એવો વાણીવ્યવહાર પોતાને માટે તથા અન્યને માટે હાનિકર્તા બને છે.

જેને પોતાની આધ્યાત્મિક ચેતના જાગૃત કરી તેનો વિકાસ કરી ઊર્ધ્વગમન કરવું હોય, તેણે વાણીનો દુર્વ્યય થાય તેવા ગામગપાટા, નિરર્થક ચર્ચાઓ, દલીલબાજી, વાદવિવાદ, ઝઘડા તથા ઠઠ્ઠામશ્કરી વગેરેથી હંમેશાં દૂર રહેવા પ્રયત્ન કરવો જોઈએ. એ માટે સતત જાગૃત રહી કુસંગ તથા અનિષ્ટ-અસામાજિક તત્ત્વોનો સંગ વર્જવો જોઈએ. સંતસમાગમ, સત્સંગ, સદ્વાચન ને સેવા વગેરે સદ્પ્રવૃત્તિઓ દ્વારા પોતાના વિચારો ને વર્તનને સુસંસ્કારિત કરી વાણીને મધુર, સત્યપૂર્ણ, સંયમી ને અનુકરણીય બનાવવા નિરંતર પ્રયાસ કરવો જોઈએ. આ રીતે વાણી ને વિચારનો વિવેકશક્તિ દ્વારા નિગ્રહ કરી તેની ઉપર સંયમ કેળવી જરૂર જેટલી જ, પ્રયોજન પૂરતી જ વાણીનો ઉપયોગ કરવો તે મૌનનો ખરો અર્થ છે. હંમેશાં સત્ય, પ્રિય અને પોતાને તથા અન્યને હિતકારી હોય તેવી વાણીનો ઉપયોગ કરવો. અસત્ય, અપ્રિય ને કોઈનું પણ અહિત થાય તેવી વાણી ન ઉચ્ચારવી. શ્રીજીમહારાજ તો કોઈનું અહિત થાય તેવી વાણી ન બોલવી તેમ તો કહે જ છે, પણ કોઈનું અહિત થાય તેવો ભૂંડો સંકલ્પ કરવાની પણ ના પાડે છે. ઘણા લોકો મૌનનો યથાર્થ અર્થ સમજ્યા વગર, જડતાપૂર્વક બોલવાનું બંધ કરી બેસી રહે છે ને તેને તપસ્યા સમજી એવા મિથ્યા ખ્યાલમાં રાચે છે કે પોતે મૌનધારી મુનિ બની ગયા છે! આ પ્રકારના સ્થૂળ મૌનથી બહુ ઝાઝો આધ્યાત્મિક વિકાસ સંભવતો નથી.

વધુ પડતું, બિનજરૂરી ને નિરર્થક બોલબોલ કરવાથી માનસિક, શારીરિક ને આધ્યાત્મિક શક્તિનો હ્રાસ થાય છે. મનની એકાગ્રતા કરવાની શક્તિ પણ નષ્ટ થાય છે. તેથી આધ્યાત્મિક ચેતના ઊર્ધ્વ થવાને બદલે નીચે સરી પડે છે. તે માટે સાધકે વાક્-જીભને, એ ઉચ્છ્રંખલ ઇંદ્રિયને હંમેશાં કાબૂમાં રાખવી તે અનિવાર્ય છે. જ્યારે જ્યારે જીવનવ્યવહારમાં કોઈની સાથે વાતચીત કરવાનો પ્રસંગ ઉપસ્થિત થાય, ત્યારે સાધકે પોતાની વાણી પ્રત્યે સભાન રહી જરૂર જેટલી જ ને અસરકારી વાણી જ વદવી જોઈએ. ઓછા શબ્દોથી અર્થ સરતો હોય તો વધુ પડતા શબ્દો ફેંકી ન દેવા. વાક્ઇંદ્રિયને નિયમમાં ને સંયમમાં રાખવાની ટેવ પાડવી જોઈએ. નિરર્થક વાણીવ્યયથી વ્યક્તિની મોટા ભાગની ઊજાર્ વપરાઈ જાય છે. જે ઊજાર્નો ઉપયોગ આધ્યાત્મિક વિકાસ માટે અથવા કોઈ રચનાત્મક કાર્ય માટે થવો જોઈએ તે વેડફાઈ જવાથી વ્યક્તિનો વિકાસ અટકી જાય છે, તે મોટી હાનિ છે. ઉચ્ચ ધ્યેયલક્ષી સાધકે એ માટે સતત સભાન રહેવું અનિવાર્ય છે.

