તીર્થયાત્રા
સાધકને સાધનકાળમાં જગતના બાહ્ય પંચવિષયો તરફ વેગથી દોડી જતી ઇંદ્રિયો - અંતઃકરણની વૃત્તિઓને રોકવા, તેને સુસંસ્કારિત કરી, પવિત્ર ને સાત્ત્વિક બનાવી પરમાત્મા તરફ વાળવા માટે તીર્થયાત્રા જેવી શુભ પ્રવૃત્તિની આવશ્યકતા રહે છે. તીર્થ એટલે તારનાર. જેનાથી ભવસાગર તરી શકાય, આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ કરી શકાય તે સાધન. તેથી તીર્થને પુણ્યક્ષેત્ર પણ કહેવામાં આવે છે. તીર્થ બે પ્રકારનાં છે :
1. સ્થાવર તીર્થ
2. જંગમ તીર્થ
સાધક માટે આ બંને પ્રકારનાં તીર્થ આવશ્યક છે. તેમાં પણ જંગમ તીર્થ ઉત્તમ છે, શ્રેષ્ઠ છે.
સ્થાવર તીર્થ : પ્રભુ તથા પ્રભુના અવતારોનાં લીલાચરિત્રો તેમ જ વિચરણથી ચરણાંકિત થયેલા પ્રસાદીભૂત સ્થાનો. આત્મા-પરમાત્માના સાક્ષાત્કારને પામેલા પૂર્ણ સિદ્ધમુક્ત પુરુષોના તપથી તેમ જ વિચરણથી બનેલાં તપોભૂમિરૂપ સ્થાનો એ તીર્થસ્થાનો બની જાય છે. આવાં તીર્થસ્થાનોમાં પ્રભુ તથા સત્પુરુષોની પવિત્રતા ને દિવ્યતા સમાયેલી, સંઘરાયેલી હોય છે. તેમના સંસ્પર્શમાં, સંસર્ગમાં આવેલાં નદી, તળાવ, કૂવા વગેરેનાં જળ, પાષાણ, વૃક્ષ, કાષ્ઠ વગેરે પદાર્થો પ્રભુની ને સત્પુરુષની ચૈતન્યશક્તિ દ્વારા પવિત્ર, પ્રસાદીમય ને કલ્યાણકારી બની જાય છે. તેમણે કરેલાં જપ, ધ્યાન, ઉપાસના, વ્રત ને ઉગ્ર તપશ્ચર્યાનાં દિવ્ય આંદોલનો એ સ્થાનમાં સંઘરાયેલાં હોવાથી દર્શને આવનાર દર્શનાર્થી ઉપર તેની અદૃશ્ય રીતે (Invisible) અસર થાય છે. ભાવથી દર્શન કરનારનાં પાપકર્મોનો ક્ષય થાય છે. મનની મલિનતા દૂર થઈ મનમાં સાત્ત્વિકતા જાગૃત થાય છે. આ દિવ્ય આંદોલનોની તીવ્ર કે મંદ અસર દર્શનાર્થીની શ્રદ્ધા, તેના ભાવ તથા પાત્રતા ઉપર નિર્ભર છે.
તીવ્ર શ્રદ્ધાવાન ને સાચા ભાવવાળા ભક્ત ઉપર તેની ત્વરિત ને ઊંડી અસર થાય છે. તે ભક્તની સુષુપ્ત આધ્યાત્મિક ચેતના જાગી ઊઠે છે. ક્યારેક કોઈક પાત્ર જીવાત્માને ઇંદ્રિયાતીત અલૌકિક અનુભવો પણ થવા લાગે છે. મંદ શ્રદ્ધાવાળાને ઓછી અસર થાય છે. અન્ય સામાન્ય જનોને બીજબળ થાય છે. તીર્થમાં રહેલ શક્તિશાળી દિવ્ય ચેતનાશક્તિનાં આંદોલનોની અસર થાય છે એ ચોક્કસ વાત છે. અમુક તીર્થસ્થાનોમાં પ્રભુએ તથા તેમના સિદ્ધમુક્તોએ કરેલા કલ્યાણના સંકલ્પ દ્વારા દર્શનાર્થીમાં શાંતિનો ને સાત્ત્વિકતાનો ભાવ જન્મે છે. તેના આંતરદોષોની તીવ્રતા મંદ થઈ જાય છે. પવિત્ર ભક્તિભાવનો ઉમળકો તેના હૃદયમાં ઊભરાય છે. દા.ત. કચ્છદેશમાં ભૂજ પાસે આવેલા બળદીઆ ગામમાં અનાદિ મહામુક્તરાજ અબજીબાપાશ્રીનું 'છત્રીસ્થાન' નામે તીર્થ છે. એ સ્થાનનો એવો દિવ્ય પ્રભાવ છે કે ત્યાં આવનારના સંસાર સંબંધી ઘાટ-સંકલ્પો શાંત થઈ જાય છે. આવો અનુભવ લગભગ દરેકને અચૂક થાય છે.
