શ્રીજીમહારાજની પ્રસાદીનો પત્ર
શ્રી અનિર્દેશથી લિખાવીતંગ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજના, સર્વે સત્સંગી બાઈ-ભાઈ નારાયણ વાંચશો.
બીજું લખવાનું કારણ એ છે કે, જે મનુષ્યને જેવું પોતાનું પ્રારબ્ધ હોય તેને અનુસારે દેહને સુખ-દુઃખ થાય છે, તથા જન્મ-મરણ થાય છે, પણ જીવના પ્રારબ્ધ કર્મનું ઉલ્લંઘન કરીને તો ભૈરવ, ભવાની આદિક જે દેવ-દેવીયું છે તે કોઈ પણ એ જીવને સુખ-દુઃખ દેવાને અર્થે કે મારવા-જીવાડવાને અર્થે સમર્થ થતાં નથી. એ પ્રારબ્ધ કર્મ ને કાળ તેને ખોટાં કરી નાખવાં તથા મુવાંને જીવતાં કરવાં કે જીવતાંને મારી નાખવાં તેને વિષે તો એક પરમેશ્વર નારાયણ માત્ર સમર્થ છે, પણ બીજાં કોઈ દેવ-દેવી સમર્થ નથી. માટે એક પરમેશ્વરનો દ્રઢ આશ્રય રાખીને નિત્યે ભજન સ્મરણ કર્યા કરવું અને કોઈ દેવ-દેવીનો ભય રાખવો નહિ.
આપણે તો ભગવાનના ભક્ત છીએ માટે હરિભક્તને તો કોઈ રીતનો ભય મનમાં રાખવો ઘટે નહિ. અને જંત્ર, મંત્ર, ઔષધિએ કરીને કોઈ માણસ જીવતો રહેતો હોત તો પૃથ્વી પર કોઈક તો દીઠામાં આવત, પણ એવો કોઈ દીઠામાં આવતો નથી. વળી જે બહુ મંત્ર, જંત્રને જાણે છે તે પણ મરી જાય છે.
બીજું જંત્ર મંત્ર કોઈ ઉપર કોઈનાં ચાલતાં હોય તો ઘણાક શત્રુ જેની ઉપરે હોય એવા મોટા મોટા રાજાઓ તે જીવતા શી રીતે રહે? અને જંત્રે મંત્રે કરીને જ સિદ્ધિ થાતી હોય તો લાખો રૂપિયા ખરચીને રાજાઓ લશ્કર રાખે છે તથા આયુધ સામગ્રી રાખે એવું શા સારુ કરે? એક ભારે મંત્રશાસ્ત્રી રાખે તે મંત્ર તંત્રની સિદ્ધિએ કરીને સર્વે પ્રતિપક્ષીને મારી નંખાવે, પણ તેમ તો કોઈ ઠેકાણે દેખાતું નથી. માટે નિર્ભય થકા નારાયણનું ભજન કરજો. કેવળ ભગવાનનો જ દ્રઢ નિશ્ચય રાખજો. જેમ ભગવાને ધાર્યું હશે તે સત્ય થશે, આપણું ધાર્યું કે બીજા કોઈનું ધાર્યું નહિ થાય; કેમ કે કોઈ જીવનું ધાર્યું થાતું હોય તો કોઈ ગરીબ રહે જ નહિ. સર્વેને રાજા થવાની ઉમ્મિદ છે, પણ તેમ થતું નથી. માટે પરબ્રહ્મ પુરુષોત્તમ એવા સમર્થ ભગવાનના આશ્રય તળે રહીને નિર્ભય રહ્યા થકા નારાયણનું ભજન કરજો એ આ પત્ર લખવાનો મૂળ ઉદ્દેશ છે, તેને તમે એકાગ્ર મને કરીને ધારજો તથા વિચારજો.