સ્તોત્ર
શ્રીવાસુદેવ વિમલામૃત ધામ વાસં નારાયણં નરકતારણ નામધેયમ્ । શ્યામં સિતં દ્વિભુજમેવ ચતુર્ભુજં ચ ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે ॥ ૧ ॥ શિક્ષાર્થમત્ર નિજભક્તિમતાં નરાણામ્ એકાન્તધર્મમખિલં પરિશીલયન્તમ્ । અષ્ટાંગયોગકલનાશ્ચ મહાવ્રતાનિ ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે ॥ ૨ ॥ શ્વાસેન સાકમનુલોમવિલોમવૃત્ત્યા સ્વાન્તર્બહિશ્ચ ભગવત્યુરુધા નિજસ્ય । પૂરે ગતાગત જલામ્બુધિનોપમેયં ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે ॥ ૩॥
શ્રી ધાર્મિકસ્તોત્રમ્
વિમલામૃતધામ અર્થાત્ અતિશય નિર્મળ, અમૃતસમાન, દિવ્યતમ અક્ષરધામમાં વિરાજિત શ્રી વાસુદેવ નારાયણ કહેતાં સર્વમાં વાસ કરીને રહેલા શ્રી સ્વામિનારાયણ ભગવાન જેમનું નામ-સ્મરણ જન્મ-મરણના વિષચક્રરૂપી નરકથી તારનારું છે, જેમનું સ્વરૂપ શ્યામ છતાં શ્વેત-સુંદર છે, જેઓ દ્વિભુજરૂપે તો ક્યારેક ચતુર્ભુજરૂપે દર્શન આપે છે એવા હે! ભક્તિ-ધર્મથી પ્રગટ થયેલા ભગવાન શ્રી સ્વામિનારાયણ હું આપને શરણે આવું છું...૧.
સમગ્ર એકાંતિક ધર્મ તેમ જ સર્વે કળાઓ સહિત સાંગોપાંગ અષ્ટાંગયોગ અને અહિંસા, બ્રહ્મચર્યાદિ મહાવ્રતોને પોતાના અનન્ય નિષ્ઠાવાન ભક્તજનોને શિક્ષાર્થે સ્વાચરણ દ્વારા ઉપદેશતા એવા હે! ભક્તિ-ધર્મથી પ્રગટ થયેલા ભગવાન શ્રી સ્વામિનારાયણ હું આપને શરણે આવું છું...૨.
આંતર અને બાહ્ય રીતે પ્રાણાયામ દ્વારા, શ્વાચ્છોશ્વાસે પ્રતિક્ષણ પોતાના ભગવત્સ્વરૂપ પ્રત્યે અનુલોમ-પ્રતિલોમ વૃત્તિના સર્જનહાર, જાણે કે ભરતીના સમયે પાણીનું સતત આગમન-નિર્ગમન જેમાં થાય છે એવા સાગર સમાન, એવા હે! ભક્તિ-ધર્મથી પ્રગટ થયેલા ભગવાન શ્રી સ્વામિનારાયણ હું આપને શરણે આવું છું...૩.
બાહ્યાન્તરિન્દ્રિયગણ શ્વસનાધિદૈવ- વૃત્યુદભવસ્થિતિ લયાનપિ જાયમાનાન્ । સ્થિત્વા તત: સ્વમહસા પૃથગીક્ષમાણં ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે ॥ ૪॥ માયામયાકૃતિ તમોશુભ વાસનાનાં કર્તું નિષેધમુરુધા ભગવત્સ્વરૂપે । નિર્બીજ સાંખ્યમતયોગ યુક્તિભાજં ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે ॥ ૫ ॥ દિવ્યાકૃતિ ત્વસુમહસ્ત્વસુ વાસનાનામ્ સમ્યગ્વિધિં પ્રથયિતું ચ પતૌ રમાયા: । સાલમ્બ સાંખ્યપથયોગ સુયુક્તિભાજં ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે ॥ ૬ ॥
આંતર ને બાહ્ય ઇંદ્રિયોના સમુદાય, પ્રાણ-અપાન આદિ વાયુ તથા ઇંદ્રિયોના અધિષ્ઠાતા દેવ- તે સર્વેની વિવિધ વૃત્તિઓની ઉત્પત્તિ, સ્થિતિ અને લય થકી અલિપ્ત રહી નિજસ્વરૂપમાં સદાય વર્તતા અને પોતના દિવ્ય પ્રતાપથી એ સર્વેને સાક્ષાત્ નિહાળતા એવા હે! ભક્તિ-ધર્મથી પ્રગટ થયેલા ભગવાન શ્રી સ્વામિનારાયણ હું આપને શરણે આવું છું...૪.
