૩૪. આજ મારે ઓરડે રે...

0:000:00

ભગવાનના ચરણ ભક્તને દ્વાર એ બહુ મોટી ઘટના છે. એ ચરણની મહત્તા સાત આસમાનની ઊંચાઈને પણ વામણી બનાવે એવી છે. છતાંય જ્યારે અલ્પ એવા આત્માનો પ્રેમ જોઈ પ્રભુ તેના આંગણે પધારે છે ત્યારે ભક્ત ભાવ વિભોર બની દુનિયાને કહે છે કે:

'આજ મારે ઓરડે રે, આવ્યા અવિનાશી અલબેલ...'




એક દિવસ વૈરાગ્યમૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામીને મળવા તેમની ઓરડીએ આવ્યા. પ્રેમાનંદ સ્વામીએ પ્રણામ કરી નિષ્કુળાનંદ સ્વામીને આસન આપી વિનયથી પૂછ્યું: 'સ્વામી! આપની શી સેવા કરું?"

નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું: "અરે! હું તો તમારી પ્રેમભક્તિ માણવા આવ્યો છું. શ્રીજીમહારાજ સાથેનું કોઈક સંભારણું અને એવું જ કોઈક પદ સંભળાવો."

પ્રેમસખીએ સ્મૃતિને ઢંઢોળી, જૂના એક સ્મરણને તાજું કરતાં બોલ્યા: "સ્વામી! એકવાર શ્રીહરિ અહીં રાત્રે પધાર્યા હતા."

આ સાંભળતાં જ નિષ્કુળાનંદના મોંમાંથી ઉદગાર નીકળી પડ્યા: "શું કહો છો? શ્રીહરિ સ્વયં અહીં પધારેલા અને એ પણ રાતે! અહો! ધન્યભાગ્ય તમારા!"

પ્રેમાનંદ સ્વામીએ વાત આગળ વધારી: "સ્વામી! ધન્ય ભાગ્ય તો આપણાં સૌનાં છે જ, નહિ તો આ સર્વોપરી મૂર્તિ ક્યાંથી મળે? પરંતુ અફસોસ એ હતો કે એ અધરાતે મહારાજ અહીં આવેલા, પણ હું કીર્તન ગાવામાં એવો તલ્લીન થઈ ગયેલો કે મને ખ્યાલ જ ન રહ્યો કે શ્રીહરિ આખી રાત બહાર ઊભા ઊભા સાંભળતા હતા. સવારે મને ખબર પડી ત્યારે મનમાં ઘણી ભોંઠપ થઈ, પણ શું કરું? અપરાધ થઈ ગયો. પ્રભુ મારે ઓરડે આવ્યા ને હું કાંઈ સ્વાગત ન કરી શક્યો, પૂજા અર્ચન ન કરી શક્યો. એ વાતનો મનમાં વસવસો રહ્યા કરતો હતો. પરંતુ સ્વામી! મહારાજ તો અંતર્યામી છે ને? મારા અંતરની અભિલાષાને તે પિછાની ગયા ને એક દિવસ ફરી જ્યાં ઓરડી બહાર જોઉં છું ત્યાં શ્રીહરિ સામે ચાલીને ઓરડીએ પધારતા હતા. તરત જ મારા મુખમાંથી હર્ષમાં ને હર્ષમાં ઉદગાર નીકળી પડ્યા:

'આજ મારે ઓરડે રે, આવ્યા અવિનાશી અલબેલ...'

આવાં બે પદ લખી નાખ્યાં પછી ઠાકોરજીનો પ્રસાદ લેવા બેઠો. પાછા આવીને જોયું તો બીજાં બે પદ મહારાજે લખી નાંખેલાં, તે પદ આ છે સાંભળો-

'બોલ્યા શ્રીહરિ રે, સાંભળો નરનારી હરિજન;

મારે એક વારતા રે સૌને સંભળાવ્યાનું છે મન...'

મારા રચાયેલા પદના જ ઢાળમાં શ્રીજીમહારાજે પણ બે પદ રચ્યાં. આ વાત મેં કોઈને કહી નથી.'

નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું: "ઓહોહો સ્વામી! ધન્ય છે તમને ને ધન્ય છે તમારી પ્રેમભક્તિને! આ પદમાં તો શ્રીહરિએ પોતાના સ્વરૂપની, ધામની, શક્તિની વાત સમજાવી છે અને વધુમાં વધુ અવતારના કારણ અવતારી પોતે જ છે એમ પણ સમજાવી દીધું છે!" પ્રેમસખી તો આ સાંભળતાં જ પ્રભુના સ્વરૂપમાં લીન થઈ ગયા. શ્રીજીનાં લીલા ચરિત્રો સંભારતાં ને સાંભળતાં તેમના રૂંવાડે રૂંવાડે રોમાંચ વ્યાપી જતો ને પ્રેમભાવમાં શ્રીજીસ્વરૂપમાં એવા તો લીન થઈ જતા કે દેહ, સ્થાન, સમય કે દેશકાળનું પણ ભાન તેમને રહેતું નહિ.

કાવ્યકૃતિ : (રાગ: ગરબી)

પદ 1

આજ મારે ઓરડે રે, આવ્યા અવિનાશી અલબેલ;

બાઈ મેં બોલાવિયા રે, સુંદર છોગાવાળો છેલ. ૧

નીરખ્યા નેણાં ભરી રે, હરિવર સુંદર શ્રી ઘનશ્યામ;

શોભા શી કહું રે, નીરખી લાજે કોટિક કામ. ૨

ગૂંથી ગુલાબના રે, કંઠે આરોપ્યા મેં હાર;

લઈને વારણાં રે, ચરણે લાગી વારંવાર. ૩

આપ્યો મેં તો આદરે રે, બેસવા ચાકળિયો કરી પ્યાર;

પૂછ્યા પ્રીતશું રે, બાઈ મેં સર્વે સમાચાર. ૪

કહોને હરિ ક્યાં હતા રે, ક્યાં થકી આવ્યા ધર્મકુમાર;

સુંદર શોભતાં રે, અંગે સજિયા છે શણગાર. ૫

પહેરી પ્રીતશું રે, સુરંગી સુંથણલી સુખદેણ;

નાડી હીરની રે, જોતાં તૃપ્ત ન થાયે નેણ. ૬

ઉપર ઓઢિયો રે, ગૂઢો રેંટો જોવા લાગ્ય;

સજની તે સમે રે, ધન્ય ધન્ય નીરખ્યા તેના ભાગ્ય. ૭

મસ્તક ઉપરે રે, બાધ્યું મોળિડું અમૂલ્ય;

કોટિક રવિ શશી રે, તે તો ના'વે તેને તુલ્ય. ૮

રેશમી કોરનો રે, કરમાં સાહ્યો છે રૂમાલ;

પ્રેમાનંદ તો રે, એ છબી નીરખી થયો નિહાલ. ૯


પદ 2

સજની સાંભળો રે, શોભા વર્ણવું તેની તેહ;

મૂર્તિ સંભારતાં રે, મુજને ઉપજ્યો અતિ સનેહ. ૧

પહેર્યા તે સમે રે, હરિએ અંગે અલંકાર;

જેવા મેં નીરખ્યા રે, તેવા વર્ણવું કરીને પ્યાર. ૨

બરાસ કપૂરના રે, પહેર્યા હૈડે સુંદર હાર;

તોરા પાઘમાં રે, તે પર મધુકર કરે ગુંજાર. ૩

બાજુ બેરખા રે, બાંહ્યે કપૂરના શોભિત;

કડાં કપૂરનાં રે, જોતાં ચોરે સહુનાં ચિત્ત. ૪

સર્વે અંગમાં રે, ઊઠે અત્તરની બહુ ફોર;

ચોરે ચિત્તને રે, હસતા કમળ નયનની કોર. ૫

હસતા હેતમાં રે, સૌને દેતા સુખ આનંદ;

રસરૂપ મૂર્તિ રે, શ્રીહરિ કેવળ કરુણાકંદ. ૬

અદભુત ઉપમા રે, કહેતાં શેષ ન પામે પાર;

ધરીને મૂરતિ રે, જાણે આવ્યો રસ શૃંગાર. ૭

વાલપ વેણમાં રે, નેણાં કરુણામાં ભરપૂર;

