માનસી પૂજા-૩

બપોરે ચાર વાગ્યાના સમયે ત્રીજી માનસી પૂજા કરવી. યોગનિદ્રાથી દિવ્ય પલંગમાં પોઢેલા શ્રીજીમહારાજની ચારે તરફ મુક્તો બેસી દર્શન કરે છે. શ્રીહરિજી જાગ્રત થતાં મુક્તો 'જય! જય!' બોલી દર્શન કરે છે. શ્રીજીની મૂર્તિમાંથી તેજના તથા સુખના ફુવારા છૂટે છે. પછી મેં શ્રીહરિજીને જળનો પ્યાલો આપ્યો તેનાથી કોગળા કરી મુખશુદ્ધિ કરી શ્રીહરિજી જળપાન કરે છે. પછી લીલા-સૂકા મેવા તથા ઋતુ-અનુસાર ફળને અંગીકાર કરે છે ને સૌને પ્રસાદી આપે છે. ઋતુ મુજબ શ્રીહરિજી ઘોડે અસવાર થઈને નદીએ સ્નાન માટે કે ફૂલવાડીએ ફરવા પધારે છે. મુક્તો સાથમાં છે. શ્રીહરિજીની અદભુત લીલાથી સૌ અહો! અહો! ભાવને પામે છે. ત્યાર બાદ શ્રીજીની ચંદનપુષ્પથી પૂજા કરું છું ને શ્રીહરિજીનું દિવ્ય સુખ અનુભવતો એ સ્વરૂપમાં થીજી જાઉં છું, એમ ભાવે કરી ધારવું.