તીર્થયાત્રા શ્રદ્ધાપૂર્વક કરવાથી આંતરદોષોની તીવ્રતા ઘટે છે. માનસિક શાંતિ અનુભવાય છે. લોકોમાં શ્રદ્ધા ને પ્રભુ પ્રત્યેનો આસ્તિકભાવ વૃદ્ધિ પામે છે ને સાથે સાથે સાત્ત્વિક આનંદ પણ મળે છે. તીર્થમાં દર્શનાર્થીઓએ ત્યાંના પવિત્ર વાતાવરણનો લાભ લઈ શાંત અને એકાગ્ર ચિત્ત વડે પ્રભુપ્રસન્નતાનાં સાધન માળા, જપયજ્ઞ, કથા-વાર્તા, ધ્યાન-ભજન, ચિંતન-મનન, દંડવત્, પ્રદક્ષિણા, સંત-સમાગમ, સંતસેવા વગેરે કરી જીવનનું ભાથું બાંધવું જોઈએ. ધનાઢ્ય ને સાધનસંપન્ન હરિભક્તોએ શ્રીહરિયાગ વગેરે યજ્ઞો, મહાપૂજા, ઉત્સવ-સમૈયા, બ્રહ્મયજ્ઞો વગેરેનું આયોજન પ્રભુપ્રસન્નતા માટે કરવું જોઈએ. તીર્થમાં પોતાની કુટેવો, વ્યસનો તથા માનસિક નબળાઈ અને દોષો ઉપર વિજય મેળવવા દૃઢ સંકલ્પ કરવો જોઈએ. વ્યવહારમાં તે સંકલ્પ પ્રમાણે વર્તવાનો પ્રયત્ન કરવો જોઈએ. તીર્થસ્થાનમાં પોતાની ગાંઠનું ખર્ચ ખાવું જોઈએ. શ્રીહરિના એવા આદેશ પાછળ એ હેતુ છે કે જો તીર્થસ્થળનું કે અન્યનું ખાય, તો પોતે જે જપ-તપાદિ સાધનો કર્યાં હોય તેનું ફળ તે વ્યક્તિ જેનું દીધેલું ખાય તેને ફાળે જાય. તેથી પોતાને તે ફળ અલ્પમાત્રામાં મળે. તીર્થસ્થાનનું ખાવાથી તીર્થસ્થાન ઉપર ભારણ થાય અને તેનું ઋણ ચડે. દાતાઓ તરફથી મળતા દાન-ધર્માદાથી જ તીર્થોનો નિભાવ ને જાળવણીનું કાર્ય થતું હોય છે. માટે પોતાની ગાંઠનું ખરચ જ ખાવાનો આદેશ છે. તીર્થમાં પોતાના સાર્મથ્ય પ્રમાણે દાન, ધર્માદો, સેવા પણ કરવાં જોઈએ. આર્થિક રીતે ન બની શકે તો તન-મનથી યથાશક્તિ સેવા કરવી જોઈએ. આ બધાનું અક્ષય ફળ થાય છે.
