મંદિર શા માટે ?
મંદિરો બાંધવા પાછળ એક ચોક્કસ પ્રકારનો હેતુ રહેલો છે. બીજાં ઈંટ-પથ્થરનાં બાંધકામો કે મહેલ જેવી ઇમારતો અને મંદિરમાં ઘણો મોટો તફાવત રહેલો છે. મોટી મોટી આલિશાન પંચતારક હોટેલો તથા મહેલો જેવાં રહેઠાણોની ઇમારતો કદાચ આર્થિક મૂલ્યની દૃષ્ટિએ મંદિર કરતાં વધુ મૂલ્યવાન હોઈ શકે, તેમાં ભવ્યતા તથા કલાસૌંદર્ય પણ હોઈ શકે, પરંતુ પવિત્ર ને દિવ્ય આધ્યાત્મિક સૌરભ પ્રસરાવતાં મંદિરો પાસે તેનું મૂલ્ય કોડીનું પણ ન આંકી શકાય!
મંદિરમાં મંદિર બંધાવવાનો સંકલ્પ કરનારાની સદભાવના, મંદિરનું ભવ્ય નિર્માણ કરનાર સ્થાપત્યના નિષ્ણાતો તથા શિલ્પીઓની તેમ જ કારીગરો, મજૂરોની સદભાવના તથા હજારો ભક્તોની, દર્શનાર્થીઓની શુભ ભાવના-સેવાભાવના તેમાં સમાયેલી હોય છે. મંદિરનું નિર્માણ કરવું એ કલ્યાણકારી ભાવના છે. તેમાં તેના નિર્માણ માટે દાતાઓ પણ પવિત્ર ભાવનાથી દાન કરે છે. શિલ્પીઓ અને કલા-કારીગરો પણ પોતાની શ્રદ્ધા ને ભાવના શ્રમ દ્વારા રેડીને હોંશે હોંશે અનેરા ઉત્સાહથી મંદિરનું કલાત્મક બાંધકામ કરે છે.
મંદિરનું નિર્માણ થાય છે એટલે આપણને સૌને પ્રભુની ઉપાસના, આરાધના ને ભજન-ભક્તિનું સુખ આવશે, એવી દર્શનાર્થી ભક્તોની પણ અંતરની ઉદાત્ત ભાવના હોય છે. આ રીતે અનેક લોકોની અનેક પ્રકારે થયેલી સદભાવનાના ભાવતરંગો, સૂક્ષ્મ આંદોલનો ને પવિત્ર વિચારતરંગો ભેળા મળીને મંદિરના વાતાવરણના અણુ-અણુમાં સંઘરાય છે. તેથી મંદિરની ભવ્યતામાં પવિત્રતાનો ને દિવ્યતાનો ઉમેરો થાય છે.
મંદિરનું આવા શુભ ને ઉદાત્ત હેતુથી નિર્માણ થઈ ગયા બાદ, પવિત્ર સંતપુરુષો દ્વારા પ્રભુના રમણીય ને આકર્ષક પ્રતિમાસ્વરૂપની વેદોક્ત વિધિસહ પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવે છે. તેમાં પણ પ્રભુના સાક્ષાત્કારી પૂર્ણસ્થિતિવાળા મુક્તપુરુષ દ્વારા જો મૂર્તિપ્રતિષ્ઠા થાય તો સર્વવ્યાપી, સર્વજ્ઞ ને સર્વશક્તિમાન એવા પરમાત્માનો તે પ્રતિમાસ્વરૂપમાં આવિર્ભાવ થાય છે. પૂર્ણ મુક્ત દ્વારા પ્રભુની દિવ્ય ચૈતન્યશક્તિ મૂર્તિમાં પ્રતિષ્ઠિત થાય છે, એ જ સાચા અર્થમાં મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા ગણાય છે. સાધનદશાવાળા સંતો દ્વારા થતી મૂર્તિપ્રતિષ્ઠા ને સિદ્ધમુક્ત દ્વારા થતી મૂર્તિપ્રતિષ્ઠામાં જમીન-આસમાનનો તફાવત છે. મુક્તના પ્રેમને વશ થઈને તેમના સંકલ્પ દ્વારા પ્રભુ પ્રતિમાસ્વરૂપમાં વિશેષ દૈવત સાથે અભિવ્યક્ત થાય છે. તે સ્વરૂપ દ્વારા સાચા ભક્તોના વિશુદ્ધ પ્રેમ ને ભક્તિભાવ ગ્રહણ કરીને તેમને અવરભાવનું ને પરભાવનું સુખ આપે છે. સુખ-શાંતિનો અનુભવ કરાવે છે. શ્રદ્ધાળુ ભક્તોના શુભ મનોરથો પૂર્ણ કરે છે. તેમની અનેક પ્રકારે સહાય તેમ જ અનેક કષ્ટોથી રક્ષા કરી તેમના યોગક્ષેમનું વહન પણ કરે છે.
