હવે મારા વ્હાલાને નહિ રે વિસારું રે

રાગ : ગરબી
પદ—૧
હવે મારા વ્હાલાને નહિ રે વિસારું રે,
શ્વાસઉચ્છવાસે તે નિત્ય સંભારું રે.      ૧
પડ્યું મારે સહજાનંદજીશું પાનું રે,
હવે હું તો કેમ કરી રાખીશ છાનું રે.      ૨
આવ્યું મારે હરિવર વરવાનું ટાણું રે,
એ વર ન મળે ખરચે નાણું રે.      ૩
એ વર ભાગ્ય વિના નવ આવે રે,
એ સ્નેહ લગ્ન વિના નવ ભાવે રે.      ૪
દુરીજન મન રે માને તેમ કહેજ્યો રે,
સ્વામી મારા હૃદયની ભીતર રહેજ્યો રે.      ૫
હવે હું તો પૂરણ પદવીને પામી રે,
મળ્યા મુને નિષ્કુળાનંદના સ્વામી રે.      ૬


પદ—૨
હવે મારા વહાલાનાં દર્શન સારુ,
હરિજન આવે હજારે હજારું.      ૧
ઢોલિયે બિરાજે સહજાનંદ સ્વામી,
પૂરણ પુરુષોત્તમ અંતરજામી.      ૨
સભા મધ્યે બેઠા મુનિના વૃંદ,
તેમાં શોભે તારે વિંટ્યો જેમ ચંદ્ર.      ૩
દુર્ગપુર ખેલ રચ્યો અતિ ભારી,
ભેળા રમે સાધુ અને બ્રહ્મચારી.      ૪
તાળી પાડે ઊપડતી અતિ સારી,
ધુન્ય થાય ચૌદ લોક થકી ન્યારી.      ૫
પાઘડલીમાં છોગલિયું અતિ શોભે,
જોઈ જોઈ હરિજનનાં મન લોભે.      ૬
પધાર્યા વહાલો સર્વે તે સુખના રાશિ,
સહજાનંદ અક્ષરધામના વાસી.      ૭
ભાંગી મારી જન્મોજન્મની ખામી,
મળ્યા મુને નિષ્કુળાનંદના સ્વામી.      ૮