તીર્થસ્થાનમાં જનારે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે એ સ્થાન ફરવાનું, હવા ખાવાનું કે મોજમજા કરવાનું સ્થળ નથી. It is a pilgrimage place and not a picnic place. માટે તે સ્થાનમાં ઠઠ્ઠામશ્કરી, ગામગપાટા, લડાઈ-ઝઘડા, વિષયભોગ, વ્યભિચાર, જુગાર, હિંસા, દુર્વ્યસનોનું સેવન વગેરે અનિષ્ટ પ્રવૃત્તિઓનું આચરણ ન કરવું. દૂષિત આચાર વિચાર દ્વારા ત્યાંનું પવિત્ર વાતાવરણ પ્રદૂષિત ન કરવું જોઈએ. ત્યાં જઈ ગંદકી કરવી, ત્યાંની વસ્તુઓનો દુરુપયોગ કરવો વગેરે વર્જવું જોઈએ. નહિતર શુભફળ મળવાની જગ્યાએ હાનિ થાય છે. તીર્થસ્થાનોના અધિકારીઓએ પણ તીર્થસ્થાનની જાળવણી નિઃસ્વાર્થ હેતુથી કરવી જોઈએ. તીર્થમાં શિસ્ત-શાંતિ જળવાય તે પણ જોવાની તેમની ફરજ છે.
તીર્થના પવિત્ર જળમાં મહિમાપૂર્વક સ્નાન કરવાથી તથા જળ માથે ચડાવવાથી પાપકર્મોનો ક્ષય થાય છે ને પ્રભુપ્રસન્નતાનાં સાધનો કરવાનું ફળ બીજાં સ્થાનોમાં કરેલાં સાધનો કરતાં અનેકગણું વિશેષ મળે છે. એ તીર્થસ્થાનની મહત્તા છે.
દ્વારિકા આદિક મુખ્ય તીર્થની યાત્રા કરવાના શ્રીહરિના આદેશનો ગર્ભિત અર્થ - પ્રત્યક્ષાર્થ એવો છે કે સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનના ને તેમના પૂર્ણ મુક્તોના નિવાસથી ને વિચરણથી દિવ્ય તીર્થ બનેલા છપૈયા, ગઢડા, વડતાલ વગેરે સ્થાનો. જ્યાં આત્યંતિક મોક્ષનું દ્વાર ઊઘડે ને જ્યાં મોક્ષના સાધન સરળ રીતે થઈ શકે તેવાં સ્થાનો તે દ્વારિકા ગણાય. એવાં સ્થાનોમાં સાધના કરવાથી સાધના જલદી સિદ્ધ થાય છે. મોક્ષના દ્વારરૂપ સત્પુરુષો-મુક્તપુરુષો તે ખરા અર્થમાં દ્વારિકા તીર્થ છે.
જંગમ તીર્થ : સ્થાવર તીર્થ એટલે પૃથ્વી ઉપરનાં વિવિધ અચલ સ્થાનો, જેનું વિવરણ આપણે આગળ કર્યું તે. જંગમ તીર્થ એટલે આત્મા-પરમાત્માના સ્વરૂપનો જેમણે સાક્ષાત્કાર કર્યો છે એવા સિદ્ધ મુક્તપુરુષો-સત્પુરુષો. તેવા સત્પુરુષોની પરમાત્માના દિવ્ય સ્વરૂપમાં અખંડ સ્થિતિ હોય છે. તેમનું મનુષ્યરૂપે વિચરણ કેવળ જીવોના કલ્યાણના હેતુ માટે જ હોય છે. જે ખરા અર્થમાં દ્વારિકા તીર્થ છે તેવા સત્પુરુષોને જંગમ તીર્થ - Mobile pilgrimage - temples - હરતાંફરતાં મંદિરો-તીર્થો માનવામાં આવે છે.
આવા સત્પુરુષો મુમુક્ષુ જીવોને આત્મા-પરમાત્માનું યથાર્થ જ્ઞાન-ધ્યાન ને ઉપાસનાની દૃઢતા કરાવી, સંસારની સઘળી આસક્તિઓથી ને મનની સઘળી મલિનતાઓથી રહિત કરી, સઘળા આંતરદોષોથી મુક્ત કરી પૂર્ણતા તરફ દોરી જાય છે. પાત્ર જીવને એ જ દેહમાં આત્મા-પરમાત્માનો સાક્ષાત્કાર કરાવી પોતા તુલ્ય દિવ્યસ્થિતિ પ્રાપ્ત કરાવે છે. જંગમ તીર્થ વડે આ રીતે અનેક જંગમ તીર્થ બને છે. આ પ્રકારનું કાર્ય કેવળ આવા જંગમ તીર્થ વડે જ સંભવે છે. જ્યોતથી જ્યોત જલે, પારસથી પારસ થાય એમ જીવોને પ્રભુપ્રાપ્તિ કરાવી આત્યંતિક મોક્ષ કરવો એ કાર્ય જંગમ તીર્થ દ્વારા જ થઈ શકે. સ્થાવર તીર્થો વડે એવું કામ ન થઈ શકે. એવા જંગમ તીર્થને લઈને જ સ્થાવર તીર્થો બને છે. કારણ કે તેમનામાં પ્રભુનો ને તેમના કલ્યાણકારી ગુણોનો સંપૂર્ણ આવિર્ભાવ થયેલો હોય છે.