મંદિર પાછળ પ્રભુના દિવ્ય સાકાર સ્વરૂપની ઉપાસના તથા તે સ્વરૂપમાં આસ્તિકભાવ જળવાઈ રહે અને પેઢી દર પેઢી સુધી એ સંસ્કારોનું સીંચન થાય, એવો ઉત્કૃષ્ટ હેતુ પણ સમાયેલો છે. કળિયુગના ને આધુનિક વિજ્ઞાનના પ્રભાવ હેઠળ મનુષ્ય વધુ ને વધુ ભૌતિકવાદ તથા નાસ્તિકતા તરફ દોરવાઈ ન જાય, તેનામાં ધર્મના ને આધ્યાત્મના શુભ સંસ્કારો જળવાઈ રહે તે માટે મંદિરો, તીર્થસ્થાનો, સત્પુરુષો તથા સત્શાસ્ત્રોનો બહુમૂલ્યવાન ફાળો છે. મંદિરોને લીધે દેશની સંસ્કૃતિ, નૈતિકતા, સંગઠનભાવના, સેવાભાવના, સમર્પણભાવના, ધાર્મિકભાવના વગેરેનું અસ્તિત્વ ટકી રહે છે. નહિતર દેશનું પતન થતાં વાર ન લાગે. હાલના સમયે પાશ્ચાત્ય સંસ્કારોથી રંગાયેલો શિક્ષિત સમાજનો થોડો વર્ગ ભૌતિકતાના અતિયોગથી કંટાળીને ધાર્મિકતા તથા આસ્તિકતા તરફ મનની શાંતિ માટે ઢળ્યો છે, તે આવકાર્ય છે. એને લીધે ભાવિ પેઢીનું હિત પણ જળવાઈ રહેશે તેવી આશા રાખીએ.
મંદિરમાં પવિત્ર સંતપુરુષો તથા પવિત્ર ભક્તોના આવાગમનથી સત્સંગ-સમાગમ, કથા-વાર્તા, કીર્તન-આરાધના, સ્તુતિ-પ્રાર્થના, ધ્યાન-ભજન, ધૂન, સેવા, ઉત્સવ-સમૈયા વગેરે સાત્ત્વિક પ્રવૃત્તિઓ થતી રહે છે. તેના પવિત્ર ભાવતરંગોનો સંગ્રહ મંદિરમાં તેમ જ આસપાસના વાતાવરણમાં વધુ ને વધુ થયા કરે છે. તેથી મંદિરમાં સાત્ત્વિકતા ને પવિત્રતાની વૃદ્ધિ થયા જ કરે છે. તેને લઈને આ સ્થાનમાં ગમે તેવો પાપી મનુષ્ય આવી ચડે, તો તેની ઉપર પણ પવિત્ર ભાવતરંગોની અસર થોડેઘણે અંશે થયા વગર રહેતી નથી. તેથી તે પણ એટલા સમય પૂરતો શાંત ને પવિત્ર બને છે. શુદ્ધભાવથી તે રોજ મંદિરે આવતો થાય, તો તે સારો ભક્ત પણ બની જાય. અનેક પ્રકારની મુશ્કેલીઓ, દુઃખો ને આપત્તિઓથી ને ત્રિવિધ તાપથી ત્રસ્ત ને વ્યગ્ર વ્યક્તિને પણ મંદિરમાં આવવાથી પરમ શાંતિનો અનુભવ થાય છે. મંદિરમાં રહેલા પવિત્ર તરંગોમાં એટલી બધી શક્તિ હોય છે કે તે કેટલાક ભાગ્યશાળી પાત્ર જીવોને તેની આધ્યાત્મિક ચેતના જાગૃત કરી, ઊર્ધ્વગતિ કરાવે છે ને અલૌકિક અનુભવો પણ કરાવે છે. આ મંદિર પાછળનું આધ્યાત્મિક રહસ્ય છે. આગળ જણાવ્યું તેમ મંદિર પાછળનો હેતુ પવિત્ર ભક્તો દ્વારા જળવાઈ રહે તો જ આવું ઉત્તમ પરિણામ મળે છે.