અંગોઅંગમાં રે, જાણે ઊગ્યા અગણિત સૂર. ૮

કરતા વાતડી રે, બોલી અમૃત સરખાં વેણ;

પ્રેમાનંદના રે, જોતાં તૃપ્ત ન થાયે નેણ. ૯


પદ 3

બોલ્યા શ્રીહરિ રે, સાંભળો નરનારી હરિજન;

મારે એક વારતા રે, સહુને સંભળાવ્યાનું છે મન. ૧

મારી મૂરતિ રે, મારા લોક ભોગ ને મુક્ત;

સર્વે દિવ્ય છે રે, ત્યાં તો જોયાની છે જુક્ત. ૨

મારું ધામ છે રે, અક્ષર અમૃત જેનું નામ;

સર્વે સામર્થી રે, શક્તિ ગુણે કરી અભિરામ. ૩

અતિ તેજોમય રે, રવિ શશી કોટિક વારણે જાય;

શીતળ શાંત છે રે, તેજની ઉપમા નવ દેવાય. ૪

તેમાં હું રહું રે, દ્વિભુજ દિવ્ય સદા સાકાર;

દુર્લભ દેવને રે, મારો કોઈ ન પામે પાર. ૫

જીવ ઈશ્વર તણો રે, માયા કાળ પુરુષ પ્રધાન;

સહુને વશ કરું રે, સહુનો પ્રેરક હું ભગવાન. ૬

અગણિત વિશ્વની રે, ઉત્પત્તિ પાલન પ્રલય થાય;

મારી મરજી વિના રે, કોઈથી તરણું ના તોડાય. ૭

એમ મને જાણજો રે, મારા આશ્રિત સહુ નરનારી;

મેં તો તમ આગળ રે, વાર્તા સત્ય કહી છે મારી. ૮

હું તો તમ કારણે રે, આવ્યો ધામ થકી ધરી દેહ;

પ્રેમાનંદનો રે, વ્હાલો વરસ્યા અમૃત મેહ. ૯


પદ 4

વળી સૌ સાંભળો રે, મારી વારતા પરમ અનુપ;

પરમ સિદ્ધાંત છે રે, સહુને હિતકારી સુખરૂપ. ૧

સહુ હરિભક્તને રે, જાવું હોયે મારે ધામ;

તો મને સેવજો રે, તમે શુદ્ધ ભાવે થઈ નિષ્કામ. ૨

સહુ હરિભક્તને રે, રહેવું હોયે મારી પાસ;

તો તમે મેલજો રે, મિથ્યા પંચવિષયની આશ. ૩

મુજ વિના જાણજો રે, બીજા માયિક સૌ આકાર;

પ્રીતિ તોડજો રે, જૂઠાં જાણી કુટુંબ પરિવાર. ૪

સૌ તમે પાળજો રે, સર્વે દૃઢ કરી મારા નેમ;

તમ પર રીઝશે રે, ધર્મ ને ભક્તિ કરશે ક્ષેમ. ૫

સંત હરિભક્તને રે, કીધો શિક્ષાનો ઉપદેશ;

લટકાં હાથનાં રે, કરતાં શોભે હરિવરવેશ. ૬

નિજ જન ઉપરે રે, અમૃત વરસ્યા આનંદકંદ;

જેમ સહુ ઔષધિ રે, પ્રીતે પોષે પૂરણચંદ. ૭

શોભે સંતમાં રે, જેમ કાંઈ ઉડુગણમાં ઉડુરાજ;

ઈશ્વર ઉદે થયા રે, કળિમાં કરવા જનનાં કાજ. ૮

એ પદ શીખશે રે, ગાશે સાંભળશે કરી પ્યાર;

પ્રેમાનંદનો રે, સ્વામી લેશે તેની સાર. ૯


આસ્વાદ :

