આજ મારે ઓરડે રે
રાગ : ગરબી
પદ—૧
આજ મારે ઓરડે રે, આવ્યા અવિનાશી અલબેલ;
બાઈ મેં બોલાવિયા રે, સુંદર છોગાંવાળો છેલ. ૧
નીરખ્યા નેણા ભરી રે, હરિવર સુંદર શ્રી ઘનશ્યામ;
શોભા શી કહું રે, નીરખી લાજે કોટિક કામ. ૨
ગૂંથી ગુલાબના રે, કંઠે આરોપ્યા મેં હાર;
લઈને વારણા રે, ચરણે લાગી વારંવાર. ૩
આપ્યો મેં તો આદરે રે, બેસવા ચાકળિયો કરી પ્યાર;
પૂછ્યા પ્રીતશું રે, બાઈ મેં સર્વે સમાચાર. ૪
કહોને હરિ ક્યાં હતા રે, ક્યાં થકી આવ્યા ધર્મકુમાર;
સુંદર શોભતા રે, અંગે સજિયા છે શણગાર. ૫
પહેરી પ્રીતશું રે, સુરંગી સૂંથણલી સુખદેણ;
નાડી હીરની રે, જોતાં તૃપ્ત ન થાયે નેણ. ૬
ઉપર ઓઢિયો રે, ગૂઢો રેંટો જોયા લાગ્ય;
સજની તે સમે રે, ધન્ય ધન્ય નીરખ્યા તેનાં ભાગ્ય. ૭
મસ્તક ઉપરે રે, બાંધ્યું મોળીડું અમૂલ્ય;
કોટિક રવિશશી રે, તે તો ના'વે તેની તુલ્ય. ૮
રેશમી કોરનો રે, કરમાં સા'યો છે રૂમાલ;
પ્રેમાનંદ તો રે, એ છબી નીરખી થયો નિહાલ. ૯
પદ—૨
સજની સાંભળો રે, શોભા વર્ણવું તેની તેહ;
મૂરતિ સંભારતાં રે, મુજને ઊપજ્યો અતિ સ્નેહ. ૧
પહેર્યાં તે સમે રે, હરિએ અંગે અલંકાર;
જેવા મેં નીરખ્યા રે, તેવા વર્ણવું કરીને પ્યાર. ૨
બરાસ કપૂરના રે, પહેર્યા હૈડે સુંદર હાર;
તોરા પાઘમાં રે, તે પર મધુકર કરે ગુંજાર. ૩
બાજુ બેરખા રે, બાંયે કપૂરનાં શોભિત;
કડાં કપૂરનાં રે, જોતાં ચોરે સહુનાં ચિત્ત. ૪
સર્વે અંગમાં રે, ઊઠે અત્તરની બહુ ફોર;
ચોરે ચિત્તને રે, હસતાં કમલનયનની કોર. ૫
હસતા હેતમાં રે, સૌને દેતા સુખ આનંદ;
રસરૂપ મૂરતિ રે, શ્રીહરિ કેવળ કરુણાકંદ. ૬
અદભુત ઉપમા રે, કહેતાં શેષ ન પામે પાર;
ધરીને મૂરતિ રે, જાણે આવ્યો રસ-શૃંગાર. ૭
વા'લપ વેણમાં રે, નેણાં કરુણામાં ભરપૂર;
અંગોઅંગમાં રે, જાણે ઊગિયા અગણિત સૂર. ૮
કરતા વાતડી રે, બોલી અમૃત સરખાં વેણ;
પ્રેમાનંદનાં રે, જોતાં તૃપ્ત ન થાયે નેણ. ૯
પદ—૩
બોલ્યા શ્રીહરિ રે, સાંભળો નરનારી હરિજન;
મારે એક વારતા રે, સૌને સંભળાવ્યાનું છે મન. ૧
મારી મૂરતિ રે, મારા લોક ભોગ ને મુક્ત;
સર્વે દિવ્ય છે રે, ત્યાં તો જોયાની છે જુક્ત. ૨
મારું ધામ છે રે, અક્ષર અમૃત જેનું નામ;
સર્વે સામ્રથી રે, શક્તિ ગુણે કરી અભિરામ. ૩
અતિ તેજોમય રે, રવિશશી કોટિક વારણે જાય;
શીતળ શાંત છે રે, તેજની ઉપમા નવ દેવાય. ૪
તેમાં હું રહું રે, દ્વિભુજ દિવ્ય સદા સાકાર;
દુર્લભ દેવને રે, મારો કોઈ ન પામે પાર. ૫
જીવ ઈશ્વર તણો રે, માયા કાળ પુરુષ પ્રધાન;
સહુને વશ કરું રે, સહુનો પ્રેરક હું ભગવાન. ૬
અગણિત વિશ્વની રે, ઉત્પત્તિ પાલન પ્રલય થાય;
મારી મરજી વિના રે, કોઈથી તરણું નવ તોડાય. ૭
એમ મને જાણજો રે, મારા આશ્રિત સૌ નરનારી;
મેં તો તમ આગળે રે, વાર્તા સત્ય કહી છે મારી. ૮
હું તો તમ કારણે રે, આવ્યો ધામ થકી ધરી દેહ;
પ્રેમાનંદનો રે, વ્હાલો વરસ્યા અમૃત મેહ. ૯
પદ—૪
વળી સહુ સાંભળો રે, મારી વાર્તા પરમ અનુપ;
પરમ સિદ્ધાંત છે રે, સૌને હિતકારી સુખરૂપ. ૧
સૌ હરિભક્તને રે, જાવું હોય મારે ધામ;
તો મને સેવજો રે, તમે શુદ્ધ ભાવે થઈ નિષ્કામ. ૨
સહુ હરિભક્તને રે, રહેવું હોય મારે પાસ;
તો તમે મેલજો રે, મિથ્યા પંચવિષયની આશ. ૩
મુજ વિના જાણજો રે, બીજા માયિક સહુ આકાર;
પ્રીતિ તોડજો રે, જૂઠાં જાણી કુટુંબ-પરિવાર. ૪
સૌ તમે પાળજો રે, સર્વે દ્રઢ કરી મારાં નેમ;
તમ પર રીઝશે રે, ધર્મ ને ભક્તિ કરશે ક્ષેમ. ૫
સંત હરિભક્તને રે, દીધો શિક્ષાનો ઉપદેશ;
લટકાં હાથનાં રે, કરતા શોભે હરિવરવેશ. ૬
નિજ જન ઉપરે રે, અમૃત વરસે આનંદકંદ;
જેમ સહુ ઔષધિ રે, પ્રીતે પોષે પૂરણચંદ. ૭
શોભે સંતમાં રે, જેમ કાંઈ ઉડુગણમાં ઉડુરાજ;
ઈશ્વર ઉદય થયા રે, કળિમાં કરવા જનનાં કાજ. ૮
એ પદ શીખશે રે, ગાશે સાંભળશે કરી પ્યાર;
પ્રેમાનંદનો રે, સ્વામી લેશે તેની સાર. ૯