મંદિરમાં જો પાપીજનોનું આવાગમન વધી જાય ને દંભી સંતો-ગુરુઓ તથા પાપી ને વિષયી ભક્તોનું ટોળું ભેગું થઈ દુરાચાર, ભ્રષ્ટાચાર જેવી દુષ્ટ પ્રવૃત્તિઓનું આચરણ કરે તો મંદિરની પવિત્રતાને ચોક્કસ હાનિ પહોંચે. સમાજનાં અસામાજિક તત્ત્વો ભેગાં થઈ મંદિરમાં ગામગપાટા મારે, ઘોંઘાટ મચાવે, ધાંધલ-ધમાલ કરે, દુર્વ્યસનો ને અનિષ્ટ પ્રવૃત્તિઓ કરે તો મંદિરની પવિત્રતા ધીરે ધીરે નષ્ટ થઈ જાય અને તે મંદિર મંદિર ન રહેતાં ગામનો ચોરો બની જાય. પ્રતિમાસ્વરૂપમાંથી પરમાત્માનો આવિર્ભાવ પણ લુપ્ત થઈ સર્વવ્યાપી સ્વરૂપમાં પાછો લીન થઈ જાય છે. તે માટે મંદિરના વહીવટના તેમ જ ધર્મના અધિકારીઓએ એ બાબતે ખાસ કાળજી લેવી અતિ આવશ્યક છે. મંદિરમાં એવા કોઈ અનિષ્ટ ને અસામાજિક તત્ત્વો આવીને મંદિરને ભ્રષ્ટાચારનું ધામ ન બનાવે ને મંદિરના વાતાવરણને દૂષિત ને કલુષિત ન કરે, તે માટે કડક બંદોબસ્ત ગોઠવવો જોઈએ. કેટલીક જગ્યાએ દુરાચારી ને દંભી ધર્મગુરુઓ તથા સંતો ને ભક્તો ભ્રષ્ટાચારી પ્રવૃત્તિઓમાં રત હોવા છતાં મંદિરનું પવિત્ર વાતાવરણ જળવાઈ રહે છે. તેનું કારણ એવા ભ્રષ્ટાચારીઓ કરતાં પવિત્ર ને શ્રદ્ધાવાન ભક્તોનો સમૂહ મોટો હોય છે તે છે. તેવા ભક્તોએ પોતાની પવિત્ર ફરજ સમજીને મંદિરમાં થતી ગેરપ્રવૃત્તિઓ બંધ કરાવી દેવામાં પોતાનો ફાળો આપવો જોઈએ, તેથી પ્રભુની ને સત્પુરુષોની પ્રસન્નતા થાય છે. આ બાબતે વિચારવું ઘટે.