બહુ પાપીજનોની અવરજવરથી તીર્થસ્થાનોમાં પણ પાપકર્મોનાં દૂષિત આંદોલનોથી તે સ્થાનની પવિત્રતા ધીરે ધીરે ઓછી થઈ નષ્ટ થઈ હોય, ત્યારે જંગમ તીર્થરૂપ સત્પુરુષ દ્વારા એ તીર્થ ફરીથી સજીવન બને છે. આમ જંગમ તીર્થોની વિશેષતા સ્થાવર તીર્થો કરતાં અનેકગણી વધુ છે. સ્થાવર તીર્થો જંગમ તીર્થને જ આભારી છે. જેમ તીર્થસ્થાનોમાં અનિષ્ટ પ્રવૃત્તિઓ હાનિકારક બને છે તેમ જ જંગમ તીર્થ એવા સત્પુરુષ પાસે પણ કામ, ક્રોધ, ઈર્ષા-દ્વેષ, દંભ-કપટ, હિંસા, વ્યભિચાર વગેરે પાપકર્મો ન કરવાં જોઈએ. એમ કરવાથી સત્પુરુષની નારાજગી થાય અને તેનો અભાવ-અવગુણ આવે તો તે પાપ વજ્રલેપ બને છે.
अन्य क्षेत्रे कृतं पापं, तीर्थक्षेत्रे विनश्यति ।
तीर्थ क्षेत्रे कृतं पापं, वज्रलेपो भविष्यति ॥
અન્ય ક્ષેત્રે કરેલાં પાપોનો તીર્થ ક્ષેત્રમાં ક્ષય થાય છે, પણ તીર્થ ક્ષેત્રમાં કરેલાં પાપો વજ્રલેપ થાય છે. અર્થાત્ તેવાં પાપોથી છૂટી શકાતું નથી. તેવાં પાપોથી તો કેવળ સત્પુરુષના અનુગ્રહથી જ મુક્ત થઈ શકાય છે. તે માટે સત્પુરુષને ભાવે કરીને જોગ-સમાગમ-સેવા વગેરેથી પ્રસન્ન કરવા, તો પ્રભુ પણ પ્રસન્ન થાય, તેથી જીવ આલોક-પરલોકમાં સુખી થાય ને તેનું આત્યંતિક કલ્યાણ પણ થાય છે. મુમુક્ષુએ આ વાત લક્ષ્યમાં રાખવી ઘટે.
સાધકે સાધનકાળમાં સ્થાવર તીર્થોની યાત્રા કરવા પાછળનું એક પ્રયોજન એ પણ છે કે કોઈક સ્થાવર તીર્થમાં જંગમ તીર્થરૂપ સત્પુરુષ રહેતા હોય, તો તેમનો જોગ-સમાગમ-સેવાનો લાભ મળી જાય. તેથી તેનું પરમ કલ્યાણ થાય. માટે સાધકે સાચા જંગમ તીર્થરૂપ સત્પુરુષને શોધવા પ્રયાસ કરવો જોઈએ. જો સાચો ખપ ને ત્વરા હોય તો ભગવાન તેવા સત્પુરુષનો જોગ મુમુક્ષુને જરૂર મેળવી આપે છે. એવા સંત મળ્યા પછી તેમનું શરણ સ્વીકારી તેમના માર્ગદર્શન હેઠળ પ્રભુપ્રસન્નતાનાં સાધનો કરી, તેમની કૃપા મેળવી જીવન સાર્થક બનાવી લેવું તે મુમુક્ષુનું કર્તવ્ય છે.