ઓરા આવો ઘનશ્યામ સ્નેહી
રાગ : ગરબી
ઓરા આવો ઘનશ્યામ સ્નેહી, સુંદર વર જોઉં વ્હાલા;
જતન કરીને જીવન મારા, જીવમાંહી પ્રોઉં વ્હાલા. ૧
ચિહ્ન અનુપમ અંગોઅંગનાં, સુરતે સંભારું વ્હાલા;
નખશિખ નીરખી નૌતમ મારા, ઉરમાં ઉતારું વ્હાલા. ૨
અરુણ કમળસમ જુગલ ચરણની, શોભા અતિ સારી વ્હાલા;
ચિંતવન કરવા આતુર અતિ, મનવૃત્તિ મારી વ્હાલા. ૩
પ્રથમ તે ચિંતવન કરું, સુંદર સોળે ચિહ્ન વ્હાલા;
ઊર્ધ્વરેખા ઓપી રહી, અતિશે નવીન વ્હાલા. ૪
અંગૂઠા આંગળી વચ્ચેથી, નીસરીને આવી વ્હાલા;
પાનીની બે કોરે જોતાં, ભક્તને મન ભાવી વ્હાલા. ૫
જુગલ ચરણમાં કહું મનોહર, ચિહ્ન તેનાં નામ વ્હાલા;
શુદ્ધ મને કરી સંભારતાં, નાશ પામે કામ વ્હાલા. ૬
અષ્ટકોણ ને ઊર્ધ્વરેખા, સ્વસ્તિક જાંબુ જવ વ્હાલા;
વજ્ર અંકુશ કેતુ ને પદ્મ, જમણે પગે નવ વ્હાલા. ૭
ત્રિકોણ કળશ ને ગોપદ સુંદર, ધનુષ ને મીન વ્હાલા;
અર્ધચંદ્ર ને વ્યોમ સાત છે, ડાબે પગે ચિહ્ન વ્હાલા. ૮
જમણા પગના અંગૂઠાના, નખમાંહી ચિહ્ન વ્હાલા;
તે તો નીરખે જે કોઈ ભક્ત, પ્રીતિએ પ્રવીણ વ્હાલા. ૯
એ જ અંગૂઠાની પાસે, તિલ એક નૌતમ ધારું વ્હાલા;
પ્રેમાનંદ કહે નીરખું પ્રીતે, પ્રાણ લઈ વારું વ્હાલા. ૧૦