સંસારયાત્રા કરતાં કરતાં જીવનસરિતાને કાંઠે આવેલા નિવૃત્ત અને વૃદ્ધ લોકો માટે મંદિર એક આદર્શ વૃદ્ધાશ્રમની ગરજ સારે છે. વાનપ્રસ્થ અને સંન્યાસાશ્રમની ઉંમરે પહોંચેલા લોકો માટે મંદિર શાંતિનું ધામ છે. ત્યાં જઈ સંતસમાગમ, સત્સંગ, કથા-વાર્તા, ધૂન-ભજન, કીર્તન, માળા, ધ્યાન વગેરે સાત્ત્વિક પ્રવૃત્તિમાં સમય સારી રીતે પસાર થાય છે. તેથી મન પણ ધીમે ધીમે વૈરાગ્યવૃત્તિમાં ખેંચાવાથી પ્રભુ તરફ વળે છે. સામૂહિક પ્રાર્થના, કથા-વાર્તા-ભજન વગેરે સાધનો દ્વારા સાત્ત્વિક આનંદ મળી રહેવાથી નિવૃત્તિવયની એકલતા સાલતી નથી. આમ મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ લાભ થાય છે. સત્સંગથી તાણ-તણાવ, હતાશા વગેરે દૂર થઈ આરોગ્ય પણ સારું રહે છે.
મંદિરનો સૂક્ષ્મ અર્થ એ પણ છે કે બાહ્યજગતમાં દોડી જતી ઇંદ્રિયો-અંતઃકરણની વૃત્તિઓનો પ્રતિલોમપણે નિગ્રહ કરી, પ્રત્યાહાર દ્વારા અંતર્વૃત્તિ કરવી. પોતાના હૃદયાકાશમાં, ચૈતન્યમાં પ્રભુના સ્વરૂપની ધ્યાન-મનન-નિદિધ્યાસ દ્વારા સ્થાપના કરી નિજમંદિર બનાવવું. પોતાના ચૈતન્યમાં વિરાજમાન પ્રભુ સાથે એકાત્મતા સાધી તે સ્વરૂપ સંબંધી દિવ્ય અલૌકિક સુખની અખંડ અનુભૂતિ કરવી. આ રીતે નિજમંદિર કરનારને બહારનાં મંદિરોની કે તીર્થસ્થાનોમાં દોડી જવાની બિલકુલ આવશ્યકતા રહેતી નથી. તેઓ સ્વયં જ જંગમતીર્થ બની રહે છે. માટે નિજમંદિર અર્થાત્ પોતાના ચૈતન્યનું જ મંદિર કરવું તે શ્રેષ્ઠ છે, પરંતુ જ્યાં સુધી એવી સ્થિતિ ન થાય, ત્યાં સુધી બહારનાં મંદિરોની આવશ્યકતા રહે છે. બહારનાં મંદિર નિજમંદિર બનાવવાના પ્રેરણાસ્રોત સમાન છે. મનને જો સાત્ત્વિક આનંદમાં રસ લેતું કરવામાં ન આવે તો તે ઊંધે રવાડે ચડી રજોગુણ-તમોગુણમય પ્રવૃત્તિઓમાં જોડાઈ, લૌકિક વિષયો તરફ દોરાઈ જવાની પૂરી સંભાવના રહે છે, કારણ કે મનુષ્યનું બાહ્ય વિષયો તરફનું મનોવલણ સાહજિક છે. અનંત જન્મોથી જીવો બાહ્ય વિષયોમાં જ ખૂંપેલા રહ્યા છે. તે માટે સાધનદશામાં સાત્ત્વિક પ્રવૃત્તિઓની આવશ્યકતા રહે છે.