જેમ વાણીના દુર્વ્યયથી અનેક પ્રકારે હાનિ થાય છે, તેમ સમજ્યા વગર સ્થૂળ મૌન ધારણ કરવાથી પણ અનેક અનર્થો સજાર્ય છે, અનેક મુશ્કેલીઓ સજાર્ય છે. જેમ કે, મૌનધારી વ્યક્તિને અન્ય લોકો સાથે વ્યવહાર તો કરવો જ પડે છે, ત્યારે તે અમુક સંકેતો કે ઇશારા દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરે છે. એ વખતે સામેની વ્યક્તિ બરોબર સમજી ન શકે અથવા તો જે કહેવાનું તાત્પર્ય હોય તેથી જુદું જ સમજી બેસે, તો ઘણી મુશ્કેલી ઊભી થાય. એને લીધે મૌનધારીને ક્યારેક ક્રોધ ઊપજે તેથી જે હેતુ માટે તે મૌન રાખે તે હેતુ જ માર્યો જાય છે. તેની ઉપર ગંભીરપણે અસર થાય છે, જે સાધનામાં વિક્ષેપ કરે છે. ક્યારેક પરાણે લીધેલા સ્થૂળ મૌન દ્વારા વિચારો તથા સંકલ્પ-વિકલ્પોનો પ્રવાહ એટલો પ્રબળ બની જાય છે કે તેને જો બહાર નીકળવાનો માર્ગ ન મળે, તો તેનાથી મગજની સંતુલા ખોરવાઈ જાય છે અને વ્યક્તિ માનસિક બીમારીનો ભોગ બની બેસે છે. માટે પોતાના અહંકારની પુષ્ટિ માટે કે કીર્તિ-પ્રસિદ્ધિ માટે મૌન લઈ બેસવું તે હિતાવહ નથી.

અમુક પ્રસંગે કોઈ અગત્યના નિર્ણયો લેવાના હોય અને તેમાં સમય વેડફવો પોસાય તેમ ન હોય, એવે વખતે મૌનધારી વ્યક્તિ લખીને કે ઇશારા કરીને પોતાનો અભિપ્રાય કે નિર્ણય જણાવવા જાય અને સામેની વ્યક્તિ ઉતાવળમાં તે સમજી ન શકે તો અથવા કંઈક ઊંધું જ સમજી બેસે તો ઘણી વખત ગંભીર પરિણામ આવે. તેમાં સમય ને શક્તિનો વ્યય થાય તે જુદું. આવા અનિવાર્ય ને અગત્યના પ્રસંગે જીદ પકડીને વાણી ન ઉચ્ચારનાર વ્યક્તિ મૂર્ખ ગણાય. તે પોતાને માટે ને અન્યને માટે હાનિકર્તા બને છે. જડની જેમ સમજ્યા વગર સ્થૂળ મૌનમાં બેસી રહેનારથી અન્ય લોકો કંટાળે છે ને તેની સાથેનો વ્યવહાર ઓછો કરી નાંખે છે, તેને સહકાર આપવાનું પણ ટાળે છે. તેવી વ્યક્તિની છાપ મૌનધારી મુનિ કરતાં દંભી વ્યક્તિ તરીકે વધુ ઊપસે છે. આવા પ્રકારનું સ્થૂળ મૌન અર્થહીન છે.