આ પદની પ્રસ્તુત ચોસરમાં પ્રેમાનંદ સ્વામી તેમના અન્ય પદની જેમ પદલાલિત્ય તેમજ પ્રેમભક્તિનું માધુર્ય યથાવત્ સાચવે છે. શ્રીહરિને પોતાના આસને(સ્વામિનારાયણ સંપ્રદાયમાં સાધુની રહેવાની જગ્યાને 'આસન' કહે છે) પધારતા જોઈને પ્રેમસખીના પ્રેમોત્કટ હૈયામાં ભાવાવેગની જે ભરતી ઊમટે છે તેને પોતે ખાળી નહિ શકવાથી એમની પ્રેમોન્મત્ત થયેલી વાણી વૈખરીમાં વ્યક્ત થઈ જાય છે, ત્યારે એ અનાયાસે ગાઈ ઊઠે છે--

'આજ મારે ઓરડે રે, આવ્યા અવિનાશી અલબેલ'

અહીં શ્રી સહજાનંદ સ્વામીના દર્શનમાત્રથી જાગૃત થતાં વિવિધ ભાવ સંવેદનો ખૂબ સુંદર રીતે વ્યક્ત થયાં છે.

પ્રાણ પિયુ શ્રી સહજાનંદ સ્વામીની અલૌકિક રૂપમાધુરી પર પ્રેમાનંદના પ્રાણ વારી ગયા છે, તેથી જ 'હરિવર સુંદર શ્રી ઘનશ્યામ'ને એ માત્ર જોતા નથી, આંખો દ્વારા પીએ છે. 'નીરખ્યાં નેણાં ભરી રે' અને પીએ છે પણ કેટલાં? આંખો ભરી ભરી ને! શ્રીહરિ તો શોભાનો સાગર છે, એમના અલૌકિક રૂપસૌંદર્ય પાસે તો કરોડો કામદેવ પણ વામણાં લાગે! કવિનું હૃદય સહેજે જ શ્રી સહજાનંદ સ્વામીના રૂપલાવણ્યમાં આકર્ષાય છે અને એ વિવિધ રાગાત્મક ભાવસંવેદનો વ્યક્ત કરે છે. એ સર્વે આધ્યાત્મિક હોવા છતાં, લૌકિક દૃષ્ટિએ માનવસહજ અને સ્વાભાવિક લાગે છે.

'ગૂંથી ગુલાબના રે, કંઠે આરોપ્યા મેં હાર;

લઈને વારણાં રે, ચરણે લાગી વારંવાર.'

જાતે ગૂંથેલો ગુલાબનો હાર શ્રીહરિને પહેરાવી એમના વારણાં લઈ પ્રેમસખી શ્રીચરણમાં વારંવાર પ્રણામ કરે છે. કવિની દાસ્યભક્તિનો ઉત્તમ ઉન્મેષ અહીં અભિવ્યક્ત થાય છે. શ્રીહરિની પ્રેમભરી આગતા સ્વાગતા કરી પ્રેમાનંદ સ્વામી પ્રભુને કુશળ સમાચાર પૂછે છે:

'કહોને હરિ ક્યાં હતા રે, ક્યાં થકી આવ્યા ધર્મકુમાર'

મહારાજ તો પ્રેમીભક્તનો ભાવભક્તિભર્યો હૃદયઉન્માદ જોઈ પ્રેમપૂર્વક તેમને આલિંગન આપી આસન ગ્રહણ કરે છે. મહારાજની સામે એમના ચરણમાં બેસીને કવિ શ્રીજીની મૂર્તિને--એમના રસશૃંગારને અંતરની આંખેથી નિહાળીને એનું માહાત્મ્યપૂર્ણ સૂક્ષ્મ વર્ણન કરે છે.

પ્રેમસખીની ભક્તિમાં માહાત્મ્ય અને જ્ઞાનનો અદભુત સમન્વય સધાયો છે. શ્રીહરિના અનુપમ રૂપસૌંદર્યને નિહાળીને એ એમાં ફક્ત મગ્ન થઈને વિરમી નથી જતા, એ અલૌકિક દર્શનનો મહિમા તે યથાર્થ સમજે છે અને ધન્યતાપૂર્વક એને ગાય પણ છે :

'સજની તે સમે રે, ધન્ય ધન્ય નીરખ્યા તેના ભાગ્ય...'