સાયંકાળે મંદિર પ્રત્યે જવું એવા શ્રીહરિના આદેશ પાછળ પણ મર્મ રહેલો છે. સાયંકાળે એટલે સંધ્યા ટાણે જગતની રજોગુણી-તમોગુણી પ્રવૃત્તિઓ કેટલાક અંશે શાંત પડતી હોય છે. એ તીવ્ર પ્રવૃત્તિઓનાં આંદોલનો મંદ પડે છે. સૂર્યાસ્ત સમયે સૂર્યની ગરમીની તીવ્રતા ઘટે છે, તેથી ચારે તરફ ઠંડક પ્રસરે છે. આ બધાં કારણોને લઈને મનમાં પણ શાંત થવાનું વલણ આવે છે. તેથી મનને પ્રભુ પ્રત્યેની એકાગ્રતા તરફ સહેલાઈથી વાળી શકાય છે. આવા સમયે નિયમિત રીતે મંદિરે દેવદર્શન તથા સંતપુરુષોનાં દર્શન-સમાગમ-સત્સંગ માટે જવાથી મન એવી સાત્ત્વિક પ્રવૃત્તિઓથી ઘડાઈને શુદ્ધ ને સાત્ત્વિક બને છે. તે વ્યક્તિને ઉચ્ચ આધ્યાત્મિક વિકાસ તરફ ક્રમે ક્રમે દોરી જાય છે. નાનાં બાળકોને પણ નિયમિત મંદિરે જવાની ટેવ પડાવવી જોઈએ. જેથી તેઓનું જીવન પવિત્ર ધાર્મિક સંસ્કારોથી ઘડાય અને જગતની અનેક પ્રકારની અનિષ્ટતાઓમાંથી તેઓ બચી શકે. તેઓ મોટા થઈને એ સંસ્કારો તેમના પછીની પેઢીને પ્રદાન કરે, એટલે અનેક ભાવિ પેઢીઓ સુધી તે સંસ્કાર વારસો જળવાઈ રહે. હાલના યુગમાં ઘણો વિશાળ વર્ગ ધર્માભિમુખ છે. તેનું કારણ આ રીતે પરંપરાગત જળવાઈ રહેલા સંસ્કારો જ છે.
સાયંકાળે મંદિરે જવાનો બીજો સૂક્ષ્મ આધ્યાત્મિક અર્થ એ પણ છે કે સંસારની વ્યાવહારિક, આર્થિક તથા સામાજિક પ્રવૃત્તિઓ પાછળ દોડધામ કરતો માનવી જ્યારે જીવનની સંધ્યાએ અર્થાત્ વૃદ્ધાવસ્થામાં પ્રવેશે છે, ત્યારે તેણે પ્રભુના સ્વરૂપને ચિંતન-મનન દ્વારા પોતાના ચૈતન્યરૂપી નિજમંદિરમાં બિરાજિત કરી, તે સ્વરૂપ સાથે જોડાવાનો અંતર્વૃત્તિ દ્વારા નિરંતર અભ્યાસ કરી જીવનને સાર્થક બનાવવું જોઈએ. જેવી રીતે સંધ્યા પછી રાત્રિનું આગમન નિશ્ચિત છે, તેવી રીતે વૃદ્ધાવસ્થા બાદ મૃત્યુરૂપી રાત્રિ નિશ્ચિત છે. માટે સંધ્યાકાળ અર્થાત્ વૃદ્ધાવસ્થા સુધીમાં જ નિજમંદિર બનાવી પૂર્ણતા પ્રાપ્ત કરી લેવી એ સાધક માટે હિતાવહ છે. આ મનુષ્યદેહમાં જ નિજમંદિર ન બનાવી શકનાર આળસુ, પ્રમાદી અને આધ્યાત્મિક દૃષ્ટિએ આત્મઘાતી પણ છે. કારણ કે તેને માટે ફરી જન્મ-મરણનું ચક્ર ચાલુ રહે છે. માટે વિવેકી પુરુષે આ અંગે જાગૃત થઈ નિજમંદિર બનાવી જીવન ધન્ય બનાવવા પ્રયત્નશીલ બનવું જોઈએ.