નિજ ભગવત્સ્વરૂપમાં માયિક ભાવ, તમસ તેમ જ અમંગલ વાસના આદિ દોષો પરઠવાનું સદંતર ખંડન કરવા માટે નિર્વિકલ્પ સાંખ્ય અને યોગશાસ્ત્રના સિદ્ધાંતોનું યોગ્ય રીતે સમર્થન કરનારા એવા હે! ભક્તિ-ધર્મથી પ્રગટ થયેલા ભગવાન શ્રી સ્વામિનારાયણ હું આપને શરણે આવું છું...૫.
અનંત કોટિ મુક્તોના સ્વામી એવા તથા પોતાનું દિવ્યાતિદિવ્ય સાકારપણું, અલૌકિક સામર્થ્ય અને પોતાના ભક્તજનોના શુભસંકલ્પ સત્ય કરવાપણું આદિ ઉત્તમ તત્ત્વોનું સંવર્ધન કરવા માટે સબીજ સાંખ્ય અને યોગ માર્ગનું યથાયોગ્ય નિરૂપણ કરનારા એવા હે! ભક્તિ-ધર્મથી પ્રગટ થયેલા ભગવાન શ્રી સ્વામિનારાયણ હું આપને શરણે આવું છું...૬.
કામાર્ત્ત તસ્કર નટ વ્યસનિદ્વિષન્ત: સ્વસ્વાર્થસિદ્ધિમિવ ચેતસિ નિત્યમેવ । નારાયણં પરમયૈવ મુદા સ્મરન્તં ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે ॥ ૭ ॥ સાધ્વી ચકોર શલભાસ્તિમિકાલકંઠ- કોકા નિજેષ્ટવિષયેષુ યથૈવ લગ્ના: । મૂર્તૌ તથા ભગવતોઽત્ર મુદાતિલગ્નં ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે ॥ ૮ ॥ સ્નેહાતુરસ્ત્વથ ભયાતુર આમયાવી યદ્વત્ક્ષુધાતુર જનશ્ચ વિહાય માની । દૈન્યં ભજેયુરિહ સત્સુ તથાચરન્તં ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે ॥ ૯ ॥
જેમ કામી, ચોર, નટ, વ્યસની તેમ જ ઈર્ષ્યાળુ મનુષ્યો પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવામાં જ એકાગ્રચિત્ત બની તલ્લીન થઈ જાય છે, તેમ (ભક્તજનોની શિક્ષાને અર્થે) પોતાના 'નારાયણ' સ્વરૂપનું જ અખંડ સ્મરણ કરનારા એવા હે! ભક્તિ-ધર્મથી પ્રગટ થયેલા ભગવાન શ્રી સ્વામિનારાયણ હું આપને શરણે આવું છું...૭.
જેમ સાધ્વી નારી, ચકોર પક્ષી, પતંગિયું, માછલું, મયૂર અને ચક્રવાક પક્ષી પોતપોતાની ઇષ્ટવસ્તુની પ્રાપ્તિના પ્રયત્નોમાં જ મગ્ન રહે છે, તેમ (ભક્તજનોની શિક્ષાને અર્થે) પોતાના ભગવત્ સ્વરૂપમાં જ પ્રીતિપૂર્વક મગ્ન રહેતા એવા હે! ભક્તિ-ધર્મથી પ્રગટ થયેલા ભગવાન શ્રી સ્વામિનારાયણ હું આપને શરણે આવું છું...૮.
જેમ સ્નેહાતુર, ભયગ્રસ્ત, રોગગ્રસ્ત તેમ જ ક્ષુધાતુર માણસો સ્વમાનના ભોગે દીન થઈ રહે છે એ જ પ્રમાણે સત્પુરુષો સમક્ષ (ભક્તજનોના પ્રબોધન માટે) નિર્માનીપણે આચરણ કરનારા એવા હે! ભક્તિ-ધર્મથી પ્રગટ થયેલા ભગવાન શ્રી સ્વામિનારાયણ હું આપને શરણે આવું છું...૯.