કવિમાં માહાત્મ્યાસક્તિ પૂર્ણપણે વિકાસ પામી છે, પણ તે એકલી ગુણયુક્ત નથી. એમાં શક્તિ, પરમ ઐશ્વર્ય, સ્વરૂપનિષ્ઠા વગેરે ભળે છે. પ્રગટ પરમાત્મા સ્વામિનારાયણના અલૌકિક ઐશ્વર્યયુક્ત અપાર મહિમાગાનમાં કવિની જ્ઞાનાસક્તિની ઝલક ઝાંખી પડતી નથી(પ્રેમસખી પ્રેમાનંદ- ડૉ. હરિપ્રસાદ ઠક્કર). પદનું સમાપન પણ કવિ કૃતજ્ઞતાના ભાવ સાથે જ કરે છે:

'પ્રેમાનંદ તો રે, એ છબી નીરખી થયો નિહાલ...'

બીજા પદનો પ્રારંભ કવિ 'સજની સાંભળો રે, શોભા વર્ણવું તેની તેહ....' એમ કહીને શ્રીહરિની દિવ્ય મૂર્તિની શૃંગાર શોભાના વધુ રસમય વર્ણનથી કરે છે.

શ્રીજીમહારાજની મૂર્તિનું અનુસંધાન થતાં પ્રેમસખીના અંતરમાં સ્નેહભાવની ભરતી આવે છે. આ પ્રકારનાં પ્રણયસંવેદનોની તીવ્ર અનુભૂતિ કવિની ભક્તિ સાધનાના મૂળમાં રહેલી છે. તેથી જ એમનાં કાવ્યોમાં ભક્તિભાવભીનાં પ્રણયસ્પંદનોની વ્યંજના ઝિલાઈ છે.

'જેવા મેં નીરખ્યા રે, તેવા વર્ણવું કરીને પ્યાર....'

પ્રેમસખીએ અંતરની આંખે શ્રીજીને જેવા નીરખ્યા હતા તેવા જ પ્રામાણિકપણે વર્ણવ્યા છે.

શ્રીજીમહારાજે કંઠમાં બરાસ કપૂરના સુગંધીદાર હાર પહેર્યા છે, પાઘમાં તોરા ખોસ્યા છે, બન્ને હાથે કપૂર સુશોભિત બેરખા ને કડાં પહેર્યાં છે. શ્રીહરિનાં સર્વે અંગમાંથી અત્તરની મદમસ્ત ફોરમ ફૂટી રહી છે. એમના આ અદભુત શણગાર ને શોભા જોઈને સર્વેના ચિત્ત એમના અલૌકિક સ્વરૂપમાં ચોંટી જાય છે.

'હસતા હેતમાં રે, સૌને દેતા સુખ આનંદ;

રસરૂપ મૂર્તિ રે, શ્રીહરિ કેવળ કરુણાકંદ...'

મહારાજ તો કરુણાનિધાન છે, એમની પ્રત્યેક ચેષ્ટા જેવી કે એમનું હસવું, બોલવું, એમનાં લટકાં-- બધું જ પ્રેમી ભક્તોના સુખ આનંદ માટે જ હોય છે!

કવિ કહે છે કે એ રસરૂપ મૂર્તિને મારે કેટકેટલી ઉપમાઓ દેવી? હું તો ઠીક, શેષજી પણ એનો પાર પામી શકે તેમ નથી. રસરાજ શૃંગાર જાણે સ્વયં મૂર્તિમાન આવ્યો હોય એમ કવિને મહારાજની મૂર્તિ નીરખીને લાગે છે.

'ધરીને મૂરતિ રે, જાણે આવ્યો રસશૃંગાર...'

આ પદમાં કવિની પ્રણયોર્મિનાં સ્પંદનો તથા શ્રીહરિના રસશૃંગારનાં વિવિધ ભાવચિત્રો ખૂબ માર્મિક અને સૂક્ષ્માતિસૂક્ષ્મ રીતે આલેખાયાં છે. કવિની અદભુત ભાવાલેખન શક્તિનો અહીં પરચો મળે છે.

