રાત્રિ ભોજનનો થાળ
રૂડી રાંધી મેં રસિયાજી ખાંતે ખીચડી રે. ટેક.
ચોખા દાળ જતન કરી જોઈ, નિર્મળ નીરે ધીરે ધોઈ;
મધુરે મધુરે તાપે માખણ શી ચડી રે. રૂડી.
ઘી ઘણું જમો અલબેલા, અથાણાં પાપડ રંગ છેલા;
ચોંપેશું ચોળાની કાજુ કરી વડી રે. રૂડી.
દૂધ કઢી ને દહીં જમાવી, લલિત લવિંગે શું છમકાવી;
ભૂધરને જમવાને કાજે કરી કઢી રે. રૂડી.
દયાનંદ કહે દિલમાં ધારી, પ્રસાદી આપો હિતકારી;
શ્રીહરિવરને હાથે મુજને મોજ મળી રે. રૂડી.