ધર્મસ્થિતૈરૂપગતૈ ર્બૃહતા નિજૈક્યં સેવ્યો હરિઃ સિતમહઃસ્થિત દિવ્યમૂર્તિઃ । શબ્દાદ્યરાગિભિરિતિ સ્વમતં વદન્તં ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે ॥ ૧૦ ॥ સદગ્રંથ નિત્યપઠન શ્રવણાદિસક્તં બ્રાહ્મીં ચ સત્સદસિ શાસતમત્ર વિદ્યાં । સંસારજાલ પતિતાખિલજીવ બન્ધો ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે ॥ ૧૧ ॥
- શ્રી શતાનંદ મુનિ
ધર્મપરાયણ સ્થિતિવાળા, સર્વશક્તિમાન એવા શ્રીહરિજી સાથે એકાત્મપણાને પામેલા તથા શબ્દાદિ પંચવિષયથી વિરક્ત થયેલા ભક્તજનો માટે પણ અક્ષરધામમાં જાજવલ્યમાન પ્રકાશમાં બિરાજમાન, તેજોમય મૂર્તિસ્વરૂપ શ્રીહરિ સદા સર્વદા ઉપાસ્ય-આરાધ્ય છે; એવાં પોતાના સિદ્ધાંતનું પ્રતિપાદન કરનારા એવા હે! ભક્તિ-ધર્મથી પ્રગટ થયેલા ભગવાન શ્રી સ્વામિનારાયણ હું આપને શરણે આવું છું...૧૦.
સદગ્રંથોના વાચન-શ્રવણમાં હરહંમેશ લીન રહેનારા, સંતસભામાં બ્રહ્મવિદ્યાના ઉપદેશક ભવસાગરની ઉપાધિજાળમાં અટવાયેલા આત્માઓના આપ્તજન અર્થાત્ ઉદ્ધારક એવા હે! ભક્તિ-ધર્મથી પ્રગટ થયેલા ભગવાન શ્રી સ્વામિનારાયણ હું આપને શરણે આવું છું...૧૧.
- શ્રી શતાનંદ મુનિ
શ્રી ગુરુભજનસ્તોત્રમ્
ભવ સંભવ ભીતિ ભેદનં
સુખ સંપત્કરુણાનિકેતનં ।
વ્રત દાન તપઃક્રિયા ફલં
સહજાનંદગુરું ભજે સદા ॥ ૧ ॥
કરુણામય ચારુ લોચનં
શરણાયાત જનાર્તિ મોચનમ્ ।
પતિતોદ્ધારણાય તત્પરં
સહજાનંદગુરું ભજે સદા ॥ ૨ ॥
નિજ તત્ત્વ પથાવબોધનં
જનતાયાઃ સ્વત એવ દુર્ગમમ્ ।
ઇતિ ચિન્ત્ય ગૃહીતવિગ્રહં
સહજાનંદગુરું ભજે સદા ॥ ૩ ॥
શ્રી ગુરુભજનસ્તોત્રમ્
ભવસાગરના જન્મ-મરણના ભયમાંથી મુક્ત કરનાર; સુખ, સમૃદ્ધિ અને કરુણાના ધામ અને વ્રત, દાન, તપ આદિ ધર્માચરણોના પરિપાકરૂપ એવા પરમાત્મા શ્રી સહજાનંદ ગુરુનું હું સદા ભજન કરું છું...૧.
કરુણાથી છલકાતાં સૌમ્ય નેત્રોવાળા, શરણાગત ભક્તજનોનાં દુઃખ-દર્દનો નાશ કરનારા અને પતિત જીવોને પાપકર્મોથી મુક્ત કરી, તેમનો ઉદ્ધાર કરવા સદા-સર્વદા ઉત્સુક એવા પરમાત્મા શ્રી સહજાનંદ ગુરુનું હું સદા ભજન કરું છું...૨.
મુમુક્ષુઓને પુરુષપ્રયત્નથી આપમેળે સમજવું અતિ કઠિન એવા પોતના સર્વોપરી પુરુષોત્તમ સ્વરૂપના તત્ત્વજ્ઞાનને સર્વસુલભ લોકભોગ્ય બનાવવાનો નિશ્ચય કરી, મનુષ્ય દેહ ધારણ કરનારા એવા પરમાત્મા શ્રી સહજાનંદ ગુરુનું હું સદા ભજન કરું છું...૩.