અહીં પ્રેમસખી શ્રીહરિના રૂપ-શણગારના રસિક રૂપનિરૂપણમાં એવા ખોવાઈ જાય છે કે આગળ એમની વાચા મૌનના મહાસાગરમાં વિલીન થઈ જાય છે. પ્રભુની મૂર્તિમાં ભળી ગયા પછી ભક્ત રહે છે જ ક્યાં? પછી તો ભક્ત દ્વારા ભગવાન જ બોલે છે, ભગવાન જ લખે છે, એની સર્વ ક્રિયાઓનો દોરીસંચાર પછી તો પ્રભુ જ કરે છે. પ્રેમાનંદ તો મહારાજની મૂર્તિમાં રસબસ થઈ ગયા, પછી એમના દ્વારા જે બોલે છે, લખે છે તે બીજું કોઈ નહિ પણ સ્વયં મહારાજ જ છે! એટલે જ ત્રીજા પદની શરૂઆત આ પ્રમાણે થઈ છે-

'બોલ્યા શ્રીહરિ રે, સાંભળો નરનારી હરિજન...'

હવે શ્રીહરિ સ્વયં એક મૂળભૂત વાત સર્વે સંતહરિભક્તોને સમજાવે છે:

'મારી મૂરતિ રે, મારા લોક ભોગ ને મુક્ત;

સર્વે દિવ્ય છે રે, ત્યાં તો જોયાની છે જુક્ત...'

'હે ભક્તો! મારી મૂર્તિ અને મારી મૂર્તિના સંબંધે કરીને મારા લોક, ભોગ ને મુક્ત સર્વે દિવ્ય છે. સર્વ સામર્થી, શક્તિ અને ગુણેયુક્ત મારું ધામ છે, જેનું નામ અક્ષરધામ છે! અસંખ્ય સૂર્યચંદ્ર જેના તેજ પાસે ઝંખવાય એવું એ તેજોમય છે, એ શીતળ સૌમ્ય તેજ અનુપમ છે. એવા દિવ્ય તેજોમય અક્ષરધામમાં હું સદાય સાકાર દ્વિભુજ સ્વરૂપે રહું છું. મારા દર્શન દેવોને પણ દુર્લભ છે. મારો મહિમા અપાર છે. જીવ, ઈશ્વર, માયા, કાળ, પ્રધાન પુરુષ સહુ મારે વશ વર્તે છે અને એ સહુનો પ્રેરક ભગવાન હું જ છું! અગણિત બ્રહ્માંડોની ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય મારી પ્રેરણાને કારણે જ થાય છે.* મારી મરજી સિવાય અનંત બ્રહ્માંડોમાં કોઈથી કાંઈ ન થઈ શકે. આ સત્ય રહસ્ય મેં તમારી પાસે મૂક્યું છે એ સમજજો અને એટલું તો નિશ્ચે સ્વીકારજો કે હું તમારા બધા માટે જ આ લોકમાં મનુષ્ય દેહ ધરીને આવ્યો છું! ભક્તને સુખદુ:ખ આવે છે તે પરમાત્માની ઇચ્છાએ આવે છે, કારણ કે કાળ, કર્મ ને માયા તો શ્રીહરિને વશ વર્તે છે. ભગવાનને જ સર્વ કર્તાહર્તા જાણનાર દૃઢ નિશ્ચયી ભક્તને માથે કાળ, કર્મ ને માયાનો હુકમ ચાલતો નથી.

* "અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન તે સૃષ્ટિ સમયને વિષે અક્ષર સામી દૃષ્ટિ કરે છે, ત્યારે તે અક્ષરમાંથી પુરુષ પ્રગટ થઇ આવે છે, પછી તે પુરુષોત્તમ જે તે અક્ષરમાં પ્રવેશ કરીને પુરુષને વિષે પ્રવેશ કરે છે ને પુરુષરૂપે થઇને પ્રકૃતિને પ્રેરે છે.... પછી તે પ્રકૃતિ પુરુષથકી પ્રધાનપુરુષ થયા ને તે પ્રધાનપુરુષ થકી મહતત્ત્વ થયું, ને મહતત્ત્વ થકી ત્રણ પ્રકારનો અહંકાર થયો." આ રીતે સર્વના કારણ ભગવાન સ્વામિનારાયણ છે. વચનામૃત- (ગઢડા પ્ર. પ્ર. ૪૧)


શ્રીમદ્ ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણચંદ્રે અર્જુનને કહ્યું છે કે 'બીજા સર્વ ધર્મનો પરિત્યાગ કરી મારે એકને શરણે આવ, હું તને સર્વ પાપ થકી મુકાવીશ.' આવું જ અભય વરદાન ભગવાન શ્રી સ્વામિનારાયણ ચોથા પદમાં આપતા કહે છે:

'વળી સૌ સાંભળો રે, મારી વાર્તા પરમ અનુપ;

પરમ સિદ્ધાંત છે રે, સહુને હિતકારી સુખરૂપ...'