ઘણી વખત બે વિવેકી ને સમજુ વ્યક્તિ વચ્ચે બૌદ્ધિકસ્તર ને વિચારોનું સામ્ય હોય ત્યારે મહદ્અંશે મૌનભાષાથી જ બંનેનું કાર્ય સરતું હોય છે. વાણીના ઉપયોગની બહુ ઓછી જરૂર પડે છે. કેટલીક વાર ઉચ્ચ બૌદ્ધિક પ્રતિભા ધરાવતી વ્યક્તિઓ શરીરની ભાષા -Body language નો જ ઉપયોગ કરી પોતાના વિચારોની અભિવ્યક્તિ શરીરના હાવભાવ દ્વારા જ વિનિમય કરી લે છે. તેમને વાણીના ઉપયોગની બહુ જ ઓછી જરૂર પડે છે. ક્યારેક અમુક પ્રસંગે જેવા કે, ઉગ્ર વાદવિવાદ, ચર્ચા કે નિરર્થક દલીલબાજી કે ઝઘડા થતા હોય ત્યારે સંપૂર્ણ મૌન રહેવું આવશ્યક બને છે. એ વખતે વ્યર્થ વાણીવિલાસ કરવો તે જ્ઞાનીનું લક્ષણ નથી. માટે ક્યારે મૌન રહેવું ને ક્યારે પ્રયોજન પૂરતું બોલવું તેનો વિવેક જાળવવો અતિ મહત્ત્વનો છે.

મૌનનો ખરો અર્થ એ છે કે વાણી ને વિચાર ઉપર સભાનપણે વિવેકપૂર્વકના અભ્યાસ દ્વારા સંયમ કેળવી, તેના ઉપયોગ ઉપર સંપૂર્ણ કાબૂ રાખવો ને પ્રયોજન પૂરતા જ શબ્દો પ્રયોજી વ્યવહાર ચલાવવો. વાણીમાં સત્ય, સજ્જનતા, સરળતા, મૃદુતા, વિનમ્રતા ને માધુર્ય જળવાઈ રહે તેવો સજાગપણે પ્રયત્ન કરવો. જેવી આપણી વાણી હોય તેવું જ આપણું વર્તન હોવું જરૂરી છે. વાણી ને વર્તનની એકતા હોય તો જ તે વાણી સ્વીકાર્ય બને છે. તેવી વાણીની સચોટ અસર થાય છે. વાણી સાથે દંભપૂર્ણ આચરણ હોય તો તેની કોઈ સ્થાયી અસર થઈ શકતી નથી. આંતરિક મૌનમાં મૌનરૂપી તપસ્યા સમાયેલી છે. તેમાં જેમ જેમ પ્રગતિ થતી જાય, તેમ તેમ સાધકની ચેતનાનો વિકાસ થતો જાય છે. તેમ તેમ વાણી પણ વધુ ને વધુ ઓજસ્વી ને ફળવતી બનતી જાય છે. આંતરમૌનની તપસ્યાથી રસાયેલી વાણીમાં મંત્ર જેવું બળ પ્રગટે છે. સમય જતાં તેમાંથી વચનસિદ્ધિ પ્રગટ થાય છે. એના સદુપયોગથી અનેકનાં કલ્યાણ થાય છે.