વધિ શંભુ મુખૈરનિગ્રહં
ભવ પાથોધિ પરિભ્રમાકુલમ્ ।
અપિધાર્ય મનો નરપ્રભં
સહજાનંદગુરું ભજે સદા ॥ ૪ ॥
નિજ પાદપયોજ કીર્તનં
સતતં સ્યાદ્ ભવ જીવ ગોચરં ।
ઇતિ યઃ કુરુતે ક્રતૂત્સવં
સહજાનંદગુરું ભજે સદા ॥ ૫ ॥
બહિરીક્ષણ લોક માનુષં
નિજ દત્તામ્બક દર્શિનાં હરિમ્ ।
ભજનીયપદં જગદગુરું
સહજાનંદગુરું ભજે સદા ॥ ૬ ॥
બ્રહ્મા, શંકર જેવા દેવો પણ જેને સંયમમાં નથી રાખી શક્યા અને ભવસાગરમાં સતત ભ્રમણ થવાને કારણે અતિ વ્યાકુળ છે એવા મનને, જેમણે અંકુશમાં રાખ્યું છે એવા મનુષ્ય સ્વરૂપ ધારણ કરનારા પરમાત્મા શ્રી સહજાનંદ ગુરુનું હું સદા ભજન કરું છું...૪.
સંસારી જીવોને પોતાના કલ્યાણકારી ચરણકમળના સેવન-પૂજનનો લાભ અખંડ મળે અર્થાત્ પોતાના સ્વરૂપનું અખંડ અનુસંધાન રહે એવી શુભ કામનાથી જેમણે મહોત્સવ-સમૈયાઓની રચના કરી છે એવા પરમાત્મા શ્રી સહજાનંદ ગુરુનું હું સદા ભજન કરું છું...૫.
બાહ્ય દ્રષ્ટિવાળા લોકોને માનવ સ્વરૂપે દ્રષ્ટિગોચર થતા અને પોતાનાથી દિવ્ય દ્રષ્ટિ પામેલા જનોને સર્વોપરી પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે પરખાતા એવા અને સર્વેને ભજન કરવા યોગ્ય છે કલ્યાણકારી ચરણકમળ જેમના ને સમગ્ર વિશ્વના ગુરુ એવા પરમાત્મા શ્રી સહજાનંદ ગુરુનું હું સદા ભજન કરું છું...૬.
શરણાગત પાપ પર્વતં
ગણયિત્વા ન તદીય સદગુણં ।
અણુમપ્યતુલં હિ મન્યતે
સહજાનંદગુરું ભજે સદા ॥ ૭ ॥
ભવ વારિધિ મોક્ષ સાધનં
ગુરુરાજ પ્રકટ સ્વસંગમમ્ ।
પ્રકટી કૃતવાન્ કૃપાવશઃ
સહજાનંદગુરું ભજે સદા ॥ ૮ ॥
ભગવન્ કૃપયા ત્વયા કૃતં
જનતાયામ્ ઉપકારમીદ્રશમ્ ।
ક્ષમતે પ્રતિકર્તુ મત્ર કઃ કુરુતે
દીનજનસ્તતોંજલિમ્ ॥ ૯ ॥
- શ્રી દીનાનાથ ભટ્ટ
પર્વત જેટલો મોટો ઢગલો થાય એટલાં પાપકર્મો કર્યાં હોય પણ જો તે શરણે આવે તો તે પાપકર્મોને લક્ષમાં ન લેતા પોતાના શરણમાં રાખે છે અને તેના અણુ સરખા સદગુણને તુલના ન થઈ શકે એવો મહાન ગણે છે એવા અતિ દયાળુ પરમાત્મા શ્રી સહજાનંદ ગુરુનું હું સદા ભજન કરું છું...૭.
સદાય પ્રગટ એવા પોતાનો સમાગમ અનેક જીવોને સંસાર સાગરમાંથી મોક્ષ પામવાના સાધનરૂપ છે અને તેથી જ કેવળ કૃપાવશ થઈને પોતે પ્રગટ થયા છે એવા ગુરુરાજ પરમાત્મા શ્રી સહજાનંદ ગુરુનું હું સદા ભજન કરું છું...૮.
હે ભગવન્! આપે જનસમુદાય પર તેમના જીવાત્માનો આત્યંતિક મોક્ષ કરવારૂપ મહાન અનુગ્રહ કર્યો છે તેનો બદલો વાળવા કોઈ પણ સમર્થ નથી. તેથી જ આ મહદ ઉપકાર કરવા નિમિત્તે હું દીનાનાથ ભટ્ટ, અંજલિબદ્ધ થઈ અંતરમનથી આપને નમસ્કાર કરું છું...૯.
- શ્રી દીનાનાથ ભટ્ટ