કેટલાક હરિભક્તોને એવો પ્રશ્ન થાય છે કે મોક્ષ માટે એકેશ્વર ઉપાસનામાં માનવું તે ઉત્તમ છે, તો મંદિરમાં પ્રવેશદ્વારમાં જ હનુમાનજી અને ગણપતિજીની મૂર્તિઓ પધરાવવાનું શું પ્રયોજન હશે? અને પ્રભુના સ્વરૂપ સાથે અન્ય અવતારસ્વરૂપો પધરાવવાનું શું પ્રયોજન હોઈ શકે? એક ઇષ્ટદેવનું જ સ્વરૂપ હોય તો ન ચાલે? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે જેને એક જ સ્વરૂપની ઉપાસના ને નિષ્ઠા હોય, તેના માટે અન્ય સ્વરૂપોની આવશ્યકતા નથી. પરંતુ શ્રીહરિએ મંદિરોનું નિર્માણ સર્વજીવહિતાવહ હેતુથી કર્યું છે. જેથી અન્ય અવતારસ્વરૂપોની ઉપાસનાવાળા લોકો આકર્ષાઈને દર્શનાર્થે આવે. પછી સત્પુરુષોનો જોગ-સમાગમ-સત્સંગ કરી પ્રભુની સર્વોપરી ઉપાસના સમજી તે એક જ સ્વરૂપમાં અનન્ય નિષ્ઠાવાન બને. જ્યારે વ્યક્તિ એક જ સ્વરૂપની ઉપાસનામાં નિષ્ઠાવાન થાય, ત્યારે તેને બીજાં સ્વરૂપોની આવશ્યકતા રહેતી નથી. જેમ મીરાંબાઈએ એક શ્રીકૃષ્ણના સ્વરૂપની જ ઉપાસના-ભક્તિ કરી તેનો સાક્ષાત્કાર કરેલો તેમ એક સ્વરૂપની જ ઉપાસના, ભક્તિ ને જ્ઞાન-ધ્યાન દ્વારા જ પ્રભુના સ્વરૂપનો આત્મામાં સાક્ષાત્કાર થઈ શકે છે.
મંદિરોમાં પ્રવેશદ્વારમાં રહેલા હનુમાનજી એ અતુલ શારીરિક, માનસિક ને આધ્યાત્મિક શક્તિ, નૈષ્ઠિક બ્રહ્મચર્ય, સંકલ્પશક્તિ, એકેશ્વર ઉપાસના-નિષ્ઠા, દાસત્ત્વભક્તિ વગેરે સદગુણોનું પ્રતીક છે. ગણપતિજી તીવ્ર બુદ્ધિ, પ્રતિભા, વિનમ્રતા, વિવેકશક્તિ, ધૈર્ય વગેરે સદગુણોનું પ્રતીક છે. આ દેવતાઓ સાત્ત્વિક હોવાથી તેમનાં દર્શન કરવા પાછળ તેમના ઉદાત્ત ને પ્રેરણાદાયી ગુણોની સ્મૃતિ થાય એવો મર્મ છે. પ્રભુપ્રાપ્તિના માર્ગમાં સાધક માટે આ સદગુણોની અત્યંત આવશ્યકતા છે. સાધક તેની સાધના દરમ્યાન તેમાંથી પ્રેરણા મેળવી ઉન્નતિ સાધે એ હેતુથી આ દેવો પધરાવવામાં આવ્યા છે. મંદિરની મધ્યમાં રહેલ કાચબો ધૈર્ય અને સમજણપૂર્વકની નિરંતર પ્રગતિનું દ્યોતક છે. કાચબો પોતાનાં અંગો સંકોરી લે છે, તેમ સાધકે બાહ્યપંચવિષયોમાં ફેલાયેલી ઇંદ્રિયો અંતઃકરણની વૃત્તિઓને સંકેલીને આત્મા-પરમાત્મામાં જોડવી તેમ સૂચવે છે. મંદિરનું શિખર વૈશ્વિક ચેતનાશક્તિનું આકર્ષણ કરીને તેને મંદિરમાં પ્રવેશ કરાવે છે. તેથી મંદિરની દિવ્યતા ને પવિત્રતા જળવાઈ રહે છે. તે શક્તિ સાધકચેતનાને જાગૃત કરી ઊર્ધ્વગતિ કરાવવામાં સહાય કરે છે. સાધના દ્વારા આધ્યાત્મના શિખરે પહોંચવાની પ્રેરણા આપે છે. કળશ એ પૂર્ણતાનું પ્રતીક છે. શિખરે પહોંચ્યા પછી પૂર્ણસ્થિતિને, પૂર્ણકામપણાને પામવાનું પ્રતીક છે. મંદિરનો વિશાળ ઘુમ્મટ આપણને દરેક પ્રકારની સંકુચિતતામાંથી બહાર નીકળી હૃદયની વિશાળતા કેળવવા પ્રેરે છે. મંદિરની ધજા ઇંદ્રિયો - અંતઃકરણ ઉપરના તથા અંતઃશત્રુઓ ઉપરના વિજયનું દ્યોતક છે, પ્રકૃતિજયનું દ્યોતક છે. મંદિરનાં પગથિયાં સાધનામાં એક પછી એક પગથિયું ચડી પ્રભુપ્રાપ્તિને માર્ગે ઊર્ધ્વગમન સૂચવે છે. એક પછી એક સોપાનો ચડ્યાં વગર કૂદકો મારીને આધ્યાત્મિક વિકાસ સંભવતો નથી તેમ સૂચવે છે. આ રીતે મંદિરની દરેક વસ્તુ પ્રતીકાત્મક છે ને તેની પાછળ શુભ સંકેત સમાયેલો છે.