વ્યક્તિને સ્વાભાવિક પ્રશ્ન ઉદભવે કે આ મૌનસાધનામાં કરવાનું શું? કેવી રીતે સાધના થાય? ફક્ત મોઢું બંધ રાખી બેસી રહેવું તે મૌનસાધના નથી. મૌનસાધનામાં વ્યક્તિએ સ્થૂળ વાણીનો ઉપયોગ બંધ કરી, ચિત્તમાં નિરંતર સ્ફૂરતા વિચારોને, સંકલ્પ-વિકલ્પને સાક્ષીભાવે, તેનાથી પોતાની જાતને અલિપ્ત કરી જોયા કરવાના છે. તે વિચારવમળો સાથે ઓતપ્રોત થયા સિવાય, તેમાં કોઈ પણ જાતનું Involvement કર્યા સિવાય, કોઈ પણ વિચારનો પ્રતિભાવ કે પ્રતિક્રિયા આપ્યા સિવાય તેને નિહાળ્યા કરવાના છે. આમ કરવાથી ધીમે ધીમે વિચારોનો પ્રવાહ ઓછો થતો જાય છે. પરિણામ સ્વરૂપે નિર્વિકલ્પ સ્થિતિ આવે છે. પોતાના આત્મસ્વરૂપને ત્રણ દેહ, ત્રણ અવસ્થા, જાતિ, આશ્રમ, વર્ણ, પંચભૂત, પંચવિષય, પંચતન્માત્રાઓ, પ્રાણ, ઇંદ્રિયો, અંતઃકરણ, કાળ, કર્મ, માયા આ બધાથી સંપૂર્ણ પર છું. ભૌતિક-દ્રવ્ય જગતના, માયાના ગુણધર્મોથી મારા ગુણધર્મો સંપૂર્ણપણે અલગ છે. હું તો પરમાત્મારૂપ, પરમાત્માનું પરમ સાર્ધમ્ય પામેલો નિત્યમુક્ત છું, તેમ સાંખ્યજ્ઞાનની દૃઢતા કરી વિચારતરંગોથી અલિપ્ત થતાં શીખવાનું છે. વિચારપ્રવાહ અટકતાં પુરુષોત્તમરૂપ થઈ પરમાત્મા સાથે ઐક્ય સાધી ધ્યાન કરવાનું છે.

મૌનસાધના દ્વારા બહારથી આવતા વિચારોરૂપી કચરો ચિત્તમાં ક્રમે ક્રમે ઓછો જમા થાય છે. સાથે સાથે અંદરના વિચારોની ગંદકી પણ સાફ થતી જાય છે. ઇંદ્રિયો-અંતઃકરણની ઊજાર્નો સંયમ દ્વારા બચાવ કરવાથી તેનો આધ્યાત્મિક ઉન્નતિમાં સદુપયોગ થઈ શકે છે. વૈચારિક સંઘર્ષનો અંત પણ મૌનસાધના દ્વારા જ શક્ય બને છે. મૌનસાધના દ્વારા ચિત્ત શાંત, સ્વચ્છ ને નિર્મળ બને છે, તેથી સમાધિ અવસ્થા માટે ચિત્તની ભૂમિકા તૈયાર થાય છે.

મૌનનો સૂક્ષ્મ અર્થ એ પણ છે કે મનના વિચારોનો, સંકલ્પોનો નિગ્રહ કરી, તે ઉપર પ્રભુત્વ મેળવી પ્રભુના સ્વરૂપમાં શાંત ચિત્તે, એકાગ્રતાપૂર્વક દેહાદિકના ભાવે રહિત થઈ દિવ્યભાવે જોડાવાનો અભ્યાસ કરવો. મૌન એટલે પ્રભુના દિવ્યસ્વરૂપના અખંડ મનન-નિદિધ્યાસરૂપી આંતરિક તપસ્યા. આ જ ખરા અર્થમાં મૌન છે. એવા મૌનધારીને જ મુનિ કહેવામાં આવે છે. મૌનની સાધના ધ્યાનાવસ્થાની પૂર્વભૂમિકા છે. મૌનસાધના દ્વારા પરિમાર્જિત થયેલી, શુદ્ધ થયેલી ચિત્તવૃત્તિનો પરબ્રહ્મ સ્વરૂપમાં સહેલાઈથી નિરોધ થઈ શકે છે. ચિત્તવૃત્તિનો આત્મા-પરમાત્મામાં નિરોધ કરી સાક્ષાત્કાર કરવો એ જ જીવનનું ધ્યેય છે. એ વાત મૌનસાધના દ્વારા શક્ય બને છે.