આત્યંતિક મોક્ષનું હાર્દ સમજાવતો આ હિતકારી સુખરૂપ સિદ્ધાંત સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિરૂપ છે. સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયનું હાર્દ આ સિદ્ધાંતમાં સમાયેલું છે. શ્રીહરિ આટલી પ્રસ્તાવના કરી આગળ કહે છે:

'સહુ હરિભક્તને રે, જાવું હોયે મારે ધામ;

તો મને સેવજો રે, તમે શુદ્ધભાવે થઈ નિષ્કામ.'

શુદ્ધભાવે અર્થાત્ બ્રહ્મરૂપની ભાવના કરીને પ્રભુ પ્રસન્નતા સિવાય અન્ય કામના રહિત નિષ્કામ ભક્તિ જ મોક્ષદાયી છે. ભક્તિ પણ વૈરાગ્યથી પરિપુષ્ટ થાય છે, તેથી શ્રીહરિ આગળ કહે છે:

'સહુ હરિભક્તને રે, રહેવું હોયે મારી પાસ;

તો તમે મેલજો રે, મિથ્યા પંચવિષયની આશ.'

શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ માયિક પંચવિષયમાં અનાસક્તિયોગ કેળવવો અને સ્નેહી-સ્વજનોમાંથી આસક્તિ તોડી પરમાત્મામાં જ પ્રીતિ જોડી દેવી તે જ સાચો વૈરાગ્ય છે.

સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ કહ્યું છે કે: 'જે પુરુષની ઇંદ્રિયો શબ્દાદિક વિષયમાં આસક્ત હોય તે પુરુષ ભગવાનના સુખને ક્યારેય પણ પામે નહિ.*

* શ્રી ગોપાળાનંદ સ્વામીની વાતો (ટિપ્પણી સહિત)- શ્રી સ્વામિનારાયણ ડિવાઈન મિશન પ્રકાશિત, પૃષ્ઠ-૧૬૧, વાત ૩૨૮.

ભગવાન સ્વામિનારાયણ સિવાય જગતના સર્વ આકારો માયિક ને મિથ્યા છે, એવી સમજણ કેળવી એ સર્વમાંથી આસક્તિ તોડી સમજણેયુક્ત વૈરાગ્ય કેળવી, શ્રીજીમહારાજે બાંધેલી જે ધર્મમર્યાદા, એકાદશ નિયમાદિ પાળવાં અને એકમાત્ર સર્વોપરી ભગવાન શ્રી સ્વામિનારાયણની જ ભક્તિ કરવી એ જ સાચી ભક્તિ છે. તેથી જ શ્રીહરિ અંતે આશીર્વચન દેતાં કહે છે કે:

'સૌ તમે પાળજો રે, સર્વે દૃઢ કરી મારા નેમ,

તમ પર રીઝશે રે, ધર્મ ને ભક્તિ કરશે ક્ષેમ.'

'સંત હરિભક્તને રે દીધો શિક્ષાનો ઉપદેશ'-- આ ઉપદેશ દેવાની શ્રીહરિની રીત નિરાળી છે. તેથી જ પ્રેમસખી શ્રીહરિની અમૃતવાણીને શશીયરની અમીવર્ષા સાથે સરખાવે છે. અંતમાં પદનો મહિમા સ્થાપતાં કવિ કહે છે:

'આ પદ શીખશે રે, ગાશે સાંભળશે કરી પ્યાર;

પ્રેમાનંદનો રે, સ્વામી લેશે તેની સાર.'

સંપ્રદાયના નિત્ય નિયમમાં આ ચોસરનાં ચારે પદોનો સમાવેશ વિશેષ પ્રકારે કરાયો છે અને સર્વે સત્સંગીઓના ઘરમાં પણ આ પદો ખૂબ ભાવપૂર્વક ગવાય છે.