મંદિરે જનાર શ્રદ્ધાળુ દર્શનાર્થીને અપૂર્વ માનસિક શાંતિનો અનુભવ થાય છે. સંસારની અનેક પ્રવૃત્તિઓમાં રત રહેલો માનવી, ત્રિવિધ તાપથી ત્રસ્ત થયેલો માનવી પ્રભુના સ્વરૂપનું ભાવથી દર્શન, વંદન, સ્તુતિ-પ્રાર્થના કરે એટલે મંદિરમાં રહેલ પવિત્ર ભાવતરંગો અને એકાગ્ર થયેલી વૈશ્વિક દિવ્યશક્તિઓ દ્વારા તેનું મગજ શાંત બને છે. તેથી મગજનાં રસાયણો સંતુલિત થવાથી તાણ-તણાવ Stress દૂર થઈ જાય છે. ચિત્તની પ્રસન્નતા, માનસિક શાંતિ વગેરે મળવાથી તન-મન નવીન તાજગી ને સ્ફૂર્તિ અનુભવે છે.
સમાજમાં રહેલ વિવિધ જાતિ અને સ્તરના લોકો મંદિરમાં આવે છે. પરસ્પર સત્સંગ દ્વારા તેમનામાં સંપ, સુમેળ, પ્રેમ, ભાઈચારો, સેવા ને સંગઠન ભાવના વિકસે છે. સમાજના નબળા વર્ગને પણ ધનાઢ્ય દાતાઓની સેવાથી અનેક પ્રકારનું પોષણ મળી રહે છે. તેથી સામાજિક ઉત્થાન થાય છે. મંદિરમાં તન-મન-ધનથી નિઃસ્વાર્થ સેવા કરનારનું પરમ કલ્યાણ થાય છે. તન અર્થાત્ શરીરથી મંદિરની નાની-મોટી સેવા કરવી, પગે ચાલીને મંદિરે જવું, પ્રદક્ષિણા કરવી, દંડવત્ પ્રણામ કરવા, સફાઈકામ કરવું, સંતોની સેવા કરવી વગેરે દેહથી થતી સેવા દ્વારા શરીર મજબૂત અને નિરોગી બને છે. મનથી પ્રભુને એમ પ્રાર્થના કરવી કે અહીં મંદિરે આવનાર દરેકને સુખ, સંપત્તિ, આરોગ્ય, આયુષ્ય વગેરે પ્રાપ્ત થાઓ, સર્વેનું પરમ કલ્યાણ થાઓ વગેરે શુભ સંકલ્પ કરવા એ મનથી સેવા થઈ ગણાય. ધર્માદા દ્વારા ધનથી સેવા કરવી.
આ રીતે મંદિરના મનોવૈજ્ઞાનિક, શારીરિક, આર્થિક, વ્યાવહારિક, સામાજિક અને આધ્યાત્મિક એમ અનેક લાભો છે. મંદિરો આપણી કલા અને સંસ્કૃતિની ભવ્ય અસ્મિતા છે. માટે તેનો આદર તથા જાળવણી કરવાની સમાજની દરેક વ્યક્તિની પવિત્ર ફરજ છે.