માનસી પૂજા-૧
સવારમાં પાંચથી સાત વાગ્યા સુધીના સમયમાં પ્રથમ માનસી પૂજા કરવી. યોગનિદ્રાથી સુખશય્યામાં પોઢેલા શ્રીહરિજીની સંતો-હરિભક્તો સ્તુતિ-પ્રાર્થના કરે છે ત્યારે શ્રીહરિજી જાગ્રત થઈ તકિયાનું ઓઠિંગણ દઈ વિરાજે છે. તેમનાં અંગોઅંગ અતિશય શોભે છે. શ્રીહરિજી નિત્યવિધિ કરવા પધારે છે. શૌચ કરી, આવેલા શ્રીહરિજીને જળ ને માટીથી હસ્તચરણની શુદ્ધિ કરાવીને દાતણ આપવું. સુગંધી જળથી મુખ ધોવરાવવું. સુંદર બાજોઠ ઉપર શ્રીહરિજીને બેસાડી, તેમના અંગોઅંગમાં અત્તર-સુવાસિત દ્રવ્યોથી મર્દન કરી, જળથી ભાવપૂર્વક નવરાવવા. ત્યાર બાદ ઉત્તમ વસ્ત્રો-આભૂષણો ઋતુ અનુસાર પહેરાવવાં. અત્તર-કેસર-ચંદન લલાટને વિષે ચર્ચવું. સુગંધી પુષ્પના હાર, તોરા, ગજરા, બાજુબંધ ધરાવવા. ધૂપદીપ અર્પણ કરવાં. સાકર-ઇલાયચી-કેસર-બદામ વગેરે નાખેલ ગરમ દૂધ પીવા માટે આપવું, દિવ્ય પકવાન નાસ્તા માટે ધરવાં. તે શ્રીહરિજી આરોગે છે ને હું પંખો નાખું છું ને સેવા કરું છું એવા ભાવથી શ્રીહરિજીને ધારવા. જમ્યા પછી જળપાન-મુખવાસ કરાવી પલંગ ઉપર વિરાજમાન કરવા તે વખતે મુક્તો પ્રસાદી જમીને શ્રીહરિજીની ચારેકોર બેસી દર્શન કરે છે, શ્રીહરિજી વાતોનું સુખ આપે છે. એ મૂર્તિનું હું દિવ્ય સુખ અનુભવું છું એવી ભાવના કરવી.